જીએસટી : પોતાના જ બનાવેલા કાયદામાં ફસાઈ ગઈ મોદી સરકાર?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
ગુરુવારે જીએસટી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક મળી રહી છે. જેમાં રાજ્યોને આપવામાં આવતા જીએસટી વળતર પર વિચારણા કરવામાં આવશે.
વીડિયો કૉન્ફરન્સિંગ વડે થનાર આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે કપરી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કારણકે જીએસટી વળતરની માગ કરી રહેલાં રાજ્યો તરફથી ઘણું દબાણ આવી શકે છે.
કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને આપવામાં આવતા ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ એટલે કે જીએસટી પેટેના લગભગ 44 હજાર કરોડ રૂપિયા હજી ચૂકવવાના બાકી છે.
પરંતુ સરકારે નાણાકીય બાબતોની સંસદીય સમિતિને સ્પષ્ટ કહ્યું હતું કે તે રાજ્યોને જીએસટીની ક્ષતિપૂર્તિ કરવાની પરિસ્થિતિમાં નથી.
સંસદીય બેઠકોમાં કેટલાંક રાજ્યોના સાસંદોએ આ તરફ સરકારનું ધ્યાન દોર્યું હતું.
સંસદીય સમિતિની સામે વર્તમાન નાણા સચિવ અજય ભૂષણ પાંડેયે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યોને જીએસટીની ભરપાઈ કરવાની પરિસ્થિતમાં નથી એનું કારણ છે મહામારીને કારણે અર્થતંત્રની કફોડી હાલત.

સરકારની મજબૂરી?

ઇમેજ સ્રોત, Getty Images
જીએસટીને લઈને ઊભી થયેલી આ પરિસ્થિતિ પર સરકારનું કહેવું છે, 'કોરોના વાઇરસ મહામારીને કારણે લોકોની ખરીદક્ષમતા પણ ઘટી ગઈ છે એટલે જીએસટી પણ એટલા પ્રમાણમાં જમા થયો નથી.'
પરંતુ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ કાયદા હેઠળ રાજ્યોને જીએસટી લાગુ કર્યા પછી પાંચ વર્ષ સુધી રાજસ્વમાં થનાર નુકસાનના બદલામાં વળતર આપવાની જોગવાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવામાં, રાજ્યોને વળતર ન ચૂકવી શકતી કેન્દ્ર સરકારને આ વિષય પર ઍટર્ની જનરલની સલાહ પણ લેવી પડી હતી.
આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રૈમાસિકમાં કેન્દ્ર સરકાર જીએસટી પેટે માત્ર 1.85 લાખ કરોડ રૂપિયા જ વસૂલ કરી શકી છે. જ્યારે ગત નાણાકીય વર્ષમાં આ સમયગાળામાં તેણે 3.14 લાખ કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા.
અર્થશાસ્ત્રીઓ માને છે કે જીએસટીની વસૂલીમાં નુકસાન વધી શકે એવા સંકેત છે કારણકે અર્થતંત્રને પાટા પર આવવામાં ઘણો સમય લાગી જશે.
આ મામલા પર કૉંગ્રેસ તરફથી પંજાબના નાણામંત્રી મનપ્રીત બાદલે કહ્યું કે જો રાજ્યોને જીએસટી પેટેનું વળતર નહીં મળે તો તેને રાજ્યો સાથે થયેલા કપટની જેમ જોવામાં આવશે.
કર્ણાટકના કૉંગ્રેસ નેતા રાજીવ ગૌડા કહે છે કે મહામારીના સમયમાં રાજ્યોને આ નાણાંની વધારે જરૂર છે.

'સાથે મળીને દબાણ'

ઇમેજ સ્રોત, SUNIL SAXENA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
બુધવારે કૉંગ્રેસ અને બિનભાજપ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક પછી કૉંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું કે બે અઠવાડિયાં પછી સંસદનું સત્ર શરૂ થવાનું છે, એવામાં તેમને રાજ્યો સાથે વાત કરવાની જરૂરી લાગ્યું.
સોનિયા ગાંધીએ કહ્યું કે તેઓ ઇચ્છે છે કે બધા રાજ્યોની ચર્ચા થયા જેથી રાજ્ય જીએસટી જેવા જ્વલંત અને મહત્ત્વપૂર્ણ મુદ્દા પર એકસ્વરમાં કેન્દ્ર સરકાર સુધી પોતાની વાત પહોંચાડવામાં આવે.
સોનિયા ગાંધીના નિવેદનને નાણાકીય બાબતોમાં સંસદની સ્ટૅન્ડિંગ કમિટીની સામે ભારતના નાણા મંત્રાલયના સચિવના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે સરકાર એવી પરિસ્થિતિમાં નથી કે રાજ્યોને જીએસટીનું વળતર ચૂકવી શકે.
તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે રાજ્યોને જીએસટીમાંથી 14 ટકા જેટલું વળતર ચૂકવવાનું છે.

ભાજપ શાસિત રાજ્યો પણ માગ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, VIJAY RUPANI/FB
જીએસટી કાઉન્સિલની 41મી બેઠક પહેલા બિન-ભાજપ શાસિત રાજ્યોના નેતાઓ આ વાતચીતને મહત્ત્વની માની રહ્યા છે કારણકે બધા મળીને કેન્દ્ર સરકાર પર વળતર માટે દબાણ લાવવા માગે છે.
એવું નથી કે ભાજપ શાસિત રાજ્યો જીએસટી પેટેનાં વળતરની માગ નથી કરી રહ્યાં. ગુજરાત અને બિહાર જેવાં રાજ્યો પણ જીએસટી વળતરની માગ કરી રહ્યા છે.
બિહારના ઉપમુખ્ય મંત્રી સુશીલ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે 'સરકારે રાજ્યોને જીએસટીનું વળતર આપવું જોઈએ, ભલે તેના માટે લૉન લેવી પડે.'
મોદીનું કહેવું હતું કે બિહારના રાજસ્વમાં 76 ટકા કેન્દ્ર સરકાર તરફથી આવે છે, ઉપરથી કોરોના વાઇરસ અને પૂરે રાજ્યના અર્થતંત્રને નુકસાન કરાવ્યું છે. ગુજરાતે પણ આવી જ માગ કરી છે.

શું છે રસ્તો?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટર્ડ ઍકાઉન્ટેન્ટ્સ ઑફ ઇન્ડિયાના ચાંદ વાધવાએ બીબીસીને કહ્યું, 'એ વાત સાચી છે કે અર્થતંત્ર સંકટમાં છે અને કેન્દ્ર સરકાર રાજ્યોને વળતર નથી ચૂકવી શકતી. આનું એક સમાધાન એ હોઈ શકે કે સરકાર લૉન લઈને રાજ્યોને વળતર ચૂકવે કારણકે બધાં રાજ્યો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યાં છે.'
વાધવાનું કહેવું હતું કે માત્ર રાજ્યો જ નહીં પરંતુ સામાન્ય વેપારીઓ પણ પરેશાન છે. જે વેપારીઓએ જીએસટી રિટર્ન ભર્યું હતું તેમને પણ વળતર નથી મળ્યું.
ત્યારે કેન્દ્ર સરકારે જીએસટી કાઉન્સિલની બેઠક પહેલાં કાયદાકીય સલાહ પણ લીધી હતી કે કેવી રીતે વળતર ચૂકવવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

છ લાખ કરોડનું નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images
સ્પષ્ટ વાત છે કે બેઠકમાં હંગામો થવાની શક્યતા છે કારણકે બધાં રાજ્યોની નાણાકીય હાલત ખરાબ છે. એવામાં રાજ્યો કેન્દ્ર સરકાર પર વધારે ને વધારે દબાણ લાવશે.
જીએસટી કાઉન્સિલનું કહેવું છે કે તેણે રાજ્યોને મે મહિનામાં 8920.41 કરોડ રૂપિયા અને જૂન મહિનામાં 11116.8 કરોડ રૂપિયા જીએસટી પેટે ચૂકવ્યા છે. એપ્રિલમાં વળતરની રકમ 1833.03 કરોડ રૂપિયા હતી.
કૉંગ્રેસનું કહેવું છે કે કોરોના મહામારીને કારણે રાજ્યોને લગભગ છ લાખ કરોડ રૂપિયાના રાજસ્વનું નુકસાન થયું છે અને કેન્દ્ર સરકારે આ પેટે વળતર ચૂકવવું જોઈએ.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












