ગોપી મલિક : સુરતની સૂરત બદલી નાખનારો 17મા સૈકાનો શાહસોદાગર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતનું એક શહેર એવું છે જેના માટે એક કરતાં વધારે કહેવતો પ્રચલિત બની છે. એક કહેવત છે 'સુરત તારી સોનાની મૂરત' તો વળી બીજી કહેવત છે કે 'સુરતનું જમણ અને કાશીનું મરણ'.
સુરતને એક તરફ 'સૂર્યપુર' અને તાપીને 'સૂર્યપુત્રી' ગણવામાં આવી છે, તો બીજી તરફ સુરતનું નામ 'સૂરજ' નામની સ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે. આવા સુરત બંદરનો ઉદય 16મા સૈકા દરમિયાન થયો હતો.
મલિક ગોપી જેવા શાહસોદાગર આ સમયની દેણગી છે. 1510માં મલિક ગોપીએ પોર્ટુગીઝ ગવર્નર આલ્ફોન્ઝો-દ-અલ્બુકર્કને (Afonso de Albuquerque) ચાંપાનેરથી પત્ર લખ્યો હતો, ત્યારે સુરતના વજીર તરીકે તેનો દબદબો હતો.

સુરતનો સિરતાજ

ઇમેજ સ્રોત, Getty Images
15મી સદીના અંત ભાગમાં ગોપી મલિક સુરત શહેરમાં આવીને વસ્યો હતો અને ત્યારબાદ તેણે એક વેપારી અને વહીવટકર્તા તરીકે સારી નામના પ્રાપ્ત કરી.
1516ની આસપાસ તેણે સુપ્રસિદ્ધ ગોપી તળાવ બંધાવ્યું હતું. એ જમાનામાં સમગ્ર સુરત શહેરને ગોપી તળાવ પાણી પુરવઠો પૂરું પાડતું હતું. એક વેપારી મહાજન નગરના વિકાસમાં કેવો ફાળો આપી શકે, તેનું આ ઉદાહરણ છે.
મલિક ગોપી આગળ જતાં સુરતનો ગવર્નર અને ગુજરાતનો મુખ્ય વજીર બન્યો. સુરતના આર્થિક વિકાસની દૃષ્ટિએ વડનગરના આ નાગર બ્રાહ્મણનો નોંધપાત્ર ફાળો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
16મો સૈકો સુરતની ક્રમશઃ ચઢતીનો સમય હતો. સુરતની ચડતીનો સૂરજ આકાશમાં ઊંચે જઈ રહ્યો હતો પણ હજુ સુરત જાહોજલાલીની ટોચે પહોંચ્યું નહોતું. સુરતના મુસ્લિમ વેપારીઓએ દેશવિદેશનો વેપાર ખેડીને શહેરને સમૃદ્ધિના પંથે દોર્યું હતું.
બરાબર આ જ સમય દરમિયાન દરિયા ઉપર પોર્ટુગીઝ ચાંચિયાઓની ધાક જામી હતી. મધદરિયે તેઓ મુસ્લિમ અને હિંદુ વેપારીઓનાં વહાણોને લૂંટતા અને સળગાવી દેતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મલિક, સુલતાન અને પોર્ટુગીઝ

ઇમેજ સ્રોત, Getty Images
સુલતાન બહાદુર શાહ (1526-1537)ના સમયમાં પોર્ટુગીઝો સાથે એક સંધિ થઈ હતી. આ સંધિ મુજબ ગુજરાતકાંઠેથી કોઈ પણ ગુજરાતી વહાણ પોર્ટુગીઝોના પરવાના વગર આવ-જા કરી શકતું નહીં.
સુલતાનયુગ તેમજ મુગલયુગમાં શાસકો તાકાતની દૃષ્ટિએ તદ્દન નિર્બળ હતા. આ બધા વચ્ચે સુરત અત્યંત ધીમી પણ મક્કમ ગતિથી એક બંદરીય નગર તરીકે વિકસી રહ્યું હતું.
આર્થિક વિકાસની પ્રક્રિયામાં રાજકીય સ્થિરતા મહત્ત્વનો ભાગ ભજવે છે. ઈ.સ. 1573માં ગુજરાતમાં મુગલ હકૂમત સ્થપાયા બાદ મુગલશાસકોએ ગુજરાતમાં અને દેશમાં રાજકીય સ્થિરતા અને શાંતિનું વાતાવરણ સર્જ્યું હતું.
મુગલશાસકો એ રીતે દીર્ઘદૃષ્ટા હતા. ગુજરાત મુગલશાસનની આર્થિક જાહોજલાલીની પાયાની ઈંટ છે, એ એમણે માન્યું અને એવી આર્થિક નીતિઓ અપનાવી જેને કારણે અમદાવાદ અને સુરત જેવાં નગરોનો વેપાર ખીલે અને આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું સુરત મુખ્ય બંદર બને.

17મો સૈકો સુરતનો

ઇમેજ સ્રોત, Getty Images
આમ 17મો સૈકો એ સુરત માટે જાહોજલાલી લઈને આવ્યો અને સાચા અર્થમાં 'સુરત તારી સોનાની મૂરત'ની કહેવત સાર્થક થઈ.
વીરજી વોરા, હરિ વૈશ્ય, હાજી ઝહીર બેગ, મિરઝા માસૂમ અને ભીમજી પારેખ જેવા સુરતના કરોડપતિ વેપારીઓ આ સમયે થઈ ગયા. મહાજન અને નગરશેઠ જેવી સંસ્થાઓનો ઉદય થયો.
અમદાવાદમાં જેવી રીતે પરીખ ઉદ્ધવજી અને ત્યારબાદ શ્રી શાંતિલાલ ઝવેરી નગરશેઠ થયા, તેવી જ રીતે સુરતમાં તે સમયે નગરશેઠ તરીકે ભીમજી પારેખ (1610-1686) હતા. ઉદ્ધવજી અને શાંતિદાસ ઝવેરી જૈન હતા, જ્યારે ભીમજી પારેખ વૈષ્ણવ વણિક હતા.

મર્ચન્ટ પ્રિન્સ એટલે...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પ્રોફેસર મકરંદ મહેતા તેમના પુસ્તક 'ગુજરાતના વહાણવટીઓ, વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ'ના પ્રકરણ 6નું મથાળું લખે છે, 'સલ્તનતકાળનો મર્ચન્ટ - પ્રિન્સ મલિક'.
આ પ્રકરણની શરૂઆતમાં જ તેઓ સમજાવે છે કે 'મર્ચન્ટ પ્રિન્સ એટલે મૂડીના જોરે રાજકીય સત્તા હાંસલ કરનાર પ્રભાવશાળી વેપારી'.
મર્ચન્ટ પ્રિન્સ વેપારીઓમાં રાજવી હોય હોય અને રાજવીઓમાં વેપારી.
જેવી રીતે સોલંકીકાળનો મર્ચન્ટ પ્રિન્સ વસ્તુપાલ (1185-1240) મહાઅમાત્ય હોવા ઉપરાંત ખંભાત બંદરનો અધિષ્ઠાતા હતો, તેવી રીતે સલ્તનતયુગમાં મલિક ગોપી (1456-1515) પ્રધાન હોવા ઉપરાંત રાંદેર અને સુરત બંદરનો સર્વોચ્ચ અધિકારી હતો.

ઇમેજ સ્રોત, Getty Images
સલ્તનતકાળના આ પ્રભાવશાળી વહીવટકર્તાએ બંધાવેલું ગોપી તળાવ આજે પણ સુરતના રળિયામણા વારસા તરીકે સુપ્રસિદ્ધ છે. અને એ જ રીતે ગોપી પરું આજે પણ મલિક ગોપીની યાદને અમર રાખી રહ્યું છે.
મલિક ગોપી માત્ર એક સફળ વેપારી અને કુશળ વહીવટકર્તા હતો એવું નથી, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો આ પૂર્વજ બહુશ્રુત અને વિદ્વાન હોવા ઉપરાંત ફારસી તેમજ પોર્ટુગીઝ ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવતો હતો.
અંગ્રેજ મુસાફરો ડૉ. જોન ફ્રાયર (1672) અને જે. ઓલિંગને (1679) મર્ચન્ટ ગોપી વિશે ખૂબ વિશદ છણાવટ કરતાં એને પ્રતિભાશાળી 'મર્ચન્ટ સ્ટેટ્સમૅન' તરીકે બિરદાવ્યો છે.

મલિક પર પોર્ટુગીઝોનો પ્રભાવ

ઇમેજ સ્રોત, Getty Images
મલિક ગોપીનો સમય હિન્દ મહાસાગર પર પોર્ટુગીઝના સમગ્ર પ્રભુત્વનો હતો અને એ રીતે મલિક ગોપીનો ઇતિહાસ તેમજ તેની કારકિર્દી ગુજરાતના વાણિજ્યિક ઇતિહાસ અને સુરતના વિકાસના ઇતિહાસનું એક મહત્ત્વનું પ્રકરણ છે. મલિક ગોપી પોર્ટુગીઝોના દરિયાઈ સામ્રાજ્યનો સાક્ષી હતો.
સુલતાનો જમીન ઉપર વાઘ જેવા હતા, પણ દરિયામાં તેમનો ગજ વાગતો ન હતો. માત્ર જમીની તાકાત જ વધારવી અને આટલો વિશાળ દરિયાકાંઠો ધરાવતા પોતાના સામ્રાજ્ય માટે તાકાતવાન નૌકા દળ ન વિકસાવીને જે તે સમયના શાસકોએ એક મોટી ભૂલ કરી હતી.
જો તેમણે નૌકાદળ વિકસાવ્યું હોત, તો પોર્ટુગીઝો અને યુરોપિયનોને મારી ભગાડ્યા હોત.

ઇમેજ સ્રોત, Getty Images
આમ ન થવાને કારણે પહેલાં પોર્ટુગીઝ અને ત્યારબાદ બ્રિટિશર ફાવી ગયા. માત્ર ને માત્ર દરિયાઈ સત્તા ઉપર તાકાત અને એમણે વિકસાવેલ ટેકનૉલૉજી આધારિત દરિયો ખેડવાની કળા તેમજ દરિયાઈ યુદ્ધ માટેની સુસજ્જતાથી ભારતને નમાવ્યું.
ગોપી મલિક એક વિદ્વાન અને મુત્સદ્દી હતો. સુલતાન મહમદ બેગડા ઉપરાંત તેના પુત્ર મુઝફ્ફર શાહે ગોપીની નિમણૂક રાંદેર અને સુરત ઉપરાંત ભરૂચ બંદરના નાઝીમ (વ્યવસ્થાપક) તરીકે કરી હતી.
આ તબક્કે એક બીજા વ્યક્તિત્વની વાત જોડવી આવશ્યક જણાય છે. 1507માં દીવ બંદર જીતીને પોર્ટુગીઝોએ ત્યાં કિલ્લો બાંધ્યો તે અગાઉ મલિક અયાઝની નિમણૂક દીવ બંદરના ગવર્નર તરીકે કરી હતી.

મલિક વિરુદ્ધ મલિક
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
મલિક અયાઝ જ્યોર્જિયન-રશિયન લોહીનો વારસદાર હતો. લડાયક મિજાજ અને ખુમારી એના વ્યક્તિત્વનું આગવું પાસું હતું.
મલિક ગોપીથી વિરુદ્ધ આ નરબંકાએ 1518થી 1521 સુધી પોર્ટુગીઝો સામે બહાદુરીપૂર્વકની લડાઈ લડી.
1521માં પોર્ટુગીઝોના જાફરાબાદ ઉપર દરિયાઈ હુમલા દરમ્યાન એક ગોળીથી ઘવાયો, દીવ ગયો અને બાજુના ઉના ગામમાં 1522માં મૃત્યુ પામ્યો.
ગોપી મલિક અયાઝની જેમ લડાયક ઍડમિરલ ન હતો, તે વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતો એલચી અને રાજદ્વારી પુરુષ હતો.
તેણે જોયું કે પોર્ટુગીઝ ચાંચિયાઓને ખુદ તેમના શાસકો મદદ કરી રહ્યા છે, ત્યારે દરિયા યુદ્ધમાં એમની સામે પડીને જીતવું શક્ય નથી એટલે એણે પોર્ટુગીઝ નૌકાપતિઓ સાથે વાટાઘાટો કરીને એમની સાથે ડચ ચાંચિયા અને વેપારીઓની વિરુદ્ધ હાથ મિલાવ્યા અને વહાણોને દરિયાપારના દેશોમાં મોકલીને ધૂમ વેપાર કર્યો.
ગોપીએ પોર્ટુગીઝ સત્તાના મિત્ર તરીકે ગુજરાતનું વ્યાપારી હિત સાધવાનું કામ કર્યું. સુલતાન મુઝફ્ફર શાહ અને તેમના અધિકારીઓ ગોપીથી નારાજ હતા. તેઓ નબળા હોવા છતાં પોર્ટુગીઝો સામે લડી લેવાના મૂડમાં હતા.
આથી ઊલટું મલિક ગોપીનું વલણ સમાધાનકારી અને પોર્ટુગીઝોના સહકારથી બહોળો વેપાર કરીને અઢળક દ્રવ્ય કમાવાનું હતું.

મોતના મુખમાં મલિક

ઇમેજ સ્રોત, Getty Images
1611માં પ્રસિદ્ધ થયેલા ગ્રંથ 'મિરાતે સિકંદરી'માં સિકંદર ઇબ્ને મોહમ્મદ મંજુએ મલિક ગોપીની નિંદા કરતાં લખ્યું છે કે 'તે મુસ્લિમો પ્રત્યે અવિશ્વાસ ધરાવતો પોર્ટુગીઝોનો વિશ્વાસુ માણસ હતો.'
પ્રો. મકરંદ મહેતા નોંધે છે, "એક પ્રસંગે મલિક ગોપીએ સુરતની હવેલીમાં નાચગાનનો કાર્યક્રમ રાખ્યો અને સુલ્તાન મુઝફ્ફર શાહના માનીતા સરદાર અહમદ ખાનને માર મરાવીને તેનું મોત નીપજાવ્યું. તેથી મુઝફ્ફર શાહે મલિક ગોપીની હવેલી લૂંટી, તેનું ધન લૂંટ્યું અને તેના હાથ બાંધીને ફાંસીએ લટકાવી દીધો."
જો કે અલ્બુકર્કે તેની 'કૉમેન્ટરીઝ'માં લખ્યું છે, "સુલતાન મુઝફ્ફર શાહ માટે ગોપીની કીર્તિ અને દોલત જીરવવી મુશ્કેલ હતી અને તે કારણથી ગોપી 'સલ્તનત કોર્ટમાં દુશ્મનરૂપ' થઈ પડ્યો હતો. મલિક ગોપીના જીવનનો 1515માં આ રીતે કરુણ અંજામ આવ્યો હતો."

ગોપી તળાવનું મલિક કનેક્શન

ઇમેજ સ્રોત, Twitter/GujaratTourism
અઢળક દ્રવ્ય કમાનાર ગોપી મલિક 1511માં બંધાયેલ ગોપી તળાવના કારણે જાણીતો છે.
મંદિર ધર્મશાળા બનાવીને પોતાનું દ્રવ્ય વાપરવાને બદલે પોતાનું દ્રવ્ય વાપરીને માણસ અને પશુ-પંખીઓને ઉપયોગી થાય તેવું વિશાળ જળાશય એણે 1511માં હિન્દુ ચાલુક્ય શૈલી મુજબ બંધાવ્યું હતું.
જર્મન મુસાફર આલ્બર્ટ-દ-મેન્ડેલ્સોએ એક માઈલના ઘેરાવામાં 58 ચોરસ એકર વિસ્તારમાં પથરાયેલા આ તળાવ વિશે 1938માં લખ્યું, 'આ તળાવ ઉનાળામાં પણ સુકાતું નથી અને તે સમગ્ર સુરત નગરને પાણી પૂરું પડે છે. ઉનાળામાં સુરતીઓ ઠંડી અને સ્વચ્છ હવા ખાવા અહીં ફરવા આવે છે.'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
ફ્રેન્ચ મુસાફિર જીન-દ-થેવેનોએ 1667માં લખ્યું, 'ગોપી તળાવ સુરતના ધનવાન વેપારી ગોપીએ બંધાવ્યું છે. તે અત્યંત રળિયામણું છે. લોકો અહીં આવીને મિજલસ (ઉજાણી) કરે છે. આ વિશાળ તળાવ સોળ ખૂણાવાળું છે અને પ્રત્યેક બાજુ 100 ડગલાં જેટલી લાંબી છે. તેના તળિયે ભૂરા રંગના લીસા પથ્થરો હોવાથી પાણી સ્વચ્છ, ભૂખરું દેખાય છે અને તે આંખને ઠંડક આપે છે. તળાવની ફરતે રોમન ઍમ્ફી થિયેટરની જેમ અર્ધો ફૂટ ઊંચાઈનાં પગથિયાં ઉપરથી છેક તળિયાં સુધી બંધાયેલાં છે.'
આવા એક બાહોશ વેપારી, ધનપતિ, મુત્સદ્દી અને વહીવટ નિપુણ ગોપીના જીવનનો અંત 1515માં આવ્યો. એનો સૂરજ જ્યારે મધ્યાહને હતો ત્યારે માત્ર સલ્તનતમાં જ નહીં પણ પોર્ટુગીઝ અને દૂર-સુદૂરના દેશોના શાહસોદાગરો અને વેપારીઓ એના પ્રભાવ હેઠળ હતા.

એ સાચા અર્થમાં 'મર્ચન્ટ પ્રિન્સ' હતો. સુરતની જાહોજલાલીનો પાયો નાખવામાં અને 'સુરત તારી સોનાની મૂરત' ઉક્તિ મુજબ એક વિશાળ હિન્ટરલૅન્ડ ધરાવતા બંદર તરીકે વિકસીને અને છેક અમદાવાદ અને તેથીય આગળ મારવાડ સુધીના વિસ્તારોના વિકાસ માટે જે તકો ઊભી થઈ તેનો સર્જનહાર ગોપી મલિક ભલે આજે પાંચસો વર્ષની લાંબી અવધિમાં વિસરાઈ ગયો હોય પણ આજેય ગોપીપરુ અને ગોપી તળાવ એની યાદને જીવંત રાખી રહ્યા છે.

સંદર્ભસૂચિઃ

ઇમેજ સ્રોત, Getty Images
1. Asia in the Making of Europe, Volume III: A Century of Advance..., Volumes 2-3
By Donald F. Lach, Edwin J. Van Kley, pp. 617, 652, 661
2. ગુજરાતના વહાણવટીઓ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ લેખક : માર્કન્ડ મહેતા, પ્રકાશક : વિશ્વ ગુજરાતી સમાજ, અમદાવાદ, વરસ 2019, પાનાનં 38થી 42
3. M. S. Commissariat (1996). Mandelslo's Travels In Western India. Asian Educational Services. p. 11. ISBN 9788120607149.
4. Dilip K. Chakrabarti (2003). The Archaeology of European Expansion in India: Gujarat, C. 16th-18th Centuries. Aryan Books International. ISBN 9788173052507.
5. Portuguese and the Sultanate of Gujarat, 1500-1573, By Kuzhippalli Skaria Mathew, pp 18 -21
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5












