ગુજરાતના આદિવાસીઓ શા માટે મૂળ પરંપરા તરફ પાછા ફરી રહ્યા છે?

આદિવાસી લગ્ન

ઇમેજ સ્રોત, NIL CHAUDHARI

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • ગુજરાતના રાઠવા, ચૌધરી, ડોડિયા, વસાવા જેવા આદિવાસી સમુદાયોના ઘણા પરિવારો હવે પાછા જૂની આદિવાસી પરંપરા તરફ વળી રહ્યા છે
  • માતા-પિતાનાં ભલે વૈદિક વિધિ પ્રમાણે કે ચર્ચમાં લગ્ન થયાં હોય પરંતુ આ યુવાનો હવે જૂની પરંપરા અનુસાર લગ્ન કરી રહ્યાં છે
  • માત્ર લગ્ન જ નહીં પરંતુ એ તહેવારો જેની ઉજવણી પણ ધીરે ધીરે બંધ થઈ ગઈ હતી, તેવા તહેવારો પણ તેઓ ધામધૂમથી ઊજવી રહ્યાં છે
  • દમયંતીબહેન અને તેમના જેવા અનેક કર્મશીલો ગામેગામ ફરીને આદિવાસીની પરંપરા અને રીતરિવાજોને ફરીથી જીવંત કરવા માટે કામ કરી રહ્યાં છે
લાઇન

વારલી પેઇન્ટિંગથી સજ્જ ઘર, ગામની વાડીમાં પાકેલાં રીંગણાં, ભીંડા, કાંદા, ટામેટાં, વાલોળ જેવાં શાકભાજી, આદિવાસી વાદ્ય ડોવડુંથી નીકળતું મધુર સંગીત, ભીંતે લટકતાં તીર-કામઠાં અને બડવા (વડીલ)ની પ્રકૃતિનું મહત્ત્વ સમજાવતી વાતો.

આ દૃશ્ય કોઈ ફિલ્મના સેટનું નહીં, પરંતુ નીલ ચૌધરી નામના આદિવાસી યુવકના લગ્નમંડપનું હતું.

તાપી જિલ્લાના સીસોર ગામમાં રહેતા નીલ ચૌધરીનાં લગ્નને ત્રણ મહિના થઈ ગયાં છે અને નીલની જ તર્જ પર તેમના ગામના અને અડોશપડોશના અનેક યુવાઓએ લગ્ન કરવાની જાણે કે હોડ શરૂ કરી છે.

જૂની આદિવાસી પરંપરાઓને લગ્નમાં રજૂ કરવાનો ટ્રેન્ડ થોડાં વર્ષો પહેલાં રાજપીપળા અને તાપી જિલ્લાનાં અનેક ગામોમાં શરૂ થયો હતો.

ગુજરાતના રાઠવા, ચૌધરી, ડોડિયા, વસાવા જેવા આદિવાસી સમુદાયોના ઘણા પરિવારો હવે પાછા જૂની આદિવસી પરંપરા તરફ વળી રહ્યા છે.

એટલે કે જેમનાં માતા-પિતાનાં ભલે વૈદિક વિધિ પ્રમાણે કે ચર્ચમાં લગ્ન થયાં હોય પરંતુ આ યુવાનો હવે એ પ્રકારે નહીં પણ પોતાની જૂની પરંપરા અનુસાર લગ્ન કરી રહ્યાં છે.

માત્ર લગ્ન જ નહીં પરંતુ એ તહેવારો જેની ઉજવણી પણ ધીરે ધીરે બંધ થઈ ગઈ હતી, તેવા તહેવારો પણ તેઓ ધામધૂમથી ઊજવી રહ્યા છે.

આદિવાસી લગ્ન

ઇમેજ સ્રોત, NIL CHAUDHARI

જન્મ, લગ્ન અને મરણ- આ ત્રણ મુખ્ય વિધિમાં આદિવાસી સમુદાયોના અલગ જ રીત-રિવાજો છે. પરંતુ સુધારાના પવનને પગલે છેલ્લા કેટલાક દાયકાથી તેમની સંસ્કૃતિ વિસરાઈ અથવા તો તેમાં આધુનિકતાની અસર જોવા મળી.

ગુજરાતમાં ઉત્તરમાં અંબાજીથી દક્ષિણમાં નવસારી સુધી આદિવાસી સમાજ રહે છે.

આજે આ આદિવાસીઓના બે વર્ગ જોવા મળે છે. એક વર્ગ જે ભણીને શહેરો તરફ રહેવા જતો રહ્યો છે અને ગ્રામીણ રીત-રિવાજોથી અલગ થઈ ગયો છે. જ્યારે બીજો વર્ગ આદિવાસી પરંપરાનું અનુસરણ કરી રહ્યો છે અને આદિવાસી વિસ્તારમાં જ વસવાટ કરી રહ્યો છે.

અલબત્ત, છેલ્લા કેટલાક દાયકાથી આ વિસ્તારમાં ખ્રિસ્તી સહિતના વિવિધ ધર્મના પ્રચારકો આવ્યા છે.

9મી ઑગસ્ટે જ્યારે વર્લ્ડ ઇન્ડિજિનસ ડે ઉજવાઈ રહ્યો છે, ત્યારે બીબીસી ગુજરાતીએ નીલ ચૌધરી જેવા વારસાપ્રિય આદિવાસી યુવકો સાથે વાત કરી અને એમના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો.

line

"રિવર્સ ગિયરમાં જનારા તમને ગામડેગામડે મળશે"

આદિવાસી લગ્ન

ઇમેજ સ્રોત, NIL CHAUDHARI

નીલ ચૌધરીએ શા માટે તેમના પિતાની જેમ વૈદિક વિધિથી લગ્ન ન કર્યાં અને આદિવાસી પરંપરા અનુસાર લગ્ન કર્યાં?

આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "અમારા રીત-રિવાજો અમારી ઓળખ છે, અમારી અસ્મિતા છે. અમે જો તેને ભૂલી જઈશુ તો અમે જ ભુલાઈ જઈશુ. હવે અમને ખબર પડી રહી છે કે બીજા કોઈ પણ ધર્મ કરતાં આદિવાસીનો ધર્મ, પ્રકૃતિની આરાધના અને પૂર્વજોની પૂજા કરવામાં જ અમારું ભવિષ્ય છે."

નીલની જેમ જ ભાવિન ડોડિયાનાં લગ્ન પણ જૂની આદિવાસી પરંપરા પ્રમાણે થયાં હતાં.

ભાવિન કહે છે, "આદિવાસી સાદગીના પર્યાય છે. સાદગીથી લગ્ન કરીએ તો કોઈ મોટો ખર્ચ ન થાય. સૌથી પહેલા જે વસ્તુઓ ઘરમાં ઉપલબ્ધ હોય તેનાથી અને ગામના બડવા વગેરેથી મારાં લગ્નની વિધિ પૂરી કરી. માંડવો પણ ગામના લોકોએ ભેગા સાથે મળીને બાંધ્યો હતો, જેનાથી આખા ગામના લોકોમાં બંધુત્વની ભાવના જોવા મળી હતી."

વીડિયો કૅપ્શન, વ્યારા: એ આદિવાસી શિક્ષક જે વીસરાતાં પારંપરિક વાદ્યોને જાળવવા મથે છે

અજય વસાવા નર્મદા જિલ્લાના સાગબારાના વતની છે. તેમણે પણ આદિવાસી વિધિથી લગ્ન કર્યાં હતાં. અજય કહે છે, "અમે માત્ર એકલા નથી જેમણે આવું કર્યું હોય. હવે આ પ્રકારે રિવર્સ ગિયરમાં જનારા તમને ગામડેગામડે મળી જશે."

અજયને રિવર્સમાં જવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સીધી વાત છે કે "અમે અમારી સંસ્કૃતિથી જેટલા દૂર જઈશું, અમે તેટલા આદિવાસી મટતા જઈશું. અને જો અમે આદિવાસી નહીં રહીએ તો અમે બીજું શું બનીશું. અમારે ન છૂટકે કોઈ અન્ય ધર્મની છત્રછાયામાં નીચલા પાયદાન પર બેસવું પડશે. આ કારણે જ હવે ઘણા આદિવાસી પોતાની સંસ્કૃતિ તરફ પાછા ફરી રહ્યાં છે."

આદિવાસી સમાજ પણ અન્ય સમાજની દેખાદેખીથી પર નથી રહ્યો. દેખાદેખીમાં જ તેમણે પરંપરાઓ છોડી અને હવે દેખાદેખીમાં પોતાની જૂની પરંપરાઓ તરફ પાછા ફરી રહ્યા છે.

આદિવાસી આગેવાન અને શિક્ષક દમયંતી ચૌધરી કહે છે, "આજકાલ દરેક ગામમાં એવા ઘણા લોકો જોવા મળશે જે પાછા પોતાના રીત-રિવાજો તરફ વળ્યા છે."

"થોડા સમય પહેલાં ઘણાને પોતે આદિવાસી છે તે સાબિત કરવા માટે સંઘર્ષ કરવો પડતો હતો, કારણ કે તેઓ આદિવાસી ભાષા પણ બોલી શકતા ન હતા, તેમની ઓળખાણ સાવ ભૂંસાઈ ગઈ હતી. આ વલણ વધુ જોર ન પકડે તે માટે ઘણા લોકો સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યાં છે."

line

આદિવાસી મહિલા બધી વિધિ કરી શકે

આદિવાસી લગ્ન

ઇમેજ સ્રોત, NIL CHAUDHARI

દમયંતીબહેન અને તેમનાં જેવાં અનેક કર્મશીલો ગામેગામ ફરીને આદિવાસીની પરંપરા અને રીત-રિવાજોને ફરીથી જીવંત કરવા માટે કામ કરી રહ્યાં છે. અલબત્ત, તેઓ પરંપરાના નામે ફેલાતા અંધવિશ્વાસ અંગે જાગૃતિ પણ ફેલાવી રહ્યાં છે.

તેઓ કહે છે, "આદિવાસીની દરેક પરંપરા અને રીત-રિવાજ પ્રકૃતિ સાથે જોડાયેલા છે, જેમાંથી ઘણા રિવાજોને અંધવિશ્વાસ સાથે પણ જોડી દેવામાં આવ્યા છે, જેને દૂર કરવા માટે હાલમાં અનેક યુવાનો કામ કરી રહ્યા છે."

મમતા ચૌધરી હાલમાં ચૌધરી સમાજની તમામ ધાર્મિક વિધિઓ કરાવે છે. તેઓ કહે છે, "વૈદિક વિધિમાં સ્ત્રીને કોઈ સ્થાન નથી, પરંતુ અમારી વિધિમાં હું પોતે જ તમામ વિધિ કરી શકું છું. લગ્નથી માંડીને મરણની તમામ વિધિઓ હવે અનેક આદિવાસી મહિલાઓ કરતી થઈ છે."

મમતા ચૌધરી હાલમાં આદિવાસી સમાજનો પ્રકૃતિ સાથેનો સંબંધ અને તેના મહત્ત્વ પર એક પુસ્તક પણ લખી રહ્યાં છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

આદિવાસીઓના અને પ્રકૃતિ સાથેના સંબંધને સમજાવતા આદિવાસી આગેવાન પ્રફુલ્લ વસાવાએ કહ્યું, "અમારો નાતો માત્ર તત્ત્વ સાથે છે. જે તત્ત્વોએ આપણને સૌને બનાવ્યાં છે, તે અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ, આકાશ અને અમારા પૂર્વજ."

"અન્ય ધર્મ અસ્તિત્વમાં નહોતા ત્યારથી અમે આ તત્ત્વોની આરાધના કરતા આવ્યા છીએ. વચ્ચે થોડો સમય અમે અમારા મૂળ સ્વરૂપથી દૂર જતા રહ્યા હતા, પરંતુ હવે અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો છે. અમે અમારી સંસ્કૃતિ તરફ પાછા વળ્યા છીએ."

પ્રફુલ્લ વસાવા માને છે કે, આગામી પેઢી આદિવાસીઓને જુનવાણી વિચારોવાળા નહીં પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે જીવતા લોકો કહેશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન