ભીમરાવ આંબેડકર : બાબાસાહેબના નિધન પછી તેમનાં પત્ની માઈસાહેબ આંબેડકરની ‘અગ્નિપરીક્ષા’ શા માટે શરૂ થઈ?
- લેેખક, નામદેવ કાટકર
- પદ, બીબીસી મરાઠી
ડૉ. સવિતા (માઈસાહેબ) આંબેડકર બાબાસાહેબ આંબેડકરનાં બીજાં પત્ની હતાં. માઈસાહેબના શબ્દોમાં કહીએ તો બાબાસાહેબના નિધન પછી તેમનું જીવન ‘કસોટી પર્વ’ બની રહ્યું હતું.
બાબાસાહેબના મૃત્યુ માટે માઈસાહેબ પર શંકા શા માટે વ્યક્ત કરવામાં આવી હતી? તેની તેમના પર શી અસર થઈ હતી? જાહેર જીવનમાં પાછા ફરવામાં માઈસાહેબને કોણે મદદ કરી હતી? આ સવાલોના જવાબો અને માઈસાહેબના જીવનની મહત્ત્વની ઘટનાઓની માહિતી આપતો આ લેખ છે.

ઇમેજ સ્રોત, VIJAY SURWADE
ડિસેમ્બર 1947. દેશને આઝાદી મળ્યાના ચાર-સાડા ચાર મહિના થઈ ગયા હતા. ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર કોઈ કામસર દિલ્હીથી મુંબઈ આવ્યા હતા.
બાબાસાહેબ મુંબઈ આવતા ત્યારે વિલેપાર્લેમાં રહેતા તેમના ઉચ્ચશિક્ષિત મિત્ર એસ. રાવને મળવા જરૂર જતા. એસ. રાવનાં પુત્રીની સખી ડૉ. શારદા કબીર અને બાબાસાહેબની પ્રથમ મુલાકાત અહીં જ થઈ હતી.
એ સમયે બાબાસાહેબ ડાયાબિટીસ, ન્યૂરાયટીસ, સંધિવા, હાઈ બ્લડપ્રેશરની બીમારીથી પીડાતા હતા. તેઓ ચેક-અપ માટે મુંબઈના ગીરગામસ્થિત ડૉ. માલવણકરના ક્લિનિકમાં નિયમિત જતા હતા.
એ ક્લિનિકમાં ડૉ. શારદા કબીર પણ કામ કરતાં હતાં. સારવાર દરમિયાન બાબાસાહેબ અને ડૉ. શારદા કબીર વચ્ચે વિવિધ વિષયોની ચર્ચા થતી હતી. આ રીતે તેમની વચ્ચેનો સંબંધ વિકસ્યો હતો.
ડૉ. શારદાને બાબાસાહેબ માટે પ્રચંડ આદર હતો. તેમણે આત્મકથામાં લખ્યું છે કે “ડૉકટરસાહેબના સહવાસને કારણે મને તેમના ઐતિહાસિક કાર્યને નજીકથી નિહાળવાની તક મળી હતી અને હું અભિભૂત થઈ ગઈ હતી.”

બાબાસાહેબનાં બીજાં લગ્નની વાત

ઇમેજ સ્રોત, VIJAY SURWADE
બાબાસાહેબે ડિસેમ્બર-1947માં ક્લિનિકમાં આવીને કહ્યું હતું કે “શુભેચ્છકો અને સહકાર્યકરો મને લગ્નનો આગ્રહ કરે છે, પરંતુ મને ગમે તેવી, યોગ્યતાસભર અને મને અનુરૂપ સ્ત્રી મળવી મુશ્કેલ છે. મારા કરોડો લોકો માટે મારે લાંબું જીવવું જોઈએ અને એ માટે મારે તે લોકોના આગ્રહ વિશે ગંભીર વિચાર કરવો જોઈએ. એવી યોગ્ય સ્ત્રીની શોધ હું તમારાથી શરૂ કરું છું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માઈસાહેબે 'ડૉ. આંબેડકરાંચ્યા સહવાસાત' નામની આત્મકથામાં ઉપરોક્ત પ્રસંગ સંભાર્યો છે.
બાબાસાહેબે શારદા કબીર સમક્ષ આ રીતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
સાથે એ પણ જણાવ્યું હતું કે તેમની વચ્ચેના ઉંમરના ફરક અને તેમની તબિયતના કારણસર શારદા કબીર લગ્નનો પ્રસ્તાવ નકારશે તો પણ બાબાસાહેબને દુઃખ થશે નહીં.
શારદા કબીર મૂંઝાઈ ગયાં હતાં. શું જવાબ આપવો તે સમજાતું ન હતું.
તેમણે સમય માગ્યો. ત્યાં સુધીમાં બાબાસાહેબ ફરી દિલ્હી ચાલ્યા ગયા હતા. એ દરમિયાન શારદા કબીરે ડૉ. માલવણકર સાથે આ બાબતે વાત કરી હતી. તેમણે પોતાના મોટાભાઈની સલાહ પણ લીધી હતી.
મોટાભાઈએ શારદા કબીરને કહ્યું, “તું ભારતના કાયદામંત્રીની પત્ની બનીશ. ઇનકાર કરતી જ નહીં. આગળ વધજે.”
બાબાસાહેબની સારવાર દરમિયાન સર્જાયેલા તેમના પ્રત્યેના સ્નેહ-પ્રેમ તથા કાળજીને ધ્યાનમાં લઈને શારદા કબીરે બાબાસાહેબનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.
દિલ્હીમાં 1948ની 15 એપ્રિલે 15-20 આમંત્રિતોની હાજરીમાં બાબાસાહેબ અને શારદા કબીરનાં લગ્ન થયાં હતાં.
શારદા કબીર મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના રાજાપુર તાલુકાના નિવાસી ક્રિષ્નારાવ વિનાયકરાવ કબીર અને જાનકીબાઈ કબીરનાં પુત્રી.
તેમનો જન્મ 1912ની 27 જાન્યુઆરીએ સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. શારદા કબીરનો સમાવેશ પરિવારનાં આઠ સંતાનોમાં થતો હતો.
લગ્ન પછી શારદા કબીરનું નામ સવિતા આંબેડકર થયું હતું. બાબાસાહેબ તેમને કાયમ ‘શરુ’ કહીને બોલાવતાં હતાં, જ્યારે અનુયાયીઓ માટે તેઓ ‘માઈસાહેબ’ બન્યાં હતાં.

ઇમેજ સ્રોત, EPA
માઈસાહેબ અને બાબાસાહેબનો સહવાસ નવ વર્ષ સુધી રહ્યો હતો. તેઓ બાબાસાહેબના સંઘર્ષના સાથી બન્યાં હતાં.
બાબાસાહેબના મહાપરિનિર્વાણ પછી પણ સંઘર્ષ અટક્યો ન હતો. એ સમયગાળાને માઈસાહેબ ‘કસોટી પર્વ’ કહેતાં હતાં.
માઈસાહેબે આત્મકથામાં લખ્યું છે કે “બાબાસાહેબના પરિનિર્વાણ પછી મારે જે અગ્નિપરીક્ષામાંથી પસાર થવું તે વિચારું છું ત્યારે મને બીજો વિચાર આવે છે કે વૈધવ્ય પછી મારે જે વનવાસ ભોગવવો પડ્યો એવો જ અન્યાય ડૉ. આંબેડકરની હયાતીમાં કોઈ અન્ય સ્ત્રીએ ભોગવવો પડ્યો હોત તો ડૉ. આંબેડકર એ સ્ત્રીના હક્ક માટે લડ્યા હોત અને એ સ્ત્રીને મજબૂત ટેકો આપ્યો હોત.”
બાબાસાહેબના નિધનના થોડા દિવસ પછી જ માઈસાહેબની ‘અગ્નિપરીક્ષા’ શરૂ થઈ ગઈ હતી. તેનું નિમિત્ત હતું બાબાસાહેબનું પરિનિર્વાણ.
બાબાસાહેબનું પરિનિર્વાણ કુદરતી રીતે થયું છે કે પછી કરવામાં આવ્યું છે એવા સવાલ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરવામાં આવ્યા હતા અને માઈસાહેબ આંબેડકર પાસે જ તેનો સાચો જવાબ હતો.

માઈસાહેબ પર બાબાસાહેબની હત્યાનો આરોપ

ઇમેજ સ્રોત, VIJAY SURWADE
ડૉ. બાબાસાહેબ આંબેડકરનું 1956ની છઠ્ઠી ડિસેમ્બરે દિલ્હીમાં અવસાન થયું હતું. એ પછી બાબાસાહેબના મૃત્યુ બાબતે કેટલાક લોકોએ શંકા વ્યક્ત કરી હતી.
ઘણાએ તો સીધા માઈસાહેબ આંબેડકર પર આક્ષેપ કર્યા હતા. આ કારણસર માઈસાહેબ અત્યંત ભયભીત થઈ ગયાં હતાં.
માઈ આંબેડકરે આત્મકથામાં લખ્યું છે કે “સંપૂર્ણ સમાજમાં મારા વિરુદ્ધ ચોક્કસ વાતાવરણ તૈયાર કરવા માટે બાબાસાહેબના મૃત્યુ વિશે જાણીજોઈને શંકા વ્યક્ત કરવામાં આવી હતી. મારી વિરુદ્ધ સમાજમાં ઝેર ફેલાવવામાં આવ્યું હતું.”
માઈસાહેબના વિરોધમાં અત્યંત ચિંતાજનક અને ભયજનક વાતાવરણ સર્જાયું હતું. માઈએ લખ્યું છે કે તેમની હત્યા માટે મુંબઈથી ત્રણ માણસોને દિલ્હી મોકલવામાં આવ્યા હતા. એ ત્રણેયનાં નામ પણ માઈએ આપ્યાં હતાં, પરંતુ એ ત્રણેય પણ બચી ગયા અને માઈસાહેબ પણ.
દલિત સમુદાયના તત્કાલીન રાજકીય નેતાને ડૉ. આંબેડકરના મૃત્યુ બાબતે શંકા હતી. તેમણે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને કેન્દ્રીય ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંતની મુલાકાત લીધી હતી.
ડૉ. બાબાસાહેબના મૃત્યુનાં કારણોની તપાસની માગણી કરતો એક પત્ર 19 સંસદસભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રીને આપ્યો હતો.

ઇમેજ સ્રોત, MAISAHEB AMBEDKAR BIOGRAPHY
કેન્દ્ર સરકારે શરૂઆતમાં ઉપરોક્ત આક્ષેપોને ધ્યાનમાં લીધા ન હતા, પરંતુ બાદમાં દિલ્હી પોલીસના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર-જનરલ સક્સેનાના વડપણ હેઠળ એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.
એ સમિતિએ મેડિકલ બોર્ડના રિપોર્ટ્સના આધારે આપેલા અહેવાલમાં જણાવ્યું હતું કે “ડૉ. આંબેડકર કુદરતી કારણસર મૃત્યુ પામ્યા છે તેમાં કોઈ શંકા નથી. ગેરરીતિને સમર્થન આપતા કોઈ પુરાવા મળ્યા નથી.”
તપાસ સમિતિના અહેવાલ પછી પણ ડૉ. બાબાસાહેબના મૃત્યુ બાબતે શંકા વ્યક્ત કરવાનું ચાલુ રહ્યું હતું. તત્કાલીન સંસદસભ્ય બી સી કાંબળેએ ડૉ. આંબેડકરના મૃત્યુની તપાસ વિશેના અહેવાલ બાબતે લોકસભામાં 1957ની નવમી ડિસેમ્બરે સવાલ કર્યો હતો.
એ સવાલનો જવાબ તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંતે જવાબ આપ્યો હતો. પોલીસનો ગુપ્ત અહેવાલ જાહેર કરવાનું યોગ્ય નથી એમ કહીને તેમણે જરૂરી તારણ સભાગૃહમાં રજૂ કર્યાં હતાં.
ગોવિંદ વલ્લભ પંતે લોકસભામાં કહ્યું હતું કે “ડૉ. આંબેડકરના મૃત્યુ બાબતે શંકાનું કોઈ કારણ નથી. તેઓ કુદરતી કારણસર મૃત્યુ પામ્યા છે. આ અહેવાલમાં દિલ્હી પોલીસના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર-જનરલે મુંબઈના હૃદયરોગ નિષ્ણાત ડૉ. તિરોડકર અને ડૉ. તુળપુળેની જુબાની પણ નોંધી છે.”
ચિત્ર આટલું બધું સ્પષ્ટ થઈ ગયા પછી પણ બાબાસાહેબના મૃત્યુ બાબતે શંકા વ્યક્ત કરવાનું ચાલુ રહ્યું હતું. માઈનું નામ લઈને આક્ષેપો કરવામાં આવતા હતા. પરિણામે માઈસાહેબ જાહેર જીવનથી દૂર થઈ ગયાં હતાં.

આંબેડકરે પહેલાં જ કહ્યું હતું, ‘મારા પછી શરુનું શું થશે?’

ઇમેજ સ્રોત, VIJAY SURWADE
બાબાસાહેબે માઈસાહેબને 1948ની 21 ફેબ્રુઆરીએ લખેલો પત્ર વધુ બોલકો જણાય છે. એ પત્ર બન્નેએ લગ્નનો નિર્ણય કર્યો ત્યારે અને લગ્નના બે મહિના પહેલાં લખવામાં આવ્યો હતો.
એ પત્રમાં બાબાસાહેબે લખ્યું હતું કે “એક આત્માએ બીજા આત્માને નિહાળ્યો, તેના ગુણને પારખ્યા અને તેને આલિંગનમાં લીધો. એ આલિંગન ક્યારેય છૂટશે ખરું? મૃત્યુ સિવાય એ આલિંગનને કોઈ તોડી શકશે નહીં તેની રાજાને ખાતરી છે. બન્નેનું મૃત્યુ એકસાથે થાય તેવી રાજાની મહેચ્છા છે. શરુ પછી રાજાને કોણ સંભાળશે? એટલે રાજા પહેલાં મૃત્યુ પામવા ઇચ્છે છે.”
માઈસાહેબ આત્મકથામાં આ પત્ર પ્રકાશિત કર્યો છે. આ પત્રમાં બાબાસાહેબે ખુદને ‘રાજા’ અને માઈસાહેબને ‘શરુ’ એવું સંબોધન કર્યું છે.
એ પત્રમાં બાબાસાહેબે આગળ લખ્યું હતું કે “બીજી દૃષ્ટિએ વિચારીએ તો રાજાના મૃત્યુ પછી શરુનું શું થશે એ વાતે રાજા ચિંતિત છે. રાજાએ જાહેર કાર્યોમાંથી કોઈ ધન એકઠું કર્યું નથી. પેટ પૂરતા વ્યવસાય સિવાય બીજું કશું કરવાનું રાજાને આવડ્યું નથી.”
”શરુના રાજાને પેન્શન મળતું નથી. શરુના રાજા નિરોગી હોત તો કોઈ ચિંતા ન હોત, પણ તે રોગપીડિત હોવાથી ચિંતા થાય છે અને શરુનું શું થશે તેનો વિચાર આવતાં મન ઉદિગ્ન થઈ જાય છે.”
”ભગવાન બુદ્ધ આમાંથી કોઈ માર્ગ દેખાડશે, તેવી રાજાને પહેલેથી જ ખાતરી છે.”
માઈસાહેબે આ પત્રના સંદર્ભમાં આત્મકથામાં લખ્યું છે કે “બાબાસાહેબની ચિંતા તથા ભય કેટલાં સાચ્ચાં હતાં તેનો દાહક અનુભવ મેં છેલ્લાં 30 વર્ષમાં કર્યો છે. તેમાં બાબાસાહેબની દૂરંદેશી પણ દેખાય છે. બાબાસાહેબે ગાંધી-નેહરુ જેવા લોકોની ભૂલ પણ ચલાવી લીધી ન હતી ત્યારે મારામાં કોઈ ખામી હોત તો એ શું કામ ચલાવી લે?”
“તેનાથી વિપરીત, પરિનિર્વાણના થોડા કલાકો પહેલાં, બાબાસાહેબે 'બુદ્ધ અને હિઝ ધમ્મ' પુસ્તકની પ્રસ્તાવનામાં મારો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કર્યો હતો,” એવું માઈસાહેબે આત્મકથામાં લખ્યું છે.

માઈસાહેબ અને ભૈયાસાહેબ વચ્ચે પ્રૉપર્ટીનો વિવાદ

ઇમેજ સ્રોત, VIJAY SURWADE
બાબાસાહેબના નિધન પછી તેમના મૃત્યુનાં કારણો વિશે વિવાદ સર્જાયો હતો એવો જ વિવાદ તેમની સંપત્તિ બાબતે પણ સર્જાયો હતો.
માઈસાહેબે લખ્યું છે કે પોતાના મૃત્યુ પછી વારસદારો કોર્ટમાં ન જાય એ હેતુસર બાબાસાહેબે પોતાનું વિલ તૈયાર કર્યું હતું અને તેઓ તેના રજિસ્ટ્રેશન માટે દિલ્હીથી મુંબઈ જવાના હતા.
કોઈ સાક્ષીની સહી ન હોવાને કારણે બાબાસાહેબના વિલનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું ન હતું. તેથી વિલની સચ્ચાઈ બદલ શંકા હતી.
એ પ્રકરણ કોર્ટમાં ગયું હતું. તે કેસમાં એક બાજુ સવિતા એટલે કે માઈસાહેબ આંબેડકર અને બીજી બાજુ યશવંત એટલે ભૈયાસાહેબ આંબેડકર હતા.
ભૈયાસાહેબ ડૉ. બાબાસાહેબનાં પ્રથમ પત્ની રમાબાઈ આંબેડકરના પુત્ર તેમજ સામાજિક કાર્યકર અને રાજકારણી હતા.
બાબાસાહેબ પાસે કેટલી પ્રોપર્ટી હતી? મુંબઈમાં સરકારી આવાસ, દિલ્હીમાં જમીનનો નાનકડો પ્લોટ અને તળેગાંવમાં અન્ય એક નાનો પ્લોટ તથા તેના પર બાંધેલા બે રૂમ.
માઈસાહેબે આત્મકથામાં લખ્યું છે તે મુજબ, યશવંત આંબેડકરે કોર્ટમાં જણાવ્યુ હતું કે “મારા પિતાએ બીજી વખત લગ્ન કર્યાં જ ન હતાં અને હું તેમનો એકમાત્ર પુત્ર તથા વારસદાર છું. તેથી તેમની પ્રોપર્ટી મને જ મળવી જોઈએ.”
એ વાત સાંભળીને ન્યાયાધીશ સીબી કપૂર અસ્વસ્થ થઈ ગયા હતા અને તેમણે ગુસ્સે થઈને યશવંત આંબેડકરને સવાલ કર્યો હતો કે, "હું એમ માની લઉં કે ડૉ. આંબેડકરને લગ્નેતર સંબંધો રાખવાની આદત હતી એમ હું માની લઉં એવું તમે ઇચ્છો છો? અને મને તેમના પ્રત્યે બહુ આદર છે."
એ પછી ન્યાયમૂર્તિ સીબી કપૂરે આ કેસ મુંબઈ કોર્ટમાં મોકલ્યો હતો અને મુંબઈ કોર્ટમાં ન્યાયમૂર્તિ કોયાજીએ બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવીને પ્રોપર્ટીના વિવાદ પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
બાબાસાહેબ કેન્દ્રીય કાયદામંત્રી હતા ત્યારે ન્યાયમૂર્તિ સીબી કપૂર કાયદા મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે ન્યાયમૂર્તિ કોયાજીને ડૉ. આંબેડકર સાથે સંબંધ હતો. એ કારણસર બન્ને ન્યાયમૂર્તિઓ ડૉ. આંબેડકરને આદર આપતા હતા.
આંબેડકરના પરિવારજનો વચ્ચેનો સંપતિનો વિવાદ જાહેર ન થાય એવું બન્ને ન્યાયમૂર્તિઓ મનોમન ઇચ્છતા હતા.
બાબાસાહેબની પ્રૉપર્ટીના વિવાદમાં યશવંત આંબેડકરનો પક્ષ જાણવા માટે અમે તેમના પુત્ર આનંદરાજ આંબેડકરનો સંપર્ક કર્યો હતો. આનંદરાજ આંબેડકરે કહ્યું હતું કે “ડૉ. બાબાસાહેબના બન્ને વારસદાર (માઈસાહેબ અને ભૈયાસાહેબ) અત્યારે હયાત નથી. તેથી આ કેસ બાબતે વાત કરવી ઉચિત નથી.”

નેહરુની ઑફરનો માઈસાહેબે કર્યો અસ્વીકાર

ઇમેજ સ્રોત, VIJAY SURWADE
બાબાસાહેબના નિધન પછી માઈસાહેબને સરકારી હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે નોકરી આપવાની તેમજ તેમને રાજ્યસભાનું સભ્યપદ આપવાની ઑફર તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કરી હતી, પરંતુ માઈસાહેબે નેહરુની બન્ને ઑફરનો અસ્વીકાર કર્યો હતો.
પોતાના આ નિર્ણયનો સંબંધ માઈસાહેબે ડૉ. આંબેડકરની ભૂમિકા સાથે જોડ્યો છે.
તેમણે લખ્યું છે કે “ડૉ. સાહેબે અમારાં લગ્ન પછી મારી નોકરી છોડાવી દીધી હતી. તેમની ઇચ્છાનો અનાદર કરવાનું મને યોગ્ય લાગ્યું ન હતું.”
“એવી જ રીતે મેં રાજ્યસભામાં જવાની તૈયારી દેખાડી હોત તો તે કૉંગ્રેસ પાર્ટીમાં જોડાવા જેવું હોત. આ બન્ને વાત ડૉ. આંબેડકરના સિદ્ધાંત વિરુદ્ધની છે.”
એ પછી તત્કાલીન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ઈંદિરા ગાંધીએ પણ માઈસાહેબને રાજ્યસભાની બેઠક ઑફર કરી હતી અને તેનો પણ પોતે અસ્વીકાર કર્યો હોવાનું માઈએ લખ્યું છે.
માઈએ આત્મકથામાં એમ પણ લખ્યું છે કે “જે કૉંગ્રેસ સામે મારા પતિ આજીવન લડ્યા હતા એ કૉંગ્રેસમાં મારા પતિના અવસાન પછી જોડાવાનું મને અયોગ્ય લાગે છે અને હું મારા પતિના સિદ્ધાંતોનો દ્રોહ ક્યારેય કરી શકું નહીં.”

માઈસાહેબ મુંબઈમાં ખરી ઓળખ શા માટે આપતા ન હતાં?

ઇમેજ સ્રોત, VIJAY SURWADE
બાબાસાહેબના અવસાન પછી માઈસાહેબ દિલ્હીમાં રહ્યાં હતાં. તેઓ દિલ્હી-હરિયાણાની સીમા પરના મેહરૌલી વિસ્તારમાં એકલાં રહેતાં હતાં.
થોડા સમય પછી માઈસાહેબ દિલ્હીથી મુંબઈમાં કાયમ માટે રહેવા આવ્યાં હતાં. તેઓ તેમના મોટાભાઈ વસંત કબીરના નિવાસસ્થાનમાં રહેતાં હતાં.
કબીર પરિવાર દાદરના ગોખલે રોડ પરના પોર્ટુગીઝ ચર્ચ સામેની ઈમારતમાં આઠ-બાય-દસની રૂમમાં રહેતો હતો.
ડૉ. આંબેડકરના મૃત્યુ વિશે જે રીતે શંકા-કુશંકા વ્યક્ત કરવામાં આવતી હતી તેને ધ્યાનમાં લઈને માઈને પોતાની ખરી ઓળખ જાહેર ન કરવાનું વધુ યોગ્ય લાગ્યું હતું.
માઈસાહેબ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા વિજય સુરવાડેએ આ બાબતે બીબીસી સાથે વિગતવાર વાત કરી હતી.
માઈસાહેબ પોર્ટુગીઝ ચર્ચ સામે આવેલા કબીર પરિવારના ઘરની બહાર રોજ સાંજે ખુરશી વાચન કરતાં હતાં. એ તેમના દૈનિક જીવનનો એક હિસ્સો બની ગયું હતું. તેઓ માઈસાહેબ છે એ કોઈ જાણતું ન હતું.
એ જ માર્ગ પરથી ડીડી બાવિસ્કર આવતા-જતા હતા. બાવિસ્કર ભૈયાસાહેબ આંબેડકર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા.
બાવિસ્કર ભૈયાસાહેબને ભાઈસમાન ગણતા હતા. સૈન્યમાંથી નિવૃત્ત થયા પછી તેઓ ચૈત્યભૂમિની દેખરેખનું કામ કરતા હતા.

ઇમેજ સ્રોત, VIJAY SURWADE
બાવિસ્કરે એક દિવસ માઈસાહેબને અખબાર વાંચતા જોયાં હતાં. વાસ્તવમાં તો તેઓ ઘણા દિવસથી એમને જોતા હતા. એક દિવસ સાહસ કરીને તેઓ માઈસાહેબ પાસે ગયા અને સવાલ કર્યો કે “તમે માઈસાહેબ આંબેડકર છો ને?”
બહાર જે વાતાવરણ હતું તેને ધ્યાનમાં રાખીને માઈએ શરૂઆતમાં બાવિસ્કરને પોતાની ખરી ઓળખ આપી ન હતી.
બાવિસ્કર થોડા દિવસ સતત સંવાદ કરતા રહ્યા પછી માઈસાહેબે તેમને પોતાની ખરી ઓળખ આપી હતી. માઈસાહેબ આંબેડકર જાહેર જીવનમાં ફરી સક્રિય થયાં તેમાં બાવિસ્કર સાથેની આ મુલાકાતને મહત્ત્વની ગણવામાં આવે છે.

જ્યારે માઈસાહેબ ફરી દુનિયા સમક્ષ આવ્યાં

ઇમેજ સ્રોત, DR BABASAHEB AMBEDKAR MUSEUM & MEMORIAL
બાબાસાહેબના નિધન પછી ફેલાયેલી શંકા-કુશંકાને કારણે માઈ જાહેરમાં આવવાનું સતત ટાળતાં હતાં.
ભૈયાસાહેબ આંબેડકરના 61મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ વખતે માઈસાહેબ પહેલી વખત જાહેરમાં આવ્યાં હતાં.
એ કાર્યક્રમ મુંબઈમાં યોજવામાં આવ્યો હતો અને એ સમયે શંકરરાવ ચવ્હાણ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હતા.
દલિત પેન્થરના સહ-સંસ્થાપક અને લેખક જ. વિ. પવારે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે “સમાજનું નેતૃત્વ કરવાની ઈચ્છા હોવાની વિનંતી માઈસાહેબે મને કરી હતી. એ માટે અમે ભૈયાસાહેબના કાર્યક્રમને નિમિત્ત બનાવ્યો હતો.”
”એ માટે ભૈયાસાહેબની પરવાનગી લીધી હતી અને ભૈયાસાહેબ ભાષણમાં માઈસાહેબનો ઉલ્લેખ કરશે એવું પણ નક્કી થયું હતું.”
જ. વિ. પવારે ઉમેર્યું હતું કે “એ કાર્યક્રમમાં મંચ પર પહેલી હરોળમાં માઈસાહેબ, મીરાતાઈ (ભૈયાસાહેબનાં પત્ની) અને કુસુમતાઈ (શંકરરાવ ચવ્હાણનાં પત્ની) બેઠા હતાં. ભૈયાસાહેબ પ્રવચન કરવા ઊભા થયા ત્યારે બધાના કાન, તેઓ માઈસાહેબનું નામ ક્યારે ઉચ્ચારે છે તે સાંભળવા સરવા થયા હતા.”
”ભૈયાસાહેબને તેમની સામેના લોકોના પ્રતિભાવનો ડર લાગ્યો એટલે તેમણે માઈસાહેબનું નામ લેવાનું ટાળ્યું હતું.”
કાર્યક્રમ પૂરો થયા પછી માઈસાહેબે જ. વિ. પવારનો કાન પકડ્યો હતો. એ પછી અમદાવાદમાં યોજાયેલા દલિત પેન્થરના કાર્યક્રમમાં માઈસાહેબ તેમની ખરી ઓળખ સાથે સૌપ્રથમ વખત જાહેરમાં આવ્યાં હોવાનું પવારે જણાવ્યું હતું.
માઈસાહેબ દલિત પૅન્થરની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લેતા ન હતાં, પરંતુ 1977માં ભૈયાસાહેબ મુંબઈમાંથી સંસદીય ચૂંટણી લડ્યા ત્યારે માઈસાહેબે રાજા ઢાલે અને જ. વિ. પવાર સાથે મળીને પ્રચારનું વડપણ સંભાળ્યું હતું.
ભૈયાસાહેબની તમામ ચૂંટણીસભામાં માઈસાહેબ હાજર રહેતાં હતાં.
1972-73 પછી માઈસાહેબ સમગ્ર મહારાષ્ટ્રમાં જોવાં મળતાં થયાં હતાં.

દલિત પેન્થર, રિડલ્સ, નામાંતર, અયોધ્યા

ઇમેજ સ્રોત, DR BABASAHEB AMBEDKAR MUSEUM & MEMORIAL
વૈશાલી ભાલેરાવના જણાવ્યા મુજબ, 1972માં સ્થપાયેલા દલિત પૅન્થરનું મનોબળ મજબૂત કરવા માટે માઈસાહેબ આગળ આવ્યાં હતાં.
વૈશાલી ભાલેરાવે 'ડૉ. માઈસાહેબ આંબેડકરાંચ્યા સહવાસાત' નામનું માઈનું જીવનચરિત્ર લખ્યું છે.
વૈશાલી ભાલેરાવે કહ્યું હતું કે “70ના દાયકા પછી દલિત સમાજમાં દલિત પૅન્થર સ્વરૂપે આશાનું એક નવું કિરણ ઊભર્યું હતું. એ લોકો આધુનિક વિચારસરણી ધરાવતા, નવા ધ્યેયથી પ્રેરિત, બંડખોર અને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા યુવાનો હતા. રાજા ઢાલેના નેતૃત્વ હેઠળ દલિત પૅન્થર સર્જાયું હતું.”
દલિત પૅન્થરે માઈસાહેબના માર્ગદર્શન મુજબ સભા-સંમેલનોનું આયોજન કર્યું હતું. તે કારણે માઈસાહેબને મુખ્ય પ્રવાહમાં આવવાનો મોકળો માર્ગ મળ્યો હોવાનું વૈશાલી ભાલેરાવે જણાવ્યું હતું.
મરાઠવાડા યુનિવર્સિટીના નામાંતરના આંદોલન વખતે માઈસાહેબ મોખરે રહ્યાં હતાં. એ સમયે માઈસાહેબે જેલમાં પણ જવું પડ્યું હતું.
1987માં મહારાષ્ટ્ર સરકારે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ‘રિડલ્સ ઈન હિન્દુઈઝમ’ પુસ્તક પ્રકાશિત કર્યું ત્યારે મહારાષ્ટ્રમાં વિવાદ સર્જાયો હતો. રામ અને કૃષ્ણના ઉલ્લેખને કારણે કેટલાંક હિન્દુ સંગઠનોએ તે પુસ્તકના પ્રકાશન સામે વાંધો લીધો હતો.

ઇમેજ સ્રોત, DR BABASAHEB AMBEDKAR MUSEUM & MEMORIAL
પુસ્તકના પ્રકાશનની તરફેણમાં અને વિરોધમાં, બન્ને તરફથી આંદોલન શરૂ થયું હતું. તેમાં સામાજિક તંગદિલી પણ સર્જાઈ હતી.
‘રિડલ્સ ઈન હિન્દુઈઝમ’ના પ્રકાશનની તરફેણમાં ઍડવૉકેટ પ્રકાશ આંબેડકરના નેતૃત્વ હેઠળ રિડલ્સ સમર્થન પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. માઈસાહેબે પણ એ પરિષદમાં ભાગ લીધો હતો.
અયોધ્યા કેસમાં માઈસાહેબે 1993માં કોર્ટમાં દાખલ કરેલી અરજી ચર્ચાનો વિષય બની હતી.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાંથી મળી આવેલા પુરાતન અવશેષોને આગળ ધરીને હિન્દુઓએ રામજન્મભૂમિનો દાવો કર્યો હતો. તે જગ્યાએ બાબરી મસ્જિદ હોવાનું જણાવીને તે જગ્યા પોતાની હોવાનો દાવો મુસલમાનોએ કર્યો હતો.
બન્ને પક્ષના દાવાનો માઈસાહેબેએ વિરોધ કર્યો હતો. માઈસાહેબે જણાવ્યું હતું કે વિવાદિત સ્થળેથી સાકેત નામના બૌદ્ધ સ્તૂપના પુરાવા મળી આવ્યા હોવાથી એ જગ્યા બૌદ્ધોને મળવી જોઈએ.
માઈસાહેબે આ સંબંધે ફૈઝાબાદ કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. એ પછી અયોધ્યા કેસમાં કોર્ટે શું ચુકાદો આપ્યો તે સર્વવિદિત છે.

બાબાસાહેબ માટે ‘ભારતરત્ન’નો સ્વીકાર

ઇમેજ સ્રોત, DEEKSHABHOOMI/BBC
પૂણેની સિમ્બાયોસિસ શિક્ષણ સંસ્થાનાં માનદ સંચાલિકા ડૉ. સંજીવની મુજુમદારે કહ્યું હતું કે “1984ની એક સાંજ મને આજે પણ યાદ છે. 26 અલીપુર રોડ, નવી દિલ્હીથી એક ટ્રક ભરીને સામાન પૂણેની સિમ્બાયોસિસમાં આવ્યો હતો. તે સામાન ઍસૅમ્બ્લી હૉલના ગેસ્ટહાઉસના ઓરડાઓમાં ઉતારવામાં આવ્યો હતો.”
ડૉ. બાબાસાહેબ રોજ જે વસ્તુઓનો ઉપયોગ કરતા હતા એવી અનેક વસ્તુઓ માઈસાહેબે સિમ્બાયોસિસને રાખવા માટે આપી હતી.
ડૉ. સંજીવની મુજુમદારના ભાઈ થાણેની કોર્ટમાં ન્યાયાધીશ હતા. એ જ કોર્ટમાં માઈસાહેબનાં બહેનના જમાઈ ઠાકુર વકીલાત કરતા હતા. બહેન સાથે એક વખત વાત થતી હતી ત્યારે ઠાકુરે ડૉ. મુજુમદારનો ઉલ્લેખ કર્યો હતો. એ પછી ઠાકુરે મધ્યસ્થી કરી હતી અને બાબાસાહેબની મૂલ્યવાન વસ્તુઓ સિમ્બાયોસિસમાં પહોંચી હતી.
સિમ્બાયોસિસમાં બાબાસાહેબની વસ્તુઓના સંગ્રહાલયને ‘સ્મૃતિવિહાર’ નામ આપવામાં આવ્યું છે.
1990માં ડૉ. બાબાસાહેબને મરણોત્તર ‘ભારતરત્ન’ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
માઈસાહેબે તત્કાલીન રાષ્ટ્રપતિ વેંકટરમણના હસ્તે તે સન્માન સ્વીકાર્યું હતું. એ પુરસ્કાર પણ માઈસાહેબે સિમ્બાયોસિસને સ્મૃતિવિહારમાં રાખવા આપી દીધો હતો.
બાબાસાહેબ આંબેડકરે માઈસાહેબ વિશે કહેલા શબ્દો, એ સ્મારકમાં એક તખ્તી પર કંડારવામાં આવ્યા છે.
તેમાં લખ્યું છે કે “આ બૂઝાઈ રહેલી જ્યોત મારાં પત્ની અને ડૉ. માવલંકરના તબીબી કૌશલ્યને કારણે સફળતાપૂર્વક પ્રજ્વલિત થઈ શકી છે. હું અત્યંત આભારી છું. માત્ર તેમણે જ મને મારું કામ પૂર્ણ કરવામાં મદદ કરી છે.”
માઈસાહેબ વારંવાર સિમ્બાયોસિસની મુલાકાત લેતા હતાં. તેમની અંતિમ મુલાકાતની વાત કરતાં ડૉ. સંજીવની મુજુમદારે ભાવુક થઈ ગયાં હતાં.
તેમણે કહ્યું હતું કે “એ દિવસ બહુ યાદ આવે છે. તેઓ બહુ થાકી ગયાં હતાં. પગથિયાં ચડી શકતાં ન હતાં. અમે તેમને ખુરશી પર બેસાડીને ઉપર લાવ્યાં હતાં.”
“પ્રત્યેક પગથિયું ચડતી વખતે જય ભીમ બોલવાનું તેઓ અમને કહેતા હતા. તેમણે સંસ્થામાંની બાબાસાહેબની પ્રતિમાને હાર પણ પહેરાવ્યો હતો. અમને ખબર ન હતી કે તે માઈસાહેબ સાથેની છેલ્લી મુલાકાત હશે.”
2003ની 29 મેના રોજ મુંબઈની જેજે હૉસ્પિટલમાં માઈસાહેબનું નિધન થયું હતું.
મહારાષ્ટ્ર સરકારે છેલ્લા દિવસોમાં માઈસાહેબ માટે એક સહાયક મહિલાની વ્યવસ્થા કરી હતી. આંબેડકર પરિવાર, રામદાસ આઠવલે અને વિજય સુરવાડે જેવા લોકો પોતપોતાની રીતે માઈસાહેબની દેખભાળ તથા તેમને મદદ કરતા હતા.
વિજય સુરવાડે દુઃખ વ્યક્ત કરતાં જણાવે છે કે માઈસાહેબે તેમના જીવનમાં અગણિત આક્ષેપો અને પારાવાર પીડાનો સામનો કરવો પડ્યો હતો.
માઈસાહેબ આંબેડકરના શબ્દોમાં આખરે એટલું કહેવાનું છે કે “પોતાના રાજકીય સ્વાર્થ અને નેતૃત્વના લોભ ખાતર તેમણે આંબેડકરના વારસદારોને વ્યવસ્થિત રીતે હાંકી કાઢ્યા, પણ આખરે નેતૃત્વ માટે એ જ નેતાઓ એકમેકની સામે લડ્યા. ખાસ કરીને આવા રાજકીય સ્વાર્થ ખાતર મને બલિ બનાવવામાં આવી હતી તે ઐતિહાસિક સત્ય છે.”



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












