વનતારા: પ્રાઇવેટ ઝૂ ખોલવાની પ્રક્રિયા શું છે, કયાં પ્રાણીઓ અને પક્ષીઓને રાખવાં ગુનો છે?

ઇમેજ સ્રોત, PIB
- લેેખક, ઉપાસના
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે અંબાણી પરિવારના વનતારા વાઇલ્ડલાઇફ ફેસિલીટીની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું છે.
આ ટીમ તપાસ કરશે કે વનતારામાં વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન સાથે જોડાયેલા કાયદાઓનું ઉલ્લંઘન થયું છે કે કેમ?
અહીં લાવવામાં આવેલાં પ્રાણીઓને કાયદા પ્રમાણે અધિકૃત કરવામાં આવ્યાં છે કે નહીં, એમને સારી સ્થિતિમાં રાખવામાં આવ્યાં છે કે નહીં. આ સિવાય મની લૉન્ડરિંગ, નાણાકીય અનિયમિતતા જેવા અન્ય આરોપોની પણ તપાસ થશે.
ગુજરાતના જામનગરમાં સ્થિત વનતારા, ગ્રીન્સ ઝુલૉજિકલ રેસ્ક્યુ ઍન્ડ રિહૅબિલિટેશન સેન્ટરના નામથી રજિસ્ટર છે.
ઘણા વાઇલ્ડલાઇફ ઍક્ટિવિસ્ટ અને મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લાંબા સમયથી આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે વનતારામાં કથિત રીતે ઘણા વાઇલ્ડલાઇફ પ્રોટેકશન લૉનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
હાલ એસઆઈટી આ કથિત આરોપોની તપાસ કરીને તારીખ 12 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટને રિપોર્ટની સોંપણી કરશે.
વનતારા પર એક અન્ય આરોપ એ પણ છે કે કોઈ રેસ્કયુ સેન્ટર નહીં પણ અંબાણી પરિવારનો ખાનગી પ્રાણીસંગ્રહાલય (ઝૂ) છે.
આ અહેવાલમાં આપણે એ જાણીશું કે શું ભારતમાં કોઈ પોતાનું ખાનગી પ્રાણીસંગ્રહાલય બનાવી શકે છે? કાયદાકીય રીતે આ કઈ રીતે શક્ય છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો હા તો આને ખોલવાની પ્રક્રિયા શું છે? એમાં ક્યાં-ક્યાં પ્રાણીઓને રાખી શકાય છે અને કયાં પ્રાણીઓને રાખવાથી તમને સજા થઈ શકે છે?
પ્રાણીઓને રાખવા માટે પરમિશન

ઇમેજ સ્રોત, David Talukdar/NurPhoto via Getty Images
વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના સીઈઓ હોસે લુઈએ બીબીસીને જણાવ્યું કે, "કાયદાકીય રીતે પ્રાઇવેટ ઝૂ જેવો કોઈ કૉન્સેપ્ટ નથી."
તેઓ કહે છે, "તમે ઘણાં પ્રાણીઓને પોતાના ઘરે રાખીને એને પ્રાઇવેટ ઝૂ કહી ન શકો. ભલે એ પ્રાણીઓ રાખવા માટે તમારી પાસે લાયસન્સ પણ કેમ ન હોય?"
પ્રાણીસંગ્રહાલય માટે કેટલાક કાયદાકીય નિયમો છે.
લુઈ કહે છે, "વાઇલ્ડલાઇફ પ્રોટેકશન ઍક્ટ, 1972 અંતર્ગત પ્રાણીસંગ્રહાલય સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી દ્વારા માન્યતા પ્રાપ્ત એક એવી સંસ્થા છે જ્યાં કૅપ્ટિવ એનિમલ લોકોની સામે પ્રદર્શન કે સર્કસ અથવા તો બ્રીડિંગ માટે રાખવામાં આવતા હોય."
પ્રાઇવેટ ઝૂ ખોલવા માટે નિયમ પ્રમાણે મંજૂરી લેવી પડે છે. એ તો સ્પષ્ટ થઈ ગયું કે પ્રાઇવેટ ઝૂ જેવો કોઈ કૉન્સેપ્ટ છે નહીં.
પ્રાઇવેટ નહીં પણ કાયદાકીય રીતે અધિકૃત પ્રાણીસંગ્રહાલય ખોલવા માગો છો તો એના માટે શું પ્રક્રિયા કરવી પડે છે? એ જાણીએ.
પ્રાણીસંગ્રહાલય ખોલવા માટેની પ્રક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
વાઇલ્ડલાઇફ પ્રોટેકશન ઍક્ટ સેકશન 38 એચ પ્રાણીસંગ્રહાલય ખોલવા અંગેના નિયમોની વાત કરે છે.
નિયમ પ્રમાણે પ્રાણીસંગ્રહાલય ખોલવા માટે સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી પાસેથી પરવાનગી લેવી પડે છે. પ્રિસ્ક્રાઇબ્ડ ફૉર્મેટમાં આવેદન આપવું પડે છે.
મિની, સ્મૉલ, મીડિયમ અને લાર્જ એમ જે કૅટેગરીમાં તમે ઝૂ ખોલી રહ્યા છો એ પ્રમાણે તમારે ફી ચૂકવવી પડે છે.
સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી આવેદન મળ્યા બાદ ચેક કરે છે કે શરતોનું પાલન થઈ રહ્યું છે કે નહીં. એ પછી પરમિશન બાદ ફેંસલો આપે છે.
જ્યારે પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવતાં પ્રાણીઓની ખરીદ-પ્રક્રિયા પર 38 આઈ નિયમ પણ કેટલીક શરતો જણાવે છે.
શું કહે છે વાઇલ્ડલાઇફ પ્રોટેકશન ઍક્ટ?

પ્રાણીઓ અને પક્ષીઓની સુરક્ષા અને એમની દેખભાળ માટે ભારતમાં વાઇલ્ડલાઇફ પ્રોટેકશન ઍક્ટ, 1972 કામ કરે છે કે જેથી દેશની સ્થિતિ અને પર્યાવરણને સંતુલિત અને સુરક્ષિત કરી શકાય.
આ કાયદાથી એવાં જીવ-જંતુઓ, પક્ષીઓ અને છોડને સુરક્ષા આપવામાં આવી છે કે જે પર્યાવરણ અને ઇકો સિસ્ટમ માટે જરૂરી છે.
આ ઉપરાંત જેની સંખ્યા ઓછી થઈ રહી છે, જે વિલુપ્ત થઈ રહ્યાં છે અથવા જેનો વેપાર થઈ શકે એવી કિંમતી વસ્તુઓ પૂરી પાડતાં પ્રાણીઓને પણ સુરક્ષિત કરવામાં આવ્યાં છે.
શેડયુલ 1-4માં સામેલ પ્રાણીઓને રાખવાં અપરાધ છે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આવાં પ્રાણીઓ અને પક્ષીઓને ઍક્ટના શેડયૂલ 1,2,3,4માં સામેલ કરીને એમને સુરક્ષા આપવામાં આવી છે. જેને વાઇલ્ડ એનિમલ કહેવામાં આવે છે.
શેડયુલ 1 અને શેડયુલ 2ના પાર્ટ-2નાં પ્રાણીઓ અને પક્ષીઓને હાઇ સિક્યૉરિટી આપવામાં આવી છે.
આ પ્રાણીઓના ખરીદ-વેચાણ પર પ્રતિંબધ છે. આ પ્રાણીઓથી મળતી કોઈ પ્રૉડક્ટનો પણ વેપાર કરી શકાતો નથી કે એમનો શિકાર પણ કરી શકાતો નથી.
જો આ પ્રાણી તમારી પાસે જીવિત કે મૃત અવસ્થામાં મળી આવે તો તમને કડક સજા થઈ શકે છે. આના પર માત્ર સરકારનો અધિકાર છે.
બંગાળ ટાઇગર, સ્નો લેપર્ડ, બ્લૅક બક, ગેંડા, ચિંકારા અને હિમાલયન ભાલૂ શેડ્યુલ 1માં આવે છે.
વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સીઈઓ લુઇએ બીબીસીને જણાવ્યું કે, જો તમે આ પ્રાણીઓને જીવતા કે મૃત જુઓ તો તમારે 48 કલાકમાં સંબંધિત વન્ય અધિકારીને જાણકારી આપવી પડે છે.
શેડ્યુલ 3-4માં આવતાં પ્રાણીઓને પણ કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. એના શિકાર, ખરીદ-વેચાણ પર પ્રતિબંધ છે પરંતુ દોષી સાબિત થાઓ તો ગંભીર સજા નથી.
ચીતલ, ભરલ, પૉર્ક્યુપાઇન, શાહુડી શેડ્યુલ 3માં આવે છે. ફ્લેમિંગો, કિંગફિશર, બાજ જેવાં પક્ષીઓ શેડ્યુલ 4માં આવે છે.
શેડ્યુલ 5માં એ પ્રાણીઓને રાખવામાં આવે છે જે જંગલી તો છે પરંતુ એને કાયદાકીય રીતે સુરક્ષા આપવામાં આવી નથી એટલે આ પ્રાણીઓને રાખવા પર તમને કોઈ સજા મળશે નહીં.
માત્ર કૅપ્ટિવ પ્રાણીઓને જ ઝૂમાં રાખવામાં આવશે

આ શેડ્યુલ્ડ એનિમલમાં કેટલાંક એવાં પ્રાણીઓ પણ છે જે વાઇલ્ડ કેટેગરીમાં આવે તો છે પરંતુ એને બાંધીને રાખવાની પણ પરવાનગી છે. કાયદામાં આ પ્રકારના એનિમલને કૅપ્ટિવ (બંધક) એનિમલ કહેવામાં આવ્યાં છે.
પર્યાવરણ સાથે જોડાયેલા મામલે વકીલાત કરતા વકીલ ઋત્વિક દત્તાએ બીબીસીને જણાવ્યું, "વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન ઍક્ટ પ્રમાણે, માત્ર કૅપ્ટિવ એનિમલ્સને જ પ્રાણીસંગ્રહાલયમાં રાખી શકાય છે."
ઘરેલુ પ્રાણીઓ કોને કહેવાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ વાંચીને આપણા મનમાં સવાલ ઊઠી શકે છે કે અત્યાર સુધી આપણે ઘરે જે પ્રાણીઓ રાખીએ છીએ એ કઈ કૅટેગરીમાં આવે છે. આ પ્રાણીઓને રાખવા કાયદાકીય છે કે નહીં?
ઋત્વિક જણાવે છે, "વાઇલ્ડલાઇફ પ્રોટેકશન ઍક્ટમાં શેડ્યુલ્ડ પ્રાણીઓ સિવાય તમે કોઈ પણ પ્રાણીને તમારા ઘરે રાખી શકો છો. એના માટે તમારે કોઈ લાયસન્સની જરૂર નથી. તમને કોઈ પણ પ્રકારની સજા પણ નહીં થાય."
"ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ભૂંડ, સસલું એ ઘરેલુ પ્રાણીઓ કહેવાય છે."
"આ પ્રાણીઓને ઘરમાં રાખવા માટે પ્રિવેન્શન ઑફ ક્રુઆલ્ટી ટૂ એનિમલ્સ ઍક્ટમાં બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવું પડે છે."
ઘાયલ પ્રાણીઓ માટે રેસ્કયુ સેન્ટર
ઘણી વખત, ઘણાં પ્રાણીઓ અકસ્માતોમાં અથવા ગેરકાયદેસર તસ્કરીમાંથી બચાવી લેવામાં આવે છે.
જો આ પાલતૂ પ્રાણી છે, તો તમે તેમને તમારા ઘરે લઈ જઈ શકો છો અને તેમની સંભાળ રાખી શકો છો. અથવા તમે તેમને તમારી સાથે પણ રાખી શકો છો.
પરંતુ, જો આ પ્રાણી કે પક્ષી વન્યજીવન સંરક્ષણ કાયદામાં ઉલ્લેખિત પ્રાણીઓ કે પક્ષીઓની યાદીમાં આવે છે, તો તેમને રેસ્કયુ સેન્ટરમાં રાખવામાં આવે છે.
પ્રાણી સંગ્રહાલયની જેમ, રેસ્કયુ સેન્ટર માટે પણ લાયસન્સ લેવું પડે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની મેળે રેસ્ક્યુ સેન્ટર ખોલી શકે નહીં.
કાયદા મુજબ, રેસ્કયુ સેન્ટરોને પણ પ્રાણી સંગ્રહાલય ગણવામાં આવે છે, તેથી તેના માટે સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી પાસેથી પરવાનગી લેવી પડે છે.
લુઇ સમજાવે છે, "પ્રાણી સંગ્રહાલય અને રેસ્કયુ સેન્ટર વચ્ચે ફક્ત એક જ તફાવત છે. પ્રાણી સંગ્રહાલયમાં, પ્રાણીઓ અને પક્ષીઓને લોકો માટે પ્રદર્શનમાં રાખી શકાય છે, પરંતુ રેસ્કયુ સેન્ટરમાં નહીં."
બચાવેલાં પ્રાણીઓનો મુખ્ય હેતુ પુનર્વસન છે. તેથી, અહીં રાખવામાં આવેલાં પ્રાણીઓ સ્વસ્થ થયાં પછી તેમને તેમના મૂળ ઘરે છોડી દેવા જોઈએ.
જો પ્રાણી વિદેશી પ્રજાતિનું હોય, તો તેને તેના મૂળ દેશમાં છોડી દેવામાં આવશે.
જ્યારે અમે પૂછ્યું કે, "શું પ્રાણીઓની સારવારના બહાને તેમને હંમેશાં રેસ્ક્યુ સેન્ટરમાં રાખી શકાય નહીં?"
આ અંગે ઋત્વિકે કહ્યું, "પ્રાણી સ્વસ્થ થયા પછી, તેને ફરી જંગલમાં છોડી દેવું પડશે. તેને બચાવવાનો આ હેતુ છે."
"જ્યાં સુધી તેઓ જંગલમાં છોડી શકાય એવી સ્થિતિમાં ન હોય ત્યાં સુધી તેને સેન્ટરમાં રાખી શકાય છે."
"સૌથી પહેલાં તો ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન પ્રમાણિત કરશે કે પ્રાણી જંગલમાં જવા માટે ખરેખર અસ્વસ્થ છે, તે પછી જ પ્રાણીને સેન્ટરમાં રાખી શકાશે."
ઋત્વિક દત્તે કહ્યું, "તમારે રેસ્કયુ સેન્ટરમાં રાખવામાં આવતાં પ્રાણીઓની વિગતો આપવી પડશે. તમારે એ પણ જણાવવું પડશે કે તમને તે પ્રાણી ક્યાંથી મળ્યું."
વનતારા કેસમાં, SIT એ પણ તપાસ કરશે કે જે પ્રાણીઓને બચાવ્યાં પછી ત્યાં લાવવામાં આવ્યાં હતાં, એમને કઈ સ્થિતિમાં મળી આવ્યાં હતાં.
શું તેમને ત્યાં લાવતી વખતે બચાવ સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું?
હાથી રાખવા માટે શું જોગવાઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઋત્વિક દત્ત જણાવે છે કે હાથી એક એવું પ્રાણી છે, જે જંગલી છે પણ એને શરૂઆતમાં બાંધીને રાખવામાં આવ્યા હતા માટે એને કૅપ્ટિવ એનિમલ કહેવામાં આવ્યા છે.
એટલે આ પ્રાણીને રાખવા માટે કાયદાકીય રીતે તમારે લાયસન્સ લેવું પડે છે, જો લાયસન્સ વગર રાખો છો તમને સજા થઈ શકે છે.
એમણે કહ્યું કે, "આ કારણે સોનપુર મેળામાં પહેલાં હાથી વેચાતા હતા પરંતુ હવે ત્યાં ખરીદ-વેચાણ થતાં નથી."
આ સિવાય હાથીની માલિકીને લઈને પણ કાયદો છે. લાયસન્સ લીધા બાદ હાથી કોઈ ત્રીજા શખ્સને આપી શકો નહીં. તમે માત્ર તમારા પુત્ર કે પુત્રીને જ આપી શકો છો.
જો તમે એની સારી રીતે દેખભાળ ન કરી તો ખરાબ સારસંભાળને કારણે વનવિભાગ તમારી પાસેથી હાથી પોતાની પાસે લઈ જઈ શકે છે.
વિદેશી પ્રાણીઓને મંગાવવા આસાન નથી
આ તો ઘરેલુ પ્રાણીઓની વાત થઈ પણ કેટલાક લોકો વિદેશી પ્રજાતિનાં પ્રાણીઓ અને પક્ષીઓ રાખવાનાં શોખીન હોય છે. પણ આ કામ શોખ રાખવા જેટલું આસાન નથી.
વિદેશી પ્રાણી કે પક્ષીની ખરીદી કે વેચાણ માટે કન્વેન્શન ઑન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઇન ઍન્ડેન્જર્ડ સ્પીશીઝ ઑફ વાઇલ્ડ ફૉના ઍન્ડ ફ્લોરા (સાઇટિસ) સંધિના નિયમો લાગુ પડે છે. સાઇટિસ વાઇલ્ડ એનિમલ્સના આંતરરાષ્ટ્રીય કારોબારને નિયંત્રિત કરનારી એક સંધિ છે.
વિદેશથી લાવવામાં આવેલાં પ્રાણીઓ ફૉરેન અથવા તો ઍક્ઝોટિક સ્પીશીઝ કહેવામાં આવે છે.
ઋત્વિકે જણાવ્યું કે વિદેશથી કોઈ પ્રાણી કે પક્ષી લાવવા માટે પહેલાં એ ખરાઈ કરવી પડે છે કે એમની આયાત કાયદેસર છે કે ગેરકાયદેસર?
જે દેશથી પ્રાણીઓને લાવવામાં આવી રહ્યાં છે, એ દેશની પરવાનગી લેવી પડે છે. પોતાના દેશમાં લાવવા માટે સાઇટિસ અને પછી સંબંધિત વનવિભાગ પાસેથી પરવાનગી લેવી પડે છે.
સાઇટિસ પાસેથી મંજૂરી લેવી ખૂબ મુશ્કેલ છે. સાઇટિસ મૅનેજમેન્ટ એ જાણે છે કે તમે કયા હેતુસર પ્રાણીને લાવી રહ્યા છો. એમને રહેવા માટે તમારી પાસે પૂરતી જગ્યા છે કે નહીં. તમે એની સારસંભાળ સરખી રીતે રાખી શકશો કે કેમ?
પરવાનગી મળ્યા બાદ જો તમે તમારાં પ્રાણીની બ્રીડિંગ કરાવી છે તો એનાથી જન્મતા દરેક પ્રાણીની જાણકારી પણ સાઇટિસને આપવી પડે છે.
બીજા દેશોમાં શું પૉલિસી છે?
પ્રાણી-પક્ષીના આંતરરાષ્ટ્રીય કારોબાર માટે બધા દેશો સાઇટિસ સંધિને માને છે. અન્ય દેશોમાં પ્રાણીઓ અને પક્ષીઓને રાખવા માટે શું નિયમ અને કાયદાઓ છે? આ અંગે લુઇએ જણાવ્યું કે પ્રાણીઓ અને પક્ષીઓ રાખવા માટે બધા દેશોને પોત-પોતાના નિયમો છે.
જેમકે તમે અમેરિકામાં પ્રાઇવેટ ઝૂ રાખી શકો છો. દુબઈમાં તમે વાઘ-ચિત્તો જેવાં પ્રાણીઓ પણ રાખી શકો છો.
મેક્સિકોમાં પ્રાઇવેટ પાર્ક, પ્રાઇવેટ ઝૂ કહી શકાય છે. સાઉથ આફ્રિકામાં પણ પ્રાઇવેટ ફૉરેસ્ટ બનાવી શકો છો.
પણ ભારતમાં પ્રાણીઓને રાખવા માટે વાઇલ્ડલાઇફ પ્રોટેકશન ઍક્ટનું જ પાલન કરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












