કોરોનાના નામે પ્રાઇવેટ હૉસ્પિટલો લોકોને કેવી રીતે લૂંટી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોના વાઇરસના કેરની વચ્ચે અનેક સરકારી હૉસ્પિટલોની સ્થિતિ સારી નથી. જેના કારણે લોકોને નાછૂટકે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે.
પ્રાઇવેટ હૉસ્પિટલોમાં સારવાર લેતા અનેક લોકોનો એવો આરોપ છે કે તેમની પાસેથી ખૂબ વધારે ચાર્જ વસૂલવામાં આવ્યો છે. દેશભરમાં પ્રાઇવેટ હૉસ્પિટલો સામે આવી ઘણી ફરિયાદો પણ થઈ છે.
એક તરફ સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસ અને બીજી તરફ સરકારી હૉસ્પિટલોમાં ઓછો સ્ટાફ અને અપૂરતી સગવડો. આવી સ્થિતિમાં પ્રાઇવેટ હૉસ્પિટલો દ્વારા લેવામાં આવતા તોતિંગ ચાર્જિસે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
આ સંદર્ભે બીબીસી ગુજરાતીએ અનેક લોકો સાથે વાત કરી હતી. જેમાં જાણવા મળ્યું કે તેમની પાસેથી એક અથવા બીજી રીતે પ્રાઇવેટ હૉસ્પિટલે ખોટી રીતે ચાર્જ વસૂલ્યો છે. હૉસ્પિટલોની આ તાનાશાહી સામે ઘણાં રાજ્યોએ દર્દીની સારવાર મામલે કેટલો ચાર્જ લેવો તે અંગે ધારાધોરણો નક્કી કર્યાં હતાં.
જોકે, સામાજિક કાર્યકર્તાઓનું માનવું છે કે બહુ ઓછી હૉસ્પિટલોએ આ નિયમોને પાળ્યા છે. મોટા ભાગની હૉસ્પિટલોએ આ નિયમો અને ગાઇડલાઇન્સની અવગણના કરી છે.
પ્રાઇવેટ હૉસ્પિટલો કેવી રીતે લોકો પાસેથી પૈસા પડાવી રહી છે તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ દેશભરમાં કેટલાક લોકો સાથે વાત કરી. તેમની પાસેથી લેવાયેલા ચાર્જ અને અપાયેલાં બિલની ઝીણવટપૂર્વક તપાસ પણ કરી.
આ મામલે એકંદરે જાણવા મળ્યું કે સરકારી ઑર્ડર પહેલાં પ્રાઇવેટ હૉસ્પિટલોએ ખૂબ ચાર્જ વસૂલ કર્યો હતો. સરકારના ઑર્ડર બાદ પણ આ હૉસ્પિટલોએ આટલો જ ચાર્જ વસૂલ્યો હતો પરંતુ નાણાં ખંખેરવાની તેમની રીતોમાં બદલાવ કરી નાખ્યો હતો.

કેસ 1: ઑક્સિજનનો ઉપયોગ નહીં છતાં ચાર્જ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Nitin Gulati
દિલ્હીમાં રહેતા નીતિન ગુલાટીએ તેમનાં માતા તરુણલતાબહેનને 28 જૂલાઈના રોજ હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દી તરીકે તેઓ દિલ્હીની મુલચંદ હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં.
દાખલ થયાના ત્રણ દિવસ બાદ તેમનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો અને તે પ્રકારની સારવાર હૉસ્પિટલે શરૂ કરી. સારવાર દરમિયાન તેમને કોરોના વાઇરસનાં કોઈ લક્ષણો જણાયાં નહીં અને કોઈ મોટ મુશ્કેલી પડી નહીં. પરંતુ પરિવારના લોકોએ કોરોના વાઇરસના ડરના કારણે તેમની સારવાર હૉસ્પિટલમાં જ ચાલુ રહે તેવું નક્કી કર્યું.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં નીતિન ગુલાટીએ કહ્યું કે તેમનાં માતા સાથે તેમની વાત થતી હતી અને ક્યારેય તેમને ઑક્જિનની જરૂર પડી ન હતી. તેમ છતાં દરરોજના 1400 રૂપિયા લેખે હૉસ્પિટલે તેમની પાસેથી ઑક્જિનનો ચાર્જ વસૂલ્યો હતો.
તેમનું કહેવું છે કે હૉસ્પિટલે સરકારે નક્કી કર્યા ઉપરાંતના ચાર્જ પણ વસૂલ્યા હતા. બીજી તરફ તેમની વીમા કંપનીએ એટલી જ રકમ મંજૂર કરી જેટલી દિલ્હી સરકારના ઑર્ડર અંતર્ગત આવતી સેવાઓની લેવામાં આવી હોય અને એક નોન-આઇસીયુ દર્દીની હોય.
વીમા કંપની સાથેના સંઘર્ષના કારણે તરુણલતાબહેનને 2 દિવસ સુધી વધારે હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું, કારણ કે હૉસ્પિટલે જ્યાં સુધી બધાં નાણાં ચૂકવાય નહીં ત્યાં સુધી રજા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

કેસ 2: અમદાવાદમાં 10 કલાકના 60,000 વસૂલાયા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અમદાવાદમાં એક 40 વર્ષનાં મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ ખાનગી હૉસ્પિટલે તેમની પ્રાથમિક સારવાર કરી પરંતુ પછી તેમનું મૃત્યુ થઈ ગયું.
બીબીસી ગુજરાતી સાથે આ ઘટના અંગે વાત કરતાં તેમના એક સંબંધી રોમીલ માછરેકરે કહ્યું કે તેમને રાત્રે 2 વાગ્યે ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. બીજા દિવસે બપોરે 2 વાગ્યે તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યાં.
રોમીલનું કહેવું છે કે આટલા સમયની સારવાર માટે હૉસ્પિટલે ડૉક્ટર્સ ચાર્જિસ, ઍડમિનિસ્ટ્રેશન ચાર્જ, નર્સીંગ ચાર્જ વગેરે કરીને તેમની પાસેથી 60,000 રૂપિયા કરતાં વધારે રકમ વસૂલી હતી.
રોમીલનો દાવો છે કે જ્યારે અમે આટલું મોટું બીલ ભરવાની ના પાડી તો હૉસ્પિટલે અમને મૃતદેહ આપવાની ના પાડી દીધી. જે બાદ અંતે પરિવારજનોએ બીલની રકમ ભરવી પડી. આ હૉસ્પિટલનાં બીલ પણ બીબીસી ગુજરાતી પાસે છે.

કેસ 3: છ લાખ લઈ લીધા પછી સરકારી દવાખાનામાં મોકલી દીધા

ઇમેજ સ્રોત, N balaji
હૈદરાબાદમાં 62 વર્ષનાં લક્ષ્મી નરસમ્માને કોરોના વાઇરસના સંક્રમણ મામલે એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. જેમની સારવાર માટે પરિવારે કુલ 6 લાખ રૂપિયા જેટલી રકમ હૉસ્પિટલને ચૂકવી દીધી હતી. જે બાદ હૉસ્પિટલે વધારે પૈસાની માગણી કરતાં પરિવાર હવે વધારે નાણાંની વ્યવસ્થા કરી શકે એમ ન હતો.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમના ભત્રીજા એન. સાંઈ બાલાજી કહે છે કે તેમને હૉસ્પિટલ તરફથી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવતી ન હતી અને હૉસ્પિટલના કર્મચારીઓ માત્ર પૈસાની ઉઘરાણી કરવા માટે જ કૉલ કરતા હતા.
તેમનું કહેવું છે કે જે પૈસા વસૂલવામાં આવ્યા તે સરકારના ધારાધોરણો પ્રમાણેના નહીં પરંતુ હૉસ્પિટલની મરજી પ્રમાણેના હતા. આ મામલે તેમણે અનેક જગ્યાએ ફરિયાદો પણ કરી છે પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નથી.
બીબીસીએ જ્યારે તેમનાં બીલની વિગતો જાણી તો તેમાં 96,000 રૂપિયા ડૉક્ટરનો કન્સલ્ટેશન ચાર્જ અને 84,000 રૂપિયા આઇસીયુ કેર ચાર્જિસના હતા. જોકે, સરકારની ગાઇડલાઇન પ્રમાણે હૉસ્પિટલે આ ચાર્જ લેવા જોઈએ નહીં.
જોકે, તેઓ વધારે રૂપિયા હૉસ્પિટલને આપવા માટે અસર્મથ હતા. તેથી આ પ્રાઇવેટ હૉસ્પિટલે તેમને રજા આપી દીધી અને બાજુની હૉસ્પિટલમાં લઈ જવાનું કહ્યું. તેઓ સરકારી ગાંધી હૉસ્પિટલમાં સારવાર માટે ગયા પરંતુ ત્યાં પહોંચતા જ લક્ષ્મી નરસમ્માનું મૃત્યુ થઈ ગયું.

કેસ 4: 'ખબર જ નથી કે રૂપિયા શેના ચૂકવ્યા'

ઇમેજ સ્રોત, Getty Images
કોલકાતાની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં આશરે 70 વર્ષની એક વ્યક્તિને ડાયાલિસીસની જરૂર હતી. તેમને કોરોના વાઇરસના દર્દી તરીકે દાખલ હૉસ્પિટલે દાખલ કર્યા.
હૉસ્પિટલમાં તેમની હાલત ગંભીર નહોતી થઈ અને તેમને ખાસ પ્રકારની કોઈ સારવારની જરૂરિયાત પણ ઊભી થઈ ન હતી. તેમના સંબંધીનો આરોપ છે કે હૉસ્પિટલે તેમને શું સારવાર આપી તેમની તેમને ખબર જ નથી.
આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમના સંબંધી પોબીતરા સોરકાર કહે છે, "અમને ખબર જ નથી કે શા માટે અમારા પાસેથી 1.50 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા. તેમણે અમને સારવારના ખર્ચની વિગત સાથેનું કોઈ બિલ પણ આપ્યું નથી. અમે સતત માગ કરી કે જે-જે સારવાર કરી છે તેનું વિગતવાર બિલ આપો પરંતુ હૉસ્પિટલે અમને આવું કોઈ બિલ ના આપ્યું."
આવા અનેક કિસ્સાઓ દેશભરમાં બની રહ્યા છે. અમદાવાદ શહેરમાં જ પ્રાઇવેટ હૉસ્પિટલો સામે અમદાવાદ મહાનગરપાલિકામાં ત્રણ ફરિયાદો થઈ છે. જેમાં બે હૉસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાઇવેટ હૉસ્પિટલો વિશે શું જાણવા મળ્યું?

ઇમેજ સ્રોત, AFP
બીબીસી ગુજરાતીએ આ મામલે વિવિધ નિષ્ણાંતો તથા પ્રાઇવેટ હૉસ્પિટલ સામે સરકાર પાસે ફરિયાદ કરી હોય તેવા લોકો સાથે વાત કરી. મોટા ભાગના કિસ્સાઓમાં એવું જાણવા મળ્યું કે હૉસ્પિટલોએ સરકારના ધારધોરણની સાથે પોતાની મરજી પ્રમાણે ચાર્જ વસૂલ્યા છે.
દાખલા તરીકે પ્રાઇવેટ હૉસ્પિટલે સરકારના નિયમ મુજબ એક બેડનો ચાર્જ વસૂલ્યો હોય પરંતુ તેમની સાથે અપાયેલી બીજી સર્વિસને પણ તેમાં સાથે જ ગણી લેવાની હોય. પરંતુ તેમણે બેડ ઉપરાંત આવા ચાર્જ અલગથી વસૂલ્યા હતા.
એક બિલમાં અમે જોયું કે સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે બેડનો એક દિવસનો ચાર્જ 9,000 રૂપિયા તો હૉસ્પિટલે વસૂલ કર્યો પરંતુ તેની સાથે જે સર્વિસ આવી જતી હતી તેનો ચાર્જ અલગથી વસૂલ કર્યો.

નિષ્ણાતો આ મામલે શું કહે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ સંદર્ભે અમે અનેક નિષ્ણાંતો સાથે વાત કરી હતી. સમાન સ્વાસ્થ્ય સેવાઓ માટે કામ કરતા ઇનાયત સીંગ કક્કરના કહેવા પ્રમાણે તેમને એવી અનેક ફરીયાદો મળી છે, જેમાં તેમને જાણવા મળ્યું છે કે પ્રાઇવેટ હૉસ્પિટલો કોઈ પણ સરકારી ધારાધોરણોનું પાલન કરતી નથી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે, "જ્યારે વિવિધ સરકારોએ મહત્તમ લેવાતા ચાર્જ માટે ઑર્ડર બહાર પાડ્યા તો અમને હતું કે હવે પરિસ્થિતી બદલાઈ જશે પરંતુ એવું થયું ન હતું. અમને જાણવા મળ્યું કે લોકોને ખબર જ ન હતી, કે હૉસ્પિટલની સામે ફરીયાદ ક્યાં કરવી."
ક્કકર All India Drug Action Network સાથે જોડાયેલા છે, અને આ સંસ્થાને માત્ર દિલ્હી જેવા શહેરમાં 10થી વધુ જેટલી એવી ફરીયાદો મળી છે, જેમાં લોકો પાસેથી વધુ ચાર્જ વસૂલવામાં આવ્યો હોય.
જોકે તેઓ કહે છે કે આ 10 ફરીયાદો તો માત્ર દેખાય છે, પરંતુ ખરેખર તેનાથી અનેક ગણી ફરીયાદો લોકો પાસે છે. જ્યાં સુધી સરકાર કોઈ એક ચોક્કસ સિસ્ટમ ન બનાવી દે કે જ્યાં લોકો આવી હૉસ્પિટલની સામે ફરીયાદ કરી શકે ત્યાં સુધી પ્રાઇવેટ હૉસ્પિટલ પર લગામ કસવી મુશ્કેલ છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












