ચિત્તા : નરેન્દ્ર મોદીના જન્મદિવસે આઠ ચિત્તા ભારત આવ્યા, ડ્રૉન સ્ક્વૉડથી કઈ રીતે થશે દેખરેખ?

ઇમેજ સ્રોત, CHEETAH CONSERVATION FUND
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા

- 17 સપ્ટેમ્બરે નામિબિયાથી આઠ ચિત્તા ભારત આવ્યા.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તમામ ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં લવાયા.
- મધ્ય પ્રદેશસ્થિત કુને નેશનલ પાર્કમાં રહેશે આ ચિત્તા.

મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક વચ્ચેનો વિસ્તાર એક છાવણી જેવો બની ગયો છે, કેમ કે અધિકારીઓ પ્રમાણે તેમાં દિવસ-રાત એક કરીને હેલિપૅડ બનાવી દેવામાં આવ્યું છે.
આ હેલિપૅડથી માત્ર 200 મીટરના અંતર પર એક દોઢસો મીટરનો ક્વોરૅન્ટીન ઝોન બનાવવામાં આવ્યો છે, જેમાં નામિબિયાથી લવાયેલા આઠ ચિત્તાને રાખવામાં આવ્યા છે.
1.15 લાખ હેક્ટર ક્ષેત્રફળ ધરાવતા કુનો નેશનલ પાર્કમાં છોડતાં પહેલાં પાંચ-છ વર્ષની ઉંમર ધરાવતા આ ચિત્તાઓને એક મહિના સુધી ક્વોરૅન્ટીન ઝોનમાં જ રાખવામાં આવશે, જેનાથી તેઓ આબોહવાથી ટેવાઈ શકે.
મધ્ય પ્રદેશ વનવિભાગના એક અધિકારી પ્રમાણે, "આ એક મહિના દરમિયાન ચિત્તા પોત-પોતાના ઝોનમાં જ રહેશે અને શિકાર કરી શકશે નહીં. એટલે તેમને દર બીજા-ત્રીજા દિવસે ભેંસનું માંસ પીરસવામાં આવશે. એક મહિના બાદ આ ચિત્તાને 500 હેક્ટરવાળા ઝોનમાં મોકલવામાં આવશે, જેનાથી એકબીજાની નજીક પણ રહી શકે અને જરૂર પડે તો તેમને અલગ પણ કરી શકાય."
દક્ષિણ આફ્રિકામાં આશરે 50 એવાં અભ્યારણ્ય છે, જેમાં 500 વયસ્ક ચિત્તા છે. ચિત્તા કન્ઝર્વેશન ફંડ નામની જાણીતી આંતરરાષ્ટ્રીય સંસ્થાના નિર્દેશક લૉરી માર્કરે બીબીસી સાથે થયેલી એક ખાસ વાતચીતમાં જણાવ્યું, "આ પ્રોજેક્ટ માટે અમે ખૂબ મહેનત કરી અને આશા છે કે બધું સારું રહેશે."
"આ ચિત્તા સિંહ અને દીપડાઓ સિવાય આસપાસ બીજાં પ્રાણીઓ સાથે રહીને મોટા થયાં છે. ભારતમાં પણ તે પોતાનું ઘર વસાવી લેશે. પાંચ-સાત વર્ષનો સમય આપો, આ પ્રોજેક્ટ ખૂબ ઝડપથી વધશે."

ચિત્તા પ્રોજેક્ટ શું છે?

ઇમેજ સ્રોત, CHEETAH CONSERVATION FUND
2014માં વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી સામાન્યપણે પોતાનો જન્મદિવસ (17 સપ્ટેમ્બર) ગુજરાતમાં ઉજવતા રહ્યા છે.
ઘણી વખત તેઓ પોતાનાં માતાને મળવા જાય છે, સરદાર સરોવર બંધ જેવાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું અનાવરણ કરે છે કે સ્વચ્છતાદિવસની શરૂઆત અથવા સ્કૂલનાં બાળકો સાથે મળીને પોતાની વર્ષગાંઠ ઉજવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે આ વર્ષે તેમણે જન્મદિવસે આ ચિત્તાને છોડવાનું કામ કર્યું. કુનો પાર્કમાં ચિત્તાને છોડ્યા બાદ વડા પ્રધાને નજીકના ગૅસ્ટહાઉસમાં ફૉરેસ્ટ ગાર્ડ્સ અને આશરે 150 'ચિત્તામિત્રો' સાથે મુલાકાત કરી હતી.
કુનો નેશનલ પાર્ક જઈને તૈયારીઓની સમીક્ષા કરનારા ઇન્ડિયન ઍક્સપ્રેસ ન્યૂઝપેપરનાં પત્રકાર ઇરમ સિદ્દીકી પ્રમાણે, "આ ચિત્તામિત્ર એટલે 400 યુવાનો છે, જેમને વિસ્તારનાં ગામડાંમાં આ ચિત્તાઓ વિશે જાગરૂકતા વધારવાના ઉદ્દેશથી ટ્રેઇન કરવામાં આવ્યા છે. આ લોકો ગ્રામજનોને એ પણ જણાવશે કે ચિત્તા અને દીપડામાં શું ફેર હોય છે."
અધિકારીઓ પ્રમાણે નામિબિયામાં તો ચિત્તા અને દીપડા જંગલમાં સાથે જ રહ્યાં છે, પરંતુ મધ્ય પ્રદેશ આવેલાં ચિત્તાને કુનો પાર્કમાં દીપડાથી દૂર રાખવામાં આવી રહ્યા છે. જોકે, થોડા સમય પછી તેમને જંગલમાં હાજર 150 કરતાં પણ વધારે દીપડા સાથે રહેવું પડશે. તેનું કારણ પણ છે.

ઇમેજ સ્રોત, CHEETAH CONSERVATION FUND
વાઘ પર લાંબા સમયથી સ્ટડી કરી રહેલા વાઇલ્ડલાઇફ ફિલ્મમૅકર અજય સૂરીએ જણાવ્યું, "દીપડા ખૂબ આક્રમક હોય છે, જ્યારે ચિત્તા તેના કરતાં ઓછા હુમલા કરે છે. બીજી વાત દીપડા પોતાના વિસ્તારમાં બીજા પશુઓનું રહેવું પસંદ કરતા નથી. હવે સિંહ કે વાઘ સામે તો તે લડતા નથી, પરંતુ ચિત્તા પર હુમલો કરવો એ સામાન્ય બાબત છે."
દુનિયાભરમાં હાલ ચિત્તાની સંખ્યા આશરે સાત હજાર છે, જેમાંથી અડધા કરતાં વધારે ચિત્તા દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને બોત્સ્વાનામાં રહે છે.
ભારતે 1950ના દાયકામાં ચિત્તાને વિલુપ્ત ઘોષિત કરી દીધા હતા અને દેશમાં એક પણ પણ જીવિત ચિત્તો બચ્યો ન હતો.
આ પહેલી વખત છે જ્યારે એક આટલા મોટા માંસાહારી પ્રાણીને એક મહાદ્વીપમાંથી કાઢીને બીજા મહાદ્વીપના જંગલોમાં લાવવામાં આવ્યા છે.

વાઘ મામલે આ રીતે ભારત એક ઉદાહરણ બની શકે

ઇમેજ સ્રોત, CHEETAH CONSERVATION FUND
સંરક્ષણવાદી અને વાઇલ્ડલાઇફ જીવવિજ્ઞાની રવિ ચેલમ પ્રમાણે, "1970ના દાયકામાં જ્યારે ઈરાનમાં શાહનું શાસન હતું, ત્યારે ભારતે ત્યાંથી ચિત્તા લાવીને વસાવવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાનમાં સત્તા બદલાતાં જ બધું ખતમ થઈ ગયું. ત્યારબાદ નામિબિયાથી આવી જ એક પહેલ 2009માં શરૂ થઈ હતી, જેના અંતર્ગત કુનો નેશનલ પાર્ક જેવી ત્રણ જગ્યાઓમાં ચિત્તાને વસાવવા મામલે સહમતી સધાઈ હતી."
એક મોટી પહેલ 2010માં પર્યાવરણમંત્રી જયરામ રમેશે કરી હતી, જેના એક દાયકા બાદ 2020માં સુપ્રીમ કોર્ટે ભારત સરકારને ચિત્તાને લાવવાની પરવાનગી આપી હતી.
કોર્ટે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણને ચિત્તાને સુરક્ષિત રીતે વસાવવા માટે એક સારું સ્થાન શોધવા નિર્દેશ આપ્યા હતા.
સ્પષ્ટ છે, ચિત્તાના આવવાની વાતને લઈને ખાસ ઉત્સાહ પણ છે અને જિજ્ઞાસા પણ કે શું સિંહ-ચિત્તાને તેમનાં અભ્યારણ્યોથી કોઈ બીજા સ્થળે શિફ્ટ થવાનો ઇતિહાસ છે.
આ પરિયોજના સાથે જોડાયેલા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ડીન યાદવેન્દ્ર દેવ ઝાલા કહે છે, "આ ખૂબ ઉત્સાહિત કરનારી વાત છે. પરંતુ પડકારજનક પણ છે. વિલુપ્ત જાનવરોને પરત લાવવાના પ્રયાસમાં આ ભારતની મોટી સફળતા છે."

બાંગ્લાદેશમાં વાઘોનો ખાત્મો કરનારા માફિયા

ઇમેજ સ્રોત, AFP
સવાલ બધાના મનમાં એ જ છે કે શું આ પ્રોજેક્ટ સફળ રહેશે.
વાઇલ્ડલાઇફ ફિલ્મમેકર અજય સૂરીએ જણાવ્યું, "છેલ્લા બે દાયકામાં સરિસ્કા અને પન્ના ટાઇગર રિઝર્વમાં વાઘ વિલુપ્ત થઈ ગયા હતા. પછી રણથંભોર અને કાન્હાના ટાઇગર રિઝર્વમાંથી તેમને અહીં લાવવામાં આવ્યા. આજ ચારે જગ્યાએ તેમની સંખ્યા વધી રહી છે."
"છેલ્લી શતાબ્દીમાં અમેરિકાના યેલોસ્ટોન નેશનલ પાર્કથી ગ્રે વુલ્ફ વિલુપ્ત થઈ ગયા હતા. એક મોટા રિલોકેશન કાર્યક્રમ અંતર્ગત તેમને કેનેડાથી લાવીને વસાવવામાં આવ્યા અને તેઓ ફરી વસી ગયા."
હાલ તો કુનો નેશનલ પાર્કમાં ચિત્તાની દેખરેખમાં સરકાર કોઈ ખામી છોડી રહી નથી.
પરંતુ ભારતમાં ખૂબ જ કિંમતી વન્યજીવોના ગેરકાયદેસર શિકારની સમસ્યા આજે પણ યથાવત્ છે.

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડ વાઇલ્ડ ફંડ અને લંડનની જુઓલૉજિકલ સોસાયટીના રિપોર્ટ પ્રમાણે ભારત હજુ પણ વન્યજીવોના શિકારનો એક મોટો ગઢ બનેલો છે.
હાથી ગાંત અને ગેંડાના શિકાર સિવાય વાઘ અને દીપડાની ચામડી, તેમનાં હાડકાં અને શરીરનાં અન્ય અંગો હજુ પણ દાણચોરોને આકર્ષે છે.
કદાચ આ જ કારણ છે કે કુનો પાર્કમાં આ ચિત્તાને લાવતાં પહેલાં બે ડ્રોન સ્ક્વૉડ બનાવીને તૈયાર કરવામાં આવ્યા છે જેમનું મિશન જંગલની દેખરેખ કરવાનું અને ચિત્તાની સુરક્ષા કરવાનું રહેશે.
ચિત્તા મિત્ર હોય કે ડ્રોન સ્ક્વૉડ. આ બધાની અસલી પરીક્ષા શરૂ થવામાં હવે ખૂબ ઓછો સમય બચ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













