ખલીલ ધનતેજવી : કર્ફ્યુમાં નીકળેલા ખલીલને જ્યારે પોલીસવાળો પકડીને લઈને ગયો અને પોલીસ સ્ટેશનમાં ગઝલ સાંભળી

ઇમેજ સ્રોત, ketan majmudar dooto
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
'હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી, જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.'
ખલીલ ધનતેજવીની ગઝલમાં જીવાતી જિંદગી અને વર્તમાન સમયનું પ્રતિબિંબ ઝીલાય છે એવું એમના સમકાલીનો માને છે.
'આ સોગંદનામું રજૂ કર્યા પછી મારે કશું કહેવાનું રહેતું નથી. જે રીતે જીવાયું, એ બધું એની મેળે જીવાયું અને એ રીતે જીવ્યો છું, બસ એનું આ જ સોગંદનામું.'
'સોગંદનામું' નામની આત્મકથા લખનારા ખલીલે આ રીતે પોતાના જીવનની વાત કરી હતી.
જાણીતા ગાયક જગજિતસિંઘે જેમની ગઝલ ગાઈ એ ખલીલ ધનતેજવી આગવી અદા અને એમના પહાડી અવાજથી મુશાયરામાં નવી રોનક લાવી દેતા. તેમનો 'અંદાઝે બયાં' પણ ખાસ હતો.

ચોથું ધોરણ પાસ લોકપ્રિય શાયર

ઇમેજ સ્રોત, ANIL CHAVDA
'સોગંદનામું'માં ખલીલ ધનતેજવી લખે છે- 'ચોથું ધોરણ પાસ કરીને મેં નિશાળ છોડી દીધી.'
'ભણતર છોડ્યું એ સાથે દાદાની આંગળી છોડીને બાર વર્ષની ઉંમરમાં જ બળદનાં રાસ-પરોણા હાથમાં લઈને હું હળ હાંકતો અને ખેતર ખેડતો થઈ ગયો.
'પછી તો ખેતી માટે થતાં બધાં જ નાનાંમોટાં કામો કરવા લાગ્યો. વાવણીથી માંડીને ફસલ લણતાં કે વાઢતાં સુધીનાં દરેક કામમાં પારંગત થઈ ગયો. વાવણીના સમયે તરફેણ ફૈડકો હાંકીને સીધા ચાસ કાઢવા અંગે ગામમાં પ્રશંસા થવા લાગી.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'રેલવેના પાટા જેવા સીધા ચાસ કાઢતો હતો.'
જાણીતા ગઝલકાર અને વિવેચક અને ખલીલ ધનતેજવી સાથે પારિવારિક સંબંધ ધરાવતા શકીલ કાદરી કહે છે, "ગઝલ આજે જે લોકપ્રિય કક્ષાએ પહોંચી છે એમાં આજના યુગમાં ખલીલ ધનતેજવીનો ફાળો બહુ મોટો છે."
"માનવીય મૂલ્યોને પતન થતું હોય તો પણ એ વાત ખલીલની કવિતામાં જોવા મળે છે. એમની ગઝલો લોકપ્રિય થઈ એનું કારણ એ છે કે તેમની ભાષા બહુ સરળ હતી."
"સમય પ્રમાણે એ બદલાતા રહ્યા. એમણે જીવનની હાડમારી બહુ ભોગવી હતી, વિષમ અનુભવો પણ તેમને થયા હતા. પણ એ પરિવર્તન સાથે જીવતા શીખી ગયા હતા. અને એ એમની કવિતામાં પણ વ્યક્ત થાય છે."
તેઓ કહે છે, "ભલે સાહિત્યિક દૃષ્ટિએ એ વધુ મૂલ્યવાન ન લાગે પણ સામાન્ય લોકોને સ્પર્શે એવો સમાજનો અસલી ચહેરો તેઓ ગઝલમાં સાદી રીતે રજૂ કરતા હતા."

મુશાયરામાં 'હુકમનું પાનું'

ઇમેજ સ્રોત, ketan majmudar dooto
ખલીલ ધનતેજવી મોટા ભાગે કવિસંમેલનો કે મુશાયરામાં જતા ત્યારે ગઝલ વાંચવા માટે કોઈ કાગળ કે ડાયરી રાખતા નહોતા.
તેમના અંતિમ મુશાયરાઓ સુધી પણ તેઓ મોઢે ગઝલ વાંચતા. એક પછી એક ગઝલનો અસ્ખલિત પ્રવાહ વહેતો જાય અને શ્રોતાઓ રસતરબોળ થતા જાય.
કવિ અને મનોચિકિત્સક મુકુલ ચોકસી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "એમની ગઝલોમાં પરંપરા અને નવું- બંનેને મિશ્રણ હતું. લોકપ્રિયતામાં તેઓ સૌથી ટોચ પર હતા. ખલીલ પછી કોઈ શાયર રજૂ થવાની હિંમત નહોતા કરતા."
તો કવિ અનિલ જોશી કહે છે, "ખલીલને તો જીવાતી જિંદગીનો નશો ચડ્યો હતો. જિંદગી એની પોતે જ સાકી છે. ખલીલની કવિતામાં કોઈ આધ્યાત્મિકતા નહોતી, એનો જિંદગી સાથેનો જે નાતો હતો એ જ એની મોટી સંપદા છે."
નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી
ઘાણીએ ફરતો બળદ અટકી જશે
એને કહેતા નહીં કે પૃથ્વી ગોળ છે

જ્યારે અમિતાભ બચ્ચનનાં લગ્નમાં પહોંચી ગયા

ઇમેજ સ્રોત, ANIL CHAVDA
ખલીલ ધનતેજવીએ બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનનાં લગ્નમાં પણ હાજરી આપી હતી.
જોકે અમિતાભ બચ્ચને પત્રકારોને લગ્નમાં નિમંત્રણથી વંચિત રાખ્યા હતા.
ખલીલ ધનતેજવીને પણ નિમંત્રણ નહોતું. જોકે તેઓને ખબર પડતાં તેઓ લગ્નમાં પહોંચી ગયા હતા. અને એ પછી જે વિગત લાવ્યા એ 'સિનેમા સમાચાર'ને હવાલે કરી દીધી હતી.
તેઓ આત્મકથામાં લખે છે કે 'આ પ્રસંગમાં માત્ર બે પત્રકારો ઉપસ્થિત હતાં. એક તો હું પોતે અને બીજી અંગ્રેજી સામયિક સ્ટારડસ્ટની તેજતર્રાર સંપાદિકા દેવયાની ચોબલ.'

સાદગી, સારાંશ અને સોગાતનું સોગંદનામું

ઇમેજ સ્રોત, Sogannamu book
ખલીલ ધનતેજવી સાથે ગઝલપાઠ કરનારા અને એમને ઓળખનારા કવિઓ-લેખકોનું માનવું છે એમની સાદગી પણ એમની કવિતામાં ઊતરી આવી હતી.
બિરેન કોઠારી કહે છે કે "ખલીલ ધનતેજવી ચાહકો અને સમધર્મીઓમાં પણ લોકપ્રિય હતા. એમનું વલણ એવું રહેતું કે એ કોઈની તક છીનવતા નહોતા અને હંમેશાં નવયુવાન કવિઓને પ્રોત્સાહન આપતા હતા. બધાને સ્વજન જેવા લાગતા."
તેઓ એક પ્રસંગને યાદ કરતાં કહે છે, "અમદાવાદમાં વિવિધ ભારતી પર ગુજરાતી ફિલ્મોની અંગેની સિરીઝ ચાલતી હતી. હું વડોદરામાં હતો અને મારે ખલીલ ધનતેજવીનો ઇન્ટરવ્યૂ લેવાનો હતો. ઇન્ટરવ્યૂ માટે મેં ખલીલભાઈને વાત કરી અને એમને આવવા-જવા માટેના વાહનની વ્યવસ્થાનું કહ્યું. તો ખલીલે મને કહ્યું કે વાહન-બાહનની કોઈ જરૂર નથી, તું બાઇક લઈને આવી જા. આપણે બંને બાઇક પર જતા રહીશું. આ હતી તેમની સરળતા. કોઈ પણ પરિચય વિના તેમણે આ વાત કરી હતી. એમની સાદગી આપણને અનાયાસ લાગે."

જ્યારે પોલીસવાળાએ ખલીલ પાસે ગઝલ સાંભળી

ઇમેજ સ્રોત, om communication
ખલીલ ધનતેજવી આત્મકથામાં લખે છે કે 1991ના સપ્ટેમ્બરની 28 તારીખે 56 વર્ષની વયે તેમને ઍટેક આવ્યો હતો.
એ પછી તેમને પાંચ વાર ઍટેક આવ્યા હતા અને ત્રણ વાર ઍન્જિયોપ્લાસ્ટિ કરાવી હતી.
ખલીલ ધનતેજવી 1982ના અનામતવિરોધી આંદોલનને યાદ કરતો એક પ્રસંગ લખે છે :
હું ઑફિસથી પાછો ઘરે જઈ રહ્યો હતો. સ્કૂટર પંકચર હતું અને કર્ફ્યુને કારણે કોઈ ગૅરેજવાળો મળે એવી સ્થિતિ નહોતી.
હું સૂમસામ રોડ પર ચાલતો જઈ રહ્યો હતો. પાછળથી પોલીસની જીપ આવતી હોવાનું મને લાગ્યું અને હું રોડની વચ્ચેથી ખસીને રોડની એક બાજુ ચાલવા લાગ્યો.
પોલીસવાળો તાડુક્યો.
'બગીચામાં ફરવા નીકળ્યા હો એમ તમે તો ફરો છો ને?'
'હું ઑફિસથી ઘરે જઈ રહ્યો છું.'
'પણ કર્ફ્યુ લાગ્યો છે એની તમને ખબર નથી?'
'ખબર છે.'
'છતાં તમે નીકળી પડ્યા?'
'મારી પાસે કર્ફ્યુ પાસ છે.'
'એમ? દેખાડો.'
મેં એને કર્ફ્યુ પાસ દેખાડ્યો. પાસ પોતાના હાથમાં લઈને ત્રણ વાર પાસને જોયો અને ત્રણ વાર મારી તરફ જોયું. પછી એ બોલ્યો- 'ચાલો, ગાડીમાં બેસી જાવ.'
'પણ ભલા માણસ, મારી પાસે કર્ફ્યુ પાસ છે તો પણ-'
'હા, તો પણ.'
'કેમ એવું?'
'એ બધું હું તમને પછી સમજાવીશ. તમે ગાડીમાં બેસો.'
પોલીસ મને ઉપાડી જવાની જિદ લઈને બેઠો. મને પણ થયું કે ગાડીમાં બેસવાની ના પાડીશ તો બે ચાર ડંડા મારશે. એના કરતાં બેસી જ જવા દે. એની જીપમાં. અને હું બેસી ગયો.
એ મને પોલીસ સ્ટેશન લઈ ગયો. છેક એની કૅબિનમાં લઈ ગયો. મને એની સામે બેસાડ્યો. પછી કૉન્સ્ટેબલને બોલાવીને પાણી અને ચા લઈને આવવા કહ્યું. પછી મને કહ્યું, 'હા, ખલીલસાહેબ! સરસ મઝાની ગઝલ સંભળાવો.'

જીવાતી જિંદગીની વાત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
શકીલ કાદરી કહે છે, "ગુજરાતીમાં ગઝલની થતી અવગણનામાં ગઝલને સ્થાપિત કરવામાં એમની બહુ મહત્ત્વની ભૂમિકા રહી છે."
"ખલીલ ધનતેજવીને સૌથી પહેલી પંક્તિ જાણીતા ગઝલકાર અઝીઝ કાદરી (શકીલ કાદરીના પિતા)એ આપી હતી અને તેઓ મુશાયરાઓમાં પણ ઘણી વાર તેનો ઉલ્લેખ કરતા હતા."
શકીલ કાદરી અનુસાર, ખલીલે શરૂઆત ઉર્દૂથી કરી હતી. એ સમયે ખલીલ સમકાલીન કવિઓની જેમ ન સમજાય એવી દુર્બોધ કહેવાય એવી શૈલીમાં લખતા હતા.
"પણ પાછળથી 1970-75 પછી તેમની ઉર્દૂ ગઝલોમાં ઘણો બદલાવ આવ્યો હતો, સરળતા આવી હતી."
શકીલ કાદરી કહે છે, "પત્રકાર હોવાને કારણે તેઓ ભાષામાં સરળતા રાખતા હતા અને એનો તેઓએ શાયરીમાં પણ ઉપયોગ કર્યો હતો. શબ્દોની પસંદગી અને વિષયની પસંદગી. અને સરળતા છતાં પણ નાવિન્ય એ એમનો ગુણવિશેષ હતો."
અનિલ જોશી બીબીસી સાથેની વાતમાં કહે છે, "જ્યારે ગઝલમાં પરંપરાનો યુગ ચાલતો ત્યારે એ સમયે ખલીલ ધનતેજવીએ પરંપરાથી પ્રભાવિત થયા વિના પોતાની જે મનોવ્યથા હતી, મથામણ હતી એ ઠાલવી. એ પ્રવાહથી અળગા રહીને ચાલ્યા હતા."
"કેટલાક વિવેચકો ખલીલની કવિતામાં છિદ્રો શોધતા હોય છે. ખલીલની ગઝલોમાં છિદ્રો શોધનારા અનેક સમકાલીનો હોઈ શકે. પણ મારી એક સાદી સમજ છે કે પોલા વાંસમાં જ્યારે છિદ્રો હોય ત્યારે જ એ વાંસળી બને છે."
"ખલીલ ધનતેજવીએ છિદ્રોને બારી બનાવીને જીવતી જિંદગીનાં યથાર્ય દર્શન કર્યાં છે."
ખલીલ ધનતેજવી એમની એક ગઝલમાં કહે છે-
હા, વિવેચક છો તમે જાણું છું હું,
પણ જરા આઘા ઘસો, રસ્તો કરો.
આપ છો ભાષાભવનના માસ્તર
લો, જરા ટહુકાનો તરજુમો કરો
આમ, શબ્દો સાથેનો તેમનો નાતો માત્ર ગઝલને લીધે નથી. પણ સાહિત્યના અન્ય આયામોમાં પણ એમણે વિહાર કર્યો છે.

15 વર્ષ સુધી ગઝલથી છેટા રહ્યા

ઇમેજ સ્રોત, om communication
'સોગંદનામું'માં તેઓ લખે છે, 'દરેક વળાંકે મને નવું જગત પ્રદાન કર્યું છે. કોઈ પણ વળાંક મને 'પાછો વળ' કહેવાને બદલે આગળ વધવાની પ્રેરણા આપી છે. નવો ઉમળકો અને નવી શક્તિ પણ આપી. દાતરડાથી કલમ સુધી અને કલમથી કૅમેરા સુધીના મારા આ પ્રવાસમાં સૌપ્રથમ પગથિયાનું નામ છે કવિતા.'
વડોદરાથી અંદાજે 45 કિમી દૂર આવેલા ધનતેજ ગામમાં કવિ ખલીલ ધનતેજવીનો જન્મ 12 ડિસેમ્બર, 1935માં થયો હતો.
ખલીલ ધનતેજવી 1970થી 1985 સુધી ગઝલથી દૂર રહ્યા હતા. એ દરમિયાન તેઓ સિનેમા સમાચાર (વિકલી) અને રેશમા (માસિક)માં કામ કરતા રહ્યા.
અને 15 વર્ષથી પછી તેઓ ગુજરાતી ગઝલ પાસે પહોંચ્યા હતા. એ પછી તેઓ સતત ગુજરાતી ગઝલકારો અને ચાહકોનો પ્રેમ મેળવતા રહ્યા.
ખલીલ લખે છે કે તેમની ગઝલસર્જનની પ્રવૃત્તિ 1960થી શરૂ થઈ હતી. એ પછી 40 વર્ષ પછી 2001માં પ્રથમ બે ગઝલસંગ્રહ શાયદ (હિંદી) અને સાદગી (ગુજરાતી)માં પ્રસિદ્ધ થયા હતા.
છેલ્લે તેમની 952 ગઝલનો સંગ્રહ 'સમગ્ર' પ્રગટ થયો હતો.

પેઢીનામાથી સોગંદનામા સુધી
ખલીલ ધનતેજવીને મુશાયરાઓ મળતાં તેઓએ 1990માં સ્વેચ્છાએ નોકરી છોડી દીધી હતી.
એક જગ્યાએ પેઢીનામું લખવાથી તેમણે નોકરીની શરૂઆત કરી હતી. પત્રકારત્વમાં લાંબા સમય સુધી નોકરી કરી.
એમણે 1960ની આસપાસ એક 'સાવલી સાપ્તાહિક' શરૂ કર્યું હતું. તેઓએ ગઝલ ઉપરાંત નવલકથા, નાટક, ફિલ્મોમાં પટકથા-સંવાદ-ગીતો પણ લખ્યાં હતાં.
તેઓએ 'સુંવાળો ડંખ', 'ડૉ. રેખા', 'સફેદ પડછાયા', 'સળગતો બરફ' સહિત અનેક નવલકથાઓ, 'સાદગી', 'સારાંશ', 'સોગાત', 'સૂર્યમુખી', 'સાહ્યબા' વગેરે ગઝલસંગ્રહો તેમજ નાટકો અને ફિલ્મોની પટકથાઓ-સંવાદો, ગીતો લખ્યાં.
અત્રે ઉલ્લેખનીય છે કે તેમનું વર્ષ 2019માં નરસિંહ મહેતા ઍવૉર્ડથી પણ સન્માન કરાયું હતું.

'ખબર નહોતી હું ગઝલકાર બનીશ'
ખલીલ ધનતેજવીએ અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "મેં ખેતરમાં દાતરડાથી ચારો વાઢ્યો છે. હું ઢોર ચારતો, ચારાનો ભારો માથે ઉપાડીને ઘરે આવતો- આ સમયે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું પત્રકાર બનીશ કે નવલકથાકાર બનીશ કે ગઝલકાર બનીશ."
"હું 27 રૂપિયા લઈને મારા ગામ ધનતેજથી વડોદરા આવ્યો હતો. મારાં માતા રાજી નહોતાં. છેવટે ઘણી સમજાવટ પછી માતા તૈયાર થયાં."
તેઓ કહે છે, "હું લખતો હોઉં ને માતા કોઈ વાર આવે તો કહે કે આમ તું આખો દિવસ ઊંઘું ઘાલીને આંખો ફોડ્યા કરે છે એના કરતાં તો કંડકટર થઈ ગયો હોત તો..."
"મેં કહ્યું કે કંડકટર શું કામ, તો કહે કે સરકારી નોકરી ન કહેવાય?"
"હું જે કમાયો, પ્રસિદ્ધિ મેળવી એની માતાને કોઈ કિંમત નહીં, પણ હું કંડકટર ન બન્યો એનો એમને વસવસો રહી ગયો."
ખલીલ ધનતેજવી ભલે માત્ર ચોથું ધોરણ ભણ્યા હોય પણ તેમનાં સંતાનોને તેમણે ઉચ્ચ શિક્ષણ આપ્યું હતું.
તેઓ કહે છે કે "મારાં બધાં છોકરાં ગ્રેજ્યુએટ છે. મારી દીકરીએ પણ પીએચ.ડી. કર્યું છે. મારા ઘરમાં બધાં ભણેલાં છે. હું એકલો જ અભણ છું."
હળવી શૈલીમાં માર્મિક વાત કહેનારા ખલીલભાઈ તેમની એક રચનામાં જિંદગી વિશે લખે છે...
"વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે'જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે'જે મને"

ખલીલ ધનતેજવીના યાદગાર શેર
મેં અબ રાશન કી કતારોં મેં નજર આતા હૂં, અપને ખેતોં સે બિછડને કે સજા પાતા હૂં
લે મારી જાત ઓઢાડું તને
સાયબા શી રીતે સંતાડું તને
ઘર સુધી તું આવવાની જીદ ન કર
ઘર નથી, નહિતર હું ના પાડું તને
ફૂલ છું, ચાહો તો ડાળીથી તોડી લો મને
પણ પ્રથમ જોઈ લો ઘરમાં ફુલદાની છે કે નહીં
કોઈનાં પગલાંમાં ડગ ભરતો નથી
હું મને ખુદને અનુસરતો નથી
શ્વાસ પર જીવી રહ્યો છું તે છતાં
હું ભરોસો શ્વાસનો કરતો નથી

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















