કોઢ કોને થઈ શકે અને ચહેરા પરના સફેદ ડાઘ કેવી રીતે દૂર કરવા?

કોઢ, ચામડી પર સફેદ ડાઘ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, .

વિટલાઈગો એટલે કે કોઢ એટલે કે ચામડી પર સફેદ ડાઘ પડી જવાનો રોગ પ્રમાણમાં સામાન્ય હોવા છતાં સામાન્ય લોકો અને તબીબી વ્યવસાય બંનેમાં સૌથી ઓછો જાણીતો તથા સૌથી ઓછો સમજવામાં આવેલા રોગ પૈકીનો એક છે.

અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (એનઆઈએચ)ના જણાવ્યા અનુસાર, તે એક સામાન્ય વિકાર છે, જે વિશ્વની 0.5 ટકાથી એક ટકા વસ્તીને અસર કરે છે. જોકે, મોટા ભાગના કેસ નોંધાતા નથી અને કેટલાક સંશોધકોનો અંદાજ છે કે આ વિકારની સમસ્યા કુલ વસ્તીના દોઢ ટકા લોકોમાં સર્જાઈ શકે છે.

આ રોગને લીધે ત્વચા અને ક્યારેક વાળ તેનું રંગદ્રવ્ય ગુમાવે છે તથા શ્વેત થઈ જાય છે. કાળી ચામડીવાળા લોકોમાં તે વધુ ધ્યાનપાત્ર હોઈ શકે છે, પરંતુ તેનું આવર્તન તમામ વંશીય જૂથોમાં સમાન છે.

વિટલાઇગો એટલે કે કોઢ એક ચેપી રોગ નથી.

અલબત્ત, આ એક એવી બીમારી છે, જે તેનાથી પીડિત લોકો માટે ભારે ચિંતા અને તકલીફનું કારણ બને છે.

શ્યામરંગી વ્યક્તિની ત્વચા આ વિકૃતિને લીધે શ્વેત થઈ જાય ત્યારે તે સાંસ્કૃતિક સમસ્યાનું કારણ બની શકે છે.

કોઢ શું છે?

કોઢ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ, કોઈ પણ સ્ત્રી અથવા પુરુષની ત્વચાના રંગને ધ્યાનમાં લીધા વિના કોઢ થઈ શકે છે.

આ રોગ ક્રૉનિક છે અને તેમાં ચામડી પર સફેદ અથવા નિસ્તેજ ડાઘ દેખાય છે તથા તેમાં મેલોનિન ગૂમ થઈ જાય છે.

મેલોનિન એ ત્વચાના રંગદ્રવ્ય માટે જવાબદાર પદાર્થ છે, જે મેલાનોસાઇટ્સ નામના વિશિષ્ટ કોષો દ્વારા ઉત્પન્ન થાય છે.

મેલાનોસાઇટ્સ ત્વચાને રંગ આપવા ઉપરાંત તેનું સૂર્યનાં કિરણોથી રક્ષણ પણ કરે છે, પરંતુ મેલાનોસાઇટ્સ ક્ષતિગ્રસ્ત થાય કે નાશ પામે છે ત્યારે રંગદ્રવ્ય ગુમ થઈ જાય છે અને કોઢ એટલે કે ચામડી પર સફેદ દાગ વિકસે છે.

આ રોગ ત્વચામાં ક્યાંય પણ થઈ શકે છે, પરંતુ તે સામાન્ય રીતે ચહેરા, ગરદન અને હાથ જેવાં સૂર્યકિરણોના સંપર્કમાં આવતા ભાગોમાં દેખાય છે.

તે કાળી અથવા ટેન ત્વચાવાળા લોકોમાં વધુ ધ્યાનપાત્ર હોઈ શકે છે અને તે દરેક વ્યક્તિમાં એકસમાન હોતો નથી.

બીબીસી ગુજરાતી

કોઢના પ્રકારો

કોઢ, ચામડી પર સફેદ ડાઘ

ઇમેજ સ્રોત, Getty Images

આ રોગને શરીરમાં ડિપિગ્મેન્ટેશન કેવી રીતે અને ક્યા પ્રદેશોમાં થાય છે તેના આધારે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય.

સેગમેન્ટલઃ આ પ્રકારને યુનિલેટરલ વિટલાઈગો પણ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે નાની ઉંમરે, શરીરના માત્ર એક હિસ્સામાં શ્વેત ધાબા સ્વરૂપે દેખાય છે.

તે એક પગ પર, ચહેરાની એક બાજુએ અથવા શરીરના એક જ બાજુના ઘણા વિસ્તારોમાં થઈ શકે છે.

આ પ્રકારના કોઢથી પીડિત લગભગ અડધોઅડધ લોકોના, શરીરના એ વિસ્તારોમાંના વાળ ખરી જાય છે.

નોનસેગમેન્ટલઃ તે આ વિકૃતિનું સૌથી સામાન્ય સ્વરૂપ છે. તેને જનરલાઇઝ્ડ અથવા બાઇલેટરલ વિટલાઈગો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના કોઢમાં શરીરની બંને બાજુએ સમાન રીતે શ્વેત ડાધ દેખાય છે.

આ વર્ગીકરણમાં પેટા પ્રકારો પણ છેઃ

  • એક્રોફેસિયલઃ તે ચહેરા, માથા, હાથ અને પગને અસર કરે છે.
  • મ્યુકોસલઃ તે મુખ અને જનનાંગ મ્યુકોસાને અસર કરે છે.
  • યુનિવર્સલઃ આ સૌથી ગંભીર સ્થિતિ હોવાની સાથે દુર્લભ પણ છે. તે ત્વચાના 80થી 90 ટકા ભાગ સુધી વિસ્તરે છે.

કોઢ કોને થાય?

કોઢ, ચામડી પર સફેદ ડાઘ

ઇમેજ સ્રોત, Getty Images

વિટલાઇગો સોસાયટી નામના સંંગઠનના જણાવ્યા મુજબ, સાત કરોડ લોકોને આવી તકલીફ છે અને એ પૈકીના 20થી 35 ટકા દર્દીઓ બાળકો છે.

કોઢ સામાન્ય રીતે 20 વર્ષની વયે દેખાવાનો શરૂ થાય છે. અલબત્ત, તે કોઈ પણ ઉંમરે વિકસી શકે છે અને તે તમામ વંશીય મૂળના પુરુષો તથા સ્ત્રીઓને અસર કરે છે.

તે ઓટોઇમ્યુન ડિસૉર્ડર છે. માત્ર “કૉસ્મેટિક” સમસ્યા નથી.

કોઢ કયાં કારણોસર થાય છે તે અત્યાર સુધી જાણી શકાયું નથી, પરંતુ તે ચેપી રોગ નથી અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી.

તે થવાનું કારણ અજ્ઞાત હોવાથી તે ક્યારે થશે, ત્વચાને તેની કેટલી અસર થશે તેની આગાહી કરવી અશક્ય છે. વળી, વાઇટ સ્પૉટ્સ સામાન્ય રીતે કાયમી હોય છે.

કોઢનાં લક્ષણો

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોઢનાં કોઈ શારીરિક લક્ષણો દેખાતા નથી. એ ઉપરાંત સંરક્ષણ ન કરવામાં આવે તો વાઇટ સ્પૉટ સૂર્યમાં બળી શકે છે.

સફેદ ધબ્બા ખાસ કરીને ચહેરા, ગરદન, હાથ અથવા ગુપ્તાંગ પર દેખાય તો અસરગ્રસ્ત વ્યક્તિ માટે તે જોરદાર મનોવૈજ્ઞાનિક તકલીફનું કારણ બની શકે છે.

બ્રિટિશ ઍસોસિયેશન ઑફ ડર્મેટોલૉજિસ્ટના નીના ગોડે બીબીસીને કહ્યું હતું, “કોઢ વ્યાપક રીતે નજરે ચડે તેવો રોગ છે, માનસિક અને ભાવનાત્મક સ્તરે માઠી અસર કરી શકે છે.”

તેમના મતાનુસાર, કોઢ શ્યામ ત્વચામાં વધુ દેખાતો હોય છે, પરંતુ તેનાથી થતી માનસિક તકલીફ ચામડીના રંગ અથવા રોગ કેટલો વ્યાપક છે તેની સાથે સંકળાયેલી હોય તે જરૂરી નથી.

અલબત્ત, તેમણે ઉમેર્યું હતું કે આ વિકાર શરીરના મોટા ભાગમાં ફેલાય ત્યારે અમુક વંશીય જૂથોના અશ્વેત ત્વચાના લોકો ખાસ કરીને તેમની સાંસ્કૃતિક ઓળખ ગુમાવવાના ડરથી કલંકિત હોવાનો અનુભવ કરી શકે છે.

આ રોગ કેવી રીતે વિકસિત થશે તેની આગાહી કરવી અશક્ય છે. કેટલાક લોકો ત્વચા પરના સ્પૉટ્સની નોંધ વર્ષો સુધી લેતા નથી, પરંતુ અન્ય કિસ્સાઓમાં આ વિકૃતિ ઝડપથી ફેલાઈ શકે છે.

કેટલીક વાર, ખાસ કરીને બાળકોમાં વાઇટ સ્પૉટ્સ તેમનું રંગદ્રવ્ય પાછું મેળવી લેતા હોય છે, પરંતુ આ રોગ સારવાર વિના જ મટી જાય તેવું બનતું નથી.

કોઢની સારવાર

કોઢ, ચામડી પર સફેદ ડાઘ

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય રીતે નિષ્ણાતો દવાઓની સાથે ફોટોથૅરપી (અલ્ટ્રાવાયોલેટ લાઇટ થૅરપી) જેવી મિશ્ર સારવાર સૂચવે છે. ત્વચા પર કોર્ટીકોસ્ટેરોઇડ્સ લગાવવામાં આવે છે.

જોકે, કોર્ટિકોસ્ટેરોઇડ્સ 25 ટકાથી ઓછા દર્દીઓમાં જ અસરકારક સાબિત થાય છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચામાં અનિયમિત રિપિગ્મેન્ટેશનનું કારણ બની શકે છે અને લાંબા ગાળે ત્વચાના કૅન્સરનું જોખમ વધારી શકે છે.

અમેરિકા અને યુરોપિયન યુનિયને નૉન સેગમેન્ટલ વિટલાઈગોની સારવાર માટે ઓપઝુલુરા નામની એક દવાને મંજૂરી આપી છે. તેનું ઍક્ટિવ સબસ્ટન્સ રૂક્સોલિટિનિબ છે.

આ દવા મલમના સ્વરૂપમાં આવે છે અને તેને અસરગ્રસ્ત વિસ્તારમાં ચોપડવાની હોય છે.

આ દવાનો દિવસમાં બે વખત ઉપયોગ કરનાર દર્દીઓ પૈકીના અડધોઅડધ દર્દીઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો અને કુલ પૈકીના છઠ્ઠા ભાગના દર્દીઓની ત્વચાએ ત્રણ મહિનામાં સંપૂર્ણ પિગમેન્ટેશન ફરી પ્રાપ્ત કર્યું હતું.

જોકે, આ ફૉર્મ્યૂલામાં ઘણા વિરોધાભાસ છે. તે રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે અને એ જ્યાં ચોપડવામાં આવે ત્યાં ખીલ અને બળતરા થઈ શકે છે. એ ઉપરાંત ઓપઝેલુરાની એક ટ્યુબની કિંમત 2,000 ડૉલર (લગભગ 1.67 લાખ રૂપિયા) છે.

તદુપરાંત, જર્નલ ઑફ ડર્મેટોલૉજીમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કાળા મરીના તીખા સ્વાદ માટે જવાબદાર પિપરીન નામનું તત્ત્વ મેલાનોસાઇટ્સના ઉત્પાદનમાં વધારો કરીને ત્વચાના પિગ્મેન્ટેશનને ઉત્તેજિત કરે છે.

મેલાનોસાઇટ્સમાં વધારો કરતી કોઈ પણ ચીજ મેલાનોમાનું જોખમ વધારે છે. મેલાનોમા ત્વચાના કૅન્સરનું સૌથી ઘાતક સ્વરૂપ છે.

તેથી આ ખતરનાક આડઅસર વિના પિપરીનનો ઉપયોગ માનવો પર કોઢની સારવાર માટે કરી શકાય કે કેમ તે હજુ સુધી સાબિત થયું નથી.

અમેરિકાસ્થિત ગ્લોબલ વિટલાઈગો ફાઉન્ડેશન જણાવે છે કે આ રોગને સમજવા અને નવી સારવાર વિકસાવવાના સંશોધન માટે બહુ ઓછું ભંડોળ ફાળવવામાં આવે છે.