'મહાદેવી' હાથણીની વિદાયથી ગામ આખું હીબકે ચડ્યું, સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા, આખરે ગુજરાતના 'વનતારા'માં કેમ જવું પડ્યું?

હાથી, મહારાષ્ટ્ર, બીબીસી, ગુજરાત

ઇમેજ સ્રોત, SCREEN GRAB

    • લેેખક, મયૂરેશ કોણ્ણુર
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

મહારાષ્ટ્રના કોલ્હાપુરથી લગભગ 35 કિલોમીટર દૂર નંદની ગામમાં 28 જુલાઈના રોજ જે થયું એ કદાચ ભાગ્યે જ કોઈ ગામમાં થયું હશે. આખું ગામ રસ્તા પર ઊતરી આવ્યું હતું.

માત્ર ગામ નહીં પણ આસપાસનાં ગામના લોકો પણ આવ્યા હતા. બધા ભાવુક હતા, કેટલાકની આંખમાં આંસુ હતાં. આ એક વિદાય સમારોહ હતો અને એ એક હાથણીનો.

પ્રાણીઓ અને માણસો વચ્ચેના સંબંધની ઘણી કહાણીઓ આપણે પહેલાં પણ સાંભળી છે. પણ આવી કહાણી પહેલી વાર સાંભળવા મળી.

ગામના લોકોએ હાથણીને પોતાની પાસે રાખવાના તમામ પ્રયાસો કરી જોયા.

ક્યારેક રસ્તા પર ઊતરીને વિરોધપ્રદર્શન કર્યું, ક્યારેક સરકારી તંત્ર સામે ટક્કર લીધી, દેશના સુપ્રીમ કોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો, પણ 33 વર્ષનો આ સંબંધ આખરે તૂટી ગયો.

હાથણી માટે ગામના લોકો સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડ્યા

આ કહાણી શિરોલ તાલુકાના નંદની ગામ અને એમની પ્રિય 'મહાદેવી' હાથણીની છે. કેટલાક લોકો એને 'માધુરી' પણ કહે છે. હાથણી 1992માં ગામના જૈન સમુદાયના મઠમાં રહેતી હતી.

પણ હવે એક મોટા વિવાદ અને કાયદાકીય લડાઈ બાદ મહાદેવી હાથણીને 33 વર્ષ જૂનું ઘર છોડીને ગુજરાત તરફ જવું પડ્યું છે.

વન્યજીવ વિશેષાધિકાર સમિતિ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ 28 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે અંતિમ ફેંસલો આપ્યો હતો.

એ અનુસાર હાથણીને ગુજરાતના જામનગરમાં અંબાણીના રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારા સંરક્ષણ કેન્દ્રમાં જવાનું હતું.

વનવિભાગ અને વનતારાના કર્મચારી તુરંત જ હાથણીને કોલ્હાપુરના નંદનીથી જામનગર લઈ ગયા અને એને રાધેકૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટને સોંપી દીધી, જે વનતારાનો એક હિસ્સો છે.

મહાદેવીનું નંદની સાથે કનેક્શન

જૈન સમુદાય સ્વસ્તિશ્રી જિનસેન ભટ્ટારક પટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થાન મઠ સદીઓથી શિરોલ તાલુકાના નંદની ગામમાં આવેલો છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટકના સરહદી વિસ્તારોમાં આવેલાં 743 ગામોના ભક્તો આ મઠ સાથે જોડાયેલા છે. તેઓ આ મઠના મુખ્ય સ્વામીમાં શ્રદ્ધા ધરાવે છે.

આ મઠ પાસે હાથી 'મહાદેવી'નું વાલીપણું હતું અને તેમણે અંત સુધી અરજદાર તરીકે કેસ લડ્યો અને છેક સુપ્રીમ કોર્ટ સુધી.

મઠનો દાવો છે કે હાથણી વર્ષોથી અહીંની ઘણી ધાર્મિક પરંપરાઓનો સતત ભાગ રહી છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મઠે જણાવ્યું હતું કે, "લગભગ 1300 વર્ષ જૂના આ મઠમાં હાથીઓ રાખવાની પરંપરા છે. અહીં હંમેશાં એક હાથણી રહે છે અને તેની સારી રીતે જાળવણી કરવામાં આવે છે."

ગ્રામજનોની માનીતી 'મહાદેવી' હાથણી

આ પરંપરાને અનુસરીને 1992માં હાથણીને અહીં લાવવામાં આવી અને તેનું નામ 'મહાદેવી' રાખવામાં આવ્યું.

અહીંના તમામ ધાર્મિક વિધિઓ અને શોભાયાત્રાઓમાં 'મહાદેવી'ની પરેડ થતી હતી. તે અહીંના પંચક્રોશી માટે નંદાણી ગામની ઓળખ બની ગઈ હતી.

સદીઓથી મઠ દ્વારા જીવંત રાખવામાં આવેલી પરંપરાના વર્તમાન પ્રતિનિધિ તરીકે તે મહત્ત્વની હતી.

'મહાદેવી' સાથે જોડાયેલી આ લાગણીઓઓ તેની વિદાય સમયે જુવાળ બનીને ઊભરી આવી હતી,

અહીંથી તેના વિદાય સમારંભ માટે એક સરઘસ નીકળ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેને ગામમાં રાખવા માટે ચાલી રહેલા સંઘર્ષથી હાથણી સાથે જોડાયેલી લાગણીઓ વધુ ગાઢ બની હતી. સ્થાનિક પોલીસે આ વિદાય સમારંભ દરમિયાન હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

હાથી, મહારાષ્ટ્ર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, SCREEN GRAB

આ માત્ર વિદાય સમારોહ દરમિયાન નહીં પણ કેટલાક દિવસો પહેલા 16 જુલાઈના રોજ પણ ઘટના બની જ્યારે ઉચ્ચ ન્યાયાલયે મઠની સામે ચુકાદો આપ્યો. સમાચાર ફેલાયા કે હાથણીને હવે ગુજરાત લઈ જવાશે.

આ સમાચાર ફેલાતા જ આસપાસનાં ગામોમાંથી સેંકડો લોકો રસ્તા પર ઊતરી આવ્યા.

માહોલ એટલો ગરમાયો કે રાજકીય નેતાઓએ પણ આ મામલે સામેલ થવું પડ્યું. કેટલાક નેતાઓએ ચૂપ રહેવામાં જ પોતાની ભલાઈ સમજી.

પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ કહ્યુ, ''આ ઘણાં વર્ષોથી પરંપરા રહી છે. આ પહેલાં હાથણીને ક્યારેય નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. લોકોની ભાવના આની સાથે જોડાયેલી છે. કાયદાની ધમકી આપીને આ રીતે લઈ જવી યોગ્ય નથી.''

હાથણીને ગુજરાતમાં આવેલા 'વનતારા'માં કેમ લઈ જવાઈ?

વર્તમાન પરંપરા અનુસાર હાથણી મહાદેવીને ગુજરાત લાવવાનો સંઘર્ષ 2020માં શરૂ થયો હતો જ્યારે તે નંદની મઠમાં હતી.

જંગલી જાનવરોની સારસંભાળ અને અધિકારો માટે કામ કરનાર સંગઠન પીપલ્સ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ (PETA)ના કાર્યકર્તાઓએ દિલ્હીસ્થિત હાઈ ઑથૉરિટી કમિટી ફોર ધ કેર ઍન્ડ ટ્રાન્સફર ઑફ વાઇલ્ડ એનિમલ્સને ફરિયાદ કરી હતી કે મઠમાં હાથણીની યોગ્ય રીતે સંભાળ રાખવામાં આવી રહી નથી.

સુપ્રીમ કોર્ટમાં મઠ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યા મુજબ, "ડિસેમ્બર 2023માં આ હાઈ-પાવર્ડ કમિટીએ આ ફરિયાદની નોંધ લેતા મહારાષ્ટ્રના મુખ્ય વાઇલ્ડ લાઇફ વૉર્ડનને આ હાથીને 'રાધે કૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ'માં ટ્રાન્સફર કરવાનું સૂચન કર્યું, જે ગુજરાતમાં 'વનતારા'નો ભાગ છે."

એપ્રિલ 2024માં નંદની મઠે હાઈ પાવર કમિટીના આદેશ સામે બૉમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે તેમની અરજી સ્વીકારીને હાથીને ગુજરાત ટ્રાન્સફર કરવા પર રોક લગાવી દીધી હતી.

મઠનો શું દાવો છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ બાદ ઉચ્ચ ન્યાયાલયના નિર્દેશ અનુસાર નિષ્ણાતોની સમિતિ અને પશુચિકિત્સા અધિકારીઓ દ્વારા લાંબા સમય સુધી તપાસ અને નિરીક્ષણ ચાલુ રહ્યું.

મઠનો દાવો છે કે આ સમયગાળા દરમિયાન પશુચિકિત્સા અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા અહેવાલોમાં દર્શાવાયું હતું કે હાથણીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો હતો અને સમયાંતરે સમિતિ અને કોર્ટ સમક્ષ 'હેલ્થ સર્ટિફિકેટ' પણ રજૂ કરવામાં આવ્યા હતા.

જોકે, 16 જુલાઈના રોજ હાઇકોર્ટે નંદણી મઠ ટ્રસ્ટની અરજીનો નિકાલ કર્યો અને 3 જૂન, 2025ના રોજ હાઈ પાવર કમિટીએ હાથણીને ગુજરાત લઈ જવાના નિર્ણયને સમર્થન આપ્યું.

'સ્વસ્તીશ્રી જિનસેન ભટ્ટાર્ક પટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થાન મઠ'ના ટ્રસ્ટે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ ત્યાંથી અસફળતા હાથ લાગી.

28 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો. થોડા કલાકોમાં જ હાથણી 'મહાદેવી'ને ગુજરાતમાં આવેલા અંબાણીના 'વનતારા'માં લઈ જવામાં આવી.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હાથણી 'મહાદેવી' ગુજરાત તો ગઈ, પરંતુ તેને ગામમાં રાખવા માટે કાયદાકીય લડાઈ લડનારાઓ હજુ પણ કેટલાક પ્રશ્નો કરી રહ્યા છે.

કોર્ટમાં નંદણી મઠનું પ્રતિનિધિત્વ કરતા વકીલ આનંદ લાંડગે બીબીસી મરાઠી સાથે વાત કરતા કહે છે, "ભૂતપૂર્વ ન્યાયાધીશ દીપક વર્માના નેતૃત્વ હેઠળની આ હાઈ પાવર કમિટી બંધારણીય નથી. તે ફક્ત ભલામણ કરી શકે છે. વાઇલ્ડ લાઇફ કાયદા મુજબ, જવાબદારી વન્યજીવન વૉર્ડનની બને છે."

તેઓ આગળ કહે છે, "પરંતુ તેમણે ફક્ત 'PETA'ની ફરિયાદ પર સમિતિને હાથણીને ગુજરાત લઈ જવાનો આદેશ આપ્યો હતો. વનવિભાગે પણ આ નિર્ણયમાં મંજૂરી આપી હતી."

મહારાષ્ટ્રની 'વનસંપત્તિ'ને ગુજરાત કેમ મોકલાઈ?

હાથી, મહારાષ્ટ્ર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, SCREEN GRAB

'સ્વસ્તીશ્રી જિનસેન ભટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થાન મઠ' ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર શંભુશેતે કહે છે, "આ 1300 વર્ષ જૂનો મઠ છે. હાથીઓની સંભાળ રાખવાની પરંપરા 400 વર્ષથી ચાલી આવે છે.

''આ હાથણી 33 વર્ષથી અહીં છે. છેલ્લાં ઘણાં વર્ષોથી સારા પશુચિકિત્સા અધિકારીઓ અને નિષ્ણાતો હાથી પર ધ્યાન આપી રહ્યા છે. કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો."

''જ્યારે હાઈ પાવર કમિટીએ કહ્યું કે વિવિધ નિરીક્ષણો કરવામાં આવ્યાં છે, ત્યારે અમે તેમના સૂચન મુજબ કર્યું, તેમ છતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.''

''અમે કાયદાનું પાલન કરનારા લોકો છીએ. પરંતુ આ હાથણી એક જ ખાનગી ટ્રસ્ટને આપવામાં આવી? આ મહારાષ્ટ્રની વનસંપત્તિ હતી, મહારાષ્ટ્રે તેને બચાવવા માટે કેમ કંઈ ન કર્યું?"

PETAની મૂળ ફરિયાદને કારણે હાથણી 'મહાદેવી'ને નંદની મઠથી 'વનતારા'માં ટ્રાન્સફર કરવામાં આવી હતી, તેણે ટ્રાન્સફર પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાથણીને જે સ્થિતિમાં રાખવામાં આવી હતી તે ભયાનક હતી અને હવે તેને છોડી દેવામાં આવી છે.

PETAની પત્રિકા પ્રમાણે 'મહાદેવી'ને આ સંસ્થાના મઠમાં લગભગ 33 વર્ષ સુધી એક પ્રકારની જેલમાં રાખવામાં આવી હતી. તેને કૉંક્રિટના ફ્લૉર સાથે સાંકળોથી બાંધવામાં આવી હતી અને આના કારણે તેનું સ્વાસ્થ્ય બગડ્યું હતું,"

પેટાએ પત્રકારને એમ પણ કહ્યું છે કે જ્યારે તેઓ આ ટ્રાન્સફર માટે નંદની ગામ ગયા ત્યારે તેમની ટીમ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

"'મહાદેવી' 33 વર્ષ સુધી સાંકળોમાં બંધાયેલી રહી. આ કારણે તેને સંધિવા થયો અને દુખાવો વધ્યો. 'મહાદેવી'એ દાયકાઓ સુધી સહન કરેલા દુઃખની સરખામણીમાં તો આપણી તકલીફ કંઈ નથી."

"'મહાદેવી' હવે 'રાધેકૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટ'માં પહોંચી ગઈ છે જ્યાં તેને યોગ્ય સારવાર અને અન્ય હાથીઓનો સાથ મળશે," એમ પત્રિકામાં વધુમાં જણાવાયું છે.

હાથી, મહારાષ્ટ્ર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, SCREEN GRAB

કોર્ટમાં નંદણી મઠનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ આનંદ લાંડગે બીબીસી મરાઠી સાથે વાત કરતા પોતાના પક્ષનો મુદ્દો રજૂ કરે છે.

તેઓ કહે છે, "જ્યારે આ હાથણી 1992માં મઠમાં આવી ત્યારે કાયદા મુજબ તેની નોંધણી કરવામાં આવી હતી. તે મુજબ, ત્યાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં આ ફરિયાદ પર આટલી ઝડપથી નિર્ણય અને કાર્યવાહી કેવી રીતે થઈ શકે? આ શંકાસ્પદ છે અને અમે આ બધા મુદ્દાઓ સુપ્રીમ કોર્ટમાં પણ રજૂ કર્યા હતા."

"પ્રશ્ન એ છે કે આ હાથણીને ફક્ત 'વનતારા'ને જ કેમ આપવામાં આવી? બીજી કોઈ જગ્યા કેમ સૂચવવામાં ન આવી? શું તેઓએ તપાસ કરી કે જામનગરમાં આ હાથી માટે જરૂરી વાતાવરણ અને સુવિધાઓ છે કે નહીં?"

નંદની મઠમાંથી હાથીને રાધે કૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવાની જવાબદારી વનવિભાગની હતી.

"હું કોર્ટના નિર્ણય પર કોઈ ટિપ્પણી કરી શકતો નથી. હાઇકોર્ટના મૂળ આદેશમાં અમને આ હાથણીને 'રાધે કૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ'માં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો."

કોલ્હાપુર વિભાગના નાયબ વનસંરક્ષક ધૈર્યશીલ પાટીલે બીબીસી મરાઠી સાથે વાત કરતા જણાવ્યું, "આ માટે બે અઠવાડિયાંની સમયમર્યાદા હતી. તે મુજબ, જરૂરી પરવાનગીઓ મેળવવામાં આવી, પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી અને હાથણીને જામનગર લઈ જવામાં આવી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન