એ યુદ્ધ જેમાં પાકિસ્તાની કમાન્ડો વિમાનમાંથી ભારતીય ધરતી પર ખેદાનમેદાન કરવા ઊતર્યા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

તારીખ છ અને સાત સપ્ટેમ્બર, 1965ની રાત્રે પાકિસ્તાનનાં બી-57 વિમાનોએ ભારતીય લશ્કરી સ્થળો પર બૉમ્બમારો કરવા માટે ઉડાન ભરી ત્યારે તેમની પાછળ સી-130 પ્રકારનાં ત્રણ હર્ક્યુલીસ ટ્રાન્સપૉર્ટ વિમાનો પણ ભારતીય સીમા ભણી વળ્યાં હતાં.

દરેક વિમાનમાં એલિટ સ્પેશિયલ સર્વિસીઝ ગ્રૂપના 60-60 કમાન્ડો સવાર હતા.

પાકિસ્તાન ઍરફૉર્સ

ઇમેજ સ્રોત, DEFENCE.PK

ઇમેજ કૅપ્શન, મેજર ખાલિદ બટ્ટના નેતૃત્વ હેઠળના 60 પાકિસ્તાની કમાન્ડો પઠાણકોટ ઍરબેઝ નજીક રાતે બે વાગ્યે ઊતર્યા હતા

તેમનું લક્ષ્ય હલવારા, આદમપુર અને પઠાણકોટ ખાતેનાં ત્રણ ભારતીય વિમાનમથકો પર રાતના અંધારામાં પૅરાશૂટ વડે ઊતરવાનું, તેને કબજે કરવાનું તેમજ ત્યાં રાખવામાં આવેલાં તમામ ભારતીય વિમાનોનો નાશ કરવાનું હતું.

મેજર ખાલિદ બટ્ટના નેતૃત્વ હેઠળના 60 પાકિસ્તાની કમાન્ડો પઠાણકોટ ઍરબેઝ નજીક રાતે બે વાગ્યે ઊતર્યા કે તરત જ તેઓ એક પછી એક એમ અનેક સમસ્યાઓથી ઘેરાઈ ગયા હતા.

વિમાનમથક નજીકની નહેરો, ઝરણાં અને કાદવથી ભરેલાં ખેતરોએ તેમની ગતિને અવરોધી હતી.

ત્રણ કલાકમાં જ સવાર પડવા લાગી હતી અને ત્યાં સુધીમાં એક ગામવાસીએ પાકિસ્તાની કમાન્ડોના ઊતરવાની બાતમી પઠાણકોટ સબ-એરિયા વડામથકને આપી દીધી હતી.

line

એક કમાન્ડો પાછો ભાગ્યો

પાકિસ્તાન ઍરફૉર્સ

ઇમેજ સ્રોત, DEFENCE.PK

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનનું લક્ષ્ય હલવારા, આદમપુર અને પઠાણકોટ ખાતેનાં ત્રણ ભારતીય વિમાનમથકો પર રાતના અંધારામાં પૅરાશૂટ વડે ઊતરવાનું, તેને કબજે કરવાનું તેમજ ત્યાં રાખવામાં આવેલાં તમામ ભારતીય વિમાનોનો નાશ કરવાનું હતું.

લગભગ 200 લોકોને ઉતાવળે એકઠા કરવામાં આવ્યા હતા. મોટા ભાગના કમાન્ડોને બે દિવસમાં જ પકડી પાડવામાં આવ્યા હતા.

એ કમાન્ડોનું નેતૃત્વ કરી રહેલા મેજર ખાલિદ બટ્ટને બે દિવસ પછી પકડી પાડવામાં આવ્યા હતા. હલવારામાં રાતના અંધારામાં પ્લેનમાંથી નીચે ઊતરી રહેલા સૈનિકો સ્પષ્ટ જોઈ શકાતા હતા.

વિમાનમથકના સલામતી અધિકારીએ તમામ ઍરમૅન તથા અધિકારીઓને રાઇફલ તથા પિસ્તોલ આપી હતી. તેની સાથે એવો આદેશ પણ આપ્યો હતો કે વિમાનમથકના નજીક ઘાસનાં મેદાનોમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળે કે તરત જ ખચકાયા વિના ગોળીબાર કરવો.

કેટલાક પાકિસ્તાની કમાન્ડો વાસ્તવમાં વિમાનમથકના પ્રાંગણમાં પડ્યા હતા, પરંતુ તેઓ કશું કરી શકે એ પહેલાં જ તેમને પકડીને યુદ્ધકેદી બનાવવામાં આવ્યા હતા.

જોકે, જૉન ફ્રિકરે તેમના પુસ્તક 'બૅટલ ફૉર પાકિસ્તાન'માં લખ્યું છે કે એ પૈકીના મેજર હજૂર હસનૈન નામનો એક કમાન્ડો એક ભારતીય જીપ કબજે કરીને તેના એક સાથી જોડે પાકિસ્તાન ભાગી જવામાં સફળ થયો હતો.

હલવારા બેઝમાં ગ્રાઉન્ડ ડ્યૂટીમાં કામ કરતા નાણાવિભાગના વડા સ્ક્વોડ્રન લીડર કૃષ્ણસિંહે પોતે પાકિસ્તાની કમાન્ડોના લીડરને પકડી પાડ્યો હતો.

સ્ક્વોડ્રન લીડર કૃષ્ણસિંહ એકલા એવા બિન-સૈનિક કર્મચારી હતા, જેમને 1965 અને 1971ના યુદ્ધમાં આ પ્રકારના સાહસ માટે વીરચક્ર આપવામાં આવ્યું હતું.

line

ભસતાં કૂતરાંએ પકડાવ્યા

પાકિસ્તાન ઍરફૉર્સ

ઇમેજ સ્રોત, PIUSHPINDER SINGH

ઇમેજ કૅપ્શન, સ્ક્વોડ્રન લીડર કૃષ્ણસિંહ એકલા એવા બિન-સૈનિક કર્મચારી હતા, જેમને 1965 અને 1971ના યુદ્ધમાં આ પ્રકારના સાહસ માટે વીરચક્ર આપવામાં આવ્યું હતું.

આદમપુરમાં પણ પાકિસ્તાની કમાન્ડોની હાલત એવી જ થઈ હતી. તેમને ઍરબેઝથી ઘણા દૂર ઉતારવામાં આવ્યા હતા. તેથી તેઓ એકઠા થઈ શક્યા નહોતા. રાતે ભસતાં કૂતરાંએ તેમનું રહસ્ય ઉઘાડું પાડી નાખ્યું હતું.

સૂર્યોદય થતાં તેમણે મકાઈનાં ખેતરોમાં આશરો લીધો હતો. તેમને લુધિયાણાથી આવેલા નેશનલ કૅડેટ કૉર્પ્સના યુવાનોએ શોધી કાઢ્યા હતા. કેટલાક પાકિસ્તાની કમાન્ડોને ગુસ્સે ભરાયેલા ગામલોકોએ મારી નાખ્યા હતા.

કુલ 180 કમાન્ડો પૈકીના 138ને બંદી બનાવવામાં આવ્યા હતા, જ્યારે 22 કમાન્ડો ગ્રામજનો સાથેની અથડામણમાં માર્યા ગયા હતા અને લગભગ 20 ભાગીને પાકિસ્તાન પાછા ગયા હતા.

ભાગી છૂટેલા કમાન્ડો પૈકીના મોટા ભાગના પઠાણકોટ ઍરબેઝ પર ઉતારવામાં આવેલા કમાન્ડો પૈકીના હતા. તેઓ ભાગીને પાકિસ્તાન પરત જઈ શક્યા, કારણ કે પઠાણકોટથી પાકિસ્તાનની સીમા માત્ર 10 માઈલ દૂર છે.

પીવીએસ જગમોહન અને સમીર ચોપડાએ તેમના પુસ્તક 'ધ ઇન્ડિયા-પાકિસ્તાન ઍર વૉર'માં લખ્યું છે, "60 કમાન્ડોનું જૂથ કદાચ એક મોટું દળ હતું. લોકોનું ધ્યાન ખેંચ્યા વિના તેઓ પોતાનું કામ કરી શકે તેમ નહોતા. બીજા અર્થમાં તે નાનું જૂથ પણ હતું, એટલે કે તેને ઘેરી લેવામાં આવે તો તેની પાસે પોતાના બચાવની ક્ષમતા નહોતી."

પાકિસ્તાનથી ગૌહાટી તથા શિલૉંગમાં પણ કેટલાક પૅરાશૂટધારી સૈનિકો ઉતારવામાં આવ્યા હતા, પરંતુ એ લોકો કોઈને નુકસાન કરે તે પહેલાં તેમને પકડી પાડવામાં આવ્યા હતા.

line

પૅરાટ્રૂપરના ડરથી દિલ્હી ભાગ્યા

બીબીસીના સ્ટૂડિયોમાં ઍરમાર્શલ ભૂપ બિશ્નોઈ સાથે રેહાન ફઝલ
ઇમેજ કૅપ્શન, બીબીસીના સ્ટૂડિયોમાં ઍરમાર્શલ ભૂપ બિશ્નોઈ સાથે રેહાન ફઝલ

આ બધી ઘટનાઓએ ઘણીવાર બન્ને દેશોમાં હાસ્યાસ્પદ સ્થિતિ સર્જી હતી. એક વખત એક ડ્યૂટી ઑફિસરને સપનામાં પૅરાશૂટથી ઊતરતો સૈનિક દેખાયો હતો.

તેમણે ઊંઘમાં જ બૂમ પાડી હતી, "દુશ્મન, દુશ્મન, ફાયર, ફાયર."

ચારે તરફ બ્લૅકઆઉટ હોવાને કારણે ઘનઘોર અંધારું હતું. તેથી અવાજ ક્યાંથી આવી રહ્યો છે એ લોકો જોઈ શકતા નહોતા.

ઘણા લોકો જાગી ગયા હતા અને ચારે તરફ કોલાહલ હતો. પિસ્તોલ કાઢવામાં આવી હતી, પરંતુ ગોળીબાર શરૂ થાય એ પહેલાં કમાન્ડિંગ ઑફિસરને સમગ્ર પરિસ્થિતિ સમજાઈ ગઈ હતી.

એ ઘટનાને યાદ કરતાં ઍરમાર્શલ ભૂપ બિશ્નોઈ કહે છે, "હલવારામાં પૅરાશૂટ વડે સૈનિકો ઊતર્યા પછી દિલ્હી નજીકના હિંડન ઍરબેઝમાં પણ એવી અફવા ફેલાઈ હતી કે ત્યાં પાકિસ્તાની પૅરાડ્રૉપ થવાના છે. ત્યાંના કમાન્ડિંગ ઑફિસરે જણાવી દીધું હતું કે લોકો તેમનાં પત્ની તથા બાળકો સાથે સલામત જગ્યાએ જવા ઇચ્છતા હોય તો જઈ શકે છે. જેને જે વાહન મળ્યું એમાં પોતાના પરિવારજનો સાથે લોકો દિલ્હી તરફ ભાગ્યા હતા."

line

અંદરોઅંદર ગોળીબાર

ફ્લાઇટ લેફ્ટનન્ટ પઠાણિયા

ઇમેજ સ્રોત, PUSHPINDER SINGH

ઇમેજ કૅપ્શન, ફ્લાઇટ લેફટનન્ટ પઠાણિયા

વધારે દિલચસ્પ ઘટના પાકિસ્તાનમાં બની હતી. ત્યાં એવી અફવા ફેલાઈ હતી કે ભારતીય પૅરાટ્રૂપર સરગોધા વિમાનમથકે ઊતરવાના છે. પાકિસ્તાની વાયુસેનાના વડામથકે કમાન્ડોથી ભરેલું સી-130 પ્રકારનું એક વિમાન સરગોધા માટે રવાના કર્યું હતું.

એ વિમાન અંધારામાં સરગોધા ઍરબેઝ પર ઊતર્યું અને તેમાંથી કમાન્ડો બહાર આવવા લાગ્યા ત્યારે વધારે પડતો સાવધ એક સંત્રી એવું સમજ્યો હતો કે તેઓ ભારતીય પૅરાટ્રૂપર છે.

એ સાથે બન્ને તરફથી ગોળીબાર થવા લાગ્યો હતો. એ ગેરસમજમાં કેટલા લોકો ઘવાયા હતા એ જાણવા મળ્યું નથી. (ઍર કૉમોડોર મન્સૂર શાહ, ધ ગોલ્ડ બર્ડઃ પાકિસ્તાન ઍન્ડ ઇટ્સ ઍરફૉર્સ)

આવી જ રીતે પઠાણકોટમાં પેરાટ્રૂપર્સના સંભવિત હુમલામાંથી બચવા માટે તમામ અધિકારીઓને 9 એમએમની સ્ટેન કાર્બાઇન આપવામાં આવી હતી. ફ્લાઇટ લેફ્ટનન્ટ પઠાણિયાને પણ એક કાર્બાઇન આપવામાં આવી હતી.

ફ્લાઇટ લેફટનન્ટ પઠાણિયાને તે કાર્બાઇનનો ઉપયોગ કરતાં આવડતું નહોતું. તેથી ફ્લાઇટ લેફ્ટનન્ટ તુષાર સેન તેમને કાર્બાઇનને વાપરવાનું શીખવતા હતા.

એક વખત તેમનાથી ભૂલમાં ટ્રીગર દબાયું હતું અને કાર્બાઇનમાંથી છૂટેલો 9 એમએમની ગોળીઓનો આખો બર્સ્ટ, ત્યાં આરામ કરી રહેલા પાઇલટોના માથાથી જૂજ ઇંચ ઉપરથી નીકળી ગયો હતો.

એ પછી જે પરસ્પર બોલાચાલી થઈ હતી તેની તો તમે માત્ર કલ્પના જ કરી શકો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો