ભગતસિંહ પર ઝવેરચંદ મેઘાણીએ જ્યારે કવિતા લખી

ભગતસિંહ

ઇમેજ સ્રોત, PROVIDED BY CHAMANLAL

ઇમેજ કૅપ્શન, વર્ષ 1927માં ભગતસિંહની પહેલી વખત ધરપકડ થઈ ત્યારની તસવીર
    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

23 માર્ચ 1931ના દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોર ષડ્યંત્ર કેસમાં ફાંસી અપાઈ હતી. આજે પણ 1931માં આ ત્રણ ક્રાંતિકારીઓને અંજલિ આપવા માટે હજારો લોકો હુસૈનીવાલા સ્થિત એમના સ્મારકે પહોંચે છે.

ભગત સિંહનો જન્મ લયાલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો. જે આજે પાકિસ્તાનમાં છે.

'શહીદ-એ-આઝમ'નું બિરુદ જેમને મળ્યું હતું એ ભગતસિંહને ફાંસી થઈ એના બીજા દિવસે 24 માર્ચે ઝવેરચંદ મેઘાણીએ અંજલિ આપતી કવિતા 'ફૂલમાળ' લખી હતી.

આ કવિતામાં મેઘાણી ભગતસિંહ માટે 'તરસ્યોયે નો'તો રક્તનો' લખે છે.

જે ભગતસિંહ અને તેમના સાથીઓએ સૅન્ડર્સનો વધ કર્યો હતો અને ઍસેમ્બલીમાં બૉમ્બ ફેંક્યો હતો, એ ભગતસિંહ માટે મેઘાણી કેમ આવું લખે છે?

તમે આ વાંચ્યું કે નહીં?

line

ફાંસી નહીં ફૂલની માળા

ભગતસિંહ

ઇમેજ સ્રોત, BBC/PUNEET

"વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ;

પે'રીને પળ્યો પોંખણે હો…જી"

1931માં ફાંસી થઈ એ વખતે જ ઝવેરચંદ મેઘાણી આ પંક્તિઓ 'ફૂલમાળ' કવિતામાં લખી હતી. આ કવિતા થકી મેઘાણીએ ભગતસિંહને અંજલિ આપી છે.

એમ એસ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ભરત મહેતા કહે છે, "મેઘાણીએ આ કવિતા એ સમયે 'ફૂલછાબ'ના તંત્રીલેખ તરીકે લખી હતી. એ દિવસે મેઘાણીએ ગદ્યમાં તંત્રીલેખ ન લખ્યો, આ કવિતા લખી."

તેઓ કહે છે, "ભગતસિંહની ફાંસીને 'ફૂલમાળ' એટલે ફૂલની માળાનું પ્રતીક આપે છે. એના દ્વારા મેઘાણી સૂચવે છે કે આપણે આવા ક્રાંતિકારીઓની શહાદતે રડવાના બદલે શહાદતની ઉજવણી કરવી જોઈએ."

મેઘાણીએ ભગતસિંહના સાથી જતીન્દ્રનાથ દાસને પણ અંજલિ આપી હતી. ભગતસિંહ સાથે જેલમાં કરેલી ભૂખહડતાલ બાદ તેમનું મૃત્યુ થયું હતું.

તેમને અંજલિ આપતાં મેઘાણીએ 'વીર જતીન્દ્રનાં સંભારણાં' કવિતા લખી હતી.

અંજલિ આપતાં લખે છે:

"વેગડી જાઓ રે અશ્રુની વાદળી!

વીરનાં તેજને નવ રહો આવરી

નીરખવા દો મુને લાખ નયનો કરી,

આહુતિ-જ્વાલ એ બાલની અણઠરી"

line

ઍસેમ્બલી બૉમ્બકાંડ અને સૅન્ડર્સની હત્યા

બૉમ્બ

ઇમેજ સ્રોત, WWW.SUPREMECOURTOFINDIA.NIC.IN

ઇમેજ કૅપ્શન, ઍસેમ્બલી બૉમ્બકાંડમાં લાહોર સીઆઈડીએ આ બૉમ્બ જપ્ત કર્યો હતો.

ભગતસિંહ અને તેમના સાથીઓને સશસ્ત્ર ક્રાંતિકારી ગણવામાં આવતા હતા, તેઓ પોતાને બિનસમાધાનકારી પરંપરાના ક્રાંતિકારી કહેતા હતા.

1928માં સાઇમન કમિશનના વિરોધમાં યોજાયેલા પ્રદર્શનમાં ભગતસિંહ પણ હતા. બ્રિટિશ પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીઓ વરસાવી હતી, જેમાં ઘાયલ થયેલા લાલા લજપતરાયનું 17 નવેમ્બર 1928ના દિવસે મૃત્યુ થયું હતું.

લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવા માટે 17 ડિસેમ્બરે સૅન્ડર્સની આયોજનપૂર્વક હત્યા કરાઈ હતી.

ભગતસિંહ અને તેમના સાથી બટુકેશ્વર દત્તે 8 એપ્રિલ 1929ના દિવસે ઍસેમ્બલીમાં બૉમ્બ ફેંક્યો હતો.

આ ઘટના વખતે પત્રિકામાં વૅલિયાનું વિધાન ટાંકે છે, "બહેરાઓને સંભળાવવા માટે ઊંચા અવાજની જરૂર હોય છે."

પણ આ ભગતસિંહ માટે મેઘાણી 'ફૂલમાળ' કાવ્યમાં લખે છે -

"વીરા ! તારે નો'તા રે દોખી ને નો'તા દાવ;

તરસ્યોયે નો'તો રક્તનો હો…જી"

જે માણસે સૅન્ડર્સની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું, જેમણે ઍસેમ્બલીમાં બૉમ્બ ફેંક્યો, એમના માટે મેઘાણી આવું કેમ કહે છે?

એના જવાબમાં ડૉ. ચમનલાલ કહે છે, "મેઘાણીની લાગણી સાચી છે. સૅન્ડર્સનો વધ કરવાનું કૃત્ય લાલા લજપતરાયની હત્યાના વિરોધમાં હતું. બૉમ્બ પણ સ્મોક બૉમ્બ હતો, જે સામ્રાજ્યવાદ સામે વિરોધનું પ્રતીક હતું."

તેઓ કહે છે, "ભગતસિંહ અને બટુકેશ્વરે એ રીતે બૉમ્બ ફેંક્યો હતો કે કોઈને ઈજા પણ ન થાય. આ સાંકેતિક પગલું હતું. એ લોકો વ્યક્તિની હત્યાના વિરોધી હતા. પણ તેઓ ક્રાંતિમાં રક્તપાતના વિરોધી નહોતા."

line

'ભગતસિંહ પ્રખર માનવતાવાદી'

ઍસેમ્બલી બૉમ્બકાંડ

ઇમેજ સ્રોત, WWW.SUPREMECOURTOFINDIA.NIC.IN/BBC

ઇમેજ કૅપ્શન, એસેમ્બ્લી બોમ્બ કેસમાં ભગતસિંહ વિરુદ્ધ ઉર્દૂમાં લખવામાં આવેલો એફઆઈઆર

પ્રો. ભરત મહેતા કહે છે, "ભગતસિંહ અને તેમના સાથીઓ પ્રખર માનવતાવાદી હતા, જે અંગે તેમણે પોતે કોર્ટમાં નિવેદન આપતી વખતે કહ્યું છે. તેમણે એવા પોસ્ટર્સ પણ લગાવ્યા હતા."

"ભગતસિંહ પોતાના લેખમાં એવું પણ સમજાવે છે કે 'ક્રાંતિ' અથવા 'માર્ક્સવાદ' એટલે હિંસા નહીં."

તેઓ આગળ કહે છે, "ભગતસિંહે ઘણો અભ્યાસ કર્યો હતો, તેઓ ક્રાંતિકારીની સાથે એક વિચારક પણ હતા, તેમના પર માર્ક્સવાદ અને રશિયન ક્રાંતિનો પ્રભાવ હતો."

ઍસેમ્બલી બૉમ્બકાંડના કેસની સુનાવણી વખતે ભગતસિંહે આપેલું નિવેદન 'ભગતસિંહ ઔર ઉનકે સાથિયો કે સમ્પૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેજ' પુસ્તકમાં સત્યમે સંપાદિત કર્યું છે.

આ નિવેદનમાં ભગતસિંહ કહે છે, "માનવજીવનને અમે અત્યંત પવિત્ર માનીએ છીએ. અન્ય કોઈને ઈજા પહોંચાડવાના બદલે અમે માનવજાતની સેવા કરતાં-કરતાં પોતાના પ્રાણ વિસર્જિત કરી દઈશું."

"અમે આ બૉમ્બને સરકારી કક્ષમાં પણ ફેકી શક્યા હોત જે વિશેષ વ્યક્તિઓથી ખચોખચ ભરેલો હતો. અમે જૉન સાઇમનને પણ નિશાન બનાવી શક્યા હોત, પણ અમે એવું નથી કર્યું"

line

ઍસેમ્બલી બૉમ્બકાંડ અને ગાંધીજીની નારાજગી

ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત

ઇમેજ સ્રોત, WWW.SUPREMECOURTOFINDIA.NIC.IN

ઇમેજ કૅપ્શન, જેલમાં ભગતસિંહે કરેલી હડતાળના પોસ્ટર છપાયા હતાં.

ભગતસિંહ અને તેમની પ્રવૃત્તિ અંગે બીજો મત પણ પ્રવર્તે છે. ઍસેમ્બલી બૉમ્બકાંડ બાદ ગાંધીજીએ 'યંગ ઇન્ડિયા'માં 'બૉમ્બની ઉપાસના' નામથી લેખ લખ્યો હતો.

આ લેખમાં ગાંધીજીએ ભગતસિંહ અને તેમના સાથીઓના કૃત્યની નિંદા કરી હતી.

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહ આ વિશે કહે છે, "ગાંધીજી આ પ્રકારના કૃત્યોની તરફેણમાં ક્યારેય નહોતા. મદનલાલ ઢીંગરાએ કર્ઝન વાયલીની હત્યા કરી હતી, તેની પણ ગાંધીજીએ નિંદા કરી હતી. ભગતસિંહની પણ તેઓ ટીકા કરતા હતા."

પ્રકાશ ન. શાહ ભગતસિંહ વિશે કહે છે, "બૉમ્બ ફેંકવો એ શો-કૉઝ નોટિસ જેવું હતું. ફિલૉસૉફી ઑફ રિવેન્જિંગ હતું."

"તેમનો ઇરાદો કોઈને ઘાયલ કરવાનો નહોતો એટલે મેઘાણી આવું પ્રતીક વાપરે છે."

ભગતસિંહની ફાંસી સંદર્ભે વાત કરતાં શાહ કહે છે, "એ જ ગાંધીજીએ તો ભગતસિંહને ફાંસી ન થાય એ માટે ઇર્વિનને કહ્યું પણ હતું, એ માગ એટલી તીવ્ર હતી કે આ અંગે ઇર્વિને પોતાની ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો."

line

'ક્રાંતિની ધાર વિચારોથી તેજ થાય છે'

ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત

ઇમેજ સ્રોત, PROVIDED BY CHAMANLAL

ઇમેજ કૅપ્શન, ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનું જૂનું ચિત્ર, જેને તાજેતરમાં જલંધર દેશભક્ત સ્મારકમાં લાવવામાં આવ્યું હતું

કોર્ટમાં ભગતસિંહને પૂછ્યું હતું કે તમારા માટે ક્રાંતિનો શું અર્થ છે?

ભગતસિંહે આપેલો જવાબ 'ભગતસિંહ ઔર ઉનકે સાથીયો કે સમ્પૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેજ' પુસ્તકમાં સમાવ્યો છે.

ભગતસિંહ જવાબ આપતાં કહે છે, "ક્રાંતિ બૉમ્બ અને પિસ્તોલનો સંપ્રદાય નથી. 'ક્રાંતિ'થી અમારો અર્થ 'અન્યાય આધારિત સમાજ વ્યવસ્થામાં સંપૂર્ણ પરિવર્તન' એવો છે."

"સમાજનું પ્રમુખ અંગ હોવા છતાં કામદારોને તેમના અધિકારોથી વંચિત રાખ્યા છે અને તેમની કમાણીનું ધન શોષક મૂડીવાદી હડપી જાય છે. અન્નદાતા ખેડૂત આજે પોતાના પરિવાર સાથે દાણેદાણા મટે મોહતાજ છે."

"દુનિયાને જે કપડું આપે છે એ વણકર પોતાનું કે પોતાનાં બાળકોનું શરીર પણ ઢાંકી નથી શકતો... દેશને સંપૂર્ણ પરિવર્તનની જરૂર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો