'અમારા લોહીએ બરેલીને ઓળખ અપાવી' - ગુજરાતમાં જેના માંજા વગર ઉત્તરાયણ અધૂરી એ કારીગરોની હાલત આવી કફોડી

બરેલીનો માંજો, ઉત્તરાયણ, મકરસંક્રાતિ, પતંગ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, માંજાના કારીગરો, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, માંજો બનાવતા કારીગર સલીમનું કહેવું છે કે તેઓ આ કામ મજબૂરીમાં કરી રહ્યા છે
    • લેેખક, જિગર ભટ્ટ
    • પદ, બીબીસી સંવાદદાતા, ઉત્તર પ્રદેશના બરેલીથી
    • લેેખક, શાહબાઝ અનવર
    • પદ, બીબીસી સહયોગી

'અમારી હથેળીઓ કપાઈ જાય છે, લોહી વહે છે પરંતુ અમારા જિલ્લાને અમે નામ અપાવ્યું છે'

આ શબ્દો નસીમ અહમદના છે, જેમની આંગળીઓ પર અનેક જગ્યાએ કાપા પડેલા છે, પરંતુ કોઈ ચિંતા વગર દોરી રંગવાનું કામ કરી રહ્યા હતા. સાંજના ચાર વાગી રહ્યા હતા અને તેમનો ઉદ્દેશ એટલો હતો કે તેઓ દિવસનું છેલ્લું કામ પોતે પૂર્ણ કરે અને તેમને આજનું મહેનતાણું મળી જાય. બીજી તરફ તેમનો બીજો સાથી દોરી લપેટવાનું કામ કરી રહ્યો છે.

આવાં દૃશ્યો ઉત્તર પ્રદેશના બરેલીમાં ખૂબ સામાન્ય છે. માત્ર બાકરગંજના હુસૈનાબાદ વિસ્તારમાં જ અંદાજે એક હજારથી વધારે કારીગરો માંજો બનાવવાનું કામ કરે છે.

બરેલીના આ માંજાની માગ ઉત્તરાયણમાં ગુજરાતમાં અતિશય રહેતી હોય છે. બરેલીના વેપારીઓના મતે મકરસંક્રાતિ સમયે ગુજરાતમાં સૌથી વધારે બરેલીનો માંજો જ વેચાય છે. ગુજરાતના પતંગબજારોની મુલાકાત તમે લો તો તમને અહેસાસ થાય કે બરેલીના માંજા વિના ગુજરાતની ઉત્તરાયણ અધૂરી છે.

લોકસભાની ચૂંટણી માટે બરેલીમાં પ્રચાર કરી રહેલા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે, "ગુજરાતમાં અમારે ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો પતંગ મહોત્સવ થાય છે. પરંતુ જો બરેલીનો માંજો નહીં, તો અમારી પતંગમાં કોઈ દમ નહીં. બરેલીના માંજા વગર ગુજરાતનો પતંગ ક્યાં જશે?"

બરેલીનો માંજો માત્ર ગુજરાત નહીં પરંતુ પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશનાં અનેક રાજ્યોમાં પ્રસિદ્ધ છે. આ માંજો ભારતની બહાર ફ્રાન્સ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં પણ વેચાય છે.

અમદાવાદના બજારમાં બરેલીના ત્રણ હજાર વાર માંજાની કિંમત 800થી 900 રૂપિયા સુધીની હોય છે, જ્યારે અહીં એક 10,800 મીટર માંજો ઘસનાર કારીગરને 400થી 500 રૂપિયા અને માંજો ફિરકી પર લપેટનારને 300થી 350 રૂપિયા મળે છે.

બરેલીના માંજાની વિશેષતા શું છે, એ કેવી રીતે બને છે?

બરેલીનો માંજો, ઉત્તરાયણ, મકરસંક્રાતિ, પતંગ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, માંજાના કારીગરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Altaf/BBC

ઇમેજ કૅપ્શન, બરેલીમાં માંજો બનાવવાનું કામ હજારો કારીગરો કરે છે

બરેલીમાં માંજો બનવાની શરૂઆત કેવી રીતે થઈ તેને લઈને મતમતાંતર પ્રવર્તે છે. સ્થાનિક કારીગરો કે જેઓ પેઢીઓથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમનું કહેવું છે કે બરેલીમાં માંજો બનાવવાની શરૂઆત અંદાજે 200 વર્ષ પહેલાં થઈ હશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકીય મહિલા મહાવિદ્યાલય બરેલીના આસિસ્ટન્ટ પ્રૉફેસર ડૉ. દિનેશસિંહ કહે છે, 'માંજો બનાવવાની શરૂઆત ઉત્તર ભારતમાં મોઘલકાળ દરમિયાન થઈ હતી. પતંગ ચગાવવાની કળા સામાન્ય લોકો સુધી પહોંચી અને લોકો સ્પર્ધા કરવા લાગ્યા. જેમાં માંજાની ગુણવત્તા સૌથી મહત્ત્વની બની હતી. બરેલીના કારીગરોએ અલગ તકનીકને અપનાવી જેના કારણે આ માંજો પ્રસિદ્ધ બન્યો."

બરેલીનો માંજો સામાન્ય રીતે ઘાટો કાળા, વાદળી કે લીલા રંગમાં તૈયાર થતો હોય છે. 60 મીટરના અંતરે લગાવેલા લાકડાના બે થાંભલા પર દોરો લપેટવામાં આવે છે. આ પછી સુત્તરના દોરા પર બાફેલા ચોખામાં પથ્થરનો પાઉડર, ગુંદરમાંથી બનેલી ચટણી, રૂમી મસ્તાગી, તજ, મેંદાલકડી પાઉડર અને દોરાને લચીલો બનાવવા ઇસબગુલ સહિતની વસ્તુઓ નાખીને બનાવાયેલી લૂગદીને માંજા પર લગાવવામાં આવે છે. આ રીતે ત્રણ હાથ મારવામાં આવે છે. માંજો સુકાઈ જાય પછી તેને એક કારીગર પોતાના હાથેથી ફિરકી પર લપેટે છે.

બરેલીમાં બે કારીગરો મળીને સામાન્ય રીતે એક દિવસમાં 10,800 મીટર માંજાને તૈયાર કરવાનું કામ કરતા હોય છે. એક કારીગર દોરાને લાકડા પર લપેટવાનું અને ફિરકી પર તૈયાર માંજાને લપેટવાનું કામ કરે છે, જ્યારે બીજો કારીગર દોરા પર લૂગદી લગાવવાનું કામ કરે છે.

લૂગદી લગાવવાનું કામ કરનાર કારીગરને દિવસનું 400થી 500 રૂપિયાનું મહેનતાણું મળે છે, જ્યારે દોરી લપેટનારને સામાન્ય રીતે 300થી 350 રૂપિયા મળતા હોય છે. પરંતુ સામાન્ય રીતે દોરી લપેટનારા કારીગરો રોજનું 10થી 15 કિલોમીટર ચાલતા હોય છે.

માંજો બનાવતા કારીગરોની સ્થિત અત્યંત કંગાળ

બરેલીનો માંજો, ઉત્તરાયણ, મકરસંક્રાતિ, પતંગ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, માંજાના કારીગરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shahbaz Anwar/BBC

ઇમેજ કૅપ્શન, કારીગર કાસિમનું કહેવું છે કે તેઓ આ કામ મજબૂરીમાં કરી રહ્યા છે

બરેલીમાં માંજા મજદૂર કલ્યાણ સમિતિના અધ્યક્ષ અર્શદ હુસૈન કહે છે, 'બરેલીમાં માંજો બનાવવાના કામમાં 45થી 50 હજાર લોકો પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે જોડાયેલા છે.'

બરેલીમાં માંજો બનાવવાની પ્રક્રિયા ખૂબ જ મહેનત માગી લેતી પ્રક્રિયા છે અને માંજો બનાવતા કારીગરોની સ્થિતિ ખૂબ જ નાજુક છે.

કારીગર હસીન કહે છે, "એક દિવસમાં ઓછામાં ઓછી 900 મીટરની 12 રીલ તૈયાર કરવામાં આવે છે. આ બધામાં ઘણી મહેનત કરવી પડે છે. ક્યારેક માંજાથી હાથ કપાઈ જાય છે તો ક્યારેક ભારે ઠંડીનો પણ સામનો કરવો પડે છે ત્યારે જઈને રોજી મળે છે. આ રૂપિયો પરિવાર ચલાવવા માટે પૂરતો નથી, પરંતુ અમે બાપ-દાદાના સમયથી આ કામ કરતા આવ્યા છીએ અને અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી."

અન્ય એક કારીગર સલીમ કહે છે, "મારે ત્રણ દીકરીઓ છે, માંજા બનાવવાના કામ સિવાય અમારી પાસે કોઈ આવડત નથી, બીજા કામને શીખવાનો સમય નથી, માત્ર મજબૂરીમાં આ કામ કરી રહ્યા છીએ."

"ખાવાનું ખાઈએ છીએ તો હાથમાં મરચું લાગે છે"

બરેલીનો માંજો, ઉત્તરાયણ, મકરસંક્રાતિ, પતંગ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, માંજાના કારીગરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Altaf/BBC

માંજો બનાવતી વખતે હથેળીઓ અને આંગળીઓ પર કાપા પડવા એ સ્વાભાવિક છે. પરંતુ આ ઘા એટલા ઊંડા હોય છે કે તે દરરોજ દર્દ આપે છે.

કામદાર કાસિમ કામ કર્યા પછી પાણીથી હાથ ધોઈ રહ્યા છે, તેમની છ વર્ષની પુત્રી નજીકમાં ઊભી છે અને આ બધું જોઈ રહી છે.

કાસિમ કહે છે, "અમને ભાતમાં દાળ કે કઢી ભેળવીને હાથથી ખાવાનું મુશ્કેલ લાગે છે. જો મરચું ઘામાં જાય તો અમારી આંખોમાં આંસુ આવી જાય છે. મારી આ દીકરી મારા હાથમાં મલમ લગાવે છે."

નજીકમાં ઉભેલી દીકરી તેની કાલીઘેલી ભાષામાં મલમ કેવી રીતે લગાવવું તે સમજાવવાનું શરૂ કરે છે. પિતાનું સપનું દીકરીને શિક્ષિત કરવાનું અને તેને ડૉક્ટર બનાવવાનું છે.

'આંખથી જોઈ શકાતું નથી, સારવારના રૂપિયા નથી'

બરેલીનો માંજો, ઉત્તરાયણ, મકરસંક્રાતિ, પતંગ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, માંજાના કારીગરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shahbaz Anwar/BBC

ઇમેજ કૅપ્શન, ગુલઝારના પતિને આંખે દેખાતું બંધ થઈ ગયું છે, હવે તેઓ પતંગ બનાવીને રોજના માંડ 50 રૂપિયા કમાય છે

બરેલીના માંજાના કારીગરો પાસે આવકનાં સાધનો એટલાં ઓછાં છે કે માંજાનું કામ બંધ થઈ જાય તો તેમના માટે જીવન જીવવું મુશ્કેલ બની જાય છે.

હુસૈનબાગમાં રહેતાં 61 વર્ષીય મુમતિયાઝ છેલ્લાં 45 વર્ષથી માંજાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. આટલાં વર્ષો કામ કર્યાં પછી પણ તેઓ અતિશય ગરીબીમાં જીવન જીવી રહ્યા છે. અમે તેમની મુલાકાત કરી ત્યારે તેમનું શરીર કાંપી રહ્યું હતું અને ઠંડીથી બચવા માટે તેમની પાસે પૂરતાં કપડાં પણ નહોતાં.

મુમતિયાઝ વાત માંડે છે.

"હું પણ માંજો બનાવવાનું કામ કરતો હતો. પણ પડી ગયો અને હવે મેં આ કામ બંધ કર્યું છે. મને આંખે દેખાવાનું બંધ થઈ ગયું છે અને મારી પાસે સારવાર કરાવવાના 1500 રૂપિયા પણ નથી."

મુમતિયાઝ જ્યારે આ વાત અમારી સાથે કરી રહ્યા હતા ત્યારે તેમનાં પત્ની રડવાં લાગ્યાં હતાં. તેમનાં પત્ની પતંગ બનાવીને રોજના 50 રૂપિયા કમાઈને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ગરીબી એવી કે ચશ્માં પણ એમણે તૂટેલાં પહેર્યાં છે.

ગુલઝાર કહે છે, "અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. પાંચ મહિનાથી ભાડું ચડ્યું છે. હું માત્ર પતંગ બનાવીને પોતાનું ગુજરાન ચલાવું છું. મારો દીકરો પણ માંજો બનાવવાનું કામ કરે છે. સ્થિતિ એવી છે કે અમે અમારાં બાળકોને ભણાવી શકતાં નથી. આમની આંખની સારવાર માટે પણ અમારી પાસે રૂપિયા નથી.'

બરેલીમાં આવી સ્થિતિ માત્ર મુમતિયાઝની નથી. માંજો તૈયાર કરવાના મોટા ભાગના કારીગરોએ અમને કહ્યું કે જ્યારે માંદગી આવે છે ઘરમાં ત્યારે તેમણે ઉધાર રૂપિયા લેવા પડે છે.

આવક ઓછી, ઉધારીનું વિષમ ચક્ર

બરેલીનો માંજો, ઉત્તરાયણ, મકરસંક્રાતિ, પતંગ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, માંજાના કારીગરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Altaf/BBC

ઇમેજ કૅપ્શન, રાશિદનાં માતા નથ્થુ બેગમ, જેમના ચારેય બાળકોને રતાંધળાપણું છે, અને સારવારના રૂપિયા નથી

30 વર્ષીય મોહમ્મદ કલીમ છેલ્લાં 15 વર્ષથી માંજો લપેટવાનું કામ કરે છે. તેઓ કહે છે, "ઘરવાળાની તબિયત બગડી જાય પછી તો દેવું કરવું પડે છે. 200થી 300 રૂપિયામાં તો ખાલી ઘરનો ખર્ચ નીકળે છે. માંદગી આવે ત્યારે અમારે ઉધારી લેવી પડે છે."

રાશિદ છેલ્લાં 12 વર્ષથી માંજો બનાવવાનું કામ કરે છે પરંતુ આંખે દેખાવાનું ઓછું થતાં તેમને આ કામ છોડી દેવું પડ્યું છે. તેઓ તેમના ભાઈઓના અડ્ડા પર બેસીને ધ્યાન રાખે છે અને થોડી આવક મેળવી લે છે. તેઓ રૂપિયાના અભાવે સારવાર કરાવી શકતા નથી.

રાશિદ કહે છે, 'મારી પાસે એટલું બજેટ નથી કે હું ડૉક્ટરને બતાવી શકું'

રાશિદનાં માતાને ચાર બાળકો છે અને ચારેય બાળકોને રતાંધળાપણાની બીમારી છે. રાશિદના પિતા પણ માંજો તૈયાર કરવાનું કામ કરતા હતા. રાશિદનાં 60 વર્ષીય માતા નથ્થુ બેગમને અફસોસ છે કે તેઓ પોતાનાં બાળકોની સારવાર ન કરાવી શક્યાં.

નથ્થુ બેગમ કહે છે, 'મારાં ચારેય બાળકોને રાતે દેખાતું નથી. રૂપિયા હોત તો હું મારાં બાળકોને સારી હૉસ્પિટલમાં દેખાડત.' તેમને આ વાત કરતાં ડૂમો બાજી જાય છે.

બરેલીમાં માંજો બનાવવાનું કામ મોટા ભાગના કારીગરોએ મજબૂરીમાં શરૂ કર્યું હતું. ખુશરૂરબીનાં સાત બાળકો માંજો બનાવવાના કામમાં છે.

ખૂશરૂર બી કહે છે, 'બાળકો અમારી આગળ આવીને રડે છે કે મા તે અમને આ કામ શીખવ્યું છે, કહું છું - બેટા ગરીબીના કારણે આ કામ શીખવ્યું છે. જો સારું હોત તો કેમ શીખવાડત?'

ચોમાસું, રોજગારીનું સંકટ અને ચાઇનીઝ માંજો

બરેલીનો માંજો, ઉત્તરાયણ, મકરસંક્રાતિ, પતંગ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, માંજાના કારીગરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Altaf/BBC

ઇમેજ કૅપ્શન, ઇનામઅલી

માંજા કારીગરો માટે ચોમાસું સૌથી ખરાબ સમય હોય છે. વરસાદને કારણે કામ ચાલતું નથી અને રોજગારીનું મોટું સંકટ ઊભું થાય છે.

ખુશરૂરબી કહે છે, 'વરસાદ આવી જાય તો અમારા ઘરમાં રોટલી પણ બનતી નથી. ઘૂંટણ સુધી પાણી અહીં આવી જાય છે ત્યારે બહાર નીકળવું પણ મુશ્કેલ પડે છે.'

અતિશય ગરીબીનો પહેલેથી સામનો કરી રહેલા કારીગરો પર ચાઇનીઝ માંજાએ જાણે કે કારમો પ્રહાર કર્યો છે.

બરેલીમાં છેલ્લાં 45 વર્ષથી માંજો વેચતા ઇનામઅલી કહે છે, 'માંજાના વેપારમાં 80 ટકા સુધીનો ઘટાડો થયો છે. અહીં અનેક કારીગરો આ કામ છોડીને રીક્ષા ચલાવવા લાગ્યા છે કે ફળ-ફ્રૂટ વેચવા લાગ્યા છે.'

એકસમયે માંજો બનાવવાના કામમાં જોડાયેલા 45 વર્ષીય મોહમ્મદ શાહિદ હવે ઈ-રિક્ષા ચલાવીને પોતાની કમાણી કરી રહ્યા છે. તેઓ બીબીસીને જણાવે છે, "હું આ કામ સાથે જોડાયેલો હતો. પરંતુ આ વ્યવસાયથી ઘર ચલાવવું મુશ્કેલ હતું."

બરેલીમાં માંજા મજદૂર કલ્યાણ સમિતિના અધ્યક્ષ અર્શદ હુસૈન કહે છે, "કોરોના પછી પ્લાસ્ટિકના માંજાનું વેચાણ વધી ગયું હતું ત્યારે અહીં ખૂબ મોટું નુકસાન થયું હતું. જોકે આજે ચાઇનીઝ માંજા સામે સરકારે શરૂ કરેલી કાર્યવાહીને કારણે અમારો ધંધો થોડો વધ્યો છે."

બરેલીમાં જેમના ઘરમાં માંજો બનાવવાનું કામ પાંચ પેઢીથી થઈ રહ્યું છે . તે પરિવારના મોહમ્મદ શોએબ બાળપણથી માંજો તૈયાર કરવાનું કામ કરે છે, મોહમ્મદ શોએબ કહે છે, "ચાઇનીઝ માંજાના કારણે કામ ઘટી ગયું છે, પહેલાં નવાં બાળકો આ કામ શીખતાં હતાં અને તેમનાં માતા-પિતા પણ શીખવતાં હતાં. જોકે, માતા-પિતા નથી ઇચ્છતાં કે બાળકો આ કામ કરે. હું પણ વિચારું છું કે મારા બાળકો પણ બીજું કોઈ કામ કરે."

શ્રમ વિભાગની પાસે કોઈ આંકડા નથી

બરેલીનો માંજો, ઉત્તરાયણ, મકરસંક્રાતિ, પતંગ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, માંજાના કારીગરો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Shahbaz Anwar/BBC

ઇમેજ કૅપ્શન, બાકરગંજનો હુસૈનબાગ વિસ્તાર જ્યાં અનેક કારીગરો રહે છે

બરેલીના શ્રમ પ્રવર્તન અધિકારી પવનકુમાર ચૌધરીએ કહ્યું કે વિભાગની પાસે બરેલીમાં માંજાના કામ સાથે જોડાયેલા અધિકારીઓના કોઈ આંકડા નથી.

પવન કુમાર ચૌધરીએ કહ્યું, 'બરેલીનો માંજો દેશ-દુનિયામાં વખણાય છે, આ વાત તો સાચી છે. પરંતુ આ કારીગરો શ્રમવિભાગમાં કોઈ રજિસ્ટ્રેશન કરાવતા નથી. સરકાર અમને આ દિશામાં સર્વે કરવાનું કહે તો અમે ચોક્કસ એ દિશામાં કામ કરીશું.'

બરેલીના સાંસદ છત્રપાલસિંહ ગંગવાર સાથે અમે વાત કરી તો એમણે કહ્યું હતું કે, "માંજાનો ઉદ્યોગ વિકસિત થાય તો બહુ સારી વાત છે. હાલમાં અમને જાણકારી નથી કે આ માંજા ઉદ્યોગ સાથે કેટલા લોકો જોડાયેલા છે. જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન