'માંડમાંડ લગ્ન થયાં છે', બે ફૂટનો વરરાજો ઘોડે ચડ્યો તો મુસ્લિમ સમાજે બહિષ્કાર કર્યો
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"લગ્ન વખતે ગામમાં મ્યુઝિક વગાડવા અને વરઘોડો કાઢવા બદલ મારા સમાજે મારા પરિવારને નાતબહાર મૂક્યો છે."
અમરેલીના જાફરાબાદના ટિમ્બી ગામના 32 વર્ષીય રફીક મન્સૂરી તેમનાં લગ્નમાં તેમની ઊંચાઈના કારણે અવરોધ ઊભા થતા હતા. જેનેટિક સમસ્યાના કારણે તેમની ઊંચાઈ માત્ર બે ફૂટ છે.

ઇમેજ સ્રોત, Kalpesh Kher
રફીક પોતાનાં લગ્નની ખુશી કેવી રીતે મુશ્કેલીમાં પરિણમી તે અંગે ઉપરોક્ત વાત જણાવે છે.
આમ તો ગુજરાતમાં મોટા ભાગે કેટલીક જ્ઞાતિના લોકો સાથે સામાજિક બહિષ્કારની ઘટના બનતી હોય છે. પરંતુ કંઈક આવો જ કિસ્સો ગુજરાતના મુસ્લિમ સમાજમાં પણ નોંધાયો છે.
આ સમગ્ર બાબત અંગે વધુ વિગતો મેળવવા માટે બીબીસી ગુજરાતીએ વિવિધ પક્ષકારો સાથે વાત કરી હતી.

ડીજે વગાડવા અને ઘોડી પર બેસવાના કારણે કેમ બહિષ્કાર?

ઇમેજ સ્રોત, Kalpesh Kher
રફીક પોતાની આપવીતી જણાવતાં કહે છે કે, "સ્કૂલમાં મારી મજાક ઉડાવાતી. માંડમાંડ મારાં લગ્ન થયાં. કામધંધાના અભાવમાં ગામમાં પાનની દુકાન કરી. પણ હવે સામાજિક બહિષ્કારથી ધંધો પડી ભાંગે તેવો ભય છે."
આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં રફીકના પિતા રજાકભાઈ જણાવે છે કે, "આ મારા ઘરનાં પ્રથમ લગ્ન હતાં. તેમાં ધામધૂમથી કરવાનું નક્કી કર્યું. લગ્નમાં ડીજે અને મ્યુઝિક કાર્યક્રમ રાખ્યો. જે મન્સૂરી સમાજને ન ગમ્યું."
"સમાજની પંચાયતે મારો બહિષ્કાર કરવાનો જાહેર કર્યું. હવે હું મારા સમાજના કોઈ કાર્યક્રમમાં ન જઈ શકું. મારા સંબંધી પણ મને ન બોલાવી શકે. નાતમાં મારી સાથે બહેન-બેટીનો વ્યવહાર ન કરી શકે એવો ઠરાવ પસાર કરાયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'પરિવારને પાવલીનો જાહેર કરાયો'

ઇમેજ સ્રોત, Kalpesh Kher
84 ઘાંચી મુસ્લિમ સમાજના અભ્યાસુ ઇમ્તિયાઝ મન્સૂરીએ સમાજના તેમના જ સમાજના લોકો સાથેના વર્તન અંગે ખુલાસો કરતાં કહ્યું કે, "મુસ્લિમ સમાજની આ જ્ઞાતિનું બંધારણ અલગ છે. પાંચ વર્ષ પહેલાં કરાયેલા ઠરાવ મુજબ લગ્નમાં વરઘોડા અને ડીજે વગાડવામાં આવે તો પંચાયતને જમાડવી પડે. અને પંચાયત જે નિર્ણય કરે તે મંજૂરી રાખવાનું ઠરાવાયું છે."
"આ સમાજમાં પાવલી જાહેર કરવું એટલે જેમ સમાજમાં 25 પૈસાનું મૂલ્ય નથી રહ્યું તે ચલણની બહાર થઈ ગઈ છે, તેવી રીતે જે તે પરિવારને પણ દૂર કરાય છે. મોટા ભાગે પંચાયત આવો નિર્ણય એક કરતાં વધુ વખત બંધારણનો ભંગ કરનાર માટે કરે છે."

ન્યાયની માગ
રજાકભાઈ પોતાનો પક્ષ મૂકતાં જણાવે છે કે, "અગાઉ મારા પર પંચાયતે 23 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. હાલની કાર્યવાહી અંગે મારી દલીલ છે કે અમે ડીજે અમારા ઘરે વગાડ્યું હતું."
"તેમજ ઘોડી પર મારા દીકરાને લગ્ન કરવાના હેતુસર લઈ ગયો હતો. એમાં મારા પરિવારનો બહિષ્કાર કેમ? આ બાબતે અમે પંચાયતને કાનૂની નોટિસ આપી છે અને હું કોર્ટમાં ન્યાય માગીશ."
તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "જો આવા જ નિર્ણયો થતાં રહે તો મને મારાં અન્ય દીકરા-દીકરીનાં લગ્નમાં પણ તકલીફ પડે એમ છે. સમાજના કોઈ અમારી સાથે વ્યવહાર ન રાખે તો અમારા ધંધા પડી ભાંગે તેવો ભય છે."
રજાકભાઈના વકીલ વી.એમ. વરુએ ઘાંચી મુસ્લિમ સમાજની પંચાયતને કાનૂની નોટિસ આપી રજાકભાઈનો કાનૂની બહિષ્કાર તાત્કાલિક દૂર કરવાની સાથેવળતરની માગ કરી છે.
બીજી તરફ 84 ગામ કાઠિયાવાડી ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ શકીલભાઈ મન્સૂરીએ પંચાયતનો પક્ષ મૂકતાં કહ્યું કે, "અમારા કાઠિયાવાડી સમાજમાં લગ્નમાં ડીજે વગાડવું હરામ છે. આ ભાઈ એ ડી,જે વગાડ્યું છે એટલે અમે એને ચેતવણી આપી છે, સામાજિક બહિષ્કાર કર્યો નથી."
"અમારા સમાજના આગેવાનો પર લગાડેલા આરોપો ખોટા છે, મુસ્લિમ ધર્મમાં જે હરામ છે એની જ વાત કરી છે પણ લોકો એમની સાથે સંબંધ ન રાખે તો તેમાં ઘાંચી મુસ્લિમ જમાત શું કરે? ઘાંચી મુસ્લિમ જમાતે કોઈ પ્રતિબંધ લાદ્યો નથી."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












