હાથરસ કેસ : બળાત્કારની ઘટનાઓને જ્ઞાતિવાદની નજરે કેમ જોવાય છે?

- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત રીતે ગૅંગરેપનો શિકાર બનેલી 20 વર્ષીય યુવતીનું દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
મીડિયા અહેવાલો અનુસાર બળાત્કારનાં પીડિતા દલિત હતાં, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથે આ મામલે દોષિતોને કડકમાં કડક સજા અપાશે તેવી જાહેરાત કરી છે.
હવે આ ઘટના પર લોકો સોશિયલ મીડિયા અને વિવિધ પ્લૅટફૉર્મો પર પોતાનો રોષ પ્રદર્શિત કરી રહ્યા છે.
આ બનાવને લઈને દેશભરમાં ચર્ચા થઈ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં 22 વર્ષીય છોકરી પર બળાત્કારની બીજી ઘટના સામે આવતાં સોશિયલ મીડિયા પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી હતી.
આ લોકોમાં એવા પણ ઘણા સામેલ છે જેઓ આ ઘટનાઓને જ્ઞાતિવાદી દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે.
લોકો પૂછી રહ્યા છે કે છોકરીઓની પૂજા કરી રહ્યા છીએ તો બળાત્કાર કેમ થાય છે?

ઇમેજ સ્રોત, EPA
સાથે-સાથે કડક કાયદાઓની માગ કરી રહ્યા છે તો કેટલાક લોકો બળાત્કારના કેસમાં જ્ઞાતિને વચ્ચે લાવવાની ના પાડી રહ્યા છે.
ત્યારે અહીં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે બળાત્કાર જેવી ઘટનાઓને પણ જ્ઞાતિવાદની નજરે જોવું કેટલું યોગ્ય કે અયોગ્ય છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીડિતાને સોમવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મેડિકલ કૉલેજમાંથી સફદરજંગ હૉસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. તેઓ ગત બે અઠવાડિયાંથી મૃત્યુ સામે લડી રહ્યાં હતાં.
મૃતકના પરિવારનો આરોપ છે કે તેઓ 14 સપ્ટેમ્બરે પોતાની માતા અને ભાઈ સાથે ઘાસ કાપવા ગયાં હતાં ત્યારે ગૅંગરેપ કરવામાં આવ્યો.
જ્યારે હાથરસ પોલીસનું કહેવું છે કે આ કેસમાં તમામ ચાર આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલ મોકલી દેવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સદસ્યોવાળી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ) નીમી છે. જે આ મામલા અંગે પોતાનો રિપોર્ટ એક અઠવાડિયાની અંદર આપશે.

‘બળાત્કારને જ્ઞાતિવાદી દૃષ્ટિકોણથી જોવો જરૂરી’

માનવાધિકાર અને દલિત અધિકાર માટે કામ કરતાં સમાજસેવિકા મંજુલા પ્રદીપ હાથરસ બળાત્કાર અને દલિત સ્ત્રીઓ સાથે બનતા જાતીય ગુનાઓને જ્ઞાતિવાદી દૃષ્ટિકોણથી જોવાની વાતને યોગ્ય ગણાવે છે.
તેઓ આ મુદ્દે વાત કરતાં કહે છે કે, “જો આવી ઘટનાઓને જ્ઞાતિવાદી દૃષ્ટિકોણથી ન જોવામાં આવે તો સમગ્ર દલિત સમાજની મહિલાઓ સાથે થતા અત્યાચારની સમસ્યા પર પડદો પડી જાય છે.”
“આવું ન થાય અને સમાજના કચડાયેલા દલિત વર્ગની સમસ્યાઓ પ્રત્યે સરકાર અને સમાજ જાગૃત બને તે માટે આવી ઘટનાઓને જ્ઞાતિવાદી દૃષ્ટિકોણથી જોવી જરૂરી હોય છે.”
આ વાત સાથે સંમત થતાં સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ જણાવે છે, “હાથરસ જેવી ઘટનાઓને જ્ઞાતિવાદી દૃષ્ટિકોણથી જોવાથી આ ઘટનાઓ રોકાઈ જશે એવું તો હું નથી માનતો. પરંતુ આવી ઘટનાઓને જ્ઞાતિવાદી દૃષ્ટિકોણથી જોવાથી કચડાયેલા વર્ગની ઓળખ સમાજને કરાવી શકાય છે.”
“ભલે ગુજરાત હોય કે ઉત્તર પ્રદેશ દુર્ભાગ્યે એવું બન્યું છે કે આવા કેસો દલિતો વિરુદ્ધ વધુ બને છે અને તે પણ ઘાતકી રીતે બને છે."
"એનો અર્થ એ નથી કે બીજા સમાજની સ્ત્રીઓ વિરુદ્ધ આવા ગુના નથી બનતા. પરંતુ બીજા સમાજની સ્ત્રીઓ વિરુદ્ધ બનતા ગુનાનું પ્રમાણ દલિતોની સ્ત્રીઓ વિરુદ્ધ બનતા ગુનાની સરખામણીમાં ઓછા ઘાતકી હોય છે.”
“સમાજના દલિત વર્ગ સહિત અન્ય વર્ગોમાં જાગૃતિ લાવવા માટે અને સમાજના કચડાયેલા વર્ગોને વધુમાં વધુ હાઇલાઇટ કરવા માટે પણ આવી ઘટનાઓને જ્ઞાતિવાદી દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે.”
રેપપીડિતાની મદદ કરતી સંસ્થા પીપલ અગેન્સ્ટ રેપ ઇન ઇન્ડિયા (PARI)નાં યોગીતા ભયાના પણ માને છે કે હાથરસ જેવી ઘટનાઓને જ્ઞાતિવાદી દૃષ્ટિકોણથી જોવું જરૂરી છે.
તેઓ કહે છે કે, “આપણાં શહેરો અને ગામોમાંથી જ્ઞાતિપ્રથા બિલકુલ જતી રહી હોય એવું નથી. શહેરોમાં આ સમસ્યાના પ્રમાણમાં ગામડાંની સરખામણીએ ઘટાડો થયો હોઈ શકે."
"હજુ પણ ઘણી જગ્યાએ ઉચ્ચ વર્ગના અપરાધીઓ દ્વારા દલિત સ્ત્રીઓને સોફ્ટ ટાર્ગેટ માનીને સમગ્ર દલિત સમાજને જ્ઞાતિપ્રથામાં તેમનું સ્થાન બતાવવા માટે આવાં ગુનાહિત કૃત્યો થાય છે.”
“આપણાં શહેરો કે ગામડાંમાંથી જ્ઞાતિપ્રથા નાબૂદ થઈ ગઈ છે એવો દેખાડો કરવા માત્રથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. તેથી આવી ઘટનાઓને જ્ઞાતિવાદી દૃષ્ટિકોણથી જોવું જરૂરી બની જાય છે.”

‘…તો ન કરવામાં આવી હોત આવી ક્રૂરતા’

ઇમેજ સ્રોત, Getty Images
દલિત કાર્યકર્તા પૉલ દિવાકરનું માનવું છે કે, “મહિલા પર બળાત્કાર કે અત્યાચારની ઘટનાઓને પણ જ્ઞાતિવાદી દૃષ્ટિકોણથી જોવું યોગ્ય છે અને જરૂરી છે.”
તેઓ આગળ જણાવે છે કે, “જ્યારે નિર્ભયાકાંડ થયો ત્યારે સમગ્ર દેશમાં બળાત્કારીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો, પરંતુ આ ઘટનામાં આવું કશું જ જોવા નથી મળી રહ્યું. કારણ કે પીડિતા દલિત છે, એ કારણે આ ઘટનાને રોજિંદી ઘટનાઓ સાથે ખપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.”
પૉલ દિવાકર જણાવે છે કે, “પ્રથમ દૃષ્ટિએ તો એવું જ લાગે છે કે પીડિતાની જ્ઞાતિના કારણે અને તે જ્ઞાતિ પરની ઘૃણાને કારણે તેમની સાથે આવો અમાનુષી વર્તાવ કરાયો છે. નહીંતર પીડિતાની જીભ કાપી લેવી તેનાં હાડકાં ભાંગી નાખવાં એવી તો તેમની સાથે અત્યાચારીઓની શી દુશ્મની હતી.”
તેઓ જણાવે છે કે, “હું માનું છું કે જો પીડિતા દલિત નહીં પરંતુ અન્ય કોઈ ઉચ્ચ વર્ણની હોત તો તેની સાથે આવો વર્તાવ ન થયો હોત અને તેના વિરોધમાં પણ નિર્ભયાની જેમ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હોત.”

દલિત મહિલાઓ પર બળાત્કારમાં ઉત્તર પ્રદેશ પ્રથમ

ઇમેજ સ્રોત, Sunil Ghosh/Hindustan Times via Getty Images
ઇન્ડિયા ટુડે ડોટ ઇનના એક અહેવાલ અનુસાર, પાછલા બે માસમાં ઉત્તર પ્રદેશમાં બળાત્કારની આ પાંચમી ઘટના બની હતી. જે પૈકી ત્રણ મહિલા દલિત હતાં.
નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરમાં પ્રકાશિત કરાયેલા ડેટા પ્રમાણે ભારતમાં વર્ષ 2019માં દરરોજ 88 બળાત્કાર થયા હતા.
વર્ષ 2019માં નોંધાયેલ 32,033 બળાત્કારની ઘટનાઓમાંથી 11 ટકા બળાત્કારની ઘટનાઓ દલિત મહિલાઓ સાથે બની હતી.
NCRBના રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં રાજસ્થાનમાં કુલ 6000 અને ઉત્તર પ્રદેશમાં કુલ 3065 બળાત્કાર થયા હતા.
ધ હિંદુ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર સૌથી રાજસ્થાનમાં દલિત મહિલાઓ સાથે બળાત્કારની સૌથી વધુ 554 ઘટનાઓ બની હતી. જ્યારે ઉત્તર પ્રદેશમાં દલિત મહિલાઓ સાથે બળાત્કારની 537 ઘટનાઓ બની હતી.
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની વાત કરીએ તો વર્ષ 2018ની રેપની ઘટનાઓની સરખામણીએ ઉત્તર પ્રદેશમાં 18 ટકા વધારો જોવા મળ્યો છે જ્યારે રાજસ્થાનમાં એ વધારો 9 ટકા છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર NCRBના 2019ના રિપોર્ટ અનુસાર મહિલાઓ વિરુદ્ધના અપરાધોની બાબતમાં સમગ્ર દેશમાં ઉત્તર પ્રદેશ 59,853 અપરાધો સાથે સૌથી ટોચ પર છે.
જ્યારે 41,550 કેસો સાથે રાજસ્થાન બીજા ક્રમે અને 37,144 કેસો સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે છે.
નોંધનીય છે કે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ હાથરસ ગૅંગરેપની ઘટનાને વખોડતું ટ્વીટ કર્યું હતું. .
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે લખ્યું હતું કે, હાથરસમાં બળાત્કાર અને હત્યાનો શિકાર બનેલ બાળકીનું માત્ર એક જ નામ હોઈ શકે અને તે છે ભારતની દીકરી.
તેને માત્ર ‘ભારતની દીકરી’ કહેવામાં આવે અને એ જ નામે તેના માટે ન્યાય માગવામાં આવે.

‘ઉચ્ચ જ્ઞાતિની પીડિતાનું શબ પોલીસે વગર પરવાનગીએ બાળ્યું હોત?’

હાથરસ ગૅંગરેપ કેસમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર અડધી રાત્રે પરિવારની પરવાનગી વગર કર્યા હોવાના આરોપો લગાવાઈ રહ્યા છે.
આ વાતની ગંભીરતા વિશે વાત કરતાં ઘનશ્યામ શાહ જણાવે છે, “જો આવી જ ઘટના કોઈ ઉચ્ચ જ્ઞાતિની છોકરી સાથે બની હોત તો આવી રીતે અડધી રાત્રે પરિવારની પરવાનગી વગર પીડિતાના અંતિમ સંસ્કાર કરવાની પોલીસની હિંમત ન થઈ હોત. પછી ભલે તે કેસ કોઈ પણ રાજ્યનો કેમ ન હોય.”
“દલિતો કચડાયેલા અને લઘુમતીમાં હોવાને કારણે પોલીસ આવું કરવાની હિંમત કરી શકે છે.”
“દુર્ભાગ્યે આપણા દેશમાં હજુ પણ દલિતો પર થતા અત્યાચાર મામલે સમાજ સંવેદનશીલ નથી બન્યો અને પોલીસ પણ સમાજનો જ એક ભાગ છે.”
“દલિત સ્ત્રીઓ પર થતા જાતીય હુમલાઓને જાતિવાદી દૃષ્ટિકોણથી જોવું એટલા માટે પણ જરૂરી છે કે મહિલા તરીકેની અસુરક્ષાની સાથોસાથ દલિત સ્ત્રીને એક દલિત સ્ત્રી હોવાની અસુરક્ષાનો પણ ભોગ બનવું પડે છે. આ બેગણી અસુરક્ષા અન્ય જાતિની સ્ત્રીઓને ભોગવવી પડતી નથી.”
હાથરસ ગૅંગરેપ કેસમાં પોલીસની સંદિગ્ધ ભૂમિકા તરફ આંગળી ચીંધતાં મંજુલા પ્રદીપ જણાવે છે, “જે રીતે રાતોરાત પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કર્યા છે તે બિલકુલ અનિચ્છનીય છે. કારણ કે જ્યારે પણ વધુ પુરાવા મેળવવાની જરૂરિયાત ઊભી થશે ત્યારે હવે ફરીવાર પોસ્ટમૉર્ટમ કરવા માટે તંત્ર પાસે મૃતદેહ નહીં હોય.”



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













