ડૉ. આંબેડકર જ્યારે શીખ ધર્મ તરફ આકર્ષાયા હતા

આંબેડકરના માનવા પ્રમાણે શીખ ધર્મ અપનાવવાનો સૌથી મોટો ફાયદો એ હતો કે તેનાથી કચડાયેલા વર્ગના લોકો 'બિનરાષ્ટ્રીય' થાય તેમ ન હતા.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, આંબેડકરના માનવા પ્રમાણે શીખ ધર્મ અપનાવવાનો સૌથી મોટો ફાયદો એ હતો કે તેનાથી કચડાયેલા વર્ગના લોકો 'બિનરાષ્ટ્રીય' થાય તેમ ન હતા.
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દલિતોના સામાજિક, આર્થિક અને રાજકીય ઉદ્ધાર માટે હિંદુ ધર્મનો ત્યાગ કરવાનો વિચાર ડૉ. આંબેડકરના મનમાં ઘણા સમયથી હતો. 1956માં તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો તેનાથી ઘણા સમય અગાઉ તેમણે 1929માં જલગાંવના અછૂતોને એવો કોઈ પણ ધર્મ અપનાવવાની સલાહ આપી હતી જે તેમને માનવ ગણે. (ડૉ. આંબેડકરઃ લાઇફ ઍન્ડ મિશન, ત્રીજી આવૃત્તિ, ધનંજય કીર, પોપ્યુલર પ્રકાશન, બૉમ્બે, પેજ 251-252).

વંચિત અને કચડાયેલા વર્ગ માટે અલગ મતદારયાદીના મુદ્દે ગાંધીજી સાથે થયેલા સંઘર્ષ, 1932માં પૂના કરાર પર હસ્તાક્ષર અને જાતિવાદી હિંદુઓ તરફથી નિરાશા સાંપડ્યા બાદ આંબેડકરે મનમાં નિર્ધાર કરી લીધો હતો.

13 ઓક્ટોબર, 1935ના રોજ મહારાષ્ટ્રમાં યેવલા ખાતે એક પરિષદમાં તેમણે જાહેરાત કરી જે હવે જગવિખ્યાત છે.

તેમણે કહ્યું, "કમનસીબે હું અછૂત હિંદુ તરીકે જન્મયો હતો. તેને રોકવું મારા હાથમાં ન હતું... પરંતુ હું ખાતરી આપું છું કે હું એક હિંદુ તરીકે મરીશ નહીં." (ડૉ. આંબેડકર ઍન્ડ અનટચેબિલિટી, ક્રિસ્ટોફ જેફરલોટ, પર્મેનન્ટ બ્લેક, દિલ્હી, 2016, પેજ 120) તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને હિંદુ ધર્મ સાથે પોતાનો સંબંધ તોડી નાખવા જણાવ્યું. સાથે સાથે તેમણે નવા ધર્મની પસંદગી પણ બહુ કાળજીપૂર્વક કરવાની સલાહ આપી. (કીર, પેજ 253)

ઘણા જાતિવાદી હિંદુ નેતાઓ અને ગાંધીજીએ આંબેડકરના આ નિર્ણયની ટીકા કરી હતી, જ્યારે ઇસ્લામ, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ ધર્મના ધાર્મિક આગેવાનોએ આંબેડકરને પત્ર લખ્યા અને શોષિત વર્ગ માટે તેમનો પોતાનો ધર્મ આદર્શ પસંદગી છે તેવી દલીલો કરી.

સુવર્ણ મંદિરની મેનેજિંગ કમિટિના વાઇસ પ્રેસિડન્ટે ડૉ. આંબેડકરને એક ટેલિગ્રામ મોકલ્યો અને દાવો કર્યો કે, "શીખ ઘર્મ એકેશ્વરવાદી, બધાને પ્રેમ કરતો ધર્મ છે અને તેના તમામ અનુયાયીઓ સાથે સમાન વ્યવહાર કરે છે." (કીર, પેજ 255)

line

શક્તિશાળી સમુદાયમાં સમાઈ જાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી

ધર્મ પરિવર્તનની પ્રક્રિયા દરમિયાન આંબેડકરે તેમના લોકો કોઈ શક્તિશાળી સમુદાયમાં સમાઈ જાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ધર્મ પરિવર્તનની પ્રક્રિયા દરમિયાન આંબેડકરે તેમના લોકો કોઈ શક્તિશાળી સમુદાયમાં સમાઈ જાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી

નાસિકથી આવેલા એક પ્રતિનિધિમંડળને આંબેડકરે જણાવ્યું કે ધર્મ પરિવર્તન પાંચ વર્ષની અંદર કરવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું કે જાતિવાદી હિંદુઓ કોઈ હકારાત્મક પરિણામની ખાતરી આપે તો તેઓ પોતાના નિર્ણય અંગે પુનઃવિચારણા કરશે.

ધર્મ પરિવર્તનની પ્રક્રિયા દરમિયાન આંબેડકરે તેમના લોકો કોઈ શક્તિશાળી સમુદાયમાં સમાઈ જાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેઓ શીખ ધર્મ અપનાવવાનું વિચારી રહ્યા છે તેવા સંકેત આપ્યા હતા. (કીર, પેજ 259)

જાન્યુઆરી 1936માં પૂણે ખાતે યુથ કૉન્ફરન્સમાં આંબેડકરે ધર્મ પરિવર્તનની સમયમર્યાદા દૂર કરી અને જાહેરાત કરી કે તેઓ અને તેમનો સમાજ એવા કોઈ પણ ધર્મને અપનાવશે જે તેમને સંપૂર્ણ સમાન દરજ્જો આપે. (કીર, 62)

આંબેડકર તથા ધાર્મિક નેતાઓ જાણતા હતા કે અહીં વાત માત્ર સમાનતાની ન હતી. અહીં બીજી બાબતો પણ કામ કરી રહી હતી. છેક 1927માં આંબેડકરે કચડાયેલા વર્ગના લોકોને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના સંઘર્ષને ધ્યાનમાં રાખવાની સલાહ આપી હતી.

તેમણે તેમને કહ્યું હતું કે આ સંતુલનને એક તરફ નમાવવાની શક્તિ શોષિત વર્ગના હાથમાં રહેલી છે. (કીર, પેજ 82) તેમના મનમાં કોઈ ભ્રમ ન હતો અને પૂણે કૉન્ફરન્સમાં તેમણે ચેતવણી આપી હતી કે "આપણે ખ્રિસ્તી, ઇસ્લામ કે શીખ ધર્મ અપનાવીશું તો આપણે આપણા કલ્યાણ માટે લડવું પડશે." (કીર, પેજ 262)

અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ ભાષણ તથા તે સમયના બીજા ભાષણોમાં આંબેડકરે બૌદ્ધ ધર્મના વિકલ્પનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી.

એક ઇટાલિયન બૌદ્ધ સાધુ લોકનાથે સિલોનથી 'બૌદ્ધધર્મ તમને મુક્તિ આપશે' નામે એક પુસ્તિકા લખી અને દાવો કર્યો કે, "એક વખત તમે બૌદ્ધ હતા. હિંદુના નેજા હેઠળ આવવાનો ઇનકાર કરવા બદલ હિંદુઓ દ્વારા તમારું શોષણ કરવામાં આવ્યું હતું."

શીખ ધર્મ એ સૌથી નિકટનો હરીફ છે તેવું વિચારીને લોકનાથે આંબેડકરને શીખ ધર્મ અપનાવવા વિરુદ્ધ પણ ચેતવ્યા હતા. (આંબેડકર્સ વર્લ્ડ, એલોનોર ઝેલિયોટ, નવયાન, નવી દિલ્હી, પેજ 159)

line

વિકલ્પો અંગે વિચારણા

છેક 1927માં આંબેડકરે કચડાયેલા વર્ગના લોકોને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના સંઘર્ષને ધ્યાનમાં રાખવાની સલાહ આપી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છેક 1927માં આંબેડકરે કચડાયેલા વર્ગના લોકોને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના સંઘર્ષને ધ્યાનમાં રાખવાની સલાહ આપી હતી.

આંબેડકરે કાળજીપૂર્વક પોતાના વિકલ્પો અંગે વિચારણા શરૂ કરી. નાણાકીય અને રાજકીય રીતે જોવામાં આવે તો ઇસ્લામ અને ખ્રિસ્તીધર્મ એ સૌથી વધુ સ્વાભાવિક અને સૌથી વધુ આકર્ષક વિકલ્પો હતા. પરંતુ તેમણે વિચાર્યું કે ઇસ્લામ અથવા ખ્રિસ્તીધર્મ અપનાવવામાં આવશે તો કચડાયેલા વર્ગનું 'બિનરાષ્ટ્રીયકરણ' થશે.

કચડાયેલા વર્ગનો સમગ્ર સમુદાય જો ઇસ્લામ અથવા ખ્રિસ્તીધર્મમાં ઉમેરાય તો અનુક્રમે મુસ્લિમોનું પ્રભુત્વ વધી જાય અથવા અંગ્રેજોની સત્તા વધુ બળવાન બને તેવો ભય મજબૂત થઈ શકે તેમ હતો.

કચડાયેલા વર્ગ માટે શીખ ધર્મ ઓછો આકર્ષક વિકલ્પ હતો કારણ કે શીખો મુખ્યત્વે પંજાબમાં કેન્દ્રીત હતા.

કચડાયેલા વર્ગના તમામ લોકો શીખ ધર્મ અપનાવે તો પંજાબની બહાર નોકરીઓ અથવા ધારાસભાઓમાં તેમને વિશેષ પ્રતિનિધિત્વ મળે તેમ ન હતું.

આંબેડકરના માનવા પ્રમાણે શીખ ધર્મ અપનાવવાનો સૌથી મોટો ફાયદો એ હતો કે તેનાથી કચડાયેલા વર્ગના લોકો 'બિનરાષ્ટ્રીય' થાય તેમ ન હતા. (કીર, પેજ 280)

અછૂત વર્ગના લોકો શીખ ધર્મ અપનાવે તે સ્થિતિ હિંદુ મહાસભાને સૌથી વધુ પસંદ હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મહાસભાના ડૉ. બી. એસ. મુંજે જૂન 1936માં બૉમ્બે ખાતે આંબેડકરને ત્રણ દિવસ સુધી મળ્યા હતા. તેમની વચ્ચે એવી સમજૂતી થઈ કે ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ અપનાવવાના બદલે આંબેડકર શીખ ધર્મ અંગીકાર કરશે.

તેના બદલામાં મહાસભા ધર્મપરિવર્તન કરનાર અછૂતોને પૂના કરાર હેઠળ મળેલા અધિકારોને જાળવી રાખવાની આંબેડકરની માંગણીને ટેકો આપશે.

મુંજે તેમના કરારને ટેકો આપવા માટે પટિયાલાના મહારાજને પણ સમજાવી લીધા જેઓ સૌથી વધુ પ્રભાવશાળી શીખ રાજવી પરિવારના સભ્ય હતા. (જેફરલોટ, પેજ 127)

ડૉ. મુંજે દ્વારા તૈયાર કરાયેલા નિવેદનમાં આંબેડકરે એ બાબત પર ભાર મૂક્યો કે હિંદુઓના હિત ખાતર તેઓ શીખ ધર્મની તરફેણ કરે છે.

'જો શોષિત વર્ગના લોકો ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરશે તો તેઓ હિંદુ ધર્મમાંથી બહાર નીકળી જશે એટલું જ નહીં, તેઓ હિંદુ સંસ્કૃતિમાંથી પણ બહાર થઈ જશે. બીજી તરફ, જો તેઓ શીખ ધર્મ અપનાવે તો તેઓ હિંદુ સંસ્કૃતિની અંદર રહેશે.' (કીર, પેજ 279)

line

જ્યારે આંબેડકરે શીખ મિશન કૉન્ફરન્સમાં હાજરી આપી

શીખ રાજકીય નેતાઓને પણ મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તનને લઈને ચિંતાઓ હતી કારણ કે તેનાથી પોતાના સમુદાયમાં તેમની સત્તા નબળી પડવાનો ભય હતો.

ઇમેજ સ્રોત, DEEKSHABHOOMI/BBC

ઇમેજ કૅપ્શન, શીખ રાજકીય નેતાઓને પણ મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તનને લઈને ચિંતાઓ હતી કારણ કે તેનાથી પોતાના સમુદાયમાં તેમની સત્તા નબળી પડવાનો ભય હતો.

આંબેડકરનું જીવનચરિત્ર લખનાર ધનંજય કીર તથા એલેનોર ઝેલિયટ, ક્રિસ્ટોફ જેફરલોટ જેવા વિદ્વાનોએ લખ્યું છે કે બૉમ્બેમાં ખાલસા કૉલેજની સ્થાપના તથા શીખ ધર્મ પ્રત્યે આંબેડકરની વધતી રૂચિ વચ્ચે સીધો સંબંધ હતો.

1937માં શરૂ થયેલી કોલેજે અછૂત વિદ્યાર્થીઓ માટે દરવાજા ખોલ્યાં હતા. ખાલસા કૉલેજની વેબસાઇટ પર સીધો દાવો કરવામાં આવ્યો છે કે ડૉ. આંબેડકર સાથે તેનો સીધો સંબંધ રહ્યો છે.

વેબસાઇટના હિસ્ટ્રી સેક્શનમાં જણાવાયા પ્રમાણે આંબેડકરે 1935માં "અમૃતસરમાં શીખ ધાર્મિક નેતાઓને એક શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરવા માટે આ દરખાસ્ત મૂકી હતી."

13-14 એપ્રિલ, 1936 દરમિયાન આંબેડકરે શીખ મિશન કૉન્ફરન્સમાં હાજરી આપી હતી. તેમાં તેમની સાથે જુદા જુદા રાજ્યોના શોષિત વર્ગના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

મે 1936માં આંબેડકરે પોતાના પુત્ર અને ભત્રીજાને અમૃતસરના ગુરુદ્વારામાં મોકલ્યા હતા. તેઓ ત્યાં દોઢ મહિના સુધી રોકાયા અને શીખોમાં આશા જગાવી હતી. (કીર, પેજ 276)

ત્યાર બાદ તે જ વર્ષે આંબેડકરે 13 અનુયાયીઓના એક જૂથને શીખ ધર્મનો અભ્યાસ કરવા અમૃતસર મોકલ્યું હતું. આ જૂથમાંથી કોઈ વ્યક્તિ આંબેડકરના નિકટના સહયોગી અથવા વિદ્વાન ન હતા.

એક અનુયાયીને લખેલા પત્રમાં આંબેડકરે તેમને 'ધર્માંતરણ આંદોલનના આગેવાન' હોવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ તેમને ધર્મપરિવર્તન કરવા જણાવ્યું ન હતું.

આંબેડકરની કોઈ સૂચના ન હોવા છતાં તે તમામે શીખ ધર્મ અંગીકાર કર્યો હતો. ત્યાર બાદ બૉમ્બેમાં તેમને ઠંડો આવકાર મળ્યો હતો. (કીર, 284)

નવેમ્બર 1936માં આંબેડકર લંડન ગયા અને ત્યાં સત્તાવાળાઓને મળ્યા. પરંતુ તેમને મળેલો સત્તાવાર જવાબ નિરાશાજનક હતો.

શીખો માટેની વિશેષ જોગવાઈઓ માત્ર પંજાબમાં જ લાગુ થવાની હતી, પછી તેઓ શીખ હોય કે શોષિત વર્ગમાંથી ધર્મ પરિવર્તન કર્યું હોય. પૂણે કરારના કારણે તેમને જે કોઈ રાજકીય લાભ મળ્યો હતો તેને પણ તેઓ ગુમાવવાના હતા.

શોષિત વર્ગના ઘણા નેતાઓ અને રૂઢિચુસ્ત જૂથો આંબેડકરની ધર્મ પરિવર્તન અંગેની વ્યૂહરચનાથી ખુશ ન હતા. તેમાંથી કેટલાક કૉંગ્રેસની સાથે જોડાઈ ગયા.

શીખ રાજકીય નેતાઓને પણ મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તનને લઈને ચિંતાઓ હતી કારણ કે તેનાથી પોતાના સમુદાયમાં તેમની સત્તા નબળી પડવાનો ભય હતો.

આ તમામ પરિબળોના કારણે શીખ ધર્મ અંગીકાર કરવાના ડૉ. આંબેડકરના વિચારનો વણજાહેર અંત આવ્યો.

આંબેડકર શીખ ધર્મને એવો વિકલ્પ ગણતા હતા જેનાથી તેમના સમુદાયે રાજકીય લાભ ગુમાવવો ન પડે, દેશની ડેમોગ્રાફીમાં ફેરફાર નહીં થાય અને હિંદુ 'સંસ્કૃતિ' પણ જળવાઈ રહેશે.

સ્વતંત્રતા મળ્યા પછી આ તમામ વિચારો ગેરહાજર હતા. તેના પરિણામે ડૉ. આંબેડકરે શીખ ધર્મ અપનાવવા વિશે ફરીથી ન વિચાર્યું. તેના બદલે તેઓ 1950ના દાયકામાં બૌદ્ધ ધર્મના વિચારો તરફ ઢળ્યા અને અંતે 1956માં બૌદ્ધ ધર્મ અપનાવ્યો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો