કટોકટી વખતની એ ફિલ્મ જેણે સંજય ગાંધીને જેલમાં મોકલ્યા

ઇમેજ સ્રોત, NEHRU MEMORIAL LIBRARY
- લેેખક, વંદના
- પદ, બીબીસી સંવાદદાતા
1975માં ભારતમાં કટોકટી લાગી તે પછી સંજય ગાંધી પર કેટલાય પ્રકારના આરોપો લાગ્યા હતા.
કથિત રીતે થયેલી જબરદસ્તી, પરાણે નસબંધી, સરકારી કામકાજમાં દખલ અને મારુતિ ઉદ્યોગનો વિવાદ વગેરે.
જોકે, કટોકટી પછી તેમની સામે કેસ થયા તેમાં એક ફિલ્મના કારણે આખરે તેમણે જેલમાં જવું પડ્યું હતું.
સંજય ગાંધી પર આરોપ હતો કે તેમણે કટોકટી વખતે 1975માં બનેલી ફિલ્મ 'કિસ્સા કુર્સી કા'ની પ્રિન્ટોને સળગાવી દેવાનો આદેશ આપ્યો હતો.
તેમના પર જ રાજકીય કટાક્ષ કરતી એ ફિલ્મ હતી.
કટોકટીના વિષયની આસપાસ ફરતી, ડિરેક્ટર મધુર ભંડારકરની ફિલ્મ 'ઇન્દુ સરકાર' સામે પણ કેટલાક કૉંગ્રેસીઓએ થોડા વખત પહેલાં ધમાલ મચાવી હતી અને તેના કેટલાક કાર્યક્રમો રદ પણ કરવા પડ્યા હતા.
આ ઘટનાઓ પછી કટોકટી, રાજકારણ અને ફિલ્મો વચ્ચેના સંબંધો અંગે મનમાં સવાલો ઘૂમવા લાગ્યા હતા.
શોલે જેવી જાણીતી ફિલ્મથી માંડીને ઓછી જાણીતી ફિલ્મો પણ કટોકટીનો ભોગ બની ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ખુરશીના કેસમાં થઈ જેલ

ઇમેજ સ્રોત, KISSA KURSI KA
ફિલ્મ 'કિસ્સા કુર્સી કા' જનતા પક્ષના સાંસદ અમૃત નહાટાએ બનાવી હતી.
ફિલ્મની નૅગેટિવ જપ્ત કરી લેવાઈ હતી અને બાદમાં કહેવાય છે કે તેને સળગાવી દેવાઈ હતી.
કટોકટી પછી બેસાડાયેલા શાહ પંચે સંજય ગાંધીને આ મામલામાં દોષિત ગણ્યા હતા અને કોર્ટે તેમને જેલમાં મોકલી દીધા હતા.
જોકે, બાદમાં આ ચુકાદો પલટાઈ ગયો હતો. ફિલ્મમાં સંજય ગાંધી અને તેના સાગરિતોના કરતૂતો પર કટાક્ષ કરવામાં આવ્યો હતો.
આ ફિલ્મમાં શબાના આઝમી મૂંગી જનતાના પ્રતીક તરીકે હતાં. ઉત્પલ દત્ત ગૉડમેનના રોલમાં હતા અને મનોહર સિંહ એક નેતાની ભૂમિકામાં હતા, જે એક જાદુઈ દવા પીધા બાદ ચિત્રવિચિત્ર નિર્ણયો લેતા હતા.
1878માં તેને ફરી બનાવવામાં આવી હતી. જોકે, સંજય ગાંધીને જેલમાં મોકલનારી આ ફિલ્મ ચાલી નહોતી અને ક્યારે આવી અને ક્યારે ઊતરી ગઈ તેની ખબર પણ ના પડી.

નસબંધી પર કટાક્ષ અને કિશોરકુમાર

ઇમેજ સ્રોત, IS JOHAR
1978માં આઈ. એસ. જોહરેની ફિલ્મ 'નસબંધી'માં સંજય ગાંધીના નસબંધીના કાર્યક્રમની મજાક ઉડાવવામાં આવી હતી.
તે વખતના જાણીતા સ્ટારના ડુપ્લિકેટ્સને લઈને તે ફિલ્મ બનાવવામાં આવી હતી.
ફિલ્મમાં એવું દેખાડાયું હતું કે કઈ રીતે નસબંધી માટે વધુમાં વધુ લોકોને પકડી લેવામાં આવ્યા હતા.
ફિલ્મમાં એક ગીત હતું 'ગાંધી તેરે દેશ મેં યે કૈસા અત્યાચાર.' યોગાનુયોગ કહો કે ઇરાદાપૂર્વક પણ આ ગીત કિશોરકુમારે ગાયું હતું.
હકીકતમાં કટોકટી વખતે કિશોર કુમારને કૉંગ્રેસની એક રેલીમાં ગીત ગાવાનું કહેવાયું હતું ત્યારે તેઓ બહુ નારાજ થઈ ગયા હતા.
પ્રીતિશ નંદીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "કોઈના હુકમ પ્રમાણે હું ક્યારેય ગાતો નથી."
સૌ જાણે છે તે પ્રમાણે તેનું પરિણામ એ આવ્યું કે ત્યારબાદ આકાશવાણી પર કિશોરકુમારનાં ગીતો પર પ્રતિબંધ લાગી ગયો.
નસબંધી ફિલ્મનું બીજું એક ગીત હતું, 'ક્યા મિલ ગયા સરકાર ઇમર્જન્સી લગા કે.' આ ગીત મન્ના ડે અને મહેન્દ્ર કપૂરે ગાયું હતું.

શોલે પર પર આવી આફત

ઇમેજ સ્રોત, MOHAN CHURIWALA
કેટલીક જાણીતી ફિલ્મોને પણ કટોકટીને કારણે મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું.
ફિલ્મ શોલેના છેલ્લા સીનમાં રમેશ સિપ્પીએ દર્શાવ્યું હતું કે ખીલા જડેલાં જૂતાં પહેરીને ઠાકુર ગબ્બર સિંહને કચડી નાખે છે.
કટોકટીકાળ હોવાથી સેન્સર બોર્ડ બહુ કડક થઈ ગયું હતું.
સેન્સર બોર્ડને લાગ્યું કે એવું કશું બતાવવું જોઈએ નહીં કે જે જોઈને લોકોને એમ લાગે કે કાયદો પોતાના હાથમાં લઈ શકાય છે.
તેથી સેન્સર બોર્ડે આદેશ આપ્યો કે છેલ્લે ગબ્બર સિંહને પોલીસને હવાલે કરી દેવાય છે તેવું દેખાડો. જોકે, રમેશ સિપ્પી નમવા માટે તૈયાર નહોતા.
અનુપમા ચોપરાએ પોતાના પુસ્તક 'શોલે-ધ મેકિંગ ઑફ એ ક્લાસિક'માં લખ્યું છે, "કેટલાક વગદાર પરિચિતોનો સંપર્ક કરવામાં આવ્યો."
"આ મુદ્દે બાપ-દીકરો સામસામે આવી ગયા હતા. એક તબક્કે રમેશ સિપ્પીએ ફિલ્માંથી પોતાનું નામ હટાવી દેવાનું પણ નક્કી કરી લીધું હતું."
વકીલ તરીકે રહેલા જી. પી. સિપ્પીએ પુત્રને સમજાવ્યું કે કટોકટી વખતે કોર્ટમાં જવાનો કોઈ ફાયદો નથી.

...તો શોલે જુદી જ બની હોત

ઇમેજ સ્રોત, NEHRU MEMORIAL LIBRARY
ફિલ્મની રિલિઝની તારીખ નક્કી થઈ હતી 15 ઑગસ્ટ 1975 અને આ દરમિયાન 20 જુલાઈ તો આવી પણ ગઈ.
સંજીવકુમાર સોવિયેટ સંઘમાં હતા. તેઓ તરત ભારત પર ફર્યા.
છેલ્લો સીન ફરીથી શૂટ કરવામાં આવ્યો અને ડબિંગ તથા મિક્સિંગ કરી લેવામાં આવ્યું.
ગબ્બરને મારવા માટે જૂતાંમાં જોરજોરથી ખીલા લગાડી રહેલા રામલાલનો સીન પણ સેન્સરે કાપી નાખ્યો હતો.
ખીલા મારતી વખતે રામલાલની આંખોમાં વિદ્રોહ દેખાતો હતો એટલે તે દૃશ્ય પણ હટાવી દેવાયું હતું.
આ રીતે કટોકટીના કારણે શોલે ફિલ્મમાં ફેરફારો કરવા પડ્યા હતા. ફિલ્મ એવી નહોતી રહી જેવી રમેશ સિપ્પી ઇચ્છતા હતા.
ગુલઝારની ફિલ્મ આંધીનો કિસ્સો પણ જગજાહેર છે. કેટલાક લોકોનો આરોપ છે કે ફિલ્મ ઇંદિરા ગાંધીના જીવન પર આધારિત હતી.
તેથી કટોકટી વખતે તે ફિલ્મ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો હતો.

'કિશોરકુમાર અને જયપ્રકાશ પર પ્રતિબંધ'

ઇમેજ સ્રોત, PICTURE N KRAFT
ઇમર્જન્સી વખતે કેટલાક કલાકારો એવા હતા, જેમણે માત્ર ફિલ્મો દ્વારા જ વિરોધ નહોતો કર્યો.
તેઓ પોતાના વિરોધને વધુ આગળ સુધી લઈ ગયા હતા.
દેવ આનંદ એટલા નારાજ થયા હતા કે તેમણે નેશનલ પાર્ટી ઑફ ઇન્ડિયા નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો. શિવાજી પાર્કમાં તેમનો મોટા કાર્યક્રમ યોજાયો હતો.
દેવ આનંદે પોતાની આત્મકથામાં લખ્યું છે, "મને ખ્યાલ આવી ગયો હતો કે સંજય ગાંધીની નજીકના લોકોનું નિશાન મારા પર છે."
કટોકટીનાં 40 વર્ષ પછી ફરી એકવાર એ જ વિષયની આસપાસ ફરતી મધુર ભંડારકરની ફિલ્મ આવી હતી.
અજબ યોગાનુયોગ કે વક્રતા એ હતી કે મધુર ભંડારકરની ફિલ્મ સામે પણ સેન્સર બોર્ડને વાંધો પડ્યો હતો.
સેન્સર બોર્ડે તેમને કેટલાક શબ્દો હટાવવા કહ્યું હતું, જેમ કે, આરએસએસ, જયપ્રકાશ નારાયણ, પીએમ, આઈબી, કમ્યૂનિસ્ટ અને કિશોરકુમાર.
એવું લાગતું હતું કે કિશોર કુમાર ફરી જીવતો થઈ જશે અને ફરી ગાવા લાગશે કે 'ગાંધી તેરે દેશ મેં યે કૈસા અત્યાચાર'.

ઇમેજ સ્રોત, 1H MEDIA
ફિલ્મમાં આવો સંવાદ પણ હટાવવા માટે કહેવાયું હતું - 'હવે આ દેશમાં ગાંધી શબ્દનો અર્થ બદલાઇ ગયો છે', 'હું તો 70 વર્ષનો બુઢો છું, મારી નસબંધી શા માટે કરો છો.'
રાજકારણીઓ અને રાજકીય ઘટનાઓ પર ફિલ્મો બનાવવાની વાત ઘણા બધા દેશોમાં સામાન્ય ગણાય છે. પરંતુ ભારતમાં આજે પણ સત્તાધીશો અને સિનેમા વચ્ચે તનાણપૂર્વ સંબંધો જ રહ્યા છે.
કટોકટીનાં આટલાં વર્ષો પછી પણ રાજકીય ફિલ્મમાં ગાંધી, જયપ્રકાશ અને કિશોર કુમાર જેવા નામો લેવા ખતરનાક લાગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














