ગુજરાતનો રૅર કિસ્સો : લિવર કૅન્સરથી પીડાતા બિલાડાની સર્જરી કરીને જીવ બચાવાયો

ઇમેજ સ્રોત, DR. FORAM
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
આણંદની કામધેનુ યુનિવર્સિટીના પશુ દવાખાનાના વૅટરનરી ડૉક્ટરોએ બિલાડાના લીવર કૅન્સરની સર્જરી કરીને તેનો જીવ બચાવ્યો છે.
પશુ ચિકિત્સકોના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે શ્વાનોમાં કૅન્સરના કેસ જોવા મળતા હોય છે, પરંતુ બિલાડીને કૅન્સર થવું એ જ્વલ્લે જ બનતી ઘટના છે.
અન્ય એક ડૉક્ટરનું માનવું છે, "જંગલી પ્રાણીઓની સરખામણીમાં ઘરે રાખવામાં આવતાં પાળતુ પ્રાણીઓમાં કૅન્સરનું પ્રમાણ વધારે જોવા મળે છે. ઘરે રાખવામાં આવતા કૂતરા કે બિલાડાને આર્ટિફિશિયલ ખોરાક ખાવા માટે આપવામાં આવે છે. જેમાં પ્રિઝર્વેટિવ હોવાને કારણે કૅન્સર વધતું હોવાનું અનુમાન છે."
બિલાડાનું ઑપરેશન કરનાર ડૉક્ટરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, DR. FORAM
કામધેનુ યુનિવર્સિટીના પશુ દવાખાનામાં અમદાવાદ, વડોદરા તથા આસપાસના જિલ્લામાંથી પ્રાણીઓને હાડકા, ચામડી, ગાયનેક સહિત અલગ-અલગ બીમારીની સારવાર તથા સર્જરી માટે લાવવામાં આવે છે.
પશુ દવાખાના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, "એક બિલાડાને તેના માલિક દ્વારા હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં બિલાડાને લીવરનું કૅન્સર હોવાનું નિદાન થતાં તેનું ઑપરેશન કરવામાં આવ્યું હતું."
કામધેનુ યુનિવર્સિટીમાં ફરજ બજાવતાં ડૉ. ફોરમ આસોડિયાએ બિલાડાનું ઑપરેશન કર્યું હતું. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "પર્શિયન બ્રીડના મૅક્સ નામના બિલાડાને તેના પાલક દ્વારા હૉસ્પિટલની ઓપીડીમાં લાવવામાં આવ્યો હતો."
"તેમની ફરિયાદ હતી કે છેલ્લા કેટલાક દિવસથી બિલાડો કુદરાતી હાજત નહોતો કરી શકતો અને એના પેટની સાઇઝ વધી રહી હતી. બિલાડાનાં ડિજિટલ ઍક્સરે તેમજ સૉનોગ્રાફી રિપોર્ટમાં બિલાડાના પેટમાં ગાંઠ જોવા મળી હતી. તેના લોહીમાં એસજીપીટીનું પ્રમાણ વધારે આવ્યું હતું, જેના કારણે તેના લિવરમાં ખામી હોવાનું તારણ નીકળ્યું હતું. ત્યારબાદ લોહી તેમજ અન્ય રિપોર્ટ કરતાં તેને લિવરનું કૅન્સર હોવાનું બહાર આવ્યું હતું."
સામાન્ય રીતે શ્વાનોમાં કૅન્સરના કિસ્સા જોવા મળે છે, પરંતુ બિલાડામાં કૅન્સરનો કિસ્સો નવીન હતો, જેથી તબીબો માટે પણ પડકારજનક બની રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. ફોરમના કહેવા પ્રમાણે, "કૂતરાને કૅન્સર થયું હોવાના કેસ આવતા હોય છે. જોકે, બિલાડાને કૅન્સરનું નિદાન થયું હોવાનો પહેલો કિસ્સો અમારી પાસે આવ્યો, જેથી અમારે પણ રિસર્ચ કરવું પડ્યું હતું."
"બિલાડામાં કૅન્સર થવું એ રેર ઘટના છે, જેથી તેના વિશે બહુ થોડા મેડિકલ રેફરન્સ મળ્યા હતા. ભારતમાં આ પ્રકારના કેસ અંગે મને વધારે માહિતી મળી ન હતી, જેથી મેં વિદેશના કેટલાક રિસર્ચ વાંચ્યા હતા."
"આ ઑપરેશન કરતાં પહેલાં તેમને કેટલીક તૈયારીઓ કરી હતી. તેમને બે ટીમ બનાવી હતી. તેમજ બિલાડાને ઓપરેશન દરમિયાન લોહી વહી જાય તો તે અંગે બ્લડ ડોનરની પણ અગાઉ વ્યવસ્થા કરી હતી."
સામાન્ય રીતે માણસો માટે બ્લડ બૅન્ક હોય છે, પરંતુ પ્રાણીઓ માટે બ્લડ બૅન્ક નથી. એટલે ઑપરેશન પહેલાંથી એ જ બ્રિડની બિલાડીના પાલકનો સંપર્ક કરીને જરૂર જણાય તો લોહી લેવાની સજ્જતા આ કેસમાં રખાઈ હતી.
ઑપરેશન વિશે માહિતી આપતા ડૉ. ફોરમે જણાવ્યું હતું, "બિલાડાની સર્જરી લગભગ દોઢ કલાક ચાલી હતી. પાંચ કિલો 300 ગ્રામનું વજન ધરાવતા બિલાડાના પેટમાંથી અમે 718 ગ્રામની ગાંઠને દૂર કરી હતી. એ પછી તેને 24 કલાક સુધી દેખરેખમાં રાખવામાં આવ્યો હતો. એ પછી બિલાડો સ્વસ્થ થયો હતો અને પેશાબ તથા સ્ટૂલ પાસ કરી શકતો હતો."
પ્રાણીઓમાં થતાં કૅન્સર અંગે નિષ્ણાત ડૉક્ટરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, DR. FORAM
વૅટરનરી ડૉક્ટર અનિકેત પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જંગલી પ્રાણીઓની સરખામણીમાં ઘરનાં પાળતુ પ્રાણીઓમાં કૅન્સરનું જોખમ વધારે રહેતું હોવાની વાત કરે છે.
ડૉ. પટેલના કહેવા પ્રમાણે, "કૂતરા-બિલાડી જેવાં પ્રાણીઓ મૂળતઃ માંસાહરી છે. તેમને ઘરમાં પાળવામાં આવે, ત્યારે તેમને પૅક્ડ ખોરાક આપવામાં આવે છે. જેમાં પ્રિઝર્વેટિવ તેમ જ આર્ટિફિશિયલ ફ્લેવર ઍડ કરેલા હોય છે."
"મનુષ્ય કે પ્રાણીઓને કાયમ માટે આવો ખોરક આપવામાં આવે તો તેના શરીર માટે હાનિકારક નિવડી શકે છે. તેનાથી શરીરમાં અમુક પ્રકારના ટૉક્સિન પેદા કરે છે, જેના કારણે શરીરના જિન્સમાં ફેરફાર થાય છે. તે શરીરના સેલને નુકસાનકર્તા હોય છે. શરીરમાં કોષો આઉટ-ઑફ-કંટ્રૉલ થઈ જાય એટલે તે ટ્યૂમર સ્વરૂપે ઉપસી આવે છે.
આ ગાંઠ સમ કે વિષમ પ્રકારની હોય શકે છે. તેના વિશે સમજાવતા ડૉ. અનિકેત પટેલ જણાવે છે, "સમ ગાંઠ એક જ જગ્યાએ રહે છે, જ્યારે વિષમ ગાંઠ શરીરના અલગ-અલગ ભાગમાં ફેલાય છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું, "જંગલી પ્રાણીઓને જો પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવે, તો પણ તેમને રો મીટ આપવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવ નથી હોતા. શાકાહરી પ્રાણીઓને પણ ઝૂમાં રાખવામાં આવે છે, ત્યારે તેમને પણ તાજું ઘાસ કે ચણા જેવો ખોરાક આપવામાં આવે છે. જો ઘાસમાં પૅસ્ટિસાઇડ હોય, તો પ્રાણીઓને પણ કૅન્સર જેવી બીમારી થઈ શકે છે."
બિલાડાના માલિકે શું કહ્યું?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
બિલાડાના પાલક ભાલેજ ગામના સુલતાન અહેમદ કાઝીએ જણાવ્યું હતું, "અમારા બિલાડાએ પહેલાં શૌચક્રિયા બંધ કરી દીધી હતી, પછી તેણે ખાવાપીવાનું બંધ કરી દીધું હતું. અમે તેના પેટ ઉપર હાથ મૂકતા હતા તો અમને કઠણ લાગતું હતું, જેથી અમે તેને હૉસ્પિટલ લઈ ગયા હતા."
"જ્યાં ડૉક્ટરોએ તપાસ કરી, તો બિલાડાએ કૅન્સર હોવાનું નિદાન થયું હતું. તેની સર્જરી થોડી જોખમી હોવાનું ડૉક્ટરે સમજાવ્યું હતું. જોકે, તેના જીવન માટે સર્જરી જરૂરી હતી, એટલે અમે સર્જરી કરાવી હતી."
સુલતાન અહેમદ કાઝીનું કહેવું છે કે સર્જરી બાદ તેમના 'દીકરા જેવો' મૅક્સ સ્વસ્થ છે અને તેઓ ખુશ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












