એ કિસ્સો, જે બાદ જયપ્રકાશ નારાયણ અને ઇંદિરા ગાંધીના ગાઢ સંબંધો તૂટ્યા

- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
25 જૂન, 1975ની રાતના દોઢ વાગ્યાનો સમય, 'ગાંધી પીસ ફાઉન્ડેશનના સચિવ રાધાકૃષ્ણના પુત્ર ચંદ્રહર ખુલ્લા આકાશ નીચે જમીન પર ઊંઘી રહ્યા હતા.
તેઓ અચાનક ઘરમાં આવ્યા અને તેમના પિતાને જગાડીને દબાયેલા અવાજમાં કહ્યું, ''પોલીસ ધરપકડનું વૉરંટ લઈને અહીં આવી છે.''
રાધાકૃષ્ણ બહાર આવ્યા. ચંદ્રહરની વાત સાચી હતી. પોલીસે તેમને જયપ્રકાશ નારાયણ (જેપી)ની ધરપકડનું વૉરંટ દેખાડ્યું.
રાધાકૃષ્ણએ પોલીસ અધિકારીઓને કહ્યું, તમે થોડો સમય રાહ જોઈ શકશો? જેપી બહુ મોડેથી સૂઈ ગયા છે. આમ પણ તેઓ ત્રણ-ચાર વાગ્યે ઊઠી જવાના છે, કારણ કે તેમણે સવારે પટણા જવા માટે ફ્લાઇટ પકડવાની છે.
પોલીસ અધિકારીઓ રાહ જોવા તૈયાર થયા. રાધાકૃષ્ણ એ દરમિયાન ચૂપચાપ બેઠા રહ્યા ન હતા.
તેમણે તેમની ટેલિફોન ઑપરેટરને સૂચના આપી હતી કે જેટલા લોકોને ફોન લાગે તેમને જેપીની ધરપકડ વિશે જણાવી દો.
તેમણે મોરારજી દેસાઈને ફોન લગાડ્યો તો ખબર પડી કે પોલીસ તેમના ઘરે પણ પહોંચી ગઈ છે.
ત્રણ વાગ્યે પોલીસે રાધાકૃષ્ણના ઘરનો દરવાજો ફરી ખખડાવ્યો અને કહ્યું, ''તમે જેપીને જગાડશો? જેપી પોલીસ સ્ટેશને શા માટે નથી પહોંચ્યા એવું પૂછતા વાયરલેસ મેસેજ અમને સતત મળી રહ્યા છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ચંદ્રશેખર ટૅક્સીમાં પહોંચ્યા

રાધાકૃષ્ણ દબાતા પગલે જેપીના રૂમમાં ગયા. જેપી ગાઢ ઊંઘમાં હતા. તેમણે જેપીને હળવેથી જગાડીને પોલીસ આવી હોવાનું જણાવ્યું ત્યાં સુધીમાં એક પોલીસ અધિકારી રૂમમાં ધસી આવ્યો હતો.
તેમણે કહ્યું, ''સોરી સર. તમને અમારી સાથે લઈ જવાનો આદેશ છે.'' જેપીએ કહ્યું, ''મને તૈયાર થવા માટે અડધો કલાક આપો.''
ગભરાયેલા રાધાકૃષ્ણ બને તેટલો વધુ સમય લગાડવા ઇચ્છતા હતા, જેથી જેપી રવાના થાય એ પહેલાં એકાદ વ્યક્તિ આવી જાય. જેપી તૈયાર થઈ ગયા ત્યારે રાધાકૃષ્ણએ કહ્યું, ''જતાં પહેલાં એક કપ ચા તો પી લો.''
એ રીતે વધુ દસ મિનિટ પસાર થઈ. પછી જેપીએ કહ્યું, ''હવે વિલંબ શા માટે કરવો? ચાલો જઈએ.''
જેપી પોલીસની કારમાં બેઠા કે તરત જ પૂરપાટ વેગે આવતી એક ટૅક્સી બ્રેક મારીને ત્યાં થંભી.
તેમાંથી ચંદ્રશેખર કુદકો મારીને ઉતર્યા. ત્યાં સુધીમાં જેપીની કાર રવાના થઈ ચૂકી હતી.

વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

ઇમેજ સ્રોત, SHANTI BHUSHAN
રાધાકૃષ્ણ અને ચંદ્રશેખર એક કારમાં બેસીને જેપીની પાછળ રવાના થયા. જેપીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.
જેપીને ખુરસી પર બેસાડીને પોલીસ વડા બીજા રૂમમાં ગયા. થોડી વાર પછી બહાર આવીને તેઓ ચંદ્રશેખરને ખૂણામાં લઈ ગયા અને કહ્યું, ''સર, એક પોલીસ ટીમ તમને પણ અહીં લાવવા માટે તમારા ઘરે પહોંચી છે.''
ચંદ્રશેખરે હસીને કહ્યું, ''હું અહીં આવી ગયો છું. મારી ધરપકડ અહીં જ કરી લો.'' પોલીસે એવું જ કર્યું.
રાધાકૃષ્ણએ જેપીને પૂછ્યું, ''તમે લોકોને કોઈ સંદેશો આપવા ઇચ્છો છો ?''
અડધી સેકંડ વિચારીને જેપીએ રાધાકૃષ્ણની આંખમાં આંખ મેળવીને કહ્યું, ''વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.''

ભુવનેશ્વરમાં આપેલા ભાષણે વધાર્યું અંતર

વિખ્યાત પત્રકાર અને જેપી આંદોલનમાં સક્રીય રીતે ભાગ લઈ ચૂકેલા રામ બહાદુર રાય કહે છે કે જેપી (જય પ્રકાશ નારાયણ) અને ઇન્દિરા ગાંધીનો સંબંધ તો કાકા-ભત્રીજીનો હતો, પણ જેપીએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ઇંદિરા ગાંધીના એક જ પ્રતિભાવે એ સંબંધ બગાડી નાખ્યો હતો.
ઇન્દિરા ગાંધીએ 1974ની પહેલી એપ્રિલે ભુવનેશ્વરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે જે લોકો ધનિક લોકોના પૈસા પર નભતા હોય તેમને ભ્રષ્ટાચારની વાત કરવાનો કોઈ અધિકાર નથી.
રામ બહાદુર રાય કહે છે, ''એ નિવેદનને કારણે જેપીને માઠું લાગ્યું હતું. એ નિવેદન પછી 15-20 દિવસ સુધી જેપીએ કોઈ કામ કર્યું ન હતું. એ મેં પોતે નિહાળ્યું છે.''
''ખેતી તથા અન્ય સ્રોતથી પોતાને થતી આવકની વિગત નોંધી અને એ વિગત અખબારો તેમજ ઇંદિરા ગાંધીને પણ મોકલી આપી હતી.''

'માય ડિયર ઇંદુ'

જેપીની નજીક રહેલા રજી અહમદ કહે છે, ''જયપ્રકાશજીને આનંદ ભવનમાં તાલીમ મળી હતી. ઇન્દિરા ગાંધી એ સમયે બહુ નાનાં હતાં.''
''તમે નહેરુ અને જેપીના પત્રો વાંચશો તો ખબર પડશે કે જેપી નહેરુને 'માય ડિઅર ભાઈ' સંબોધન કરતા હતા.''
''ઇન્દિરા ગાંધીને જેપીએ જેટલા પત્રો લખ્યા હતા એ તમામમાં 'માય ડિઅર ઇંદુ' સંબોધન કર્યું હતું. અલબત, જેલમાંથી લખેલા એક પત્રમાં તેમણે ઇન્દિરાને 'માય ડિઅર પ્રાઇમ મિનિસ્ટર' સંબોધન કર્યું હતું.''

પ્રભાવતી અને કમલા નહેરુની દોસ્તી

ઇમેજ સ્રોત, PHOTO DIVISION
રામ બહાદુર રાય કહે છે કે જેપી અને ઇન્દિરા ગાંધી વચ્ચેનું અંતર વધારવામાં જેપીનાં પત્ની પ્રભાવતીનાં મૃત્યુએ પણ મોટી ભૂમિકા ભજવી હતી.
તેમના જણાવ્યા અનુસાર, ''હું માનું છું કે પ્રભાવતીએ જેપી અને ઇન્દિરાને જોડી રાખ્યાં હતાં. ઇન્દિરા ગાંધીનાં મમ્મી કમલા નહેરુને પ્રભાવતી સાથે ગાઢ સંબંધ હતો.''
''એટલે ઇન્દિરા પ્રભાવતીનો બહુ આદર કરતાં હતાં. કમલા નહેરૂ વિષાદની ક્ષણોમાં આધાર શોધતાં ત્યારે પ્રભાવતી પાસે જતાં હતાં.''
''તેમનો સંબંધ એટલો ગાઢ હતો કે ફિરોઝ ગાંધી સાથે ઇન્દિરા ગાંધીના સંબંધ બગડ્યા ત્યારે ઇન્દિરા જેમને પોતાના મનની વાત કહી શકે તેવી મા સમાન કોઈ મહિલા હોય તો એ પ્રભાદેવી હતાં.''
''પ્રભાવતીએ જેપી-ઇન્દિરાના સંબંધને આજીવન જાળવી રાખ્યો એમ કહેવું ખોટું નથી.''

ઇન્દિરા વાતચીત કરવા તૈયાર હતાં

ઇમેજ સ્રોત, SHANTI BHUSHAN
જેપી સાથેના મતભેદ વાતચીત વડે દૂર કરવાના પ્રયાસ ઇન્દિરાએ શરૂઆતમાં કર્યા હતા.
ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરે તેમની આત્મકથા 'જિંદગી કા કારવાં'માં લખ્યું છે કે ''મેં ઇન્દિરા ગાંધીને કહ્યું કે હું જેપીને મળવા વેલ્લૂર જઇ રહ્યો છું. તેઓ શું કહેશે, તેની મને ખબર નથી. તમારું વલણ શું છે?''
''તમે તેમની સાથે વાતચીત કરશો કે તેમની સાથે લડાઈ ચાલુ રાખશો? તેમણે જણાવ્યું કે તમે વાત કરો. જેપી ઇચ્છતા હશે તો હું પણ વાતચીત કરીશ.''

ઇન્દિરા-જયપ્રકાશ વચ્ચે વાતચીત

ઇમેજ સ્રોત, NEHRU MEMORIAL MUSEUM AND LIBRARY
એ દરમિયાન ચંદ્રશેખર ઉપરાંત અન્યો મારફત પણ જેપી અને ઇન્દિરા વચ્ચે વાતચીત કરાવવાના પ્રયાસ થતા હતા.
જેપી 1974ની 29 ઑક્ટોબરે અચાનક દિલ્હી આવ્યા હતા અને 'ગાંધી પીસ ફાઉન્ડેશન'માં રહ્યા હતા.
ચંદ્રશેખર તેમને મળવા ગયા. તેઓ લખે છે, ''જેપીએ મને ભોજપુરીમાં કહ્યું, તમને એક વાત કરવી છે, પણ મને કહેવામાં આવ્યું છે કે તેની ચર્ચા કોઈની સાથે, ખાસ કરીને આપની સાથે તો કરવાની જ નથી.''
''ઇન્દિરા ગાંધીએ બિહાર આંદોલન વિશે વાત કરવા આજે મને બોલાવ્યો છે. એ માટે તેમણે એક મુસદ્દો મોકલ્યો છે. એ મુસદ્દાના આધારે તેઓ મારી સાથે વાત કરવા ઇચ્છે છે.''
''તેમણે મને ડ્રાફ્ટ દેખાડ્યો. મેં તેને વાંચીને કહ્યું, આ બરાબર છે. આ મુસદ્દાના આધારે તમે સમાધાન કરી લો. જેપીએ કહ્યું, મુશ્કેલી એ છે કે ઇન્દિરા સાથે તમારે સારો સંબંધ છે એ વાત તેઓ જાણતાં હોવા છતાં તેમણે આ વાત તમારાથી છૂપાવવા શા માટે કહ્યું?''
''મેં જેપીને પૂછ્યું, આ મુસદ્દો તમારી પાસે કોણ લાવ્યું હતું? તેમણે ખચકાતાં જણાવ્યું, શ્યામ બાબુ અને દિનેશ સિંહ લઇને આવ્યા હતા. એ સાંભળીને મેં તરત જ કહ્યું.''
''આ મુસદ્દાના આધારે સમાધાન નહીં થાય. આ મુસદ્દાનો હેતુ એટલો જ છે કે તમારી સાથે વાતચીત ચાલી રહી છે તેની જાણ લોકોને થાય.''

''જયપ્રકાશજી, દેશનો તો વિચાર કરો''

ઇમેજ સ્રોત, SHANTI BHUSHAN
1974ની પહેલી નવેમ્બરે રાતે નવ વાગ્યે જેપી ઇન્દિરાને મળવા તેમના નિવાસસ્થાન 1, સફદરજંગ રોડ પર ગયા હતા. રામ બહાદુર રાય કહે છે, ''તમારી અને ઇન્દિરા વચ્ચે વાતચીત થવાની છે એવું તેમને જણાવવામાં આવ્યું હતું.''
''જેપી વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે બાબુ જગજીવન રામ ત્યાં બેઠા હતા. એમને નિહાળીને જેપી આશ્ચર્યચકિત થઇ ગયા હતા.''
''આખી બેઠક દરમિયાન ઇન્દિરા ગાંધી ખાસ કશું બોલતાં ન હતાં. મોટાભાગે જગજીવન રામ જ વાતચીત કરતા હતા. જેપીનો આગ્રહ હતો કે બિહાર વિધાનસભાના વિસર્જનની માગણી યોગ્ય છે.''
''એ વિશે તમારે વિચારવું જોઈએ. અંતે વાતચીત લગભગ પુરી થઈ ગઈ હતી ત્યારે ઇન્દિરા એક જ વાક્ય બોલ્યાં હતાં કે તમે દેશનો પણ થોડો વિચાર કરો.''
''એ વાક્યથી જેપી સમસમી ગયા હતા. તેમણે કહ્યું હતું કે ઇન્દુ, મેં દેશ સિવાય બીજા કોનો વિચાર કર્યો છે. એ પછી જેપીને જેટલા લોકો મળ્યા તેમને જેપીએ જણાવ્યું હતું કે ઇન્દિરાએ તેમનું અપમાન કર્યું છે.''
''એ પછી જેપીએ એવું પણ કહેવાનું શરૂ કરી દીધું હતું કે હવે ઇન્દિરા સાથે અમારી ટક્કર ચૂંટણીના મેદાનમાં થશે.''

કમલા નહેરુએ લખેલા પત્રો પાછા મોકલાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
1, સફદરજંગ રોડ છોડતાં પહેલાં જેપીએ ઇન્દિરાને કહ્યું હતું કે તેઓ તેમની સાથે એક મિનિટ એકલા વાત કરવા ઇચ્છે છે.
તેમણે લગભગ પીળા પડી ગયેલા કેટલાક પત્રોનું એક બંડલ ઇન્દિરા ગાંધીને આપ્યું હતું. એ પત્રો ઇન્દિરાનાં માતા કમલા નહેરુએ જેપીનાં પત્ની પ્રભાવતી દેવીને 20 અને 30ના દાયકામાં લખ્યા હતા.
એ સમયે તેમના બન્નેના પતિ આઝાદીની લડાઈ લડતા હતા.
પ્રભાવતી કમલા નહેરુનાં એકમાત્ર દોસ્ત અને તેમની ગુપ્ત વાતો જાણતી વ્યક્તિ હતાં. કમલા, નહેરુ પરિવારમાં તેમની સાથે થતા ખરાબ વર્તનની વાતો પ્રભાવતીને કરતાં હતાં.
જેપીએ જૂના પત્રોનું બંડલ આપ્યું ત્યારે ઇન્દિરા થોડી વાર માટે ભાવુક જરૂર થઇ ગયાં હતાં, પણ તેમની વચ્ચેનું અંતર એટલું વધી ચૂક્યું હતું કે એ ખાઈ ક્યારેય પૂરી શકાઈ નહીં.

બન્નેનો મોટો અહમ

ઇન્દિરા ગાંધીનાં સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂકેલા પી.એન. ધરે તેમના પુસ્તક 'ઇન્દિરા ગાંધી-ધ ઇમરજન્સી ઍન્ડ ઇન્ડિયન ડેમૉક્રસી'માં લખ્યું છે, ''અમારી અને જેપી વચ્ચે મધ્યસ્થી કરી રહેલા ગાંધી પીસ ફાઉન્ડેશનના સુગત દાસગુપ્તાએ મને જણાવ્યું હતું કે નીતિગત બાબતોનું એટલું મહત્વ નથી. મારી સલાહ છે કે તેમને થોડો આદર આપો.''
ધરે આગળ લખ્યું છે, ''રાધાકૃષ્ણ અને દાસગુપ્તાના જણાવ્યા મુજબ, જેપીને આશા હતી કે જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધી વચ્ચે જેવો સંબંધ હતો તેવો જ સંબંધ ઇન્દિરા ગાંધી વડા પ્રધાન બન્યા બાદ તેમની સાથે સ્થાપશે."
"ઇન્દિરા ગાંધી એક વ્યક્તિ તરીકે જેપીનો આદર કરતાં હતાં, પણ તેમના વિચારો સાથે શરૂઆતથી જ અસહમત હતાં.''
''ઇન્દિરા ગાંધી જેપીને અવ્યવહારિક બાબતોને વધુ મહત્વ આપતા સિદ્ધાંતવાદી ગણતા હતા. જે લોકો એકમેક વિશે આવી ધારણા રાખતા હોય તેમની વચ્ચે સમાન રાજકીય સમજનું સર્જન લગભગ અશક્ય હતું.
''સાચી વાત એ છે કે બન્નેનો અહમ બહુ મોટો હતો અને નિયતિ પાસે તેમની વચ્ચે ટક્કર થવા દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.''

ઇન્દિરાએ આપેલા પૈસા પાછા મોકલાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્દિરા અને જેપી વચ્ચેનો સંબંધ એક અન્ય ઘટનાને કારણે પણ બગડ્યો હતો.
જેપીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા પછી ગાંધી પીસ ફાઉન્ડેશનના પ્રમુખ રાધાકૃષ્ણે ભારતીયોને તથા વિદેશમાં રહેતા ભારતીયોને, જેપી માટે ડાયાલિસિસ મશીન ખરીદવા માટે યોગદાન આપવાની વિનંતી કરી હતી.
પી. એન. ધરે લખ્યું છે, ''રાધાકૃષ્ણની સલાહ અને તેને મારા સમર્થનને પગલે ઇન્દિરા ગાંધીએ જેપીના ડાયાલિસિસ મશીન માટે સારા એવા પ્રમાણમાં નાણાં મોકલાવ્યાં હતાં. રાધાકૃષ્ણએ જેપીને સંમતિ બાદ એ નાણાં મળ્યાની પહોંચ પણ મોકલી હતી.''
''જોકે, ઇન્દિરા ગાંધીની એ પહેલ જેપી કૅમ્પના ઘણા કટ્ટર લોકોને સ્વીકાર્ય ન હતી. તેથી તેમના દબાણને કારણે જેપીએ એ નાણાં ઇન્દિરા ગાંધીને પાછાં મોકલવા પડ્યા હતા.
''એ ઘટનાએ ઇન્દિરા તથા જેપી વચ્ચેની વાતચીતનો વિરોધ કરતા લોકોને વધુ એક કારણ આપ્યું હતું.''
''એવું કહેવામાં આવ્યું હતું કે જેપી તેમના કૅમ્પના કટ્ટર લોકોના વિરોધ સામે ટકી નથી શકતા ત્યારે બીજી ગંભીર બાબતોમાં તેમની પાસેથી સાહસિક નિર્ણયની આશા રાખી ન શકાય.''

બદલાના રાજકારણનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
1977ના માર્ચમાં જનતા પાર્ટીની જીત પછી સરકાર બનાવવાની કવાયત ચાલતી હતી ત્યારે ઇન્દિરા ગાંધીને એવી આશંકા હતી કે ફરજિયાત નસબંધીના સંજય ગાંધીની યોજનાનો ભોગ બનેલા લોકો સંજય ગાંધીને બળજબરીથી પકડીને તુર્કમાન ગેટ લઈ જશે અને જાહેરમાં તેમની નસબંધી કરશે.
ઇન્દિરા ગાંધીનાં સખી પુપુલ જયકરે વિદેશ સચિવ જગત મહેતાને ફોન કરીને જણાવ્યું હતું કે ઇન્દિરા આ વાતથી બહુ ચિંતિત છે.
જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને પછી યોજના પંચ તથા દક્ષિણ આફ્રિકામાં ભારતના હાઈ કમિશનર બનેલા લક્ષ્મીચંદ જૈને જગન મહેતાએ આ વાત જણાવી ત્યારે તેઓ જેપી પાસે ગયા હતા.
લક્ષ્મીચંદ જૈને તેમની આત્મકથા 'સિવિલ ડિસઓબિડિયન્સ - ટુ ફ્રીડમ સ્ટ્રગલ્સ ઇન લાઇફ'માં લખ્યું છે, ''એ વાત સાંભળીને જેપી ઘણા ચિંતિત થઈ ગયા હતા.''
''તેમણે નક્કી કર્યું કે તેઓ ઇન્દિરા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને જશે અને તેમને ખાતરી આપશે. જેપી ઇન્દિરાને મળવા ગયા હતા અને તેમની સાથે ચી પીધી હતી.''
રામ બહાદુર રાય કહે છે, એ બેઠક બાદ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીનું રાજકીય જીવન હજુ પુરૂં નથી થયું.
બદલાનું રાજકારણ નહીં રમવાનો સંકેત તેમણે એ નિવેદન વડે જનતા પક્ષના નેતાઓને આપ્યો હતો.
લોકોએ જેપીની વાત સાંભળી ન હતી એ અલગ વાત છે. રામ બહાદુર રાય કહે છે, ''જેપીએ ઇન્દિરાને ત્યાં સુધી પૂછ્યું હતું કે હવે તું વડા પ્રધાન નથી ત્યારે તારું ઘર કેવી રીતે ચાલશે?''
ઇન્દિરાએ જવાબ આપ્યો હતો કે નહેરૂનાં પુસ્તકોની રોયલ્ટીમાંથી તેમનું ગુજરાન ચાલતું રહેશે. જેપીએ તેમને ખાતરી આપી હતી કે તેમના પર કોઈ જોરજુલમ નહીં થાય.
જેપીએ આ બાબતે મોરારજી દેસાઈ અને ચરણસિંહને અપીલ પણ કરી હતી.

પટણામાં છેલ્લી મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
થોડા દિવસોમાં જ જેપીનો જનતા પાર્ટીથી મોહભંગ થઈ ગયો હતો. જેપી પટણામાં બિમાર પડ્યા હતા, પણ જનતા પાર્ટીના નેતાઓ તેમની ખબર સુધ્ધાં કાઢવા ગયા ન હતા.
જાણીતા પત્રકાર કુલદીપ નૈયર કહે છે, ''જેપીની ખબર કાઢવા પટણા જવાની સલાહ મેં મોરારજી દેસાઈને આપી ત્યારે તેમણે મને કહ્યું હતું કે ''હું ગાંધીને મળવા પણ ક્યારેય ગયો ન હતો તો આ જેપી શું ચીજ છે''.
ઇન્દિરા ગાંધીએ તેમના જેવું કર્યું ન હતું. ઇન્દિરા બેલચીથી પાછાં ફરતી વખતે પટણા રોકાયાં હતાં અને જેપીને મળવા ગયાં હતાં.
રજી અહમદ કહે છે, જેપીના જીવનના અંતિમ દિવસોમાં તેમની અને ઇન્દિરા ગાંધી વચ્ચેનો સંબંધ ફરી સારો થઈ ગયો હતો.
જોકે, રાજકીય વિવેચકો માને છે કે જેપી સાથેની ઇન્દિરા ગાંધીની મુલાકાત તેમના રાજકારણનો એક ભાગ હતી અને ઇન્દિરા તેમાં પૂર્ણપણે સફળ થયાં હતાં.
(આ લેખ સૌપ્રથમ ઑક્ટોબર 2017માં પ્રકાશિત થયો હતો.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













