ઔરંગઝેબે કેવી રીતે ભાઈ દારા શિકોહની હત્યા કરાવડાવી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

જો શાહજહાંના સમયને મુઘલ ઇતિહાસના 'સુવર્ણકાળ' તરીકે ઓળખવામાં આવે છે, તો તેમના દીકરા ઔરંગઝેબ માટે ઇતિહાસકારો આવું નથી કહી શકતા.

શાહજહાંના ઉત્તરાધિકારી તરીકે તેમના મોટા દીકરા દારા શિકોહને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ તેમને વહીવટ કરતાં ધર્મદર્શનમાં વધારે રુચિ હતી.

ઔરંગઝેબ

ઇમેજ સ્રોત, Oxford

આગ્રા પાસેની ટૂંકી લડાઈ બાદ તેઓ વિજેતા બન્યા અને બાદશાહ બન્યા. જોકે, ઔરંગઝેબે તેમના ભાઈનું સર કલમ કરાવી નાખ્યું.

ઉદારમતવાદી ભાઈ દારા શિકોહ મુઘલ બાદશાહ બન્યા હોત તો? શું તેઓ ઉત્તમ શાસક બની શક્યા હોત? 'વૈકલ્પિક ઇતિહાસ' વિશે વાત કરનારા આવી અનેક સંભાવનાઓ જુએ છે.

ઔરંગઝેબનો જન્મ દાદા જહાંગીરના સમયમાં તારીખ ત્રીજી નવેમ્બર 1618માં દાહોદ ખાતે થયો હતો અને ત્રીજી માર્ચ 1707ના તેમનું મૃત્યુ થયું હતું.

line

દિલ્હીનું એ દૃશ્ય

દિલ્હી

ઇમેજ સ્રોત, Getty Images

આઠમી સપ્ટેમ્બર 1659ના દિવસે લાલ કિલ્લા તરફ જતા દિલ્હીના રસ્તાઓ ઉપર મોટી ભીડ ઊમટી પડી હતી.

લોકો સલ્તનતના શાહજાદા દારા શિકોહને જોવા માટે એકઠા થયા હતા. દારા ચારેય બાજુ મુઘલ સૈનિકોથી ઘેરાયેલા હતા.

આ કોઈ વિજયસરઘસ ન હતું, પરંતુ સરાજાહેર અપમાન હતું. દારા અને તેમના દીકરાને માંદલા હાથી ઉપર બેસાડવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમ અંગે ઇટાલિયન મુસાફર નિકોલો મનૂચી પોતાના પુસ્તક 'સ્ટોરિયા દો મોગોર'માં લખે છે :

"હિંદુસ્તાનના શાહજાદાએ પહેરી હોય તેવી મોતીઓની સુંદર માળાઓ તેના ગળામાં ન હતી. તેના માથા ઉપર પાઘડી ન હતી અને કોઈ સામાન્ય માણસ પહેરે એવી કાશ્મીરી શાલ તેના માથે વિંટાળવામાં આવી હતી."

"તેમની પાછળ ખુલ્લી તલવારે એક સિપાહી પણ ચાલી રહ્યો હતો. તેઓ જો ભાગવાની કોશિશ કરે તો તેમના માથા ઘડથી અલગ કરી દેવાનો હુકમ હતો."

દારા શિકોહ મુઘલ શાસક શાહજહાંના સૌથી મોટા દીકરા હતા અને તેઓ સામ્રાજ્યના વારસ પણ હતા.

શાહજહાં તેમને ખૂબ ચાહતા હતા. તેમણે અન્ય દીકરાઓને છેવાડાના વિસ્તારો ઉપર શાસન કરવા માટે મોકલ્યા હતા.

પરંતુ દારા શિકોહને બે કરોડ રૂપિયાનું વર્ષાસન આપીને પોતાની નજીક રાખ્યા હતા. આથી કેટલાક દરબારીઓ તેમને 'દારાબાબા' કહીને પણ બોલાવતા હતા. કિસ્મતે એવો તે શું વળાંક લીધો કે એક શાહજાદો દિલ્હીના રસ્તાઓ ઉપર ચીંથરેહાલ અવસ્થામાં આવી ગયો?

line

દારાના નિકાહ અને દુશ્મની

દારાના લગ્ન સમયનું દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દારાના લગ્ન સમયનું દૃશ્ય

દારાની જિંદગીને સમાંતર જ બીજી એક વ્યક્તિની કહાણી પણ આકાર લઈ રહી હતી.

ઔરંગઝેબ અને દારા શિકોહ વચ્ચેના લોહિયાળ ઘર્ષણે કદાચ ભારતીય ઇતિહાસનો પ્રવાહ જ પલટી નાખ્યો.

બર્કલે યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક મુનિશ ફારુકીના કહેવા પ્રમાણે : "બંને ભાઈઓ એકબીજાને હરીફ તથા સંભવિત હત્યારા તરીકે જોતા હતા એટલે નાનપણથી જ બંનેના સંબંધમાં કડવાશ આવી ગઈ હતી. શાસન માટેની દોટમાં એક તરફ સુંદરતાના શોખીન અને સપનાં સેવનાર દારા શિકોહ હતા તો બીજી તરફ ભાઈ ઔરંગઝેબ હતો."

અમેરિકન ઇતિહાસકાર ઑડરી ટ્રસ્ચકે 'ઔરંગઝેબ - ધ મૅન ઍન્ડ ધ મિથ' નામનું પુસ્તક લખ્યું છે.

ઑડરી ટ્રસ્ચકે એક ઘટનાનો ઉલ્લેખ કરે છે કે જ્યારે દારા શિકોહનાં લગ્ન થયાં ત્યારબાદ શાહજહાંએ સુધાકર અને સૂરત નામના બે હાથીઓ વચ્ચે લડાઈ કરાવી હતી.

મુઘલોના મનોરંજનની આ મનપસંદ રીત હતી. સુધાકર હાથી અચાનક ઘોડેસવારી કરી રહેલા ઔરંગઝેબ તરફ ક્રોધથી ધસી ગયો હતો.

ઔરંગઝેબે સુધાકરના માથા પર જોરથી ભાલાનો ઘા કર્યો તેના કારણે હાથી વધારે કોપાયમાન થયો હતો. હાથીએ ઘોડાને એટલી જોરથી ટક્કર મારી કે ઔરંગઝેબ નીચે પડી ગયા.

તેમની સાથે તેમના ભાઈ શુઝા અને રાજા જયસિંહ પણ હતા. તેઓએ ઔરંગઝેબને બચાવવાની કોશિશ કરી હતી.

દરમિયાન બીજો હાથી શ્યામ સુંદર આડે આવ્યો અને તેણે સુધાકરનું ધ્યાન ખેંચ્યું અને તેમની વચ્ચે લડાઈ જામી.

આ ઘટનાનો ઉલ્લેખ શાહજહાંના દરબારના કવિ અબૂ તાલિબ ખાંએ પણ પોતાની કવિતાઓમાં કર્યો છે.

અન્ય એક ઇતિહાસકાર અકિલ ખાં રજીએ પોતાના પુસ્તક 'વકીયલ-એ-આલમગીરી'માં લખ્યું છે કે "હાથીઓનો મુકાબલો થયો તે દરમિયાન દારા શિકોહ પાછળ ઊભા રહ્યા હતા અને તેમણે ઔરંગઝેબને બચાવવાની કોશિશ કરી નહોતી."

line

દારા, દીન અને કુરાન

કુરાન

ઇમેજ સ્રોત, Getty Images

દારા અનેક ધર્મ તથા સંસ્કૃતિમાં રુચિ ધરાવતા હતા. તેઓ સૂફીઓ, યોગીઓ તથા અલગ-અલગ ધર્મના ગુરુઓથી ઘેરાયેલા રહેતા.

1656ના શરૂઆતના સમયમાં તેમણે વૈદિક હિંદુધર્મના સ્રોત સમાન ઉપનિષદોનો અનુવાદ શરૂ કરાવ્યો.

દારા કોઈ 'સત્યશોધક'ની જેમ ધર્મોની વચ્ચે સત્યને ખોળતા રહ્યા. કુરાનના એક ભાગમાં ઉલ્લેખિત એક પુસ્તક વિશે જાણીને દારાને ખાતરી થઈ ગઈ કે તે વાત ઉપનિષદોના સંદર્ભમાં છે.

દારાને 'અસ્તિત્વની એકતા'ના સિદ્ધાંતમાં વિશ્વાસ બેસી ગયો હતો. જેની માન્યતા મુજબ, જેમ દરેક નદી સાગરમાં ભળે છે, તેમ દરેક ધર્મ ઇશ્વરની શોધમાં કોઈ 'એકેશ્વરવાદી સત્ય'માં ભળી જાય છે.

દર્શનશાસ્ત્રના પ્રોફેસર જૉનાર્દન ગેનેરીના કહેવા પ્રમાણે, "એ સમયે આ કામગીરી મુઘલ સામ્રાજ્યના વારસદાર સિવાય કોઈ હાથ ધરી શકે તેમ ન હતું, કારણ કે બીજા કોઈ પાસે આટલાં જંગી સંસાધન ન હતાં. તેણે સંસ્કૃત શીખવાનો પ્રયાસ કર્યો હતો."

દારાનું માનવું હતું કે હિંદુ વેદાંતદર્શનના અભ્યાસથી ઇસ્લામના દબાયેલાં-છુપાયેલાં રહસ્ય સ્પષ્ટ થઈ જશે, એટલે તેની પાસે એટલું જ્ઞાન આવી જશે કે તે બિનહરીફ રીતે તખત પર બિરાજમાન થઈ શકશે.

મુનિશ ફારુખીના કહેવા પ્રમાણે, "દારાને ખબર હતી કે મુઘલ તખત માટે તેણે સંઘર્ષ કરવો પડશે, એટલે તેમની રાજકીય ગણતરી ખુદને 'આદર્શ વ્યક્તિ' તરીકે પ્રસ્થાપિત કરવાની હતી. તે એવી વ્યક્તિ બનવા માગતો હતો, જે દિવ્યરહસ્યો જાણતો હોય. દારાને એવું લાગતું હતું કે તે દિલ્હીનો એવો શાસક બનશે, જે તમામ ધાર્મિક રહસ્યોને સ્પષ્ટ કરી દે ."

"મુઘલકાળમાં શહેનશાહના દરેક દીકરા તાજ માટે દાવો કરી શકતા, જેના કારણે તખત માટેની લડાઈ ઘણી વખત લોહિયાળ બની જતી."

દિલ્હીસ્થિત મુગલ મકબરો

ઇમેજ સ્રોત, Getty Images

પિતાના અવસાન બાદ પદભાર સંભાળવા માટે દરબારીઓની જરૂર રહે અને દારાએ તેમને ખુદથી દૂર કરી દીધા હતા. દરબારમાં દારાના સમર્થક નિકોલો મનૂચી લખે છે :

'આત્મવિશ્વાસથી ભરપૂર દારા ખુદને ખૂબ જ સક્ષમ માનતો હતો, તેને લાગતું હતું કે તેને કોઈની સલાહની જરૂર નથી. જે કોઈ સલાહ આપે, તેને દારા નફરત કરતો. આથી તેની નજીકના મિત્રો પણ સૌથી મહત્ત્વપૂર્ણ હોય, એવી વાતો પણ ન જણાવતા. દારાને લાગતું કે બધા તેને પ્રેમ કરે છે અને છેવટે નસીબ તેને જ સાથ આપશે.'

દારાની કહાણી તેના જિજ્ઞાસુ મનની પણ કહાણી છે, જે તેની તાકત પણ હતી અને પતનનું કારણ પણ. દારા તેના વર્ષાસનની બધી રકમ ધાર્મિક વિચારોની ભૂખ, દર્શનશાસ્ત્રનાં પુસ્તકોના અનુવાદ તથા મુઘલશૈલીના ચિત્ર બનાવડાવવા પાછળ ખર્ચી નાખતા.

દારાની આ ધૂનને કારણે જ તેઓ પોતાના સમયમાં સૌથી વધુ ઠગાયેલી વ્યક્તિ બની ગયા.

જૉનાર્દન ગેનેરીના મતે, "કદાચ તે દીવાસ્વપ્નની દુનિયામાં રાચતો હતો. કોઈ દાર્શનિકની જેમ તે વિચારોમાં રચ્યોપચ્યો રહેતો. તેને વહીવટ કરતાં દર્શનમાં વધુ રસ પડતો. જો તેણે 'ધાર્મિક એકતા'ને બદલે વહીવટ વિશે વધુ વિચાર્યું હોત, તો કદાચ સારું રહેત."

એક સમકાલીન વિશ્લેષકના મતે, જે સમયે દારા સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તેવા કામ કરી રહ્યા હતા, ત્યારે ઔરંગઝેબ પોતાની તલવારની ધાર તેજ કરી રહ્યા હતા.

line

ઔરંગઝેબ, આભા અને આયોજન

ઔરંગઝેબનો દરબાર

ઇમેજ સ્રોત, GUILLAUME THOMAS RAYNAL

ઇમેજ કૅપ્શન, ઔરંગઝેબનો દરબાર

બીજી બાજુ, ઔરંગઝેબ શાહી તખત ઉપર દાવેદારી માટે ખુદને મજબૂત કરી રહ્યા હતા, તેઓ પોતાનું પ્રભાવક્ષેત્ર વિસ્તારી રહ્યા હતા.

ઔરંગઝેબ અંગે મુનિશ ફારુખી માને છે, "ઔરંગઝેબે મધ્ય ભારતમાં કામ કર્યું હતું, તેણે દખ્ખણમાં બે વખત લાંબો સમય વિતાવ્યો હતો. તે ગુજરાત અને મુલતાનમાં રહ્યો હતો. તે ઉત્તર અફઘાનિસ્તાનના કંધાર ઉપરની બે ચઢાઈમાં પણ સામેલ હતો."

"તેણે પોતાની જાતને યૌદ્ધા તથા વહીવટકર્તા તરીકે તૈયાર કરી. તેણે પ્રજા માટે ચિંતિત શાસક અને ધાર્મિક વ્યક્તિ તરીકેની છાપ ઊભી કરી. તે રાજ્યો ઉપરના હુમલા બાદ લૂંટમાં મળેલી રકમ સાથીઓમાં વહેંચી દેતો."

"આથી જ્યારે ઉત્તરાધિકાર માટે લડાઈની વાત આવી, ત્યારે આમાંથી અનેક લોકોએ તેનો સાથ આપ્યો."

"1657માં શાહજહાંની બીમારીને કારણે સત્તાનો શૂન્યાવકાશ સર્જાયો. સ્થિતિનો લાભ ઉઠાવતા ઔરંગઝેબે એક ચાલ ચાલી. તેઓ ભાઈ દારા શિકોહને સૈન્ય બાબતોમાં અણઘડ માનતા. તેઓ માનતા કે તે અન્ય ધર્મોમાં રસ લેવાને કારણે તે ધર્મત્યાગી થઈ ગયા છે એટલે તે રાજ કરવાને કાબેલ નથી."

સત્તાની સાંઠમારી બંને ભાઈઓને મેદાન-એ-જંગ સુધી ખેંચી ગઈ. જૂન-1659માં આગ્રા પાસે સામૂગઢ ખાતે બંને ભાઈઓની સેના સામસામે આવી ગઈ. અપેક્ષા મુજબ જ આ લડાઈ લાંબી ન ચાલી.

line

દારા, દગો અને એ દૃશ્ય

દારા શિકોહ

ઇમેજ સ્રોત, Penguin India

કેટલાક ઇતિહાસકારો નોંધે છે કે ઔરંગઝેબ એક રાજપૂત સૈનિકના વારથી માંડમાંડ બચ્યા હતા. એક કુશળ યૌદ્ધાની જેમ ઔરંગઝેબે તરત જ ખુદને સંભાળી લીધા.

ઔરંગઝેબની ટુકડીએ ફેંકેલું એક રૉકેટ દારા શિકોહની હાથીની અંબાડીને લાગ્યું. તેઓ હેબતાઈ ગયા અને ઝડપભેર હાથી પરથી નીચે ઊતરી ગયા.

સૈનિકોએ દારા શિકોહના ભયને પામી લીધો અને બધું ખતમ થઈ ગયું. માત્ર ત્રણ કલાકની લડાઈમાં દારાના પક્ષે દસ હજાર સૈનિકોની ખુંવારી થઈ ગઈ હતી.

જીવિત સૈનિકોએ તેમનો સાથ છોડી દીધો. દારા ફરાર થઈ ગયા. એ અરસામાં દારાએ શાહી પહેરવેશને બદલે ફાટેલાં-તૂટેલાં કપડાં અને સસ્તાં જોડાં પહેરવાં પડતાં.

અફઘાન સરદાર મલિકનો દગો તેમને મૃત્યુ સુધી લઈ ગયો. મલિકે દારાને બચાવવાનું વચન આપ્યું હતું, પરંતુ એમ કરવાને બદલે તેમણે દારાને ઔરંગઝેબને હવાલે કરી દીધા.

ત્યારબાદ આઠમી સપ્ટેમ્બરે ચીંથરેહાલ દારાનું નાનકડું જુલૂસ નીકળ્યું. એ દૃશ્ય ઉદાસ કરી દેનાર અને દયા ઉપજાવે તેવું હતું. બહુ જ ટૂંક સમયમાં ધનવાન, તાકતવર અને વિખ્યાત શાહજાદા ચીંથરેહાલ થઈ ગયા હતા.

ઔરંગઝેબના દરબારમાં દારા શિકોહની સુનાવણી થઈ અને દરબારે લગભગ સર્વાનુમત્તે તેમને મૃત્યુદંડની સજાની ભલામણ કરી અને બીજા જ દિવસે તેમના સરને ધડથી અલગ કરી દેવામાં આવ્યું. તેમનું સર ઔરંગઝેબને પેશ કરવામાં આવ્યું.

દારા શિકોહના ધડને દિલ્હીમાં હુમાયુના મકબરાના મેદાનમાં કોઈ પણ જાતની ધાર્મિકવિધિ વગર ક્યાંક દફન કરી દેવાયું. જોકે બાદમાં ઔરંગઝેબે પોતાનાં દીકરી જબ્દાતુન્નિસાની શાદી દારા શિકોહના પુત્ર સિફિર શિકોહ સાથે કરાવી હતી.

શાહજહાંએ કિતાબપ્રેમી દીકરા દારા શિકોહ માટે બંધાવી આપેલું પુસ્તકાલય એક યુનિવર્સિટીમાં દુકાનોની કતારની પાછળ ઊભું છે.

line

જો, તો અને વૈકલ્પિક ઇતિહાસ

દારા શિકોહ

ઇમેજ સ્રોત, Getty Images

દારાને બદલે ઔરંગઝેબનું મોત થયું હોત અને દારા શિકોહ દેશના શહેનશાહ બન્યા હોત તો જેવી રીતે ઔરંગઝેબના શાસનકાળમાં આખું સામ્રાજ્ય વેરવિખેર થઈ ગયું, તેવું દારા શિકોહના શાસનકાળમાં બન્યું હોત? શું તેઓ મુઘલ સામ્રાજ્યનું પતન અટકાવી શક્યા હોત?

કેટલાક લોકોના મતે, દારા શિકોહ દેશમાં 'બૌદ્ધિક પુનઃજાગરણ'ને પ્રેરિત કરી શક્યા હોત. કેટલાક માને છે કે કદાચ ભારત પશ્ચિમી દેશોની પડખે ઊભું હોત અને ગુલામીમાંથી ઊગરી ગયું હોત. કદાચ 1947માં ધર્મના આધારે દેશનું વિભાજન પણ ન થયું હોત.

માનુચીએ પોતાના પુસ્તક 'સ્ટોરિયા દો મોગોર'માં લખ્યું છે, "દારાનું મોત થયું તે દિવસે ઔરંગઝેબે દારાને પૂછ્યું હતું કે તું મારી જગ્યાએ હોત શું કર્યું હોત?"

"દારાએ જવાબ આપ્યો હતો કે પોતે ઔરંગઝેબના શરીરના ચાર ટુકડા કરીને દિલ્હીના ચારેય દરવાજે લટકાવી દેત."

આ ઇમારત અને તેમાં રહેલાં પુસ્તકો તથા પાંડુલિપિ દારા શિકોહની અનોખી ધૂનની સાક્ષી પૂરે છે. મુઘલ માપદંડ પ્રમાણે, દારા 'નિષ્ફળ શખ્સ' હતા અને ઉત્તરાધિકારની લડાઈમાં તે ફાવી નહીં શકનારા 'બદકિસ્મત' શાહજાદા પણ હતા.

વૈકલ્પિક ઇતિહાસની કલ્પના કરીએ તો, દારા બહુસંસ્કૃતિવાદનો અભ્યાસ નહોતા કરી રહ્યા, પરંતુ તેમને વિશ્વાસ હતો કે તેઓ 'ઇસ્લામના સત્ય'ની ખોજ કરી રહ્યા છે, દારા શિકોહને વહીવટનો અનુભવ ન હતો, જેના કારણે કદાચ મુઘલ સામ્રાજ્યનું વહેલું પતન થઈ ગયું હોત.

દારાએ ઉપનિષદોના જે અનુવાદ કરાવ્યા હતા, તેના કારણે યુરોપિયન વિદ્વાનોની નજર ઉપનિષદો પર પડી. દારાની કામગીરી હિંદુ-મુસ્લિમ વચ્ચે જ નહીં, પરંતુ ભારત અને પશ્ચિમ વચ્ચે કડીરૂપ બની ગઈ.

વધુ એક 'જો અને તો...'ની વાત. જો તેમણે આ અનુવાદ ન કરાવ્યા હોત અને વહીવટીકાર્ય ઉપર ધ્યાન આપ્યું હોત તો? તો, કદાચ આજે આપણી વિચારસરણી આટલી વિકસી ન હોત.

(આ અહેવાલ પ્રો. સુનીલ ખિલનાનીની શ્રેણી 'ઇન્કાર્નેશન્સ' ઉપર આધારિત છે, જે બીબીસી રેડિયો-4 પર પ્રસારિત થયો હતો. અંગ્રેજીમાં અહેવાલ સાંભળવા માટે અહીં ક્લિક કરો.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો