કારગિલ યુદ્ધમાં મૃત્યુ પામેલા કૅપ્ટન સૌરભ કાલિયાના પિતા 26 વર્ષ પછી પણ ન્યાય માટે કેમ સંઘર્ષ કરી રહ્યા છે?

પાસિંગ આઉટ પરેડ દરમ્યાન કૅપ્ટન સૌરભ કાલિયા પોતાનાં માતાપિતા સાથે

ઇમેજ સ્રોત, NK Kalia/ Penguin India

ઇમેજ કૅપ્શન, પાસિંગ આઉટ પરેડ દરમ્યાન કૅપ્ટન સૌરભ કાલિયા પોતાનાં માતાપિતા સાથે
    • લેેખક, પ્રદીપ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

કારગિલ યુદ્ધનાં 26 વર્ષ વીતી ગયાં પછી પણ કૅપ્ટન સૌરભ કાલિયાના 78 વર્ષીય પિતા એન. કે. કાલિયા તેમના દીકરા સાથે જોડાયેલા એક મુદ્દાને વાસ્તવ બનાવવાની લડાઈ લડી રહ્યા છે.

આ એક એવી લડાઈ છે, જેમાં તેમને ગત 26 વર્ષો દરમિયાન ખાસ કોઈ આશા તો બંંધાઈ નથી, પરંતુ તેમનું કહેવું છે કે તેઓ જીવંત રહેશે ત્યાં સુધી આશા અખંડ રહેશે.

કોણ છે કૅપ્ટન સૌરભ કાલિયા? કારગિલ યુદ્ધ સાથે તેમને શું સંબંધ છે અને તેમનો પરિવાર આટલા લાંબા સમય પછી પણ ક્યા પ્રકારની લડાઈ લડી રહ્યો છે?

તમને આ સવાલોના જવાબ જાણવાની જિજ્ઞાસા હોય તો આ આખો અહેવાલ તમારે વાંચવો જોઈએ.

વાસ્તવમાં કૅપ્ટન સૌરભ કાલિયાને કારગિલ યુદ્ધના સૌપ્રથમ 'યુદ્ધ નાયક' માની શકાય. તેઓ યુદ્ધમાં માર્યા ગયેલા ભારતીય સૈન્યના પહેલા અધિકારી હતા.

કૅપ્ટન સૌરભ કાલિયા અને તેમની પેટ્રોલિંગ ટુકડીના પાંચ સૈનિકોને પાકિસ્તાની સૈનિકોએ 1999ની 15 મેએ પકડી લીધા હતા.

ભારતીય સૈન્યના જણાવ્યા મુજબ, સૌરભ અને તેમના સાથીઓને અનેક દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેમની તથા તેમના સાથીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. 22 દિવસ પછી તેમનો ક્ષત-વિક્ષત મૃતદેહ ભારતીય સૈન્યને સોંપવામાં આવ્યો હતો.

એ યુદ્ધકેદીઓ સંબંધી જીનિવા કરારનું ઉલ્લંઘન હતું અને આ એ બાબત છે, જેના વિશે એન. કે. કાલિયા આજે પણ તેમના દીકરા માટે લડી રહ્યા છે.

2012માં ભારતની મુલાકાતે આવેલા પાકિસ્તાનના તત્કાલીન ગૃહ પ્રધાન રહમાન મલિકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કારગિલ યુદ્ધમાં માર્યા ગયેલા ભારતીય કૅપ્ટન સૌરભ કાલિયા પાકિસ્તાની ગોળીબારમાં મર્યા હતા કે પછી ખરાબ મોસમને કારણે મૃત્યુ પામ્યા હતા તે કહી શકાય નહીં.

કારગિલ યુદ્ધના સૌપ્રથમ 'યુદ્ધ નાયક'

કૅપ્ટન સૌરભ કાલિયા, બીબીસી ગુજરાતી, કારગિલ

ઇમેજ સ્રોત, NK Kalia/ Penguin India

ઇમેજ કૅપ્શન, કૅપ્ટન સૌરભ કાલિયા (જમણે)પોતાના સહયોગી સાથે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પરિસ્થિતિને કારણે જ કૅપ્ટન સૌરભ કાલિયા વિશે એટલી ચર્ચા ન થઈ જેટલી કારગિલ યુદ્ધમાં માર્યા ગયેલા અન્ય સૈન્ય અધિકારીઓ વિશે થઈ છે.

કૅપ્ટન સૌરભ કાલિયાના મૃત્યુના 26 વર્ષ પછી તેમની જીવનકથા પ્રકાશિત કરવામાં આવી છે.

પેંગ્વિન ઇન્ડિયા દ્વારા પ્રકાશિત 'ઘ લેગસી ઑફ કૅપ્ટન સૌરભ કાલિયા' નામનું આ પુસ્તક શ્રીમતિ સેન અને એન. કે. કાલિયાએ સાથે મળીને લખ્યું છે.

આ બાયોગ્રાફીમાં કારગિલ યુદ્ધમાં કૅપ્ટન સૌરભ કાલિયાની ભૂમિકા અને તેમની સાથે આચરવામાં આવેલી બર્બરતા વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે.

26 વર્ષ બાદ આ પુસ્તક લખવાના કારણની વાત કરતાં શ્રીમતિ સેને કહ્યું હતું, "મે-જૂન 1999માં આ મામલો બહાર આવ્યો ત્યારે હું ગ્રેજ્યુએશન કરી રહી હતી અને કૅપ્ટન કાલિયા સાથે આચરવામાં આવેલી બર્બરતા વિશે મેં અખબારોમાં વાંચ્યું હતું. મને ત્યારથી આમાં રસ પડ્યો હતો. કૅપ્ટન સૌરભ કાલિયા સાથે જે થયું એ પછી તેમનો પરિવાર કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો હશે, એવું હું કાયમ વિચારતી હતી પરંતુ એ સમયે આ દિશામાં ગંભીરતાથી કામ શરૂ કરી શકી ન હતી."

શ્રીમતિ સેને અભ્યાસ પૂર્ણ કર્યો અને કારકિર્દીની શરૂઆત થઈ. હાલ તેઓ નેપાળની રાજધાની કાઠમાંડૂમાં રહે છે. તેમણે કહ્યું હતું, "લગ્ન પછી પુત્ર જન્મ્યો અને સંયોગ એવો હતો કે જે દિવસે મારા દીકરાનો જન્મ થયો હતો એ જ દિવસે કૅપ્ટન સૌરભ કાલિયાનો પણ જન્મદિવસ હતો. મને થયું કે આ વિષય પર કામ કરવું જોઈએ. કૅપ્ટન કાલિયા વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ હતી. તેથી મેં આ વિષય પર કામ શરૂ કર્યું હતું."

હિમાચલ પ્રદેશના પાલમપુર જિલ્લામાં રહેતા કૅપ્ટન કાલિયાના પરિવારજનો અને દોસ્તો સાથે લગભગ એક વર્ષ સુધી અનેક મુલાકાતો બાદ આ પુસ્તક તૈયાર થયું હતું. આ પુસ્તકમાં કૅપ્ટન સૌરભ કાલિયાના બાળપણથી માંડીને કારગિલ યુદ્ધ દરમિયાન થયેલા તેમના મૃત્યુ સુધીની સિલસિલાબંધ વિગત એકત્ર કરવામાં આવી છે.

સૈન્યમાં જોડાવાનું સપનું

સૌરભ કાલિયાનું મૃત્યુ 22 વર્ષની ઉંમરે થયું હતું

ઇમેજ સ્રોત, NK Kalia/ Penguin India

ઇમેજ કૅપ્શન, સૌરભ કાલિયાનું મૃત્યુ 22 વર્ષની ઉંમરે થયું હતું

કૅપ્ટન સૌરભ કાલિયા મૃત્યુ પામ્યા અને તેમનો ચૂંથાયેલો મૃતદેહ ભારતને સોંપવામાં આવ્યો ત્યારે તેમની વય માત્ર 22 વર્ષ હતી.

ભારતીય સૈન્યમાં યુવા લેફ્ટનન્ટ તરીકે સૌરભ સામેલ થયા તેને લાંબો સમય થયો ન હતો.

પુત્રની સૈન્યમાં જોડાવાની ઇચ્છા બાબતે એન. કે. કાલિયા કહે છે, "મારા પરિવારમાંથી તો કોઈ સૈન્યમાં ન હતું. સગા-સંબંધી પણ નહીં, પરંતુ નસીબે મારા દીકરાને દેશની સેવા માટે પસંદ કર્યો હતો."

સૌરભ કાલિયાનાં માતા વિજય કાલિયાને ટાંકીને શ્રીમતિ સેને લખ્યું છે, "11મા ધોરણમાં સૌરભનું એડમિશન ડીએવી પાલમપુરમાં થયું હતું અને એ જ વખતે તેને અસ્તિત્વ સાથે દોસ્તી થઈ હતી. તેના સૈન્યમાં જવાના આ બે મુખ્ય કારણ હતાં."

કૅપ્ટન વિક્રમ બત્રાથી મળી હતી પ્રેરણા

સૌરભ કાલિયા પોતાનાં માતા સાથે

ઇમેજ સ્રોત, NK Kalia/ Penguin India

ઇમેજ કૅપ્શન, સૌરભ કાલિયા પોતાનાં માતા સાથે

એન. કે. કાલિયા એ વખતે હિમાલયન બાયોરિસોર્સ ટેકનૉલૉજી, પાલમપુરમાં વરિષ્ઠ વિજ્ઞાની હતા, જ્યારે માતા વિજય કાલિયા એગ્રીકલ્ચર યુનિવર્સિટી, પાલમપુરમાં વહીવટી વિભાગમાં કામ કરતાં હતાં.

પિતાએ થોડી પૂછપરછ કરવા માટે સૌરભ અને અસ્તિત્વને સાથે બેસાડીને સવાલ કર્યો હતો કે સૈન્યમાં જવાનો વિચાર કેવી રીતે આવ્યો?

એન. કે. કાલિયા સ્મૃતિ સંભારતાં કહે છે, "અસ્તિત્વએ કહ્યું હતું કે ડીએવી પાલમપુરના ઘણા વિદ્યાર્થીઓ સૈન્યમાં અધિકારી બન્યા છે. સૌરભ અને અસ્તિત્વ, તેમનાથી બે વર્ષ સીનિયર વિક્રમ બત્રા કમિશન્ડ અધિકારી બન્યા તેથી પણ પ્રેરિત થયા હતા. સૌરભને પૂછ્યું તો તેણે કહ્યું હતું કે તેને પહેલાં લોકોની સેવા માટે ડૉક્ટર બનવું હતું, પરંતુ હવે ઈમાનદારી અને નિષ્ઠા માટે સૈન્યમાં જોડાવું છે."

કૅપ્ટન વિક્રમ બત્રા પણ કારગિલ યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

'મમ્મી, એવું કામ કરીશ કે આખી દુનિયામાં પ્રતિષ્ઠા પામીશ'

કૅપ્ટન સૌરભ કાલિયા બાળપણમાં , કારગીલ, ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, NK Kalia/ Penguin India

જોકે, નસીબે સૌરભ અને અસ્તિત્વ માટે અલગ-અલગ માર્ગ પસંદ કર્યા હતા.

સૌરભ કમિશન્ડ અધિકારી બન્યા, પરંતુ અસ્તિત્વની પસંદગી થઈ નહીં અને બાદમાં તેઓ બૅન્કમાં જોડાયા.

સૌરભ કાલિયા કમિશન્ડ અધિકારી બન્યા ત્યાં સુધીની યાત્રામાં તેમનાં માતા-પિતા તથા દોસ્તો ઉપરાંત તેમના નાના ભાઈ વૈભવ કાલિયાનું યોગદાન મહત્ત્વનું હતું.

તેમનો આખો પરિવાર પોતાના પુત્ર માટે ગર્વ અનુભવતો રહ્યો છે.

માતા વિજય કાલિયા વધતી વયને કારણે સ્વાસ્થ્ય સંબંધી પડકારોનો સામનો કરી રહ્યાં છે, પરંતુ તેઓ બે વાત બધાને ગર્વપૂર્વક જણાવે છે.

પહેલી વાત. કારગિલ યુદ્ધ પહેલાં ડિસેમ્બર, 1998માં સૌરભ પાલમપુરમાંના તેમના ઘરે આવ્યા પછી પાછા જતા હતા ત્યારે સ્ટેશન પર ટ્રેનમાં બેસતા પહેલાં માતાને કહ્યું હતું, "મમ્મી, એક દિવસ એવું કામ કરીશ કે આખી દુનિયામાં પ્રતિષ્ઠા પામીશ."

બીજી વાત. પાલમપુરની એ મુલાકાત દરમિયાન સૌરભ માતાને એક ચેકબૂક સાઇન કરીને આપી ગયા હતા, જેથી જરૂર પડ્યે બૅન્કમાંથી પૈસા ઉપાડી શકાય.

કારગિલમાં શું થયું હતું?

કૅપ્ટન સૌરભ કાલિયા માતાના ખોડામાં

ઇમેજ સ્રોત, NK Kalia/ Penguin India

ઇમેજ કૅપ્શન, કૅપ્ટન સૌરભ કાલિયા માતાના ખોડામાં

સૌરભ 29 જૂને તેમના બર્થ-ડે પર પરિવાર પાસે પહોંચે એ પહેલાં જ મે મહિનાની શરૂઆતમાં કારગિલમાં પાકિસ્તાની લશ્કરની ઘૂસણખોરી શરૂ થઈ ગઈ હતી. એ દરમિયાન લેફ્ટનન્ટ કાલિયા અને તેમના પાંચ સૈનિકોને બજરંગ પોસ્ટની રેકીની જવાબદારી સોંપવામાં આવી હતી.

સૌરભ કાલિયા 1999ની 15 મેએ તેમના પાંચ સાથીઓ સિપાઈ ભૂલારામ બિદિયાસર, સિપાઈ ભિખારામ મૂંઢ, સિપાઈ અર્જૂનરામ બસાવનબિહા, સિપાઈ ભંવરલાલ બગારિયા અને સિપાઈ નરેશસિંહ સિનસિનવાર સાથે રવાના થયા હતા.

સવારે ચાર વાગ્યે નીકળેલા આ લોકોનો ઇરાદો આઠ કલાક ચઢાણ કરીને બજરંગ પોસ્ટ સુધી પહોંચવાનો હતો.

જોકે, મુશ્કેલ ચઢાણને કારણે લક્ષ્ય સુધી પહોંચવામાં વિલંબ થયો હતો અને આ લોકો બજરંગ પોસ્ટ સુધી પહોંચ્યા ત્યારે ઊંચાઈ પર હોવાનો લાભ લઈને પાકિસ્તાની સૈનિકોએ કથિત રીતે આ લોકોને બંદી બનાવી લીધા હતા.

એ પછીના 22 દિવસ સુધી આ લોકો વિશે કોઈ ખબર પડી ન હતી. પરિવારજનોને પણ સૌરભ ગુમ થયાના સમાચાર અખબારી અહેવાલો મારફત મળ્યા હતા.

પરેશાન પરિવારે 31 મેના અખબારી અહેવાલના અનુસંધાને પાલમપુરના હોલ્ટા કેમ્પમાં જઈને માહિતી મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમને કોઈને કશી ખબર ન હતી.

પરિવારજનોએ તત્કાલીન સ્થાનિક સાંસદ શાંતા કુમારનો સંપર્ક કર્યો હતો અને એમણે તત્કાલીન સંરક્ષણ પ્રધાન જ્યૉર્જ ફર્નાન્ડિઝ સાથે વાત પણ કરી હતી.

ઉચ્ચ સ્તરીય હસ્તક્ષેપ પછી પણ એટલી જ ખબર પડી હતી કે લેફ્ટનન્ટ કાલિયા ગુમ થયા છે.

પરિવારે અનિશ્ચિતતા વચ્ચે આશાનો તાંતણો પકડી રાખ્યો હતો, પરંતુ લેફ્ટનન્ટ કાલિયા અને પાંચ સૈનિક માર્યા ગયાના સમાચાર દૂરદર્શને આઠમી જૂને પ્રસારિત કર્યા પછી તેઓ ભાંગી પડ્યા હતા.

પાકિસ્તાની લશ્કરે જાહેરાત કરી હતી કે એ લોકોના મૃતદેહ નવમી જૂને ભારતીય સૈન્યને સોંપવામાં આવશે.

કૅપ્ટન કાલિયાનો મૃતદેહ પહેલાં શ્રીનગર, પછી દિલ્હી અને એ પછી પાલમપુર પહોંચ્યો હતો.

મૃતદેહ એટલી ખરાબ રીતે ક્ષત-વિક્ષત હતો કે સૌરભના ભાઈ વૈભવે નક્કી કર્યું હતું કે માતા-પિતા સૌરભના મૃતદેહને જોવા જશે નહીં. સૌરભ કાલિયાના અંતિમ સંસ્કારમાં આખું પાલમપુર ઊમટી પડ્યું હતું.

અલબત, સૌરભ કાલિયા કેવી રીતે અને કેવી પરિસ્થિતિમાં મૃત્યુ પામ્યા હતા એ સવાલનો જવાબ મળતો ન હતો.

એ પરિસ્થિતિમાં એન. કે. કાલિયાએ પુત્રના પોસ્ટમોર્ટમ રિપોર્ટની માંગ ભારતીય સૈન્ય સમક્ષ કરી હતી. એ રિપોર્ટ જોયા પછી જ તેમને તેમના દીકરા સાથે આચરવામાં આવેલી બર્બરતા અને તેને આપવામાં આવેલી યાતના વિશે જાણકારી મળી હતી.

તેમણે આ કૃત્યને યુદ્ધકેદીઓ સંબંધી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય જીનિવા કરારનું ઉલ્લંઘન ગણાવતાં પાકિસ્તાન વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં જવાની માંગ કરી હતી.

જોકે, ભારત સરકારની નીતિ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મામલમાં તે કોઈની મધ્યસ્થતા સ્વીકારતો નથી. આ જ કારણસર ભારત સરકાર તરફથી આ મામલો ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં લઈ જઈ શકાયો નથી.

પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની માંગ

કૅપ્ટન સૌરભ કાલિયા, કારગીલ

ઇમેજ સ્રોત, SREEMATI SEN

કૅપ્ટન સૌરભ કાલિયાના પિતા તેમના દીકરાના મોતને યુદ્ધ અપરાધ શ્રેણીનો ગણાવીને પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વર્ષોથી સુપ્રીમ કોર્ટ પાસેથી ન્યાય મળવાની આશા રાખીને બેઠા છે.

અલબત, આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજુ સુધી શરૂ થઈ નથી.

એન. કે. કાલિયા કહે છે, "હું માત્ર મારા પુત્ર માટે આ કેસ લડતો નથી. હું ઇચ્છું છું કે યુદ્ધકેદી થયા પછી પોતાના દીકરા સાથે પણ આવું જ થશે, એવું ધારીને બીજા કોઈ માતા-પિતા ડરે નહીં અને તેમના દીકરાને સૈન્યમાં ન મોકલે."

કાલિયા પરિવારે પોતાના પુત્રની સ્મૃતિ જાળવી રાખવા માટે પાલમપુરમાં એક સંગ્રહાલય બનાવ્યું છે. દેશના ખૂણેખૂણેથી અનેક લોકો આ સંગ્રહાલયમાં આવે છે. આ સંગ્રહાલયમાં કૅપ્ટન કાલિયા પાસે છેલ્લી ક્ષણ સુધી રહેલી ડાયરી, પર્સ અને બીજી તમામ ચીજો જાળવી રાખવામાં આવી છે.

જોકે, સૌરભ કાલિયા કારગિલમાં તેમના છેલ્લા મિશન માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને ખબર ન હતી કે તેમને લેફટનન્ટમાંથી કૅપ્ટન તરીકે બઢતી આપતો આદેશ જારી કરવામાં આવ્યો છે.

એ પત્ર તેમને ક્યારેય મળ્યો નહીં અને મૃત્યુ પછી જ દુનિયા તેમને કૅપ્ટન સૌરભ કાલિયા તરીકે જાણી શકી.

કૅપ્ટન સૌરભ કાલિયાના મૃત્યુ પછી ભારત સરકારે તેમના પરિવારને એલપીજી ગેસની ડિસ્ટ્રીબ્યુટરશિપ આપી છે અને હિમાચલ પ્રદેશ સરકારે 35 એકર જમીનમાં સૌરભ વન વિહાર બનાવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન