ગુજરાતની સરહદ પાસે બર્ડ ફ્લૂની પુષ્ટિ બાદ રાજ્યના આ જિલ્લામાં ઍલર્ટ જાહેર – ન્યૂઝ અપડેટ

ગુજરાતની પાડોશમા આવેલા રાજ્ય મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ બાદ તાપી જિલ્લામાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીબીસી ગુજરાતી ન્યૂઝના સહયોગી નીરવ કંસારાએ આપેલી માહિતી અનુસાર, તાપી જિલ્લાના ઉચ્છલ અને નિઝર તાલુકામાં જિલ્લા અધિક મૅજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર, "આ વિસ્તારના એકથી દસ કિલોમીટરના વિસ્તારમાં મરઘાં, ઈંડા, મરઘાંની હગાર તથા પૉલ્ટ્રી ફાર્મની સાધન-સામગ્રીની હેરફેર પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો છે. સાથે પૉલ્ટ્રીમાં કામ કરતા લોકો માટે માસ્ક, ગ્લાઉઝ, ગમબૂટ અને અન્ય રક્ષણાત્મક સાધનો ફરજિયાત બનાવી દેવાયાં છે."
નીરવ કંસારાના જણાવ્યા પ્રમાણે અસરગ્રસ્ત વિસ્તારમાં બહારથી આવતાં પક્ષીઓ પાણીના સંપર્કમાં ન આવે તેની તકેદારી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.
આ જાહેરનામું દસ જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની બાજુમાં આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં બર્ડ ફ્લૂનો પ્રકોપ વધી રહ્યો છે. પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે વહીવટીતંત્ર આકરા પગલાં લઈ રહ્યું છે.
બર્ડ ફ્લૂનો ફેલાવો અટકાવવા માટે વહીવટીતંત્રે 'કલિંગ' અભિયાન યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે. પશુપાલન વિભાગે છેલ્લા બે દિવસમાં મોટા પાયે કાર્યવાહી કરી છે.
કલિંગ એટલે બર્ડ ફ્લૂ અથવા અન્ય ચેપી રોગોનો પ્રસાર અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતાં મરઘાં તથા અન્ય પક્ષીઓને સામૂહિક મારી નાખવાની અને નાશ કરવાની પ્રક્રિયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વહીવટીતંત્રે મરઘીઓનો મોટા પાયે નાશ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. સંબંધિત વિસ્તારના લોકોને મરઘી અને ઈંડા ન ખાવાની સૂચના વહીવટીતંત્રે આપી છે. સંભવિત જોખમ ટાળવા માટે સતર્ક રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.
નંદુરબાર જિલ્લાનાં કલેક્ટર ડૉ. મિતાલી સેઠીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત વ્યક્તિગત રીતે લીધી હતી અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
ચેપનો ફેલાવો અટકાવવા માટે વિસ્તારો નક્કી કરીને પગલાં લેવામાં આવ્યાં છે. ડૉ. મિતાલી સેઠીએ જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂનો પ્રસાર રોકવા માટે વહીવટીતંત્ર તમામ પ્રયાસો કરી રહ્યું છે.
બાંગ્લાદેશે પહેલી વખત ટેસ્ટમૅચમાં પાકિસ્તાનને ઘરેલુ ગ્રાઉન્ડ પર હરાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશે પાકિસ્તાનને પહેલી ટેસ્ટમૅચમાં 104 રને હરાવી દીધું છે. સાથે જ બાંગ્લાદેશે પાકિસ્તાનને સતત ત્રીજી ટેસ્ટમાં હારનો સ્વાદ ચખાડ્યો છે.
બાંગ્લાદેશના હાથે તેના ઘરેલુ ગ્રાઉન્ડ પર પાકિસ્તાનની આ પહેલી હાર છે.
વર્ષ 2024માં બંને દેશો વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં પણ બાંગ્લાદેશે 2-0થી જીત હાંસલ કરી હતી.
ઢાકામાં 8મી મેથી 12મી મે સુધી રમાયેલી આ મૅચમાં બાંગ્લાદેશ પહેલી ઇનિંગમાં 413 રન બનાવી ચૂક્યું હતું. જવાબમાં પાકિસ્તાનની ટીમ 386 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર પછી બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં 240 રને દાવ ડિક્લેર કર્યો હતો. ચોથી ઇનિંગમાં પાકિસ્તાને જીત માટે 286 રનની જરૂરત હતી પરંતુ પાકિસ્તાનની ટીમ 163 રને ઑલઆઉટ થઈ ગઈ.
બાંગ્લાદેશની પહેલી ઇનિંગમાં 101 રન તથા બીજી ઇનિંગમાં 87 રન બનાવનારા કૅપ્ટન નજમુલ હૂસૈન શાંતોને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશ તરફથી પાકિસ્તાનની પહેલી ઇનિંગમાં મેહદી હસન મિરાજે 5 વિકેટ ઝડપી હતી. મૅચની છેલ્લી ઇનિંગમાં બાંગ્લાદેશના નાહિદ રાણાએ પાકિસ્તાનના પાંચ બૅટ્સમૅનોને પેવેલિયિન મોકલ્યા હતા.
વીનેશ ફોગાટના સમર્થનમાં આવ્યાં ઑલિમ્પિક પદક વિજેતા સાક્ષી મલિક

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑલિમ્પિક પકદ વિજેતા સાક્ષી મલિક, વીનેશ ફોગાટના સમર્થનમાં આગળ આવ્યાં છે. સાક્ષી મલિકે એક વીડિયો નિવેદનમાં વીનેશ ફોગાટ પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
તેમણે કહ્યું, "કેટલાક દિવસેથી વીનેશને લઈને જે પણ મુદ્દો ચાલી રહ્યો છે, તેના પર મીડિયા મારી પ્રતિક્રિયા જાણવા માગે છે."
"હું એવાં ઘણાં ઉદાહરણો આપી શકું છું જ્યારે અન્ય દેશોનાં સ્પૉર્ટ્સ ફેડરેશને પોતાના ખેલાડી માટે નિયમો આસાન કરી નાખ્યા હોય. જેથી ત્યાં મહિલા માતા બન્યાં બાદ પણ પોતાના દેશ માટે રમી શકે અને પદક જીતી શકે. ત્યાં આપણા ફેડરેશનમાં બે દિવસ પહેલાં એવા નિયમો બનાવે છે કે જેથી વીનેશ પરત ન ફરી શકે."
સાક્ષી મલિકે વડા પ્રધાન, રમત-ગમત મંત્રી અને કુસ્તી મહાસંઘથી આગ્રહ કર્યો કે વીનેશની ટ્રાયલ લેવામાં આવે, જેથી તેઓ દેશ માટે પદક જીતી શકે.
સાક્ષી મલિકે કહ્યું છે કે એવું ઉદાહરણ પેશ થવું જોઈએ કે દેશની મહિલાઓ માતા બન્યાં પછી પણ રમત રમી શકે છે અને પદક જીતીને દેશનું નામ રોશન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે કુસ્તીબાજ વીનેશ ફોગાટ ગત સોમવારે ઉત્તર પ્રદેશના ગોંડા પહોંચ્યાં હતાં અને ભારતીય કુસ્તી મહાસંઘ (ડબલ્યૂએફઆઇ)ના અધિકારીઓ સાથે ત્યાં યોજાનારી નૅશનલ ઓપન રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની પરવાનગી માગી હતી.
અધિકારીઓ સાથે વાત કર્યાં પછી વીનેશ ફોગાટે કહ્યું હતું કે, તેમને 'શો કોઝ નોટિસ'નો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું, પણ વિનેશે તે માટે સમય માગવા છતાં, તેમને સમય અપાયો નહોતો.
રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ભારતીય કુસ્તી મહાસંઘ)એ શનિવારે વિનેશ ફોગાટને કારણ-દર્શક નોટિસ ફટકારીને તેમના પર ગેરશિસ્ત તથા ઍન્ટિ-ડોપિંગ નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સોમવારે ફોગાટે એવો આક્ષેપ કર્યો હતો કે, 'તેઓ આ બધું એટલા માટે કરી રહ્યા છે, કે જેથી હું થાકી-હારીને કહું કે, મારે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવી છે.'
ડબલ્યૂએફઆઇના પ્રમુખ સંજયસિંહે કહ્યું હતું કે, ફોગાટ તેમને મળ્યાં હતાં, પણ જ્યાં સુધી તેઓ કારણ-દર્શક નોટિસનો જવાબ નહીં આપે, ત્યાં સુધી તેઓ કોઈપણ સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ નહીં લઈ શકે.
સંજયસિંહે જણાવ્યું હતું, "તેઓ તેમને રમવા દેવાની પરવાનગી આપવામાં આવે, એવી વિનંતી લઈને આવ્યાં હતાં, પણ તેમને અગાઉથી જ કારણ-દર્શક નોટિસ આપવામાં આવેલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી તેનો જવાબ નહીં અપાય, ત્યાં સુધી તેઓ સસ્પેન્ડ છે."
પીએમ મોદીની પેટ્રોલ-ડીઝલની બચત કરવાની અપીલ વિશે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી શું બોલ્યા?

ઇમેજ સ્રોત, @HardeepSPuri
પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ મંત્રી હરદીપસિંહ પુરીએ દાવો કર્યો છે કે ભારતમાં ઑઇલ અને ગૅસનું કોઈ સંકટ નથી.
સોશિયલ મીડિયા ઍક્સ પર કરેલી એક પોસ્ટમાં હરદીપસિંહ પુરીએ લખ્યું, "જે લોકો 1.4 અબજ ભારતીયો અને દેશનાં ઊર્જા ક્ષેત્રને માટે એક મુશ્કેલ સ્થિતિને લઈને જશ્ન મનાવે છે, તેમણે પોતાની અંદર જોવું જોઈએ."
તેમણે લખ્યું, "વડા પ્રધાને માત્ર સલાહ આપી છે કે લોકો ઊર્જાની ખપત પર સંયમ દાખવે, જેથી અર્થવ્યવસ્થા પર કોઈ નાણાકીય બોજ ન પડે."
"એક તરફ વૈશ્વિક સ્તર પર ક્રૂડઑઇલની કિંમત ડબલ થઈ ગઈ છે, ત્યાં ભારતે પેટ્રોલ-ડીઝલની કિંમતોને સ્થિર રાખી છે. સાથે એક લાખથી વધુ પેટ્રોલ પંપો પર ઈંધણની નિરંતર ઉપલબ્ધતા તથા 33.5 કરોડ પરિવારો સુધી એલપીજીની સતત આપૂર્તિ સુનિશ્ચિત કરી છે."
તેમણે કહ્યું કે હાલ ભારતની ઑઇલ માર્કેટિંગ કંપનીઓ રોજ એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવી રહી છે.
તેમણે જણાવ્યું, "અમે આ પડકારને એક તકમાં પરિવર્તિત કરવા માટે પગલાં ઉઠાવ્યાં છે. ભારત ક્રૂડઑઇલના સ્રોતોનો વિસ્તાર કરી રહ્યું છે. આ એક મજબૂત અર્થવ્યવસ્થાના સંકેત છે. એવું નથી કે અર્થવ્યવસ્થા મુશ્કેલભરી સ્થિતિમાં છે."
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓછામાં ઓછી બે વખત લોકોને પેટ્રોલ-ડીઝલની ખપત ઓછી કરવાની અપીલ કરી હતી. તેમણે આ ઉપરાંત સોનાની ખરીદી બંધ કરવાની અને વર્ક ફ્રૉમ હોમ જેવા સૂચનો પણ કર્યા હતા.
પીએમના આ નિવેદન બાદ વિપક્ષોએ તેમની જોરદાર ટીકા કરી છે. તેમણે દેશની અર્થવ્યવસ્થા પર ગંભીર સવાલો કર્યા છે.
NEET 2026 પરીક્ષા રદ થઈ, નૅશનલ ટેસ્ટિંગ એજન્સીએ શું કારણ આપ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
મેડિકલમાં પ્રવેશ માટે તાજેતરમાં લેવાયેલી NEET 2026 પરીક્ષા રદ કરવામાં આવી છે. નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ ત્રીજી મેએ પરીક્ષા લીધી હતી, પરંતુ પેપરલીક થયું હોવાની ચર્ચા ચાલે છે ત્યારે આ પરીક્ષા રદ કરવામાં આવી છે. એનટીએએ કહ્યું કે કેન્દ્ર સરકારની મંજૂરી પછી નીટ રદ કરાઈ છે.
એનટીએએ કહ્યું કે હવે આ પરીક્ષા ફરીથી લેવાશે. પરીક્ષાની નવી તારીખ અને ઍડમિટ કાર્ડનું શિડ્યુલ ટૂંક સમયમાં સત્તાવાર ચૅનલો પર જારી કરવામાં આવશે.
એનટીએએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ભારત સરકારે આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાનો નિર્ણય લીધો છે. એનટીએ આ તપાસમાં સહયોગ આપશે અને તમામ જરૂરી ડૉક્યુમેન્ટ તથા માહિતી ઉપલબ્ધ કરાવશે."
NTAએ કહ્યું કે "ફરીથી પરીક્ષા આપવા માટે નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં રહે અને કોઈ વધારાની ફી લેવામાં નહીં આવે. અગાઉ જમા કરવામાં આવેલી ફી વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે અને એનટીએનાં પોતાનાં સંસાધનોમાંથી પરીક્ષા લેવાશે."
કૉંગ્રેસના સાંસદ અને વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે NEETની પરીક્ષા વિશે સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે ઍક્સ પર લખ્યું હતું કે, "મેં નીટ 2026નું પેપરલીક થયાના સમાચાર સાંભળ્યા છે. હવે આ કોઈ પરીક્ષા નથી રહી. NEET એક લીલામી બની ગઈ છે. પરીક્ષાના 42 કલાક પહેલાંથી વૉટ્સઍપ પર કેટલાય સવાલો વેચાતા હતા."
આસામઃ હિમંતા બિસ્વા સરમાએ મુખ્ય મંત્રીપદે શપથ લીધા

ઇમેજ સ્રોત, X/@himantabiswa
હિમંતા બિસ્વા સરમાએ આસામના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ સળંગ બીજી વખત રાજ્યના મુખ્ય મંત્રી બન્યા છે.
હિમંતાની સાથે ચાર ધારાસભ્યો પણ મંત્રીપદે શપથ લઈ રહ્યા છે. તેમાં રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નેઓગ સામેલ છે.
હિમંતા બિસ્વાના શપથગ્રહણ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ-એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ સામેલ થયા છે. સાથે જ કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ પહોંચ્યા છે.
આસામની વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ બે તૃતીયાંશ બહુમત મેળવ્યો છે. ભાજપે 82 બેઠકો જીતી છે જ્યારે તેના સહયોગી આસામ ગણ પરિષદ (એજીપી) અને બોડોલૅન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ)ને 10-10 બેઠકો મળી છે.
ભારત પાસે કેટલા દિવસ ચાલે તેટલું પેટ્રોલ-ડીઝલ છે? સરકારે આંકડા આપ્યા

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સોનું ન ખરીદવા અને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવાની સલાહ આપ્યા પછી પેટ્રોલિયમ મંત્રાલયે એક પત્રકારપરિષદ ભરીને ભારત પાસે ઈંધણનો કેટલો પુરવઠો છે તેની માહિતી આપી હતી.
પેટ્રોલિયમ મંત્રાલયના જૉઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે આપણી રિફાઇનરીઓ વધુ સારી ક્ષમતા પર કામ કરી રહી છે.
તેમણે ભરોસો આપ્યો કે પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને ઘરેલુ જરૂરિયાત માટે એલપીજીનો સપ્લાય સતત ચાલુ છે.
આ ઉપરાંત સોમવારે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આંતર-મંત્રાલયી બેઠક પછી કહ્યું કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો છે.
સુજાતા શર્માએ કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં 1.20 કરોડ બુકિંગ સામે 1.14 કરોડ એલપીજી સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા છે. આ દરમિયાન 17 હજા ટનથી વધારે કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરનું વેચાણ થયું છે અને 762 ટનથી વધારે ઓટો એલપીજી પણ વેચવામાં આવ્યું છે.
સોમવારે મળેલા બેઠકમાં જણાવાયું કે ભારત પાસે 60 દિવસ સુધી ચાલે તેટલું ક્રૂડઑઇલ અને નૅચરલ ગૅસ છે જ્યારે 45 દિવસ સુધી ચાલે તેટલો એલપીજીનો જથ્થો છે.
હિમંતા બિસ્વા સરમા આજે આસામના મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે

ઇમેજ સ્રોત, Getty Images
આસામના નવા મુખ્ય મંત્રી તરીકે આજે હિમંતા બિસ્વા સરમા શપથ લેશે. તેમની આ સળંગ બીજી ટર્મ હશે. તેઓ આસામના પહેલા બિનકૉંગ્રેસી મુખ્ય મંત્રી હશે, જેઓ સળંગ બીજી ટર્મ માટે શપથ લેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાજપના બીજા વરિષ્ઠ નેતાઓ પણ શપથવિધિમાં હાજર રહેશે જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહનો સમાવેશ થાય છે.
આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યે રવિવારે સરમાને સત્તાવાર રીતે મુખ્ય મંત્રી તરીકે જાહેર કર્યા હતા.
હિમંતા બિસ્વા સરમા 2021માં પહેલી વખત રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા.
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ કેટલા સમય સુધી ટકશે? ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, Aaron Schwartz/Sipa/Bloomberg via Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહિનાથી ચાલતું યુદ્ધવિરામ 'લાઇફ સપોર્ટ' પર છે.
વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં સોમવારે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે યુદ્ધવિરામ હજુ ચાલુ છે, પરંતુ બહુ 'નબળી સ્થિતિમાં' છે.
ટ્રમ્પના આ નિવેદન પછી ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફે ઍક્સ પર લખ્યું કે, "ઈરાનની સેના કોઈ પણ હુમલાનો જવાબ આપવા અને પાઠ ભણાવવા માટે તૈયાર છે."
વાસ્તવમાં રવિવારે ઈરાને અમેરિકાને એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં યુદ્ધ સમાપ્ત કરવા અને હોર્મુઝ સામુદ્રધુનીને ફરીથી ખોલવાની શરતો રાખવામાં આવી હતી. ટ્રમ્પે આ પ્રસ્તાવને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય ગણાવીને કહ્યું કે તેમને તે પસંદ નથી પડ્યો.
ઈરાને પોતાના પ્રસ્તાવમાં લેબનોન પર ઇઝરાયલના હુમલા પણ અટકાવવાની વાત કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















