ગૌતમ અદાણી જ્યારે 26/11 હુમલાની રાત્રે મોતના મુખમાં ફસાયા હતા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી

- ગૌતમ અદાણી મુંબઈના 26/11 હુમલામાં તાજ હોટલમાં ફસાઈ ગયા હતા
- તેમણે એકથી વધુ વખત આ હુમલા વખતે પોતાના અનુભવ વિશે વાત કરી છે.
- ગૌતમ અદાણીના જીવનમાં મોતના મુખમાંથી બહાર આવવાનો આ એકમાત્ર અનુભન નથી.
- તેમણે મૃત્યુની આટલી નજીક પહોંચવા વિશે શું-શું કહ્યું છે વાંચો આ અહેવાલમાં.

અદાણી જૂથના ગૌતમ અદાણીની ગણના ટોચના ધનિકોમાં થાય છે. અમદાવાદમાં મુખ્યમથક ધરાવતા ગુજરાતી ઉદ્યોગપતિ વિશ્વના ટૉપ-2માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય જ નહીં, પરંતુ પ્રથમ એશિયન પણ બની ગયા છે.
સફળતાના શિખર આંબતા અદાણી સ્વીકારે છે કે તેઓ તા. 26 નવેમ્બર 2008ની રાત ક્યારેય નહીં ભૂલી શકે, એ રાત્રે તેમણે ડર અનુભવ્યો હતો અને મોતને ખૂબ જ નજીકથી જોયું હતું. એ ઘટનાનાં 10 વર્ષ પહેલાં પણ તેઓ એક વખત મોતના મુખમાંથી આબાદ પરત ફર્યા હતા.
એ રાત્રે 10 બંદૂકધારીઓએ યહૂદી સાંસ્કૃતિક કેન્દ્ર, છત્રપતિ શિવાજી ટર્મિનલ, હોટલ તાજ, ઑબેરોય ટ્રાયડન્ટ, કામા હૉસ્પિટલ તથા કાફે લિયોપોલ્ડ જેવી જગ્યાઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 166 લોકો મૃત્યુ પામ્યાં હતાં. લગભગ 60 કલાક સુધી દેશની આર્થિક રાજધાનીમાં મોતનું તાંડવ ચાલ્યું હતું.

2008ની એ રાત

ઇમેજ સ્રોત, Getty Images
એ સાંજે ગૌતમ અદાણી દુબઈ પૉર્ટના ઑપરેટર ડીપી વર્લ્ડના ચીફ ઍક્ઝિક્યુટિવ મોહમ્મદ શરાફની સાથે જમવા માટે હોટલ તાજમાં આવેલી 'મસાલા ક્રાફ્ટ' રેસ્ટોરાંમાં ગયા હતા. સામાન્ય ક્રમ પ્રમાણે તેમના ડ્રાઇવર તથા સુરક્ષાકર્મી હોટલની બહાર જ રહ્યા હતા.
2007માં અદાણીએ ફૉર્બ્સની ટોચના 40 ધનિકની યાદીમાં પ્રથમ વખત સ્થાન મેળવ્યું હતું. 6.7 અબજ ડૉલરની સંપત્તિ સાથે 45 વર્ષીય અદાણી 13મા ક્રમાંકના ધનવાન ભારતીય હતા.
બુધવારની એ સાંજ કોઈ સામાન્ય સાંજ જેવી જ હતી. દેશ-વિદેશના મહેમાનો અહીં તથા આસપાસની હોટલોમાં તેમની બેઠકો અને સોશિયલ નેટવર્કિંગમાં વ્યસ્ત હતા, ત્યાં અચાનક જ મુલાકાતીઓએ ગોળીબાર અને ગ્રૅનેડવિસ્ફોટના અવાજ સાંભળ્યા.
અચાનક જ માહોલ બદલાઈ ગયો હસી-ખુશીના અવાજોનું સ્થાન ગભરાટ ભરી ચીસો, રૂદન અને અંધાધૂંધીએ લઈ લીધું. ગોળીબારનો ભોગ બનેલા ઘાયલો અને મૃતકોના લોહીથી ચકચકતો ફ્લૉર ખરડાઈ ગયો હતો.
અદાણી થોડી ઊંચાઈ ઉપર હતા, જેના કારણે શું થઈ રહ્યું છે એ વાતને તેઓ જાણી શક્યા હતા. એટલી વારમાં હોટલનો સ્ટાફ ત્યાં આવ્યો અને અદાણી સહિતના મહેમાનોને તાજ હોટલના બેઝમૅન્ટમાં લઈ ગયો. અહીં થોડા કલાકો પછી બંધકોને ગૂંગળામણ થવા લાગી હતી, એટલે તેમને ઉપરના માળે તાજ ચૅમ્બર હૉલમાં લઈ જવામાં આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મુલાકાતી-મીડિયાની ભૂલ અને...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બંધકસ્થિતિનો જવાબ આપવા માટે મહારાષ્ટ્રની ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ અને મુંબઈ પોલીસે શરૂઆતમાં પ્રતિકાર કર્યો. પરંતુ ઑપરેશનની શરૂઆતમાં જ ગણતરીના કલાકોમાં એટીએસના વડા હેમંત કરકરે, મુંબઈ પોલીસના એસીપી (ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ) અશોક કામ્પ્ટે અને ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાલસકરને ગુમાવી દીધા હતા, જેના કારણે તેના મનોબળને ભારે ફટકો પડ્યો હતો.
ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડો (અમેરિકાના નેવી સીલ્સને સમકક્ષ) આઈએનએસ કરંજ પર હતા. તેઓ સૌથી નજીક હતા અને તત્કાળ પહોંચી શકે તેમ હતા. આથી, તેમને સૌ પહેલાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો. આમ તો દરિયાઈ ચાંચિયા, જંગલ કે ખુલ્લામાં લડવા માટે ટેવાયેલા આ કમાન્ડોએ હોટલમાં ઉગ્રવાદીઓનો સામનો કરવાનો હતો, જે તેમના માટે નવી વાત હતી.
એ ઑપરેશનમાં સામેલ માર્કોસ કમાન્ડો પ્રવીણકુમાર તેઓટિયા તેમના પુસ્તક '26/11 બ્રેવહાર્ટ'ના 9મા અને 10મા પ્રકરણમાં લખે છે:
'મીડિયા દ્વારા કયાં-કયાં સુરક્ષાબળો ક્યાં પહોંચી રહ્યાં છે, તેના વિશેની પળેપળની માહિતી આપવામાં આવી રહી હતી. પાકિસ્તાનમાં બેઠેલા ઉગ્રવાદીઓના હૅન્ડલર્સ સુધી આ માહિતી લાઇવ ટેલિવિઝનના માધ્યમથી પહોંચી રહી હતી. તેઓ સૅટેલાઇટ ફોનના માધ્યમથી આ સઘળી બાતમી તાજ હોટલમાં રહેલા ઉગ્રવાદીઓને આપી રહ્યા હતા અને તેના આધારે તેમને રણનીતિ ઘડવા માટે કહી રહ્યા હતા.'
'એ સમયે ચૅમ્બર હોલમાં રહેલા લોકોમાંથી કોઈકે મીડિયાની સાથે ફોન કૉલમાં વાત કરી હતી અને પોતાના લૉકેશન વિશે માહિતી આપી દીધી હતી. આટલું ઓછું હોય તેમ અનેક લોકો 'ચૅમ્બર હૉલ'માં ગોંધાયેલા છે, તે જણાવી દીધું હતું.'
'આ પ્રકારની માહિતી લાઇવ ફોન કૉલમાં આપવી એ બંધકની ભૂલ હતી. તેમની સાથે લાઇવ વાત કરવી અને તેનું સીધું પ્રસારણ કરવું એ ચેનલ તથા પ્રસ્તુતકર્તાની ભૂલ હતી. કરાચીમાંથી આકાઓએ આ માહિતી સૅટેલાઇટ ફોન દ્વારા ઉગ્રવાદીઓને આપી. તેમાં અનેક વિખ્યાત લોકો હોય તેમને બંધક બનાવવા માટે સૂચના આપી.'

ઇમેજ સ્રોત, Getty Images
'જોકે, હુમલાખોરોનો મુકાબલો પ્રવીણકુમાર તથા તેમના સાથીઓ સાથે થયો. ઘાયલ અવસ્થામાં પણ પ્રવીણ કુમારે મોરચો સંભાળી રાખ્યો, જેના કારણે ચૅમ્બર હૉલ તરફ આગળ વધવા માટે ઉગ્રવાદીઓએ તેમના હથિયાર મૂકીને રૂમના બીજા દરવાજેથી રસોડાંના રસ્તે નાસી જવું પડ્યું અને લગભગ 150થી વધુ જિંદગીઓ બચી જવા પામી હતી. જેમાં તાજ જૂથના મૅનેજિંગ ડાયરેક્ટર રેમંડ બિકસન, બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય સહિતના લોકો સામેલ હતા.'
'બીજા દિવસે વહેલી સવારે સવારે માનેસરથી (હરિયાણા) નેશનલ સિક્યૉરિટી ગાર્ડ્સના કમાન્ડોની ટુકડી તાજ હોટલ પહોંચી અને તેમણે માર્કોસ પાસેથી ઑપરેશનની કમાન સંભાળી. તેમણે ચૅમ્બર રૂમમાં રહેલા મહેમાનોને તબક્કાવાર હોટલની લૉબીના રસ્તે બહાર કાઢ્યા, જેમાં અદાણી પણ સામેલ હતા.'
'લોહી, કાચ અને વેરવિખેર ફર્નિચરની વચ્ચે આ લોકોને વૅનમાં નજીકના પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. જ્યાં તેમની ઓળખની ખરાઈ કર્યા બાદ તેમને જવા દેવામાં આવ્યા.'

1998માં જ્યારે 'અપહરણ' થયું

ઇમેજ સ્રોત, Getty Images
એવું પહેલી વખત નહોતું બન્યું કે અદાણીએ મોતને આટલું નજીકથી જોયું હોય. તા. પહેલી જાન્યુઆરી 1998ના દિવસે અમદાવાદીઓ 31 ડિસેમ્બરની પાર્ટીના ખુમારમાંથી બહાર નીકળ્યા ન હતા, ત્યારે ગૌતમ અદાણી તથા શાંતિલાલ પટેલ કારમાં જઈ રહ્યા હતા ત્યારે મોહમ્મદપુરા પાસે એક સ્કૂટર આડું આવ્યું હતું. એ પછી કથિત રીતે બંનેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને રૂ. 15 કરોડની ખંડણી માગવામાં આવી હતી.
સરખેજ પોલીસના આરોપનામા પાછળ આની પાછળ ફઝલ-ઉર રહેમાન ઉર્ફે ફઝલુ રહેમાન તથા ભોગીલાલ દરજી ઉર્ફ મામાનો હાથ હતો. અદાણીને જુબાની આપવા માટે કોર્ટમાં બોલાવવામાં આવ્યા, પરંતુ તેઓ હાજર ન થયા. સરકારી પક્ષ ગુનામાં આરોપીઓનો હાથ હોવાનું પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો અને તેમને છોડી મૂકવામાં આવ્યા.
જૂન-2013માં લંડનસ્થિત અખબાર 'ફાયનાન્સિયલ ટાઇમ્સ'ને આપેલાં ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમને આના વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, "મારા જીવનમાં જે બે-ત્રણ કમનસીબ ઘટનાઓ ઘટી છે, તેમાંથી આ એક છે." જોકે, તેના વિશે વધારાની ચર્ચા કરવાનું ટાળ્યું હતું. જોકે, 26/11 ની ઘટના વિશે અદાણીએ મુક્ત રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

26/11, અદાણી અને અનુભવો

ઇમેજ સ્રોત, Getty Images
તા. 27 નવેમ્બર 2008ના સવારે વિશેષ ફ્લાઇટ દ્વારા તેઓ મુંબઈથી અમદાવાદ પહોંચ્યા. મુંબઈ ઍરપૉર્ટ પર 'ફૉર્બ્સ'ના પત્રકાર સાથે અદાણીએ કહ્યું હતું, 'આખી રાતમાં અમે 200થી વધુ ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો, જેમાંથી કેટલીક તો અમુક ફૂટના અંતરેથી હતી.'
અમદાવાદ ઍરપૉર્ટ પર પત્રકારો સાથે વાત કરતા અદાણીએ કહ્યું હતું, 'મેં મોતને 15 ફીટના અંતરેથી જોયું છે.'
તા. 26 નવેમ્બર 2018ના મુંબઈ હુમલાની 10મી વરસી નિમિતે 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં તેમણે એક લેખ લખ્યો, જેમાં તેમણે લખ્યું : 'છેલ્લા એક દાયકાથી આ દિવસ મારે માટે અંતરમાં ઝાંખવાનો તથા પ્રાર્થનાનો છે. એ દિવસે કેટલા લોકોના નિઃસ્વાર્થ બલિદાનને કારણે અનેક લોકોના જીવ બચી જવા પામ્યા હતા, જેમાંથી હું પણ સામેલ હતો. એમાંથી કેટલાક ચહેરાં હજુપણ મને યાદ છે. હું ક્યારેય તેમનું દેવું ચૂકવી નહીં શકું. મને વારંવાર વિચાર આવે છે કે મને કૃતજ્ઞિત તથા ઋણી રાખવા માટે ઇશ્વરે આમ કર્યું હતું.'
આગળ તેઓ લખે છે, 'એ રાત્રે હું ખૂબ જ ડરેલો હતો. એ પછી મારા જીવનની સૌથી લાંબી અને કંપકંપાવી દેતી રાત હતી. આપણે અજય છીએ એવો આપણા ઠાલા અહં છતાં આપણે કેટલા નિર્બળ છીએ તેનો અહેસાસ કરાવે છે.'
'જે કંઈ બની રહ્યું હતું તે અમારા બધા માટે માન્યામાં આવે તેવું ન હતું. મારી આજુબાજુ રહેલાં લોકોની આંખમાં રહેલો ભય મને હજુ પણ યાદ છે. ત્યાં ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી નિરવ શાંતિ હતી, જેમાં વચ્ચે-વચ્ચે ગોળીબારનો અવાજ સંભળાતો હતો.'
તેમણે વધુમાં લખ્યું, '26/11ના ઘાવ ક્યારેય ભરાશે નહીં. મારી જિંદગી અનેક લોકોના બલિદાનોની કર્જદાર છે, જેમના વિશે મને કદાચ ક્યારેય જાણ પણ નહીં થાય.'

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













