વડોદરા : યુવાનનો મૃતદેહ લઈને મગર નદીમાં તરતો રહ્યો, વાઇરલ વીડિયો પાછળની કહાણી

ઇમેજ સ્રોત, Rajiv parmar

- 12 કલાક બાદ ઇમરાનનો મૃતદેહ મળ્યો. ગામના પૂર્વ સરપંચ ઇસ્માઇલ પઠાણનું કહેવું છે કે જો ગામ પાસે એક પણ નાવડી હોત તો કદાચ ઇમરાનનો જીવ બચી ગયો હોત.
- સોખડારાઘુ ગામ પાસેથી જ ઢાઢર નદી પસાર થતી હોવા છતાં ગામ પાસે એક પણ બૉટ નથી.
- મામલતદારે શું કહ્યું અને આ ઘટનામાં તંત્રની શું ચૂક થઈ છે તે જાણવા માટે વાંચો આ અહેવાલ.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડારાઘુ ગામના 30 વર્ષીય ઇમરાનને નદીમાં મગર તાણી જતો વીડિયો વાઇરલ થયો હતો.
મગર ઇમરાનને ખેંચીને નદીની અંદર લઈ ગયો, ત્યાર બાદ નદીકિનારે એકઠા થયેલા ગામલોકોએ પથ્થરો મારીને મગરના મોઢામાંથી ઇમરાનને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન ઘણા લોકોએ આ ઘટનાને મોબાઇલમાં કંડારી હતી.
રવિવારે વહેલી સવારે એક યુવાન ગામ પાસેથી પસાર થતી નદીના કિનારે આવેલી દરગાહમાં જાય છે. કોઈક કારણસર તે નદી પાસે જાય છે અને વરસાદના કારણે ભીની થઈ ગયેલી માટીમાં તેમનો પગ લપસતા તે નદીમાં ઢસડાઈ જાય છે.
તે જ સમયે નદીમાં હાજર એક મગર તેમને પકડી લે છે અને યુવાન ગભરાટમાં તરફડિયાં મારવા લાગે છે.
મગરના જડબામાંથી છૂટવા માટે અથાગ પ્રયત્નો કર્યા બાદ પણ યુવાન મૃત્યુ પામે છે અને કલાકો સુધી મગર યુવાનના મૃતદેહને લઈને નદીમાં ફરતો રહે છે.
જોકે, ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટનાના બારેક કલાક બાદ યુવાનનો મૃતદેહ નજીકમાંથી જ મળી આવ્યો હતો અને તેમના શરીરમાં માત્ર ઈજાનાં નિશાન મળ્યાં હતાં.
મૃતદેહ પરથી એવા કોઈ સંકેત મળ્યા ન હતા કે મગરે યુવાનનું કોઈ અંગ ફાડી ખાધું હોય કે પછી શરીરથી છૂટું પાડી દીધું હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'શા માટે નદીકિનારે ગયા, તે ક્યારેય નહીં જાણી શકાય'

ઇમેજ સ્રોત, Rajiv parmar
મૃતકનું નામ છે ઇમરાન અલીસા દીવાન. 30 વર્ષીય ઇમરાન દીવાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા સોખડારાઘુ ગામના વતની હતા.
તેમના મૃત્યુના કેસની તપાસ કરનારા વડુ પોલીસમથકના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર રજનીકાંત બારોટના જણાવ્યા પ્રમાણે, ઇમરાનભાઈ શ્રમિક હતાં અને મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
તેઓ કહે છે, "ઇમરાનભાઈ રોજ વહેલી સવારે ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીના કિનારે આવેલી દરગાહમાં જતા હતા. જ્યાં સાફ-સફાઈ કર્યા બાદ ઇબાદત કરતા હતા."
ઇમરાનભાઈ પોતાના નિત્યક્રમ મુજબ રવિવારે સવારે દરગાહમાં ગયા હતા અને બાદમાં તેને અડીને આવેલી નદી પાસે ગયા હતા. તેઓ નદી પાસે કેમ ગયા? તેનું કારણ તેમની સાથે જ ચાલ્યું ગયું.
એએસઆઈ બારોટ આગળ જણાવે છે, "નદી પાસે જતા જ તેમનો પગ લપસ્યો હતો. નદીનો પટ ઢોળાવવાળો હોવાથી તેઓ સીધા જ પાણીમાં પડ્યા હતા. ગણતરીની સેકંડોમાં જ નદીમાં હાજર મગરે તેમનો ડાબો હાથ પકડી લીધો હતો અને તેઓ બચવા માટે તરફડિયાં મારવાં લાગ્યા હતા."
"તે સમયે નજીકમાં જ અન્ય એક વ્યક્તિ હાજર હતી. જેઓ ઇમરાનભાઈને બચાવવા માટે દોડી ગઈ હતી, પરંતુ નદીમાં મગર હોવાથી તે પાણીમાં ઊતરી નહીં અને પટ પરથી જ પથ્થરો મારીને ઇમરાનભાઈને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તાત્કાલિક ગામમાંથી લોકોને બોલાવ્યા હતા."
જોકે, મગર ઇમરાનભાઈને ખેંચીને નદીની અંદર લઈ ગયો.

આશરે 12 કલાક બાદ મળ્યો મૃતદેહ

ઇમેજ સ્રોત, Rajiv parmar
આ ઘટના બાદ પાદરાના મામલતદાર વિજય આંટિયાએ આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
તેઓ કહે છે, "મને સવારે સાડા સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનો ફોન આવ્યો હતો અને રાત્રે સવા આઠ વાગ્યાની આસપાસ મૃતદેહ નજીકમાંથી જ મળી આવ્યો હતો."
તેઓ આગળ કહે છે, "મૃતદેહ પર માત્ર ઈજાનાં નિશાન હતાં. કોઈ પણ પ્રકારે મગર દ્વારા શરીરને વિકૃત કરવામાં આવ્યું હોય તેનાં નિશાન મળ્યાં ન હતાં."
મૃતદેહ મળ્યા બાદ તેને પોસ્ટમૉર્ટમ માટે નજીકના સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા 'અકસ્માતે મૃત્યુ'ની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.
જ્યારે મામલતદારને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું આ પ્રકારની ઘટનાઓ અહીં બનતી રહેતી હોય છે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ઘણાં વર્ષો પછી આ પ્રકારની ઘટના સામે આવી છે.

'ગામમાં બૉટ હોત તો કદાચ બચાવી લેવાત'

ઇમેજ સ્રોત, Rajiv parmar
સોખડારાઘુ ગામ પાસેથી જ ઢાઢર નદી પસાર થતી હોવા છતાં ગામ પાસે એક પણ બૉટ નથી.
ગામના પૂર્વ સરપંચ ઇસ્માઇલ પઠાણનું કહેવું છે કે જો ગામ પાસે એક પણ નાવડી હોત તો કદાચ ઇમરાનનો જીવ બચી ગયો હોત.
તેઓ જણાવે છે, "હું સરપંચ હતો તે સમયથી આવી કોઈ ઘટના બને તો રાહતકાર્ય માટે અમે તંત્ર પાસે એક નાવડીની માગ કરી હતી, પણ તે આજ સુધી પૂરી થઈ નથી."
"મગર તેને ખેંચીને લઈ ગયો, એ વાતને 13 કલાક વીત્યા બાદ ઇમરાનનો મૃતદેહ મળ્યો. જો અમારી પાસે નાવડી હોત તો એ કદાચ જલદી મળી ગયો હોત."
તંત્રની કામગીરીને લઈને તેઓ કહે છે, "મને જેવી ખબર પડી એટલે મેં તરત પોલીસ અને મામલતદારને ફોન કર્યો. એ લોકોએ આવીને બધું જોયું અને નદીમાં શોધખોળ શરૂ કરી અને છેલ્લે એનડીઆરએફ પણ બોલાવી. જોકે એ લોકો આવ્યા ત્યારે સુધીમાં બપોરના બે વાગી ગયા હતા."
"આ બધું કર્યા બાદ પણ રાત્રે સાડા સાત વાગ્યા પછી મૃતદેહ મળ્યો અને એ પણ અમારા ગામના છોકરાઓએ બહાર કાઢ્યો."

શું મગર ખરેખર ભોજન માટે લોકો પર હુમલો કરે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
આ કિસ્સામાં એક બાબત ચોંકાવનારી એ હતી કે મગર ઇમરાનભાઈને પાણીમાં ખેંચી ગયા બાદ મૃતદેહને લઇને ફર્યો પણ હતો. છતાં તેણે મૃતદેહને આંશિક કે સંપૂર્ણપણે ખાધો ન હતો.
તો આ પરથી પ્રશ્ન ઉદ્ભવે છે કે શું મગર ખરેખર ભોજન માટે લોકો પર હુમલો કરે છે અને કેમ? અને તે જાણવા બીબીસીએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઝૂઓલૉજીના પ્રૉફેસર ડૉ. રણજિતસિંહ દેવકરનો સંપર્ક કર્યો.
તેઓ કહે છે, "સામાન્ય રીતે મગર એક વખત પેટ ભરીને જમ્યા બાદ બેથી ત્રણ મહિના સુધી ખાધા વગર રહી શકે છે." તેથી આ કિસ્સામાં મગરે ભોજન માટે હુમલો ન કર્યો હોવાની શક્યતા પ્રબળ થઈ જાય છે.
તો પછી બીજાં કયાં કારણો હોઈ શકે જેના માટે મગરે ઇમરાનભાઈ પર હુમલો કર્યો હશે?
આ પ્રશ્નના જવાબમાં ડૉ. દેવકર જણાવે છે, "વિવિધ ઋતુ પ્રમાણે મગરના વર્તનમાં ફેરફાર આવે છે. આ કિસ્સામાં કદાચ માદા મગર હોવાની તેમજ તેણે ઈંડાં મૂક્યાં હોવાથી તેણે યુવાનને પાણીમાં પડતા જોઈને તેના પર હુમલો કર્યો હોઈ શકે છે."
"આ સિવાય શિકારની સમજણમાં ભૂલ થતા પણ મગર માણસો પર હુમલો કરી શકે છે, પરંતુ જો આમ હોત તો મગરે તેમના શરીરનો કેટલોક ભાગ ખાઈ લીધો હોત."
આ કિસ્સામાં મગર મૃતદેહને લઈને ફરતો હોવાથી તે આઠ ફૂટ કે તેથી વધારે લાંબો હોવાનું અનુમાન તેઓ લગાવે છે.
અન્ય એક કારણ આપતા તેઓ જણાવે છે, "ભૂતકાળમાં કોઈ વ્યક્તિએ મગર પર હુમલો કર્યો હોય કે નુક્સાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હોય તો પણ તે માણસને યાદ રાખીને હુમલો કરે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













