સુરતમાં કોર્ટે કહ્યું 'પત્નીની મશ્કરી કરવી' હિંસા ગણાય, પતિને આપ્યો ભરણપોષણ આપવાનો આદેશ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
સુરતમાં ઘરની ચાર દીવાલમાં વારંવાર પત્નીની મશ્કરી કરવી સુરતની એક વ્યક્તિને મોંઘી પડી છે. સુરતની કોર્ટે માત્ર હિંસા અને દહેજની માગ જ નહીં ઘરની ચાર દીવાલની અંદર પત્નીની વારંવાર મશ્કરી કરી ઉતારી પાડવાની ઘટનાને ઘરેલુ હિંસા ગણીને છૂટાછેટાનો આદેશ આપ્યો છે. કોર્ટે દર મહિને પત્નીને ભરણપોષણની રકમ આપવાનો આદેશ પણ પતિને કર્યો હતો.
સુરતની ફૅમિલી કોર્ટના એડિશનલ સિવિલ જજ ઉમેશ પરમારે સાડા ત્રણ વર્ષથી ચાલતા છૂટાછેડાના કેસમાં ચુકાદો આપતા કહ્યું કે, "આ કેસમાં ઘરેલુ હિંસા અને દહેજ તો એક કારણ છે જ પણ મહત્ત્વનું કારણ ઘરની ચાર દીવાલમાં પત્નીને વારંવાર ઉતારી પાડી એનું મનોબળ તોડી નાખવું એ પણ એક હિંસા છે. માટે છૂટાછેડા આપવા ઉપરાંત ભરણપોષણની રકમ આપવી."
સુરતના વેસુ રોડ પર રહેતાં પૂર્વા પટેલનાં લગ્ન બિસ્કિટનો વેપાર કરતા હસિત પટેલ સાથે થયાં હતાં. (કોર્ટના આદેશ અનુસાર બંનેના નામ બદલ્યાં છે)
પૂર્વા પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "હું ગ્રેજ્યુએટ થઈ પછી મારાં માતાપિતા લગ્ન માટે છોકરો શોધતાં હતાં. અમારા એક પરિચિતે મારાં લગ્ન સુરતમાં રહેતા અને બિસ્કિટના મોટા વેપારી હસિત સાથે કરાવવાનું નક્કી કરાવ્યું."
"અમારાં લગ્ન પરિવારની સહમતીથી થયાં હતાં પણ તે આંતરજ્ઞાતીય લગ્ન હતાં."
પૂર્વાનાં જણાવ્યાનુસાર તેમના માતાપિતાની આર્થિક હાલત બહુ સારી નહીં હોવાથી હસિતના પરિવારે સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું. તેમનાં લગ્ન એપ્રિલ 2012માં થયાં હતાં.
પૂર્વા કહે છે કે, "મારાં માતાપિતા એ લગ્ન વખતે સોનાના દાગીના અને ચાંદીનાં વાસણો અને બીજી જીવનજરૂરિયાતની વસ્તુઓ આપી હતી. શરૂઆતમાં અમારું લગ્નજીવન સારું ચાલતું હતું."
પૂર્વા કહે છે કે, "લગ્નની શરૂઆતના દિવસોમાં પતિ અને મારાં સાસુ કહેતાં કે વહુનાં પગલાં સારાં છે, બિસ્કિટનો ધંધો સારો ચાલે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મારા પતિ એ બિસ્કિટનો ધંધો વધ્યો અને એક ગોડાઉન અને ટૅમ્પો લીધો. આ દરમિયાન હું પ્રૅગ્નેન્ટ થઈ. મારું સીમંત થયું ત્યાં સુધી બધું સારું ચાલતું હતું."
"મારી કૂખે દીકરી અવતરી અને મારાં સાસુ એ મને પરેશાન કરવાનું શરૂ કર્યું. સીમંતમાં અને પ્રસૂતિ પછી મારાં માતાપિતા એ દહેજમાં કઈ આપ્યું નથી કહીને મને માનસિક ત્રાસ આપવાં લાગ્યાં."
આ કેસ વિશે વાત કરવા માટે પૂર્વાના પતિ હાસિત પટેલનો સંપર્ક કર્યો જો તેમણે કહ્યું કે આ મામલો કોર્ટમાં છે માટે તેઓ કોઈ ટિપ્પણી કરવા નથી માગતા.

દરેક કામમાં મારાથી કોઈ ભૂલ થશે એવી બીક

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વા કહે છે કે, "મારા પતિ પણ મારી કોઈ વાત સાંભળતા નહીં, હું પ્રસૂતિને કારણે આઠ મહિના પિયરમાં રહી ત્યાં સુધીમાં એમને ઑફિસમાં એક છોકરીને નોકરી એ રાખી હતી."
તેમનું કહેવું છે કે તેમના પતિના કથિત લગ્નેતર સંબંધ બંધાતાં પતિપત્ની વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો.
તેઓ જણાવે છે કે, "મારાં સાસુસસરા અને મારાં પતિ હવે મને સતત દહેજ વગર આવી છે, ભિખારીના ઘરની છોકરી છે એમ કહીને ઉતારી પાડતા હતા. મારી નાની દીકરી બીમાર પડે તો દવા ના પૈસા આપતા ન હતા."
"મારાં માતાપિતા દેવું કરીને પણ મારી નાની દીકરીની સારવાર કરાવતાં હતાં. એ લોકો મારાં કપડાં પહેરવાની રીત, રસોઈ બનાવવાની રીત કે કચરા-પોતા કે વાસણ ધોયા હોય તો એમાં પણ મશ્કરી કરતાં હતાં."
"મારો આત્મવિશ્વાસ ઘટી ગયો હતો. દરેક કામમાં મારાથી કોઈ ભૂલ થશે એવી બીક મને લાગ્યા કરતી હતી. પણ આ લોકોનો માનસિક ત્રાસ અને દહેજની માગણી પૂરી થતી ન હતી."
"મને લાગતું હતું કે હું ધરતી પરનો બોજ છું. મારાં માતાપિતાના ઘરે ગઈ તો એમણે મારી હાલત જોઈ મને થોડો સમય પિયરમાં રહેવાનું કહ્યું."
"હું પિયરમાં રોકાઈ તો મારાં પતિ આવીને ઝઘડો કરી ગયા અને છૂટાછેડાની ધમકી આપી. હું કઈ પણ કહ્યાં વગર પિયર જતી રહી છું એમ કહી છૂટાછેડાની નોટિસ આપી."

માતાપિતાનો સહારો

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વાના પિતા રમેશભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "અમે સગાંને બોલાવીને સમાધાનના પ્રયાસ કર્યા. અમે નાની દીકરીનાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને મારી દીકરી પૂર્વાને એના સાસરે મોકલી પણ સમસ્યા જેમની તેમ રહી."
તેમનું કહેવું છે કે 2017માં પૂર્વાને યુરિનલ ઇન્ફેક્શન થયું એની સારવાર ન કરાવી અને તેની હાલત વધુ ખરાબ થઈ હતી ત્યારે અમે તેને સારવાર માટે મુંબઈ લઈ ગયા હતા.
રમેશભાઈ અનુસાર 2019માં પૂર્વાને તેમના પતિ અને પરિવારજનો પિયર મૂકી ગયા પરંતુ તે ભાગીને સાસરેથી પિયર આવી ગયાં છે એમ કહીને છૂટાછેટાની નોટિસ આપી હતી. કેસ ફૅમિલી કોર્ટમાં ચાલ્યો અને હવે કોર્ટે છૂટાછેડા અને ભરણપોષણનો આદેશ આપ્યો છે.
તેમના જણાવ્યા અનુસાર પૂર્વા હાલ એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યાં છે અને પોતાની પુત્રીના ભણતરનો ખર્ચ પણ ઉઠાવે છે.
પૂર્વાનાં વકીલ પ્રીતિ જોશીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "સામાન્ય રીતે દહેજ ઘરેલુ હિંસા જેવા મામલામાં છૂટાછેડા થતા હોય છે પણ સુરતની ફૅમિલી કોર્ટના જજ ઉમેશ પરમાર દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે."
"જેમાં છૂટાછેડા માટે ઘરેલુ હિંસા, શારીરિક ત્રાસ, જાતીય સતામણી, આર્થિક કનડગત કોઈ કિસ્સામાં જામીનગીરી માગવી, પૈસા માગવા ઉપરાંત ઘરની ચાર દીવાલોમાં મશ્કરી કરવી, માનસિક ત્રાસ આપવો કે દીકરીને જન્મ આપવા બદલ માનસિક રીતે પ્રતાડિત કરવાને મહત્ત્વનો મુદ્દો ગણ્યો છે."
"આ ઘટનાઓને પણ શારીરિક હિંસાની જેમ જ ઘરેલુ હિંસાની કલામ -12 હેઠળ માનસિક હિંસા ગણાવી છૂટાછેડાનો આદેશ આપ્યો છે અને ભરણપોષણ પેટે પૂર્વાને મહિને પાંચ હજાર, દીકરીનાં ભરણપોષણ માટે મહિને બે હજાર એમ સાત હજાર રૂપિયા આપવાનો આદેશ કર્યો છે."
વકીલ પ્રીતિ જોશીએ જણાવ્યું કે, "આ ઉપરાંત છૂટાછેડાની અરજીના એક હજાર અને માનસિક ત્રાસના પાંચ હજાર રૂપિયા આપવાનો આદેશ કર્યો છે."
સુરતની ફૅમિલી કોર્ટના એડિશનલ સેશન્સ જજ ઉમેશ પરમારે ઘરેલુ હિંસાના 2005ના કાયદાને ટાંકીને ચુકાદામાં કહ્યું છે કે, "લગ્નજીવનમાં શારીરિક હિંસા, દહેજની માગણી, પૈસાની માગણી, જાતીય પરેશાની તો છૂટાછેડા માટેનું કારણ છે જ પરંતુ ઘરની ચાર દીવાલોમાં થતી મશ્કરી અને માનસિક ત્રાસ એક પ્રકારની માનસિક હિંસા જ છે. માટે છૂટાછેડા આપી ભરણપોષણ આપવાનો આદેશ કરવામાં આવે છે."
બીબીસી ગુજરાતીએ આ કેસમાં પતિ હસિત પટેલનો સંપર્ક કર્યો હતો પણ એમણે આ અંગે મામલો કોર્ટમાં હોવાથી કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. એમણે કહ્યું કે, "અમારો પક્ષ અમે કોર્ટમાં રજૂ કર્યો છે અને વકીલની સલાહ લઈને આગળ અપીલ કરવી કે નહીં તે નક્કી કરીશું."
કોર્ટમાં હસિત પટેલ દ્વારા કરાયેલી દલીલમાં કહ્યું છે કે તેમનાં પત્નીએ કરેલો દાવો કર્યો હતો કે બિસ્કિટના ધંધામાં મહિને 45 હજાર રૂપિયા કમાય છે પણ તે વાત ખોટી કરી છે.
કોર્ટમાં તેમણે ત્રણ વર્ષનાં ઇન્ક્મટૅક્સ રિટર્ન બતાવીને પોતાની મહિનાની આવક 17 હજાર રૂપિયા હોવાનું જણાવ્યું છે. એમણે ટૅમ્પો પણ વેચી દીધો હોવાનું જણાવ્યું છે.
પોતાનો પક્ષ મુક્ત હસિતે કોર્ટમાં કહ્યું હતું કે, "એમનાં પત્ની એમના ચારિત્ર્ય પર ખોટી શંકા કરે છે જે વાતને ઘરની ચાર દીવાલમાં થતા મશ્કરીના નામે માનસિક ત્રાસ ગણાવાયો છે તે દરેક પતિપત્ની વચ્ચે થતી વાત છે જેને મારી પત્ની એ જુદી રીતે રજૂ કરી છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













