ઝવેરચંદ મેઘાણીએ બહારવટિયાઓને ભવ્ય દર્શાવવાની કોશિશ કરી હતી?

ઇમેજ સ્રોત, BBC/Puneet Barnala
- લેેખક, બળવંત જાની
- પદ, બીબીસી ગુજરાતી માટે
મેઘાણીતિથિ નિમિત્તે ઘણાં વર્ષો પહેલાં ડૉ. વિદ્યુત જોશી ભાવનગર યુનિવર્સિટીમાં કુલપતિપદે હતા ત્યારે મેઘાણીજયંતીના ઉપલક્ષ્યમાં ને 'લોકજીવનની બે પરંપરાઓ: સંતો અને બહારવટિયા' વિષયથી અભ્યાસલેખ રજૂ કરવાનું બન્યું હતું એ પ્રસંગ સ્મરણે ચઢે છે.
મેઘાણી આજ સુધી મારા અભ્યાસનો વિષય રહ્યા છે.
વચ્ચે અકાદમી તરફથી મેઘાણી સાહિત્યનું પુનઃપ્રકાશન થતું હતું ત્યારે મેં સૂચવેલું કે 'સૌરાષ્ટ્રની રસધાર'માંની પાંચ-છ બહારવટિયાકથાઓ હવે 'સોરઠી બહારવટિયા'માં આમેજ કરી લેવી જોઈએ. મારા મનમાં 'અભો સોરઠિયો', 'હીપો ખુમાણ', 'સંઘજી કાવેઠિયો' અને 'વરજાંગ ધાધલ' જેવાં પાંચ-છ નામો હતાં.
'સોરઠી બહારવટિયા'માં ગ્રંથસ્થ ઉપરાંત 'સૌરાષ્ટ્રની રસધાર'માંથી બહારવટિયાકેન્દ્રીકથાઓ મેળવીને પુનઃવાચન આરંભ્યું. પણ પુનરવ એકલિયો અપ્રકાશિત લખાણ મેળવીને અભ્યાસ કરવાનું તો રહી જ ગયું.
અહીં કથા આલેખક મેઘાણીનાં તથ્યો અને તત્ત્વ નિર્દેશવા માટે બહારવટિયાકથાઓના સાહિત્યિક સ્વરૂપ સંદર્ભે, બહારવટિયા ચરિત્રોનાં અનૈતિક કૃત્યો સંદર્ભે, બહારવટિયાકથાઓ વિશે પુરોગામી દ્વારા થયેલી દિશાભૂલ સંદર્ભે અને બહારવટિયાકથાઓની વ્યક્તિમત્તાનાં તથ્ય સંદર્ભે એમ ચાર પ્રકારની વિગતોને અનુસંગે મારી સ્થાપના પ્રસ્તુત કરવાનો ઉપક્રમ સેવ્યો છે.

ઇમેજ સ્રોત, JHAWERCHANMEGHANI.COM
જે રીતે ઇન્દુલાલ ગાંધી, કવિ કાગ, મેઘાણી, પીંગળશી પાતાભાઈ, બોટાદકર, જીતુદાન, તખતદાન, ઇત્યાદિ દ્વારા રચાયેલી લોકપરંપરામાં પ્રચલિત બનીને લોકકંઠ, રાસરૂપે કે સ્વતંત્ર રીતે ગવાતી રહેલી ગીતરચનાઓને આપણે લોકગીત તરીકે મૂલવીને લોકગીત સ્વરૂપના સંચયમાં સમાવિષ્ટ કરતા નથી તે રીતે મેઘાણીની લોકકથાનકશ્રયી કથાઓને શુદ્ધ લોકકથા સ્વરૂપે અવલોકવાની ન હોય.
આમાં 'સૌરાષ્ટ્રની રસધાર'ના પાંચ ખંડો અને 'સોરઠી બહારવટિયા'ના ત્રણ ખંડો મારી દૃષ્ટિએ લોકકંઠે, કંઠસ્થ પરંપરાના ઇતિહાસરૂપે સમાજમાં કોઈ વ્યક્તિએ અસાધારણ ઘટના પ્રસંગ પ્રગટાવ્યો હોય એને બનાવ-કિસ્સા તરીકે એમના લોકકંઠે નિવાસ કરાવ્યો હોય, પછી એ ખ્યાત કિસ્સા-પ્રસંગ વિશે કોઈએ દુહા-ગીત કે કવિતા-રાસડાઓ રચ્યાં હોય એ પણ સ્વતંત્ર રૂપે પ્રચલિત બન્યા હોય.
આવી અમુક વર્ગ, વિસ્તાર કે વ્યક્તિમાં સીમિત રહેલા પ્રસંગ-સ્ટ્રાઇકિંગ ઇમેજને કારણે પ્રજામાં-લોકસમૂહમાં પ્રચલિત બનીને વહેતો હોય એ મેઘાણીને ચારણ, બારોટ અને અન્ય દ્વારા પ્રાપ્ત થયો હોય, એને મેઘાણીએ પોતિકા આગવી દૃષ્ટિકોણથી, વર્ણનકલાના સિંજારવથી અને તળપદી સંસ્કૃતિની ઉદ્ઘાટક બોલીઓના શબ્દોથી સભર આગવી આલેખન શૈલીથી પ્રભાવક રૂપનું પોત ધારણ કરાવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમાં મેઘાણીની લોકસાંસ્કૃતિક અભિજ્ઞતા લોકજીવનની માનસિકતાના પ્રભાવક સ્ટ્રાઇકિંગ મુદ્દા ભણી અને સર્વાંગસુદર સંસર્જનાત્મક રચના દ્વારા પ્રાપ્ત થઈ એને હું જનરેટિવ ટેસ્ટ આવા કારણથી ગણું છું.
એને હસુ યાજ્ઞિક લોકકથાનું લિખિત રૂપ બાંધવાનો વિશિષ્ટ હેતુ તરીકે ઓળખાવીને દંતકથાઓને વણી લઈને રચેલી કથાઓ ગુજરાતી લોકકથાની આધુનિક સંપાદિત-લિખિત 'મેઘાણી શૈલી' તરીકેની ઓળખ આપીને પછી પણ શુદ્ધ લોકકથા તો 'દાદાજીની વાતો', 'ડોશીમાની વાતો', 'રંગ છે બારોટ' અને 'કંકાવટી ભાગ-1,2ને ગણાવે છે.

ઇમેજ સ્રોત, JHAWERCHANDMEGHANI.COM
'મેઘાણી શૈલી'ની મોટી મર્યાદા એ હતી કે એમની લોકકથાની આલેખનરીતિમાં ચારણી, બારોટી, નાથબાવા કે તુરી જેવી વાર્તાકથનની શૈલીએ દુહા, કવિતા, છંદો અને વર્ણનોથી વાતકથનને શણગારવાનું તથા નવલિકાના સ્વરૂપની રોચક આરંભ, ચમત્કૃતિસભર અંતને કથનકળામાં અપનાવીને લોકબોલીની તળપદી છાંટ પાત્રોના મુખે આલેખીને પોતાની સર્જનાત્મક શક્તિ અને લોકમાંથી મેળવેલ તળપદું-લોકસાંસ્કૃતિક કથાનક ઉપર લોકકથાનું મંડાણ કર્યું....
આથી 'સોરઠી બહારવટિયા'ની આ કથાઓ વ્યક્તિકૃત વાર્તાઓ તરીકે ઓળખાવવાનું વલણ અભ્યાસીઓએ અપનાવ્યું. લોકકથા સંપાદિત કરવાનું મેઘાણીનું સર્જનાત્મક સંશોધાત્મક વલણ મૂળ દસ્તાવેજી વિગતને દૂષિત બનાવનારું ગણાયું.
લોકકથાના દસ્તાવેજી કથાનકનાં કથનમાં એના આલેખકે કશું પોતાનું ઉમેરવાનું ન હોય. કલ્પનાનું આંશિક ઉમેરણ કે શૈલીતત્ત્વ પ્રવેશે એટલે અશાસ્ત્રીય સંપાદન જ ગણાય. આરંભ, મધ્ય કે અંત પણ આઘા-પાછા, આડા-અવળા કરવાના ન હોય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
Re-told અને Re-write પુનઃકથન અને પુનઃઆલેખન એમ લોકકથાઆલેખનની બંને પદ્ધતિઓ મેઘાણીએ અપનાવી.
'રંગ છે બારોટ', 'ડોશીમાની વાતો', 'દાદાજીની વાતો' અને 'કંકાવટી'માં Retold પુનઃકથન છે. જ્યારે 'સૌરાષ્ટ્રની રસધાર' અને 'સોરઠી બહારવટિયાઓ'માં Re-write પુનઃઆલેખન છે.
આ બંને પરંપરા વિશ્વની લોકકથા આલેખન સંદર્ભે પ્રચલિત છે. Re-told પુનઃકથનનું પણ આગવું સ્વરૂપ કહેવાતી કથાના ધ્વનિમુદ્રિત પાઠને કશા પણ ઉમેરણ વગર યથાતથ લિખિત રૂપે આલેખવાનું રૂપ શુદ્ધ સંપાદન ગણાય.

ઇમેજ સ્રોત, UNIVERSAL HISTORY ARCHIVE/UIG VIA GETTY I
લોકકથાના કથક પોતે જ આલેખન કરે એ પણ શુદ્ધ સ્વરૂપનું સંપાદન ગણાય. શાંતિભાઈ આચાર્ય, કાનજી ભુટા બારોટ, દરબાર પૂંજાવાળા અને બાપલભાઈ ગઢવી વગેરે એનાં દૃષ્ટાંત તરીકે નિર્દેશી શકાય.
આમ 'સોરઠી બહારવટિયા' સંચયની કથાઓના સંપાદનલક્ષી વિભાવના સંદર્ભે જયમલ્લ પરમાર, હસુ યાજ્ઞિકનાં મંતવ્યો અને મારું મંતવ્ય અહીં પ્રસ્તુત કરેલ છે. બહારવટિયાકથાઓ Re-write પુનઃ આલેખન પામેલ કથાઓ છે.
કેટલાક બહારવટિયાઓનાં કેટલાંક અપકૃત્યોનું તથ્ય તપાસતા એમાંથી અનૈતિક તત્ત્વ દૃષ્ટિગોચર થયા વિના રહેતું નથી. ભીમો જત બહારવટે ચડ્યો છે ગોંડલ સ્ટેટ સામે, અને જૂનાગઢ સ્ટેટનું ગામ લૂંટે છે.
બીજું નિરપરાધ ગણોદ દરબારની હત્યા કરી અને ત્રીજું ભરનિદ્રામાં નિદ્રાધીન સંધી યુવાનને રહેંસી નાખ્યો, કારણ માત્ર એટલું જ કે એમનો એક સંધી યુવાન ફૂટેલ-ખૂટલ નીવડેલો, એ કારણે સમગ્ર સંધી જ્ઞાતિ પરત્વે ક્રૂરતા દાખવવી એ ભીમા જતની અનૈતિક પ્રવૃત્તિઓનું વરવું દૃષ્ટાંત છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આવું જ ઉદાહરણ બહારવટિયો બાવાવાળો પણ છે. એણે કરેલા નિર્દય, ઘાતકી અને અમાનુષી કૃત્યો એની ધર્મ પરાયણ વ્યક્તિમત્તાથી વિરુદ્ધ કુકર્મો છે. એ બધા ઘાતકી અપકૃત્યોનું તથ્ય કે તથ્ય બિલકુલ નૈતિક નથી.
ગ્રાંટસાહેબ જેવા અંગ્રેજ અમલદારને તાવની બીમારી વચ્ચે ગીરમાં કેદ કરીને રઝળાવે. હરસુર વાળા પરત્વે કૃપાદૃષ્ટિ રાખવાનું ભોજાનું વિનંતી વાક્ય તિરસ્કારે.
પોતાની પત્ની કોઈ અન્ય વ્યક્તિનો સાથે લઈને લઈને બાવાવાળાને મળવા માટે આવે અને એની હત્યા કરી નાખે, એ બધું એના શંકાશીલ માનસની વિકૃતિ-ક્રૂરતા-નિર્દયતાનાં પરિયાચક છે.
આવાં સામૂહિક હત્યાનાં દૃષ્ટાંતો પણ મેઘાણીએ એમાં આલેખેલ છે.

ઇમેજ સ્રોત, PHOTO12/UIG/GETTY IMAGES
સૂફી-ફકીરોના ઘોડા ચરખા ગામની સીમમાંથી પકડીને પચાવી પાડતો વાલો નામોરી પણ ઐનિતક આચરણ કરતો અવલોકવા મળે છે. ચાંપરાજ વાળાનું સન્મિત્ર સામતની હત્યાનું કાર્ય પણ અનૈતિક જ જણાય છે. એટલે બહારવટિયા નૈતિકતા અને જીવનમૂલ્યોને જીવન જાળવનારા હતા એ સર્વાંગે સાચું નથી. અનેકનાં બીજાં આવાં અનૈતિક દૃષ્ટાંતો પ્રાપ્ત છે.
- "બહારવટિયાની કથા પરત્વે મેઘાણીના હાથમાં બહુધા ચારણ કથિત કથાઓ આવી છે"
- "બહારવટિયાની કથાઓ નથી દંતકથા, નથી ઇતિહાસ, નથી લોકવાર્તા અથવા ત્રણેયના અંશો ધરાવતું એક મિશ્ર સ્વરૂપ છે."
- "બહારવટિયાઓની કથાઓ મૂળમાં ચારણી સાહિત્ય છે."
- "ચારણી સાહિત્યમાંથી વસ્તુ લઈને લખાયેલી મેઘાણીની આ પ્રસંગકથાઓ છે."
બહારવટિયાકથાઓ માટે 'ફાર્બસ ત્રિમાસિક' સામયિકના ઑક્ટોબર-ડિસેમ્બર 1998ના અંકમાં પ્રકાશિત લેખમાંના આ વિધાનો નરોત્તમ પલાણનાં છે.
નરોત્તમ પલાણને જણાવવાનું કે મેઘાણીએ પોતે બહારવટિયાઓનાં કથાનકો, એ માટેના મુદ્દાઓ જેમની-જેમની પાસેથી સાંભળીને મેળવેલ તે પ્રસ્તાવનામાં જ નિર્દેશેલ છે.
એમાં 'સૌરાષ્ટ્ર'ના વર્તમાનપત્રના કર્મચારી હરગોવિંદ પંડ્યા, વાલો નામોરી અને મોવર સંધવાણી સાથે બહારવટું ખેડવાના સહભાગી રાજપરા ગામની ખળાવાડના હવાલદાર.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
એજન્સીના પેન્શનર અને લાલપુર મહાલના જત રાણા આલા મલેક, ગુલાબચંદ મકરાણી, અકાળાનો ખોજા વેપારી વાલજી ઠક્કર, આ ઉપરાંત મેઘાણી પોતે જ 'પરકમ્મા'માં જોગીદાસ ખુમાણ વિશેની સુદીર્ઘ કથાસંદર્ભે જણાવેલ છે કે જેનાં નામો નથી સાંભરતાં એવા બીજા પણ કેટકેટલાયે એક-એક અસ્થિ આપ્યું, આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતા કરીને ઘડવું પડ્યું. અને તેના પર ઊર્મિની અંજલિ છાંટીને પ્રાણ જગાડ્યો.
મેઘાણીએ પ્રસ્તાવનામાં જ પોતે સ્પષ્ટ રીતે જ જણાવેલ છે કે કેવળ ચારણોની પાસેથી મળેલી આ કથાઓ નથી. પણ ચારણ, ભાટો, બહારવટિયાના સંગાથીઓ, પોલીસખાતાના જૂના અધિકારીઓ, બનતી મહેનતે ચકાસીને સરખાવી, એકઠી કરેલ આ ઘટનાઓ છે.
આ ઉપરાંત પોલીસની ડાયરી, કથનારા પણ જે ઘીંગાણામાં સામેલગીરી હતી એેવા ફાયદે બૂચ કે ભીમા જતની વિગતો કથનારા જત ફોજદાર રાણા મલેકની આંખે દેખેલી-સાંભળેલી મુકાબલાની ઘટના પ્રસંગે કથનાવલિને અને ઉપયુક્ત કહેલા આઠ દશ માહિતીદાતાઓનાનાં નામો ચારણ સિવાયના છે. હા, મેઘાણીએ ચારણ રચિત દુહા, છંદો, રાસડાઓને કથામાં વણી લીધા છે.
એટલે ચારણો દ્વારા મળેલા તૈયાર માલને મેઘાણીએ ચારણી સાહિત્યમાંથી વસ્તુ લઈને લખાયેલી આ પ્રસંગકથાઓ છે અને બહારવટિયાકથાઓ મૂળમાં ચારણી સાહિત્ય છે એ નરોત્તમ પલાણ દ્વારા કથવું એ મેઘાણીની વિવિધ શ્રદ્ધેય પાસેથી મેળવેલી માહિતીના એકત્રીકરણની, સામગ્રીના ચયનની આનુપૂર્વી રચીને આલેખવાની કથાશક્તિને મોટો અન્યાય છે.
બહારવટિયા વિશે આવા આડેધડ વિધાનો શાસ્ત્રીય સંશોધન આલેખમાં ન હોય એ સ્વાભાવિક છે.
બહારવટિયાકથાઓનાં ચરિત્રો વિશેના નરોત્તમ પલાણનાં વિધાનોનો પ્રત્યુતર મારા ભાવનગર યુનિવર્સિટી ખાતે ઉક્ત પરિસંવાદમાં 'લોકજીવનની બે પરંપરાઓ- સંતો અને બહારવટિયા' નામે રજૂ કરેલ નિબંધમાં પણ મેં નિર્દેશેલ.
'બહારવટિયાની પરંપરા વિશિષ્ટ છે. તેઓ આંચકી લેનારા નથી. પાછું લેનારા છે. એથી લુટારાથી એઓ જુદા પડે છે. અને એ રીતે તેઓ અંગુલિમાલ કે વાલ્મીકિના વારસદારો નથી. પોતાનું પડાવી ગયેલાઓની સામે લડવું- એમને પીડવા, ત્રાસ આપવો એ બહારવટે ચડેલાની પ્રથમ ઓળખ છે.
આ બધું તેઓ ઝનૂન અને પૂરી કુનેહથી અને નીતિમત્તાના પોતીકાં ધોરણોથી કરતાં હોય છે. પણ આ કારણે તેઓને ખાપરા કોડિયા જેવા ચતુર ચોરની સાથે ન ગોઠવી શકાય. એટલે બહારવટિયાની સંસ્કૃતિ એ સત્યની સામે જંગે ચડીને બળવાનની સામે બળનો ઉપયોગ કરીને સત્યના વિજય માટે આશાવાદીની હોય છે.
એમનો ધર્મ હોય છે, અન્ય નિર્દોષને ન પીડવાનો. એમાં આ કારણે પ્રજા તરીકેની અસ્મિતા અને ધરતીપ્રીતિનાં દર્શન થાય છે. પ્રોફે. નરોત્તમ પલાણે બહારવટિયાઓને અંગુલિમાલ કે વાલ્મીકિ અને ખાપરા ચોરની સાથે ગોઠવીને બહારવટિયાની પરંપરાને સમજવામાં મોટી લોકસાંસ્કૃતિક ભૂલ કરી જણાય છે.'
લોકજીવન-લોકસંસ્કૃતિની આ બંને પરંપરા મેઘાણી સાહિત્યમાંથી વિપુલ માત્રામાં પ્રાપ્ત થાય છે. આ સામગ્રીમાંથી જે ભાવબોધ-મૂલ્યબોધ પ્રાપ્ત થાય છે એ મૂળનો છે. સૌંદર્યબોધ મેઘાણીનો છે.
લોકજીવનની નરી ઊજળી બાજુ કરવા માટેનું કે લોક-સંસ્કૃતિની અને મૂલ્યનિષ્ઠાની વકીલાત કરવા માગતું હોય એ પ્રકારનું આ સાહિત્ય નથી. પરંતુ એ પણ હકીકત છે કે ખરા અર્થમાં મૂલ્યને ઊજળું કરીને તેજે મઢીને મેઘાણી ભાવક સમક્ષ મૂકે છે.

ઇમેજ સ્રોત, JHAWERCHANMEGHANI.COM
આમ વાતડાહ્યા, કોઠાસૂઝવાળા કથક પાસેથી મળેલી સામગ્રીને સર્જક મેઘાણીએ પ્રસ્તુત કરી છે. (મેઘાણીવિમર્શ- ઈ.સ. 2000. પૃષ્ઠ-54) આ રીતે મેઘાણીની બહારવટિયાકથા સંદર્ભે પુરોગામી અભ્યાસીની દિશાભૂલને આ નિમિત્તે અવલોકવાનું બન્યું.
મેઘાણીની મહત્તા એ છે કે એમણે માત્ર બહારવટિયાકથાઓ એકત્ર કરી, આલેખીને રજૂ કરી એટલું જ નહીં એનું આખું શાસ્ત્ર પણ રચ્યું. પશ્ચિમની વિભાવના અને વિગતો જ વાંચીને કહી ઉપરાંત ત્યાંના દૃષ્ટિકોણ પણ પ્રસ્તુત કર્યા. સાથેસાથે ભારતીય દૃષ્ટિકોણ રજૂ કરી ગુજરાતી બહારવટિયાકથાઓનાં તથ્ય અને તત્ત્વ રજૂ કર્યાં એ મારી દૃષ્ટિએ મેઘાણીની સાહિત્યિક વિચારણાનું ડિકોલોનાઇઝેશન છે.
આ કથાને નિમિત્તે એમનું કોલોનિયલ માઇન્ડ નહીં પણ ઇન્ડિયન માઇન્ડ પ્રસ્તુત થયું. એથી આપણી કથાઓમાં નિહિત આપણી વાત પ્રગટ થઈ. તેઓ આ સંદર્ભે આલેખે છે કે 'પોતાને અને રાજસત્તાને વાંધો પડવાથી કોઈ પણ મનુષ્ય એ રાજસત્તાની અવગણના કરી રાજ્ય બહારની વાટ (માર્ગ) પકડે એનું નામ બહારવ(વા)ટિયો. અંગ્રેજી ભાષામાં એનો પર્યાય શબ્દ છે 'આઉટલૉ'.
એટલે કાયદાકાનૂનના પ્રદેશની બહાર નીકળી જનાર, કાયદાને અધીન રહેવા ના પાડનાર અને તેને પરિણામે કાયદાના રક્ષણથી પણ વંચિત રહેનાર ઈસમ. જૂના કાળમાં, અને આ કાળમાં, આ દેશમાં તેમજ અન્ય દેશમાં શસ્ત્રધારી કે શસ્ત્રહિન, એવા અનેક બહારવટિયા નીકળેલા છે.
તેઓએ રાજસત્તાનાં શાસનોને હંફાવીને પોતાને મળેલ અન્યાયનું નિવારણ મેળવવા અથવા તો પોતાના વેરનો બદલો લેવા સફળ કે નિષ્ફળ યત્નો કરેલા છે.' (લોકસાહિત્ય ધરતીનું ધાવણ. પુ.પુ. 2011, ગુ.સા.અકાદમી આવૃત્તિ. પૃષ્ઠ 279.)
બહુ સાચી રીતે મેઘાણીએ બહારવટે નીકળેલા પોતપોતાના મૂલ્યોને જાળવીને અન્યાય કરનારા સામે પોતાનું પોત અને પ્રતિભા પડકારા સાથે પાઠવતા.
એ રીતે મેઘાણીએ કોઈ ભવ્ય અને ઉદ્દાત એવાં ચરિત્રોનું ગુણસંકિર્તન વકીલાત નહીં પણ અનેકનો સંગ કરીને ખૂબ જહેમતને અંતે બહારવટિયાકથાઓ દ્વારા બહારવટિયાઓનાં ચરિત્રો તથ્ય અને તત્ત્વને તાટસ્થ્ય જાળવીને આલેખ્યા છે.
એટલે મારી દૃષ્ટિએ એમાંનાં તથ્ય અને તત્ત્વને આલેખીને વિગતો પચીસેક વર્ષે પૂર્વ મેં નોંધેલી તે આજે પણ એટલી જ ઉદાહરણીય જણાય છે.

ઇમેજ સ્રોત, JHAWERCHANDMEGHANI.COM
પોતાના વારસાગત હક્ક-હિસ્સાનો બળજબરીથી કબજો કરવામાં આવ્યો હોય, એની સાથે સત્યાગ્રહની માફક અહિંસક લડત આપનારા મહિયાઓ કનરા ડુંગરની ટોચે રિસામણે બેઠા હોય એ ઘટના બહારવટિયા ચરિત્રને સમજવા માટે ખપમાં લાગે છે.
'અમે મહિયા ધર્માદો નથી ખાતા, માથાં દીધા બદલની જમીન ખાય છે. અમ માથે લાગા ન હોય, બાકી તો ધણી છો. બધુંય આચકી લ્યોને! અમારે લુણહરામી થઈને રાજ સામી સમશેરું નથી ખેંચવી.' ('સોરઠી બહારવટિયા' ભાગ-3 પૃ. 18)
આમ પોતાની બાપુકી જમીન ઉપરના વેરાની સામે સત્યાગ્રહી લડત આપવા કનરા ડુંગરની ટોચે મોતને ભેટનાર પચાસેક જેટલા મહિયાઓની લડત બહારવટિયાઓની ખરી-નરી મૂલ્યનિષ્ઠાની દ્યોતક છે. ('મેઘાણીવિમર્શ' 2000, બળવંત જાની, પૃ- 56)
મેઘાણી આલેખિત બહારવટિયાકથાઓ માત્ર ચારણ દ્વારા જ પ્રાપ્ત રચનાઓ નથી. બહારવટિયાઓના વ્યક્તિમાંથી પ્રગટતી ભારતીય જીવનમૂલ્યોની વિભાવના, તેઓ કોઈનું લૂંટી લેનારા ન હતા. પણ પોતાનું મેળવવા માટે તળપદા વ્યૂહાત્મક મુકાબલા કરવાની શૃંખલાના જનક હતા. અને ક્યારેક ક્યાંક કોઈક અનૈતિક આચરણ કરનારા પણ હતા.
આ બહારવટિયામૂલક રચનાઓ લોકકથાના સ્વરૂપ સંદર્ભે કઈ રીતે આગવી રમણીય રૂપસૃષ્ટિ પ્રગટાવે છે.
પુરોગામીઓના અશાસ્ત્રીય દૃષ્ટિકોણપૂર્ણ વિધાનોથી મેઘાણીને અને ગુજરાતી લોકસાહિત્યની તત્ત્વવિચારણા અવળી દિશામાં દોરવાઈ એનો તર્કપૂર્ણ અભિગમથી મેઘાણીનાં કથનોને આધારે જ આ નિમિત્તે સાચી દિશાએ વાળવાનો પ્રયત્ન કરવાનું બન્યું છે.
મેઘાણી આલેખિત બહારવટિયાકથાઓની સાથે સંકળાયેલ તથ્ય અને તત્ત્વ ટૂંકામાં પ્રસ્તુત કરી શક્યાની પ્રસન્નતા સાથે...
(લેખકે લોકસાહિત્ય, ચારણીસાહિત્ય, સંતસાહિત્ય, વિવેચન, સંશોધન વગેરેનાં 80 જેટલાં પુસ્તકો લખ્યાં છે. લેખક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ડીન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પાટણસ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે. લેખક વર્તમાનમાં હરિસિંહ ગોર સેન્ટ્રલ યુનિવર્સિટી સાગર, મધ્યપ્રદેશના કુલાધિપતિ છે.)
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












