'લોહીની દુર્ગંધ આવે છે', ઈરાનમાં કોઈને માથે ગોળી મરાઈ તો કોઈને મોઢે, શહેરોમાં યુદ્ધ જેવી સ્થિતિ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, ઈરાનમાં વિરોધપ્રદર્શનો, અમેરિકા

ઇમેજ સ્રોત, User generated content

ઇમેજ કૅપ્શન, 8 જાન્યુઆરીના રોજ તહેરાનના કશાની ખાતે પ્રદર્શનકારીઓની કૂચ
    • લેેખક, સારાહ નામજૂ અને રોજા અસ્સાદી
    • પદ, બીબીસી પર્શિયન

ચેતવણી: આ લેખમાં મૃત્યુ અને ઈજાની તસવીરોનું વર્ણન છે.

8 જાન્યુઆરીએ તેહરાનમાં એક વિરોધપ્રદર્શનમાં જોડાયા પછી ઘરે જતી વખતે, રેઝા તેમનાં પત્ની મરિયમને બચાવવા તેને ભેટીને હાથ વડે સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરતા હતા.

તેમણે પરિવારના એક સભ્યને આ વાત કહી હતી, જેણે પાછળથી બીબીસી પર્સિયન સાથે વાત કરી. રેઝાએ જણાવ્યું, "અચાનક મને લાગ્યું કે મારા હાથમાં કોઈ વજન નથી. મારા હાથમાં ફક્ત મારી પત્નીનું જૅકેટ જ બચ્યું હતું." મરિયમને ગોળી વાગી હતી અને તેમને ખ્યાલ પણ ન આવ્યો કે આ ગોળી ક્યાંથી આવી.

રેઝાએ દોઢ કલાક સુધી મરિયમના મૃતદેહને ઉપાડી રાખ્યો. થાકીને તે એક ગલીમાં બેસી ગયા. થોડી વાર પછી, નજીકના એક ઘરનો દરવાજો ખૂલ્યો. ત્યાં રહેતા લોકો તેમને તેમના ગૅરેજમાં લઈ ગયા અને એક સફેદ ચાદરથી મરિયમના મૃતદેહને ઢાંકી દીધો.

મરિયમ વિરોધપ્રદર્શનોમાં ગયાં તેના થોડા દિવસો પહેલાં જ તેમણે તેના 7 અને 14 વર્ષનાં બાળકોને દેશની સ્થિતિ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, "માબાપ ઘણીવાર વિરોધપ્રદર્શનોમાં જાય અને પાછા ના આવે. આપણું લોહી, બીજા કોઈના લોહી કરતાં વધારે કિંમતી નથી."

સલામતીના કારણોસર રેઝા અને મરિયમના નામ બદલવામાં આવ્યાં છે. મરિયમ એ હજારો પ્રદર્શનકારીઓ પૈકી એક હતાં જેમને પ્રદર્શન પછી સલામત ઘરે પાછા ફરવાનું હતું, પરંતુ તેવું થયું નહીં; કારણ કે સત્તાધીશોએ સમગ્ર ઈરાનમાં ચાલી રહેલાં પ્રદર્શનોનો જવાબ અત્યંત ઘાતકી રીતે આપ્યો હતો.

ખરો મૃત્યુઆંક જાણવો મુશ્કેલ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, ઈરાનમાં વિરોધપ્રદર્શનો, અમેરિકા

ઇમેજ સ્રોત, Islamic Republic of Iran Broadcasting via WANA via Reuters

ઇમેજ કૅપ્શન, ઈરાનની સરકારી ટેલિવિઝન ચૅનલ પર આ સળગી ચૂકેલી બસ બતાવાઈ હતી અને દાવો કરાયો હતો કે આ દૃશ્યો 10 જાન્યુઆરીના રોજ તહેરાનમાં ફિલ્માવાયાં હતાં

અમેરિકાસ્થિત ઈરાની હ્યુમન રાઈટ્સ ઍક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી (HRANA) જણાવે છે કે, તેણે છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં 12 બાળકો અને ઓછામાં ઓછા 2,400 પ્રદર્શનકારીઓની હત્યાની પુષ્ટિ કરી છે.

ગુરુવારે રાત્રે ઈરાની અધિકારીઓ દ્વારા લાદવામાં આવેલા ઇન્ટરનેટ બ્લેકઆઉટને કારણે મૃત્યુઆંક નક્કી કરવો અત્યંત મુશ્કેલ છે, જે આગામી દિવસોમાં વધવાની સંભાવના છે. માનવાધિકાર સંગઠનોને પણ દેશમાં સીધો પ્રવેશ નથી, ઉપરાંત અન્ય આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓ સહિત બીબીસી ગ્રાઉન્ડ પરથી રિપોર્ટિંગ કરી શકતું નથી.

ઈરાની અધિકારીઓએ સત્તાવાર મૃત્યુઆંક જાહેર નથી કર્યો, પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, 100 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે, સત્તાવાળાઓએ પ્રદર્શનકારીઓને 'તોફાનીઓ અને આતંકવાદીઓ' તરીકે દર્શાવ્યા છે અને દાવો કર્યો છે કે પ્રદર્શનકારીઓએ વિવિધ શહેરોમાં ડઝનબંધ મસ્જિદો અને બૅન્કોને આગ લગાડી દીધી છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, ઈરાનમાં વિરોધપ્રદર્શનો, અમેરિકા

ઇમેજ સ્રોત, User generated content

ઇમેજ કૅપ્શન, 8 જાન્યુઆરીના રોજ, તહેરાનનું કશાની

ડૉલર સામે ઈરાની ચલણના મૂલ્યમાં તીવ્ર ઘટાડા બાદ 29 ડિસેમ્બરના રોજ રાજધાની તેહરાનમાં દેખાવો શરૂ થયા હતા. જેમજેમ વિરોધપ્રદર્શનો ઈરાનનાં અન્ય શહેરોમાં પહોંચ્યાં, તેમતેમ તે અધિકારીઓ અને શાસકો વિરુદ્ધ ફેરવાઈ ગયાં. ત્યારબાદ સુરક્ષા દળોએ ટૂંક જ સમયમાં હિંસક કાર્યવાહી શરૂ કરી, જેમાં 7 જાન્યુઆરીના રોજ ઓછામાં ઓછા 34 પ્રદર્શનકારીઓનાં મોત થયાં.

જોકે, એવું લાગે છે કે ગયા ગુરુવાર અને શુક્રવારે તંત્રે સૌથી હિંસક કાર્યવાહી કરી હતી, જ્યારે હજારો લોકો દેશભરમાં રસ્તાઓ પર ઈતરી આવ્યા અને સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના શાસનનો અંત લાવવાની હાકલ કરી હતી.

'અમારા પાડોશમાંથી લોહીની ગંધ આવે છે'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, ઈરાનમાં વિરોધપ્રદર્શનો, અમેરિકા

ઇમેજ સ્રોત, User generated content

ઇમેજ કૅપ્શન, 8 જાન્યુઆરીના રોજ નજફ આબાદ ખાતે હોઝે એલ્મિયે ધાર્મિક સંસ્થા બહાર પ્રદર્શન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી પર્સિયનને ઈરાનની અંદરથી ડઝનથી વધારે આપવીતીઓ અને અહેવાલો મળ્યાં. સંભવિત માઠાં પરિણામો ભોગવવાનો ડર હોવા છતાં, આ સાક્ષીઓએ હિંમત દાખવીને જણાવ્યું કે તેઓ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે બાકીની દુનિયાને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાની જાણ થાય.

એક વ્યક્તિએ બીબીસી પર્સિયનને કહ્યું, "અમારા પાડોશમાંથી લોહીની ગંધ આવે છે, તેઓએ ઘણા લોકોને મારી નાખ્યા છે." બીજી વ્યક્તિએ કહ્યું કે સુરક્ષા દળો "મોટા ભાગે માથા અને ચહેરા પર ગોળીબાર કરતાં હતાં."

વિરોધપ્રદર્શનો બધા જ 31 પ્રાંતોમાં ફેલાઈ ગયાં છે અને જે માહિતી મળી રહી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે નાનાં શહેરોમાં હત્યાઓનું પ્રમાણ મોટાં શહેરો જેટલું જ ગંભીર છે. ઉત્તરમાં 50,000 લોકોની વસ્તી ધરાવતા ટોનેકાબોનમાં, સોરેના ગોલગુન શુક્રવારે માર્યાં ગયાં હતાં. તેમના પરિવારના એક સભ્યના જણાવ્યા અનુસાર, તેઓ ફક્ત 18 વર્ષનાં યુનિવર્સિટી વિદ્યાર્થી હતાં અને સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલા હુમલાથી ભાગતી વખતે તેમને "હૃદયમાં ગોળી વાગી હતી."

સોરેનાની જેમ, માર્યા ગયેલા ઘણા પ્રદર્શનકારીઓ યુવાન હતા. મિલાનમાં અભ્યાસ કરવાની આશા રાખતાં 23 વર્ષીય ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થીની રોબિના અમીનિયનની ગુરુવારે તેહરાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની માતા રોબિનાના મૃતદેહને લેવા માટે તેહરાનથી 6 કલાક મુસાફરી કરીને કરમાનશાહ ગયાં હતાં. પાછા ફરતી વખતે તેમણે પોતાની પ્રિય પુત્રીના મૃતદેહને ખોળામાં પકડી રાખ્યો હતો. પરંતુ જ્યારે તેઓ પહોંચ્યા, ત્યારે સુરક્ષાદળોએ તેમને શહેરની બહાર એક દૂરના કબ્રસ્તાનમાં મૃતદેહને દફનાવવાની ફરજ પાડી, જ્યાં તેમના પરિવારના કોઈ સભ્યો કે મિત્રો હાજર ન હતા.

'એક યુદ્ધ'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, ઈરાનમાં વિરોધપ્રદર્શનો, અમેરિકા

ઇમેજ સ્રોત, Family of Sorena Golgun

ઇમેજ કૅપ્શન, સોરેના ગોલગુનના પરિવારનું કહેવું છે કે 18 વર્ષીય આ યુવાન એક યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થી હતા અને તેમને તોનેકાબોન ખાતે સંરક્ષણ દળોથી ભાગતી વખતે હૃદય પર ગોળી મારવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, માર્યા ગયેલા તમામ લોકો પ્રદર્શનકારીઓ ન હતા. કરમાનશાહમાં 24 વર્ષીય નર્સ નવીદ સાલેહીને ગુરુવારે કામ પરથી બહાર નીકળતી વખતે એકથી વધુ વખત ગોળી મારવામાં આવી હતી. ઘણા પ્રદર્શનકારીઓના મૃતદેહને તેહરાનના કાહરીઝાક ફોરેન્સિક મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.

સારાહ (નામ બદલ્યું છે) જણાવે છે કે ત્યાંનાં દૃશ્યો ભયાવહ હતાં. તેમણે લગભગ 1,000 કિલોમીટર મુસાફરી કરીને સરહદી વિસ્તારમાં જવાનું નક્કી કર્યું જેથી તેઓ પડોશી દેશોના મોબાઇલ ડેટા નેટવર્કનો ઉપયોગ કરીને વિડિયો ફૂટેજ મોકલી શકે. શનિવારે, તેમણે 2,000 થી વધુ મૃતદેહો જમીન પર પડેલા જોયા હતા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈરાન, ઈરાનમાં વિરોધપ્રદર્શનો, અમેરિકા

ઇમેજ સ્રોત, User generated content

ઇમેજ કૅપ્શન, 8 જાન્યુઆરીના રોજ, તહેરાનનું કશાની

બીબીસી પાસે આ વાતની પુષ્ટિ કરવાનો હાલ કોઈ સ્વતંત્ર રસ્તો નથી. જોકે, કાહરીઝાકના બે નવા બહાર આવેલા વીડિયોમાં, બીબીસી વેરિફાઈ અને બીબીસી પર્સિયને એક ફૂટેજમાં ઓછામાં ઓછા 186 મૃતદેહો અને બીજામાં ઓછામાં ઓછા 178 મૃતદેહોની ગણતરી કરી છે. બંને વીડિયોમાં કદાચ સમાન મૃતદેહો હોઈ શકે, તેથી ચોક્કસ આંકડો કહી શકાય નહીં, પરંતુ સાચો આંકડો ઘણો વધારે હોવાની શક્યતા છે.

એક યુવતીએ પોતાની ઓળખ છુપાવવાની શરતે બીબીસી પર્સિયન સાથે વાત કરતા ગયા અઠવાડિયે બનેલી ઘટનાઓને 'એક યુદ્ધ' જેવી ગણાવી હતી. તેણે કહ્યું કે પ્રદર્શનકારીઓ પહેલાં કરતાં પણ 'વધારે એકજૂથ' હતા, પરંતુ તેના માટે આ બધું સહન કરવું ખૂબ મુશ્કેલ હતું, તેથી આ અઠવાડિયે તે દેશ છોડીને ભાગી ગઈ હતી. અન્ય ઘણા લોકોની જેમ તેને પણ એ ડર સતાવી રહ્યો હતો કે સત્તાવાળાઓ હવે ફાંસીની સજા અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરશે.

તેણે કહ્યું, "જે લોકો હજુ પણ ઈરાનમાં છે તેમનું શું થશે તેનો મને ખરેખર ડર છે."

ફરઝાદ સેફિકરન અને હસન સોલ્હજોઉ દ્વારા વધારાનું રિપોર્ટિંગ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન