ડાંગ : એ ગુજરાતી ખેડૂત જેણે પીવાનાં પાણીની તંગી દૂર કરવા એકલાહાથે કૂવો ખોદી કાઢ્યો

ડાંગના આહવાના ખેડૂત ગંગાભાઈ પવાર
ઇમેજ કૅપ્શન, ડાંગના આહવાના ખેડૂત ગંગાભાઈ પવાર
    • લેેખક, ધર્મેશ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • ગુજરાતીએ પાંચ વર્ષ સતત મહેનત કરીને ટાળી પાણીની અછત, ખોદી નાખ્યો કૂવો
  • ડાંગના આહવાના ખેડૂત ગંગાભાઈ પવારે પાણીની તંગીથી કંટાળી કરી બતાવ્યું કારનામું
  • એકલા હાથે કોઈ પણ યાંત્રિક મદદ વગર પાંચ પાંચ કૂવા ખોદ્યા
  • અંતે પાંચમા પ્રયાસમાં લાધી સફળતા, 32 ફૂટ ઊંડાઈએ પાણી મળ્યું
લાઇન

ગુજરાત સહિત ભારતનાં લગભગ દરેક રાજ્યમાં ખેતી અને પીવાયોગ્ય પાણીની સમસ્યા એ અવારનવાર જલદ મુદ્દો બની જાય છે.

ઘણા સમસ્યાના નામે ફરિયાદો કરે છે, પરંતુ સમસ્યાના નિવારણ લાવવા માટેનો દૃઢ નિશ્વય અમુક પાસે જ હોય છે. કંઈક આવી જ રીતે દૃઢ નિશ્વયમાં પહાડ ચીરીને રસ્તો બનાવવાની તાકત સમાયેલી હોય છે, એ વાત ગુજરાતના ડાંગ જિલ્લાના એક સામાન્ય ખેડૂતે સાબિત કરી બતાવી છે.

આ ખેડૂત છે, ગંગાભાઈ પવાર, જેઓ ડાંગના આહવા તાલુકાના વાસોડા ગામના રહેવાસી છે.

વર્ષો સુધી ખેતી અને પીવાના પાણીની તકલીફો વેઠી, અસંખ્ય રજૂઆતો બહેરા કાને પડતી જોઈ, આ સામાન્ય ખેડૂતે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાનું બીડું ઝડપ્યું. અને સતત પાંચ ત્રણ વર્ષ સુધી મહેનત કરીને એક નહીં પાંચ-પાંચ કૂવા ખોદી નાખ્યા.

વીડિયો કૅપ્શન, મળો એ ગુજરાતી ખેડૂતને, જેમણે પીવાનાં પાણીની તંગી દૂર કરવા એકલાહાથે કૂવા ખોદ્યા

આખરે પાંચમા પ્રયાસમાં ખોદેલા કૂવામાંથી પાણી પણ નીકળ્યું, જે તેઓ ખેતી અને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લે છે.

તેમની અદ્વિતીય ઇચ્છાશક્તિના કારણે એક સમયે અવારનવાર સૂકી પડી જતી ધરતી પાણીથી તરબોળ થઈ શકી.

તેમની આ સફર વિશે જાણવા બીબીસી ગુજરાતીએ તેમની સાથે ખાસ વાતચીત કરી હતી.

line

"ડાંગરની ખેતી માટે પાણી મેળવવા કરી મહેનત"

ગંગાભાઈ પવાર
ઇમેજ કૅપ્શન, કૂવો ખોદવામાં ગામલોકોએ તો ઠીક પરંતુ તેમના પરિવારના લોકોએ પણ તેમની મદદ નહોતી કરી

બીબીસી ગુજરાતી સાથે પાણી મેળવવાના સંઘર્ષ વિશે વાત કરતાં ખેડૂત ગંગાભાઈ પવાર કહે છે કે, "જો પાણી હોય તો હું ડાંગરની વાવણી કરી શકું. આ વિચાર સાથે મને કૂવો ખોદવાનો વિચાર આવ્યો. પરંતુ સરપંચ પાસે મદદ માગી તો તેમણે ના પાડી દીધી. કહ્યું કે 60 હજાર રૂપિયા હોય તો આ કામ થઈ શકે."

ખેડૂત ગંગાભાઈ પોતાની આર્થિક સ્થિતિ વિશે વાત કરતાં કહે છે કે, "60 હજાર તો દૂર મારી પાસે તો 100 રૂપિયા મળવાનું પણ મુશ્કેલ હતું. "

ગુજરાતનો ડાંગ જિલ્લો ડુંગરાળ પ્રદેશ હોવાથી ચોમાસું સારું રહેવા છતાં ઉનાળામાં પાણીનાં ફાંફાં પડી જાય છે. જેથી સ્થાનિકોએ પોતાની જરૂરિયાત માટે પાણી મેળવવા ઠેરઠેર ભટકવું પડે છે.

આ વાત ગંગાભાઈ જાણતા હતા. તેમજ તેઓ વારંવાર રજૂઆતો કરવાથી પણ કંટાળી ગયા હતા. તો આખરે તેમણે જાતે જ પાણીની તંગી નિવારવા મહેનત કરવાનું બીડું ઝડપી લીધું.

જો તેમના આ સાહસની તુલના કરવામાં આવે તો દશરથ માંઝીની કહાણી યાદ આવી જાય તે સ્વાભાવિક છે. દશરથ માંઝીએ જેવી રીતે પોતાના દૃઢ નિર્ધારથી પહાડ ખોદીને પોતાના ગામ માટે રસ્તો બનાવ્યો હતો. તેવી જ રીતે આ ગંગાભાઈએ પણ પોતાની મુશ્કેલીનું નિવારણ જાતે જ લાવવાનું નક્કી કર્યું હતું.

દશરથ માંઝીની જેમ તેમને પણ લોકો 'ગાંડો' જ સમજતા. પરંતુ હવે તેઓ પોતાના પરિવાર અને ગ્રામજોના હીરો બની ગયા છે. તેઓ કહે છે કે પરિવારમાં પણ

line

'પરિવાર સહિત કોઈએ મદદ ન કરી'

ગુજરાતના ડાંગ જિલ્લો ડુંગરાળ પ્રદેશ હોવાથી ચોમાસું સારું રહેવા છતાં ઉનાળામાં પાણીનાં ફાંફા પડી જાય છે
ઇમેજ કૅપ્શન, ગુજરાતનો ડાંગ જિલ્લો ડુંગરાળ પ્રદેશ હોવાથી ચોમાસું સારું રહેવા છતાં ઉનાળામાં પાણીનાં ફાંફાં પડી જાય છે

ગંગાભાઈ પવાર પોતાની સફર કેટલી મુશ્કેલ રહી છે તે અંગે વાત કરતાં કહે છે કે કૂવો ખોદવામાં ગામલોકોએ તો ઠીક પરંતુ તેમના પરિવારના લોકોએ પણ તેમની મદદ નહોતી કરી.

તેઓ આ વિશે કહે છે કે, "જ્યારે હું મારા છોકરાઓને મદદ કરવાનું કહેતો તો તેઓ કહેતા અમારે કામ-ધંધે જવાનું છે. પત્નીનો એક હાથ યોગ્ય રીતે કામ નથી કરતો તે પણ મદદ ન કરી શકી. દીકરી પણ પોતાને ખેતીનું કામ હોવાનું કહીને કામ કરાવવાનું ના પાડી દેતી."

તેઓ પોતાની આ સંઘર્ષની દાસ્તાન વિશે કહે છે કે, "હું વર્ષો સુધી રોજ રાત્રે બે-ત્રણ કલાક કૂવો ખોદવાનું જ કામ કરતો. થાકી જતો તો બેસી જતો. પાંચ વર્ષમાં પાંચ કૂવા ખોદ્યા, અંતે પાંચમા કૂવામાં 32 ફૂટે પાણી નીકળ્યું."

ગંગાભાઈ કહે છે કે, "આ કામમાં ઘણી તકલીફ પડી છે. કૂવામાંથી હાથે માટી કાઢવાના ચાર પાંચ આંટામાં થાકી જતો. અને બેસીને વિચાર કરવા લાગતો કે એકલો કેવી રીતે આ કામ કરીશ."

અથાક મહેનત બાદ પણ આ મહેનતુ ખેડૂતના ભાગમાં સતત સાડાં ત્રણ વર્ષ નિરાશા જ આવી. આખરે પાંચમા પ્રયાસે વધુ દોઢ વર્ષની મહેનત બાદ કૂવામાંથી પાણી નીકળ્યું.

તેઓ આ વાત અંગે પોતાના રાજીપો વ્યક્ત કરે છે કે, "અંતે મળેલી સફળતાથી હું ખુશ છું."

ગંગાભાઈ સરકાર પાસેની પોતાની આશા વ્યક્ત કરતાં કહે છે કે, "હવે પાણી નીકળ્યું છે, તો હું કૃષિવિભાગ પાસે મદદ માગવા જઈશ. જેથી કૂવો વ્યવસ્થિત બને અને વર્ષો સુધી તે બુરાય નહીં. જેથી તેના પાણીનો લાભ બધાને થઈ શકે."

ઇન્ડિયાટાઇમ્સ ડૉટ કૉમના એક અહેવાલ અનુસાર ગામનાં સરપંચ ગીતાબહેન ગાવીતે ખેડૂતે કરેલ કઠિન પરિશ્રમનાં વખાણ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

વધુ એક ગ્રામજન અર્જુન બાગુલે કહ્યું હતું કે, "આ કૂવો એ માત્ર ગામની તરસ જ નહીં છિપાવે પરંતુ સિંચાઈ માટે પણ ઉપયોગી નીવડશે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ