જ્યારે એક બંગાળી પાઇલટે પાકિસ્તાની વાયુસેનાનું વિમાન હાઇજૅક કરી લીધું
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
1971ની 20 ઑગસ્ટની આ વાત છે.
કરાચીમાં મૌરીપુર ઍરબેઝ પર બપોર પહેલાં યુવા પાકિસ્તાની પાઇલટ ઑફિસર રશીદ મિન્હાસ બીજી ઉડાન ભરીને ટી33 ટ્રેનરને ટેક ઑફ માટે લઈ જતા હતા.
જ્યારે તેઓ ટેક ઑફ પૉઇન્ટ પર પહોંચ્યા તો ત્યાં એમને આસિસ્ટન્ટ ફ્લાઇટ સેફ્ટી ઑફિસર ફ્લાઇટ લેફ્ટનન્ટ મતિઉર રહમાને હાથના ઇશારાથી રોકી દીધા. નવશીખિયા પાઇલટોની ઘણી વાર આ રીતે તપાસ થતી હતી.

ઇમેજ સ્રોત, BANGLADESH/ALCETRON.COM
મિન્હાસને પણ લાગ્યું કે કદાચ એમની તપાસ કરવા માટે રોક્યા છે, પણ, મતિઉર રહમાનનો ઇરાદો કંઈક જુદો જ હતો.
મતિઉર બંગાળી ઑફિસર હતા અને તેઓ પાકિસ્તાને ઢાકામાં કરેલી કાર્યવાહીથી ખુશ નહોતા. તેમણે પોતાના મિત્ર સદરુદ્દીનના સાથસહકારમાં વિમાન સાથે ભારત ભાગી જવાની યોજના બનાવી હતી.
પાકિસ્તાન પ્રશાસનને પણ આનો અંદેશો મળી ગયો હતો. એટલે, જ્યારે ભારત સાથેના યુદ્ધનાં વાદળ ઘેરાવા લાગેલાં ત્યારે જ તેણે બીજા બંગાળી ઑફિસર્સની સાથે મતિને પણ ગ્રાઉન્ડ ડ્યૂટી આપીને આસિસ્ટન્ટ ફ્લાઇટ સેફ્ટી ઑફિસર બનાવી દીધા હતા.
પાકિસ્તાનના વાયુસેનાના ઇતિહાસકાર કૈસર તુફૈલે 'બ્લૂ બર્ડ 166 ઇઝ હાઇજૅક્ડ' નામના પોતાના લેખમાં લખેલું કે, 'કરાચીમાં ડ્યૂટી પરના બંગાળી અધિકારીઓને એ આભાસ થઈ ગયેલો કે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એમની પર નજર રાખી રહ્યું છે.'
'તેમણે નક્કી કર્યું કે તેઓ બેઝ પરના અધિકારીઓની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ચાલુ રાખશે અને બધા એકસાથે ક્યારેય ભેગા નહીં થાય.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'પરંતુ, સાથોસાથ અંદરોઅંદર એવી સહમતી સધાઈ કે તેઓ પાકિસ્તાનના હવાઈદળનું વિમાન હાઇજૅક કરીને ભારત લઈ જશે.'
'શરૂઆતમાં, એક કે બે એફ86 સેબર વિમાન હાઇજૅક કરવાની યોજના થઈ પણ પછી લાગ્યું કે બેઝ પરના ટારમૅક પરની બંગાળી અફસરની હાજરીમાત્ર એમને શંકાના દાયરામાં મૂકી દેશે.'
'બીજા જેટ વિમાનને ગ્રાઉન્ડ પરના કર્મચારીઓની મદદ વગર હાઇજૅક કરવું અસંભવ લાગતું હતું. ત્યારે એ નક્કી કરાયું કે સોલો મિશન પર જતા ટી33 વિમાનને હાઇજૅક કરવું વધુ સહેલું રહેશે.'

મતિઉર રહેમાને હાથના ઇશારે રશીદ મિન્હાસનું વિમાન અટકાવ્યું

ઇમેજ સ્રોત, BANGLADESH DEFENCE
એ દિવસે રશીદ મિન્હાસે સ્ક્વૉર્ડન ક્રૂ રૂમમાં પોતાનો નાસ્તો ગરમ કરાવ્યો. એમણે ઉડાન પર નહોતું જવાનું કારણ કે ઉડાન માટે કરાચીની આસપાસનું વાતાવરણ યોગ્ય નહોતું. પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને મિન્હાસને કહેવાયું કે તેઓ ઉડાન ભરવાની તૈયારી કરે.
કૈસર તુફૈલે લખ્યું છે કે, 'અડધોપડધો નાસ્તો કરીને રશીદ મિન્હાસ ફ્લાઇટ લેફ્ટનન્ટ હસન અખ્તર પાસે ઉડાન માટેની બ્રિફ લેવા જતા રહ્યા. તેમણે ઉડાન માટેનાં કપડાં પહેરી લીધાં, જલદી જલદીમાં બે ગુલાબજાંબુ ખાઈ લીધાં અને કોકા કોલાના બેત્રણ ઘૂંટ ભરી લીધા.'
'બરાબર 11.30 વાગ્યે ટી33 વિમાનના કૉલસાઇન બ્લૂ બર્ડ 166ની સાથે મુખ્ય ટારમૅક તરફ દિશા બદલી.'
'દરમિયાન મતિઉર રહમાન પોતાની ઓપેલ કેડિટ કારમાં મુખ્ય પટ્ટીના ઉત્તરપૂર્વ ટ્રેક પર પહોંચ્યા. જ્યારે મતિએ વિમાનને અટકવાનો ઇશારો કર્યો તો મિન્હાસ સમજ્યા કે મતિ કદાચ કોઈ જરૂરી સંદેશ આપવા માગે છે.'

ઍરટ્રાફિક કંટ્રોલને વિમાન હાઇજૅક થયાની માહિતી મળી

ઇમેજ સ્રોત, ALCETRON.COM
રશીદ મિન્હાસને રોકાવાનો ઇશારો કર્યા પછી જેવું વિમાન ઊભું રહ્યું કે તરત જ ખૂલેલી કનોપીના માર્ગે મતિ વિમાનના પાછલા કૉકપીટમાં ચઢી ગયા.
એમણે દેખાવ એવો કર્યો કે તેઓ કૉકપીટની તપાસી રહ્યા છે. મિન્હાસ કશું પણ સમજે એ પહેલાં તો વિમાન રનવે પર દોડવા લાગ્યું.
કૈસર તુફૈલે લખ્યું છે કે, 'મિન્હાસ માત્ર એટલું જ કરી શક્યા કે 11 વાગ્યા ને 28 મિનિટે ઍરટ્રાફિક કંટ્રોલને જાણ કરી કે તેમનું વિમાન હાઇજૅક થઈ ગયું છે.'
'મિન્હાસને પોતે આપેલા આદેશોનું પાલન કરાવવા માટે રહમાને નક્કી પિસ્તોલનો સહારો લીધો હશે, નહીંતર જોખમ દેખાતાં જ મિન્હાસ વિમાનનું એન્જિન ઑફ કરી શક્યા હોત.'
એ સમયે એટીસીમાં ડ્યૂટી પર હાજર એક બંગાળી અધિકારી કૅપ્ટન ફરીદુજમાએ, જે પછીથી સાઉદી ઍરલાઇન્સમાં કામ કરવા માંડ્યા હતા, તેમણે બાંગ્લાદેશના દૈનિક 'ધ ડેઇલી સ્ટાર'ના 6 જુલાઈના અંકમાં લખ્યું કે, "હું જોઈ શકતો હતો કે બંને પાઇલટ વચ્ચે વિમાનને કંટ્રોલ કરવા માટે ઝપાઝપી થતી હતી."
"મને એ સમયે જ લાગ્યું હતું કે મતિઉર રહમાન ભારતને નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે કેમ કે તેમણે ના તો પૅરાશૂટ પહેરેલો કે ના તો હેલ્મેટ."
"વિમાન જેવું આંખ સામેથી ઓઝલ થયું એટીસીમાં ડ્યૂટી પરના બીજા અધિકારીઓએ વિમાન ગાયબ થયાની ઍલર્ટ જાહેર કરી દીધી. ટી33ને ઇન્ટરસેપ્ટ કરવા માટે ઉતાવળમાં બે સેબર જેટ્સને મોકલી દેવાયાં."

રશીદ મિન્હાસ થયા 'કૉકપીટમાં ફ્રીઝ'

ઇમેજ સ્રોત, KAISAR TUFAIL/FB
પાકિસ્તાનના વધુ એક મશહૂર પાઇલટ અને સિતાર-એ-જુર્રતથી સન્માનિત સજ્જાદ હૈદરે પોતાની આત્મકથા 'ફ્લાઇટ ઑફ ધ ફૉલ્કન'માં મતિઉર રહમાનનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, 'મતિએ 1965-66 દરમિયાન મારા હાથ નીચે કામ કર્યું હતું. હું માનું છું કે રશીદે વિમાન હાઇજૅક થતું અટકાવવા માટે જોરદાર પ્રયાસ ન કર્યો.'
'તેઓ ઇચ્છતા તો મેઇન ફ્યુઅલ સ્વિચ બંધ કરી શક્યા હોત જે ફ્રન્ટ કૉકપીટમાં હોય છે.'
'ઍર ઇન્વેસ્ટિગેશન બોર્ડના પ્રમુખ ગ્રૂપ કૅપ્ટન જહીર હુસૈન પણ માને છે કે યુવા અને અનુભવહીન મિન્હાસ કૉકપીટમાં ફ્રિઝ થઈ ગયા હતા. મતિએ ખૂબ નીચે ઊડતાં ડાબી તરફ પોતાનું વિમાન વાળી લીધું હતું.'
'જ્યારે વિમાન ખૂબ નીચે ઊડતું જોયું ત્યારે એટીસી ઑફિસર અસિમ રશીદને લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે. બૅઝ કમાન્ડર બિલ લતીફને તરત જ એ અંગેની જાણકારી આપવામાં આવી.'
'તેમણે તે સમયે જ લૅન્ડ થયેલાં બે એફ86 સેબર વિમાનોને એને રોકવા માટે મોકલી દીધાં. આ વિમાનના ચાલક વિંગ કમાન્ડર શેખ સલીમ અને એમના વિંગમૅન ફ્લાઇટ લેફ્ટનન્ટ કામરાન કુરેશી હતા. પરંતુ રડાર પર એ વિમાનના કોઈ અણસાર નહોતા મળતા, કેમ કે ટી33 ઝાડ જેટલી ઊંચાઈએ ઊડી રહ્યું હતું.'
'એમ પણ એના ટેક ઑફને આઠ મિનિટ થઈ ગઈ હતી અને તેઓ જો પોતાની ફુલ સ્પીડમાં તેનો પીછો કરતા તો સરહદની પહેલાં એના સુધી પહોંચી ન શકતા.'
'કેટલોક સમય બીજો પણ બગડ્યો હતો, જ્યારે રડારની ભૂલને કારણે બે એફ86 વિમાનો નવાબશાહના રૂટીન મિશનથી પાછા આવી રહેલા બી57 વિમાનનો પીછો કરવા લાગ્યાં.'

પોલીસસ્ટેશનેથી મળી વિમાન પડી ગયાની ખબર

ઇમેજ સ્રોત, VANGUARDBOOKS
થોડી વાર પછી એફ86 વિમાનની બીજી એક જોડીને ટી33નો પીછો કરવા માટે મોકલવામાં આવી. એને ફ્લાઇટ લેફ્ટનન્ટ અબ્દુલ વહાબ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ ખાલિદ મહમૂદ ઉડાડી રહ્યા હતા.
પછીથી અબ્દુલ વહાબે યાદ કરેલું કે, 'અમને ખબર હતી કે કંઈક ગરબડ જરૂર છે. અમે જ્યારે હવામાં ગયા તો ઘણી અવઢવમાં હતા. તોપણ અમે ગાર્ડ ચેનલ પર એક નકલી સંદેશો મોકલ્યો કે એફ86 વિમાન ટી33ની બરાબર પાછળ છે અને જો તે પાછું નહીં ફરે તો એને પાડી દેવામાં આવશે.'
'અમે રેડિયો કૉલ દ્વારા મિન્હાસને નિર્દેશો આપવાના શરૂ કરી દીધા હતા કે તેઓ વિમાન છોડી દે, પરંતુ વિમાનમાંથી કોઈ જવાબ ન મળ્યો.'
ઘણા સમય પછી પણ હાઇજૅક થયેલું વિમાન ક્યાં છે, તેની કોઈ માહિતી નહોતી. બપોર પછી જ્યારે શાહબંદર પોલીસસ્ટેશનમાંથી એક ફોન આવ્યો કે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને એમાંના બંને લોકો મરી ગયા છે, છેક ત્યારે આખી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ.
તરત જ એક હેલિકૉપ્ટરને રાહત મિશન પર મોકલી દેવાયું. એને મસરૂરથી 64 નોટિકલ માઇલ દૂર એક તળાવની પાસે જમીનમાં ઘૂસી ગયેલા ટી33ની પૂંછડી દેખાઈ, જેની પર એનો નંબર 56 - 1622 લખેલો હતો. વિમાન દુર્ઘટનાનો સંભવિત સમય 11 વાગ્યા ને 43 મિનિટનો જણાવાયો હતો.

નિયંત્રણ પોતાના હાથમાં લેવાના પ્રયાસોમાં ઝપાઝપી

ઇમેજ સ્રોત, Getty Images
વિમાનને ભારત લઈ જવાની રહમાનની જીવસટોસટની યોજના સફળ ના થઈ શકી. ભારતીય સરહદથી 32 માઇલ પહેલાં થટ્ટા નામના સ્થળે ટી33 વિમાન જમીન પર પડ્યું હતું.
જમીન પરથી નજરે જોનારા લોકોએ જોયેલું કે વિમાન ડામાડોળ ઊડતું હતું, જેનો મતલબ હતો કે વિમાનમાં એને નિયંત્રણમાં રાખવા માટે ઝપાઝપી થતી હતી. પાછળથી આ પ્રકરણની તપાસ માટે બનાવાયેલા ઍર ઇન્વેસ્ટિગેશન બોર્ડે પોતાના રિપૉર્ટમાં કહેલું કે, 'ફ્લાઇટની ઉડાન દરમિયાન એના કનોપીને લૉક કરાઈ નહોતી.'
'એ બહારની હવાના દબાણને લીધે કેટલોક સમય તો પોતાની જગ્યાએ સ્થિર રહી પરંતુ જ્યારે વિમાન ખોટી રીતે ઊડવા માંડ્યું તો એ પણ ઊડી ગઈ અને તે વિમાનના પાછલા ભાગને અથડાઈ, જેનાથી વિમાન નાકની દિશામાં જમીન પર પડ્યું.'
'કદાચ આ કારણે જ મતિઉર રહમાન કૉકપીટમાંથી ઊછળીને બહાર ફેંકાઈ ગયા, કેમ કે એમને સીટબૅલ્ટ બાંધવાનો સમય જ નહોતો મળ્યો.'
આ ઘટનાની તપાસ કરનારી ટીમને મતિઉર રહમાનના શબ પાસેથી રમકડાંની એક પિસ્તોલ મળી. એ શબ દુર્ઘટનાસ્થળથી થોડાક અંતરે મળ્યું હતું. રશીદ મિન્હાસનું શબ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી જ મળેલું.

રશીદ મિન્હાસને અપાયો પાકિસ્તાનનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર

ઇમેજ સ્રોત, ALCETRON.COM
રશીદ મિન્હાસને પાકિસ્તાનમાં હીરો જાહેર કરાયા અને એમને સર્વોચ્ચ વીરતા સન્માન નિશાન-એ-હૈદરથી સન્માનિત કરાયા હતા. આ સન્માન પ્રાપ્ત કરનારા તેઓ પાકિસ્તાનના સૌથી યુવા વાયુસેના પાઇલટ છે.
એ સમયે એમની ઉંમર માત્ર 20 વર્ષની હતી. એમના સન્માનમાં લખાયું કે, 'રશીદે વિમાનને હાઇજૅક થતું અટકાવવા સમજીવિચારીને જમીન પર પાડ્યું હતું.'
રશીદને એ જ સ્થળે દફન કરવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
શરૂઆતમાં મિન્હાસને સિતાર-એ-જુર્રત ઇલકાબ આપવાની ભલામણ કરવામાં આવેલી, પરંતુ જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહ્યા ખાંને સમગ્ર ઘટનાની જાણકારી અપાઈ ત્યારે તેમણે કહ્યું કે આ છોકરો નિશાન-એ-હૈદરથી ઓછા સન્માનનો અધિકારી નથી.
એ જ દિવસે એની જાહેરાત કરી દેવામાં આવી.

મતિઉર રહમાન પાકિસ્તાનના ખલનાયક અને બાંગ્લાદેશમાં નાયક

ઇમેજ સ્રોત, Getty Images
મતિઉર રહમાનને દેશદ્રોહી અને ખલનાયક ઘોષિત કરી દેવાયા. મતિના અંતિમસંસ્કાર મૌરીપુર ઍરબૅઝમાં કરવામાં આવ્યા, જ્યાં 35 વર્ષ સુધી એમનું શબ ગુમનામીની ગર્તમાં પડ્યું રહ્યું.
એટલું જ નહીં, મશરૂર ઍરબૅઝના પ્રવેશદ્વાર પર એમની તસવીર ચોંટાડીને એની પર 'ગદ્દાર' લખવામાં આવ્યું. એમની પત્ની મિલી રહમાન અને એમની બે નાની દીકરીઓની ધરપકડ કરવામાં આવી, તો બીજી તરફ મતિઉર રહમાનને એમની બહાદુરી માટે બાંગ્લાદેશનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર બીર શ્રેષ્ઠો આપવામાં આવ્યો.
વિમાન અપહરણની આ ઘટનાએ પાકિસ્તાની સેનામાં બંગાળી અફસરોની મુશ્કેલીઓ વધારી દીધી. પીવી.એસ.જગમોહન અને સમીર ચોપડાએ પોતાના પુસ્તક 'ઇગલ્સ ઓવર બાંગ્લાદેશ'માં લખ્યું કે, 'સંજોગ એટલા ખરાબ થઈ ગયેલા કે 1965ની લડાઈ અને 1967ની અરબ ઇઝરાયલ લડાઈના હીરો સૈફ ઉલ આઝમને પણ ચાર બીજા બંગાળી અધિકારીઓ ગ્રૂપ કૅપ્ટન એમ. એસ. ઇસ્લામ, વિંગ કમાન્ડર કબાર, સ્ક્વૉર્ડન લીડર જી.એમ.ચૌધરી અને ફ્લાઇટ લેફ્ટનન્ટ મીઝાનની સાથે અટક કરી લેવામાં આવી.'
'એમની ભારત કે પૂર્વીય પાકિસ્તાનમાં ભાગી જવાની યોજના વિશે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી. 21 દિવસ સુધી જેલમાં રાખ્યા પછી પાકિસ્તાનના વાયુસેનાધ્યક્ષ ઍરમાર્શલ રહીમના હસ્તક્ષેપ પછી સૈફ ઉલ આઝમને છોડી મૂકવામાં આવ્યા.'
'રહીમખાંએ આઝમની સાથે થયેલા વ્યવહાર અંગે પોતાની સહાનુભૂતિ પ્રકટ કરી પણ સાથે એમણે ચેતવણી પણ આપી કે ભવિષ્યમાં આવું કોઈ પગલું ભરીને સેનામાં રહીમખાંની ઇજ્જત ઉછાળવાની કોઈ બેવફૂફી ન કરે.'

બંગાળી અફસરોને વિદેશમાં વસવાટ કરાવવાનો પ્રસ્તાવ

ઇમેજ સ્રોત, HARPERCOLLINS
એ પછી રહીમખાંએ સૈફ ઉલ આઝમની સામે પ્રસ્તાવ મૂક્યો કે તેઓ પાકિસ્તાની વાયુસેનામાંથી મુદ્દત પહેલાં રાજીનામું આપીને ત્રીજા કોઈ દેશમાં જઈને રહી શકે, પરંતુ આઝમે આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં.
આ પ્રકારના પ્રસ્તાવો બીજા બંગાળી અફસરોને પણ કરાયા હતા. ગ્રૂપ કૅપ્ટન એમ. જી. તવાફે આ પ્રસ્તાવનો સ્વીકાર કરીને પશ્ચિમ જર્મનીની નાગરિકતા લઈ લીધી. એમના માટે આ આસાન પણ હતું કેમ કે એમનાં પત્ની જર્મનીનાં નાગરિક હતાં.
ફ્લાઇટ લેફ્ટનન્ટ શૌકત ઇસ્લામે પણ આ નિર્ણયનો ફાયદો લીધો. 1965ની લડાઈમાં યુદ્ધકેદી બનેલા ઇસ્લામ એ સમયે એક ઍક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત તુર્કીની વાયુસેનામાં કામ કરતા હતા. 1971માં જ્યારે બાંગ્લાદેશ આઝાદ થયું તો તેઓ તુર્કીથી પાકિસ્તાન જવાને બદલે સીધા બાંગ્લાદેશ ગયા.
મતિઉર રહમાનના શબને ઢાકા લઈ જવાયો.
30 વર્ષના અથાક પ્રયાસો પછી 24 જૂન 2006ના દિવસે મતિઉર રહમાનના પાર્થિવ શરીરને કરાચીમાં એમની કબરમાંથી બહાર કાઢીને બાંગ્લાદેશ વિમાનની વિશેષ ઉડાન દ્વારા ઢાકા લઈ જવાયું જ્યાં એમને મીરપુરમાં શહીદ કબ્રસ્તાનમાં પૂરા સૈનિક-સન્માન સાથે બીજી વાર દફનાવાયા.

ઇમેજ સ્રોત, BANGLADESH DEFENCE
બાંગ્લાદેશનાં તત્કાલીન વડાં પ્રધાન ખાલિદા જિયાએ રાષ્ટ્રીય ધ્વજમાં લપેટાયેલા લેફ્ટનન્ટ મતિઉર રહમાનના શબની ઢાકાના વિમાનમથકે આગેવાની કરી.
એ સમયે વિમાનમથકે મતિઉર રહમાનની પત્ની મળી, એમની દીકરી તુહીન મતિહુર હૈદર, એમના બીજા સંબંધી અને જૂના સાથી પણ ઍરપૉર્ટ પર હાજર હતા. ત્યાં બાંગ્લાદેશની સેનાએ એમને ગાર્ડ ઑફ ઓનર પણ આપ્યું. સમય જતાં જેસોર સ્થિત બાંગ્લાદેશ ઍરબૅઝને એમનું નામ અપાયું અને બાંગ્લાદેશની સરકારે એમના સન્માનમાં ટપાલટિકિટ પણ બહાર પાડી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













