Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?
અંગ્રેજોના પક્ષે કૅપ્ટન રૉડ્રિક બ્રિગ્સ પહેલા માણસ હતા કે જેમણે રાણી લક્ષ્મીબાઈને લડાઈના મેદાનમાં લડતાં નજરે નિહાળ્યાં હતાં.
તેમણે ઘોડાની લગામ પોતાના દાંતમાં દબાવી હતી. તેઓ બંને હાથ વડે તલવાર ચલાવી રહ્યાં હતાં.

ઇમેજ સ્રોત, PIB.NIC.IN
એમના પહેલાં એક બીજા અંગ્રેજ જૉન લૈંગને રાણી લક્ષ્મીબાઈને નજરે નિહાળવાની તક મળી હતી, પણ લડાઈના મેદાનમાં નહીં, એમની હવેલીમાં.
જ્યારે દામોદરને દત્તક લેવા અંગે અંગ્રેજોએ વાંધો પાડી તેમને ગેરકાયદે જાહેર કરી દીધા, ત્યારે રાણી લક્ષ્મીબાઈને પોતાનો મહેલ છોડવો પડ્યો હતો.
લક્ષ્મીબાઈએ વકીલ જૉન લૈંગની મદદ લીધી હતી, જેમણે એ સમયે બ્રિટિશ સરકાર સામે કેસ જીત્યો હતો.

'રાણી મહેલ'માં લક્ષ્મીબાઈ

ઇમેજ સ્રોત, RISCHGITZ/GETTY IMAGES
લૈંગનો જન્મ ઑસ્ટ્રેલિયામાં થયો હતો અને તેઓ મેરઠમાં એક સમાચારપત્ર, 'મુફુસ્સલાઇટ' પ્રકાશિત કરતા હતા.
લૈંગ સારી એવી ફારસી અને હિંદુસ્તાની બોલી શકતા હતા અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વહીવટ તેમને પસંદ નહોતો. તેઓ હંમેશા તેને સકંજામાં લેવાનો જ પ્રયાસ કરતા હતા.
જ્યારે લૈંગ પ્રથમ વખત ઝાંસી આવ્યા તો રાણીએ એમને લેવા માટે એક ઘોડાવાળો રથ આગ્રા મોકલ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમને ઝાંસી લાવવા માટે રાણીએ પોતાના દીવાન અને એક નોકરને પણ આગ્રા મોકલ્યા હતા.
નોકરના હાથમાં બરફથી ભરેલી એક ડોલ હતી જેમાં પાણી, બિયર અને પસંદગીની વાઇન ભરેલી બૉટલ્સ મૂકવામાં આવી હતી.
આખા માર્ગે એક નોકર લૈંગને હાથપંખાથી હવા નાખતો આવ્યો હતો.
ઝાંસી પહોંચ્યા બાદ લૈંગને પચાસ ઘોડેસવાર એક પાલખીમાં બેસાડીને 'રાણી મહેલ'માં લઈ આવ્યા હતાં, જ્યાં એક મંડપ બાંધવામાં આવ્યો હતો.

'રાણીની આંખો અત્યંત સુંદર અને નાક નમણું હતું'
રાણી લક્ષ્મીબાઈ મંડપના એક ખૂણામાં એક પડદા પાછળ બેઠાં હતાં, ત્યારે અચાનક જ રાણીના દત્તક પુત્ર દામોદરે તે પડદો હટાવી લીધો.
લૈંગની નજર રાણી પર ગઈ, પછી રેનર જેરૉસ્ચે એક પુસ્તક લખ્યું, 'ધ રાણી ઑફ ઝાંસી,' રૅબલ અગેઇન્સ્ટ વિલ'.
પુસ્તકમાં રેનર જેરૉસ્ચે જોન લૈંગને એમ કહેતા વર્ણન કર્યું છે કે, "રાણી મધ્યમ કાઠીનાં જાડાં સ્ત્રી હતાં. પોતાની યુવાવસ્થા દરમિયાન તેમનું મુખ ખૂબ સુંદર રહ્યું હશે."
"અત્યારે પણ એમના ચહેરાનું આકર્ષણ ઓછું થયું નહોતું. મને એક વસ્તુ ના ગમી અને તે હતી કે એમનું મુખ જરૂરિયાત કરતાં વધારે ગોળ હતું."
"હાં એમની આંખો અત્યંત સુંદર અને નાક નમણું હતું. એમનો રંગ વધુ ગોરો નહોતો. તેમણે સોનાની વાળી સિવાય એક પણ ઘરેણું પહેર્યું નહોતું."
"લક્ષ્મીબાઈએ મખમલની એક સાડી પહેરી હતી એમાં તેમનાં શરીરની દેહાકૃતિ સ્પષ્ટ નજરે ચઢતી હતી. જે બાબત તેમનાં વ્યક્તિત્વને બગાડતી હતી, તે હતો તેમનો તરડાયેલો અવાજ."

રાણીની સ્થિતિ કથળવા લાગી

ઇમેજ સ્રોત, JHANSI.NIC.IN
જોકે, કૅપ્ટન રૉડ્રિક બ્રિગ્સે નક્કી કર્યું હતું કે તે જાતે જઈને રાણી પર ઘા કરવાનો પ્રયાસ કરશે.
પણ જ્યારે જ્યારે તેઓ આમ કરવાનો પ્રયાસ કરતા, રાણીના ઘોડાસવારો તેમને ઘેરી લેતા અને હુમલો કરી દેતા.
એમનો સંપૂર્ણ પ્રયત્ન રહેતો કે તેઓ એમનું ધ્યાન ભંગ કરી શકે.
કેટલાક લોકોને મારી, ઘાયલ કરીને તેઓ ઘોડાને દોડાવી રાણી તરફ આગળ વધ્યા.
તે વખતે અચાનક જ રૉડ્રિકની પાછળ જનરલ રોજની અત્યંત નિપુણ ઊંટ ટુકડી આવી પહોંચી. આ ટુકડીને રોજે રિઝર્વમાં રાખી હતી.
આનો ઉપયોગ તેઓ વળતો હુમલો કરવા માટે કરવાના હતા. આ ટુકડી અચાનક જ લડાઈમાં આવી પહોંચવાથી બ્રિટિશ સેનામાં ફરી પ્રાણ ફૂંકાયો.
રાણીની સ્થિતિ કથળવા લાગી હતી. એમના સૈનિકો મેદાનમાંથી ભાગ્યા તો નહીં, પરંતુ તેમની સંખ્યા ઘટવા લાગી હતી.

'અચાનક રાણીએ જોરથી બૂમ પાડી'

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES
એ લડાઈમાં ભાગ લઈ રહેલા જૉન હેનરી સિલવેસ્ટરે પોતાના પુસ્તક 'રિકલેક્શન્સ ઑફ ધી કૅમ્પેન ઇન માલવા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા'માં લખ્યું છે કે અચાનક રાણીએ જોરથી બૂમ પાડી, 'મારી પાછળ આવો.'
પંદર ઘોડેસવારોનું એક જૂથ એમની પાછળ જવા માંડ્યું. તે લડાઈના મેદાનમાંથી એટલી ઝડપથી હટી ગઈ કે અંગ્રેજ સૈનિકોને સમજવામાં પણ થોડીક પળો વીતી ગઈ.
અચાનક રોડ્રિકે પોતાના સાથીઓને બૂમ પાડી કહ્યું કે 'તે ઝાંસીની રાણી છે, પકડો તેને.'
રાણી અને તેમના સાથીઓએ એક માઇલનું જ અંતર કાપ્યું હતું અને કૅપ્ટન રૉડ્રિક બ્રિગ્સના ઘોડેસવારો એમની પાછળ આવી પહોંચ્યા. જગ્યા હતી કોટાની સરાય.
લડત નવી રીતે શરૂ થઈ. રાણીના એક સૈનિકની સરખામણીમાં બે બ્રિટિશ સૈનિકો લડી રહ્યા હતા.
અચાનક જ રાણીને પોતાની છાતીમાં ડાબી બાજુ જાણે સાપે ડંખ માર્યો હોય તેવો દુઃખાવો શરૂ થયો.
એક અંગ્રેજ સૈનિક, જેને રાણીએ જોયો નહોતો તેણે રાણીને સંગીન ભોંકી દીધી હતી. તે ઝડપથી ફરી અને પોતાના પર હુમલો કરનાર તલવાર વડે સમગ્ર તાકાત સાથે તૂટી પડી.

'લગભગ ઘોડાની ગરદન પર જ લટકી ગયાં'

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES
રાણીને વાગેલો ઘા વધારે ઊંડો ન હતો પણ એમાંથી લોહી ઘણું વહી રહ્યું હતું. અચાનક ઘોડા પર દોડતાં દોડતાં તેઓ એક નાનકડું પાણીના ઝરણા પાસે આવ્યાં.
એમણે વિચાર્યું કે તેઓ ઘોડા સાથે એક છલાંગ મારશે અને ઝરણાની પેલે પાર જતાં રહેશે, પછી એમને કોઈ પકડી નહીં શકે.
એમણે ઘોડાને ઠેસ મારી પણ ઘોડો છલાંગ મારવાને બદલે એટલો જલદી ઊભો રહી ગયો કે લગભગ એની ગરદન પર જ તેઓ લટકી ગયાં.
ફરીથી એમણે ઠેસ મારી પણ ઘોડાએ એક ઇંચ પણ આગળ વધવાનો ઇન્કાર કરી દીધો.
ત્યારે તેમને લાગ્યું કે એમની કમરમાં ડાબી બાજુએ ખૂબ જોરથી ઘા કરવામાં આવ્યો છે.
એમને રાઇફલની ગોળી વાગી હતી. રાણીના ડાબા હાથમાંથી તલવાર છૂટીને જમીન પર પડી ગઈ.
એમણે એ હાથની મદદથી પોતાની કમરને દબાવી લોહી રોકવાનો પ્રયાસ કર્યો.

...અને રાણીનું માથું ફાટી ગયું

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES
એન્ટોનિયા ફ્રેજર પોતાના પુસ્તક ધ વૉરિયર ક્વીનમાં લખે છે કે ત્યાં સુધી એક અંગ્રેજ રાણીની પાસે પહોંચી ચૂક્યો હતો. એણે રાણી પર હુમલો કરવા માટે પોતાની તલવાર ઉઠાવી.
રાણીએ પણ એનો ઘા રોકવા માટે જમણા હાથમાં લીધેલી તલવાર ઉપર ઉઠાવી. એ અંગ્રેજની તલવાર એમના માથા પર એટલી જોરથી વાગી કે એમનું માથું ફાટી ગયું.
તેમાંથી નીકળનારા લોહીથી લગભગ તેઓ આંધળાં જ બની ગયાં.
છતાં પણ રાણીએ પોતાની સમગ્ર તાકાત લગાડી દઈ એ અંગ્રેજ સૈનિક પર વળતો હુમલો કર્યો.
પણ એ માત્ર એના ખભાને જ ઈજા પહોંચાડી શક્યાં. રાણી ઘોડા પરથી નીચે પડી ગયાં.
ત્યારે એમના એક સૈનિકે ઘોડા પરથી કૂદીને તેમને ઉઠાવી લીધાં અને નજીકના એક મંદિરમાં લઈ ગયા, ત્યાં સુધી રાણી જીવતાં હતાં.
મંદિરના પૂજારીએ એમનાં સૂકા મોં માં ગંગાજળ રેડ્યું, રાણી ખૂબ ખરાબ હાલતમાં હતાં. ધીમે ધીમે તે હોશ ગુમાવી રહ્યાં હતાં.
આ બાજુ મંદિરની બહાર સતત ગોળીબારી ચાલુ હતો. અંતિમ સૈનિકને માર્યા બાદ અંગ્રેજ સમજ્યા કે તેમણે પોતાનું કામ પૂરું કરી દીધું છે.

'રાણી હજી જીવે છે'

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES
ત્યારે રૉડ્રિકે જોરથી ચીસ પાડી કહ્યું, ''તે લોકો મંદિરની અંદર ગયાં છે. એમના પર હુમલો કરો. રાણી હજુ જીવે છે.''
આ બાજુ પૂજારીઓએ રાણી માટે અંતિમ પ્રાર્થના કરવાની શરૂઆત કરી દીધી હતી.
રાણીની એક આંખ અંગ્રેજ સૈનિકની કટારથી ઘવાયેલી હોવાને કારણે બંધ હતી.
એમણે મહામહેનતે પોતાની બીજી આંખ ખોલી. એમને બધું ઝાંખું દેખાઈ રહ્યું હતું અને એમનાં મોં માંથી શબ્દો તૂટક તૂટક નીકળી રહ્યા હતાં,
''...દામોદર...હું એને તારી છત્રછાયામાં સોંપુ છું...એને છાવણીમાં લઈ જાવ...દોડો એને લઈ આવો.''
ભારે મહેનતે એને પોતાનો મોતીનો હાર કાઢવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ એમ ના કરી શક્યાં અને ફરીથી બેહોશ થઈ ગયાં.
મંદિરનાં પૂજારીએ એમનાં ગળામાંથી હાર ઊતારી એમના અંગરક્ષકના હાથમાં મૂકી દીધો, ''એને રાખો...દામોદર.''

ફરી પ્રાણ ફૂંકાયો

ઇમેજ સ્રોત, JHANSI.NIC.IN
રાણીનો શ્વાસ ઝડપી ચાલી રહ્યો હતો. એમના ઘામાંથી લોહી નીકળી ફેફસામાં જઈ રહ્યું હતું. ધીરે ધીરે તેઓ બેહોશ થવા માંડ્યાં પણ પછી એમનામાં જાણે પ્રાણ ફૂંકાયો.
તેઓ બોલ્યાં, "અંગ્રેજોને મારું શરીર ના મળવું જોઈએ. આમ બોલતાં જ તેઓ એક બાજુ ઢળી પડ્યાં. એમના શ્વાસમાં ફરી એક ઝટકો આવ્યો અને બધું જ શાંત થઈ ગયું."
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ પોતાના પ્રાણ ત્યાગી દીધાં હતાં. ત્યાં હાજર રાણીના અંગરક્ષકોએ ફટાફટ લાકડાં ભેગાં કર્યાં અને રાણીના પાર્થિવ શરીરને એના પર મૂકી અગ્નિદાહ આપ્યો.
એમની ચારે બાજુ રાઈફલની ગોળીઓનો અવાજ વધી રહ્યો હતો. મંદિરની બહાર ઢગલાબંધ બ્રિટિશ સૈનિકો પહોંચી ચૂક્યા હતા.
મંદિરની અંદર માત્ર ત્રણ રાઇફલ્સ અંગ્રેજો પર ગોળીઓનો વરસાદ કરી રહી હતી. પહેલાં એક રાઇફલ શાંત થઈ ગઈ. પછી બીજી અને ત્યાર બાદ ત્રીજી રાઇફલ પણ શાંત થઈ ગઈ.

ચિતાની જ્વાળાઓ

ઇમેજ સ્રોત, JHANSI KI RANI MOVIE
જ્યારે અંગ્રેજ સૈનિકો મંદિરમાં દાખલ થયા ત્યારે કોઈ અવાજ આવતો નહોતો. બધું શાંત થઈ ગયું હતું. સૌથી પહેલાં રૉડ્રિક અંદર દાખલ થયા.
ત્યાં રાણીના સૈનિક અને પૂજારીની લોહીથી ખરડાયેલી લાશો પડેલી હતી. કોઈ પણ જીવતું નહોતું. એમને માત્ર એક લાશની તલાશ હતી.
ત્યારે એમની નજર એક ચિતા પર પડી જેની જ્વાળાઓ હવે શાંત પડી રહી હતી. એમણે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો.
ત્યારે એમની નજર માનવશરીરનાં બળેલાં અંગો પર પડી. રાણીનાં હાડકાં લગભગ રાખ બની ચૂક્યાં હતાં.
આ લડાઈમાં લડી રહેલા કેપ્ટન ક્લેમેન્ટ વૉકર હેનીઝે બાદમાં રાણીની અંતિમ ક્ષણોનું વર્ણન કરતાં લખ્યું છે,"અમારો સંઘર્ષ સમાપ્ત થઈ ચૂક્યો હતો.
"માત્ર થોડાક સૈનિકો સાથે લડી રહેલાં એક સ્ત્રી પોતાનાં સૈનિકોમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.
"વારંવાર તેઓ અવાજ અને ઇશારા દ્વારા હારી રહેલા સૈનિકોનું મનોબળ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. એની કોઈ અસર પડી રહી નહોતી.
"થોડીક મિનિટોમાં જ અમે એ મહિલા પર કાબૂ મેળવી લીધો. અમારા એક સૈનિકની કટારનો તેજ ઘા એમના પર થયો અને બધું સમાપ્ત થઈ ગયું.
"બાદમાં અમને ખબર પડી કે તે સ્ત્રી બીજાં કોઈ નહીં પણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતાં."

રાણીના દત્તક પુત્ર ગરીબીમાં મૃત્યુ પામ્યા

ઇમેજ સ્રોત, WIKIPEDIA
રાણીના પુત્ર દામોદરને લડાઈના મેદાનમાંથી સુરક્ષિત લઈ જવામા આવ્યા. ઈરા મુખોટી પોતાના પુસ્તક 'હીરોઇન્સ'માં લખે છે, દામોદરે બે વર્ષ બાદ 1860માં અંગ્રેજો સામે આત્મસમર્પણ કર્યું.
બાદમાં અંગ્રેજોએ એમને પેન્શન પણ આપ્યું. 58 વર્ષની ઉંમરમાં એમનું મૃત્યુ થયું.
જ્યારે તેઓ મૃત્યુ પામ્યાં ત્યારે તે એકદમ ગરીબ હાલતમાં હતા. તેમના વંશજો હજુ પણ ઇન્દોરમાં રહે છે અને પોતાને 'ઝાંસીવાળા' તરીકે ઓળખાવે છે.
બે દિવસ બાદ મહાદજી સિંધિયા એ આ જીતની ખુશીમાં જનરલ રોજ અને સર રૉબર્ટ હેમિલ્ટનનાં માનમાં ગ્વાલિયરમાં જમણ આયોજીત કર્યું.
રાણીના મૃત્યુ પછી વિદ્રોહીઓની હિંમત ભાંગી પડી અને ગ્વાલિયર પર અંગ્રેજોનો કબજો થઈ ગયો.
નાના સાહેબ ત્યાંથી પણ બચી નીકળ્યા, પણ તાત્યા ટોપે સાથે એમનાં અભિન્ન મિત્ર નવાડના રાજાએ દગો કર્યો.
તાત્યા ટોપેને પકડી લેવામાં આવ્યા અને એમને ગ્વાલિયર પાસે શિવપુરી લઈ જઈ એક ઝાડ પર ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા.

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


















