બાંગ્લાદેશના સર્જનમાં ઇંદિરા ગાંધીનું પ્રદાન શું હતું?

ઇંદિરા ગાંધીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇંદિરા ગાંધી
    • લેેખક, કમલ હોસૈન
    • પદ, બંગલાદેશના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન

આ મહિને ઇંદિરા ગાંધીની એકસોમી જન્મજયંતિ ઊજવાશે. તેથી બાંગ્લાદેશના મુક્તિસંઘર્ષમાં અને તેના સ્વાતંત્ર્યને મજબૂત બનાવવામાં ઇંદિરા ગાંધીએ આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવું જરૂરી છે.

ઇંદિરા ગાંધીએ બાંગ્લાદેશના મુક્તિસંઘર્ષના ટેકામાં મહત્વની ભૂમિકા ભજવી, ત્યારે પી.એન. હકસર તેમના મુખ્ય સલાહકારો પૈકીના એક હતા.

પાકિસ્તાનમાંના બંગાળીઓને સ્વદેશ પાછા મોકલવા અને બાંગ્લાદેશમાંથી પાકિસ્તાનમાં પાછા ફરવા ઇચ્છતાં લોકો સંબંધી સમસ્યાઓ તેમજ અસ્કયામતોનાં વિભાજન જેવા મુદ્દાઓના નિરાકરણ માટે ઇંદિરા ગાંધીના ખાસ દૂત તરીકે હકસરને 1973માં બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા હતા.

બાંગ્લાદેશનો વિદેશ પ્રધાન હોવાને નાતે પી.એન. હક્સરને મળવાનું સૌભાગ્ય મને સાંપડ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

એ મુદ્દાઓ પૈકીના કેટલાકના નિરાકરણમાં થયેલી હકારાત્મક પ્રગતિ મને યાદ છે.

પી.એન. હકસર અને મારી વચ્ચેની ચર્ચા બાદ સૂચિત ઉકેલો તૈયાર કરવામાં આવ્યા હતા.

એ પછી ઇંદિરા ગાંધીએ એ સંબંધે મહત્વના નિર્ણય લીધા હતા.

ઉપરોક્ત સમસ્યાઓના નિરાકરણની દિશામાં મોટી સફળતા એક બહાદુરીભર્યા પગલાને કારણે મળી હતી.

line

1973નું સંયુક્ત ઘોષણાપત્ર

શેખ મુજિબુર રહેમાનનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શેખ મુજિબુર રહેમાન

એ હતી 1973નું સંયુક્ત ઘોષણાપત્ર. એ અમારી વચ્ચેની ચર્ચામાંથી ઉદભવ્યું હતું, પણ તેને ઇંદિરા ગાંધીની મંજૂરી મળવી જરૂરી હતી.

પાકિસ્તાન બાંગ્લાદેશના સર્જનને ઔપચારિક માન્યતા ન આપે ત્યાં સુધી બન્ને દેશને અસર કરતી સમસ્યાઓ વિશે વાટાઘાટ કરી શકાશે નહીં એવું વલણ ત્યારે લેવામાં આવ્યું હતું.

તેનો અર્થ એવો થાય કે બાંગ્લાદેશના સર્જનને મંજૂરી ન મળે ત્યાં સુધી ઉપરોક્ત સમસ્યાઓ વિશે પણ વાટાઘાટો કરી ન શકાય.

બાંગ્લાદેશને ઔપચારિક માન્યતા ન આપવામાં આવે ત્યાં સુધી માનવહિત સંબંધી મુદ્દાઓના નિરાકરણની વાટાઘાટને મોકૂફ રાખી શકાય નહીં એવું વલણ અપનાવવાનો નિર્ણય અમારી ચર્ચામાં લેવામાં આવ્યો હતો.

આ બાબત અત્યાર સુધીના સૈદ્ધાંતિક વલણમાં અપવાદરૂપ હતી.

તેથી તેમાં ભારત તરફથી ઇંદિરા ગાંધીની અને બાંગ્લાદેશ તરફથી બંગબંધુ શેખ મુજિબુર રહેમાનની સર્વોચ્ચ સ્તરેથી મંજૂરી જરૂરી હતી.

line

વિદેશ મંત્રાલયનું વલણ

ઇંદિરા ગાંધીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

બાંગ્લાદેશના સર્જનને માન્યતા વાટાઘાટની પહેલી શરત હશે એવું ઔપચારિક વલણ વિદેશ મંત્રાલયે લીધું હતું.

તેથી ઇંદિરા ગાંધીની મંજૂરી મેળવવા માટે મારે પ્લેનમાં નવી દિલ્હી જવું જોઈએ એવું સૂચન પી.એન. હકસરે કર્યું હતું.

હું નવી દિલ્હી આવ્યો હતો અને મારી તથા પી.એન. હક્સર વચ્ચે થયેલી ચર્ચાની વાત ઇંદિરા ગાંધીને કરી હતી.

મેં ઇંદિરા ગાંધીને જણાવ્યું હતું કે અમારો હેતુ માનવહિતની કટોકટીના નિરાકરણની દિશામાં આગળ વધવાનો છે. તેઓ સૂચિત અભિગમ બાબતે સહમત થયાં હતાં.

આ સંબંધે ભારતીય વિદેશ મંત્રાલયે તેના વલણમાં ફેરફાર કરવો પડશે એ ઇંદિરા ગાંધી સમજી ગયાં હતાં અને આ બાબતે વિદેશ મંત્રાલયને જરૂરી આદેશ આપવા સહમત થયાં હતાં.

આ સંબંધી નિર્ણયો લેવાયા અને ઇંદિરા ગાંધીએ જરૂરી આદેશો આપ્યા પછી વિદેશ મંત્રાલયે તેના વલણમાં ફેરફાર કર્યો હતો.

મડાગાંઠનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલા મુદ્દાઓને ઉકેલવા માટે એ બહુ મહત્વનું હતું.

માનવહિતની સમસ્યાઓના નિરાકરણ અને લોકોને તકલીફોમાંથી મુક્તિ આપવાના નોંધપાત્ર પગલાં તરીકે 1973ના સંયુક્ત ઘોષણાપત્રને દુનિયાભરમાંથી આવકાર મળ્યો હતો.

line

બંગબંધુ શેખ મુજિબુર રહેમાનની હત્યા

શેખ મુજિબુર રહેમાનનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શેખ મુજિબુર રહેમાન

ઇંદિરા ગાંધી સાથેનો એક વધુ પ્રસંગ પણ મને યાદ છે.

બંગબંધુના જીવન પર જોખમ હોવાના અહેવાલ ગુપ્તચર તંત્રે આપ્યા હતા.

1975માં જમૈકામાં યોજાયેલી કોમનવેલ્થ સમિટમાં ઇંદિરા ગાંધીએ બંગબંધુ સાથેની મુલાકાતમાં આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

બંગબંધુએ તેમને આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે એકપણ બંગાળી તેમના પર હાથ ઉઠાવશે નહીં.

જોકે, ઇંદિરા ગાંધીએ વ્યક્ત કરેલો ભય સાચો ઠર્યો હતો.

બંગબંધુ 15 ઓગસ્ટ 1975ના રોજ હત્યાના ષડયંત્રના કાવતરાનો ભોગ બન્યા હતા.

તેના થોડા મહિના પછી હું ઇંદિરા ગાંધીને નવી દિલ્હીમાં મળ્યો હતો.

line
વીડિયો કૅપ્શન, માર્ક તુલીનો રિપોર્ટ: ઇંદિરા ગાંધીની હત્યા

બંગબંધુના જીવન પરના જોખમ વિશેના પોતાના ભયની વાત તેમણે એ વખતે યાદ કરાવી હતી.

તેમણે ઉદાસીનતા સાથે જણાવ્યું હતું કે મેં જેની ચેતવણી આપી હતી એ ષડયંત્ર સાચું ઠર્યું એ કેટલું દુઃખદ કહેવાય.

એ પછી મેં તેમને જણાવ્યું હતું કે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે તેમણે તેમની પોતાની સલામતી માટે જરૂરી પગલાં લેવાં જોઈએ.

બંગબંધુની માફક ઇંદિરા ગાંધી પણ તેમના જીવ પર કોઈ જોખમ ન હોવાનું માનતાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે તેમને આવા કોઈ જોખમનો ભય નથી.

એ વાતચીતના થોડા મહિનાઓ બાદ જ ઇંદિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

line

દક્ષ સલાહકારની ખોટ

વીડિયો કૅપ્શન, બીબીસી રેડિયોનો ઇંદિરા ગાંધીની હત્યા પર રિપોર્ટ

એક મુલાકાતમાં ઇંદિરા ગાંધીએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે પી.એન. હકસરે સલાહકારપદેથી રાજીનામું આપ્યું હોવાથી તેમને દક્ષ સલાહકારની ખોટ સાલી રહી છે.

હું એ દિવસે પી.એન. હકસરને પણ મળવાનો હતો. તેથી મેં ઇંદિરા ગાંધીને જણાવ્યું હતું કે તમારી લાગણી હું પી.એન. હકસર સુધી પહોંચાડીશ.

પી.એન. હકસરને મળ્યો ત્યારે મેં તેમને વિનતી કરી હતી કે ઇંદિરા ગાંધીના મનમાં પડેલી છાપને તમારે દૂર કરવી જોઈએ.

સનદી અમલદારો તરફથી મળેલી સલાહથી વિપરીત હોય તો પણ રાષ્ટ્રીય હિતમાં જરૂરી હોય, ત્યારે મુશ્કેલ નિર્ણય લેવાની ઇંદિરા ગાંધીની ક્ષમતાનો હું બહુ આદર કરું છું.

આપણા મુક્તિસંઘર્ષમાં દરમિયાન તેમણે લીધેલા કેટલાક નિર્ણયો અને જોખમોના સંદર્ભમાં એ ક્ષમતા કેટલી મહત્વની છે એ હું સમજ્યો છું.

1973ના સંયુક્ત ઘોષણાપત્રને મંજૂરીના નિર્ણય સંબંધે પી.એન. હકસરના સૂચનને પગલે મેં તેમની સાથે કરેલી વાતચીતમા કિસ્સામાં પણ એ ક્ષમતા સાચી ઠરી હતી.

બાંગ્લાદેશની મુક્તિ અને તેના સ્વાતંત્ર્યને મજબૂત બનાવવામાં ઇંદિરા ગાંધીએ ભજવેલી મહત્વની ભૂમિકા સારી રીતે સમજવા આ બાબતો યાદ કરવાનું મને મહત્વનું લાગે છે.

(બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય મળ્યું પછી કમલ હૌસેન તેના પહેલા વિદેશ પ્રધાન બન્યા હતા)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો