એક પત્ની અને તેના બે પતિ: લગ્નની આ પ્રથા શું છે?

ઇમેજ સ્રોત, ALOK CHAUHAN
- લેેખક, સૌરભ ચૌહાણ
- પદ, બીબીસી હિંદી માટે
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલાઈ ગામે તાજેતરમાં એક એવાં લગ્ન થયાં જે ચર્ચાસ્પદ બન્યા છે અને વિવાદ થયો છે.
કુંહાટ ગામનાં સુનીતા ચૌહાણે બે સગા ભાઈઓ - પ્રદીપ નેગી અને કપિલ નેગી સાથે એક સાથે લગ્ન કર્યાં છે.
આ લગ્ન અનુસૂચિત જનજાતિનો દરજ્જો ધરાવતા હાટી સમુદાયની બહુ જૂની બહુપતિ પ્રથા હેઠળ થયાં છે. સ્થાનિક ભાષામાં તેને 'જોડીદારા' અથવા 'જાજડા' તરીકે ઓળખવામાં આવે છે.
સિરમૌરના ટ્રાન્સ ગિરી વિસ્તારમાં આ લગ્નસમારોહમાં સેંકડો ગ્રામીણો અને સગાંસંબંધી હાજર હતા. પરંપરાગત ભોજન, લોકગીત અને નૃત્યના કારણે આ આયોજન યાદગાર બની ગયું હતું.
આ લગ્ન એક સાંસ્કૃતિક પરંપરાનું ઉદાહરણ હોવાની સાથે સાથે આજના યુગમાં આવા લગ્નના કારણે ઘણા સવાલ પણ પેદા થયા છે.
બીબીસીએ કન્યા અને વરપક્ષના સ્વજનો સાથે આ લગ્ન વિશે વાત કરવાની કોશિશ કરી, પરંતુ અનેક વખત વિનંતી કરવા છતાં તેમણે કોઈ ટિપ્પણી કરી નથી.
જોડીદારા પ્રથા કેટલી જૂની પરંપરા છે?

ઇમેજ સ્રોત, ALOK CHAUHAN
આ કિસ્સામાં કન્યાનો પરિવાર સિરમૌર જિલ્લાના કુંહાટ ગામનો છે જે બંને વરરાજાના ગામ શિલાઈથી લગભગ 15 કિમી દૂર આવેલું ગામ છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી આ જગ્યા 130 કિમી દૂર આવેલી છે.
બંને પરિવાર હાટી સમુદાયના છે. આ સમુદાય મૂળભૂત રીતે સિરમૌર જિલ્લાના ટ્રાન્સ ગિરી ક્ષેત્ર ઉપરાંત ઉત્તરાખંડના જૌનસાર-બાવર અને રવાઈ-જૌનપુર વિસ્તારમાં પણ વસે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સમુદાયમાં લાંબા સમયથી બહુપતિ પ્રથા પ્રચલિત છે. જાણકારોનું કહેવું છે કે પરિવારમાં અંદરોઅંદર એકતા જાળવવા અને પૈતૃક સંપત્તિના ભાગલા રોકવા માટે આ પ્રથા શરૂ કરવામાં આવી હતી.
આ પ્રથામાં એક મહિલા બે અથવા વધુ ભાઈઓ સાથે લગ્ન કરે છે અને ઘરની જવાબદારી પરસ્પર સહમતિથી નિભાવવામાં આવે છે. સિરમૌર ઉપરાંત શિમલા, કિન્નૌર અને લાહૌલ સ્પીતિના કેટલાક ભાગોમાં પણ આ પ્રથા પ્રચલિત છે.
સ્થાનિક રહેવાસી કપિલ ચૌહાણનું કહેવું છે કે "જોડીદાર પ્રથા અમારી ઓળખ છે. સંપત્તિના વિભાજનને રોકવા, દહેજપ્રથાથી બચવા, ભાઈઓ વચ્ચે સંપ જાળવવા અને બાળકોના પાલનપોષણમાં આ પ્રથા મદદ કરે છે."
તેમના કહેવા મુજબ શિલાઈ ક્ષેત્રના લગભગ દરેક ગામમાં ચારથી છ પરિવારો આ પ્રથાનું પાલન કરે છે.
કપિલ ચૌહાણને તાજેતરનાં લગ્ન વિશે થયેલી ચર્ચા વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે "મને ઘણા સમયથી આની માહિતી હતી. આ અચાનક નથી થયું. આ એક પ્રથાગત પરંપરા છે. અમારા માટે આ ગર્વની વાત છે. દુલ્હન, દુલ્હો અને તેના પરિવારજનોને વાંધો ન હોય ત્યાં સુધી બીજા કોઈને તેમાં લેવા-દેવા નથી."
તેમણે કહ્યું કે "આનો સ્વીકાર કરવો જોઈએ. લોકો લિવ-ઇન રિલેશનશિપ પણ સ્વીકારતા થયા છે."
લગ્નની કહાણીઃ સહમતિ અને સાંસ્કૃતિક ગર્વ

ઇમેજ સ્રોત, ALOK CHAUHAN
12 જુલાઈથી શરૂ થયેલા આ વિવાહ સમારોહમાં એક જાણવા જેવી વાત એ હતી કે કન્યા અને તેના બંને પતિ શિક્ષિત છે. દુલ્હન સુનીતા ચૌહાણે આઈટીઆઈમાંથી અભ્યાસ કર્યો છે.
પ્રદીપ નેગી રાજ્ય સરકારના જળશક્તિ વિભાગમાં કામ કરે છે અને કપિલ નેગી વિદેશમાં હૉસ્પિટાલિટી સેક્ટરમાં કામ કરે છે.
સુનીતા ચૌહાણે લગ્ન વિશે બીબીસી હિંદીને કહ્યું કે "આ મારો પોતાનો નિર્ણય હતો. હું આ પરંપરાને જાણતી હતી. મેં તેને અપનાવી છે."
પ્રદીપ નેગીનું કહેવું છે કે "અમારી સંસ્કૃતિમાં આ વિશ્વાસ, સારસંભાળ અને સામૂહિક જવાબદારીનો સંબંધ છે."
કપિલ નેગીએ જણાવ્યું કે, "વિદેશમાં રહેવા છતાં હું આ સંબંધ પ્રત્યે પ્રતિબદ્ધ છું અને મારી પત્નીને સ્થિરતા અને પ્રેમ આપવા માંગું છું."
આ લગ્ન પરંપરાગત રમલસાર પૂજા પદ્ધતિ હેઠળ થયાં હતાં. આ વિધિમાં ફેરાની જેમ જ હવનકુંડમાં અગ્નિ પેટાવવામાં આવે છે. હવનકુંડની આગની ચારેબાજુ ફેરા નથી લગાવાતા, પરંતુ તેની સામે ઊભા રહીને શપથ લેવામાં આવે છે.
જોડીદારા પ્રથામાં કન્યાનો પક્ષ જાન લઈને વરરાજાના ઘેર જાય છે. તેથી આ પ્રથા ભારતની અન્ય વિવાહ પરંપરાઓ કરતા અલગ માનવામાં આવે છે.
વઝીબ-ઉલ-અર્જ અને કાનૂની માન્યતા
હિમાચલ પ્રદેશમાં જોડીદાર પ્રથાનો ઉલ્લેખ કોલોનિયલ યુગના મહેસુલી દસ્તાવેજોમાં 'વઝીબ ઉલ અર્જ' તરીકે કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજ ગામની સામાજિક અને આર્થિક પ્રથાઓને નોંધે છે અને જોડીદારાને હાટી સમુદાયની પરંપરાના રૂપ તરીકે માન્યતા આપે છે.
આ પ્રથાનો હેતુ ખેતીલાયક જમીનના ભાગલા પડતા રોકવાનો અને પરિવારને એકજૂથ રાખવાનો જણાવાયો છે.
હિંદુ વિવાહ અધિનિયમ એક પત્ની સાથે લગ્નને જ માન્યતા આપે છે. આના કારણે આ પ્રકારના લગ્નની કાનૂની સ્થિતિ અંગે સવાલો થાય છે.
હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના વકીલ સુશીલ ગૌતમ કહે છે કે બંને લગ્ન એકસાથે કરવામાં આવ્યાં છે, તેથી હિંદુ મેરેજ ઍક્ટ, 1955ની કલમ 5 અને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 32 લાગુ નથી થતી.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂળિયા

ઇમેજ સ્રોત, ALOK CHAUHAN
જોડીદારા પ્રથાના મૂળ ટ્રાન્સ ગિરી ક્ષેત્રમાં બહુ ઊંડાં છે. તેને મહાભારતની દ્રોપદીની કહાણી સાથે સાંકળવામાં આવે છે અને તેથી ઘણા લોકો તેને 'દ્રૌપદી પ્રથા' તરીકે પણ ઓળખે છે.
હિમાચલ પ્રદેશના પ્રથમ મુખ્ય મંત્રી ડૉક્ટર વાઈ. એસ. પરમારે પોતાના પુસ્તક 'પૉલિયેન્ડ્રી ઇન ધ હિમાલયાઝ'માં આ પ્રથાના સામાજિક અને આર્થિક કારણો વિશે વિગતવાર વાત કરી છે.
તેમના કહેવા પ્રમાણે "પહાડી વિસ્તારોમાં આ પ્રથા કઠિન પરિસ્થિતિમાં સર્જાઈ હતી, જ્યાં મર્યાદિત ખેતીલાયક જમીનને એક સાથે રાખવી જરૂરી હતી."
હાટી સમુદાય સાથે સંકળાયેલા વિદ્વાન અને સામાજિક કાર્યકર અમીચંદ હાટી કહે છે કે, "આ પ્રથાને સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત છે અને તે સમુદાયની એકતા અને પરંપરાઓ દર્શાવે છે. તેને સામુદાયિક મૂલ્યોના સંરક્ષણ તરીકે જોવી જોઈએ."
કેન્દ્રીય હાટી સમિતિના મહાસચિવ કુંદન સિંહ શાસ્ત્રીનું કહેવું છે કે આ પ્રથા બહુ જૂની છે અને તેનો ઉદ્દેશ્ય પરિવારની એકતા જાળવી રાખવાનો છે.
સામાજિક ચર્ચા અને ટીકા શરૂ થઈ
આ લગ્ન પછી સામાજિક અને નૈતિક ચર્ચા પણ શરૂ થઈ છે. કેટલાક લોકો તેને સહમતિ અને વ્યક્તિગત પસંદગીનો મામલો ગણાવે છે, જ્યારે ઘણા સંગઠનો તેને મહિલાના અધિકારોની વિરુદ્ધ ગણાવે છે.
ઑલ ઇન્ડિયા ડેમોક્રેટિક વીમેન્સ એસોસિયેશનના મહાસચિવ મરિયમ ધાવલેએ કહ્યું કે "આ પ્રથા મહિલાઓના શોષણને પ્રોત્સાહન આપે છે અને તેમના મૌલિક અધિકારોનો ભંગ કરે છે."
હિમાચલ પ્રદેશમાં સીપીઆઈએમના પૂર્વ રાજ્ય સચિવ ડૉ. ઓંકાર શદે પણ આ પ્રથાને બંધારણ અને કાયદાની વિરુદ્ધ ગણાવી હતી.
હિમાચલ પ્રદેશ સરકારના ઉદ્યોગમંત્રી અને શિલાઈના ધારાસભ્ય હર્ષવર્ધન ચૌહાણે કહ્યું કે "આ શિલાઈની જૂની પરંપરા છે. પ્રદીપ અને કપિલે આ પ્રથાને જીવંત રાખીને પોતાના સાંસ્કૃતિક વારસાને સન્માન આપ્યું છે."
હાટી સમુદાયની અન્ય લગ્નપ્રથાઓ

ઇમેજ સ્રોત, ALOK CHAUHAN
જોડીદારા ઉપરાંત હાટી સમુદાયમાં લગ્નની ચાર અન્ય પરંપરાઓ પણ પ્રચલિત છે.
બાળ વિવાહમાં ગર્ભાવસ્થામાં જ બાળકોના લગ્ન નક્કી કરવામાં આવે છે. જોકે, મોટા થયા પછી તેમની સહમતિ પછી જ લગ્ન કરવામાં આવે છે.
જાજડા વિવાહમાં વર પક્ષ લગ્નનો પ્રસ્તાવ આપે છે અને સહમતિ મળે ત્યારે વિધિ પૂરી કરવામાં આવે છે. આ પ્રથામાં પણ હવનકુંડ લગાવીને લગ્ન કરવામાં આવે છે.
જ્યારે કોઈ પરિણીત મહિલા પોતાના સાસરિયાથી તમામ સંબંધો ખતમ કરીને બીજા લગ્ન કરે ત્યારે ખિતાઈયો વિવાહ થાય છે.
જ્યારે કોઈ મહિલા પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે, ત્યારે તેને હાર વિવાહ કહેવામાં આવે છે.
સમયની સાથે બદલાતી પરંપરા
જાણકારોનું કહેવું છે કે જોડીદારા પ્રથાથી લગ્નો હવે બહુ ઓછા જોવા મળે છે.
સામાજિક કાર્યકર્તા રમેશ સિંગટાએ કહ્યું કે "આ પ્રથા હવે માત્ર અમુક ગામોમાં જ જોવા મળે છે અને મોટા ભાગના લગ્નો ધામધૂમ વગર થાય છે."
જોકે, તાજેતરમાં થયેલા આ લગ્ને સોશિયલ મીડિયા અને હાટી સમુદાયને મળેલા અનુસૂચિત જનજાતિના દરજ્જાના કારણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
હાટી સમુદાયની કુલ વસ્તી વિશે કોઈ સત્તાવાર આંકડો નથી. પરંતુ આ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માંગણી કરવામાં આવી, ત્યારે તેમની અંદાજિત વસ્તી 2.5 લાખથી ત્રણ લાખ વચ્ચે દર્શાવાઈ હતી. તેમાં સિરમૌરના ટ્રાન્સગિરી ક્ષેત્રના લગભગ દોઢથી બે લાખ લોકો સામેલ છે.
હાટી સમુદાયનો પરિચય
સિરમૌર જિલ્લામાં 150થી વધુ ગ્રામ પંચાયતો ગિરિપાર ક્ષેત્રમાં આવે છે. સમુદાયના કેટલાક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં કોઈ કાયમી બજાર ન હતું. વેપાર માટે લોકો આસપાસના વિસ્તારોમાંથી આવીને અહીં કામચલાઉ હાટ લગાવતા હતા. તેથી સમયની સાથે આ સમુદાય હાટી તરીકે ઓળખાવા લાગ્યો.
સામાજિક કાર્યકર્તા રમેશ સિંગટા મુજબ સ્થાનિક હાટ બજારોમાં ઘરેલુ ઉત્પાદનો વેચવાની જૂની પરંપરા સાથે પણ હાટી નામ સંકળાયેલ છે. ઉત્તરાખંડમાં હાટી સમુદાય જૌનસારી સમુદાયનો હિસ્સો ગણવામાં આવે છે અને તેમની પરંપરાઓમાં ઘણી સમાનતા છે.
કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશના હાટી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપ્યો હતો. જોકે, જાન્યુઆરી 2024માં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે ગિરીપાર અનુસૂચિત જાતિ સુરક્ષા સમિતિની અરજીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય સામે સ્ટે આપ્યો હતો.
સમિતિનું કહેવું છે કે હાટી સમુદાયને એસટીનો દરજ્જો આપવાથી હાલની અનામત વ્યવસ્થાને અસર થઈ શકે છે અને અનુસૂચિત જાતિઓના અધિકારો પર અસર પડી શકે છે.
આ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો પ્રાપ્ત છે, પરંતુ તેને તેની સુવિધાઓ નથી મળી રહી.
ઉત્તરાખંડ (તે સમયના ઉત્તર પ્રદેશન)ના હાટી સમુદાયને વર્ષ 1967માં અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળી ચૂક્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












