કંદહાર વિમાન અપહરણ : ભારતીય વિમાનની આસપાસ ચક્કર મારનાર સાઇકલસવાર કોણ હતો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, મોહમ્મદ કાઝિમ
- પદ, બીબીસી ઉર્દૂ, ક્વેટા
કોઈ પણ વિમાનનું અપહરણ થાય ત્યારબાદ સામાન્ય રીતે ટીવી સ્ક્રીન પર જોવા મળે છે કે તે વિમાનની આસપાસ સુરક્ષાકર્મીઓ એકઠા થાય છે અને વાહનો ઝડપથી દોડધામ કરતાં હોય છે.
પરંતુ બે દાયકા અગાઉ અફઘાનિસ્તાનના કંદહાર ઍરપૉર્ટ પર એક અલગ પ્રકારનું આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું હતું. ઍરપૉર્ટ પર અપહ્યત વિમાનની આસપાસ બખ્તરબંધ વાહનોની જગ્યાએ એક શખ્સ સાઇકલ પર ચક્કર મારતા જોવા મળ્યો હતો.
આ વાત છે ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનની જેણે ઉડાન ભર્યા બાદ તરત અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્રણ એરપોર્ટ પર ઉતાર્યા બાદ અંતે કંદહાર લઈ જવાયું હતું.
અફઘાનિસ્તાનના ઇતિહાસમાં કંદહારનું મહત્ત્વ કાબૂલ જેટલું જ છે. પરંતુ 90ના દાયકા અગાઉ આંતરરાષ્ટ્રીય મીડિયાએ કંદહારને એટલું મહત્ત્વ આપ્યું ન હતું.
90ના દાયકામાં બે મોટી ઘટનાઓ બની જેના કારણે આ શહેર આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયું. પ્રથમ ઘટના, તાલિબાનના ઉદય પછી કંદહાર પર તેમનો કબજો. બીજી ઘટના એટલે ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાન અપહરણ બાદ તેને કંદહાર લઈ જવું.
બીજાં ઘણાં પાસાં ઉપરાંત આ વિમાન અપહરણ એટલા માટે પણ જાણીતું છે, કારણ કે તે સૌથી લાંબો સમય ચાલેલી ઘટના હતી. કટ્ટરવાદીઓએ સાત દિવસ સુધી વિમાનને પોતાના કબજામાં રાખ્યું હતું.

અપહરણ કઈ રીતે થયું?

ઇમેજ સ્રોત, Getty Images
24 ડિસેમ્બર, 1999ના રોજ ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટ આઈસી 814એ નેપાળની રાજધાની કાઠમંડુથી લખનઉ જવા માટે ઉડાન ભરી. તે વિમાનમાં 176 પ્રવાસીઓ ઉપરાંત પાઇલટ અને ચાલકદળના 15 લોકો સવાર હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિમાન જ્યારે ભારતીય હવાઈક્ષેત્રમાં પ્રવેશ્યું ત્યારે એક બુકાનીધારી શખ્સ ઊભો થયો અને કોકપીટમાં ઘૂસી ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેણે પાઇલટને ધમકી આપી કે તે વિમાનને લખનઉના બદલે લાહોર તરફ નહીં લઈ જાય તો વિમાનને બૉમ્બથી ઉડાવી દેવાશે.
તેની સાથે જ બીજા ચાર બુકાનીધારી પણ ઊભા થયા અને તેમણે વિમાનના જુદાજુદા ભાગમાં પૉઝિશન લીધી.

કંદહાર અગાઉ વિમાન ક્યાં ક્યાં ગયું?

ઇમેજ સ્રોત, COURTESY - BANARAS KHAN
વિમાનના કૅપ્ટન દેવી શરણે લખનઉના બદલે લાહોરની દિશા પકડી, પરંતુ લાહોર પહોંચવા માટે વિમાનમાં ઈંધણ ઓછું હતું. તેથી વિમાનને અમૃતસર ઉતારવામાં આવ્યું.
મીડિયા અહેવાલો મુજબ વિમાનનું લૅન્ડિંગ થાય ત્યારે સુરક્ષાદળો અપહરણકર્તાઓ સામે કાર્યવાહી કરશે તે વાતનો અંદાજ તેમને આવી ગયો હતો. તેથી તેમણે ઈંધણ ભરાવ્યા વગર જ વિમાનને લાહોર લઈ જવા માટે પાઇલટને ફરજ પાડી.
શરૂઆતમાં પાકિસ્તાને વિમાનને લાહોર ઍરપૉર્ટ પર ઊતરવાની મંજૂરી ન આપી અને ઍરપૉર્ટની લાઇટો બંધ કરી દીધી. પરંતુ ઈંધણ ભરવા માટે લાહોર ઍરપૉર્ટ પર ઊતરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. તેથી વિમાનને લાહોર ઍરપૉર્ટ પર ઊતરવાની મંજૂરી આપવામાં આવી.
ઈંધણ ભર્યા બાદ પાકિસ્તાને વિમાનના પાઇલટને તાત્કાલિક લાહોર ઍરપૉર્ટ છોડવા માટે કહ્યું. લાહોર પછી વિમાન દુબઈ ઍરપૉર્ટ પહોંચ્યું જ્યાં અપહરણકર્તાઓએ 27 પ્રવાસીઓને વિમાનમાંથી ઊતરવાની છૂટ આપી.
મીડિયા અહેવાલો મુજબ ભારતે દુબઈ ઍરપૉર્ટ પર વિમાનને અપહરણકર્તાઓથી છોડાવવા માટે યુએઈ પાસે કાર્યવાહીની મંજૂરી માગી, પરંતુ તેમણે ઇન્કાર કરી દીધો.
ત્યારપછી વિમાન અફઘાનિસ્તાનના બીજા મોટા શહેર કંદહાર ઍરપૉર્ટ પર પહોંચ્યું અને અપહરણનો અંત આવ્યો ત્યાં સુધી ત્યાં જ રહ્યું.

જ્યારે કંદહાર ઍરપૉર્ટ પર દુનિયાની નજર ટકેલી હતી

ઇમેજ સ્રોત, AFP
કંદહારમાં વિમાનના ઉતરાણ બાદ ત્યાં પત્રકારો એકઠા થવા લાગ્યા હતા. કંદહાર ઍરપૉર્ટ બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાની નજીક છે. તેથી સૌથી પહેલા ક્વેટામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયાના પત્રકારો એકઠા થવા લાગ્યા.
ક્વેટાથી જે પત્રકારો સૌથી પહેલા કંદહાર પહોંચ્યા હતા તેમાં ક્વેટામાં બીબીસીની પશ્તુ સેવાના સંવાદદાતા અય્યૂબ તરીન પણ સામેલ હતા.
ત્યારપછી પહોંચનારામાં વરિષ્ઠ પત્રકાર શહજાદા ઝુલ્ફીકાર અને એએફપીના જાણીતા ફોટોગ્રાફર બનારસ ખાન પણ સામેલ હતા.
બે દાયકા વીત્યા પછી પણ આ લોકોને અપહરણની શરૂઆતથી લઈને તેના અંત સુધીની તમામ ઘટનાઓ યાદ છે.
અય્યૂબ તરીને જણાવ્યું કે પહેલા દિવસે તેઓ કંદહારની એક હોટલમાં રોકાયા હતા. તેમણે જણાવ્યું કે તે સમયે રમઝાન મહિનો ચાલતો હતો.
તેમણે કહ્યું, "અમે જ્યારે સહરી માટે ઊઠ્યા તો લોકો અમારી સામે તાકીતાકીને જોવા લાગ્યા કે દાઢી વગરના આ લોકો ક્યાંથી આવ્યા છે. હોટલમાં હાજર લોકોને ખબર ન હતી કે કોઈ ભારતીય વિમાનને અપહરણ કરીને ઍરપૉર્ટ લાવવામાં આવ્યું છે."

સાઇકલ અને મોટરસાઇકલ પર ચક્કર માર્યા
શહજાદા ઝુલ્ફીકારે જણાવ્યું કે તેમણે ઍરપૉર્ટ પર એક વિચિત્ર ઘટના જોઈ. એક વ્યક્તિ સાઇકલ પર ઍરપૉર્ટ પર આવી અને વિમાન આસપાસ ચક્કર મારવા લાગી.
બનારસ ખાનના જણાવ્યા પ્રમાણે ત્યાં સુરક્ષા બંદોબસ્ત સંભાળતા લોકો સાઇકલ અથવા મોટરસાઇકલ પર જ પેટ્રોલિંગ કરતા હતા.
તેમનું કહેવું હતું કે આવી સ્થિતિમાં તો બખ્તરબંધ ગાડીઓ અને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત હોવો જોઈએ, પરંતુ આવું કંઈ ન હતું.
શહજાદા ઝુલ્ફીકાર અનુસાર તેમણે સવાલ કર્યો તો જાણવા મળ્યું કે જે વ્યક્તિ મોટા ભાગે સાઇકલ પર ચક્કર મારતી હતી તે ઍરપૉર્ટ એરિયાના એસએચઓ સ્તરના અધિકારી હતા.

કડકડતી ઠંડી વચ્ચે સુવિધાઓની અછત

ઇમેજ સ્રોત, GETTY IMAGES
શહજાદા ઝુલ્ફીકારે જણાવ્યું કે તેઓ એક મહત્ત્વની ઘટનાના કવરેજ માટે ગયા હતા. તેથી તેઓ રાતે પણ ઍરપૉર્ટ છોડવા માગતા ન હતા, કારણ કે રાતે પણ કોઈ ઘટના બની શકે છે.
તેમનું કહેવું છે કે તે સમયે જોરદાર ઠંડી પડતી હતી અને ત્યાં રહેવાની કોઈ વ્યવસ્થા ન હતી.
તેમણે જણાવ્યું કે ભારે ઠંડી પડતી હોવા છતાં રક્ષણ માટે તેમની પાસે માત્ર વાહન હતા.
"પત્રકારો જેટલા દિવસ ત્યાં રોકાયા ત્યાં સુધી તેમણે ઠંડીથી બચવા માટે પોતાનાં વાહન સતત ચાલુ રાખ્યાં, ગાડીની અંદર જ રહીને ટાઢથી બચવાની કોશિશ કરતા હતા."
"મેં ક્વોટાથી જે શૂઝ પહેર્યા હતા તે બહુ ઠંડી અને સૂવાની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે બે-ત્રણ દિવસ સુધી પહેરી રાખ્યા હતા."
તેમણે કહ્યું કે ભારે ઠંડી અને અવ્યવસ્થાના કારણે તેઓ ઊંઘી શકતા ન હતા. તેથી ઊંઘ પૂરી કરવા માટે ત્યાં હાજર પત્રકારોએ વારાફરતી ચાર-ચાર કલાક સૂવાનો નિર્ણય લીધો.

વિમાન નજીક તાપણું કરવામાં આવતું હતું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઍરપૉર્ટમાં ઠંડીથી બચવા માટે કોઈ ખાસ વ્યવસ્થા ન હતી. તેથી સુરક્ષા માટે હાજર તાલિબાની કર્મચારીઓએ એક ઉપાય શોધ્યો. તેઓ ખુલ્લા મેદાનમાં જ તાપણું કરવા લાગ્યા.
અય્યૂબ તરીનનું કહેવું છે કે આવી આગ બહુ દૂર લગાડવામાં આવતી ન હતી. વિમાનની સાવ નજીકમાં જ તાપણું કરવામાં આવતું હતું.
તેમણે જણાવ્યું કે કોઈ પણ વિમાનની નીચે આગ પેટાવવી એ કોઈ પણ રીતે સુરક્ષિત ન કહી શકાય. પરંતુ તાલિબાનોને આ વાતની બિલકુલ પરવા ન હતી. તેઓ જરાય કાળજી રાખ્યા વગર આગ પ્રગટાવતા હતા.

ફાઇવસ્ટાર હોટલથી ભોજન આવ્યું

ઇમેજ સ્રોત, SAEED KHAN/AFP/GETTY IMAGES
શહજાદા ઝુલ્ફીકાર જણાવે છે કે જે રીતે ત્યાં રહેવાની સમસ્યા હતી, તેવી જ રીતે ત્યાં ખાવા-પીવાની પણ તકલીફો હતી.
તેમણે જણાવ્યું કે શરૂઆતમાં એક-બે દિવસ ઘણી મુશ્કેલી રહી. ત્યારપછી રેડક્રૉસના વિમાનમાં ભોજન આવવા લાગ્યું. જોકે કેટલાક પત્રકારો ભોજન માટે શહેર જતા હતા.
અય્યૂબ તરીને જણાવ્યું કે વિમાનમાં તાલિબાન તરફથી પ્રવાસીઓ અને બીજા લોકોને ખાવા-પીવાની ચીજો મોકલવામાં આવતી હતી.
તેમનું કહેવું હતું કે તાલિબાનના ફૂડ પૅકેજમાં પ્લાસ્ટિકની એક થેલી રહેતી હતી. તેમાં એક રોટલી, એક ચિકન પીસ અને એક માલ્ટા સામેલ હતાં.
તેમણે કહ્યું કે વિમાનના પ્રવાસીઓએ આ ભોજન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે તેઓ દર વખતે આવું ખાવાનું ખાઈ શકે તેમ ન હતા.
ત્યારપછી એવો ઉકેલ કાઢવામાં આવ્યો કે ઇસ્લામાબાદથી સંયુક્ત રાષ્ટ્રનું એક વિમાન આવતું હતું. તેમાં ફાઇવસ્ટાર હોટલનું ભોજન લાવવામાં આવતું હતું.

કમાન્ડો ઍક્શનની તૈયારી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
બનારસ ખાન જણાવે છે કે શરૂઆતના એક-બે દિવસ સુધી સંકટ ઉકેલાયું નહીં. ત્યારબાદ તાલિબાન તરફથી કોઈ કમાન્ડો ઍક્શનના સંકેત મળ્યા.
તેમનું કહેવું હતું, "તેના માટે કોઈ ખાસ સુરક્ષાદળો ન હતા. પરંતુ ઍરપૉર્ટ પર જે તાલિબાનના કર્મચારી હતા, તેમને જ ઍરફોર્સના કર્મચારીઓનો યુનિફોર્મ પહેરાવી દેવાયો હતો. પરંતુ તાલિબાન તરફથી કોઈ નુકસાનથી બચવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી."
શહજાદા ઝુલ્ફીકારે જણાવ્યું કે ઍરપૉર્ટ પર જે કર્મચારી હાજર હતા અથવા આવ-જા કરતા હતા તેમની પાસે આવી સ્થિતિનો સામનો કરવાનો કોઈ અનુભવ ન હતો.
તેમણે જણાવ્યું કે આ દરમિયાન તાલિબાન તરફથી જણાવાયું કે ભારતે કમાન્ડો ઍક્શનની માગણી કરી હતી, પરંતુ તેમને આ માટે મંજૂરી અપાઈ ન હતી.
તેમણે કહ્યું કે તાલિબાને જણાવ્યું કે તેઓ કોઈ વિદેશી સેનાને પોતાની જમીન પર કાર્યવાહી કરવાની છૂટ ન આપી શકે.

વિમાનનું એસી ખરાબ થયું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
બનારસ ખાને જણાવ્યું કે અપહરણના ત્રીજા દિવસે વિમાનની ઍર કંડિશનિંગ સિસ્ટમ ખરાબ થઈ ગઈ. એસી બંધ થયું ત્યારે પ્રવાસીઓની તકલીફો વધી ગઈ.
તેમણે જણાવ્યું કે ભારતીય કર્મચારી કંદહાર ઍરપૉર્ટ આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે ભારતીય એન્જિનિયર્સ પણ હતા. એક એન્જિનિયરને વિમાનમાં જવા માટે જણાવાયું અને તેઓ કામ કરીને બહાર આવી ગયા.
તેમનું કહેવું હતું કે જ્યારે પત્રકારોએ તે એન્જિનિયરને અંદરની સ્થિતિ વિશે પૂછ્યું, તો તેણે એટલું જ કહ્યું કે તેને એસીમાં જ્યાં ખરાબી હતી તે જગ્યાએ જ લઈ જવાયા હતા.
ભારતીય એન્જિનિયરે પત્રકારોને ખાસ કંઈ ન જણાવ્યું. પરંતુ તેમણે કહ્યું કે તે અપહરણકર્તાઓ સામાન્ય અપહરણકર્તા નથી. તેઓ વિમાન વિશે ઘણી બધી માહિતી ધરાવે છે.
શહજાદા ઝુલ્ફીકાર જણાવે છે કે અપહરણકર્તા વિમાનમાં સફાઈ માટે એક કર્મચારીને અંદર જવાની છૂટ આપતા હતા. પ્રવાસીઓની સ્થિતિ વિશે જાણવાનો તે એકમાત્ર રસ્તો હતો.
તેમણે કહ્યું કે તે વ્યક્તિ બહાર આવીને જણાવતી હતી કે વિમાનમાં પ્રવાસીઓ કેવી તકલીફ ભોગવી રહ્યા છે.
સફાઈ કર્મચારીને કોઈ પણ પ્રવાસી સાથે વાત કરવાની છૂટ ન હતી. તેમને ઝડપથી કામ કરીને જતા રહેવા માટે જણાવાતું હતું.

વાતચીત નિષ્ફળ રહી

ઇમેજ સ્રોત, Getty Images
શહજાદા ઝુલ્ફીકારે જણાવ્યું કે ભારતીય અધિકારી આવ્યા અને તાલિબાન સાથે સતત વાતચીત કરતા રહ્યા.
તેમનું કહેવું હતું કે ભારતીય અધિકારીઓએ કદાચ એવી ઘણી કોશિશ કરી હશે કે તેઓ અપહરણકર્તાઓની વાત ન માને. પરંતુ તેમણે ત્યાં જે જોયું તેના પરથી સમજાઈ ગયું કે આવું શક્ય નથી.
"તેઓ સમજી ગયા કે તેઓ ફસાઈ ગયા છે અને તેમાંથી નીકળવું શક્ય નથી. તેના કારણે તેમણે અપહરણકર્તાઓ સામે નમતું જોખવું પડ્યું અને જે ઉગ્રવાદીઓને છોડાવવા માટે માટે વિમાન અપહરણ કરવામાં આવ્યું હતું તેમને મુક્ત કરવા પડ્યા."
તેઓ જણાવે છે કે અપહરણ સંકટ સમાપ્ત થયું ત્યાં સુધી કંદહાર ઍરપૉર્ટ ભારત અને તાલિબાની અધિકારીઓનું કેન્દ્ર રહ્યું. ભારતના તત્કાલીન વિદેશમંત્રી જસવંત સિંહે બે વખત કંદહાર જવું પડ્યું હતું.
એક વખત તેઓ વાતચીત કરવા માટે આવ્યા હતા. અપહરણકર્તાઓની માગણી અનુસાર ભારતીય જેલોમાં પૂરાયેલા ઉગ્રવાદીઓ મૌલાના મસૂદ અઝહર, મુશ્તાક જરગર અને અહમદ ઉમર સઈદ શેખને છોડીને કંદહાર ઍરપૉર્ટ લઈ જવાયા ત્યારે જસવંત સિંહ બીજી વખત ત્યાં ગયા હતા.
તેમનું કહેવું હતું કે જે દિવસે અપહરણ કટોકટી પૂર્ણ થઈ તે દિવસે ભારતથી બે વિમાન આવ્યા, જેમાંથી એકમાં જસવંત સિંહ હતા.
તેમણે જણાવ્યું કે બીજા વિમાનમાં કદાચ મૌલાના મસૂદ અઝહર સહિત ત્રણેય ઉગ્રવાદી હતા.

અપહરણકર્તા ઍમ્બ્યુલન્સમાં ફરાર થયા

ઇમેજ સ્રોત, Getty Images
શાહજાદા ઝુલ્ફીકાર જણાવે છે કે અપહરણ સંકટ સમાપ્ત થતા પહેલાં એક ઍમ્બ્યુલન્સ વિમાન નજીક આવીને ઊભી રહી.
તેમણે જણાવ્યું કે વિમાનના આગળના ભાગમાંથી પાંચ બુકાનીધારી અપહરણકર્તા ઊતર્યા અને ઍમ્બ્યુલન્સમાં બેસી ગયા.
તેમણે કહ્યું કે મૌલાના મસૂઝ અઝહર સહિત તમામ છૂટા થયેલા ઉગ્રવાદીઓને તેમણે જોયા હતા. તેઓ પણ કદાચ એ એમ્બ્યુલન્સમાં બેસી ગયા જેમાં અપહરણકર્તા બેઠા હતા.
તેમણે જણાવ્યું કે તેઓ ઍરપૉર્ટ છોડીને કંઈ બાજુ ગયા તે જાણી શકાયું ન હતું. જોકે તાલિબાન અધિકારીઓએ અપહરણકર્તાઓ અને મુક્ત થયેલા ઉગ્રવાદીઓને બે કલાકની અંદર અફઘાનિસ્તાન છોડી જવાનો આદેશ આપ્યો હતો.
શહજાદા ઝુલ્ફીકાર જણાવે છે કે અપહ્યત વિમાન પત્રકારોની બિલકુલ નજીક હતું. તે વિમાનમાંથી ઊતરીને બીજા વિમાનમાં ચઢનારા પ્રવાસીઓ સુધી પત્રકારોને જવા દેવાયા ન હતા.
તેમણે જણાવ્યું કે બીજા વિમાનમાં ચઢી રહેલા પ્રવાસીઓના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું કે તેઓ બહુ ખુશ હતા. તેમને જાણે બીજી જિંદગી મળી હોય તેવું અનુભવાતું હતું.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












