રોજ 2,000 જેટલાં ઈંડાં મૂકી શકતી રાણીની મધપૂડામાંથી કેવી રીતે પસંદગી થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કે. શુભગુણમ
- પદ, બીબીસી તમિલ
- વાંચવાનો સમય: 6 મિનિટ
મધપૂડો નજરે ચઢે, ત્યારે સૌપ્રથમ આપણું ધ્યાન તેના અવાજ તરફ જાય છે. હજારો પાંખોના સંકલિત હલન-ચલન દ્વારા સર્જાયેલો મૃદુ ગુંજારવ હવામાં અવિરત ગૂંજતો રહે છે.
મધપૂડાની અંદર હજારો કામદાર મધમાખીઓ લાર્વાને ખવડાવવું, મધપૂડો સાફ કરવો તથા મધનો સંગ્રહ કરવા જેવાં કાર્યો કરે છે.
જોકે, મધમાખીઓની વસાહતમાં માત્ર એક જ રાણી હોય છે. અન્ય શ્રેણીની મધમાખીઓ કરતાં તેનું કદ મોટું હોય છે, પણ શરીરની સરખામણીમાં તેની પાંખો ઘણી નાની હોય છે. રાણીનું પેટ લાંબું, અણીદાર હોય છે, જેના કારણે તે મધપૂડાની અન્ય મધમાખીઓ કરતાં જુદી - ભમરી જેવી દેખાય છે.
મધમાખીઓની વસાહતમાં રાણી એ ઈંડાં મૂકતો એકમાત્ર સજીવ છે. તામિલનાડુ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે, એક રાણી રોજ 2,000 જેટલાં ઈંડાં મૂકી શકે છે.
સામાન્ય મધમાખી રાણી કેવી રીતે બને છે?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્યપણે એવી ધારણા પ્રવર્તે છે કે રાણી મધમાખીનો જન્મ ખાસ રીતે થયો હોય છે. અર્થાત્, ઘણા લોકો માને છે કે તે કુદરતી રીતે જ રાણી તરીકે જન્મી હતી.
પણ વાસ્તવમાં, મધપૂડાની અન્ય મધમાખીઓની માફક જ રાણીના જીવનનો પ્રારંભ પણ લાર્વા તરીકે થાય છે. પ્રારંભિક તબક્કામાં તમામ લાર્વા જૈવિક રીતે સરખા હોય છે, તેમાંથી કોણ રાણી બનશે, તે નક્કી હોતું નથી.
મધપૂડામાં કોઈ મધમાખી સ્વૈચ્છિક રીતે રાણી બનવા તૈયાર થતી નથી કે તેની વરણી પણ કરવામાં આવતી નથી. આ પ્રક્રિયા શાંતપણે અને લગભગ આપમેળે જ શરૂ થાય છે અને મધપૂડામાં ફેરફાર થવા માંડે છે.
મધપૂડામાં નવી રાણીનો જન્મ મુખ્યત્વે ત્રણ સ્થિતિમાં થાય છે. જ્યારે વર્તમાન રાણી નબળી થઈ જાય, મૃત્યુ પામે કે પછી નવો મધપૂડો બનાવવા માટે અલગ થઈ જાય, ત્યારે નવી રાણીની જરૂર પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કામદાર માખીઓ ફેરોમોન્સ તરીકે ઓળખાતાં કેમિકલ સિગ્નલ્સ ઓછાં થવાં માંડતાં આ ફેરફાર પારખી લે છે. આ કેમિકલ સિગ્નલ્સ સામાન્યતઃ રાણીની હાજરી અને તેની પ્રજનન ક્ષમતા સૂચવે છે. પછી તે વસાહત માટે આગામી રાણી પસંદ કરવાની પ્રક્રિયા આદરે છે.
નવા જન્મેલા અમુક અત્યંત નાના લાર્વાને અલગ કરવામાં આવે છે. આ અલગ કરાયેલા લાર્વા કોઈ પણ રીતે અન્ય લાર્વા કરતાં જુદા નથી હોતા. તેમને અનોખા બનાવતી બાબત છે કામદાર માખીઓ દ્વારા તેમને આપવામાં આવતો ખોરાક.
મોટા ભાગના લાર્વાને પરાગ અને મધનો આહાર આપવામાં આવે છે, પણ કેટલાક પસંદગીયુક્ત લાર્વાને સતત રૉયલ જેલીનો ઊંચો ડોઝ આપવામાં આવે છે. આ સમૃદ્ધ ખોરાકનો અવિરત પુરવઠો તેમના વિકાસમાં સમૂળગું પરિવર્તન લાવે છે અને રાણી મધમાખીનું નિર્માણ થાય છે.
રાણી મધમાખીનો જન્મ કોણ કરાવી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાણી મધમાખીના જન્મના કેન્દ્રમાં રૉયલ જેલી તરીકે ઓળખાતો અનોખો આહાર છે. આ ખોરાક યુવા કામદાર મધમાખીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું ઘટ્ટ, દૂધ જેવું પ્રવાહી હોય છે.
જેલી જેવું આ પ્રવાહી યુવાન કામદાર મધમાખીઓના માથા પરની વિશિષ્ટ ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે.
'ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ મોલેક્યુલર સાયન્સિઝ' તથા 'સાયન્ટિફિક રિપોર્ટ્સ' જેવી જર્નલ્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસો લાર્વાના તબક્કામાં મધમાખીઓની સૌથી નાની પેઢીના વિકાસમાં રોયલ જેલીની અસરનું વર્ણન કરે છે.
પ્રારંભિક દિવસોમાં મધપૂડાના તમામ લાર્વાને આ પોષણયુક્ત જેલી ખવડાવવામાં આવે છે, પણ જેમ-જેમ તેઓ મોટા થાય અને વિકાસ પામે, તેમ તેમાંથી મોટા ભાગનાને પરાગ તથા મધના સાદા ખોરાક તરફ વાળવામાં આવે છે.
તે ઉપરાંત, માત્ર ગણ્યાગાંઠ્યા વિશિષ્ટ રીતે પસંદ કરવામાં આવેલા લાર્વાને જ સતત રૉયલ જેલીનો આહાર આપવામાં આવે છે. આહારની આ વિવિધતા રાણીના જન્મનો પાયો નાખે છે.
અન્ય હજારો કામદાર મધમાખીઓની માફક લાર્વા વિશાળ કદ, લાંબા આયુષ્ય તથા પ્રજનન ક્ષમતા ધરાવતી રાણી તરીકે વિકાસ પામે છે. રૉયલ જેલીનો આ આહાર મધપૂડાને પોષણ આપવામાં તેમજ તેના ભવિષ્યને આકાર આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
અભ્યાસો સૂચવે છે કે, અન્ય કીડા તથા કેટલાક પસંદગીયુક્ત કીડાને આપવામાં આવતા આહારમાં રહેલા આ પોષણલક્ષી તફાવતને પગલે જનીન અભિવ્યક્તિ તથા શારીરિક વિકાસમાં નોંધપાત્ર ફેરફારો થાય છે.
આ અનોખી પોષણયુક્ત રૉયલ જેલી રાણીને સંપૂર્ણપણે વિકસિત અંડાશય, વિશાળ કદ અને લાંબા આયુષ્ય જેવાં જરૂરી લક્ષણો પૂરાં પાડે છે.
પ્રજનન તરફની રાણીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
લાર્વાના તબક્કામાંથી રાણી મધમાખીમાં વિકસિત થવાના ગણતરીના દિવસોની અંદર જ યુવા રાણી મધમાખી પ્રજનન માટે મધપૂડો છોડી દે છે.
વૈવાહિક ઉડાન તરીકે ઓળખાતી આ ઘટનામાં રાણી મધપૂડો છોડી દઈને ખુલ્લી હવામાં ઊડે છે, જ્યાં તે અન્ય મધપૂડાની નર મધમાખીઓ સાથે હવામાં પ્રજનન કરે છે.
તામિલનાડુ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના આંકડાઓ પ્રમાણે, આ પ્રક્રિયાનું પુનરાવર્તન નથી થતું અને આશરે ત્રણ વર્ષનું આયુષ્ય ધરાવતી રાણી મધમાખી તેના સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પ્રજનન સફર ખેડે છે.
પ્રજનન પ્રક્રિયાની તે સફર દરમિયાન, તે ઘણી નર મધમાખીઓ સાથે સમાગમ કરે છે અને આજીવન ઈંડાં મૂકવાં માટે તેના શરીરમાં શુક્રાણુઓનો સંગ્રહ કરે છે.
ત્યાર બાદ તે તેણે એકત્રિત કરેલા સ્પર્મનો તેના શરીરમાં 'સ્પર્મેટિકા' તરીકે ઓળખાતા એક વિશિષ્ટ અંગમાં સંગ્રહ કરે છે. આ અનોખું અંગ ઘણાં વર્ષો સુધી સ્પર્મને સુરક્ષિત રાખી શકે છે.
રાણી મધમાખીના જીવનમાં માત્ર એક જ વખત બનતી સમાગમની આ ઘટના મારફત રાણી મધમાખી જીવનભર ઈંડાંને ફલિત કરવા માટે આવશ્યક ઊર્જા તથા સ્પર્મનો સંગ્રહ કરે છે.
કોર્નેલ યુનિવર્સિટીના જીવિવજ્ઞાની થૉમસ સીલી દ્વારા હાથ ધરવામાં આવેલા મધમાખીના વર્તનના અભ્યાસો દર્શાવે છે કે, મધમાખીઓની વસાહતો વિકેન્દ્રિત વ્યવસ્થા દ્વારા સંચાલિત હોય છે. અર્થાત્, કોઈ એક વ્યક્તિગત મધમાખી સર્વોપરી નથી હોતી. આ વ્યવસ્થામાં રાણી મધમાખીના ફેરોમોન એવાં સિગ્નલ્સ પૂરાં પાડે છે, જે વસાહતને સ્થિર, પ્રજનનની દૃષ્ટિએ સક્ષમ અને સામાન્ય રીતે કામ કરવામાં સહાયક હોય છે.
અર્થાત્, જો રાણી સ્વયં મધપૂડાનું નિયંત્રણ ન કરતી હોય, તો (અભ્યાસો દર્શાવે છે કે,) તેની હાજરી વિના મધમાખીઓનું સામાજિક માળખું વિખેરાવા માંડે છે.
મધપૂડામાં રાણીનું શું મહત્ત્વ હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
રાણીનું મહત્ત્વ સમજવા માટે મધપૂડાને તેના સંપૂર્ણ પરિમાણમાં જોવો જરૂરી છે.
સંશોધકો લાંબા સમયથી કહેતા આવ્યા છે કે મધમાખીની વસાહત એકલ સજીવના સ્વરૂપમાં કાર્ય કરે છે, જેમાં હજારો જીવો સાથે મળીને કામ કરે છે.
થૉમસ લીલીનો મધમાખીઓની વર્તણૂક પરનો અભ્યાસ દર્શાવે છે કે, કામદાર મધમાખીઓ સામૂહિક રીતે તેમની પાંખો ફફડાવીને તાપમાનનું નિયમન કરે છે તેમજ ક્યાં અને ક્યારે ખોરાક લેવો, તે સામૂહિક રીતે નક્કી કરે છે.
વધુમાં, સીલીના જણાવ્યા મુજબ, તેઓ લાર્વાની કાળજી લેવી અને મધપૂડાના મીણનું માળખું બનાવવા જેવાં કાર્યો પણ કરે છે.
મધપૂડા એ યુવાન કામદાર મધમાખીઓ દ્વારા સ્રાવ કરવામાં આવેલા મીણમાંથી બનાવાયેલા ષટ્કોણ કોષોનાં સીધાં, દ્વિસ્તરીય માળખાં છે. મીણની આ રચનાનો ઉપયોગ મધ અને પરાગનો સંગ્રહ કરવા માટે તથા બચ્ચાંનો ઉછેર કરવા માટે થાય છે.
આટલા સુવ્યવસ્થિત સમુદાયની અંદર રાણીની ભૂમિકા ઘણી અનોખી હોય છે. જર્નલ ઑફ બેઝિક ઍન્ડ અપ્લાઇડ ઝૂલૉજીમાં પ્રકાશિત એક અભ્યાસ પ્રમાણે, રાણી મધમાખી વસાહતના પ્રજનન કેન્દ્ર તરીકે કામ કરે છે અને હજારો ઈંડાં મૂકે છે.
આ દરમિયાન, મધપૂડામાં રાણીનો પ્રભાવ માત્ર પ્રજનન પૂરતો જ સીમિત નથી. ફ્રન્ટિયર્સ ઇન ઝૂલૉજી તથા કરન્ટ બાયૉલૉજી જેવી જર્નલ્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસો દર્શાવે છે કે, રાણી મધમાખી ફેરોમોન્સ ઉત્પન્ન કરે છે, જે મધપૂડાની અંદર ચાવીરૂપ નિયમનકારી સંકેતોનું કામ કરી શકે છે અને કામદાર મધમાખીઓની અંદર સામાજિક વ્યવસ્થા તથા સંકલન જાળવવામાં મદદરૂપ થાય છે.
અભ્યાસો સૂચવે છે કે, જ્યારે રાણી મધમાખી તંદુરસ્ત હોય અને આ ફેરોમોન્સ સક્રિયપણે ઉત્પન્ન કરતી હોય, ત્યારે મધમાખીની વસાહત સ્થિર અને સંગઠિત રહે છે.
રાણી નબળી પડે ત્યારે મધમાખીઓ શું કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, જ્યારે વૃદ્ધાવસ્થા, બીમારી કે મૃત્યુ જેવાં કારણસર આ ફેરોમોનનું ઉત્પાદન ઘટે, ત્યારે કામદાર મધમાખીઓ ઉપર તરત જ તેની અસર વર્તાવા માંડે છે.
ફેરોમોન કમ્પ્યુનિકેશન નેટવર્ક્સ પર પીએમસી બાયૉલૉજી જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસો સહિતના ઘણા અભ્યાસો સૂચવે છે કે, આ સિગ્નલ્સ નબળાં પડવાથી કામદાર મધમાખીઓ વચ્ચેનું સંકલન ખોરવાઈ જાય છે અને રાણીઓની નવી પેઢીના ઉત્પાદનને ઉત્તેજન મળે છે.
ફેરોમોન સિગ્નલ્સં નબળા પડવાથી કામદાર મધમાખીઓ સમજી જાય છે કે, રાણી મૃત્યુ પામી રહી છે અથવા તો નબળી થઈ રહી છે. આ સાથે જ કામદાર મધમાખીઓ તાકીદનાં પગલાં તરીકે આગામી રાણી તૈયાર કરવાની પ્રક્રિયા આદરે છે.
યુનિવર્સિટી ઑફ ઇલિનોઇસના પ્રોફેસર તથા કીટવિજ્ઞાની જીન રોબિન્સન તેમજ યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના કીટવિજ્ઞાની જેમ્સ આ પ્રક્રિયાને વિગતવાર સમજાવે છે.
કામદાર મધમાખીઓ કેટલાક નાના લાર્વાની પસંદગી કરે છે અને તેમને માત્ર રોયલ જેલી ખવડાવવાનું શરૂ કરે છે. થોડા જ દિવસોની અંદર આ લાર્વા અન્ય લાર્વા કરતાં અલગ રીતે અને ભાવિ રાણીઓના સ્વરૂપમાં વિકાસ પામવા માંડે છે.
મધપૂડાની દેખરેખ અને વર્તનલક્ષી અભ્યાસોમાં તાજેતરમાં થયેલી પ્રગતિના આધારે રાણીની હાજરી કેટલી મહત્ત્વપૂર્ણ છે, તે જાણવા મળ્યું છે.
જર્મનીની યુનિવર્સિટી ઑફ વુર્ઝબર્ગના વર્તનલક્ષી જીવવિજ્ઞાની જુર્ગન ટોટ્ઝે દર્શાવ્યું છે કે, રાણી વિનાની મધમાખીની વસાહતો ઝડપથી તેમની સંબદ્ધતા ગુમાવી દે છે. વળી, રાણી વગર કામદાર મધમાખીઓનું વર્તન અવરોધાય છે, તેમની સર્વાંગી ઉત્પાદકતા ઓછી થઈ જાય છે અને કેટલીક વખત વસાહતનું પણ ધીમે-ધીમે પતન થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























