'સલામત ગુજરાત'માં દર ચાર દિવસે એક દલિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના બને છે

અનુસૂચિત જનજાતિની મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં પાછલાં દસ વર્ષોમાં SC-ST મહિલાઓ સાથે વધી રહ્યા છે રેપના બનાવ
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં પાછલાં દસ વર્ષમાં નોંધાયેલા ગુનાની વિગતો પ્રમાણે દર ચાર દિવસે એક અનુસૂચિત જાતિ અને દર દસ દિવસે એક આદિવાસી મહિલા સાથે દુષ્કર્મની ઘટના બને છે.

બીબીસી ગુજરાતીએ ગુજરાત પોલીસ મહાનિદેશકની કચેરીમાં કરેલી માહિતી અધિકાર અંતર્ગતની અરજીના જવાબમાં આ માહિતી પ્રાપ્ત થઈ હતી. આ આંકડા સરકારની 'સલામત ગુજરાત'ની જાહેરાતોથી વિપરીત હકીકત બયાન કરે છે.

'ગાંધીના ગુજરાત'માં આટલા ચિંતાજનક આંકાડાઓ જોયા બાદ પણ 'રાજ્યમાં સબસલામત'ના નેતાઓના દાવાને નિષ્ણાતો અને કર્મશીલો બંધારણીય અને ભારતીય મૂલ્યોનો ઉપહાસ ગણાવે છે.

14 એપ્રિલે જ્યારે બાબા સાહેબ આંબેડકરની 130મી જયંતી છે. ભારતીય સમાજના જે લોકોને વિશેષ રક્ષણ આપવાની જોગવાઈ કરવા માટે તેઓ હરહંમેશ પ્રયત્નશીલ રહ્યા તે સમાજની સ્ત્રીઓ સામે થતા અત્યાચારના આંકડાઓ જોઈ આંબેડકરવાદીઓનાં મનમાં દુખ સિવાય અન્ય કોઈ લાગણી ન આવી શકે તેવો નિષ્ણાતોનો મત છે.

નોંધનીય છે કે અનુસૂચિત જાતિ અને આદિવાસી સમાજના લોકો વિરુદ્ધ થતા અત્યાચારને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 1989માં શિડ્યૂલ્ડ કાસ્ટ્સ ઍન્ડ ટ્રાઇબ્સ (પ્રીવેન્શન ઑફ એટ્રોસિટી) ઍક્ટ લાગુ કરવામાં આવ્યો હતો.

આ કાયદા અંગેના નિયમો વર્ષ 1995માં ઘડવામાં આવ્યા હતા.

આ કાયદા અંતર્ગત અનુસૂચિત જાતિ અને આદિવાસી સમાજની વ્યક્તિ સામે અન્ય સમાજની વ્યક્તિઓ દ્વારા અત્યાચારને નિવારવાનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો હતો.

કાયદાની કડક જોગવાઈઓ છતાં પણ 'વિકસિત' ગણાતાં ગુજરાત રાજ્યમાં પાછલાં દસ વર્ષમાં આ ઍક્ટ અંતર્ગત મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ નોંધાવાના વલણમાં વધારો જોવા મળ્યો છે.

અનુસૂચિત જાતિ અને આદિવાસી મહિલાઓ પર અન્યોની સરખામણીએ દુષ્કર્મ જેવા અત્યાચાર થવાનું જોખમ વધારે રહેલું હોવાનું નિષ્ણાતો અને કર્મશીલો જણાવે છે અને તેઓ એનાં કારણો પણ આપે છે.

line

દલિત અને આદિવાસી મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓમાં વધારો

રેપ કેસ
ઇમેજ કૅપ્શન, અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે થતા દુષ્કર્મના કિસ્સામાં વધારો

RTIના જવાબમાં રાજ્યના પોલીસવિભાગે અનુસૂચિત જાતિ અને આદિવાસી સ્ત્રીઓ સાથે બનેલી દુષ્કર્મની ઘટનાઓ અંગે વિગતો આપી હતી.

આ અનુસાર પાછલાં દસ વર્ષમાં 814 અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હતું. જ્યારે આ જ સમયગાળામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ 395 આદિવાસી મહિલાઓ સાથે પણ દુષ્કર્મની ઘટના બની હતી.

જો આ વિગતો પરથી સરેરાશ કાઢવામાં આવે તો રાજ્યમાં દર ચાર દિવસે એક અનુસૂચિત જાતિની મહિલા અને દર દસ દિવસે એક આદિવાસી મહિલા સાથે દુષ્કર્મની ઘટના નોંધાતી હોવાની હકીકત સામે આવી છે.

આંકડાઓ પર ઊંડાણપૂર્વક નજર કરીએ તો પાછલાં દસ વર્ષમાં અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે સૌથી વધુ દુષ્કર્મના કિસ્સા અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, સુરત અને ભાવનગરમાં જોવા મળ્યા છે.

અમદાવાદ અને રાજકોટ આ મામલે અનુક્રમે 152 અને 96 કેસો સાથે પ્રથમ અને બીજા ક્રમાંક પર છે.

જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને અનુક્રમે 49, 45 અને 36 કેસો સાથે બનાસકાંઠા, સુરત અને ભાવનગર છે.

જો પાછલાં દસ વર્ષમાં અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે થયેલી દુષ્કર્મની ઘટનાઓમાં વધારા અંગે વાત કરીએ તો આ વર્ષ દરમિયાન આ ઘટનાઓમાં બમણો વધારો જોવા મળ્યો છે.

વર્ષ 2011માં જ્યારે સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે દુષ્કર્મની 51 ઘટનાઓ નોંધાઈ હતી. તેની સામે વર્ષ 2020માં આ ઘટનાઓની સંખ્યા 102 થઈ જવા પામી હતી.

અનુસૂચિત જાતિની મહિલાઓની જેમ જ આદિવાસી મહિલાઓ સાથે થયેલા દુષ્કર્મની ઘટનાઓમાં પણ રાજ્યમાં વધારો જોવા મળ્યો હતો.

મળેલ માહિતી અનુસાર ગુજરાતમાં પાછલાં દસ વર્ષમાં કુલ 395 મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના બની હતી.

દસ વર્ષોમાં સુરતમાં 50, ભરૂચમાં 41, પંચમહાલમાં 25, સાબરકાંઠામાં 18 અને બનાસકાંઠામાં પણ 18 આદિવાસી મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હતું.

વર્ષ 2011માં 27 આદિવાસી મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હતું, જ્યારે પાછલા વર્ષ 2020માં 46 આદિવાસી મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના થઈ હતી.

line

'SC અને ST મહિલાઓ પર વધુ જોખમ'

દુષ્કર્મ
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં આદિવાસી મહિલાઓ સાથે દુષ્કર્મના કિસ્સામાં વધારો નોંધાયો છે

દલિત કર્મશીલ ચંદુ મહેરિયા દલિત મહિલાઓ પર અત્યાચાર થવાના વધુ જોખમ અંગેનાં કારણો દર્શાવે છે.

તેઓ કહે છે, "આ મહિલાઓ મોટા ભાગે ગરીબ વર્ગની હોય છે. તેમજ સામાજિક માળખામાં પણ તેમનું સ્થાન ઘણું નીચું માનવામાં આવે છે."

"એક તો મહિલા હોવું અને એ પણ દલિત હોવું એ તેમના જીવનની મુશ્કેલીઓમાં પારાવાર વધારો કરે છે અને તેમને વધુ ને વધુ જોખમમાં મૂકે છે. આ કારણે તેમની સાથે દુષ્કર્મ જેવી ઘટનાઓ બનવાની શક્યતા વધી જાય છે."

ગુજરાતના સમાજકલ્યાણ ખાતાના નિવૃત્ત નાયબ નિયામક ડૉ. હસમુખ પરમાર પણ ચંદુ મહેરિયાની વાત સાથે સહમતિ વ્યક્ત કરે છે.

તેઓ પણ કહે છે કે એક મહિલાનું દલિત હોવું તેના માટે વધુ જોખમ ઊભું કરનારો સંજોગ બને છે.

તેઓ કહે છે, "જેમ આપણે ત્યાં કહેવત છે કે 'ગરીબ કી જોરુ સબકી ગુલામ' એ મુજબ દલિત મહિલાઓ પોતાનાં જાતીય અને જ્ઞાતીય બંને સ્ટેટસને કારણે વધુ જોખમમાં હોય છે. તેથી તેમની સાથે દુષ્કર્મની ઘટનાઓ વધુ બની શકે તેનો ભય હંમેશાં રહેલો છે."

ડૉ. પરમાર દલિત મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને સોશિયલ મર્ડર ગણાવે છે.

તેઓ આગળ કહે છે કે રેપની ઘટનાના કારણે આવી મહિલાઓનું સામાજિક અસ્તિત્વ મટી જતું હોય છે.

આદિવાસીઓના ઉત્થાન માટે કામ કરતી સંસ્થા આનંદી સાથે સંકળાયેલાં નીતા હાર્ડિકર માને છે કે અન્યોની સરખામણીમાં આદિવાસી મહિલાઓ પર દુષ્કર્મ જેવા અત્યાચારો થવાનું વધુ જોખમ રહેલું હોય છે.

તેઓ તેમની આ માન્યતા પાછળનું કારણ રજૂ કરતાં કહે છે, "આદિવાસી મહિલાઓ પર અત્યાચાર થવાની શક્યતા એટલા માટે વધુ હોય છે કારણકે અન્ય સમાજના લોકોને ક્યાંકને ક્યાંક મનમાં તેમના સામાજિક દરજ્જા વિશે ખબર હોય છે."

"તેમને ખ્યાલ હોય છે કે આ મહિલા કે તેનો પરિવાર મારું કશું જ બગાડી નહીં શકે."

line

'આ મહિલાઓ સાથે અત્યાચારના ઘણા કિસ્સાઓની નોંધ નથી લેવાતી'

ડૉ. હસમુખ પરમાર કહે છે કે ખરા અર્થમાં મહિલાઓ સાથે જેટલા બળાત્કારના બનાવો બને છે તે પૈકી મોટા ભાગના કેસો રિપોર્ટ થતા નથી.

તેઓ જણાવે છે, "ગુજરાતનાં ગામડાંમાં હજુ પણ દુષ્કર્મ જેવી ઘટનામાં પીડિતે આરોપી પહેલાં સરપંચ સમક્ષ જવું પડે છે. તેથી ઘણા કિસ્સાઓ સ્થાનિકસ્તરે જ સમેટાઈ જતા હોય છે. પોલીસ સુધી પહોંચવાનો વારો જ નથી આવતો."

આ પ્રકારની પરિસ્થિતિને કારણે આવી ઘટનાઓનો ખરો આંકડો સામે આવી શકતો નથી. નીતા હાર્ડિકર પણ આ વાત સાથે સંમત થાય છે.

તેઓ કહે છે, "આદિવાસી વિસ્તારોમાં આદિવાસી મહિલાઓની ફરિયાદ લેવા બાબતે ઘણી વખત કેટલાક પૂર્વગ્રહને કારણે પોલીસ અધિકારીઓ દુષ્કર્મના કિસ્સાઓમાં પણ આનાકાની કરતા હોય છે."

"આ સિવાય ઘણી વખત પિતૃસત્તાક સમાજ હોવાને કારણે ઘરના વડીલો આવી ઘટનાઓથી પોતાની અને પોતાના કુટુંબની વગોવણી થશે તેવા ભયના કારણે પણ આવી ઘટનાઓ રિપોર્ટ કરતાં નથી. રિપોર્ટ ન થતી ઘટનાઓની સંખ્યા વધુ છે, તેમાં કોઈ બેમત નથી."

line

માઇગ્રેશનના કારણે વધુ જોખમમાં મુકાય છે મહિલાઓ?

રેપ કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને આદિવાસી સમાજની મહિલાઓની કેવી છે સ્થિતિ?

નીતા હાર્ડિકર કહે છે કે આદિવાસી મહિલાઓ પૈકી મોટો વર્ગ છે જે પોતાના વતનથી દૂર અન્ય સ્થળે કામ કરે છે, જેથી તેમને નવી જગ્યાએ જવું પડે છે.

તેઓ કહે છે કે, "આદિવાસી સ્ત્રી સાથે દુષ્કર્મ થાય ત્યારે તેનાં ઘણાં બધાં કારણો પૈકી એક કારણ માઇગ્રેશન પણ હોય છે. ઘણી જગ્યાએ સ્થાનિકો અને માલિકો દ્વારા પણ તેમનું શોષણ થતું હોવાની ફરિયાદો મળે છે."

આદિવાસી અને દલિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના પાછળનાં કારણો અંગે વાત કરતાં વિકલ્પ NGOના વડા હિમાંશુ બૅંકર જણાવે છે, "જ્યારે આદિવાસી અને અનુસૂચિત જાતિના લોકો તેમના ગામમાં વગ હાંસલ કરવા લાગે છે કે તેમનો પ્રભાવ વધવા લાગે છે, ત્યારે ઘણા લોકો આવા પરિવારોને ટાર્ગેટ કરવા માટે પણ આવાં કૃત્યોને અંજામ આપતા હોય છે."

અમદાવાદસ્થિત હ્યુમન ડેવલપમૅન્ટ રિસર્ચ સેન્ટર સાથે સંકળાયેલા મહેશભાઈ પણ આદિવાસીઓ સાથે થતી દુષ્કર્મની ઘટનાઓ માટે ઘણા ખરા અર્થે તેમના માઇગ્રેશનને જવાબદાર માને છે.

તેઓ કહે છે, "આદિવાસી લોકો મોટા ભાગે પોતાના પરિવાર સાથે માઇગ્રેશન કરતાં હોય છે. અને ખેતર ભાડે રાખી ખેતીકામ કરતા હોય છે."

"આવી પરિસ્થિતિમાં ઘણી વખત આદિવાસી મહિલાઓનું આવી અજાણી જગ્યાઓએ શોષણ થતું હોય છે અને તેમાં ઘણી વખત તેમને કામે રાખનાર કૉન્ટ્રેક્ટરો કે માલિકો જવાબદાર હોય છે."

line

'મહિલાઓને ન્યાય મળી શકે તે માટે શરૂ કરાઈ અદાલતો'

ગુજરાતનો આદિવાસી સમાજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં આદિવાસી સમાજના ઘણા લોકોએ અન્ય જિલ્લાઓમાં કામ શોધવા માટે જવું પડે છે

ગુજરાત મહિલા આયોગનાં અધ્યક્ષ નીલાબહેન અંકોલિયા, આદિવાસી અને અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે થતા અત્યાચારોને નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા કરાઈ રહેલા પ્રયત્નો અંગે વાત કરે છે.

તેઓ કહે છે, "શહેરી વિસ્તારોમાં તો દુષ્કર્મના કિસ્સાઓ તુરંત બહાર આવી જાય છે. પરંતુ આવું જ ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં પણ શક્ય બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે."

"જે માટે રાજ્યમાં 270 નારી અદાલતો શરૂ કરવામાં આવી છે."

નીલાબહેન મહિલા સુરક્ષા માટે કરાઈ રહેલા સરકારી પ્રયત્નો અંગે વાત કરતાં કહે છે, "પીડિત મહિલાઓને ત્વરિત ન્યાય મળી રહે તે માટે અમે આ અદાલતોમાં મહિલા ઍડ્વોકેટ ઉપરાંત સ્નાતક મહિલાઓ સહિત કુલ 400 મહિલાઓની નિયુક્તિ કરી છે."

"આ ઉપરાંત કુલ ચાર હજાર સ્વયંસેવક બહેનોની પણ નિયુક્તિ કરાઈ છે. જેથી આદિવાસી અને અનુસૂચિત જાતિની મહિલાઓને ઝડપથી ન્યાય મળી શકે."

"આ વ્યવસ્થાના કારણે અગાઉ કરતાં આદિવાસી અને અનુસૂચિત વિસ્તારોમાં મહિલાઓ પરના અત્યાચારોની અને દુષ્કર્મની ઘટનાઓની સંખ્યા ઘટી છે."

ગુજરાત મહિલા આયોગનાં અધ્યક્ષ નીલાબહેન અંકોલિયા જણાવે છે કે, "આદિવાસી અને અનુસૂચિત જાતિની વસતીવાળા વિસ્તારોમાં નારી અદાલતોમાં મુખ્યત્વે આદિવાસી અને અનુસૂચિત જાતિની મહિલાઓની જ નિમણૂક કરવામાં આવે છે."

"જેથી આવી મહિલાઓ સ્થાનિક ભાષામાં ફરિયાદીની વાત સારી રીતે સમજીને અન્ય સત્તાધીશોને સરળતાથી જણાવી શકે છે."

"અમારા આ પ્રયાસના કારણે આદિવાસી અને અનુસૂચિત વિસ્તારમાં સામાન્ય છેડતીના બનાવો પણ ઘટ્યા છે. કારણકે પીડિતોને ત્વરિત કાનૂની સહાય મળે છે અને આ તમામ કામગીરીથી અમે મહિલાઓમાં જાગૃતિ ઉત્પન્ન કરી છે."

line

'માત્ર સલામત ગુજરાતના સ્લોગનથી મહિલાઓ સુરક્ષિત નહીં થાય'

દુષ્કર્મની ઘટનાઓ અંગે વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદ ખાતે હાથરસના બનાવ બાદ પ્રદર્શનો યોજાયાં હતાં

નીતા હાર્ડિકર ગુજરાત સરકાર દ્વારા મહિલા પરના અત્યાચારો ઘટાડવાનાં પગલાં અપૂરતાં હોવાનું જણાવે છે.

તેઓ કહે છે, "માત્ર ટીવી કે રેડિયો પર 'સલામત ગુજરાત'ની જાહેરાત કરવાથી કે સ્લોગન ચલાવવાથી રાજ્યમાં સૌથી વધુ જોખમમાં રહેલી મહિલાઓની પરિસ્થિતિ નહીં સુધરે."

"તેના માટે ગ્રાઉન્ડ પર કામ કરવું પડશે. આ મહિલાઓની સમસ્યાઓને સમજીને તેના નિરાકરણ માટે યોગ્ય પગલાં તાત્કાલિક અસરથી લેવાય તેની જરૂરિયાત છે. તો જ આગામી સમયમાં પરિસ્થિતિ સુધરી શકશે."

દલિત કર્મશીલ ચંદુ મહેરિયા પણ 'સલામત ગુજરાત'ની વાતોને સરકારની જાહેરાત માત્ર ગણાવે છે. તેઓ કહે છે કે પછાત રાજ્યો સાથેની સરખામણી કરીને સરકાર ગુજરાતને સ્ત્રીઓ માટે સલામત ગણાવે છે. જે યોગ્ય નથી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે ભારતમાં દરરોજ 88 મહિલાઓ પર રેપ થાય છે. રેપના મામલાઓમાં સજા મળવાનો દર પણ માત્ર 30 ટકા જ છે.

ન્યૂઝ 18 ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે નૅશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડા અનુસાર વર્ષ 2019માં ભારતમાં દરરોજ દસ દલિત મહિલા પર દુષ્કર્મ થાય છે.

આ માપંદડ પર 11829 કેસો સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમાંક પર છે.

line

શું છે એટ્રોસિટી ઍક્ટ?

NDTV ડોટ કૉમના એક અહેવાલ અનુસાર અનુસૂચિત જાતિ અને જનજાતિ (પ્રીવેન્શન ઑફ એટ્રોસિટી) ઍક્ટ, 1989 આ વંચિત સમાજોને સામાજિક અન્યાય અને અસમાનતા સામે રક્ષણ આપવાનું કામ કરે છે.

તે 9 સપ્ટેમ્બર, 1989ના રોજ લાવવામાં આવ્યો હતો. જ્યારે આ કાયદાના નિયમો 31 માર્ચ, 1995ના રોજ જારી કરાયા હતા.

આ કાયદા અંતર્ગત 22 ગુના પ્રકારના ગુના સામેની જોગવાઈઓ સમાવી લેવાઈ છે. આ ગુના વર્તનની જુદી-જુદી પેટર્ન પ્રમાણે અલગ-અલગ વિભાજિત કરવામાં આવ્યા છે.

આ ગુનાઓમાં આદિવાસી કે અનુસૂચિત જાતિની વ્યક્તિને આર્થિક, લોકતાંત્રિક અને સામાજિક હકો આપવા પર પ્રતિબંધ, ભેદભાવ, શોષણ અને કાયદાની પ્રક્રિયાના દુરુપયોગને લગતા ગુના સમાવિષ્ટ કરાયા છે.

આ ઍક્ટના સૅક્શન 14માં જોગવાઈ કરવામાં આવી છે કે આવા કેસોની ઝડપી ટ્રાયલ ચલાવવા માટે જે તે જિલ્લાની જિલ્લા કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવશે.

આ સાથે જ આ કાયદામાં FIRની નોંધણી અને ચાર્જશીટ જેવા જુદા-જુદા તબક્કે જુદી-જુદી કલમો અનુસાર પીડિતને નાણાકીય સહાય કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ ઘણા પીડિતો આ વળતરની રકમ મળવામાં બિનજરૂરી મોડું કરાતું હોવાની ફરિયાદ કરે છે.

ધ હિંદુ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ભારતની સર્વોચ્ચ અદાલતે 20 માર્ચ 2018ના રોજ એટ્રોસિટી ઍક્ટની જોગવાઈઓ હળવી બનાવી હતી.

જે અનુસાર આ ઍક્ટ અંતર્ગત ગુનો નોંધાયેલ હોય એવા આરોપીને આગોતરા જામીન માટેનો હક અપાયો હતો. આ સિવાય આરોપીની ધરપકડ અંગેની જોગવાઈઓમાં પણ ઘણા ફેરફારો કર્યા હતા.

ઘણાં સંગઠનોએ સુપ્રીમ કોર્ટના આ આદેશની ટીકા કરી અને તેની વિરુદ્ધ દેશમાં ઠેર ઠેર પ્રદર્શનો થવા લાગ્યાં હતાં.

આ ચુકાદા અંગે થયેલી રિવ્યૂ પિટિશનો પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ કાયદાનો કેટલાક લોકો પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરે છે.

જોકે, બાદમાં કેન્દ્ર સરકારે આ ચુકાદાની અસરો ટાળતો સુધારો પસાર કરીને કાયદાની જોગવાઈઓ યથાવત્ રાખી હતી.

આ બાબતે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી, "20 માર્ચના રોજ તેમના દ્વારા અપાયેલ આદેશમાં આદિવાસી અને અનુસૂચિત જાતિના લોકોને જૂઠા ગણાવવાની વાત ભૂલભરેલી અને માનવીય ગૌરવ વિરુદ્ધની બાબત હતી."

આ સાથે જ સુપ્રીમે કેન્દ્ર સરકારનો આ સુધારો માન્ય રાખ્યો હતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો