એમ. એફ. હુસૈન : શું વિચારીને ચિત્રકારે હિંદુ દેવી-દેવતાઓનાં નગ્ન ચિત્ર દોર્યાં હતાં?

ફોટો

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

હુસૈનના જીવન પર નજર કરીએ તો જે વાત આંખ સામે તરી આવે છે તે કોઈ ભારેભરખમ વિરાટ સત્ય નહીં, પરંતુ નાની-નગણ્ય અને નિર્દોષ વસ્તુઓ છે.

જેને ઇતિહાસે તો કિનારે છોડી દીધી, પરંતુ હુસૈન એક શાળાના બાળકની જેમ પોતાની પાસે રાખીને ચાલતા હતા.

એક વખત રશિયન લેખક વ્લાદીમિર નોબોર્કૉફે એક મહાન કલાકારનાં લક્ષણ જણાવતાં એક વાત કહી હતી.

તેમણે કહ્યું કે તેઓ એ માણસ જેવા છે જે મકાનના નવમા માળેથી પડતી વખતે અચાનક બીજા માળે એક દુકાનનું બોર્ડ જોઈને વિચારે છે કે, 'અરે, આના લખાણમાં તો ભૂલ છે.' એ હતા મકબૂલ ફિદા હુસૈન.

line

'ઑહ માય ગૉડ. એમ એફ હુસૈન'

ફોટો

ઇમેજ સ્રોત, EDMOND TERAKOPIAN

કામનાપ્રસાદ પ્રખ્યાત લેખક છે. તેઓ હુસૈનને અંગત રીતે જાણતાં હતાં. તેમની પહેલી મુલાકાત રસ્તા પર થઈ હતી.

કામનાએ જણાવ્યું, ''મેં ભારતીનગરના ચોક પાસે એક માણસને કાળા કલરની કારને ધક્કા મારતા જોયા."

"તેઓ કારમાં એકલા હતા અને તેમની કાર સ્ટાર્ટ થતી નહોતી. મેં મારી કાર તેમની મદદ કરવાના ઇરાદા સાથે તેમની પાસે ઊભી રાખી."

"મેં જેવું જ તેમની સામે જોયું તો મારા મોઢામાંથી તરત જ નીકળ્યું કે ઑહ માય ગૉડ. એમ એફ હુસૈન.''

ત્યાર બાદ તેમની હુસૈન સાથે ફરી મુલાકાત ઍરપૉર્ટે પર થઈ અને ધીમે ધીમે તેઓ સાથે મિત્રતા બંધાઈ ગઈ.

હુસૈન પોતાના જમાનાના કદાચ સૌથી મોંઘા પેઇન્ટર હતા, પરંતુ તેમની દરિયાદિલીના અનેક કિસ્સાઓ પ્રખ્યાત છે.

line

જ્યારે હુસૈન શરત હારી ગયા...

ફોટો

ઇમેજ સ્રોત, CHRIS JACKSON

સુનીતાકુમાર એક પ્રખ્યાત ચિત્રકાર છે અને એક જમાનામાં મધર ટેરેસાનાં પ્રવક્તા રહી ચૂક્યાં છે.

તેમના પતિ નરેશકુમાર ભારતીય ડેવિસ કપ ટીમના સુકાની રહી ચૂક્યા છે.

સુનીતા જણાવે છે, ''મારી હુસૈન સાથે પ્રથમ મુલાકાત દિલ્હીની એક પાર્ટીમાં થઈ હતી."

"મેં તેમને બીજા દિવસે યોજાનારા ડેવિસ કપનો ફાઇનલ મુકાબલો જોવા માટે આમંત્રિત કર્યા હતા. જેમાં હુસૈને માલ ઍન્ડરસનના જીતવા પર શરત લગાવી હતી.''

''મેં વિજય અમૃતરાજના જીતવા પર શરત લગાવી. નક્કી એ થયું કે જે હારે તે પોતાના હાથથી બનાવેલું પેઇન્ટિંગ એકબીજાને આપશે."

"વિજય અમૃતરાજ મૅચ જીતી ગયા. પરંતુ શરત પૂર્ણ કરવાની હુસૈનને કહેવાની મારી હિંમત ના થઈ.''

"અમે લોકો ઑબરોય હોટલમાં ઊતર્યાં હતાં. જ્યારે અમે બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે હોટલમાંથી જાણ થઈ કે હુસૈન સાહેબ મારા માટે પૅકેટ છોડી ગયા છે."

"મેં વિચાર્યું કે કદાચ મૅચ બતાવવા બદલ આભાર કહેવા પત્ર લખ્યો હશે."

સુનીતાએ આગળ જણાવ્યું, ''જ્યારે મેં પૅકેટ ખોલ્યું, તો તેમાં દોડતાં ઘોડાનું પેઇન્ટિંગ જોઈને હું અચંબામાં પડી ગઈ હતી."

"પેઇન્ટિંગના કલર ત્યારે પણ ભીના હતા, કેમ કે ઑઇલ પેઇન્ટ જલ્દી સૂકાતા નથી. હુસૈને આખી રાત મહેનત કરી મારા માટે પેઇન્ટિંગ બનાવ્યું હતું.''

line

...અને હુસૈને બૂટ પહેરવાનું છોડી દીધું

ફોટો

ઇમેજ સ્રોત, CHRIS JACKSON

હુસૈને 1963 બાદથી બૂટ પહેરવાનું છોડી દીધું હતું. તેની પાછળ પણ એક કહાણી છે જે તેમણે બીબીસી સાથે થયેલી વાતચીતમાં જણાવી હતી.

તેમણે જણાવ્યું, ''મુક્તિબોધ હિંદીના પ્રખ્યાત કવિ હતા. તેઓ મારા મિત્ર હતા. મેં તેમનું એક ચિત્ર પણ બનાવ્યુ હતુ."

"જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે તેમના પાર્થિવ શરીર સાથે હું સ્મશાન ગયો હતો. મેં તે સમયે જ મારાં પગરખાં ઊતારી દીધાં હતાં.

"કેમ કે હું જમીનની ગરમીને અનુભવવા માગતો હતો."

તેમણે કહ્યું, "આ અંગે વધુ એક વાત પણ છે. મારી માતાનું મૃત્યુ હું જ્યારે માત્ર દોઢ વર્ષનો હતો ત્યારે થયું હતું."

"મારા પિતા મને કહેતા હતા કે મારા પગ મારી માતા જેવા છે. મેં ત્યારે વિચાર્યું કે તો પછી હું બૂટ શા માટે પહેરું?''

line

હુસૈન મર્સિડિઝમાંથી ઊતરી મેદાનમાં સુઈ ગયા!

ફોટો

ઇમેજ સ્રોત, OTHERS

ઇમેજ કૅપ્શન, પત્ની સાથે હુસૈન

કામના કહે છે, ''તેમના માટે કોઈ મોટી વાત નહોતી કે તેઓ ઘરેથી દિલ્હી જવા નીકળે અને ઍરપૉર્ટ પહોંચીને કલકત્તાની ટિકિટ ખરીદી લે."

"તેમનામાં બાળકો જેવું કુતૂહલ હતું. દરેક વસ્તુ જાણવાની તેમનામાં ઇચ્છા હતી.''

સુનીતાકુમાર જણાવે છે કે ઘણી વખત તેઓ ઍરપૉર્ટ જવા નીકળતા હતા અને પાછા ત્યાંથી પરત ઘરે આવી જતા.

સુનીતા એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહે છે, "એક વખત ઍરપૉર્ટ જતી વખતે તેમણે કાર રોકાવી ડ્રાઇવરને કહ્યું કે હું અહીં મેદાનમાં સૂવા માંગુ છું."

"તેમણે પોતાની બૅગ કાઢી અને તેના પર માથું રાખીને સૂઈ ગયા. ડ્રાઇવરે મને ફોન કરીને કહ્યું કે એક બાજુ મર્સિડીઝ ઊભી છે અને બીજી તરફ હુસૈન ખુલ્લા મેદાનમાં સૂતા છે."

line

એ 'બિહારી ડૉનટ' જે હુસૈનને ખૂબ ભાવતાં

ફોટો

ઇમેજ સ્રોત, OTHERS

ઇમેજ કૅપ્શન, હુસૈન દ્વારા બનાવેલું મધર ટેરેસાનું ચિત્ર

હઝરત નિઝામુદ્દીનમાં એક સમયે જકી મિયાંની ચાની દુકાન રહેતી હતી.

જકી મિયાં દરેક સવારે તાજી મલાઈની પ્લેટ બચાવીને અલગથી રાખતા હતા. કોને ખબર ક્યારે મલાઈના શોખીન હુસૈન ત્યાં પહોંચી જાય?

ખાવા-પીવાના અનોખા અડ્ડા અને જગ્યાઓ તેમને બાળપણથી જ આકર્ષિત કરતાં હતાં.

કામનાપ્રસાદ જણાવે છે, ''અમે લોકો બિહારથી છીએ. અમારે ત્યાં છઠનો તહેવાર ઉજવાય છે."

"અમારે ત્યાં ઠેકુઆ બનાવામાં આવે છે, જેને બનાવવામાં લોટ, ઘી અને ગોળનો ઉપયોગ થાય છે."

"હુસૈનની આ પ્રિય વાનગી હતી. તેઓ હંમેશાં આ વાનગી બનાવવાનો આગ્રહ રાખતા હતા."

"તેઓ આનું નામ ભૂલી જતા હતા અને કહેતા કે 'બિહારી ડૉનટ' ખવડાવો.''

line

...અને રામાયણનાં દોઢસો ચિત્રો દોર્યાં!

ફોટો
ઇમેજ કૅપ્શન, લોહિયાનું ચિત્ર

ઓછા લોકોને ખબર છે કે રામ મનોહર લોહિયા પણ હુસૈનના સારા મિત્ર હતા.

એક વખત તેઓ તેમને જામા મસ્જિદ પાસે કરીમ હોટલ લઈ ગયા, કેમ કે લોહિયાને મુગલઇ ખાવાનું પસંદ હતું.

ત્યાં લોહિયાએ તેમને કહ્યું, ''તમે જે બિરલા અને ટાટાના ડ્રોઇંગ રૂમમાં લટકનારી તસવીરોથી ઘેરાયેલા છો, તેનાથી બહાર નીકળો, રામાયણનાં ચિત્રો દોરો.''

લોહિયાની આ વાત હુસૈનને તીરની જેમ ખૂંચી અને તે બાદ પણ તેમના પર તેની અસર રહી.

તેમણે લોહિયાના મૃત્યુ બાદ મોતીભવનને રામાયણનાં આશરે દોઢ સો ચિત્રોથી ભરી દીધું.

વર્ષ 2005માં હિંદુ કટ્ટરપંથીઓએ તેમનાં આ ચિત્રોને કારણે તોડફોડ કરી હતી.

line

શું વિચારીને હિંદુ દેવી-દેવતાઓનાં નગ્ન ચિત્રો દોર્યાં?

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

તેમને સતત મળતી ધમકીઓના કારણે તેમણે ભારત છોડ્યું અને ક્યારેય પરત ન ફર્યા.

એક વખત બીબીસીએ તેમને સવાલ કર્યો કે, ''શું વિચારીને તેમણે હિંદુ દેવી-દેવતાઓનું નગ્ન ચિત્ર બનાવ્યું?''

તેમનો જવાબ હતો, ''તેનો જવાબ અજંતા અને મહાબલીપુરમનાં મંદિરોમાં છે."

"તેના પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે તેને સાંભળી લો."

"હું માત્ર કળા માટે જવાબદાર છું અને કળા સાર્વભૌમ છે. નટરાજની જે છબિ છે તે માત્ર ભારત માટે નથી, સમગ્ર દુનિયા માટે છે."

"મહાભારતને માત્ર સાધુસંત માટે લખવામાં આવ્યું નહોતું, તેના પર સમગ્ર દુનિયાનો હક છે.''

line

આખી રાત હુસૈન ચિત્રો દોરતા રહ્યા

ફોટો
ઇમેજ કૅપ્શન, એસ કે મિશ્રાનું હુસૈન દ્વારા બનાવાયેલું ચિત્ર

એસ. કે. મિશ્રા તેમની સાથે બનેલો એક પ્રસંગ વર્ણવે છે.

મિશ્રા તત્કાલીન વડા પ્રધાન ચંદ્રશેખરના પ્રધાન સચિવ હતા. વાત એ દિવસોની છે જ્યારે તેઓ ઇન્ડિયા ટૂરિઝમ ડેવલપમૅન્ટ કૉર્પોરેશનના નિદેશક હતા.

તેમણે સાઇપ્રસમાં એક હોટલ ખોલી હતી, જ્યાં તેમણે હુસૈનનાં ચિત્રોનું પ્રદર્શન રાખ્યું હતું અને ત્યાંના રાષ્ટ્રપતિને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા.

એસ. કે. મિશ્રા યાદ કરે છે, ''પ્રદર્શનનો દિવસ આવી ગયો અને હુસૈનની કંઈ ખબર નહોતી. અચાનક ખબર પડી કે સાંજે તેઓ આવે છે."

"જ્યારે હું ઍરપૉર્ટે પહોંચ્યો તો જોયું કે હુસૈન ચિત્ર વગર આવી રહ્યા છે. મેં પૂછ્યું કે ચિત્રો ક્યાં છે?"

"તેમણે કહ્યું કે પછીની ફ્લાઇટમાં આવી રહ્યાં છે. હુસૈન બોલ્યા ચાલો જમવા માટે જઈએ. મેં તેમના સાથે જમવાની ના પાડી દીધી."

"હું ખૂબ જ ગુસ્સે હતો. મેં કહ્યું કે તમે મને પહેલાં માહિતી આપી દીધી હોત તો હું કોઈ બહાનું કાઢી દેત."

"એવું કહી દેત કે હુસૈનને હૃદયનો હુમલો આવ્યો છે. હવે હું રાષ્ટ્રપતિ સામે શું મોઢું બતાવીશ?''

''બીજા દિવસે સવારે હુસૈન ફરી મારા રૂમમાં આવ્યા. બોલ્યા ચાલો હવે હૉલમાં, જ્યાં મારાં ચિત્રો રાખવાનાં છે."

"મેં કહ્યું કે તમે મારો સમય કેમ બગાડો છો. તેમના કહેવાથી હું ત્યાં ગયો તો મેં હુસૈનનાં 13 ચિત્રો ત્યાં જોયાં."

"તેના પર રંગ એટલા તાજા હતા કે નીચે ટપકી રહ્યા હતા. હુસૈને આખી રાત જાગીને મારા માટે આ ચિત્રો તૈયાર કર્યાં હતાં.''

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો