ઈરાનનો સત્તાકીય સંઘર્ષ : પહલવી વંશથી લઈને અયાતોલ્લાહ ખુમૈની અને અલી ખામેનેઈ સુધી

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના રઝા શાહ પહલવી (ડાબે)ના શાસનને ખુમૈની (વચ્ચે)એ ઉખાડી ફેંક્યું હતું. છેલ્લે ખામેનેઈ (જમણે) ઈરાનના સુપ્રીમ લીડર હતા.
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિંદી
  • વાંચવાનો સમય: 10 મિનિટ

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું છે. ઈરાનની સરકારી ટીવી ચૅનલે આ વાતની પુષ્ટિ કરી છે.

ખામેનેઈ વારંવાર પોતાનો ઈરાદો જાહેર કરી ચુક્યા હતા કે તેઓ ઇઝરાયલને ખતમ કરવા માંગે છે.

તેમણે ઘણી વખત ઇઝરાયલના અસ્તિત્વને મિટાવી દેવાની વાત કરી હતી. તેઓ લાંબા સમયથી ઇઝરાયલને પશ્ચિમ એશિયામાં એક એવું 'કૅન્સરગ્રસ્ત ટ્યૂમર' ગણાવતા હતા. તેમના મતે 'જેને ઉખાડી ફેંકવું જરૂરી હતું' અને તેમના કહેવા મુજબ આ થવાનું જ છે.

ગયા વર્ષે જૂનમાં કદાચ પહેલી વખત ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ખામેનેઈને નિશાન બનાવવા વિશે સીધી અને જાહેર વાત કરી હતી.

એબીસી ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં નેતન્યાહૂને પૂછવામાં આવ્યું હતું કે શું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડરની 'હત્યા'ને લગતી ઇઝરાયલી યોજનાને એમ કહીને ફગાવી દીધી છે કે તેનાથી આ ક્ષેત્રમાં સંઘર્ષ વધી શકે છે?

નેતન્યાહૂએ તે વખતે કહ્યું હતું કે ખામેનેઈનું મોત "સંઘર્ષ વધારવાના બદલે તેને ખતમ કરવાનું કામ કરશે."

આયાતુલ્લાહ અલી ખામેનેઈ : જેલવાસથી ઈરાનના સર્વોચ્ચ નેતા બનવા સુધીની સફર

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈ 86 વર્ષના હતા.

વર્ષ 1977માં નવા વર્ષની પૂર્વસંધ્યાએ તહેરાનમાં એક સરકારી ભોજન દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે ઈરાનના શાહને ત્યાંના 'આઇલૅન્ડ ઑફ સ્ટેબિલિટી' એટલે કે 'સ્થાયિત્વના દ્વીપ'ની ઉપમા આપી હતી.

એટલું જ નહીં, કાર્ટરે શાહની બુદ્ધિમતા, વિવેક, સંવેદનશીલતા અને બારીક દૃષ્ટિના પણ ભરપૂર વખાણ કર્યા હતા.

તે સમયે ઈરાન પર નજર રાખતા જાણકારોને શાહની આ પ્રશંસા બિનજરૂરી લાગી, એટલું જ નહીં તેમને આ વખાણ ન ગમ્યા.

તેનું કારણ એ હતું કે તેમની નજરમાં શાહ એક મોટા તાનાશાહ હતા, જેમણે પોતાના રાજકીય વિરોધીઓેને કચડવા માટે અમાનવીય દાવપેચ અપનાવવામાં કોઈ ખચકાટ નહોતો રાખ્યો.

ઇરવાંદ અબ્રાહામિયન પોતાના પુસ્તક 'બિટવીન ટુ રિવૉલ્યૂશન્સ'માં લખે છે, "ઈરાનના રઝા શાહ પહલવી તહેરાનમાં સીઆઈએના એજન્ટ કર્મિટ રુઝવેલ્ટની મહેરબાનીથી ઈરાનની ગાદી પર બેઠા હતા. પહલવીના પિતાએ વર્ષ 1925માં એક વિદ્રોહ પછી સત્તા આંચકી લીધી હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ નાઝી જર્મની તરફ ખુલ્લેઆમ ઝુકવા લાગ્યા, ત્યારે બ્રિટન અને સોવિયેત સંઘે તેમને સત્તા પરથી હટાવી દીધા."

"બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈરાન પર મિત્રદેશોનું નિયંત્રણ હતું. તેમણે હિટલર વિરુદ્ધ યુદ્ધમાં ઈરાનની ઑઇલ સંપત્તિનો ઉપયોગ કર્યો હતો."

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, ATLANTIC BOOKS

ઇમેજ કૅપ્શન, ઇરવાંદ અબ્રાહામિયનનું પુસ્તક 'બિટવીન ટુ રિવૉલ્યૂશન્સ'

રઝા પહલવીને પિતાની ગાદી મળી

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના શાહ પોતાની યુવાવસ્થામાં

યુવાન પહલવીને તેમના પિતાની ગાદી આપવામાં આવી જેથી દુનિયાને દેખાડી શકાય કે ઈરાન એક સ્વતંત્ર દેશ છે.

સ્વિટ્ઝર્લૅન્ડમાં શિક્ષિત રઝા શાહ પહલવી એક અમીર પ્લેબૉય તરીકે પોતાનો સમય વીતાવતા હતા.

તેમને સત્તા આપવાનું મુખ્ય કારણ એ હતું કે પશ્ચિમી દેશોને ઈરાનનું તેલ મેળવવાની લાલચ હતી.

નામ માત્રના સત્તાધીશ હોવા છતાં શાહે પ્રસ્તાવ મૂક્યો કે તેલના વેચાણમાંથી મળતો અડધો નફો ઈરાન પોતાની પાસે રાખશે જેથી તેમનો દેશ સમૃદ્ધ બની શકે અને સંભવિત રાજકીય આંદોલનો માટે વાતાવરણ ન સર્જાય.

પરંતુ શક્તિશાળી ઍંગ્લો-ઇરાની ઑઇલ કંપનીએ આ પ્રસ્તાવ નકારી કાઢ્યો.

મોસદ્દેક બન્યા ઈરાનના વડા પ્રધાન

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1950ના દાયકામાં વડા પ્રધાન મોહમ્મદ મોસદ્દેક

ત્યાર બાદ ઈરાનના નારાજ લોકો એક લોકપ્રિય નેતા મોહમ્મદ મોસદ્દેકને ટેકો આપવા લાગ્યા. મોસદ્દેક એ પરિવારથી આવતા હતા જેમણે પહલવી પરિવાર સત્તા પર આવ્યો તેનાથી લગભગ 200 વર્ષ અગાઉ ઈરાન પર શાસન કર્યું હતું.

માર્ક બાઉડન પોતાના પુસ્તક 'ગેસ્ટ ઑફ ધ આયાતોલ્લાહ'માં લખે છે, "મોસદ્દેકે સત્તા પર આવતાની સાથે જ એ કર્યું જેના માટે શાહ ક્યારેય હિંમત કરી શકતા ન હતા. તેમણે સમગ્ર ઑઇલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. આ પગલાંની તેમના દેશમાં બહુ સરાહના કરવામાં આવી."

ટાઇમ મૅગેઝિને મોસદ્દેકને 'મૅન ઑફ ધ યર' જાહેર કર્યા.

યુએનમાં આપેલા ભાષણમાં મોસદ્દેકે કહ્યું કે, 'ઈરાનનું તેલ એ તેની માટી, તેની નદીઓ અને તેના પહાડોની જેમ ઈરાનના લોકોની સંપત્તિ છે.'

માર્ક બાઉડેને લખ્યું, "ઍંગ્લો-ઈરાની તેલ કંપનીઓને નાણાકીય નુકસાન થઈ રહ્યું હતું. આ ઉપરાંત અમેરિકાને ડર હતો કે મોસદ્દેક સમાજવાદી ઝુકાવના કારણે સોવિયેતના પ્રભાવમાં જતા રહેશે. તેમની વિરુદ્ધ વિદ્રોહને ઉત્તેજન મળ્યું જેની પાછળ અમેરિકાના રાષ્ટ્રપતિ આઇઝનહોવર અને બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ હતા."

તહેરાનમાં શાહની વાપસી

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાહના શાસન દરમિયાન અમીર અને ગરીબો વચ્ચે અંતર વધતું ગયું.

સીઆઈએના એજન્ટ રુઝવેલ્ટે મોસદ્દેક વિરુદ્ધ ઈરાનના પ્રેસમાં ખોટા અહેવાલો છપાવ્યા અને રસ્તા પર પ્રદર્શનો આયોજિત કર્યાં.

તેના આધારે સૈન્ય અધિકારીઓએ દેશદ્રોહના ખોટા આરોપો હેઠળ મોસદ્દેકની ધરપકડ કરી.

ત્રણ વર્ષ સુધી જેલમાં રાખ્યા પછી તેમને તેમના ઘરમાં નજરબંધ કરવામાં આવ્યા જ્યાં 1967માં તેમનું મૃત્યુ થયું.

સેનાના વિદ્રોહ પછી શાહ પોતાનાં પત્ની સાથે ભાગીને રોમ જતાં રહ્યાં. બધું સામાન્ય થયું ત્યારે શાહે પરત આવીને રાજગાદી સંભાળી.

અમેરિકાએ શાહને પૂરો સાથ આપ્યો. તેમનો તર્ક હતો કે કૉમ્યુનિસ્ટોને રોકવા અને તેલના નિરંતર પુરવઠા માટે આમ કરવું જરૂરી હતું.

શાહે પોતાના દેશવાસીઓને વચન આપ્યું કે તે પોતાના જીવનકાળમાં ઈરાનને નાણાકીય અને સાંસ્કૃતિક રીતે પશ્ચિમી દેશોની સમકક્ષ બનાવી દેશે.

અમેરિકાની કઠપૂતળી

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, ECHO

ઇમેજ કૅપ્શન, સ્ટીફન કિનઝરનું પુસ્તક 'ઑલ ધ શાહ્ઝ મૅન'

શાહે ઘણી હદ સુધી પોતાનું આ વચન પાળ્યું પણ હતું.

સ્ટીફન કિનઝર પોતાના પુસ્તક 'ઑલ ધ શાહ્ઝ મૅન'માં લખે છે, "શાહના રાજમાં ઈરાન સમૃદ્ધ થયું. મહિલાઓનું સશક્તિકરણ થયું અને તેઓ પોતાના દેશને કુરાનના શિક્ષણથી દૂર લઈ ગયા. અમેરિકાની મદદથી તેઓ ખુલ્લેઆમ એક અહંકારી સમ્રાટ બની ગયા. તેમને પોતાના વિરોધીઓને કચડવા પર ગર્વ થવા લાગ્યો. તેમણે એવી સેનાનું નેતૃત્વ કર્યું જે સંખ્યા અને આધુનિકતામાં ઇઝરાયલને ટક્કર આપે તેવી હતી."

કિનઝર લખે છે, "પરંતુ બીજી તરફ શાહે એવી આર્થિક યોજનાઓ પાછળ અબજો ડૉલર વેડફી નાખ્યા જેનું કોઈ ઔચિત્ય ન હતું. પરિણામે ઈરાનની મોટા ભાગની પ્રજા ગરીબ રહી. 1970નો દાયકો આવ્યો ત્યાં સુધીમાં ઈરાનના 40 ટકા લોકો કુપોષણનો ભોગ બન્યા હતા."

તેલમાંથી મળેલી સંપત્તિ શહેરોમાં વસતા શિક્ષિત, પશ્ચિમી દેશોના રંગે રંગાયેલા લોકોને પસંદ પડી, પરંતુ અમીર અને ગરીબ વર્ગ વચ્ચે આર્થિક ખાઈ વધતી ગઈ.

પોતાના શાસનનું 20મું વર્ષ આવતા સુધીમાં ઈરાનમાં શાહની લોકપ્રિયતા ઘટવા લાગી અને તેઓ 'અમેરિકાના કઠપૂતળી' તરીકે ઓળખાવા લાગ્યા.

ઈરાનના લોકો શાહની વિરુદ્ધ થયા

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાહ ઈરાન છોડીને ભાગી ગયા ત્યાર પછી ઈરાન ઇસ્લામિક રિપબ્લિક બન્યું

1970ના દાયકાના મધ્યમાં શાહ વિરુદ્ધ પ્રદર્શનો શરૂ થયાં જે અટક્યાં જ નહીં.

1978 આવતા સુધીમાં શાહની ગાદી હચમચવા લાગી. છતાં બાહ્ય દુનિયાને લાગતું હતું કે શાહ આ સંકટનો સામનો કરી શકશે. પરંતુ 1979ની ઇસ્લામિક ક્રાંતિએ ધાર્મિક રીતે સંગઠીત શક્તિઓને સત્તામાં પહોંચાડી દીધા.

માર્ક બાઉડેન લખે છે, "બહારની દુનિયાને એ સમજાયું નહીં કે ઈરાનમાં પરંપરાગત ઇસ્લામ ફરીથી માથું ઊંચકી રહ્યો છે અને તે આધુનિક, ધર્મનિરપેક્ષ મૂલ્યો વિરુદ્ધ બળવો કરવા તૈયાર થઈ રહ્યા છે. કૉલેજ પરિસર અને શાહના સૈનિક નોકરશાહીમાં પણ બદલાવ માટે સમર્થન વધવા લાગ્યું હતું. પરંતુ મૌલવીઓ અને સમાજના અન્ય વર્ગોમાં એ વાત પર સહમતિ નહોતી થઈ રહી કે આગળ શું કરવું."

16 જાન્યુઆરીએ ઇજિપ્ત જવાનો નિર્ણય લીધો ત્યારે કોઈએ તેમના માટે આંસું સાર્યાં ન હતાં.

આયાતુલ્લાહ ખુમૈની પૅરિસથી તહેરાન પહોંચ્યા

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તહેરાન જતા વિમાનમાં સવાર આયાતુલ્લાહ ખુમૈની

શાહે ઈરાન છોડતા જ ફ્રાન્સમાં નિર્વાસિત જીવન જીવતા ધાર્મિક નેતા આયાતુલ્લાહ ખુમૈનીએ પોતાના દેશ પરત આવવાનો નિર્ણય લીધો.

પહેલી ફેબ્રુઆરી, 1979ની રાતે એક બૉઇંગ 747 ચાર્ટર વિમાને તહેરાન માટે ટેક-ઑફ કર્યું. તેમાં સવાર હતા શાહના કટ્ટર વિરોધી અને 16 વર્ષથી નિર્વાસિત જીવન જીવતા આયાતુલ્લાહ રોહિલ્લા ખુમૈની.

વિમાનમાં 168 પ્રવાસીઓ સવાર હતા જેમાંથી એક બીબીસીના પત્રકાર જૉન સિમ્પસન પણ હતા. તેમણે પોતાની આત્મકથા 'ન્યૂઝ ફ્રૉમ નો મૅન્સ લૅન્ડ'માં લખ્યું છે, "ખુમૈની સાથે તહેરાન જવું એક ડરામણો અનુભવ હતો. અમારી સાથેના પ્રવાસીઓને પૂરી ખાતરી હતી કે ઈરાનની વાયુસેના અમારા વિમાનને તોડી પાડશે. ફ્લાઈટ દરમિયાન અમે કેટલીક મિનિટો સુધી ખુમૈની સાથે વાત કરી હતી. તેઓ બહુ બોલતા ન હતા. હું તેમને કોઈ સવાલ કરતો ત્યારે તેઓ વિમાનની બારીની બહાર જોવા લાગતા."

અમેરિકા અને ઇઝરાયલ સાથે દુશ્મની

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુરોપથી ઈરાન પરત આવીને ખુમૈનીએ ઇસ્લામિક નિયમો મુજબ શાસન ચલાવ્યું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખુમૈની જ્યારે તહેરાન પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે લાખો લોકો ઍરપૉર્ટ પર હાજર હતા. ઈરાન રાજાશાહીની જગ્યાએ હવે ઇસ્લામી રિપબ્લિક બની ગયું હતું.

ખુમૈનીને સુપ્રીમ લીડરનો હોદ્દો આપવામાં આવ્યો અને તેમણે ઇસ્લામી નિયમો પ્રમાણે ઈરાનમાં શાસન શરૂ કરી દીધું.

ખુમૈનીએ અમેરિકાને 'મોટો શેતાન' ગણાવીને તેની ટીકા કરી અને ઇઝરાયલને પેલેસ્ટાઇનની ભૂમિ પર ગેરકાયદે કબજે કરનાર ગણાવ્યો.

ખુમૈનીએ સુપ્રીમ લીડર તરીકે કાર્યભાર સંભાળ્યાના કેટલાક દિવસોમાં જ તેમના વિદ્યાર્થી ટેકેદારોએ તહેરાનમાં અમેરિકન દૂતાવાસ પર કબ્જો કરીને 66 અમેરિકનોને બંધક બનાવી લીધા.

તેમણે માંગણી કરી કે અમેરિકામાં કૅન્સરની સારવાર કરાવતા શાહને ઈરાન મોકલવામાં આવે જેથી તેમને તેમના 'ગુનાઓની સજા' આપી શકાય.

અમેરિકા અને ઇઝરાયલની દુશ્મની એ ઈરાનની વિદેશનીતિનો એક મહત્ત્વનો હિસ્સો બની ગઈ.

1979ની ઇસ્લામિક ક્રાંતિને હજુ થોડો સમય થયો હતો ત્યાં સદ્દામ હુસેનના નેતૃત્વ હેઠળ ઇરાકે ઈરાન પર હુમલો કરી દીધો.

આ યુદ્ધ લગભગ નવ વર્ષ ચાલ્યું. થોડા જ સમયમાં ખુમૈની પ્રત્યે લોકોનો મોહભંગ થઈ ગયો.

કૉન કફલિને પોતાના પુસ્તક 'ખુમૈનીઝ ઘોસ્ટ'માં લોકશાહીના એક સમર્થકને ટાંકીને કહ્યું, "હું માનતો હતો કે ખુમૈની ઈરાનમાં લોકશાહી લાવવાના છે. પરંતુ હવે અમને સમજાયું કે અમે એક તાનાશાહ બદલીને બીજા તાનાશાહને લઈ આવ્યા છીએ."

સલમાન રશ્દી વિરુદ્ધ ફતવો

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સલમાન રશ્દીનું પુસ્તક સેતાનિક વર્સિસ ભારે વિવાદાસ્પદ બન્યું હતું

1989માં ભારતીય મૂળના લેખક સલમાન રશ્દીએ 'સેતાનિક વર્સિસ' નામે પુસ્તક લખ્યું ત્યારે દુનિયાભરના મુસલમાનોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો.

14 ફેબ્રુઆરી, 1989ના રોજ આયાતુલ્લાહ ખુમૈનીએ ફતવો જાહેર કર્યો કે 'આ પુસ્તક ઇસ્લામ, પયગંબર મહંમદ અને કુરાનની વિરુદ્ધ છે. આ પુસ્તક સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને હું મોતની સજા સંભળાવું છું. હું દુનિયાભરના મુસલમાનોને અપીલ કરું છું કે તેમને જે જગ્યાએ આ લોકો મળી આવે, તેમને મોતને ઘાટ ઉતારે.'

ઈરાનની એક સંસ્થાએ સલમાન રશ્દીના માથે બે કરોડ 60 લાખ ડૉલરના ઇનામની જાહેરાત કરી. તોફાની ટોળાએ બ્રિટન, ઇટાલી અને અમેરિકામાં એવી તમામ પુસ્તકની દુકાનોને પોતાનું નિશાન બનાવી જ્યાં 'સેતાનિક વર્સિસ'નું વેચાણ થતું હતું. ત્યાર પછી અનેક યુરોપિયન દેશોએ તહેરાનથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા.

ખામેનેઈ બન્યા ખુમૈનીના વારસદાર

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખુમૈની પછી ખામેનેઈ ઈરાનના સુપ્રીમ લીડર બન્યા હતા

ખુમૈનીની ઉંમર વધવાની સાથે તેમના વારસદારના નામની વિચારણા થવા લાગી. ખુમૈનીએ આના માટે ઇસ્લામિક ક્રાંતિના એક મોટા સમર્થક અને પોતાના અનુયાયી આયાતુલ્લાહ મોહમ્મદ મોંતઝરીનું નામ પસંદ કર્યું.

ખુમૈનીને તેમના ધાર્મિક જ્ઞાન વિશે બહુ ઊંચો અભિપ્રાય હતો, પરંતુ દેશના સંરક્ષક તરીકે તેમની યોગ્યતા પર તેમને સંદેહ થવા લાગ્યો.

કૉન કફલિન લખે છે, "માર્ચ, 1989માં ખુમૈનીએ મોંતઝરીને અનેક પાનાનો લાંબો પત્ર લખ્યો જેમાં તેમના પર આરોપ લગાવ્યો કે તેઓ ઈરાનના લોકોને ઉદારવાદીઓના હાથમાં સોંપી રહ્યા છે. મોંતઝરીએ આ લાંબા પત્રનો જવાબ પાંચ લીટીમાં આપીને જાહેરાત કરી કે તેઓ ખુમૈનીના ઉત્તરાધિકારીની દોડમાંથી બહાર નીકળી રહ્યા છે. તેઓ અગાઉ પણ આ પદ મેળવવાના ઇચ્છુક ન હતા. ત્યાર પછી ખુમૈનીએ પોતાના વારસદાર તરીકે તત્કાલીન રાષ્ટ્રપતિ અલી ખામેનેઈને પસંદ કર્યા."

ઈરાનની ધાર્મિક સત્તાના મામલે ખામેનેઈનો હોદ્દો બહુ જુનિયર જેવો હતો. તેઓ એટલો અનુભવ પણ ધરાવતા ન હતા કે ટોચના ધાર્મિક પદ માટે લાયક ગણવામાં આવે.

પોતાની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને ખુમૈનીએ સંસદની ખાસ બેઠક બોલાવી જેમાં બંધારણમાં સુધારો કરાયો. જેથી ખામેનેઈને ખુમૈનીના વારસદાર બનાવવાનો રસ્તો સાફ થયો. જોકે, તેનાથી પહેલાં જ ખુમૈનીએ નિશ્ચિત કરી દીધું કે તેમના મોત પછી પણ ઈરાન પોતાનો અણુ કાર્યક્રમ ચાલુ રાખશે અને પશ્ચિમ સાથે તેની ટકરાવની નીતિ પણ ચાલુ રહેશે.

9/11 પછી અમેરિકા પ્રત્યે સહાનુભૂતિ

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2001માં અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર સહિત અનેક સ્થળે હુમલા થયા હતા

ખુમૈનીના મોત પછી તેમની જગ્યાએ ખામેનેઈ આવ્યા અને રફસંજાની ઈરાનના નવા રાષ્ટ્રપતિ બન્યા. ખામેનેઈ આમ તો અમેરિકા વિરોધી નીતિ પાળતા રહ્યા, પરંતુ એક સમયે તેમણે અમેરિકાને સમર્થન પણ આપ્યું હતું.

11 સપ્ટેમ્બર 2001ના રોજ અલ કાયદાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો ત્યારે ઈરાને રાષ્ટ્રપતિ બુશ અને અમેરિકન લોકો પ્રત્યે સંવેદના સંદેશ મોકલ્યો હતો.

કૅનેથ પૉલકે પોતાના પુસ્તક 'ધ પર્શિયન પઝલઃ ધ કન્ફલિક્ટ બિટવીન અમેરિકા ઍન્જ ઈરાન'માં લખ્યું છે કે, "એક એવો દેશ જેને 90ના દાયકામાં આખી દુનિયાથી અલગ કરી દેવામાં આવ્યો, પોતાના સૌથી મોટા દુશ્મન જેને તેણે હંમેશાં એક શેતાનનો દરજ્જો આપ્યો હતો, તેણે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તહેરાનમાં હજારો લોકોએ માર્યા ગયેલા લોકો માટે મીણબત્તી સાથે રેલી કાઢી હતી. ઈરાન એ આવું કરનાર મિડલ ઇસ્ટનો એકમાત્ર દેશ હતો."

પરિવર્તનના પ્રતીક બન્યા ખાતમી

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ ખાતમી

વિશ્લેષકોનું માનવું છે કે મોહમ્મદ ખાતમી ઈરાનના પાંચમા રાષ્ટ્રપતિ ચૂંટાયા તેના કારણે આ શક્ય બન્યું હતું.

આ ચૂંટણીમાં ખામેનેઈએ કટ્ટરવાદી નેતા અલી અકબર નૂરીનું સમર્થન કર્યું હતું, છતાં ખાતમીનો વિજય થયો હતો.

કૉન કફલિન લખે છે, "આનું કારણ એ હતું કે 1997 સુધીમાં ઈરાનના લોકોને ઇસ્લામી સરકાર પ્રત્યે મોહભંગ થઈ ગયો હતો. ઈરાનના કથળતા જતા અર્થતંત્ર અને બહારની દુનિયાથી અલગ પડી જવા બદલ લોકો તેમને જવાબદાર માનતા હતા. ફુગાવો 40 ટકા સુધી પહોંચી ગયો હતો."

"ઈરાનના ચલણ રિયાલની કિંમત અડધી રહી ગઈ હતી અને બેરોજગારીનો દર 30 ટકા થઈ ગયો. જોકે, ખાતમી એ ઈરાનના રાજકારણમાં કોઈ મોટું નામ ન હતા. પરંતુ ચૂંટણીપ્રચાર વધતો ગયો તેમ તેમ તેઓ પરિવર્તનના પ્રતીક બનવા લાગ્યા."

ખાતમીએ ચૂંટણી જીતતા જ સાઉદી અરેબિયા અને ખાડીના બીજા દેશો સાથે પોતાના સંબંધો સુધારવાનું શરૂ કર્યું.

એટલું જ નહીં, તેમણે સપ્ટેમ્બર 1998માં સલમાન રશ્દી સામેનો ફતવો પણ પાછો ખેંચી લીધો.

ખામેનેઈ વિરુદ્ધ વિપક્ષમાં એકતાનો અભાવ

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખામેનેઈ વિરુદ્ધ વિપક્ષો ક્યારેય સંગઠીત થઈ શક્યા ન હતા

2005માં મહંમદ અહમદીનેજાદ સત્તામાં આવ્યા પછી ઈરાને પોતાની જૂની નીતિઓ લાગુ કરી. ખામેનેઈએ આત્મનિર્ભરતા, મજબૂત સંરક્ષણ વ્યવસ્થા અને રશિયા-ચીન તરફ પોતાના ઝુકાવ પર ધ્યાન આપ્યું.

અમેરિકા અને ઇઝરાયલનો વિરોધ તેની વિદેશનીતિનો હિસ્સો રહ્યો, પરંતુ ઈરાન પર જોખમ આવ્યું ત્યારે તેમણે લવચિકતા દેખાડી.

અમીન સૈકાલે પોતાના પુસ્તક 'ઈરાન રાઇઝિંગ : ધ સર્વાઇવલ એન્ડ ફ્યુચર ઑફ ઇસ્લામિક રિપબ્લિક'માં લખ્યું છે કે "ખામેનેઈ પાસે અમર્યાદ બંધારણીય અને ધાર્મિક સત્તા છે. તેમના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર અને અર્ધલશ્કરી દળો 'બસીઝ'એ પ્રદેશમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હજુ પણ ઘણા ઈરાની લોકો સરકારથી અસંતુષ્ટ છે,પરંતુ તેમની વિરુદ્ધ સંગઠીત વિપક્ષના નેતા ઉભરીને નથી આવ્યા."

શાહના પુત્ર પહલવીને લઈને સવાલ

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન આયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર શાહ પહલવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂતપૂર્વ શાહના પુત્ર રઝા પહલવી

ઈરાનના ભૂતપૂર્વ શાહના પુત્ર રઝા પહલવી તાજેતરમાં અમુક લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

તાજેતરમાં ઍક્સ પર આપેલા નિવેદનમાં તેમણે દેશવાસીઓને અપીલ કરી કે તેઓ "46 વર્ષથી ચાલતા યુદ્ધનો અંત કરે. ઈરાનના શાસકોનો પોતાના જ લોકોને કચડવાનું કુચક્ર ધરાશાયી થઈ રહ્યું છે. આ દુઃસ્વપ્નને કાયમ માટે ખતમ કરવા એક દેશવ્યાપી આંદોલનની જરૂર છે."

પોતાના પિતાને પદભ્રષ્ટ કરાયા પછી તેમણે અમેરિકામાં નિર્વાસિત જીવન ગાળ્યું છે, પરંતુ અમેરિકા અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ સાથે તેમના નિકટના સંબંધોના કારણે તેમને ઈરાનમાં કેટલી ગંભીરતાથી લેવામાં આવશે તે સવાલ છે.

તેઓ અમેરિકાની મદદથી સત્તા પર આવશે તો તેમણે પોતાના પિતાની જેમ જ રાજકીય કાયદેસરતાની સમસ્યાનો સામનો કરવો પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન