ચિનુ મોદી: 'ભૂતિયા ઇર્શાદગઢમાં કોણ નવતર આવશે, શ્વેત વસ્ત્રોમાં ફરે છે એક પડછાયો હજી'

ઇમેજ સ્રોત, Manish pathak
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
"આમ તો તેઓ આગલી રાત સુધી હરતાફરતાં હતા. તેઓએ સેલ્ફી પડાવી, એમના મિત્રો મળવા આવ્યા હતા. તેઓ કાયમ સ્વાવલંબી જીવન જીવ્યા હતા. આથી તેમને જીવનના અંતિમ દિવસો એ ચિંતા રહેતી હતી કે ક્યાંક તેમને પરવશ જીવન ન જીવવું પડે. મને એમના મૃત્યુ પછી વિનોદ ભટ્ટે એવું કહેલું કે આ 'ઇચ્છામૃત્યુ' છે. તેણે એની જાતે જીવન ત્યાગી દીધું છે."
ગુજરાતી કવિ ચિનુ મોદીના અંતિમ દિવસ અંગે વાત કરતાં તેમના પુત્ર ઉત્પલ મોદીએ આ વાત કરી હતી.
કવિ ચિનુ મોદી ગુજરાતી ગઝલકારો માટે એક 'ગઝલની પાઠશાળા' સમાન હતા એવું યુવાગઝલકારોની વાત પર જણાઈ આવે છે.
ગુજરાતી સાહિત્યમાં ગઝલના તેમના માતબર પ્રદાનને પણ તેઓ અલગ રીતે જુએ છે.
અમદાવાદ જિલ્લાના મૂળ ધોળકાના વતની એવા ચિનુ મોદીએ અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી.
તેઓ ગઝલ ઉપરાંત, નવલકથા, વાર્તા, વિવેચન, નાટક વગેરેમાં ખેડાણ કર્યું હતું.

શનિસભા અને ચિનુ મોદી

ઇમેજ સ્રોત, Manish pathak
કવિ ચિનુ મોદી અમદાવાદમાં શનિસભા ચલાવતા હતા અને તેમાં ગુજરાતભરના કવિઓ આવતા અને ગઝલપાઠ કરતાં. અહીં કવિઓ એક પછી એક ગઝલો રજૂ કરતા અને પછી તેના પર ચર્ચા થતી. ખાસ કરીને ગઝલમાં રહેલી ખામીઓ અને ખૂબી અંગે વિસ્તારથી ચર્ચા થતી.
યુવાગઝલકારો ચિનુ મોદીને 'ચિનુકાકા' કહીને બોલાવતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુવાગઝલકારોને ગઝલ માટે એક માહોલ ચિનુ મોદીએ તૈયાર કરી આપ્યો હતો.
અમદાવાદમાં રહેતા યુવાકવિ ભાવેશ ભટ્ટ કહે છે કે "ચિનુકાકા ગઝલ અંગે માર્ગદર્શન નહોતા આપતા, તેઓ ગઝલનો માહોલ બનાવતા હતા. એમના જવાથી ગઝલનો એક માહોલ હતો એ હવે મળવાનો નથી. એ માહોલથી નવા કવિઓની કવિતામાં એક નિખાર આવતો હતો. ગઝલનું માર્ગદર્શન તો મળી રહેશે, એ માહોલ હતો એ હવે નહીં મળે."
તો યુવાકવિ અંકિત ત્રિવેદી બીબીસી સાથે વાત કરતા કહે છે કે "આજે પણ ચિનુકાકાનું સ્થાન અદકેરું છે અને એ રહેવાનું છે. નવા ચહેરાઓ માટે, નવા ગઝલકારો માટે એમણે જે કામ કર્યું એવું હવે બીજા કોઈ ગઝલકાર આપી શકે તેવું મારા ધ્યાનમાં આવતું નથી."
ભાવેશ ભટ્ટ બીબીસીને શનિસભાનો એક કિસ્સો કહે છે, "એક વાર શનિસભામાં એક જાણીતા ગીતકવિ આવ્યા. તેમને થયું કે બધા ગઝલ વાંચે છે તો આપણે પણ ગઝલ વાંચીએ. તેમણે ગઝલ વાંચી અને પછી અન્ય કવિઓએ પ્રતિભાવ આપ્યા. મેં પ્રતિભાવ આપ્યો કે ગઝલ ઘણી નબળી છે અને છંદ પણ તૂટે છે."
"અન્ય કવિઓએ પણ આવું જ કંઈક કહ્યું. તો એ ગીતકવિ વારેઘડીએ ચિનુકાકા સામે જોવા લાગ્યા. ચિનુકાકા હસતા હતા. એમણે કહ્યું કે અહીં તો આવું જ થાય. આ છોકરાઓ તો મારી ભૂલ હોય તો મને પણ નથી છોડતા."

'એક બાજુ ઓક્સિજન, બીજુ બાજુ ગઝલ'

ઇમેજ સ્રોત, Manish pathak
ચિનુ મોદીનો જન્મ 30-09-1939માં ઉત્તર ગુજરાતના વીજાપુરમાં થયો હતો.
મૂળ તો ચિનુ મોદીનું વતન ધોળકા હતું. તેઓ 12-14 વર્ષની વયે અમદાવાદ આવ્યા હતા. તેમનું નાનપણમાં બહુ જાહોજલાલીમાં વીત્યું હતું. સ્કૂલમાં તેઓ ગાડીમાં જતા હતા એવું તેમના પુત્ર ઉત્પલ મોદી જણાવે છે.
ઉત્પલ મોદી બીબીસી સાથે વાત કરતા કહે છે, "તેમનું મૃત્યુ થયું એનાં સાત વર્ષ પહેલાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે હૉસ્પિટલમાં કવિઓ મળવા આવતા, ત્યારે તેઓ નવું શું લખ્યું છે એ મને સંભળાવ તેમ કહેતા."
"એટલું જ નહીં, એક બાજુ તેમને ઓક્સિજન ચડતો હોય અને બીજી બાજુ એ કવિતા-ગઝલની ચિંતા કરતા હતા. એ કહેતા કે મારે ઑટોબાયોગ્રાફી લખવાની જરૂર જ નથી, મારી ગઝલ એ મારી ઑટોબાયોગ્રાફી છે."
"તેઓ રોજ સવારે 5 વાગ્યા આસપાસ ઊઠી જતા અને લખવાનું કામ નવા વાગ્યા સુધીમાં આટોપી લેતા. તેમને ખાવાપીવાનો બહુ શોખ હતો, વેજ-નૉનવેજ બધું જ ખાતા. તેઓ ટેસ્ટના શોખીન હતા."
અનિલ ચાવડા બીબીસી સાથે વાત કરતાં કહે છે, "હું શનિવારની એક સાંજે તેમને નવી કવિતા સંભળાવવાના ઉત્સાહથી મળેલો. શરૂમાં તો લાગેલું કે આ કવિતા સાંભળીને બધા ખુરશીમાંથી ઊભા થઈ જશ, વાહ વાહ પોકારી ઊઠશે. પણ એવું કશું થયું નહીં."
"મારી કાચી કવિતાને પ્રેમથી સાંભળી અને કહ્યું કે આને નવેસરથી લખવાની જરૂર છે. આજે સમજાય છે કે એ કવિતાને વધારે ટીકાની જરૂર હતી. પણ તેમણે ન કરી. તે સમજતા હતા કે આ નવો છોકરડો છે, તેને ટીકાના ત્રાજવે તોલવાને બદલે તેના પર આશ્વાસનનું અત્તર છાંટવાની જરૂર છે."

'માળાના મણકાને ગોઠવનારો દોરો'

ઇમેજ સ્રોત, Manish pathak
યુવાકવિ અંકિત ત્રિવેદી કહે છે, "ચિનુકાકાની ગાડીમાં બધું હોય, એમની ગાડી એમનું ઘર. એમાં મુશાયરામાં પહેરવાનો ઝબ્બો પણ હોય. તેઓ સાચા અર્થમાં જલસાવતાર હતા. શનિસભામાં અનેક ગઝલકારો આવતા, તેમાં ગઝલની ખરાબ બાબતો વિશે વાત થતી. આપણે વાંચેલી ગઝલ એકએક ગઝલકાર પાસેથી પસાર થતી. પરસેવો છૂટી જાય એ ગઝલ વાંચતા."
"આજે પણ એ નવી કવિતા આકંઠ ઊભી છે એ ચિનુકાકાને કારણે છે. કવિતા-ગઝલમાં નીતિમત્તા અને ગુણવત્તાનાં ધોરણો તેમને સ્થાપિત કર્યાં."
"અમારે ફોન થતો ત્યારે એક પણ વાર એવું નથી બન્યું કે તેઓએ ગઝલ ન સંભળાવી હોય. તેમની ગઝલની આ રવાની આજે મિસ થાય છે. ચિનુકાકા હતા એવું છે જ નહીં, ચિનુકાકા છે."
તો જાણીતા કવિ શોભિત દેસાઈ ચિનુ મોદીને 'માળાના મણકાને ગોઠવનારા એક દોરા' સાથે સરખાવે છે.
તેઓ અમેરિકાનો એક પ્રસંગ યાદ કરતાં બીબીસી સાથે વાત કરતા કહે છે કે એક વાર હું અને ચિનુ મોદી અમેરિકા જતા હતા. ન્યૂયોર્કમાં આદિલસાહેબના ષષ્ટિપૂર્તિનો પ્રોગ્રામ હતો. ત્યારે ગઝલકાર આદિલ મન્સૂરીની મેં મિમિક્રી કરેલી. અને મેં એક શેર બનાવેલો. 'ગઝલોમાંથી ખણીને ખોદીને, કોઈને નહીં ને ચિનુ મોદીને.'
"આખી સફર દરમિયાન હું આદિલ મન્સૂરીની સ્ટાઇલમાં આ શેર બોલતો અને અમે બંને બહુ હસતા હતા."
"અમેરિકા પહોંચ્યા પછી આદિલ મન્સૂરીને પણ ખબર પડી ગયેલી કે મેં આવો એક શેર બનાવ્યો છે. કાર્યક્રમ પછી અમે ચા બનાવી. પણ ચામાં ખાંડ નહોતી નાખી, અને મારા અને આદિલ માટે ઇક્વલની પડીકી હતી, ચિનુ મોદી માટે ખાંડ શોધવાની હતી. એ વખતે આદિલ મન્સૂરીએ સિક્સર મારી. એમણે શેર બનાવ્યો- "ખાંડ દેજો રે, શોધી શોધીને, કોઈને નહીં ને ચિનુ મોદીને."

'એમને ક્યારેય ઘડપણ ન આવ્યું'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મુકલ ચોક્સી ગુજરાતના જાણીતા મનોચિકિત્સક અને કવિ છે. તેમને ચિનુ મોદી સાથે પારિવારિક સંબંધો હતો અને અંત સુધીમાં તેમની સાથે સંપર્કમાં રહ્યા હતા.
મુકુલ ચોક્સી બીબીસી સાથે વાત કરતા ચિનુ મોદીના સંસ્મરણ વાગોળતા કહે છે, "ચિનુદાદા એક વાર સુરત આવ્યા હતા. મેં બે-ત્રણ દિવસ પહેલાં ગઝલ લખી હતી. મારી ગઝલના શેર સાંભળીને કહ્યું કે 'તું આવતા અઠવાડિયે વડોદરા આવે છે.'
તેઓ કહે છે, "પહેલી વાર મને મુશાયરામાં તેઓએ મંચ પરથી રજૂ કર્યો હતો. તેમણે મને શીખવાડ્યું કે જ્યારે તમે ગઝલ લખો ત્યારે આજુબાજુ મોટા કે સિનિયર કવિઓ બેઠા હોય એની ચિંતા કર્યા વિના લખવાનું. કોઈની પરવા નહીં કરવાની."
"તેઓ ખોટી ચિંતા નહોતા કરતા. ચિનુદાદા જે બોલતા એ એવા હતા. એમનાં બે વ્યક્તિત્વ નહોતાં. કોઈ દંભ નહોતા કરતા. કશું છુપાવતા નહીં. જે કરતા એ જાહેરમાં કરતા."
"એમના ખરાબ સમયમાં પણ તેઓ વિચલિત થયા નહોતા. 'ઇર્શાદગઢ' નામના કાવ્યસંગ્રહમાં તેઓએ લખ્યું છે-
'ભૂતિયા ઇર્શાદગઢમાં કોણ નવતર આવશે,
શ્વેત વસ્ત્રોમાં ફરે છે એક પડછાયો હજી.'
'આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ,
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો.'
એમના અંતિમ દિવસોની વાત કરતાં મુકુલ ચોક્સી કહે છે, "એ માણસને ઘડપણ નહોતું આવ્યું. કેટલાકે તેમના આ સ્વભાવની નિંદા પણ કરી છે. જોકે ચિનુ મોદી હયાત હોય તો કહેત કે હું તો આવો જ છું."
મુકુલ ચોક્સી વાત કરતાં ચિનુ મોદીનો શેર કહે છે,
'ધાર કે વેચાણ છે સામી દુકાને સ્વર્ગ પણ,
કોણ ઓળંગે સડક એ ધારણાના નામ પર...'
ચિનુ મોદી એમના અંતિમ દિવસોમાં જ્યારે પણ મુશાયરામાં જતા ત્યારે એક ગઝલ અચૂક સંભળાવતા. તે શેર આ હતો-
'અબ યહાં સે જાના હૈ, મૌત તો બહાના હૈ...'


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












