જહાંગીરે હૈદરાબાદના નિઝામને આપેલો 12 કિલોનો સોનાનો સિક્કો અત્યારે ક્યાં છે?

ઇમેજ સ્રોત, SAIFULLAH KHAN
- લેેખક, સુરેખા અબ્બુરી
- પદ, બીબીસી સંવાદદાતા

- મુઘલ રાજા જહાંગીરે જુદાજુદા વજનના ઘણા સિક્કા બનાવડાવ્યા હતા
- આ સિક્કા ચલણ માટે નહીં પરંતુ ઉપહાર અને સજાવટ માટે હતા
- 12 કિલો વજનના બે કે ત્રણ સિક્કા હોવાનું ઇતિહાસકારોનું માનવું છે
- હૈદરાબાદના નિઝામો સુધી પહોંચેલો સિક્કો વિવાદનું કારણ બન્યો છે
- નિઝામના વારસદારે સિક્કો સ્વિત્ઝર્લૅન્ડની બૅન્કમાં ગીરવે મૂક્યો હતો
- દેવુ ન ચૂકવતાં બૅન્ક દ્વારા સિક્કાની હરાજી કરવામાં આવી હતી
- હાલમાં અમેરિકાના એક મ્યુઝિયમમાં હોવાનું ઇતિહાસકારો માને છે

એક સમયે નિઝામો પાસે 12 કિલો વજન ધરાવતો સોનાનો સિક્કો હતો. આ સિક્કો હાલ ક્યાં છે, તે ચર્ચાનો વિષય છે?
થોડા દિવસ પહેલાં હૈદરાબાદના મિન્ટ કમ્પાઉન્ડમાં પ્રાચીન સિક્કાનું એક પ્રદર્શન યોજાયું હતું. જ્યાં આ સિક્કાની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી.
હૈદરાબાદસ્થિત મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીના એચ. કે. શેરવાની કેન્દ્રમાં ડૅક્કન સ્ટડીઝ વિભાગના વડા પ્રોફેસર સલમા ફારૂકીને આ પ્રદર્શનમાંના સિક્કામાં રસ પડ્યો હતો અને તેમણે 12 કિલો વજન ધરાવતા એ સિક્કા વિશે કેટલીક માહિતી એકત્ર કરી હતી.
તેઓ કહે છે, "1605થી 1627 સુધી મુઘલ સામ્રાજ્ય પર શાસન કરનારા જહાંગીર કળાના શોખીન હતા. જેથી તેમણે મહાનુભવોને ભેટ આપવા આ સિક્કા બનાવડાવ્યા હતા."
"તેમને ફારસી ભાષા પ્રત્યે ખૂબ લગાવ હતો. જેથી એ સિક્કા પર ફારસી ભાષામાં આલેખન પણ જોવા મળે છે. આ સિક્કા વાપરવા માટે ન હતા પણ માત્ર ભેટ આપવા માટે હતા. આ સિક્કાનું વજન 11 કિલો 193 ગ્રામ હતું."

સિક્કા પર કવિતા અને સુવાક્યો

આ સિક્કાની બંને બાજુ ફારસી અને અરબી ભાષામાં લખાણ છે. તમામ વાક્યોમાં જહાંગીરનું નામ છે. આ સિક્કા પર કવિતાઓ અને સુવાક્યો આલેખવામાં આવ્યા છે.
પ્રોફેસર સલમા ફારૂકીએ બીબીસીને જણાવ્યું કે નેશનલ આર્કાઇવ્ઝના આસિસ્ટન્ટ ડિરેક્ટર સંજય ગર્ગે તેમના પુસ્તકમાં સિક્કા પરના લખાણ વિશે ખુલાસો કર્યો છે.
સોનાના આ મહાકાય સિક્કા સિવાય જહાંગીરે અન્ય કેટલાક સિક્કા પણ બનાવ્યા હતા. અન્ય એક સિક્કા પર સિંહાસન પર બેસેલા જહાંગીરનું ચિત્રણ છે અને બીજી બાજુ ફારસી ભાષામાં લખ્યું છે કે આ સિક્કો પૂજનીય રાજા જહાંગીરની સમાનતા ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

જહાંગીરે આવા કેટલા સિક્કા બનાવડાવ્યા હતા?

ઇમેજ સ્રોત, SAIFULLAH KHAN
આ વિશાળ સિક્કાનો ઉપયોગ ચલણ તરીકે નહીં પરંતુ સજાવટ અને ઉપહાર તરીકે કરવામાં આવતો હતો.
જહાંગીરે ઈરાનના તત્કાલીન રાજદૂતને એક હજાર મહોરોનો એક સિક્કો આપ્યો હતો. પોતાની આત્મકથા 'તુજુક-એ-જહાંગીરી'માં તેમણે લખ્યું છે કે તેમણે યાદગીર અલીને એક હજાર તોલાનો એક સોનાનો સિક્કો ઉપહાર તરીકે આપ્યો હતો.
યાદગીર અલી ઈરાનના તત્કાલીન સમ્રાટના દૂતસ્વરૂપે આગરા આવ્યા હતા. જહાંગીરે આ સોનાનો સિક્કો ત્યારે મોકલ્યો જ્યારે તેઓ શોક મનાવવા આવ્યા હતા.
ઇતિહાસકારોનું માનવું છે કે જહાંગીરે આ સિક્કા પોતાના પ્રિયજનો, મહાનુભાવો, વિદેશી દૂતો અને તેમની સેવા કરીને પ્રસન્ન કરનારાઓ માટે બનાવડાવ્યા હતા. જહાંગીરે પોતાના કેટલાક વફાદાર લોકો માટે પાઘડી સજાવવા માટે નાના આકારના સિક્કા પણ તૈયાર કરાવ્યા હતા.
ડૉ. પંતે આ વિશે પોતાનો પુસ્તકમાં જણાવ્યું છે કે જહાંગીરે પોતાની રાણીઓના નામથી આ સિક્કાને નામ આપ્યા હતા. નૂર સુલ્તાનીના નામ પર 100 અને 50 તોલાના સિક્કા, નૂર દૌલતાના નામે 20 તોલાના સિક્કા અને નૂરજહાંનિયાના નામે એક તોલાના સિક્કા તૈયાર કરાવ્યા હતા. આ સિક્કા સોના તેમજ ચાંદી બંનેમાંથી બનાવડાવ્યા હતા.
ચર્ચામાં આવેલ એક હજાર મહોરનો સોનાનો સિક્કો 'કૌકબ-એ-તાલી'ના નામથી ઓળખાય છે. તેનો અર્થ થાય છે, "ઊગતો સૂરજ" અને તેની ખાસિયત છે તેનું વજન.
500, 200 અને 100 મહોરોમાંથી તૈયાર કરાયેલા સિક્કાને પણ આ જ નામ આપવામાં આવ્યું છે.
કેટલાક વિદેશી પ્રવાસીઓ અને લેખકોએ પણ આ સિક્કાનું વિવરણ પોતાના લખાણોમાં કર્યું છે.

કેટલા સિક્કા બચ્યા છે?

ઇમેજ સ્રોત, SILVER
ઘણા ઇતિહાસકારો એ વાતને લઈને સ્પષ્ટ નથી કે હકીકતમાં આવા કેટલા સિક્કા બન્યા હતા, પરંતુ તેમનું કહેવું છે કે અત્યાર સુધી બે સિક્કા પ્રમાણિત થયા છે. જેમાંથી એક ઈરાની રાજદૂતને આપવામાં આવ્યો હતો. બીજો સિક્કો તાજેતરમાં જ ચર્ચામાં આવ્યો છે.
મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આ બીજો સિક્કો જહાંગીરના પૌત્ર અને શાહજહાંના પુત્ર ઔરંગઝેબે હૈદરાબાદના પહેલા નિઝામના પિતાને આપ્યો હતો.
બે પ્રમાણિત સિક્કામાંનો એક કુવૈતના ઇસ્લામિક મ્યુઝિયમમાં છે. જે ઈરાની રાજદૂતને આપવામાં આવેલો સિક્કો હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ તેની પુષ્ટિ થઈ નથી.
સિક્કા પર સંશોધન કરનારા અને હૈદરાબાદમાં સિક્કાનું પ્રદર્શન યોજનારા કાંતિ કાંત સેવકનું કહેવું છે કે આ પ્રકારના ત્રણ સિક્કા હતા. જેથી સિક્કાની કુલ સંખ્યાને લઈને કંઇપણ કહી શકાય તેમ નથી.
તેમણે કહ્યું, "બીજાપુર પર પોતાની જીત બાદ ઔરંગઝેબ પોતાની થાકેલી સેનાને ભોજન કરાવવા ઇચ્છતા હતા. ત્યારે ગૌસુદ્દીન ખાને તેમને ભોજન ઉપલબ્ધ કરાવ્યું હતું. જેના માટે ઔરંગઝેબે ઉપહાર તરીકે 12 કિલો સોનાનો સિક્કો આપ્યો હતો."

નિઝામ ક્યાં ગયા?

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસકાર સફીઉલ્લાહના જણાવ્યા પ્રમાણે, સાતમા નિઝામની સાથે જ નિઝામોના શાસનનો અંત આવ્યો અને સત્તા ભારત સરકાર પાસે આવી ગઈ.
અંતિમ નિઝામના પૌત્ર મુકર્રમ ઝાએ આ સિક્કો સ્વિત્ઝર્લૅન્ડની એક બૅન્કમાં જમા કરાવ્યો. ત્યાર બાદ તેને એક હરાજીમાં વેચવામાં આવ્યો અને હાલમાં તે અમેરિકામાં છે.
કાંતિ સેવક કહે છે, "અમે આ સિક્કાને હૈદરાબાદનો ગૌરવશાળી સિક્કો કહીએ છીએ. કારણ કે તેને ઔરંગઝેબે નિઝામના પરદાદાને ભેટમાં આપ્યો હતો. આ સિક્કો ઘણાં વર્ષો સુધી નિઝામો પાસે રહ્યો હતો."
1987થી 1995 સુધી આ સિક્કો ચર્ચામાં રહ્યો હતો. તે સમયે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત મુઘલ કાળના સિક્કા પાછા લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બે સિક્કા પૈકી એકનું વજન 12 કિલો છે અને બીજાનું વજન એક કિલો છે.
મકર્રમ ઝાએ આ સિક્કો સ્વિત્ઝર્લૅન્ડની બૅન્કમાં ગીરવે મૂક્યો હતો અને તેના બદલે લીધેલી લૉન ચૂકવવામાં નિષ્ફળ જતા તેની હરાજી કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર, સિક્કાનું મૂલ્ય 8.7 મિલિયન ડૉલર આંકવામાં આવ્યું હતું પણ કોઈએ આ રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી ન હતી.

કાયદાકીય વિવાદ

ઇમેજ સ્રોત, SAIFULLAH KHAN
તે સમયે સીબીઆઈએ મુકર્રમ ઝા વિરુદ્ધ 1947ના સુવર્ણ અધિનિયમ અને પુરાતત્ત્વ અને કલા અધિનિયમ અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી કારણ કે આવા પ્રાચીન સિક્કાની હરાજી કરવી એ ગુનો ગણાતું.
સીબીઆઈએ સ્વિત્ઝર્લૅન્ડથી એ સિક્કાને પાછા લાવવા માટે ત્રણ પત્ર લખ્યા હતા. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, સ્વિત્ઝર્લૅન્ડની કોર્ટે ભારત સરકારની માગ ફગાવી હતી.
ડૅક્કન હૅરિટેજ ટ્રસ્ટના કોષાધ્યક્ષ મહમદ સૈફઉલ્લાહે આ વાતની પુષ્ટિ કરી હતી.
તેમણે બીબીસીને જણાવ્યું, "મુકર્રમ ઝાને વિરાસતમાં મળેલા સિક્કા નાણાકીય ત્રુટિઓના લીધે વેચવામાં આવ્યા હતા. એક સ્વિસ કોર્ટે 1987માં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી એક અરજી રદ કરી હતી અને કહ્યું હતું કે ભારતના કાયદા ત્યાં લાગુ થતા નથી."
"સાથે જ કોઈ પુરાવા ન હતા કે આઝાદી બાદ આ સિક્કા સરકાર પાસે કે કોઈ સંગ્રહાલયમાં રહ્યા હોય. જેથી સ્વિસ કોર્ટ સહમત ન થઈ કે આ સિક્કા સરકારની સંપત્તિ છે."
"દેવુ ચૂકતે ન થતાં બૅન્કે ગીરવે મૂકલે સિક્કા વેચી દીધા હતા. મારા કેટલાક મિત્રોનું કહેવું છે કે આ સિક્કા હાલ અમેરિકાના કૅલિફોર્નિયાસ્થિત એક મ્યુઝિયમમાં છે."
હકીકતમાં ઍન્ટિક્વિટિઝ ઍન્ડ આર્ટ ટ્રૅઝર્સ ઍક્ટ અંતર્ગત 100 વર્ષથી જૂની કોઈપણ વસ્તુને વેચવી કે ખરીદવી ગુનો બને છે.
જોકે, ભારત એ સાબિત કરી શક્યું નથી કે આ સિક્કા નિઝામના વારસદારો પાસે હતા અથવા તો ભારત સરકાર પાસે.
ઇતિહાસકારો મુજબ અમેરિકાથી આ સિક્કાને પાછા લાવવા કાયદાકીય રીતે અસંભવ છે અને જો ભારત ઇચ્છે તો તેને ખરીદીને પાછા લાવી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













