‘વનબંધુ’ કે ‘વનવાસી’ તરીકે ગુજરાતના આદિવાસીઓ ઓળખાવવા કેમ નથી માગતા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કૉંગ્રેસના અમુક ધારાસભ્યો દ્વારા આદિવાસીઓ માટેની સરકારી યોજનાઓમાં આદિવાસી સમાજના લોકો માટે 'વનબંધુ' અને 'વનવાસી' શબ્દોનો ઉપયોગ ન કરવાની માગ કરાઈ છે.
કૉંગ્રેસના કેટલાક આદિવાસી ધારાસભ્યોએ રાજ્યની આદિવાસી પ્રજા માટે 'વનવાસી' કે 'વનબંધુ' ઉપનામોને વાંધાજનક અને આદિવાસી પ્રજા માટે અપામાનજનક ગણાવ્યા છે.
તેમણે આ શબ્દોના ઉપયોગના કારણે ખરેખર જન્મથી આદિવાસી હોય તેવા લોકોને મળતા લાભો અન્ય ગેરલાયક લોકો દ્વારા ઉઠાવી લેવાય તેવો ભય પણ વ્યક્ત કર્યો છે.
જોકે, ગૃહમાં આ બાબતે સ્પષ્ટતા કરતાં ગુજરાત વન અને આદિવાસી કલ્યાણમંત્રી ગણપત વસાવાએ કહ્યું છે કે "'વનબંધુ' અને 'વનવાસી' શબ્દોએ કોઈ અપમાનક શબ્દો નથી. તે ખૂબ જ માનવાચક શબ્દો છે. અમારી સરકાર તેનો ઉપયોગ માત્ર અમારી કલ્યાણકારી યોજનાઓને નામ આપવામાં કરી રહી છે."
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત રાજ્યના મંત્રી ગણપત વસાવાએ આ શબ્દો કૉંગ્રેસ દ્વારા તેમના શાસનકાળમાં ઉપયોગમાં લેવાનું શરૂ કરાયું હોવાનું જણાવ્યું છે.
નોંધનીય છે કે ગુજરાત સરકાર આદિવાસીઓના વિકાસ માટે 'વનબંધુ કલ્યાણ યોજના' નામે યોજના ચલાવે છે.
જેની સામે વાંધો રજૂ કરતાં કૉંગ્રેસના આદિવાસી વિસ્તારના ધારાસભ્યોએ આ 'વનબંધુ' અને 'વનવાસી' જેવા શબ્દોને ગેરબંધારણીય ગણાવ્યા હતા અને તેને દૂર કરવા માટે રજૂઆત કરી હતી.

આદિવાસીઓને મળતા લાભો અન્ય જાતિના લોકોને મળે તેનો ભય?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વિધાનસભાગૃહમાં આદિવાસી લોકોને 'વનવાસી' કે 'વનબંધુ' કહેવા સામે વાંધો ઉઠાવનાર નવસારી જિલ્લાના વાંસદા બેઠક પરથી ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્ય અનંતકુમાર પટેલે બીબીસી સાથેની વાતચીતમાં આદિવાસીઓને રાજ્યમાં આદિવાસીઓ તરીકે જ ઓળખવામાં આવે તેવો આગ્રહ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે 'વનબંધુ' અને 'વનવાસી' શબ્દોને વખોડતાં કહ્યું, "આ તો શુદ્ધ ગુજરાતીમાં વન શબ્દ વાપરવામાં આવે છે, પરંતુ તેનો સીધો અર્થ ઘણા લોકો જંગલ જ સમજે છે. તેથી વનવાસીનો એક અર્થ 'જંગલી' પણ થઈ શકે."
"તેથી આ પ્રકારના શબ્દનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તાત્કાલિક અસરથી આવા કોઈ પણ શબ્દોનો આદિવાસીઓને ઓળખાવવા માટે કરવામાં આવતો હોય તો તેને સુધારવા માટેની માગ કરીએ છીએ."
પટેલે આ સિવાય રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા આદિવાસીઓને દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય શબ્દોના કારણે જે સમસ્યા સર્જાઈ શકે છે તે અંગે પણ ધ્યાન દોર્યું હતું.
તેમણે કહ્યું, "વર્ષ 1956માં ગીર, અલેચ અને બરડા જંગલ વિસ્તારમાં વસતા ભરવાડ, ચારણ અને રબારી જ્ઞાતિના લોકોને પણ બેચર સમિતિની ભલામણ અનુસાર માત્ર તેમની રહેણીકરણીને આધારે આદિવાસીઓ તરીકેનો દરજ્જો મળ્યો હતો."
"અમુક વર્ષો પહેલાં ગુજરાત સરકારે આ જાતિના લોકોને આદિવાસી તરીકેનાં પ્રમાણપત્રો વહેંચવાનું શરૂ કર્યું હતું. આવી જ રીતે ભવિષ્યમાં પણ આ 'વનવાસી' અને 'વનબંધુ' શબ્દોને કારણે જંગલમાં રહેતા આદિવાસી ન હોય તેવા લોકોને પણ આદિવાસી પ્રજાને મળતા લાભો મળે તેવો ભય છે."
પટેલ પોતાના મનમાં રહેલાં ભયસ્થાનો વ્યક્ત કરતાં કહે છે, "અગાઉની જેમ ફરીથી જો આદિવાસી લોકોના અધિકારો બીજા સમાજના લોકોને મળે તો આદિવાસી સમાજને તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે."
"આવા લોકો આદિવાસી સમાજને મળતી અનામતમાં ભાગ પડાવી અમને મળતી તમામ તકોની સંખ્યા ઘટાડી શકે છે. તેથી સરકારે તાત્કાલિક અસરથી આવી કોઈ પણ શક્યતાને નાબૂદ કરવા માટે વટહુકમ બહાર પાડી 'વનબંધુ' અને 'વનવાસી' શબ્દો રદ કરવા જોઈએ અને સમગ્ર દેશની જેમ ગુજરાતમાં પણ આદિવાસીઓ માટે માત્ર આદિવાસી શબ્દનો જ પ્રયોગ કરવો જોઈએ."

ભાજપનું 'વનવાસી' કે 'વનબંધુ' શબ્દો અંગે શું કહેવું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે, બીજી બાજુ ગુજરાત પ્રદેશ ભાજપના ST મોરચાના પ્રમુખ મોતીભાઈ વસાવા આદિવાસીઓને ઓળખાવવા માટે ઉપયોગમાં લેવાતાં નામો 'વનવાસી' અને 'વનબંધુ'ને માત્ર સરકારી કલ્યાણકારી યોજનાલક્ષી નામો ગણાવે છે.
તેઓ કહે છે કે આ નામોના કારણે આદિવાસીઓને મળતા લાભો કે તેમને મળતી અનામતની તાજેતરની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય.
મોતીભાઈ વસાવા આ મુદ્દે ગુજરાતની ભાજપ સરકારનો મત મૂકતાં કહે છે કે, "આદિવાસીઓને અનામત કોઈ નામના કારણે નહીં પરંતુ બંધારણે તેમને આપેલા અધિકારને કારણે મળે છે."
"બંધારણમાં બધી જગ્યાએ આદિવાસી શબ્દનો જ ઉપયોગ કરાયો છે. ક્યાંય 'વનવાસી' કે 'વનબંધુ' શબ્દનો ઉપયોગ નથી કરાયો."
"તેથી જંગલમાં નિવાસ કરવા માત્રથી કોઈને વનવાસી તરીકેનો લાભ તો મળી શકે પરંતુ તે આદિવાસી બની જતો નથી. તેથી અનામતનો લાભ આવી વ્યક્તિને મળવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી."
તેઓ ગુજરાતમાં આદિવાસીઓને લગતી યોજનાઓ માટે 'વનવાસી' અને 'વનબંધુ' શબ્દોનો ઉપયોગ કરવા અંગેના સરકારના તર્ક વિશે વાત કરતાં જણાવે છે :
"આદિવાસી સમાજ પાસે એવી કોઈ મોટી વ્યક્તિઓ કે નામો નથી જેમનાં નામ પરથી સરકારી યોજનાઓને નામ આપી શકાય. તેથી સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના લોકો યોજનાને ઓળખી તેનો લાભ લઈ શકે તે માટે આવાં નામો અપાયાં છે."
"આદિવાસીઓને લગતી યોજનાઓને આવાં નામો અપાવા પાછળ બીજો કોઈ આશય નથી."
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે ગુજરાત વિધાનસભાગૃહમાં આ મુદ્દે સ્પષ્ટતા કરતાં ગુજરાત સરકારના જંગલ અને આદિવાસી કલ્યાણમંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું :
"કૉંગ્રેસની સરકાર સમયે વર્ષ 1976માં વનવિકાસનિગમની સ્થાપના થઈ હતી. આ સિવાય વર્ષ 2006માં કેન્દ્રમાં કૉંગ્રેસની સરકારે 'વનવાસી' શબ્દનો ઉપયોગ કર્યો હતો. જ્યારે અમારી સરકાર સમયે આ શબ્દો માત્ર કલ્યાણકારી યોજનાઓ પૂરતા સીમિત છે."

આદિવાસી સમાજનો ભય આધારવિહોણો?

ઇમેજ સ્રોત, Getty Images
આદિવાસીઓનાં હિતો માટે કામ કરતાં કર્મશીલ આનંદ મઝગાંવકર માને છે કે, "'વનબંધુ' અને 'વનવાસી' શબ્દો આદિવાસી પ્રજા માટે અપમાનજનક તો છે જ."
તેઓ કહે છે, "કોઈ પણ સમાજને નામ કે ઉપનામ આપતી વખતે અન્ય સમાજે કે સરકારે જે સમાજને નામ કે ઉપનામ અપાઈ રહ્યું છે તેને શું પસંદ છે તેની કાળજી લેવાની જરૂર હોય છે."
"મને લાગે છે કે ગુજરાતના મોટા ભાગના આદિવાસી લોકોને 'વનબંધુ' અને 'વનવાસી' શબ્દો અપમાનજનક લાગે છે. તેથી સરકારે અને અન્ય સમાજે તેનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ."
નોંધનીય છે કે વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટના એક નિર્ણયમાં અનુસૂચિત જાતિના લોકો માટે ઉપયોગમાં લેવાતા શબ્દ 'હરિજન'ને આ જાતિના લોકો માટે અપમાનજનક ગણાવી ઉપયોગ બંધ કરવા જણાવ્યું હતું.
ગુજરાતમાં પણ આ સમય પહેલાં અનુસૂચિત જાતિના લોકો માટેની કલ્યાણકારી યોજનાઓમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો.
એક અહેવાલ પ્રમાણે આ શબ્દ પ્રથમ વખત ગાંધીજી દ્વારા વર્ષ 1932માં અનુસૂચિત જાતિના લોકોને ઓળખાવવા માટે કર્યો હતો.
આનંદ મઝગાંવકર ગુજરાતની આદિવાસી પ્રજામાં પોતાને મળતા લાભો અન્ય સમાજને મળતાં થાય તે અંગેનો ભય હોવાની વાત પણ સ્વીકારે છે.
તેઓ કહે છે કે, "આ પ્રકારના શબ્દોના ઉપયોગથી ભવિષ્યમાં આદિવાસીઓને મળતા અનામતના લાભ અન્ય સમાજને મળે તેવો ભય બિલકુલ આધારવિહોણો નથી."
"કારણ કે વર્તમાન સમયમાં સત્તા પર રહેલા લોકોની એ નીતિ છે કે જેમ બને તેમ વાસ્તવિક સ્તરે અનામતને નાબૂદ કરવામા આવે અથવા તેના લાભ મેળવતી પ્રજાની સંખ્યામાં વધારો કરીને આ વ્યવસ્થાને નિરર્થક બનાવી દેવાય."

આદિવાસી અનામત અંગે વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
એક અહેવાલ અનુસાર વર્ષ 1956માં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુની સરકારે ગીર વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોને અનુસૂચિત જનજાતિની યાદીમાં સમાવિષ્ટ કર્યા હતા.
જોકે, આ લાભ એ સમાજના લોકો, જેઓ જંગલમાં જ વસે છે, તેમને જ આપવામાં આવ્યો હતો. જંગલ છોડીને શહેરોમાં વસવાટ માટે જતા રહેલ આ સમાજના લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો અપાયો નહોતો.
જોકે, બાદમાં વર્ષ 2005માં કેન્દ્રમાં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહની સરકારે વર્ષ 1956માં જે લોકોને અનુસૂચિત જનજાતિ તરીકે સ્વીકાર્યા હતા, તેમના પુરોગામીઓને પણ આ યાદીમાં સમાવી લેવાની જાહેરાત કરી.
આ બાબતે વર્ષ 2007માં ગુજરાત સરકારે નૉટિફેકિશન જારી કર્યું અને વર્ષ 2017માં આ સમાજના લોકોને આદિવાસી તરીકે ઓળખાવતાં પ્રમાણપત્રોની વહેંચણી પણ કરવામાં આવી.
જોકે, ગુજરાતના મૂળ આદિવાસી લોકો દ્વારા સરકારના આ પગલાનો વિરોધ નોંધાવામાં આવ્યો જે કારણે તેમણે પોતાના નિર્ણયથી યુ-ટર્ન લેવો પડ્યો હતો.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર ગુજરાતના ગીર અને તેની આસપાસના જંગલ વિસ્તારમાં વસતા ભરવાડ, રબારી અને ચારણોના જે 480 પરિવારોને અનુસૂચિત જનજાતિમાં સમાવી લેવામાં આવ્યા હતા તેમના આ દરજ્જાની સામે ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2018માં જાહેરહિતની અરજી થઈ હતી.
આ વિવાદ વર્ષ 2020માં પણ ચાલુ રહ્યો હતો.
જે બાદ ન્યૂઝ ડોટ યાહુ ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે વર્ષ 2020માં વર્ષ 1956માં કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા અનુસૂચિત જનજાતિ તરીકેના લાભો કોને મળવાપાત્ર છે તે નક્કી કરવા માટે ગુજરાત હાઈકોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિ નિમી હતી.
આ સમિતિએ ગીર, અલેચ અને બરડા વિસ્તારમાં વસતા ભરવાડ, રબારી અને ચારણો પૈકી કોને કોને અનુસૂચિત જનજાતિ તરીકેના લાભો આપવા તે નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

કયા આધારે અપાય છે અનામત?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ભારતીય બંધારણના અનુચ્છેદ 15 (4) મુજબ સામાજિક શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઝડપી વિકાસ માટે વિશેષ સગવડો આપવાની રાજ્ય સરકારને સત્તા છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 341 અને 342માં મળેલી સત્તાની રૂએ ભારતના રાષ્ટ્રપતિ અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સમાવિષ્ટ જાતિ કે જ્ઞાતિનાં નામો જે-તે યાદીમાં સામેલ કરી શકે છે.
આ અનુચ્છેદ હેઠળ આ સિવાય ભારતીય બંધારણના અનુચ્છેદ 16 (4)માં જો રાજ્યને એવુ લાગે કે પછાત વર્ગને રાજ્યની નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ મળેલું નથી, તો તે માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર વ્યવસ્થા કરી શકશે.
નોંધનીય છે કે અનુચ્છેદ 16નો આ અધિકાર સરકારી નોકરીઓમાં સૌ નાગરિકોને સમાન તક પૂરતો જ મર્યાદિત છે. તે સિવાયની અન્ય બાબતો અંગેની સમાનતા અનુચ્છેદ 15ના વધુ વ્યાપક અધિકારમાંથી જ શોધવાની રહે છે.

કોણ છે આદિવાસી?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
ગુજરાત રાજ્ય માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તિકા 'આદિવાસી સાંસ્કૃતિક વારસો'માં જણાવ્યા પ્રમાણે, "ભારતની પૂર્વકાલીન જાતિઓમાં આદિવાસીઓની ગણના કરવામાં આવે છે. આદિવાસી ભારતના મૂળ નિવાસી છે."
પુસ્તકમાં આગળ થયેલા ઉલ્લેખ અનુસાર આ જાતિઓ આદિકાળથી અહીં વસતી હોવાથી એમને 'આદિ જાતિઓ' કે 'આદિવાસીઓ' એવું નામ આપવામાં આવ્યું છે.
સામાન્ય જનતામાં તેમના સાથે સંકળાયેલી અનેક દંતકથાઓ અને પુરાકથાઓ પ્રચલિત છે. કેટલાક લોકો તેમને જંગલો અને પહાડોમાં વસતા ભલાભોલા અને નાચ-ગાનના શોખીન લોકો તરીકે ઓળખે છે.
ભારતના પૂર્વ, મધ્ય અને દક્ષિણમાં વસતા આ આદિવાસીઓને ભારતની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્રણ વિભાગમાં વહેચવામાં આવે છે.
- ઈશાન પ્રદેશના આદિવાસીઓ
- મધ્ય ભાગના આદિવાસીઓ અને
- દક્ષિણ પ્રદેશના આદિવાસીઓ
ગુજરાતના આદિવાસીઓની ગણના ભારતના મધ્ય ભાગના આદિવાસીઓ સાથે કરવામાં આવે છે.
આદિવાસીઓ દેશના 10 ટકા ભાગ પર વસે છે. દેશમાં અલગ અલગ આદિજાતિઓના લગભગ 500 સમુદાયો વસે છે.
ગુજરાતમાં ઉત્તરે અરવલ્લી પહાડની હારમાળાઓમાં, પૂર્વમાં સાતપુડા અને વિંધ્ય પહાડની શિખરાવલીઓની તળેટીઓ પર દક્ષિણ સહ્યાદ્રિની પર્વત શ્રેણીઓમાં આદિવાસીઓનું નિવાસસ્થાન છે. આ પૂરો ભૂમિ ભાગ લગભગ 20 હજાર માઈલમાં ફેલાયેલો છે.
ગુજરાતમાં મુખ્ય આદિજાતિ તરીકે ભીલોનું સ્થાન છે. સમગ્ર આદિવાસી વસતિની અડધી વસતિ તો માત્ર ભીલ આદિવાસીઓની છે. ગુજરાતમાં આદિવાસીઓની વસતિ લગભગ 14 ટકા છે.
ગુજરાતમાં આદિજાતિના 29 સમુદાયો વસે છે. જે સમુદાયો મુખ્યત્વે ભીલ આદિવાસીઓની ઉપજાતિઓ છે.
જેમાં ડુંગરી ભીલ, સોખલા ગરાસિયા, ડુંગરી ગરાસિયા, દુબળા, ધોડિયા, ગામિત, ચૌધરી, ધાનકા (તડવી), ગોંડે, કાથોડી, વારલી, કોળી, કોંકણા (કુકણા), કુણબી, નાયક, પારધી, પટેલિયા, પોમલા, સીદી, કોટવાળિયા આદિ મુખ્ય આદિજાતિઓ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












