ગુજરાત : બનાસકાંઠાના આ ગામમાં એવું શું બન્યું કે 300 લોકો 11-11 વર્ષ સુધી ઘરે ન આવ્યા?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મેં ક્યારેય કલ્પનાય નહોતી કરી કે મને મારા સાસરે પાછા જવા મળશે, કારણ કે વર્ષો પહેલાં થયેલા ચડોતરામાં અમારા આખાય ગામનાં મકાનો તોડી નખાયાં હતાં, ગામમાં કોઈ પાછું જઈ શકતું નહોતું. મારાં ઘર, જમીન ઉજ્જડ થઈ ગયાં હતાં. આજે આખુંય ગામ પાછું આવ્યું છે."
આ શબ્દો છે અલકા કોદરવીના, જેઓ પોતાના સાસરે, મોટા પીપોદરા પરત ફરીને ખૂબ ખુશ છે.
ગત 18 જુલાઈના રોજ બનાસકાંઠાના દાંતા ખાતેના મોટા પીપોદરા ગામથી હિજરત કરી ગયેલા 29 કુટુંબના આશરે 300 લોકોનું અંદાજે 11 વર્ષ બાદ સરકાર અને પોલીસતંત્રના પ્રયાસો થકી તેમના ગામમાં પુનર્વસન કરાતાં સમગ્ર મામલો સમાચારોમાં ચમક્યો હતો.
આ પરિવારોનો આદિવાસીઓની એક 'ચડોતરું' નામની પરંપરાને કારણે પોતાનાં ઘર-જમીન અને ગામ છોડીને ભટકવાનો વારો આવ્યો હતો.
અલકા કોદરવીની જેમ 11 વર્ષથી ઘરબાર છોડી પહેરેલા કપડે ઠેરઠેર ભટકતા મોટા પીપોદરા ગામના 'ચડોતરું'ને કારણે ફરી ક્યારેય પોતાના ગામ પરત નહીં ફરી શકાય એવું માનતા આ લોકો હવે પોતાના ગામ પાછા ફર્યા છે.
આખાય ગામની હિજરતનું નિમિત્ત બનેલી ઘટના અંગે વિગતવાર જાણીએ પહેલાં જાણી લઈએ આદિવાસીઓની આ 'ચડોતરું' પરંપરા વિશે.
આદિવાસી સમાજની ચડોતરું પ્રથા અને તેનો ઇતિહાસ શું છે?
ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના આદિવાસી વિસ્તારોમાં સદીઓથી ન્યાય મેળવવા માટે 'ચડોતરું'ની પ્રથા ચાલતી આવે છે .
જાણીતા ગાંધીવાદી અને આ વિસ્તારોમાં આદિવાસી ઉત્થાન માટે કામ કરતા નિવૃત્ત શિક્ષક મનહર જામિલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ પ્રથા અને તેના મૂળ અંગ જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, "સદીઓથી ચાલી આવતી ચડોતરું પ્રથાની શરૂઆત શુભ આશયથી થઈ હતી. આદિવાસીઓ આસપાસના ગામમાં પરણાવેલી દીકરીનું દહેજ અથવા ઘરેલુ હિંસાને કારણે મૃત્યુ થયું હોય તો ન્યાય માટે છોકરીનાં સગાં પોતાનું આખુંય ગામ લઈને ચડોતરું કરતા. દીકરીને ન્યાય ના મળે તો એનો મૃતદેહ સાસરિયાંની ઘરની બહાર મુકાય. ત્યાર બાદ બંને ગામના પંચ ભેગા મળીને જે દંડ નક્કી કરે એ ભરવામાં આવે પછી જ એની અંતિમ ક્રિયા થાય."
જોકે, જામિલ જણાવે છે કે બાદનાં વર્ષોમાં આ પ્રથામાં થોડા નવા નિયમ આવ્યા.

ઇમેજ સ્રોત, SP Banaskantha/X
"હવે કોઈ દબંગ આદિવાસી નબળા આદિવાસીની જમીન પચાવી પાડે, અથવા કોઈ હિંસક હુમલો કરે તો ન્યાય માટે ચડોતરું થાય. જેમાં ચડોતરું કરનાર પક્ષ સામા પક્ષનાં મકાન તોડી નાખે છે અને પરિણામે સામા પક્ષનું આખુંય ગામ હિજરત કરે છે."
મનહર જામિલ કહે છે કે મૂળ ન્યાય માટે એક ગામના લોકો બીજા ગામના લોકો પર યુદ્ધની જેમ ચઢાઈ કરે. આ શબ્દનો અપભ્રંશ થઈને 'ચડોતરું' શબ્દ બન્યો છે અને સદીઓથી આદિવાસીઓના ન્યાય માટેની લડાઈને 'ચડોતરું' કહેવાય છે.
મોટા પીપોદરા ગામમાં 11 વર્ષ પહેલાં શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
મોટા પીપોદરાના કોદરવી કુટુંબોએ જે ઘટના બાદ હિજરત કરવી પડી હતી એ અંગે પણ બીબીસી ગુજરાતીએ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
દાંતાના વરિષ્ઠ પત્રકાર તેજસિંહ રાઠોડે મોટા પીપોદરા ગામમાં થયેલા ચડોતરાના બનાવ વિશે વાત કરતાં કહ્યું કે, "6 એપ્રિલ, 2014ના રોજ મોટા પીપોદરા ગામના રાજુ કોદરવીને નજીકના ગામ ચોકીબારના નારણ ડાભી સાથે જમીન મામલે ઝઘડો થયો હતો. એમાં નારણ ડાભીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના બીજા દિવસે ચોકીબારના લોકો 'ચડોતરું' લઈને નારણ ડાભીના મૃતદેહ સાથે મોટા પીપોદરા ખાતે આવ્યા, પણ કોદરવી સમાજે આ હત્યામાં કોઈ હાથ ન હોવાનું કહેતા મામલો બગડ્યો હતો."
"આ બાદ ચોકીબારાના લોકોએ મોટા પીપોદરા ગામ પર હુમલો કર્યો અને મકાનો તોડી નાખ્યાં અને આખુંય ગામ ખેતીની જમીન અને ઘરબાર મૂકી પહેરેલ કપડે નાસી ગયું હતું."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક તરફ મોટા પીપોદરા ગામના લોકો ખેતી, ઘરબાર છોડીને નાસી ગયા અને બીજી તરફ મર્ડરની ઘટનાની સ્થાનિક હદાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
7 એપ્રિલ, 2014ના રોજ નોંધાયેલી ફરિયાદમાં નારણ ડાભીના ભાઈ ઉદાભાઈ ડાભીએ આરોપ મૂક્યો હતો કે જમીનના ઝઘડામાં એમના નાના ભાઈ નારણની મોટા પીપોદરામાં રહેતા રાજુ કોદરવીએ હત્યા કરી. તત્કાલીન પીએસઆઈ એસકે પરમારે રાજુ કોદરવીની આ મામલામાં ધરપકડ કરી હતી.
આ ધરપકડ બાદ પાલનપુર સેશન્સ કોર્ટમાં ત્રણ વર્ષ કેસ ચાલ્યો અને તમામ પુરાવાના અને સાક્ષીઓને ચકાસ્યા બાદ ઍડિશનલ સેસન્સ જજ જેડી સુથારે રાજુ કોદરવીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
તેજસિંહ રાઠોડ કહે છે કે, "આદિવાસીઓના રિવાજ મુજબ કોર્ટના ચુકાદાથી વધુ એ લોકો પંચના ચુકાદાને વધુ મહત્ત્વ આપે છે. કોર્ટનો ચુકાદો તો આવી ગયો હતો, પણ ચોકીબાર અને મોટા પીપોદરા ગામના પાંચ એકઠા થયા નહીં. જેના કારણે કોદરવી સમાજના લોકો પોતાના ગામમાં પરત ફરી શક્યા નહીં."
મોટા પીપોદરાના લોકો પંચોની હાજરીમાં સમાધાન ન થવાને કારણે ગામમાં પરત આવતા ડરતા હતા.
જમીન હોવા છતાં તેઓ અલગ અલગ શહેરોમાં રહી મજૂરી કરતા હતા.
'હું મારા અંધ દીકરા સાથે ગામ છોડીને ભાગી હતી'

ઇમેજ સ્રોત, Bhargav Parikh
મોટા પીપોદરા ગામનાં 72 વર્ષીય સુખીબહેન કોદરવી 'ચડોતરું'નો એ દિવસ યાદ કરતાં કહે છે, "હું ક્યારેય ભૂલી નથી શકતી, હું મારાં બકરાં અને ગાયને ચારો આપી રહી હતી. મારો એક દીકરો અંધ હતો. ગામમાં બૂમો પડી કે ભાગો ભાગો ચડોતરું થયું છે. અમારા ગામમાં લોકોનાં ઘર તૂટી રહ્યાં હતાં, જે હાથમાં આવે એને માર મારવામાં આવી રહ્યો હતો."
તેઓ આગળ કહે છે કે, "જે હાથમાં આવ્યું એ લઈને હું મારા અંધ દીકરા સાથે ભાગી. મારા પતિ અને બીજો દીકરો બીજા રસ્તેથી ભાગ્યા. એક મહિના પછી અમે પાલનપુરમાં ભેગાં થયાં. અમને આશા હતી કે પંચોનું સમાધાન થશે અને પાછા જઈશું. મારા પતિ ગામમાં પાછા જવાની આશાએ ગુજરી ગયા. મારો છોકરો પણ બીમારી બાદ ગુજરી ગયો. હવે હું મારા દીકરાની વિધવા અને છોકરાઓ સાથે અહીં રહેવા આવી છું. પોતાની જમીન પર પાછા આવવાનો આનંદ અલગ જ હોય છે. મેં મારા પતિ અને દીકરાને ગુમાવ્યો છે, પણ અલકાને કારણે અમે ગામમાં પાછા આવ્યા એનો આનંદ છે."
ગામલોકો વચ્ચે કેવી રીતે થયું સમાધાન?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ગામના લોકોના પુનર્વસનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અલકા કોદરવી ગ્રામરક્ષક દળમાં છે અને બનાસકાંઠાનાં એએસપી સુમન નાલાના ઘરે રસોઈકામ કરે છે.
અલકાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "એક દિવસ મારો દીકરો બીમાર હતો ત્યારે પોલીસ અધિકારી સુમન નાલાએ બાળકની તબિયત પૂછી. અને વાતવાતમાં મારાં ગામ અને સાસરિયાં વિશે પૂછ્યું. મેં એમને આ બધી વાત કરી તો તેમણે કહ્યું કે તમારાં સાસરિયાંના તમામ લોકોનું પુનર્વસન કરાવીશું. એમણે આ મામલો પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયશ્રી દેસાઈને સોંપ્યો."
હડાદના પીએસઆઈ જયશ્રી દેસાઈએ કહ્યું કે, "આ કેસ હડાદ પોલીસ સ્ટેશનમાં આવ્યો, સાથે આ ગામના આગેવાન જગાભાઈ કોદરવાની અરજી પણ આવી. એ લોકોએ એમના ગામ પરત ફરવા માટે કલેક્ટર ઑફિસ અને બનાસકાંઠા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને અરજી કરી હતી. પણ એક વાર ચડોતરું થયા પછી દંડ વગર સમાધાન કરાવવું અઘરું હતું."
પીએસઆઈ જયશ્રી દેસાઈ આ કપરું કામ પાર પાડવામાં કેવી રીતે સફળ થયાં એ અંગે વાત કરતાં કહે છે કે, "આદિવાસી સમાજનો નિયમ છે કે પંચ એક વાર ભેગા થઈ સમાધાન કરે અને ગોળ-ધાણા ન ખાય ત્યાં સુધી સમાધાન સંભવ નથી. અમે પહેલાં બંને ગામના પંચો સાથે બેઠક કરી. ત્યાર બાદ આ વિસ્તારમાં તટસ્થ પંચ તરીકે જેમની સારી છાપ હતી એવા લોકોનો સંપર્ક સાધ્યો. આસપાસનાં ગામના લોકોને પણ સમજાવ્યા કે જો આ ચડોતરું સમાધાનમાં ફેરવાય તો તમામ ગામોને લાભ થાય એમ છે."
"ઘણી મીટિંગ પછી અમે એમને સમજાવવામાં સફળ રહ્યા કે જો પહેલો ચીલો ચાતરશું તો વેરઝેરની ભાવના બંધ થશે અને ચડોતરું પ્રથા બંધ થશે. બાદમાં અમારા જિલ્લાના પોલીસવડા અક્ષયરાજ મકવાણા સહિતના લોકો આવ્યા અને લેખિતમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું. કોદરવી કુટુંબોની જમીનના સાત બારના ઉતારા કાઢ્યા. તેમની જમીનો પર બાવળ ઊગી ગયાં હતાં એ દૂર કરાવ્યાં અને ત્યાર બાદ અહીં એમની પુનઃવસનની કામગીરી શરૂ થઈ."

ઇમેજ સ્રોત, Harsh Sanghvi/X
તટસ્થ પંચ લુકાભાઈ બોરડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે બંને ગામના પંચને બોલાવ્યા. વિરોધનો સૂર પણ ઊઠ્યો કે આપણી પરંપરા વિરુદ્ધ જઈશું તો રોટીબેટીના વ્યવહારમાં તકલીફ પડશે, પણ મને લાગતું હતું કે આ પ્રથા બદલવી જોઈએ એટલે અમે પંચોએ ભેગા મળીને પહેલી વાર ગુજરાતમાં દંડ કે શરત વગર ચડોતરાનું સમાધાન કર્યું અને ગામના પુનર્વસનનું કામ શરૂ કર્યું."
તો બનાસકાંઠાના ડીવાયએસપી જેજે ગામીતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ સમગ્ર મામલા અંગે કહ્યું કે આદિવાસીઓના રિવાજ મુજબ પંચ બેસે તો સમાધાન ત્યારે જ થયું ગણાય કે જ્યારે બંને ગામના પંચ ભેગા થઈને ગોળ-ધાણા ખાય.
"એટલે અમે બધા ગામના પંચની હાજરીમાં તટસ્થ પંચ રાખ્યા અને પહેલાં બધાને ગોળ-ધાણા ખવડાવ્યા પછી લેખિતમાં સમાધાન કરાવ્યું અને એ થયા પછી મોટા પીપોદરા ગામના લોકોએ કલેક્ટર ઑફિસમાં આપેલી લૅન્ડ ગ્રેબિંગની ફરિયાદ પાછી ખેંચવાની વાત પર સમાધાન થયું."
શું કહે છે મોટા પીપોદરા અને ચોકીબાર ગામના પંચ?
ચોકીબાર ગામના મુખ્ય પંચ ગોપાલ ડાભીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમની પાસે જ્યારે સમાધાનની વાત આવી ત્યારે તેમના ગામલોકોને સમજાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી.
"ચડોતરુંમાં પંચો મળીને સામા પક્ષને વેરનો દંડ કરે અને એ રકમ પીડિતને મળે પછી જ સમાધાન થતું. પણ મેં બધાને સમજાવ્યા કે અહીં માત્ર મોટા પીપોદરા ગામના લોકો જ હેરાન નથી થતા, આપણા ગામના લોકો પણ હેરાન થાય છે. આ હેરાનગતિ બધાં 11-11 વર્ષથી ભોગવતા હતા અને બીજા ગામના પંચોએ પણ કહ્યું કે જો સમાધાન થાય તો રોટીબેટીના વ્યવહાર પર કોઈ અસર નહીં પડે. અને સમાધાન થયું."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
મોટા પીપોદરા ગામના મુખ્ય પંચ જગાભાઈ કોદરવાએ કહ્યું કે તેમણે કલેક્ટર ઑફિસ અને પોલીસવડાને આ મામલાની ફરિયાદ કરી હતી.
તેઓ કહે છે, "અમે પણ 11 વર્ષથી પોતાની જમીન છોડીને ભટકી રહ્યા હતા, છૂટક મજૂરી કરતા હતા. અમારા ગામના કેટલાક લોકો ગામ જોયા વગર ગુજરી ગયા હતા, તો ઘણાં બાળકોને તો પોતાનું ગામ કયું છે એની ખબર નહોતી. બાળકોનું ભણતર પણ બગડતું હતું. બીજા પંચોએ પણ ફરી આવો બનાવ ન બને એની ખાતરી આપી એટલે હવે અમે અહીં રહેવા આવીશું. બંને પક્ષ દ્વારા એકબીજા સામે થયેલી તમામ લૅન્ડ ગ્રેબિંગ અને બીજી એક બીજા પર કરેલી ફરિયાદો પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે."
"આમ આદિવાસી સમાજમાં આ પહેલી વાર દંડ અને શરત વગર ચડોતરું પાછું ખેંચાયું હોય અને સમાધાન થયું હોય એવી આ પહેલી ઘટના છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












