સંજુ સેમસન: વારંવાર ડ્રૉપ થતા એ ખેલાડી જેમને રિંકુસિંહની જગ્યાએ રમાડવાથી ભારત જીતી શક્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રવીણ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
'જસ્ટિસ ફૉર સંજુ સેમસન'
ગત 10 વર્ષ દરમિયાન આ હૈશટૅગ કે લાઇન સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ ઉપર અનેક વખત ટ્રેન્ડ થયા છે.
રવિવારે કોલકતાના ઇડન ગાર્ડન મેદાન ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સુપર-8 રાઉન્ડની ટક્કર થઈ.
જે 'ક્વાર્ટર ફાઇનલ' જેવી હતી, કારણ કે જે ટીમ આ મૅચ જીતે તે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડની લીગમાં જોડાવાની હતી.
આ મૅચમાં સંજુ સેમસને પોતાની હાજરી નોંધાવી હતી અને માત્ર 50 બૉલમાં અણનમ 97 રનની ઇનિંગ રમીને ભારતને સેમિફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો.
ભારતે 196 રનનો ટાર્ગેટ હાંસલ કરવાનો હતો, જેમાંથી અડધોઅડધ રન એકલા સંજુ સેમસને બનાવ્યા હતા.
સંજુ સેમસનની અહીં સુધીની સફર ભારે ચઢાવ-ઉતાર ભરેલી રહી છે, એટલે સુધી કે વર્લ્ડકપમાં પણ તેમની સફર અનિશ્ચિત રહી છે.
એટલે જ રવિવારે જેટલી ચર્ચા સંજુ સેમસનની ઇનિંગની થઈ, એટલી જ ચર્ચા તેમની લાંબી અને મુશ્કેલ સફરની પણ થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિંકુ સિંહની જગ્યાએ સંજુ સેમસન રમ્યા અને ભારતને સેમિફાઇનલમાં પહોંચાડ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ગયા અઠવાડિયે શુક્રવારે રિંકુ સિંહના પિતાનું નિધન થયું હતું અને તેઓ ઉત્તર પ્રદેશના નોઇડા પહોંચ્યા હતા.
તેઓ વેસ્ટ ઇન્ડીઝની સામેના કરો યા મરોના મુકાબલામાં સામેલ નહોતા થયા.
જોકે સંજુ સેમસનને આ મહત્ત્વપૂર્ણ મૅચમાં સ્થાન મળ્યું હતું અને ટીમ ઇન્ડિયાને સંજુ સૅમસનને રમાડવાનો નિર્ણય ફળ્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝને આ મહત્ત્વપૂર્ણ મુકાબલામાં ઘૂંટણે પાડવાનો શ્રેય સંજુ સેમસનને આપવામાં આવી રહ્યો છે.
સંજુ સેમસને ઘૂંટણભેર અને આકાશ તરફ નજર કરીને આભાર વ્યક્ત કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વેસ્ટ ઇન્ડીઝ સામેની ઇનિંગમાં વિનિંગ ફૉર ફટકાર્યા બાદ તેઓ મેદાન ઉપર ઘૂંટણભેર બેસી ગયા હતા અને આકાશને તાકી રહ્યા હતા. જાણે કે વર્ષો જૂનું તેમનું સપનું પૂરું થયું હોય.
સંજુ એવા ખેલાડી છે કે જેઓ પોતાની વાતો મુક્તપણે રજૂ નથી કરતા, જોકે, આ ઇનિંગ પછી તેમણે પોતાની લાગણીઓને વાચા આપી હતી.
મૅચ પછીના કાર્યક્રમ દરમિયાન સંજુએ કહ્યું, "કદાચ આ ઇનિંગ મારા માટે સર્વસ્વ છે. જે દિવસથી મેં મૅચ રમવાની શરૂઆત કરી હતી. એ દિવસથી મેં દેશ માટે રમવાનું સપનું જોયું હતું. એ દિવસની જ હું સૌથી વધુ રાહ જોઈ રહ્યો હતો."
ક્રિકેટચાહકોમાં 'ગિફ્ટેડ પ્લેયર' તરીકે રોહિત શર્મા ઉપરાંત સંજુ સેમસનનું નામ ચર્ચાતું રહ્યું છે. રોહિતની જેમ જ સંજુ પણ નૅચરલ પુલર છે. કોઈ ખાસ જોર કર્યા વગર માત્ર ટાઇમિંગના જોરે તેઓ લાંબા-લાંબા છગ્ગા ફટકારવાની ક્ષમતા ધરાવે છે.
સંજુ સેમસને 17 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. પહેલી સિઝનમાં તેઓ ખાસ પ્રદર્શન નહોતા કરી શક્યા. એ પછીની સિઝનમાં તેમણે જબરદસ્ત પુનરાગમન કર્યું અને પાંચ ઇનિંગમાં બે સટી અને એક અરધી સદી ફટકાર્યાં.
એ પછીના વર્ષે રાજસ્થાન રૉયલ્સે તેમની ઉપર દાવ લગાડ્યો હતો. આઇપીએલ (ઇન્ડિયન પ્રિમિયર લીગ) ફ્રેન્ચાઇઝીના તત્કાલીન કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું, "સંજુ સેમસન એ થોડા ખેલાડીઓમાંથી છે, જે ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય ઘડશે."
સંજુએ આઇપીએલમાં પ્રારંભિક વર્ષો દરમિયાન સુંદર પ્રદર્શન કર્યું. પરિણામ સ્વરૂપે વર્ષ 2015માં તેમને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા.
આ ટૂર દરમિયાન જ સંજુ સેમસનને ટીમ ઇન્ડિયા વતી ટી20 ક્રિકેટમાં ડૅબ્યૂ કરવાની તક મળી, પરંતુ તેઓ માત્ર 19 રનની ઇનિંગ જ રમી શક્યા.
સંજુએ ત્યારબાદ ટીમમાં પુનરાગમન કરવા માટે વર્ષ 2019 સુધી રાહ જોવી પડી. આઇપીએલ અને ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા છતાં સંજુ સેમસન વર્ષ 2024 સુધી ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન સુનિશ્ચિત નહોતા કરી શક્યા.
વર્ષ 2024માં તેમને ટી20 વર્લ્ડકપમાં સ્થાન તો મળ્યું, પરંતુ તેમને ક્રિઝ ઉપર નહીં, પરંતુ બૅન્ચ ઉપર જ રાહ જોવી પડી.
એ પછી જ્યારે તેમને ટી-20 પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું કે તેમણે પાંચ ઇન્ટરનૅશનલ મૅચમાં ત્રણ સદી ફટકારી દીધી.
રિંકુ, ઇશાન કિશન અને અભિષેકનો 'વિકલ્પ' બની રહ્યા

ઇમેજ સ્રોત, Getty Images
આટલા સારાં પર્ફૉર્મન્સ છતાં ટીમમાં તેમનું સ્થાન નક્કી નહોતું થયું અને તેઓ ટીમના મૅનેજમૅન્ટ માટે 'પ્રયોગરૂપ' બની રહ્યા હતા.
શુભમન ગિલને ટૉપ ઑર્ડરમાં અજમાવી શકાય, એ માટે સંજુને ઓપનિંગમાંથી મિડલ ઑર્ડરમાં શિફ્ટ કરી દેવાયા. શુભમનનો દાવ ન ચાલ્યો એટલે સંજુને વર્લ્ડકપ પહેલાં ફરીથી ઓપનિંગની તક આપવામાં આવી. જોકે, આ તબક્કે ફૉર્મે સંજુનો સાથ છોડી દીધો.
રવિવાર પહેલાંની 12 ઇનિંગમાં સંજુ એક પણ અડધી સદી નહોતા ફટકારી શક્યા.
હાલના વર્લ્ડકપ માટે તેમના સ્થાને ઇશાન કિશનને તક આપવામાં આવી. તેઓ પણ ટીમમાંથી બહાર હતા, પરંતુ તેમણે પ્રભાવક કમ-બૅક કર્યું હતું.
વર્લ્ડ કપની પહેલી મૅચ દરમિયાન અભિષેક શર્મા બીમાર હતા. એટલે તેમના સ્થાને સંજુ સેમસનને તક આપવામાં આવી અને તેમણે નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.
એ પછીની ત્રણ મૅચ દરમિયાન અભિષેક શર્મા શૂન્ય રને આઉટ થયા, તો પણ તક મળતી રહી. એ પછીની મૅચમાં 15 રન બનાવ્યા, તો પણ અભિષેક ટીમમાં હતા.
અભિષેક વારંવાર નિષ્ફળ રહ્યા હતા, આમ છતાં હજુ બે મૅચ પહેલાં પત્રકાર પરિષદ દરમિયાન કૅપ્ટન સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે 'શું સંજુ સેમસનને ટીમમાં સ્થાન મળશે?'
ત્યારે યાદવે કહ્યું હતું, "મતલબ કે તમે કહી રહ્યા છો કે હું તેમને અભિષેકની જગ્યાએ રમાડું કે ત્રીજા ક્રમે તિલકના સ્થાને."
આ જવાબ આપીને સૂર્યકુમાર યાદવ હસવા લાગ્યા. આ સાંભળીને સંજુ સેમસનના હૃદય ઉપર શું વીતી હશે?
રિંકુસિંહને તક આપવામાં આવી, પરંતુ એવામાં તેમના પિતાની તબિયત લથળી, જેથી કરીને રિંકુસિંહે ટુર્નામેન્ટને અધવચ્ચેથી છોડવી પડી. દરમિયાન રિંકુસિંહના પિતાનું અવસાન થયું.
રવિવારની મૅચ માટે તેઓ ટીમ માટે પરત ફર્યા હોવાના અહેવાલ તો આવ્યા, પરંતુ તેઓ પ્રૅક્ટિસ મૅચ દરમિયાન મેદાન ઉપર નહોતા જોવા મળ્યા. જેથી કરીને તેમને ટીમમાં સ્થાન નહીં મળે
દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં પરાજય બાદ ટી20 વર્લ્ડકપમાં ભારતની આગેકૂચ ઉપર સવાલ ઊઠવા લાગ્યા, ત્યારે ટીમમાં સંજુ સેમસનનું પુનરાગમન થયું.
એ પછી સૂર્યકુમાર યાદવની ભાષા પણ બદલાઈ ગઈ, જોકે, તેમણે મૅચ પછી મેદાન ઉપર ઍન્ટ્રી કરતા કૅપ ઊતારીને માથું નમાવીને સંજુ સેમસનની કાબેલિયતને સ્વીકારી હતી.
સંજુ સેમસને ભારતની ટીમને સેમિફાઇનલની ટિકિટ અપાવી એ પછી સૂર્યકુમાર યાદવે કહ્યું, "હું હંમેશા કહેતો રહ્યો છું કે સારા લોકો જો રાહ જુએ તો તેમની સાથે સારું થાય છે. ટીમમાં સ્થાન નહોતું મળ્યું, ત્યારે પણ તેઓ સઘન મહેનત કરતા રહ્યા હતા. હવે તેમને ફળ મળ્યું છે."
પોતાની ઉપર શંકા કરવી

ઇમેજ સ્રોત, Getty Images
આ 10-12 વર્ષ દરમિયાન તેઓ ટીમમાં અંદર-બહાર થતા રહ્યા. આ ગાળા દરમિયાન તેમના ઉપર શું વીત્યું, તેના વિશે વાત કરતા કહ્યું, "મારા માટે સફર ખાસ હતી. જેમાં કોણ જાણે કેટલા ઉતાર-ચઢાવ આવ્યા છે."
"હું હંમેશાં મારા ઉપર ડાઉટ કરતો રહ્યો. સતત વિચારતો રહ્યો. હું શું કરી શકું, હું શું કરી શકું તેના વિશે સતત વિચારતો રહ્યો."
"જોકે આમ છતાં ડાઉટની વચ્ચે એવું કંઈક હતું, જે જળવાય રહ્યું. એ હતો વિશ્વાસ. મને આશીર્વાદ મળી ગયા. હું ખુશ છું."
"હું આટલાં વર્ષોથી આ ફૉર્મેટમાં રમી રહ્યો છું. 12 વર્ષથી આઇપીએલ અને 10 વર્ષથી ટીમ ઇન્ડિયા સાથે છું. ભલે મને ખાસ રમવાની તક નહોતી મળી. આ દરમિયાન હું ડગઆઉટમાં રહ્યો."
"મેં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પાસેથી ઘણું શીખ્યું છે. તેઓ શું કરી રહ્યા છે, એ જોવું જરૂરી હતું. તેનાથી મને ખૂબ મદદ મળી."
સંજુ સેમસનની લાંબી કૅરિયર દરમિયાન એક વાતે તેમની વારંવાર ટીકા થઈ હતી. તેમણે વારંવાર બેજવાબદારીપૂર્ણ શૉટ રમીને આઉટ થઈ જતા હતા.
પરંતુ રવિવારે તેમની ગેમમાં પરિવર્તન જોવા મળ્યું. મૅચ પછી જિયો-હૉટસ્ટારના શૉમાં પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે કહ્યું, "સંજુ સેમસને આજથી પહેલાં આ ઢબે બેટિંગ કરતા નથી જોયા. તેમણે હવામાં લાંબા શૉટ મારવાના બદલે જમીન ઉપર જ શૉટ રમવાનો પ્રયાસ કર્યો અને તેમણે વિકેટ ન ગુમાવી."
આ શૉમાં આકાશ ચોપડાએ કહ્યું, "ટીમને જ્યારે સૌથી વધુ જરૂર હતી, ત્યારે તેમણે ધીરજ જાળવી રાખી. જ્યારથી તેમણે પુનરાગમન કર્યું છે, ત્યારથી તેઓ અલગ અંદાજમાં મેદાન ઉપર આવ્યા છે. આ ઇનિંગ ભવ્ય છે, કારણ કે ભારત શરૂઆતમાં વિકેટો ગુમાવી દીધી હતી. સંજુએ રમવાની રીત બદલી. કમ્પૉઝર જ એ શબ્દ છે કે જેણે બધું બદલી નાખ્યું."
સંજુ સેમસને મૅચ પછી તેમની રમતના અંદાજમાં આવેલાં પરિવર્તન વિશે વાત કરતા કહ્યું, "અમે શરૂઆતમાં વિકેટ ગુમાવી રહ્યા હતા. મેં પાર્ટનરશિપ બનાવવાનો પ્રયાસ કર્યો. એ ક્ષણે મેં માત્ર આવનારા બૉલ વિશે જ વિચાર્યું. તમામ સવાલોની વચ્ચે મેં મારા ઉપર વિશ્વાસ કર્યો અને બૉલ જે હતી, એ જ રીતે રમ્યો. એ મારા માટે કામ કરી ગયું."
સંજુ સેમસનની સિદ્ધિ

ઇમેજ સ્રોત, Getty Images
સંજુ સેમસન ભારત તરફથી ટી20 વર્લ્ડકપમાં બીજો દાવ લેતી વેળાએ સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બની ગયા છે.
આ પહેલાં વિરાટ કોહલીએ વર્ષ 2016માં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ અને વર્ષ 2022માં પાકિસ્તાન વિરુદ્ધ અણનમ 82 રનની ઇનિંગ રમી હતી. જે ભારત તરફથી સ્કોરને ચેઝ કરી વેળાનો સર્વોચ્ચ સ્કોર હતો.
એટલે જ સોશિયલ મીડિયા ઉપર સંજુ સેમસનની ઇનિંગની વ્યાપક પ્રશંસા જોવા મળી હતી.
ખેલ પત્રકાર ભરત સુંદરેશને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "બધી સુંદર બાઉન્ડ્રીઓની વચ્ચે સેમસનની કામનેસે તેમની ઇનિંગને આગળ ધપાવી. તેમણે ભારતને આગળ વધાર્યું અને વર્લ્ડકપની સૌથી યાદગાર ઇનિંગોમાંથી એક રમી."
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ઍક્સ પોસ્ટમાં લખ્યું, "કરો યા મરોની મૅચમાં સંજુ સેમસન ભારતની આશા સાબિત થયા. ક્યારેય તેમની ઉપર ફૉકસ ન હતું, પરંતુ તેઓ ગેમ ચેન્જર સાબિત થયા."
ખેલ પત્રકાર આશીષ મગૌતરાએ ઍક્સ પોસ્ટમાં લખ્યું, "અને પછી, સંજુ સેમસન, શું સ્ટોરી છે."
"ગિલ માટે સંજુ સેમસનને ઓપનિંગ સ્લૉટમાંથી ડ્રૉપ કરવામાં આવ્યા. ગિલ ન ચાલ્યા. સંજુને ફરી પસંદ કરવામાં આવ્યા, પછી ઇશાન માટે તેમને ડ્રૉપ કરવામાં આવ્યા. અભિષેકના ખરાબ ફૉર્મ અને રાઇટ-લૅફ્ટ કૉમ્બિનેશને તેમનું પુનરાગમન કરાવ્યું. અને હવે તેઓ સ્ટાર ઑફ ધ શૉ બન્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












