'110 વર્ષ પહેલાંની આદિવાસીઓની ઝુંબેશથી જન્મેલી' ગુજરાતમાંથી અલગ ભીલીસ્તાન બનાવવાની માગ શું છે?

ભીલીસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

જો ગુજરાતના અમુક વિસ્તારોને અલગ રાજ્ય જાહેર કરવાની માગ ઊઠે તો ગમે તે વ્યક્તિના મગજમાં અલગ સૌરાષ્ટ્ર કે કચ્છની માંગણીની વાત તરફ ધ્યાન જાય એ સ્વાભાવિક છે.

પરંતુ આ બે વિસ્તારો ઉપરાંત પાછલા ઘણા સમયથી ગુજરાતમાંથી અલગ ભીલીસ્તાનની માગ પણ સમયાંતરે ઊઠતી આવી છે.

ભીલીસ્તાનની માગણી કરનારાઓ મુજબ અલગ ભીલીસ્તાનની માગણી હકીકતમાં બદલાય તો ગુજરાતના 14 જિલ્લાના 52 તાલુકામાંનાં આશરે પાંચ હજાર કરતાં વધુ ગામડાં અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોને સમાવીને એક નવા રાજ્યના નિર્માણની રૂપરેખા સાકાર થાય.

નોંધનીય છે કે ઉપરોક્ત તમામ રાજ્યોમાં અલગ અલગ સ્તરે આ માગણીઓ વર્ષોથી ઊઠી રહી છે.

તાજેતરમાં ગુજરાતના નર્મદા જિલ્લાની દેડિયાપાડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એક વાર ભીલીસ્તાનની માગ ઉઠાવીને આ વર્ષો જૂના મુદ્દાને ફરીથી જીવિત કરી દીધો હતો.

નોંધનીય છે કે અલગ ભીલીસ્તાનની માગણી ગુજરાત સિવાય રાજસ્થાનમાં પણ ઘણી વાર ઊઠતી જોવા મળે છે. જોકે આ માગણીને લઈને હજુ સુધી કોઈ સરકારે નક્કર પગલાં ઉઠાવ્યાં નથી.

વર્ષ 1977માં સંસદમાં એ વખતના દાહોદના સાંસદ સોમાજી ડામોરે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના અમુક જિલ્લામાંથી એક નવા રાજ્યની સ્થાપના કરી તેને ભીલપ્રદેશનું નામ આપવાની માગણી કરી હતી.

પરંતુ આ મુદ્દો ઇતિહાસમાં ઘણા સમયથી ઊઠતો આવ્યો છે.

ઉપરોક્ત પ્રશ્નનો જવાબ તેમજ ભીલીસ્તાનની માગણીના ઇતિહાસ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

એ પહેલાં ગુજરાતમાં તાજેતરમાં ક્યારે અને કોણે આ માગણી ઉઠાવી હતી એ વિશે સંક્ષિપ્તમાં વાત કરીએ.

ગ્રે લાઇન

ગુજરાતમાં ભીલીસ્તાનની માગણી

ચૈતર વસાવા

ઇમેજ સ્રોત, NARENDRA PAPERWALA

ઘણા આગેવાનો માને છે કે નોંધનીય છે કે ઝારખંડ કે છત્તીસગઢ રાજ્યોની જેમ ભીલપ્રદેશ માટેની માગણી એટલી ઉગ્ર અને સતત નહોતી જેથી હજી સુધી આ દિશામાં કામ થઈ શક્યું નથી.

ઘણા આદિવાસીઓ એવું પણ માને છે કે વિવિધ પક્ષોના નેતાઓ જ્યાં સુધી એક નહીં થાય, ત્યાં સુધી આ માગણી નહીં સંતોષાય.

ચૈતર વસાવા બીબીસી ગુજરાતી

નોંધનીય છે કે ગુજરાતમાં ચૈતર વસાવા પહેલાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના (બીટીપી) સ્થાપક અને આદિવાસી નેતા છોટુભાઈ વસાવા તેમજ તેમના દીકરા અને ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ આ માગણી ઉઠાવી હતી.

2009માં 11 લોકો સાથે તેમણે ભરૂચના ઝઘડિયા તાલુકાના હરીપુરા ખાતે ભેગા થઈ પહેલી વખત ભીલીસ્થાન વિકાસ મોરચાની સ્થાપના કરી અને ભીલીસ્થાન વિકાસ મોરચાના બેનર હેઠળ એક સામજિક મૂવમૅન્ટની શરૂઆત થઈ હતી.

આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ આ મોરચા હેઠળ ભારતીય ટ્રાઇબલ પાર્ટીની રચના કરી હતી.

જાહેર સંદેશો આપતાં સોશિયલ મીડિયા પરના એક મૅસેજમાં મહેશભાઈ વસાવાએ નેતાઓને આ મુદ્દે એક થવાની હાકલ કરી હતી.

આ મૅસેજમાં તેમણે જણાવ્યું હતું કે, “આદિવાસી સમાજ હવે જાગૃત થઈ રહ્યો છે. એ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવશે. જો બધા જ નેતાઓ એક નહીં થાય તો સમાજ એક થશે, પરંતુ નવા રાજ્યની સ્થાપના થઈને જ રહેશે.”

બીબીસી ગુજરાતી
  • તાજેતરમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલીસ્તાનની માગણી ઉઠાવતાં ફરી એક વાર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો
  • નોંધનીય છે કે પાછલાં ઘણાં વર્ષોથી રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોને સમાવી લઈને અલગ ભીલીસ્તાન રાજ્ય રચવાની માગણી ઊઠતી રહી છે
  • પરંતુ હજુ સુધી આ માગણીને લઈને કોઈ સરકારે નક્કર પગલાં ન ઉઠાવ્યાં હોવાની ફરિયાદ આદિવાસી આગેવાનો દ્વારા કરાય છે
બીબીસી ગુજરાતી

સંસદમાં પડ્યા પડઘા

આદિવાસી નેતા છોટુભાઈ વસાવા અરવિંદ કેજરીવાલ સાથે

ઇમેજ સ્રોત, @AAPGUJARAT

ઇમેજ કૅપ્શન, આદિવાસી નેતા છોટુભાઈ વસાવા અરવિંદ કેજરીવાલ સાથે

આગળ જણાવ્યું એમ સાત ટર્મ સુધી કૉંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અને 85 વર્ષીય નેતા સોમાજી ડામોરે 1977માં સંસદમાં ભીલીસ્તાનની માગણી કરી હતી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ડામોર આ વિશે કહે છે કે, “અત્યારે ભલે અમે રસ્તા પર ઊતરીને આ મુદ્દાને લઈને આંદોલન નથી કરી રહ્યા, પરંતુ આજેય આ મુદ્દે લોકજાગૃતિ માટેના પ્રયાસ કરી રહ્યા છીએ.”

બીબીસી ગુજરાતી

ઉપરાંત મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ કૉંગ્રેસી સાંસદ દિલીપસિંહ ભૂરિયા, રાજસ્થાનના સીપીઆઇના નેતા મેઘરાજ તાવરે પણ સંસદમાં આ માગ ઉગ્ર બનાવી હતી.

બીબીસી ગુજરાતી

ભીલપ્રદેશની પરિકલ્પના

ભીલીસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ભીલીસ્તાનની માગ સૌપ્રથમ વખત તે સમયે ઊઠી હતી જ્યારે બ્રિટિશરાજમાં 1913માં હાલના ગુજરાત અને રાજ્યથાનની સરહદ પર અનેક આદિવાસીઓએ એક હત્યાકાંડમાં જીવ ગુમાવ્યા હતા.

માનગઢ હત્યાકાંડને ઇતિહાસમાં કદાચ એટલું મહત્ત્વ નથી મળ્યું જેટલું જલિયાંવાલા બાગની ઘટનાને મળ્યું. પરંતુ આ એ ઘટના હતી જ્યારે ભીલીસ્તાનની માગનો પાયો નંખાયો હતો.

રેડ લાઇન

સંક્ષિપ્તમાં: ગુજરાતની સરહદે થયેલો માનગઢ નરસંહારમાં જેમાં હજારો લોકો માર્ય ગયા

રેડ લાઇન
  • ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢના પહાડો પર 17 નવેમ્બર 1913ના રોજ માનગઢનો નરસંહાર થયો હતો. જેમાં દોઢ હજારથી વધારે લોકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવે છે.
  • માનગઢના ડુંગર પર એકઠા થયેલા હજારો લોકો પર અંગ્રેજ અને દેશી રજવાડાંના સૈનિકોએ ગોળીઓ વરસાવી હતી.
  • ઇતિહાસમાં આ નરસંહારને ક્યારેય મહત્ત્વનું સ્થાન મળ્યું નથી પણ રાજસ્થાન સરકારે માનગઢમાં એક સ્મારક બનાવીને આ નરસંહારને ઇતિહાસમાં સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો.
  • વણજારા પરિવારમાં જન્મેલા ગોવિંદગુરુએ 1880માં લોકોમાં સામાજિક સુધારા માટે આંદોલન ચલાવ્યું હતું.
  • તેમના આંદોલનથી નવી ચેતના જાગી હતી અને આસપાસના આદિવાસીઓ, ભીલોની પરિસ્થિતિમાં ફેર આવવા લાગ્યો અને અલગ રાજ્યની માગ ઊભી થવા લાગી.
  • રજવાડાં બ્રિટિશ રાજ પાસે મદદ માગી અને થોડાં વર્ષો પછી 17 નવેમ્બર, 1913ના રોજ માનગઢ ડુંગર પર નરસંહાર થયો.
રેડ લાઇન

70ના દાયકાના અંતમાં સાંસદ સોમાજી ડામોરે આ ભીલપ્રદેશનો નકશો પોતાની સમજ પ્રમાણે તૈયાર કરીને સરકારમાં રજૂ કર્યો હતો.

તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી નવા રાજ્યની પરિકલ્પના ભીલપ્રદેશ તરીકે કરી હતી.

નોંધનીય છે કે ડામોરે એ સમયે માગણી કરી હતી એ પ્રમાણે અંબાજીથી ઉમરગામ સુધીનો તમામ વિસ્તાર આ ભીલપ્રદેશમાં સામેલ હોવું જોઈએ તેવી વાત કરાઈ હતી.

જોકે વિવિધ નેતાઓની પરિકલ્પના પ્રમાણે ભીલપ્રદેશમાં કુલ 39 જિલ્લાની પરિકલ્પના છે. આમાં ગુજરાતના પણ 16 જિલ્લાઓનો સમાવેશ કરાય છે. વિવિધ નેતાઓએ વ્યક્ત કરેલી શક્યતાઓ અનુસાર જો આ રાજ્યની રચના થાય તો તેમાં 90 વિધાનસભા બેઠકો અને 11 લોકસભા બેઠકો હોઈ શકે છે.

ચૈતરભાઈએ કહ્યું હતું કે કે જો આ રાજ્યની રચના થાય તો માનગઢ અથવા તો ગુજરાતનું કેવડિયા તેની રાજધાની બની શકે છે.

બીબીસી ગુજરાતી

શું કહે છે ઇતિહાસકારો?

બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા સમયથી જ આદિવાસીઓએ વિલાયતીઓનો વિરોધ કર્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા સમયથી જ આદિવાસીઓએ વિલાયતીઓનો વિરોધ કર્યો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇતિહાસકારો પ્રમાણે વર્ષ 1913માં પ્રથમ વખત ભીલ સમુદાયના લોકો દ્વારા ઉઠાવવામાં આવેલી ભીલપ્રદેશ કે ભીલીસ્તાનની માગણી હજુ ચાલુ છે.

દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર ડૉ. જિતેન્દ્ર મીણા પ્રમાણે જે વિસ્તારોને એક કરીને ભીલીસ્તાન બનાવવાની માગ કરાય છે ત્યાંના લોકો એકબીજા સાથે અનેક રીતે જોડાયેલા છે.

“આ વિસ્તારના રિતીરિવાજો, ભાષા, પૂજા કરવાની પદ્ધતિ અને માન્યતાઓ બધું એક જેવું છે. આ ચારેય રાજ્યોના આદિવાસીઓ એક જ છે, પરંતુ અલગ અલગ રાજ્યોમાં રહેવાને હોવાને કારણે એક બીજાથી દૂર છે.”

તેઓ વધુમાં કહે છે કે, “જો આદિવાસી સમુદાયોની વાત કરીએ તો ઝારખંડના આદિવાસીઓ, દક્ષિણ ભારતના ગોંડ આદિવાસીઓ પછી આ ચાર રાજ્યોના ભીલો સૌથી લાંબો ઇતિહાસ ધરાવે છે. ભીલોને આ ચાર પ્રદેશમાં વહેંચીને તેમની તાકત ઓછી કરી દેવમાં આવી છે, જેના કારણે તેમનો વિકાસ અટકી ગયો છે.”

પ્રોફેસર જિતેન્દ્ર મીણા આ પ્રદેશના ઇતિહાસ વિશે વાત કરતાં આગળ કહે છે કે, “જે આઝાદી પછી પણ ચાલુ રહી હતી. 1894ના એક નકશા પ્રમાણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એમ ચારેય રાજ્યોનું અસ્તિત્વ નહોતું એ સમયે પણ ભીલ દેશનું અસ્તિત્વ હતું.”

બીબીસી ગુજરાતી

ક્યાં પહોંચી છે આ માગણી?

તીરંદાજીની તાલીમ લઈ રહેલા ભીલ યુવા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તીરંદાજીની તાલીમ લઈ રહેલા ભીલ યુવા

ભીલપ્રદેશની માગણી જ્યાંથી ઊઠે છે તેવાં ચારેય રાજ્યો પૈકી આ માગણીનું સૌથી ઉગ્ર સ્વરૂપ રાજસ્થાનમાં જોવા મળ્યું છે.

રાજસ્થાનમાં અવારનવાર ભીલપ્રદેશ માટેના કાર્યક્રમો થતા રહે છે.

આ હેતુ માટે રાજ્યમાં ભીલ આર્મી, ભીલપ્રદેશ મુક્તિ મોરચા જેવી સંસ્થાઓની પણ સ્થાપના કરવામાં આવી છે.

ભારતીય બંધારણની જોગવાઈઓ અનુસાર જે વિસ્તારમાં આદિવાસી સમુદાયના લોકોની સંખ્યા વધુ હોય તેને શેડ્યૂલ પાંચ હેઠળનો વિસ્તાર માનવામાં આવે છે.

આ વિસ્તારમાં ગ્રામપંચાયતને વિશેષ અધિકારો હોય છે. પંચાયત એક્સ્ટેન્સ ટુ શેડ્યૂલ્ડ એરિયાઝ ઍક્ટ, 1996 (પેસા) પ્રમાણે ગ્રામપંચાયતને કેટલીક વિશેષ સત્તા આપવામાં આવે છે.

નોંધનીય છે કે આ ચાર રાજ્યોના નેતાઓ, વિવિધ ગ્રામપંચાયતોએ અવારનવાર પોતાના વિસ્તારના કલેક્ટરને આવેદનો આપીને ભીલપ્રદેશ માટે ઉગ્ર માંગણી કરી છે.

હાલમાં રાજસ્થાનના ચૌરાસી વિધાનસભા બેઠકના ધારસભ્ય રાજકુમાર રાઓત, જેઓ પહેલાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે હતા, તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “આ માગણી જ્યાં સુધી આ ચારેય રાજ્યોની સરકાર એક બ્લુપ્રિન્ટ બનાવીને કેન્દ્ર સમક્ષ રજૂ નહીં કરે ત્યાં સુધી પૂરી થવાની નથી. આ વિશે તમામ રાજ્યોમાં આદિવાસી નેતાઓ પોતાની રીતે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે રાજસ્થાનમાં ભીલપ્રદેશ મુક્તિ મોરચાના નેજા હેઠળ લોકોમાં આ પ્રદેશની માગણી વિશે જાગૃતિ લાવી રહ્યા છીએ.”

નોંધનીય છે કે થોડાં વર્ષો પહેલાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સ્થાપક છોટુભાઈ વસાવાએ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને લેખિત રજૂઆત કરીને ભીલપ્રદેશ અંગે માગણી કરી હતી. જોકે હજુ સુધી આ રજૂઆતને લઈને આગળ કશું થયું નથી.

બીબીસી ગુજરાતી

ભીલપ્રદેશની માગ કેમ ઊઠી રહી છે?

ભીલ

ઇમેજ સ્રોત, Getty Images

ભીલ સમુદાયના અનેક નેતાઓ માને છે કે આ માગણી ઉગ્ર બનવા પાછળ મુખ્ય કારણ આદિવાસી સમુદાય માટે વિવિધ સરકારોની આ મુદ્દાને લઈને ઉદાસીનતા છે.

મધ્ય પ્રદેશના કૉંગ્રેસના ધારાસભ્ય ડૉ. હીરાલાલ અલાવા બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરતાં કહે છે કે, “સરકારોએ આદીવાસીઓ સાથે સતત અત્યાચારો અને ભેદભાવ જ કર્યો છે, જે હજી સુધી ચાલુ છે. જે રકમ આદિવાસી સમુદાય માટે ખર્ચ થવી જોઈતી હતી તે રકમ બીજાં કામો પર ખર્ચ થઇ જાય છે. અમારી જમીનો પર બંધ બને છે અને અમને પાણી મળતું નથી, તો આવી તમામ સમસ્યાઓનું નિરાકરણ માત્ર એક અલગ ભીલપ્રદેશ જ છે. આ પ્રદેશમાં આદિવાસીનાં હિત અગ્રેસર હશે.”

આપના નેતા ચૈતર વસાવાએ કહ્યું કે, “કેવડિયાનો ડૅમ હોય કે સરદારનું સ્ટેચ્યૂ હોય, નર્મદાની કૅનાલ હોય કે પછી કોઈ પણ બીજો વિકાસલક્ષી પ્રોજેક્ટ હોય, દરેક પ્રોજેક્ટમાં સૌથી વધુ જમીનો આદિવાસીઓની જાય છે. પરંતુ તેની સામે તેમને કંઈ જ મળતું નથી. તેઓ પોતાના હકો માટેની લડાઈ લડતા રહી જાય છે અને સરકાર તેમના સંઘર્ષ પર ધ્યાન આપતી નથી. આવી સ્થિતિમાં આદિવાસીને અલગ રાજ્ય મળી જાય તો આદિવાસીનું હિત સૌથી અગ્રેસર મૂકીને તમામ નીતિઓ બનાવી શકાય.”

ઇતિહાસકાર ડૉ. જિતેન્દ્ર મીણા તાજેતરનાં વર્ષોમાં ભીલપ્રદેશની માગણી વધુ ઉગ્ર બનવાનાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, “આદિવાસી સંસ્કૃતિ પર આક્રમણ, તેમની જમીનો પર કબજો અને તેમના ઇતિહાસને ભુલાવી દેવાનો કે બદલવાના જે પ્રયાસ થઈ રહ્યા છે, તેના વિરોધમાં આદિવાસી સમુદાયના અનેક યુવાનો આજે બહાર આવ્યા છે અને તેઓ આ માગણી દિવસે ને દિવસે બળવત્તર બનાવતા જઈ રહ્યા છે.”

જો માગણી પ્રમાણે આદિવાસીઓની વસતીની વાત કરાય તો 2011ના સેન્સસ પ્રમાણે ગુજરાત રાજ્યની કુલ વસ્તીના આશરે 14.8 ટકા જેટલી વસ્તી આદિવાસી સમુદાયની હતી.

સેન્સસ પ્રમાણે ભારતની કુલ આદિવાસી વસ્તીનો આશરે 8.5 ટકાની વસ્તી ગુજરાતમાં વસે છે.

જો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની વાત કરવામાં આવે તો તેમાં દેશની કુલ આદિવાસી વસ્તીના અનુક્રમે દસ ટકા, 8.8 ટકા, અને 14.7 ટકા છે. એટલે કે આશરે દેશની આશરે ૩૦ ટકા જેટલી આદિવાસી વસ્તી આ ચાર રાજ્યોમાં છે.

આ પ્રદેશો અને આદિવાસી સમુદાયની રાજકીય અસરનો અંદાજ એ વાત પરથી પણ કાઢી શકાય કે નવેમ્બર 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચાર રાજ્યોના આદિવાસી સમુદાયો માટે રાજસ્થાનના બાંસવાડામાં માનગઢ ધામ બનાવવા માટે એક રોડ મૅપ બનાવવાની પણ વાત કરી હતી.

રેડ લાઇન
રેડ લાઇન