સાપ સૌથી વધુ કયા સમયે ઘરમાં ઘૂસી જાય? નવા અભ્યાસથી કંઈક આવું જાણવા મળ્યું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કુદરત, પ્રકૃતિ, સાપ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઝેવિયર સેલ્વાકુમાર
    • પદ, બીબીસી

શહેરીકરણે કેવી રીતે સાપના વસવાટનો ભોગ લીધો છે, તે જાણવા માટે કોઈમ્બતૂર શહેરમાં સાપને રેસ્ક્યૂ કરનારા લોકો દ્વારા 35 માસમાં પકડવામાં આવેલા સાપોના આધારે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં સાપ મોટા ભાગે અમુક ચોક્કસ મહિનાઓ અને ચોક્કસ સમયે ઘરમાં ઘૂસતા હોવાનું માલૂમ પડ્યું હતું.

અભ્યાસમાં એ હકીકતની પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે ભારતમાં સૌથી ખતરનાક ગણાતા 'બિગ 4' ઝેરીલા સાપ કોઈમ્બતૂરમાં મોટી સંખ્યામાં વસે છે.

ભવિષ્યમાં સર્પદંશની ઘટનાઓ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જીવવિજ્ઞાનીઓ (વન્ય જીવ) આવા બનાવો પર વધુ સંશોધન કરવાની હિમાયત કરી રહ્યા છે.

તામિલનાડુના વનવિભાગે આ હેતુ માટે 'નાગમ' નામની એક સ્પેશિયલ ઍપ વિકસાવી છે, ત્યારે કેન્દ્ર સરકાર પણ સમાન આશય સાથે સ્પેશિયલ ઍપ વિકસાવશે, એવું જાણવા મળ્યું છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કુદરત, પ્રકૃતિ, સાપ

કોઈમ્બતૂરમાં ઘરોમાં ઘૂસી રહેલા સાપ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કુદરત, પ્રકૃતિ, સાપ

ઇમેજ સ્રોત, SAMSON KIRUBAKARAN

ઇમેજ કૅપ્શન, કર્લી વાઈપર

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાના એક સરવે પ્રમાણે, ભારતમાં સર્પદંશથી નીપજતા મોત મામલે પશ્ચિમ બંગાળ પ્રથમ અને તામિલનાડુ બીજા ક્રમે આવે છે.

કોઈમ્બતૂર મેડિકલ કૉલેજ-હૉસ્પિટલ (સીએમસીએચ)માં દર મહિને સર્પદંશના સરેરાશ 78 દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાનું હૉસ્પિટલના વહીવટી તંત્રે જણાવ્યું હતું.

  • 2022માં સાપ કરડવાના 976 બનાવ બન્યા હતા, જેમાં 40 લોકોનાં મોત નીપજ્યાં હતાં
  • 2023માં સાપના ડંખની 971 ઘટનાઓ બની હતી અને 40 મોત થયાનું નોંધાયું હતું
  • 2024માં ઑક્ટોબર મહિના સુધીમાં સાપ ડંખવાની 2,591 ઘટનાઓ નોંધાઈ હતી અને 108 લોકોનાં મોત થયાં હતાં

પરંતુ હૉસ્પિટલના ડીનની ઑફિસે બીબીસી તમિલને જણાવ્યું હતું કે, 2025માં સર્પદંશની સારવાર કરવા માટે 970 લોકો આવ્યા હતા, તેમાંથી 21 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને આ મૃત્યુદર અગાઉનાં વર્ષો કરતાં નીચો છે.

હૉસ્પિટલના વહીવટકર્તાઓ જણાવે છે કે, સાપ કરડ્યા બાદ મોડેથી હૉસ્પિટલ પહોંચતા હોય, કેવળ એવા દર્દીઓને જ બચાવવામાં તેઓ અસમર્થ રહે છે.

કોઈમ્બતૂરસ્થિત વાઇલ્ડલાઇફ ઍન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ (ડબલ્યુએનસીટી) સાપ વિશે જાગૃતિ ફેલાવવા માટે વનવિભાગ સાથે મળીને કામગીરી કરી રહ્યું છે.

'સર્પદંશથી થતા મૃત્યુથી કોઈમ્બતૂરને મુક્ત કરવાના આશય' સાથે કામ કરતા સંગઠને ક્ષેત્ર અભ્યાસ હાથ ધરવા માટે કોઈમ્બતૂરમાં સાપને રેસ્ક્યૂ કરનારા લોકો (સ્નેક રેસ્ક્યૂઅરો) સાથે હાથ મિલાવ્યા છે.

2022થી 2024 સુધીના 35 મહિનાના ગાળામાં સાપની પુનઃપ્રાપ્તિ પરનો ડેટા સંકલિત કરીને આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તે પછી સાદિકઅલી, અબિનેશ, સિરાજુદ્દીન, વિજયકુમાર રાજગોપાલ, ઋષિ, મહમ્મદ શાજી, મોઇનુદ્દીન તથા સેમસન સહિતના 10 વન્યજીવ જીવવિજ્ઞાનીઓએ આ અભ્યાસનું સંકલન કરીને એક અહેવાલ તૈયાર કર્યો હતો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કુદરત, પ્રકૃતિ, સાપ

ઇમેજ સ્રોત, SAMSON KIRUBAKARAN

ઇમેજ કૅપ્શન, કોબ્રા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'હિસિંગ ફૉર રેસ્ક્યૂઃ મેપિંગ દ હ્યુમન-સ્નેક નિશ ઇન કોઈમ્બતૂર થ્રૂ અ સ્નેક રેસ્ક્યૂ ઍનાલિટિકલ એપ્રોચ' શીર્ષક ધરાવતો આ અભ્યાસ 'બેઝિક ઍન્ડ અપ્લાઇડ હર્પિટોલૉજી' જર્નલમાં પ્રકાશિત થયો છે.

આ અભ્યાસમાં સાપ પકડાયાની તારીખ, સમય, સ્થળ (જીપીએસ), સાપ જ્યાંથી મળી આવ્યો હોય, તે વસવાટનો પ્રકાર (આશ્રયસ્થાન) અને દૈનિક લઘુતમ અને મહત્તમ તાપમાન સહિતની વિગતો ચોકસાઈપૂર્વક નોંધવામાં આવી હતી.

અભ્યાસનું કારણ બીબીસી તમિલને જણાવતાં વાઇલ્ડલાઇફ ઍન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટના વહીવટકર્તા સિરાજુદ્દીને કહ્યું હતું, "સાપના ડંખથી લોકો મોતને શરણ ન થવાં જોઈએ; એ જ રીતે લોકોએ સાપને મારી ન નાખવા જોઈએ. આથી, સાપ આવે, એવા વખતે તાકીદે શું કરવું અને શું ન કરવું, કયા નંબર પર ફોન કરવો, તે વિશે જાગૃતિ ફેલાવવાના આશય સાથે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો."

"મોટા ભાગના સાપ કયા મહિનાઓમાં, કયા સમયે તથા કયાં સ્થળોએથી મળી આવ્યા હતા, તે વિશેની માહિતીનું અમે ઝીણવટપૂર્વક સંકલન કરીને તે વિગતો વન્ય જીવ જીવવિજ્ઞાનીઓને પૂરી પાડી હતી. તેમણે જીપીએસ ડેટા ચકાસવા તથા હિટ મૅપિંગ તૈયાર કરવા તે માહિતીનો ઉપયોગ કર્યો અને આ અભ્યાસનું સંકલન કર્યું," એમ સિરાજુદ્દીને જણાવ્યું હતું.

અભ્યાસ હેઠળના 35 મહિનામાં કોઈમ્બતૂરમાં 17 પ્રજાતિના કુલ 2,318 સાપ મળી આવ્યા હતા. તેમાંથી 980 સાપ ઝેરી અને 1,338 સાપ બિન-ઝેરી હતા.

કોઈમ્બતૂર શહેરના ઝડપથી વિકસી રહેલા ઉત્તર અને પશ્ચિમી ભાગોમાં સૌથી વધુ સંખ્યામાં સાપ પકડાયા હતા. આ માટે અભ્યાસમાં તે વિસ્તારોમાં વસાહતોની વધી રહેલી સંખ્યાનું કારણ જણાવાયું છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કુદરત, પ્રકૃતિ, સાપ

સાપ સૌથી વધુ કયા સમયે ઘરમાં ઘૂસી જાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કુદરત, પ્રકૃતિ, સાપ

ઇમેજ સ્રોત, Abinesh

ઇમેજ કૅપ્શન, વન્યજીવ જીવ વિજ્ઞાની અબિનેશ
  • કોઈમ્બતૂરમાં રોજના સરેરાશ 4.12 સાપને બચાવવામાં આવે છે.
  • ઘરોમાં સાપ ઘૂસવાના સૌથી વધુ બનાવો માર્ચથી જૂનના મહિનાઓ દરમિયાન નોંધાયા છે. તે પછી, ચોમાસાની ઋતુમાં સાપ ઘરમાં ઘૂસી જવાનું પ્રમાણ વધી જાય છે અને શિયાળામાં આ પ્રમાણ ઓછું થઈ જાય છે
  • ઉનાળામાં જ્યારે તાપમાન 28 ડિગ્રી સેલ્શિયસ હતું, તે સમયે સૌથી વધુ સાપ પકડાયા હતા. ઊંચા અને નીચા તાપમાનમાં સાપની હલચલ ઘણી સીમિત રહી હતી
  • ઘરોમાંથી બિન-ઝેરી સાપ (પ્યાસ મ્યૂકોસા - ઇન્ડિયન રૅટ સ્નેક) પકડાયાના સૌથી વધુ - 856 કિસ્સા નોંધાયા હતા
  • પછીના ક્રમે ભારતના ચાર અત્યંત ખતરનાક સાપો (બિગ 4) પૈકીનો એક - ઇન્ડિયન સ્પેક્ટેકલ્ડ કોબ્રા (નાજા નાજા) 678 સ્થળોએથી પકડી લેવામાં આવ્યો હતો
  • અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, અન્ય એક 'બિગ 4' સાપ - ગ્લાસ વાઇપર (ડેબોઇયા રસેલી - રસેલ્સ વાઇપર) 251 જગ્યાએથી અને બિન-ઝેરી સિલ્વર-રોડ સાપ (લાઇકોડોન ઔલિકસ - કૉમન વૂલ્ફ સ્નેક) 239 સ્થળેથી પકડાયો હતો
  • કોઈમ્બતૂર શહેરના રહેણાક વિસ્તારોમાંથી ઇન્ડિયન રોક પાયથન, કૉમન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક, સ્ટ્રિક્ડ કુકરી, મોન્ટેન ટ્રિન્કેટ અને મલબાર વાઇન સ્નેક જેવા સાપ પણ વ્યાપક રીતે મળી આવ્યા છે
  • બપોરના સમયે સૌથી વધુ - 278 ઝેરી સાપ મળી આવ્યા હતા, સાંજના સમયે 269 સાપ, રાત્રે 238 સાપ અને સવારે 195 સાપ મળી આવ્યા હતા
  • અભ્યાસનો ડેટા દર્શાવે છે કે, બપોરના સમયે 482 બિન-ઝેરી સાપ, સવારે 359 સાપ, સાંજે 295 સાપ અને રાત્રે 202 સાપ મળ્યા હતા
  • શિયાળાની ઋતુ દરમિયાન મોટા ભાગે બિન-ઝેરી સાપ ઘરોમાં ઘૂસ્યા હતા. જ્યારે, ઝેરી સાપો મુખ્યત્વે ખુલ્લા વિસ્તારોમાં જોવા મળ્યા હતા
  • શિયાળા દરમિયાન સાપની ગતિવિધિ ઘટી જતી હોય છે, પણ આ ઋતુમાં સૌથી વધુ ગ્લાસ વાઇપર પ્રજાતિના સાપ મળ્યા હતા
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કુદરત, પ્રકૃતિ, સાપ

સાપો કેમ ઘરમાં ઘૂસવા લાગ્યા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કુદરત, પ્રકૃતિ, સાપ
ઇમેજ કૅપ્શન, વન્યજીવ જીવવિજ્ઞાની મોઈનુદ્દીન

આ અભ્યાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા વન્ય જીવ જીવવિજ્ઞાની અબિનેશે જણાવ્યું હતું, "સાપ શીતરક્ત ધરાવતો જીવ હોવાથી તે તેના શરીરનું તાપમાન જાળવી રાખવા (તાપમાન નિયંત્રણ) માટે જગ્યા બદલતો રહે છે. સાપ ભોજન વિના જીવિત રહી શકે છે, પણ તે માત્ર અનુકૂળ આબોહવામાં જ જીવી શકે છે. જો તેના શરીરનું તાપમાન અચાનક વધી જાય, તો સાપ સ્વયંનું રક્ષણ કરવા માટે ઠંડા સ્થળે જતો રહેશે."

આગળ તેઓ કહે છે, "રહેણાક વિસ્તારો વધી રહ્યા હોય, તેવી જગ્યાઓમાં તેમના આવાસ, ખાસ કરીને જળસ્રોત ઘટી રહ્યા છે. આથી સાપ સાનુકૂળ તાપમાનની શોધમાં ઘરોમાં ઘૂસી જાય છે. આ કારણસર ભવિષ્યમાં સર્પદંશનું પ્રમાણ વધવાની સંભાવના છે. અત્યારે કોઈમ્બતૂર શહેરમાં 'બિગ 4' સાપ મોટી સંખ્યામાં મળી આવે છે."

અબિનેશ નોંધે છે કે, શહેરી વિસ્તારો (અર્બન હિટ આઇલૅન્ડ)માં કૉંક્રિટની ઇમારતો સતત વધી રહી હોવાથી ગરમી બહાર નીકળવાની તકો ઘણી ઓછી રહે છે. તેઓ જણાવે છે કે, સાપ શિકારની શોધમાં ફરતા હોય, તે સમયે શરીરની ગરમી ઓછી કરવા માટે તેમને ઘરની અંદરના ઠંડકવાળા ખૂણા માફક આવે છે.

અભ્યાસમાં ભાગ લેનાર વન્ય જીવ જીવવિજ્ઞાની મોઇનુદ્દીન કહે છે કે, કોઈમ્બતૂરમાં સાપોના વસવાટની આસપાસના જળસ્રોત તથા ઝાડીઓ અદૃશ્ય થઈ જવાથી સાપ હવે ઘરોમાં ઘૂસવા માંડ્યા છે.

તેઓ જણાવે છે કે, શહેરીકરણને લીધે જળસ્રોત, જંગલો અને ઝાડીઓનો વિનાશ તેમજ વન્ય વિસ્તારોનું વિખંડન સાપ ઘરોમાં પ્રવેશવાનું મુખ્ય કારણ છે.

મોઇનુદ્દીન જણાવે છે કે, શહેરી વિસ્તારોમાં સાપોના વસવાટ પરના અવિરત અભ્યાસો હાથ ધરાય, તે જરૂરી છે. વન્ય જીવ જિવવિજ્ઞાનીઓ તથા સંશોધકો એ વાતે સંમત થાય છે કે, પશ્ચિમ ઘાટની નજીક આવેલા કોઈમ્બતૂરની હળવી આબોહવા પણ શીતરક્ત ધરાવનારા સાપની વધુ વસ્તી પાછળનું એક કારણ છે.

અભ્યાસોએ પુષ્ટિ કરી છે કે, સામાન્ય પાયથન માત્ર રાતના સમયે ઘરમાં પ્રવેશ કરે છે, જ્યારે કોબ્રા તથા ગ્લાસ વાઇપર દિવસ અને રાત, બંને સમયે પ્રવેશ કરતા હોય છે. માત્ર કાંટાળી ઝાડીઓમાં જ જોવા મળતો નાનો સાપ કર્લી વાઇપર સામાન્ય રીતે માનવવસ્તી ધરાવતા વિસ્તારોમાં જોવા મળતો નથી, તેમ છતાં આ અભ્યાસોમાં વિવિધ માનવવસ્તી નજીક આ પ્રજાતિના સાપ જોવા મળ્યા છે.

અભ્યાસનાં પરિણામો સૂચવે છે કે, સાપ ખાસ કરીને ઉનાળા દરમિયાન ઘરોમાં વધુ પ્રવેશ કરતા હોય છે અને શિયાળા દરમિયાન તેમના પ્રવેશવાની શક્યતાઓ ઓછી રહેતી હોય છે. અલબત્ત, 'બિગ 4' સાપ પૈકીનો એક ગ્લાસ વાઇપર શિયાળા દરમિયાન ઘરોમાંથી મળી આવતો એકમાત્ર સાપ છે.

'સાપ અને લોકોનું રક્ષણ કરવા માટે નવી ઍપ'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કુદરત, પ્રકૃતિ, સાપ

ઇમેજ સ્રોત, WNCT

વન્ય જીવ જીવવિજ્ઞાનીઓ વિવિધ સ્થળોએ સાપના સ્થળાંતર માટે તેમના કુદરતી વસવાટ અદૃશ્ય થવાની સાથે-સાથે ક્લાઇમેટ ચેન્જનું કારણ પણ આગળ ધરે છે. ઉદ્ધગાના મેદાની વિસ્તારમાં એક સમયે સાપનો વસવાટ ન હતો, ત્યાં પણ હવે સાપોની વધી રહેલી વસ્તી માટે તેઓ ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરવે છે.

"ક્લાઇમેટ ચેન્જને કારણે સાપ સહિતની જીવસૃષ્ટિએ સ્થળાંતર કરવું પડશે. ઉદાહરણ તરીકે, 1,000 મીટરની ઊંચાઈ પરનું તાપમાન અગાઉ 25 ડિગ્રી સેલ્શિયસ રહેતું હતું, તે હવે આ વર્ષે સમાન દિવસે 27 ડિગ્રી થઈ ગયું છે."

"આથી, 25 ડિગ્રીના તાપમાનમાં રહેનારા સાપ તે તાપમાન મેળવવા માટે 1,500 મીટરની ઊંચાઈવાળા સ્થળે સ્થળાંતર કરશે. જ્યારે આ રીતે તાપમાન વધે છે, ત્યારે માત્ર પર્વતોનાં શિખરો પર જ વસતા સાપો સૌથી પહેલાં વિલુપ્ત થઈ જશે. આને સંશોધકો ઉપરની તરફનું સ્થળાંતર કહે છે. આ અંગેના અભ્યાસો ભારતમાં હમણાં જ શરૂ થયા છે," એમ અબિનેશે જણાવ્યું હતું.

કેટલાક લોકો ભયથી પ્રેરાઈને ઝેરી સાપને મારી નાખતા હોવાનું જણાવીને અબિનેશ ઉમેરે છે, "સાપોના આ રીતે કરવામાં આવતા ખાત્માથી ઉંદરોનો ઉપદ્રવ વધી જશે. ઉંદરો માનવી અને અન્ય સજીવોમાં વિવિધ બીમારીઓ ફેલાવતા હોય છે. તેઓ ખેતીને નુકસાન પહોંચાડે છે. વિશ્વમાં સાપનો કોઈ વિકલ્પ નથી."

વન્ય જીવ સંશોધક મોઇનુદ્દીન કહે છે કે, જળસ્રોતો, વેટલૅન્ડ્ઝ અને ગીચ જંગલો (મિયાવાકી)નું નિકંદન ન કાઢીને સાપોને રહેણાક વિસ્તારોમાં આવતા અટકાવી શકાય છે. સાથે જ તેઓ નોંધે છે કે, રહેણાક વિસ્તારની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવી પણ જરૂરી છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કુદરત, પ્રકૃતિ, સાપ

ઇમેજ સ્રોત, Ramesh

બીબીસી તમિલે અનામલાઈ ટાઇગર રિઝર્વના ફિલ્ડ ડાયરેક્ટર તથા તામિલનાડુ વનવિભાગના કોઈમ્બતૂર ઝોનના ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ વેંકટેશ સાથે કોઈમ્બતૂરમાં સર્પદંશ ઘટાડવા માટે લેવાઈ રહેલાં પગલાં વિશે વાત કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું, "રાજ્યભરના સ્નેક રેસ્ક્યૂઅર્સને અહીં તાલીમ આપવામાં આવી છે. મોટી સંખ્યામાં સાપોને ઉગારી લેવા માટે અને તેમને વનમાં છોડી મૂકવા માટે અમે વનવિભાગ સાથે હાથ મિલાવ્યા છે."

તામિલનાડુ વનવિભાગ કોઈમ્બતૂરમાં કોઈ પણ વન્ય પશુને બચાવવા માટે ટોલ-ફ્રી નંબર 1800 4254 5456 પર કોલ કરવા જાગૃતિ ફેલાવી રહી છે, જેમાં રહેણાક વિસ્તારોમાં પ્રવેશતા સાપ, હાથી, દીપડો, જંગલી સૂવર અને વાનર સહિતનાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેના પરિણામસ્વરૂપે તાજેતરમાં સાપને બચાવવા માટેના કૉલમાં વધારો થયો હોવાનું ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ વેંકટેશે જણાવ્યું હતું.

ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, માનવ-પશુ વચ્ચેનું ઘર્ષણ નિવારવા માટે સલીમ અલી સેન્ટર ફૉર ઓર્નિથોલૉજી ઍન્ડ નેચરલ હિસ્ટ્રી (SACON) ખાતે કેન્દ્રીય વનવિભાગ માટે એક તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવશે. કેન્દ્ર સ્થાપવાનું કાર્ય હાલ નિર્માણાધીન છે અને સાપનું રક્ષણ કરવા માટે તથા તેમને હેન્ડલ કરવા માટે ખાસ પગલાં ભરવામાં આવશે, તેમ સેન્ટરના ડિરેક્ટર રમેશે બીબીસી તમિલને જણાવ્યું હતું.

"આ હેતુ માટે એક સમર્પિત ઍપ વિકસાવવામાં આવી છે, જે સ્નેક રેસ્ક્યૂઅર્સ, સર્પદંશની સારવાર કરતી હૉસ્પિટલો તેમજ વન અધિકારીઓને જનતા સાથે જોડશે. આ ઍપ કોલ ટૅક્સી ઍપની માફક કામ કરશે. આથી, સાપ ઘરમાં પ્રવેશે, ત્યારે આ ઍપનો સંપર્ક સાધતાં ગણતરીની મિનિટોમાં જ સ્નેક રેસ્ક્યૂ અને સર્પદંશની સારવારની કામગીરી પાર પાડવામાં આવશે. આનાથી સાપ અને દર્દી, બંનેનો બચાવ થશે," તેમ રમેશે જણાવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન