ગાંધીજીએ ગુજરાતના સત્યાગ્રહમાં જ્યારે હાર કબૂલી

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

સત્યાગ્રહ. ગુજરાત સહિત સમગ્ર વિશ્વને અત્યાચાર અને દમન વિરુદ્ધ આ વજ્રસમા હથિયારનો પરિચય કરાવનાર બાપુની આજે 151મી જન્મજયંતી છે.

ગાંધીજીએ જાહેર જીવનમાં પગ મૂક્યા બાદ સત્યાગ્રહ થકી ભલભલા પ્રતિસ્પર્ધીઓનું હૃદયપરિવર્તન કરવામાં સફળતા મેળવી હતી. ખાસ કરીને બ્રિટિશરો વિરુદ્ધ કરેલા તેમનાં સત્યાગ્રહો મોટા ભાગે સફળ નીવડેલાં અથવા તો તેમને આશ્વાસન રહે તેવી રીતે તે સત્યાગ્રહોની પૂર્ણાહુતિ થઈ હતી.

બ્રિટિશ રાજ વખતે અત્યાચારો અને અન્યાયો વિરુદ્ધ સફળ સત્યાગ્રહો કરનાર બાપુને એક દેશી રજવાડા સામેના સત્યાગ્રહમાં ‘હું હાર્યો’ એમ કહેવાની ફરજ પડી હતી. તે સત્યાગ્રહ હતો રાજકોટનો સત્યાગ્રહ.

રાજકોટ સાથે ગાંધીજીનો સંબંધ

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધી

રાજકોટ સત્યાગ્રહ પર રામનારાયણ નાગરદાસ પાઠક દ્વારા લિખિત પુસ્તક ‘રાજકોટ સત્યાગ્રહ’માં થયેલી નોંધ મુજબ, “કાઠિયાવાડમાં ભાવનગર, જૂનાગઢ અને જામનગર જેવાં મોટાં દેશી રજવાડાં હતાં. પરંતુ અસહકારના એ જમાનમાં પોતાને આંગણે રાજકીય પરિષદ ભરવા દેવાની કોઈ રાજ્યકર્તાની હિંમત અને ઇચ્છા પણ ન હતી. મોટા ભાગના રાજાઓ પ્રજાજાગૃતિના જુવાળને પોતાના રાજ્યની હદમાં આવતો અટકાવવા માટે કટિબદ્ધ બન્યા હતા. તેવા સમયે રાજકોટના ઠાકોર લાખાજીરાવે રાજકીય પરિષદનું અધિવેશન પોતાને આંગણે ભરવા દેવાની રાજીખુશીથી હા પડી. કાઠિયાવાડનાં રજવાડાં ઉપર દેખરેખ રાખનાર બ્રિટિશ હિંદના પ્રતિનિધ એજન્ટ ટુ ગવર્નરનું વડું મથક રાજકોટમાં હતું. એ રૅસિડેન્ટની ખફા મરજીનો વિચાર સરખો પણ કર્યા વિના સર લાખાજીરાજે પરિષદ માટે પરવાનગી આપી.”

સર લાખાજીરાજ પ્રજાપ્રેમી અને પ્રગતિશીલ વિચાર ધરાવતા રાજવી હતા. મહાત્મા ગાંધીના પિતા કબા ગાંધી રાજકોટના દીવાન હતા અને ગાંધીજીનું બાળપણ રાજકોટમાં વીત્યું હતું એ વાતનું તેમને ગૌરવ હતું.

ગાંધીજીએ દેશ સમક્ષ રજૂ કરેલા ચતુર્વિધ રચનાત્મક કાર્યક્રમના એક મહત્ત્વના ભાગ તરીકે રાજકોટમાં રાષ્ટ્રીય શાળા સ્થાપવામાં આવી ત્યારે ઠાકોરસાહેબે તેને માટે જમીન કાઢી આપી હતી અને બીજાં રચનાત્મક કાર્યોં પ્રત્યે તેમની હંમેશાં સક્રિય સહાનુભૂતિ રહી હતી.

વર્ષ 1925માં ભાવનગરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદના ત્રીજા અધિવેશન બાદ લાખાજીરાજના આમંત્રણને પગલે જ્યારે મહાત્મા ગાંધી રાજકોટ પહોંચ્યા ત્યારે રાજાપ્રજાએ એકસાથે મળીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. રાજદરબારમાં ઠાકોરસાહેબે મહાત્માજીનું સિંહાસન પોતાને જમણે પડખે મુકાવ્યું.

સર લાખાજીરાજે રાજકાજમાં સલાહ આપવા માટે પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી અને પ્રજાવિકાસનાં કામોમાં પ્રજાના અગ્રણીઓની સલાહ તેઓ માન્ય પણ રાખતા.

કમનસીબે આવા પ્રજાવત્સલ રાજવીનું અકાળે મૃત્યુ થયું અને તેમના સ્થાને તેમના પુત્ર ઠાકોર ધર્મેન્દ્રસિંહ ગાદીએ આવ્યા. તેમને દારૂની ભારે લત હતી. તેઓ મોટે ભાગે નશામાં રહેતા અને રાજ્યનો કારભાર દીવાન વીરાવાળા ચલાવતા.

રાજકોટમાં ગેરવહીવટની ફરિયાદો

રાજકોટમાં આવેલી મોહનદાસ ગાંધી વિદ્યાલય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં આવેલી મોહનદાસ ગાંધી વિદ્યાલય

રાજ્ય નાનું અને ખર્ચ વધારે એટલે એ ખર્ચને પહોંચી વળવા માટે દરબાર વીરાવાળાએ રાજ્યની પ્રજા પર જાતભાતના કરવેરા નાખ્યા.

તેમણે દીવાસળી, ખાંડ અને બરફ વગેરેના ઇજારા આપ્યા. દાણા માર્કેટ જેવાં મકાનો વેચવાં કાઢ્યાં. કાર્નિવલ નામની એક કંપનીને રાજ્યમાં જુગાર ચલાવવાનો પરવાનો આપ્યો.

ખેડૂતો ઉપર જાતજાતના કરવેરા અને અને વેઠવેરા લાદ્યા. રાજકોટની પ્રજા જાગૃત હતી, તેથી આવા બધા અત્યાચારો સામે તેણે માથું ઊંચક્યું. આ રીતે રાજકોટની લડતનાં મંડાણ થયાં.

સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રી બનેલા ઢેબરભાઈ અને જેઠાલાલ જોષી જેવા લોકોએ દીવાન વીરાવાળા દ્વારા રાજાના મોજશોખ માટે સામાન્ય પ્રજા પર નખાયેલા વેરા વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું.

ઢેબરભાઈએ તેમના મિત્રો સાથે શહેર અને ગ્રામ વિસ્તારના કરવેરાની તપાસ કરી અને તેના ચોક્કસ આંકડા મેળવ્યા. રાજકોટ શહેરના ઇજારાઓના અભ્યાસમાંથી એવું તારણ નીકળ્યું કે રાજકોટ રાજ્યની અડધોઅડધ આવક તો ઇજારામાંથી આવે છે અને તે મોટે ભાગે રાજકુટુંબ પાછળ ખર્ચાય છે.

અને ખેડૂતોની આવકના સર્વેમાંથી એવું તારણ નીકળ્યું કે ખેડૂતની માથાદીઠ આવક પાંચ પૈસા એટલે કે એક કેદી ઉપર થતા ખર્ચ કરતાં પણ ઓછી છે. તેનો પણ લગભગ અડધા જેટલો ભાગ રાજકુટુંબના અંગત ખર્ચમાં વપરાય છે. રાજકોટની આવી ઇજારાશાહી અને ગામડાની વેરાશાહી વિરુદ્ધ લોકોમાં દિવસે ને દિવસે રોષ વધતો જતો હતો.

રાજકોટમાં એજન્સીની હદમાં જન્માષ્ટમીના મેળામાં જુગારખાનાના પાટલા મંડાતા, તેના વિરોધમાં સભા ભરાતાં એજન્સીની પોલીસે વિરોધ કરનારા પર ગેરકાયદેસર લાઠીચાર્જ કરાયો. જોકે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે સભાની માફી પણ માગી એટલે આગેવાનો સમગ્ર સભાને જ રાજ્યની હદમાં લઈ ગયા.

આ પગલાને પરિણામે રાજ્યની પોલીસ સભા પર તૂટી પડી. ઢેબરભાઈ વગેરેને પણ માર પડ્યો. પોલીસના ક્રૂર લાઠીચાર્જ અને આગેવાનોની ધરપકડના સમાચાર તીવ્ર ગતિથી ફેલાયા. તરત જ શહેરમાં સખત હડતાળ પડી. એ જ ચોકમાં હવે તો દરરોજ હડતાળ પડવા લાગી અને તેમાં ભાષણ આપનારા આગેવાનોની ધરપકડ થતી. તેને લીધે લોકોનો જુસ્સો વધવા લાગ્યો.

રાજકોટ થયેલા જુલમોના સમાચાર સરદારને મુંબઈમાં મળ્યા. એ જુલમોના વિરોધમાં મળેલી એક જાહેરસભા સમક્ષ સરદારે રાજકોટની લડતનું જ નહીં પણ સમગ્ર દેશી રાજ્યોની લડતનું સુકાન સંભાળી લેતા હોય તેવું ઐતિહાસિક ભાષણ કર્યું.

ભાષણને પગલે પ્રજાનો જુસ્સો વધ્યો અને બીજી તરફ વીરાવાળા મનમાં ભય પેદા થયો અને તેમણે પકડેલા તમામ આગેવાનોને છોડી મૂક્યા.

સરદારે લડતનો દોર સંભાળ્યો

ગાંધી અને સરદાર પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાંધી અને સરદાર પટેલ

સરદારના આવા પ્રેરણાદાયી સંદેશાથી આગેવાનો અને પ્રજાનો ઉત્સાહ વધ્યો અને તેમણે 5 સપ્ટેમ્બર, 1938ના રોજ પ્રજા પરિષદનું અધિવેશન બોલાવવાનું નક્કી કર્યું. જેમાં સરદાર પટેલ પણ હાજર રહ્યા. પરિષદે ખુલ્લા અધિવેશનમાં જવાબદાર રાજ્યતંત્રનો ઠરાવ રજૂ કર્યો.

સરદારે પોતાના ભાષણમાં કહ્યું કે, “હરિપુરા કૉંગ્રેસે દેશી રાજ્યોની પ્રજાને પોતાના પગ પર ઊભા રહેવાનો આદેશ કર્યો છે. તેનું રહસ્ય એ છે કે ‘આપ મૂઆ વિના સ્વર્ગ જવાતું નથી.’ એ રીતે સ્વતંત્રતા મેળવવા ખાતર સૌએ જાતે જ ભોગ આપવો જોઈએ. આપણે રાજાને પદભ્રષ્ટ કરવા માગતા નથી, પણ તેમના લખલૂંટ ખર્ચ ઉપર અંકુશ મૂકવા માગીએ છીએ.”

આમ કહીને રાજાઓને ચેતવણી આપતાં સરદારે ભવિષ્યવાણી ઉચ્ચારી, “હવે ખેડૂતોનો પરસેવો પાડીને મેળવેલા પૈસા નાચગાન અને રંગરાગમાં નહીં ઉડાડી શકાય. એ દિવસો હવે હંમેશને માટે પૂરા થયા છે.”

દરબાર વીરાવાળા લોકોના ભારે ઉત્સાહને જોઈને ચેતી ગયા હોય તેમ તેમણે તુરંત વલ્લભભાઈને પોતાને ત્યાં ચાપાણીનું આમંત્રણ આપ્યું. આમ, લડતનો દોર વલ્લભભાઈના હાથમાં આવ્યો. તેઓ તો હંમેશાં માનભર્યા સમાધાન માટે તત્પર જ હતા.

આ મુલાકાતમાં વીરાવાળાએ કહ્યું, “તમારા આગમનથી રાજા અને પ્રજા વચ્ચે તંગદિલી ઓછી થશે અને અને હિંસક તોફાનનું વાતાવરણ શાંત થશે એવું હું માનું છું. પ્રજાના હિતાર્થે અમારે રાજ્યમાં જે કાંઈ સુધારા કરવા ઘટે તે આપ સૂચવશો તો તેનો અમલ કરવા અમે પ્રયત્ન કરીશું.”

પરંતુ સમાધાનની શરતો વિશે જાણ્યા બાદ વીરાવાળા જાણીજોઈને માંદગીનું બહાનું કરીને રજા પર ઊતરી ગયા અને કૅંડલ નામના એક અંગ્રેજની રાજકોટના દીવાનપદે નિમણૂક થઈ. દરમિયાન રાજકોટમાં આગેવાનો અને પ્રજા સતત રાજ્યના અન્યાયો વિરુદ્ધ ચળવળ ચલાવી રહ્યા હતા.

આગેવાનોની ધરપકડ, સભાઓ અને સરઘસો બાદ રાજકોટના રાજાએ સમાધાન માટે વલ્લભભાઈને બોલાવ્યા. ત્યારે દીવાન સર પેટ્રિક કૅંડલ તથા કાઉન્સિલના બીજા સભ્યો રાવસાહેબ માણેકલાલ પટેલ અને જોબનપુત્રા પણ આવી પહોંચ્યા. એને પરિણામે આખરે સમાધાન થયું જેના પર રાતના પોણા બે વાગ્યે ઠાકોરસાહેબે સહી કરી.

સમાધાનની શરતો

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

રાજકોટના ગેરવહીવટને પરિણામે ચાલી રહેલાં આદોલનો બાદ આખરે રાજા અને પ્રજા વચ્ચે સમાધાન થવાનું હતું. પ્રજા વતી સરદાર પટેલ રાજા અને તેમના સલાહકારમંડળ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. જેના પરિણામ સ્વરૂપે નીચેની શરતો મુજબ સમાધાન કરવાનું ઠરાવવામાં આવ્યું.

(ક) છેલ્લા થોડા માસ દરમિયાન અમારી પ્રજામાં જે લોકલાગણી જાગૃત થઈ છે તેમાં અને પોતે માનેલાં દુ:ખોના ઇલાજ માટે લોકોએ જે ખેદજનક કષ્ટો સહન કર્યાં છે. તે જોયા પછી અને કાઉન્સિલ તેમજ વલ્લભભાઈ પટેલ સાથે સમગ્ર પરિસ્થિતિની ચર્ચા કર્યા પછી, અમારી ખાતરી છે કે હાલની લડતનો અને લોકોનાં દુ:ખોનો તત્કાળ અંત લાવવો જોઈએ.

(ખ) અમે દસ ગૃહસ્થની એક સમિતિ નીમવાનો નિર્ણય કર્યો છે. આ ગૃહસ્થો અમારા રાજ્યના પ્રજાજનો હશે. તેમાંના ત્રણ જણ રાજ્યના અમલદાર હશે અને બીજા સાત પ્રજાજનોનાં નામ હવે પછીથી જાહેર કરવામાં આવશે.

(ગ) આ સમિતિ 1939ના જાન્યુઆરીના અંત સુધીમાં, યોગ્ય તપાસ પછી અમારી સમક્ષ હેવાલ રજૂ કરીને, શહેનશાહ પ્રત્યેની અમારી ફરજો અને રાજા તરીકેના અમારા વિશેષ અધિકારોને બાધ ન આવે એવી રીતે, અમારી પ્રજાને વધારેમાં વધારે સત્તા આપી શકાય એવી સુધારાની યોજના રજૂ કરશે.

(ઘ) અમારો અંગત ખર્ચ મંડળની કાઉન્સિલે કરેલી ભલામણો અનુસાર રહેશે.

(ચ) અમે વધુમાં અમારી પ્રજાને ખાતરી આપવા માગીએ છીએ કે ઉપર જણાવેલી સમિતિ તરફથી જે યોજનાની ભલામણ કરવામાં આવશે તે ધ્યાનમાં લઈ તેનો પૂરેપૂરો અમલ કરવાનો અમારો ઇરાદો છે.

(છ) શાંતિ અને શુભનિષ્ઠાની ફરી સ્થાપના કરવાની જરૂરી પૂર્વભૂમિકા સવિનય કાનૂનભંગ અંગે સજા પામેલા સર્વ કેદીઓને તત્કાળ છોડી મૂકવાનું, બધા દંડ પાછા આપવાનું અને દમનનાં સર્વે પગલાં પાછાં ખેંચી લેવાનું અમે જાહેર કરીએ છીએ.

ઉપરના સમાધાનની જાહેરાત તે જ દિવસે દરબારી ગૅઝેટ કાઢીને કરવામાં આવી. તે ઉપરાંત ઠાકોરસાહેબે એક જુદા કાગળમાં સરદાર વલ્લભભાઈને લખી આપ્યું કે, “એવી સમજૂતી થઈ છે કે આજની તારીખના દરબારી જાહેરનામાની કલમ-2માં સમિતિના સાત પ્રજા સભ્યોનો જે ઉલ્લેખ છે, તેમનાં નામોની ભલામણ સરદાર વલ્લભભાઈ પટેલે કરવાની છે અને અમારે તેમની નિમણૂક કરવાની છે.”

આ સમાધાનને આંદોલનની સફળતા ગણાવતાં સરદાર પટેલે એક ભાષણમાં કહ્યું હતું કે, “હું ઘણા વખતથી મારા ઉપરનું કરજ ચૂકવવા ઇચ્છતો હતો. રાજકોટે-કાઠિયાવાડે એવા એક પુરુષની હિંદને ભેટ આપેલી છે, જેણે આખા દેશની સિકલ ફેરવી નાખી છે, જેણે સેંકડો વર્ષથી સૂતેલા દેશને સત્ય અને બલિદાનના પાઠ ભણાવી જાગૃત કર્યો છે. એ પુરુષનો હું એક અદના સિપાઈ છું. મારા ઉપર એનું ઋણ ચડેલું છે. આજે એ ઋણનો કંઈક બદલો વાળ્યાનો મને થોડોક સંતોષ છે.”

જોકે, આ સમાધાન અલ્પજીવી સાબિત થયું. હજુ તો રાજકોટની પ્રજા આ સમાધાન થયાના હર્ષની અભિવ્યક્ત કરી શકે એ પહેલાં જ સમાધાન પડી ભાંગ્યું.

line

સમાધાનની શરતો માનવાનો ઇન્કાર

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટિશ હકૂમતના સામ્રાજ્યના એક રજવાડાનો રાજવી કૉંગ્રેસના નેતા સાથે સીધું સમાધાન કરે તે રાજકોટમાં રહેલા બ્રિટિશ રૅસિડન્ટ ગિબ્સનથી કેમ સાંખી લેવાય.

તેમણે રાજકોટના રાજવી ધર્મેન્દ્રસિંહને આ બાબત પોતાની કોઠીમાં બોલાવી ધમકાવ્યા અને આ સમાધાનનાં પરિણામો વિશે ચેતવ્યાં. આવી પરિસ્થિતિ દરબાર વીરાવાળા માટે લાભદાયી થઈ નીવડી.

તેમને તો ભાવતું હતું ને વૈદ્યે કીધા જેવું થયું. તેમણે તરત જ ઠાકોરસાહેબ વતી ગિબ્સનને આ સમાધાન તોડવાનું વચન આપ્યું અને તે દિશામાં ચક્રો ગતિમાન કર્યાં.

25 ડિસેમ્બરના રોજ સમાધાન થયું હતું. સરદાર પટેલે સમિતિમાં નીમવાનાં સાત નામ 4 જાન્યુઆરીએ મોકલી આપ્યાં.

દીવાન કૅંડલ પછી કામચલાઉ દીવાન તરીકે માણેકલાલ પટેલ હતા. તેમણે સરદારને એક વિસ્તૃત પત્ર લખીને તેમાં સરદારે સૂચવેલાં સાત નામ ઠાકોરસાહેબ દ્વારા સ્વીકારી શકાય એમ નથી તેવું જણાવ્યું.

ઠાકોરસાહેબ વતી માણેકલાલે લખેલા પત્રમાં રાજાની અસમર્થતા દર્શાવતાં કારણો નીચે પ્રમાણે હતાં.

“આપે સૂચવેલાં નામો ઠાકોરસાહેબને મળે તે પહેલાં છાપામાં બહાર પડી ગયાં છે. તેથી ઠાકોરસાહેબ ઘણી કફોડી દશામાં મુકાયા છે.”

સરદારનાં સૂચવેલાં નામો ન સ્વીકારવા માટે બહાનું આગળ ધરતાં આગળ પત્રમાં નોંધાયું છે કે, “ઠાકોરસાહેબની ઘણી ઇચ્છા છે કે તમારાં સૂચવેલાં નામો તેઓ પસંદ કરે, પણ રાજ્યના ભાયાતો, મુસલમાનો અને દલિત વર્ગના લોકો તરફથી તેમને અરજીઓ મળી છે કે તેમનું પ્રતિનિધિત્વ પણ આ સમિતિમાં હોવું જોઈએ. તેથી એ અરજીઓ પણ ઠાકોરસાહેબે ધ્યાને લેવી જોઈએ."

"તેથી તમે સૂચવેલાં નામો પૈકી નંબર એક, બે, ચાર અને પાંચ ઠાકરોસાહેબ પસંદ કરે છે. મુસલમાનોની માગણી છે કે સમિતિમાં તેમના પણ ત્રણ પ્રતિનિધિ હોવા જોઈએ. ઠાકોરસાહેબને લાગે છે કે નંબર ત્રણને સ્થાને મુસ્લિમ કાઉન્સિલે સૂચવેલા બે માણસોને સમિતિમાં રાખવા. નંબર છ અને સાતની બાબતમાં તેમને લાગે છે કે તેઓ રાજ્યના પ્રજાજનની વ્યાખ્યામાં નથી આવતા.”

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

આખરે સામસામા પત્રવ્યવહારને અંતે કોઈ પરિણામ ન આવતાં સમાધાન ભાંગી પડ્યું.

આ અંગે દુ: ખ વ્યક્ત કરતાં વલ્લભભાઈ કહે છે કે, “રાજકોટ સત્યાગ્રહની લડતની સુખદ પૂર્ણાહુતિ થઈ લાગતી હતી. પણ ઘણી જ દિલગીરીપૂર્વક તેની ફરી શરૂઆત કરવાની હાકલ કરવાનો પ્રસંગ આવ્યો છે એ વાતનું મને ઊંડું દુ:ખ છે. છતાં રાજ્યની પ્રતિષ્ઠાને ખાતર તેમજ રાજકોટની પ્રજાના સ્વમાનની રક્ષાને ખાતર લડત ફરી શરૂ કરવાનો ધર્મ થઈ પડ્યો છે.”

સમાધાન તોડવામાં મુખ્ય ભૂમિક ભજવનાર દરબાર વીરાવાળાની ટીકા કરતાં તેઓ કહે છે કે, “મારે ખેદપૂર્વક જણાવવું પડે છે કે, જેમણે ઠાકોરસાહેબનું લૂણ ખાધું છે એમણે જ તેમની ભારે કુસેવા કરી છે. આવા સલાહકારોમાં દરબાર વીરાવાળા સૌથી નપાવટ નીવડ્યા છે. તેમણે રાજ્યને પાયમાલ કર્યું છે અને ભયાનક ગેરવહીવટથી રાજ્યની તિજોરી તળિયાઝાટક કરી છે."

"ઠાકોરસાહેબ ઉપર તેમણે એવું કામણ કર્યું છે કે, તેમાંથી તેઓ ઇચ્છે તો પણ છૂટી શકે તેમ નથી. સર પેટ્રિક કૅંડલને પણ દરબાર વીરાવાળાએ જ આણ્યા હતા. પણ વીરાવાળા જ રાજ્યના રાહુ છે એમ જાણતાં સર પ્રેટિકે આવતાંવેંત તેમને એજન્સીની મદદથી રાજ્યમાંથી હદપાર કર્યા, આ પછી દરબાર વીરાવાળા આવા દીવાનને સાંખે તેમ ન હતું. છતાં પોતે રાજ્યકર્તા કોમના છે એ ગુમાન રાખીને સર પેટ્રિક ન ચાલ્યો હોત તો તેમને કદાચ રાજકોટ છોડવા વખત ન આવત.”

પોતાના નિવેદનમાં તેમણે રાજકોટની પ્રજાને સમાધાનભંગ બાદ ફરી વખત આકરાં જોર-જુલમ સહન કરીને વિરોધ ચાલુ રાખવા તૈયાર રહેવા સૂચવ્યું.

સરદારનું નિવેદન પ્રગટ થતાં જ રાજકોટની સમગ્ર પ્રજા લડત માટે તત્પર બની અને બૃહદ સૌરાષ્ટ્ર તેની મદદમાં પહોંચવા ખડું થઈ ગયું.

આ બાજુ રાજ્યે પણ લડતને દાબી દેવા કમર કસી અને એજન્સી પોતાનાં તમામ હથિયારો સાથે મદદમાં આવીને ઊભી રહી. વટહુકમો બહાર પાડવામાં આવ્યા. વર્તમાનપત્રોને રાજ્યમાં દાખલ થવાની મનાઈ ફરમાવવામાં આવી.

વટહુકમો બહાર પાડવાની સાથે જ ઢેબરભાઈ, વજુભાઈ શુક્લ વગેરે આગેવાનોની એકસામટી ધરપકડ કરવામાં આવી. શહેરમાં ઘોડેસવાર અને હથિયારબંધ પોલીસ નાકે નાકે ગોઠવી દેવામાં આવી.

રાજકોટમાં જુલમનો દોર શરૂ થયો. આંદોલનકારીઓને મરણતોલ માર મારવામાં આવતો. આગેવાનો અને તેમના સમર્થકોને જેલમાં પૂરવામાં આવતા અને અમાનવીય યાતનાઓ આપવામાં આવતી.

line

કસ્તૂરબાનું આગમન

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહાત્મા ગાંધી

રાજકોટમાં ચાલી રહેલા જુલમની વાત સાંભળી કસ્તૂરબાનું અંતર કકળી ઊઠ્યું. તેમના મનમાં થયું કે, રાજકોટ તો મારું ઘર ગણાય, ત્યાં સ્ત્રી-પુરુષો આટલું દુ:ખ વેઠી રહ્યા હોય અને મારાથી બેસી કેમ રહેવાય?

તેમણે ગાંધીજી પાસેથી સત્યાગ્રહમાં સામેલ થવા માટે જવાની રજા માગી અંતે ગાંધીજી અને સરદારની રજા મેળવી તેઓ મણિબહેન પટેલ સાથે 3જી ફેબ્રુઆરી, 1939ના રોજ રાજકોટ પહોચ્યાં.

સ્ટેશને પોલીસ ઉપરી વાલેરાવાળા તેમનું સ્વાગત કરવા હાજર હતા. તેમણે કસ્તૂરબા અને મણિબહેનના હાથમાં નોટિસનો કાગળ મૂક્યો : “રાજ્યની હદમાં તમારા દાખલ થવાથી અશાંતિનો ભય રહે છે માટે બે માસ સુધી તમારે રાજકોટની હદમાં દાખલ થવું નહીં.”

ત્યાંથી કુમાર વાલેરાવાળા તેમને મોટરમાં બેસાડી સોળ માઈલ દૂર સણોસરા ગામે દરબારી ઉતારામા લઈ જઈ કેદ કર્યાં. ત્યાર બાદ મણિબહેન, મૃદુલાબહેન અને કસ્તૂરબાને ત્રંબાના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યાં.

બીજી તરફ સત્યાગ્રહીઓ પર રાજ્યના જુલમનો પાર ન રહ્યો. સરધારની જેલમાં જૂના રાણીવાસના ભોંયરા જેવા મકાનમાં લગભગ 20 સત્યાગ્રહીઓને પૂરવામાં આવ્યા. ત્યાંની અમાનવીય પરિસ્થિતિને જોતાં સત્યાગ્રહીઓએ ત્યાં પુરાઈ રહેવાની ના પાડતા તેમને સખત માર મારવામાં આવ્યો તેની સામે સત્યાગ્રહીઓએ ઉપવાસ શરૂ કર્યા.

આ સમાચાર રાજકોટ પહોંચતાં ત્યાંના સત્યાગ્રહીઓએ પણ જેલમાં ઉપવાસ શરૂ કર્યા. આ તમામ સમાચારો સેવાગ્રામ ખાતે રહેલા ગાંધીજી સુધી પહોંચતાં તેઓ કંપી ઊઠ્યા. તેમણે 20 ફેબ્રુઆરી, 1939ના રોજ રાજકોટ કાઉન્સિલના પ્રથમ સભ્યને તાર કરી સરધારમાં ચાલી રહેલા અમાનુષી વર્તન અંગે ખુલાસો માગ્યો.

આમ, આગળ પત્રવ્યવહાર ચાલ્યો. જેમાં રાજકોટના વહીવટદારો તરફથી સત્યાગ્રહીઓને કોઈ પણ અગવડ ન પહોંચાડાતી હોવાના આશ્વાસનો અપાયાં અને સામે ગાંધીજીની શંકા દિવસેને દિવસે વધતી જતી હતી આખરે તેમણે 24 ફેબ્રુઆરીના રોજ કાઉન્સિલના પ્રથમ સભ્યને લખેલા પોતાના પત્રમાં તેઓ જાતે જ સમગ્ર પરિસ્થિતિ જોવા રાજકોટ આવવાના છે તે જાહેર કર્યું.

ગાંધીજીનું આગમન

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીજી વર્ધાથી 25 ફેબ્રુઆરીએ સાંજે રવાના થયા. 26 તારીખે મુંબઈ રોકાઈ રાતની ગાડીમાં રાજકોટ જવા નીકળ્યા. 27મીએ બપોરે ત્રણ વાગ્યે તેઓ રાજકોટ સીટી સ્ટેશને ઊતર્યા, રાજકીય મહેમાન બનવાનું રાજાના આમંત્રણનો અસ્વીકાર કરી અગાઉની યોજના અનુસાર રાષ્ટ્રીય શાળા પહોંચ્યા.

ત્યાંથી તેઓ સરધારની જેલમાં મુલાકાત લેવા પહોંચ્યા ત્યાં જતાં પરિસ્થિતિ તેમણે સાંભળી હતી તેના કરતાં પણ ખરાબ ભાળી. ત્યારબાદ ઠાકોરસાહેબને મળવા ગાંધીજી દરબારગઢ ગયા.

એ મુલાકાતથી ગાંધીજીને ભારે દુ:ખ થયું, મુલાકાત વખતે વીરાવાળા હાજર હતા. ગાંધીજીએ જોયું કે રાજકોટના ખરા રાજા ધર્મેન્દ્રસિંહ નહીં, પણ વીરાવાળા હતા. સેવાગ્રામથી નીકળ્યા ત્યારે તેમને આશા હતી કે બે દિવસમાં રાજકોટનું કામ પતાવી પોતે ત્રિપુરા કૉંગ્રેસમાં ભાગ લેવા જઈ શકશે.

વીરાવાળાની પ્રથમ મુલાકાત પૂરી થઈ ત્યારે પ્યારેલાલજીએ સહજભાવે ગાંધીજીને કહ્યું : “આપણે હવે આવતી કાલે જ ત્રિપુરા કૉંગ્રેસમાં જવા નીકળી શકીશું.” તેના જવાબમાં વેદનાપૂર્ણ અવાજમાં તેઓ બોલ્યા, “આ પંજાબ નથી, કાઠિયાવાડ છે.”

આ વાત પરથી તે સમયના કાઠિયાવાડના રાજકારણની જટિલ આંટીઘૂંટીનો ખ્યાલ આવે છે.

ગાંધીજી પાસે જેમ-જેમ નક્કર હકીકતો આવતી ગઈ તેમ-તેમ તેમની વેદના વધતી ગઈ. મોડી રાત સુધી તેમને ઊંઘ ન આવી. સવારે ઊઠીને ગાંધીજીએ ઠાકોરસાહેબને પત્ર લખ્યો તેમાં સરદાર વલ્લભભાઈ સાથે કરેલા સમાધાનની શરતોને પાયામાં રાખીને પ્રજાને ન્યાય આપવાની માગણી રજૂ કરવામાં આવી અને જો એ ન્યાયી માગણીઓનો અસ્વીકાર થાય તો બીજા દિવસથી એટલે કે ત્રીજી તારીખથી બપોરના બાર વાગ્યાથી પોતાના ઉપવાસ શરૂ કરવાનું પણ તેમણે જણાવ્યું.

ગાંધીજીના ઉપવાસ

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીજીના અનશનના સમાચાર દેશભરમાં વાયુવેગે ફેલાઈ ગયા અને રાજકોટનો પ્રશ્ન અખિલ ભારતીય બની જવા પામ્યો. દેશભરમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ. અનશનની શરૂઆત થયાના બીજા જ દિવસે કસ્તૂરબા, મણિબહેન અને મૃદુલાબહેનને છોડી દેવાયાં.

ગાંધીજીએ રેસિડેન્ટ ગિબ્સન મારફતે વાઇસરોય પર એક પત્ર લખ્યો. જેમાં ગાંધીજી દ્વારા રાજકોટના પ્રશ્ન અંગે સહાયરૂપ થવા માટે વિનંતી કરાઈ હતી.

વાઇસરોયે પત્રના જવાબમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે હિંદના સર્વોચ્ચ ન્યાયાધીશની સલાહ લેવાનું સૂચવ્યું. સમિતિની નીમણૂક માટે પણ તેમનો અભિપ્રાય લેવાનો જણાવવામાં આવ્યું. આમ, રાજકોટનો પ્રાદેશિક મુદ્દો દેશના વડા ન્યાયાધીશના હાથમાં પહોંચ્યો.

વાઇસરોય લીનલીથગોએ ગાંધીજીને લખેલા પત્રમાં તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું.

તેમણે લખ્યું હતું કે, “ઠાકોરસાહેબ તરફથી પોતાના જાહેરનામામાં આપેલાં વચનોનો અમલ પોતે કરશે એવી ખોળાધરી સાથે અને મારા તરફથી પણ ઠાકોરસાહેબ પાસે અમલ કરાવવાનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ એવી ખોળાધરી સાથે કરવામાં આવેલી આ વ્યવસ્થાથી તમારા મનમાં ઊભી થયેલી બીક દૂર થશે એમ હું પૂરેપૂરું માનું છું. આ પ્રકરણમાં ન્યાય થાય એ માટે હવે બધી સાવચેતી લેવાઈ છે, એવી લાગણીમાં તમે મારી જોડે સંમત થશો અને અનશન છોડી દઈ તમારા દેહને થઈ રહેલા કષ્ટમાંથી અને મિત્રોને થઈ રહેલી ચિંતામાંથી મુક્ત કરશો.”

આમ, વાઇસરોય તરફથી આશ્વાસન મળતાં ગાંધીજીએ આખરે પારણાં કર્યાં અને જાણે આખું ભારત તૃપ્ત બન્યું!

રાજકોટની પ્રજાની તરફેણમાં ચુકાદો

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

રાજકોટની પ્રજા વતી સરદારે રાજકોટના ઠાકોરસાહેબ સાથે ચર્ચા કરી જે શરતો મુજબ સમિતિ નીમવાનું અને જવાબદાર રાજ્યતંત્રના નિર્માણ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું તે હિંદના વડા ન્યાયાધીશે પણ પોતાની સમક્ષ થયેલી સુનાવણીમાં યોગ્ય ઠેરવ્યું.

દરબાર વીરાવાળા જાતે દલીલ કરવા દિલ્હી ગયા છતાં આ વડા ન્યાયાધીશનો ચુકાદો વલ્લભભાઈના તરફેણમાં આવ્યો હતો. આ ચુકાદો આવ્યા બાદ બધાને આ પ્રકરણ સમાપ્ત થઈ જવાની આશા હતી પરંતુ તેવું થવા ન પામ્યું.

‘રાજકોટ સત્યાગ્રહ’ પુસ્તકમાં થયેલી નોંધ પ્રમાણે જ્યારે આ કેસ વડા ન્યાયાધીશ પાસે વિચારધીન હતો ત્યારની અને ત્યારબાદની રાજકોટની પરિસ્થિતિ વર્ણવતાં લખાયું છે કે, “ગાંધીજી અને સરદારના માર્ગમાં દરબાર વીરાવાળાએ અનેક અંતરાયો ઊભા કર્યા હતા. દિલ્હીમાં કેસ ચાલતો હતો ત્યારે પણ રાજ્યનો દમનદોર ચાલુ જ હતો."

"જાગૃત થયેલી પ્રજાની સ્વમાનની ભાવનાને કચડી નાખવા માટે દરબાર વીરાવાળા પોતાની બધી કરામત વાપરી રહ્યા હતા. રાજકીય કેદીઓ છૂટ્યા હતા, પરંતુ જેમનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો તે પાછો સોંપાયો ન હતો, દંડ પાછા મળ્યા ન હતા. લડતમાં ભાગ લેનારા વકીલોની સનદો પાછી આપવામાં આવી ન હતી."

"સરદાર તરફથી જે કમિટી નિમાય તેમાં ભેદ પડાવવાના પેંતરા રચાતા હતા. પ્રજા પરિષદની સામે મુસલમાનો અને ભાયાતોને ઊભા કરવામાં આવ્યા હતા. ગાંધીજી પોતાની સર્વ શક્તિ વાપરીને સમાધાનનો માર્ગ શોધવા મથી રહ્યા હતા. એટલે આખરે 14-4-1939ના રોજ ગાંધીજી સરદાર તરફથી મોકલવાનાં સાત સભ્યોનાં નામો ઠાકોરસાહેબને મોકલી આપ્યાં અને તેની સાથે પોતાની વાટાઘાટનો સાર પણ લખી મોકલ્યો.”

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સમિતિના સભ્યોનાં નામો અંગે ઠાકોરસાહેબની અવ્યવહારુ મંછા અંગે ગાંધીજીએ લખી જણાવ્યું કે “આપ એ ભાઈઓનાં નામ રાખવા ઇચ્છો તો સરદારનાં નામ બહુમતીમાં હોય એ શરતે મારે સરદારની વતી મદદ કરવી રહી. આથી વધારે અર્થ મારી દૃષ્ટિએ અસંભવિત છે."

"કમનસીબે આપે અણધાર્યું પગલું ભર્યું છે. આપે નીમેલાં નામ સરદારનાં નામમાં ઉમેરવાનો બોજો મારી ઉપર ઢોળ્યો છે. આમ સરદારને મળેલા અધિકારની ઉપર પાણી ફેરવાય એવો અનર્થ આપ મારા વચનમાંથી કાઢો એ દુઃખદ છે.”

“છતાં મેં મજકૂર ચાર ભાઈઓમાંથી ત્રણને સરદારનાં નામોમાં દાખલ થવા અને સાતની એક ટીમ તરીકે કામ કરવા વીનવ્યા. એ વિનવણીમાં હું છેક નિષ્ફળ ગયો છું. અહીં આપનાં નામોને માન આપવાના બને તેટલા પ્રયત્નોની હદ આવે છે.”

મુસ્લિમો, ભાયાતો અને દલિતોના હિતની ઠાકોરસાહેબે દર્શાવેલી ચિંતા બાબતે ગાંધીજીએ લખી જણાવ્યું કે “આ ભાઈઓ પાસે આ કમિટી પરત્વે અને સામાજિક સેવાની દૃષ્ટિએ જાતપાત નથી, તેઓની સામે તો રાજકોટની સમસ્ત પ્રજા જ છે.”

વીરાવાળાના દાવપેચ માટે એક પણ બારી ખૂલી ન રહી જાય એની આગમચેતીરૂપે ગાંધીજીએ હવે બાકીના ત્રણ સભ્યો સાથે પ્રમુખ પણ ઠાકોરસાહેબને જ નીમવા જ જણાવ્યું.

તેમણે ખાસ ઉમેર્યું કે “હવે કમિટીમાં દસના અગિયાર ન થાય આ મુદ્દો બરાબર નથી. દસ જ હોઈ શકે એવો પ્રતિબંધ વડા ન્યાયધીશના નિર્ણયમાં નથી. બન્ને પક્ષ મળીને ગમે તે ફેરફાર કરી શકે છે. શરત આટલી જ છે કે જે વધારો થાય તેમાં પરિષદની બહુમતી રહે. અત્યારે એટલે વડા ન્યાયાધીશના નિર્ણય પ્રમાણે એની બહુમતી ચારની છે તેને બદલે આપને ખાતર, કંકાસ ટાળવા ખાતર, ફક્ત એકની બહુમતી રાખવા સરદાર તૈયાર છે.”

line

વીરાવાળાનો વળતો પ્રહાર

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ગાંધીજીનો ઠાકોરસાહેબ પર લખાયેલો પત્ર વાંચતાં જ વીરાવાળા એકદમ ઉશ્કેરાઈ ગયા. તેમણે ભાયાતો અને મુસલમાનોને એમની સામે તૈયાર કર્યા.

16મી એપ્રિલે ગાંધીજીની છાવણીમાં એવા સમાચાર આવ્યા કે આજે સાંજની પ્રાર્થના વખતે ગિરાસદારો તથા કેટલાક મુસલમાનો વિરોધી સરઘસ કાઢવાના છે.

ગાંધીજીએ પોતાના સ્વભાવ અનુસાર આ વાતને ખાસ મહત્ત્વ ન આપ્યું. છતાં વિરોધીઓ તરફથી એવું કંઈક થવાનું જ હોય તો સ્વયંસેવકોને સ્પષ્ટ સૂચના આપી કે કોઈ પણ વ્યક્તિને તેમની પાસે આવતા રોકવી નહીં.

હંમેશના નિયમ મુજબ ઠરાવેલા સમયે રાષ્ટ્રીય શાળામાં પ્રાર્થના શરૂ થઈ. બરાબર એ જ વખતે પાંચસો છસો માણસોનું ટોળું વિરોધના પોકારો કરતું સરઘસરૂપે ત્યાં આવી પહોંચ્યું. પ્રાર્થના ચાલી ત્યાં સુધી એ લોકોએ બૂમબરાડા પાડ્યા કર્યા. પ્રાર્થના પૂરી થઈ.

ગાંધીજી ઉતારે જવા નીકળ્યા ત્યારે દેખાવ કરનારાઓ ધક્કામુક્કી કરતાં પ્રાર્થનાભૂમિ તરફ ધસી આવ્યા અન બૂમરાણ મચાવ્યું. એ વખતે સ્વયંસેવકોએ ગાંધીજી આસપાસ તેમના રક્ષણ માટે કડીસાંકળ બનાવી એટલે ગાંધીજીએ તેમને કહ્યું : “તમે ખસી જાઓ. મને એકલો છોડો. હું અહીં જ બેસીશ અથવા ટોળામાં થઈને એકલો જઈશ. તમે કોઈ વચ્ચે ન આવશો.”

આમ, કહી ગાંધીજી સ્વયંસેવકોથી વિખૂટા પડી એકલા ટોળાની સામે ચાલ્યા. તેમની આંખે તમ્મર આવ્યા. પળવાર આંખો મીંચી દીધી. લાકડીને ટેકે બે-એક મિનિટ ઊભા રહ્યા. આંખો ઉઘાડી જોયું તો સામે વિરોધ કરનાર આગેવાન ભાયાત ઊભા હતા.

તેમને ઉદ્દેશીને ગાંધીજીએ કહ્યું : “મારે મારા સાથીઓનું નહીં, પણ તમારું રક્ષણ લઈને બહાર જવું છે.” તરત જ એક ભાઈ આગળ આવ્યા. ધસી આવતું ટોળું સ્થિર થઈ ગયું અને એ ગિરાસદાર અગ્રણીને ખભે હાથ મૂકી બાપુ મોટર સુધી પહોંચ્યા. આ અહિંસાનો ચમત્કાર હતો.

તે દિવસે સરદાર વલ્લભભાઈ વડોદરા પ્રજામંડળના કામ અંગે અમરેલી ગયા હતા. વિરોધીઓનું મુખ્ય નિશાન તો સરદાર જ હતા. સરદાર અમરેલી ગયાના સમાચાર એમને મળી ગયા હતા. તેમણે ખાનગી રીતે પુછાવેલું પણ ખરું કે, વલ્લભભાઈ અમરેલીથી રાજકોટ આવવા ક્યારે નીકળવાના છે અને કયે રસ્તે આવવાના છે?

પરંતુ એમને ભળતો જ જવાબ મળ્યો અને સરદાર ભાગ્યયોગે એ કાવતરામાંથી ઊગરી ગયા.

આવું કલુષિત વાતાવરણ જોઈને ગાંધીજી ખૂબ અકળાયા. તેમણે સરદાર તથા સાથીઓ પાસે પોતાની વેદના રજૂ કરી અને સર મોરિસ ગ્વાયરના ચુકાદા અનુસાર પ્રજા પરિષદને કમિટી નીમવાનો જે અધિકાર મળ્યો હતો તે સ્વેચ્છાએ જતો કરવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. સરદારે એક પણ શબ્દ બોલ્યા વિના એ નિર્ણય સ્વીકારી લીધો.

ગાંધીજીએ આ રીતે પ્રજાની તરફેણમાં આવેલો ચુકાદો સ્વેચ્છા જતો કર્યો. ઠાકોરસાહેબે દરબાર ભર્યો તેમાં પોતે હાજર પણ રહ્યા અને આખરે ભારે હૈયે રાજકોટની વિદાય લીધી.

line

હારની કબૂલાત

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

ગાંધીજીનો અક્ષરદેહ ભાગ 69માં પ્રગટ માહિતી અનુસાર રાજકોટથી ઊપડી 24 એપ્રિલના રોજ મુંબઈ તરફ જતા છાપાજોગું નિવેદન આપતાં ગાંધીજીએ કહ્યું હતું કે, “રાજકોટે મારી જુવાની હરી લીધી છે. ઘડપણ મેં કદી જાણ્યું નહોતું આજે હું અપંગ અખ્ખમ છું એનું મને ભાન થયું છે. નિરાશા શી ચીજ છે એની મને કદી ઓળખ નહોતી. આજે રાજકોટમાં આશાની ટાઢી ઠારીને હું નીકળ્યો છું. મારી અહિંસાની આવી કસોટી અગાઉ કદી થયેલી મેં નથી જાણી.”

“હિંદના વડા ન્યાયાધીશના ચુકાદા મુજબ કમિટી નીમવાના પ્રયાસ પાછળ મેં કીમતી પંદર દિવસ ગાળ્યા. પણ એ કમિટીથી હું હજુ જેટલો ને તેટલો જ દૂર છું. મારા માર્ગમાં ન કલ્પેલા અંતરાયો નડ્યા છે. આખા દેશે વડા ન્યાયાધીશના ચુકાદાને સરદારના સંપૂર્ણ વિજય તરીકે નવાજ્યો, પણ એ જ ચુકાદાને મેં મુસ્લિમો અને ભાયાતો પ્રત્યે કરેલા વિનયની રૂએ મારા પર વચનભંગનો આરોપ મૂકવામાં સચોટપણે મારી વિરુદ્ધ વાપરવામાં આવ્યો છે !”

“ઠાકોરસાહેબે આપેલું વચન હું દિલ્હીથી પાછો ફર્યો ત્યારથી મારે માથે ઢોળવામાં આવ્યું છે. મેં મુસ્લિમો અને ભાયાતો જોડે કરેલા વિનયનો સ્પષ્ટ અને સરળ અર્થ એટલો જ હતો કે ઠાકોરસાહેબે આપેલ વચન પૂરું કરવામાં તેમને મદદ કરવા હું તૈયાર હતો, જોકે ચુકાદા પછી તેવી મદદ કરવાનું બંધન રહેતું નથી. આમ છતાં ગમે તે કારણે પણ મુસ્લિમો તેમજ ભાયાતોએ ઠાકોરસાહેબને તેમનો વાયદો પૂરો કરવાની ફરજ અદા કરવાના બોજામાંથી મુક્ત કર્યા અને મારા ઉપર મોરચો માંડ્યો.”

તેઓ આ નિવેદનમાં અંતે કહે છે કે, “એટલે હું ખાલી હાથે, ભાંગેલ દેહે અને આશાઉમેદ બધી દફનાવીને નીકળ્યો છું. રાજકોટ મારે સારુ જીવનની અણમૂલી પ્રયોગશાળા નીવડ્યું છે. કાઠિયાવાડની રાજખટપટે મારી ધીરજની બૂરી કસોટી કરી છે. હું કાર્યકર્તાઓને કહીને આવ્યો છું “

“દરબાર વીરાવાળા જોડે મંત્રણા કરો. મને અને સરદારને ભૂલો. જો તમને તમારી ઓછામાં ઓછી હાજતો પણ મળી રહે તો અમારા બેમાંથી એકને પૂછવા વાટ ન જોતાં તે સ્વીકારી શકો છો.”

દરબાર વીરાવાળાને મેં કહ્યું છે : “હું હાર્યો ! તમે જીતજો. પ્રજાને અપાય તેટલું આપીને રીઝવજો અને મને તાર કરજો કે આ ઘડીએ બળી ખાખ થયેલી દેખાતી મારી આશાવેલ ફરી લીલી થવા પામે.””

આ નિવેદન હરિજનબંધુમાં ‘હું હાર્યો!’ના મથાળા નીચે પ્રગટ થયું હતું અને 25 એપ્રિલ, 1939ના રોજ હિન્દુસ્તાન ટાઇમ્સ અને ધ હિન્દુમાં પણ પ્રગટ થયું હતું.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો