નોળિયો સાપને જોતાં જ કેમ મારી નાખે છે અને તેને સાપનું ઝેર કેમ ચડતું નથી?

નોળિયો, સાપ, પ્રાણીઓ, વાઇલ્ડલાઇફ, બીબીસી ગુજરાતી, નોળિયા અને સાપ વચ્ચેની લડાઈ, નોળિયો સાપને કેમ મારી નાખે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના મેદાની પ્રદેશોમાં નોળિયો અને સાપ આસાનીથી જોવા મળતાં પ્રાણીઓ છે

'નોળિયો એ સાપનો દુશ્મન છે' અને 'નોળિયા અને સાપની લડાઈમાં નોળિયો જ ફાવે' એવા શબ્દપ્રયોગો આપણે ત્યાં પ્રયોજાતાં રહ્યા છે.

ગુજરાત સહિત ભારતીય ઉપખંડમાં રચાયેલી અનેક પ્રાચીન અને અર્વાચીન કથાઓ અને વાર્તાઓમાં સાપ અને નોળિયાની લડાઈનો ઉલ્લેખ જોવા મળે છે.

નોળિયો એક એવું પ્રાણી છે, જેનું નામ લેવાય એટલે સાપ પણ આંખ સામે તરી આવે છે. આમ જોઈએ તો નોળિયાનું અસ્તિત્વ સાપ વિના કલ્પવું પણ મુશ્કેલ છે.

ભારતના મેદાની પ્રદેશોમાં નોળિયો અને સાપ આસાનીથી જોવા મળતાં પ્રાણીઓ છે.

આપણે ત્યાં આસપાસ નોળિયો દેખાય તો એવું અનુમાન લગાવવામાં આવે છે કે આજુબાજુ સાપ હોઈ શકે છે.

પરંતુ નોળિયો એટલો તાકાતવર કેમ કહેવાય છે કે એ ઝેરી સાપને પણ પરાસ્ત કરી દે છે? શું સાપ ક્યારેય નોળિયાને ન મારી શકે? નોળિયા અને સાપ વચ્ચે કાયમ લડાઈ કેમ થાય છે?

સાપ અને નોળિયા વચ્ચે ખરેખર દુશ્મની હોય છે?

નોળિયો, સાપ, પ્રાણીઓ, વાઇલ્ડલાઇફ, બીબીસી ગુજરાતી, નોળિયા અને સાપ વચ્ચેની લડાઈ, નોળિયો સાપને કેમ મારી નાખે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નોળિયો સીધો જ સાપના માથા પર પ્રહાર કરે છે અને સાપની ખોપડીનો ભુક્કો કરી નાખે છે (પ્રતીકાત્મક તસવીર)

સાપ અને નોળિયાની 'દુશ્મની' એ પ્રાકૃતિક દુશ્મની કહેવાય છે. જાણકારોના મતે આમાં 'સર્વાઇવલ'નો પ્રશ્ન મુખ્ય છે.

નોળિયાનાં નાનાં બચ્ચાં એ સાપનો ભાવતો ખોરાક છે એવું મનાય છે અને સાપ નોળિયાનાં બચ્ચાંને ખતમ કરી નાખે છે એવો નોળિયાને ડર હોય છે.

આથી, નોળિયો એ સાપને જોતાં જ તેના પર હુમલો કરી દે છે.

જોકે, હકીકતમાં નોળિયાનાં બચ્ચાં કે નોળિયાને અજગર જેવાં મોટાં પ્રાણીઓ જ ખાઈ શકે છે, નાના સાપ તેને હકીકતમાં એટલું નુકસાન પહોંચાડી શકતા નથી.

ડૉ. રશ્મિ શર્મા લિખિત અને 'સ્ટડી ઑફ બિહેવિયર ઑફ ઇન્ડિયન મોન્ગૂસ' શીર્ષકથી પ્રકાશિત થયેલા સંશોધનપત્રમાં નોળિયાની વર્તણૂક વિશે લખવામાં આવ્યું છે.

તેમાં લખવામાં આવ્યું છે કે, "મોટે ભાગે દિવસે સક્રિય દેખાતા નોળિયા ઝેરી સાપ સામે લડવા અને તેમને મારી નાખવા માટે જાણીતા છે. તેમની ચપળતા એ તેમની સૌથી મોટી ખૂબી છે."

આ સંશોધનપત્રમાં લખવામાં આવ્યું છે કે, "નોળિયા એ મોટે ભાગે 6થી 40નાં ટોળાંમાં સાથે રહે છે. તેમના સમૂહને પણ પ્રભાવશાળી નર અથવા પ્રભાવશાળી માદા નેતૃત્ત્વ પૂરું પાડે છે. સમૂહના દરેક નોળિયા માટે તેનું કામ નિર્ધારિત હોય છે. કેટલાક નોળિયાનું કામ સંભવિત ખતરા પર ધ્યાન રાખવાનું હોય છે અને એ ડ્યૂટી પણ બદલાતી રહે છે. નોળિયાની સૂંઘવાની, સાંભળવાની ને જોવાની ક્ષમતા જબરદસ્ત હોય છે."

નોળિયાને શા માટે સાપનું ઝેર ચડતું નથી?

નોળિયો, સાપ, પ્રાણીઓ, વાઇલ્ડલાઇફ, બીબીસી ગુજરાતી, નોળિયા અને સાપ વચ્ચેની લડાઈ, નોળિયો સાપને કેમ મારી નાખે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હકીકતમાં નોળિયાનાં બચ્ચાં કે નોળિયાને અજગર જેવાં મોટાં પ્રાણીઓ જ ખાઈ શકે છે, નાના સાપ તેને હકીકતમાં એટલું નુકસાન પહોંચાડી શકતા નથી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નોળિયા સિવાય પણ વિશ્વમાં એવાં અનેક પ્રાણીઓ છે જે સાપના ઝેર સામે ટકી શકે છે.

બીબીસી વાઇલ્ડલાઇફ પ્રમાણે વિશ્વમાં સૌથી ઘાતક અને ઝેરીલા ગણાતા સાપ સામે પણ નોળિયાની કેટલીક જાત પોતાને બચાવી શકે છે.

આમ થવા પાછળનું કારણ નોળિયાની અદ્ભુત શરીરરચના છે.

સાપના ઝેરમાં સામાન્ય રીતે સૌથી સક્રિય આલ્ફા-ન્યુરોટોક્સિન હોય છે જે આપણા ચેતાતંત્રમાંથી આવતા સંદેશાને જ અટકાવી દે છે અને આપણા સ્નાયુઓ સુધી પહોંચવા દેતું નથી. જેના કારણે જે તે વ્યક્તિને પેરાલિસીસ થઈ જાય છે અને અંતે તે મૃત્યુ પામે છે.

નોળિયાના શરીરમાં ઝેર સામે લડવાની જબરદસ્ત ક્ષમતા હોય છે. તેના શરીરમાં રહેલા એસિટાયકૉલિન રિસેપ્ટર્સમાં થતા બદલાવોથી શરીરના સ્નાયુઓ સુધી સંદેશ પહોંચતો રહે છે. આથી, સાપનો ડંખ પડ્યા પછી પણ નોળિયો પોતાનો જીવ બચાવી શકે છે.

જોકે, એવું નથી કે નોળિયાને સાપ મારી જ ન શકે. ઘણી વાર મોટા અને અતિશય ઝેરીલા સાપ સામે નોળિયાને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે એવું બન્યું છે.

અતિશય ઝેરી સાપ જો પોતાના ડંખમાં નોળિયાના શરીરમાં મોટા પ્રમાણમાં ઝેર ઉતારી દે તો નોળિયાનું મૃત્યુ થઈ શકે છે. કિંગ કોબ્રા જેવા ઝેરીલા સાપ સામે નોળિયાની હાર પણ થઈ શકે છે.

સોશિયલ મીડિયામાં કોબ્રા અને નોળિયા વચ્ચેની લડાઈના અનેક વીડિયો પણ વાઇરલ થયેલા જોવા મળે છે.

કોબ્રા સામેની લડાઈમાં પણ નોળિયો જીત મેળવવામાં સફળ રહેતો હોય છે, પરંતુ કોબ્રા સામેની તેની લડાઈ અતિશય ભયંકર હોય છે.

'સ્ટડી ઑફ બિહેવિયર ઑફ ઇન્ડિયન મોન્ગૂસ'માં નોંધવામાં આવ્યું છે કે, "શરીરમાં રહેલા ઍસિટિકૉલિન રિસેપ્ટર્સના કારણે તેમને સાપનું ઝેર ચડતું નથી. પરંતુ તેમ છતાં પણ તે કોબ્રા જેવા ઝેરી સાપ સામે લડવાનું ઓછું પસંદ કરે છે અને કોબ્રાનું માંસ પણ તેને પસંદ નથી."

નોળિયો જ્યારે સાપ પર હુમલો કરે ત્યારે કોણ જીતે?

નોળિયો, સાપ, પ્રાણીઓ, વાઇલ્ડલાઇફ, બીબીસી ગુજરાતી, નોળિયા અને સાપ વચ્ચેની લડાઈ, નોળિયો સાપને કેમ મારી નાખે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોબ્રા સાથેનો નોળિયાનો મુકાબલો સૌથી વેધક છે

સામાન્ય રીતે સાપના દુશ્મન તરીકે જાણીતો નોળિયો એ માંસાહારી શ્રેણીનું અને સસ્તન વર્ગનું પ્રાણી છે.

બ્રિટાનિકા પ્રમાણે, મોટે ભાગે નોળિયો આફ્રિકા, દક્ષિણ એશિયા અને દક્ષિણ યુરોપમાં જોવા મળે છે.

નોળિયા મોટે ભાગે જમીનમાં બનાવેલા દરમાં, વૃક્ષોનાં પોલાણમાં રહે છે અને તેનો મુખ્ય ખોરાક નાનાં સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપ વર્ગનાં પ્રાણીઓ, ઈંડાં અને ફળો હોય છે. જે સાપનો શિકાર કર્યો હોય તેનું માથું નોળિયાનો પ્રિય ખોરાક હોય છે.

નોળિયો જ્યારે સાપ પર હુમલો કરે છે ત્યારે એવી રીતે કરે છે કે સાપનો જીવ જ ન બચે. તેની ઝડપ અતિશય હોય છે અને ચપળતાને કારણે સાપને ખબર પડે તે પહેલાં જ તેનો જીવ લેવાઈ જાય છે.

નોળિયો સીધો જ સાપના માથા પર પ્રહાર કરે છે અને સાપની ખોપડીનો ભુક્કો કરી નાખે છે અને ઘણી વાર તો એક જ પ્રહારમાં નોળિયાને મારી નાખે છે. જોકે, ક્યારેક નોળિયાને પણ તેના કારણે સાપનો ડંખ લાગી જાય છે.

નોળિયાની હાજરીને કારણે સાપ અને ઉંદર જેવાં પ્રાણીઓનો ઉપદ્રવ થતો નથી. આથી, ઘણા લોકો નોળિયાને પાળે પણ છે.

વિશ્વભરમાં નોળિયાની અનેક પ્રજાતિઓ જોવા મળે છે જેમાં ભારતમાં 'ઇન્ડિયન ગ્રે મૉન્ગૂસ' પ્રજાતિ મુખ્ય છે.

એ સિવાય ભારતમાં સ્ટ્રાઇપ નેકેડ મૉન્ગૂસ મુખ્ય જોવા મળે છે. આફ્રિકાના વિસ્તારોમાં બશી ટેઇલડ (ઝાડી-પુચ્છ) મૉન્ગૂસ, કલણ નોળિયો મુખ્ય પ્રજાતિ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.