ગાંધીજી ભારતના ભાગલાના વિરોધી હોવા છતાં તેનું વિભાજન કેમ રોકી ન શક્યા?

સાંકેતિક તસવીર
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગાંધીજીએ કહ્યું હતું કે ભારતના ભાગલા તેમના મૃત શરીર પરથી પડશે. છતાં, તેમના જીવતેજીવ ભારતના ભાગલા પડ્યા અને ગાંધીજી ભાગલાને રોકી ન શક્યા.

આવું કેમ થયું? તેના માટે કયાં કારણ જવાબદાર હતાં? શું ગાંધીજીના પ્રયાસ ઓછા પડ્યા?

કલકત્તા-બિહારની કોમી આગ ઓલવ્યા પછી દિલ્હી આવેલા ગાંધીજી સ્પષ્ટ શબ્દોમાં દેશના ભાગલાનો વિરોધ કરતા હતા.

ભાગલાનો આખરી નિર્ણય લેવાવાનો બાકી હતો ત્યારે તેમણે પ્રાર્થનાસભામાં કહ્યું હતું, ''મુસલમાનો તલવારના બળથી પાકિસ્તાન લેવા માગતા હશે તો હું કહીશ કે તલવારના બળથી એક ઇંચ પણ જમીનનો ટુકડો નહીં મળે."

"પહેલાં મારા ટુકડા કરો, પછી હિંદુસ્તાનના કરજો અને જો આખા હિંદુસ્તાનનાં માણસો આમ કહે અને શાંતિપૂર્વક વર્તે, તો ઈશ્વર જ એની તલવારના ટુકડા કરી નાખશે.'' ( 28-05-47 'બિહાર પછી દિલ્હી', મનુબહેન ગાંધી, પૃ.27)

નવા વાઇસરૉય માઉન્ટબેટનને માટે સૌથી કપરું કામ ગાંધીજીને ભાગલા માટે રાજી કરવાનું અથવા કમ સે કમ તેમને ભાગલાનો સક્રિય વિરોધ કરતા રોકવાનું હતું.

એ પડકારમાં મદદ એ વાતે હતી કે કૉંગ્રેસની ટોચની નેતાગીરી (નહેરુ-સરદાર અને બીજા) ભાગલાને અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકારી ચૂકી હતી.

line

માઉન્ટબેટનને એ વાતનો ખ્યાલ હતો

માઉન્ટબેટન અને ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

આ વિષય પરના અતિ લોકપ્રિય પુસ્તક 'ફ્રીડમ ઍટ મિડનાઇટ' (લેખકઃ લૅરી કૉલિન્સ, દોમિનિક લૅપિયર, ગુજરાતી અનુવાદઃ અશ્વિની ભટ્ટ)માં આખો ઘટનાક્રમ માઉન્ટબેટનના દૃષ્ટિકોણથી અને તેમના પ્રત્યેના અહોભાવ સાથે રજૂ કરવામાં આવ્યો છે.

તેના લેખકોએ નોંધ્યા પ્રમાણે, માઉન્ટબેટનને ખ્યાલ હતો કે ગાંધીજી પાસે કૉંગ્રેસના નેતાઓ કરતાં વધારે તાકાત હતી.

એ તાકાત એટલે ચાર આના આપીને કૉંગ્રેસના સભ્ય બનેલા સામાન્ય લોકો. એ સૌ ગાંધીજીની ભક્તિ કરતા.

જો ગાંધીજી કૉંગ્રેસી નેતાગીરીને બાજુ પર રાખીને સીધી લોકોને અપીલ કરે તો એક તરફ માઉન્ટબેટન-નહેરુ-સરદાર અને બીજી તરફ ગાંધી, એવો મુકાબલો થવાની સંભાવના હતી.

ગાંધીજીનાં જાહેર પ્રવચનો પરથી, તે આવા મુકાબલાની તૈયારી કરી રહ્યા હોય એવી છાપ પડતી હતી. (ફ્રીડમ ઍટ મિડનાઇટ, ગુજરાતી અનુવાદ, પૃ.173)

વિવિધ રાજનેતાઓની માઉન્ટબેટન સાથેની મિટિંગમાં હાજર રહેવાની ગાંધીજીએ ના કહી દીધી હતી. કારણ કે તે કૉંગ્રેસમાં કોઈ હોદ્દા પર ન હતા.

લાઇન
લાઇન

માઉન્ટબેટનને પણ એવો ગભરાટ હતો કે 'મહાત્માના અંતરાત્માનો અવાજ એક વિચિત્ર અને ગમખ્વાર મૂઠભેડને માર્ગે તો ખડા નહીં કરી દે ને... (પણ) તે દિવસે સોમવાર હતો.

હિંદના લોકોને માઉન્ટબેટન વિરુદ્ધ તૈનાત કરી દેવા હાકલ કરી શકે તેવો એ અવાજ આજે બંધ હતો. (ફ્રીડમ ઍટ મિડનાઇટ, ગુજરાતી અનુવાદ, પૃ.173-4)

ગાંધીજીના મૌનવારને ભાગલાના સ્વીકાર માટે દોષી ઠરાવતાં 'ફ્રીડમ ઍટ મિડનાઇટ'ના લેખકોએ નોંધ્યું હતું, "લુઈ માઉન્ટબેટનની સમજાવટશક્તિએ આખરે વાઇસરૉય તરીકેની છેલ્લી અને મહાન જીત મેળવી હતી."

"ગાંધીના એ દિવસના મૌન માટે ઘણા હિંદવાસીઓ તેમને માફ કરવાના ન હતા."

"એ નાજુક બુઢ્ઢાના હૃદયમાં હિંદના ભાગલાનું અપાર દુઃખ હતું. છતાં એ મૌનની કડવાશની કિંમત એક દિવસ એમને ચૂકવવાની હતી."(ગુજરાતી અનુવાદ, પૃ.180).

line

અસલી કારણો : ગાંધીજીએ નહેરુ-સરદારને કેમ સમજાવ્યા નહીં?

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

'ફ્રીડમ ઍટ મિડનાઇટ' ઇતિહાસની ચોક્સાઈ કરતાં નવલકથારસ માટે વધારે જાણીતી બની.

તેમાં કરાયેલા દાવા કરતાં વાસ્તવિકતા સાવ જુદી હતી.

દર સોમવારનું મૌનવ્રત તોડીને વાઇસરૉય સાથે વાત કરવાથી ભાગલા ટળવાની જરાસરખી પણ સંભાવના હોત તો ગાંધીજીએ ચોક્કસ મૌન તોડ્યું હોત.

પણ તે સમજી ચૂક્યા હતા કે નહેરુ-સરદાર સહિતના કૉંગ્રેસી નેતાઓ મનોમન ભાગલાનો સ્વીકાર કરી ચૂક્યા હતા.

તો પછી ગાંધીજી તેમના શિષ્યોને વારે નહીં? તેમનો નિર્ણય ખોટો હોય તો તેમને સમજાવે નહીં?

આવા સવાલ આજે થાય, તો ત્યારે પણ થયા જ હોય ને? થયા જ હતા.

ગાંધીજીનો રોજ સવારે ફરવા નીકળવાનો ક્રમ હતો.

એ સમયે તેમને એક સવાલ પૂછાયો, "આપ કહો છો કે તલવારના ભયથી તો એક ઇંચ પણ જમીન નથી આપવાના."

"દલીલથી અને સમજપૂર્વક ભલે આખું હિંદુસ્તાન લઈ લે. પણ (કૉંગ્રેસની) કારોબારીનું કાર્ય તો જુદી રીતે ચાલી રહ્યું હોય તેમ લાગે છે."

આ સવાલ અને આખો સંવાદ મનુબહેને આ પ્રમાણે નોંધ્યો છે :

બાપુજી-- (ખૂબ જ ગમગીન અવાજે) આજે મારું કોણ માને છે?

'આપની પાછળ તો આમજનતા છે જ.'

'તે પણ નથી. કારણ કે તે લોકો કહે છે કે તમે હિમાલય ચાલ્યા જાઓ અને જેઓ મને આગેવાન માનતા હતા તેઓ તો આજે મારા ફોટાઓને-બાવલાંઓને પૂજીને સંતોષ માને છે. એટલે તેઓનો આગેવાન પણ હું નથી રહ્યો.' (30-05-47 'બિહાર પછી દિલ્હી', પૃ.35)

મૌનવારે ગાંધીજી પ્રાર્થના માટે સંદેશો લખી આપતા હતા.

લાઇન
લાઇન
નેહરૂ અને ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

એવા એક સંદેશામાં તેમણે ઉપરના સવાલનો જવાબ વધારે વિગતે આપ્યો.

જેમાં એમણે કહ્યું, "આજકાલ મારી ઉપર એવા ઘણા પત્રો આવે છે કે જેમાં મારી ઉપર હુમલાઓ થાય છે."

"એક ભાઈ લખે છે કે તમે પાકિસ્તાન થયાં પહેલાં તો એમ કહ્યું હતું કે મારા શરીરના ટુકડા થાય તો હિંદુસ્તાનના ટુકડા થશે, તો તમારી આ વાત ક્યાં ઊડી ગઈ?"

"વાત એ જ છે કે, મારો આ ભાગલા પડાવવામાં હાથ છે જ નહીં."

"મેં તો એ વાત એટલા માટે કહી હતી કે મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે આમજનતા મારી સાથે જ રહેશે."

"જોકે, મેં જોયું કે આમજનતા મારી સાથે નથી. તો શું મારે લોકોની ઇચ્છા પર જબરજસ્તી કરવી? હું હજુ પણ દાવાની સાથે કહું છું."

"તમામ (બિનમુસ્લિમ) હિંદુઓ હું કહું તેમ કરે, મને મારા કાર્યમાં સાથ આપે, તો હજુ પણ હું હિંદુસ્તાનના બે ટુકડા નહીં થવા દઉં."

"પરંતુ મારે કબૂલ કરવું પડે છે કે આમજનતાનો સાથ મારી સાથે નથી અને તેથી હું પાછળ બેસી ગયો છું."

"જે વાત આપણે 30 વરસથી શીખતા આવ્યા છીએ તે વાત આજે ભૂલી રહ્યા છીએ કે અસત્ય અને હિંસાને જીતવાં હોય તો જાહેર જીવનમાં કે ખાનગી જીવનમાં સત્ય, અહિંસા અને પ્રેમની સાધના કરવી પડશે."

"જે ભાઈ મને પાકિસ્તાનનો વિરોધ કરવાનું કહે છે, એનામાં અને મારામાં કોઈ જાતની સમાનતા નથી."

ભાગલા વખતની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ આગળ કહે છે, "સિવાય કે દેશનું વિભાજન બંનેને નાપસંદ છે. મારા અને તેમના વિરોધમાં મહત્ત્વનો ફરક છે. 'પ્રેમ' અને 'વેર'નો મેળ કઈ રીતે જામે?" (09-06-47 'બિહાર પછી દિલ્હી', પૃ.110-1)

કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં નેતાઓ સમક્ષ તેમણે આપેલું પ્રવચન મનુબહેને મૂળ હિંદીમાં નોંધ્યું હતું.

તેમાં પણ ગાંધીજીએ આજ વાત દોહરાવતાં કહ્યું હતું, "યદી આપ માનતે હૈં કિ યહ (કૉંગ્રેસી નેતાઓ) ગલતી પર હૈ ઔર ઉન્હેં હટાના ચાહિયે તથા ક્રાંતિ કર દેની ચાહિયે ઔર સારી બાગડોર અપને હાથમેં લે લેની ચાહિયે તથા ઐસા કરનેકી આપ અપનેમેં ભી તાકાત મહસૂસ કરતે હૈં, તો આપકો ઐસા કરનેકા પૂરા અધિકાર હૈ."

"લેકિન મેં અપનેમેં વહ તાકત આજ નહીં દેખતા હું. અગર દેખું તો મૈં ભી સાથ દૂં. અગર મૈં તાકત અનુભવ કરતા તો અકેલા બાગી બન જાતા. પર આજ મુઝે ઐસા સામાન નહીં દીખતા હૈ." (14-06-47 'બિહાર પછી દિલ્હી', પૃ.143-4)

line

વિરોધ નહીં તો શું?

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

નહેરુ-સરદારે ભાગલાનો સત્તાવાર સ્વીકાર કરી લીધા પછી ગાંધીજીએ ભાગલાને ટેકો તો ન આપ્યો પણ તેના ઘા રુઝાવવામાં શક્ય તેટલી મદદ કરવાનું ઉપાડી લીધું.

પોતાની લાગણી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું, "હિંદુસ્તાનના ટુકડાથી જો કોઈનું હૃદય વધારેમાં વધારે ઘવાયું હોય તો (તે) મારું છે."

"તમે મારું હૃદય ચીરીને જોઈ શકો તો હું બતાવી શકું છું કે હું અત્યારે કેટલો વ્યથાથી ભરેલો છું." (પ્રાર્થનાસભામાં, 08-06-47 'બિહાર પછી દિલ્હી' પૃ.105)

પરંતુ લોકોને તેમણે કહ્યું, "જે થવાનું હતું તે થઈ ગયું, પરંતુ આવેલી સ્વતંત્રતાને કઈ રીતે સાચવવી એનો હવે વિચાર કરવાનો રહે છે." (પ્રાર્થનાસભામાં, 05-06-47 'બિહાર પછી દિલ્હી', પૃ.78)

બે દિવસ પછી તેમણે કહ્યું, "હું કબૂલ કરું છું કે દેશના ટુકડા થયા છે તે મને જરાયે નથી ગમ્યું. પણ મારાથી એમ કેમ મનાય કે હું જ એકલો સાચો છું અને કૉંગ્રેસના આવા મહાન મુત્સદ્દીઓ બધા ખોટા છે?"

"દુનિયામાં ઘણીય એવી વાતો બને છે કે જે આપણને પસંદ નથી હોતી છતાં આપણે તે સહન કરવી પડે છે અને સહન કરવી જોઈએ. અને જે થયું તે થયું."

"જેટલું છે તેને સાચવીને તેમાં યોગ્ય સુધારાઓ કરીએ તો પણ આપણે ખૂબ આગળ વધીશું." (પ્રાર્થનાસભામાં, 07-06-47 'બિહાર પછી દિલ્હી', પૃ.96)

line

વિશ્લેષણ

નેહરૂ અને ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીજીએ મૌન તોડવાને બદલે ભાગલા સ્વીકારવાનું પસંદ કર્યું અથવા માઉન્ટબેટનની સમજાવટશક્તિ સામે તે પીગળી ગયા, એવું માઉન્ટબેટનની ગમે તેટલી કદર હોય તો પણ કહી શકાય નહીં.

રહી વાત ગાંધીજીએ કેમ ભાગલાનો સક્રિય વિરોધ ન કર્યો તેની.

તેમાં હિંસા પર ઊતરી પડેલા લોકોએ ગાંધીજીનો સાથ અને તેમનો (અહિંસાનો) રસ્તો છોડી દીધો, એ મહત્ત્વનું કારણ હતું.

ભાગલાનો વિરોધ તો હિંદુ કોમવાદીઓ પણ કરતા હતા.

પરંતુ વેરથી વિરોધ અને પ્રેમથી વિરોધ વચ્ચેનો ફરક પણ ગાંધીજીએ તેમના જવાબમાં સ્પષ્ટ કરી આપ્યો.

એ માર્ગે એકલા પડી ગયેલા ગાંધીજી 78માં વર્ષે હતાશ થવાને બદલે ભાગલાના ઘા રૂઝાવવાના કામમાં જોડાઈ ગયા અને અહિંસક યોદ્ધા તરીકે મોતને ભેટ્યા.

(ઉર્વીશ કોઠારી ગુજરાતના જાણીતા પત્રકાર અને લેખક છે. બીબીસી ગુજરાતી સેવા પર બીજી ઑક્ટોબરથી શરૂ થયેલી 'બાપુ, બોલે તો...' શૃંખલામાં આ તેમનો બીજો લેખ છે. આ શૃંખલા અંતર્ગત દર અઠવાડિયે ગાંધીજી પર એક લેખ પ્રસિદ્ધ કરવામાં આવશે. )

લાઇન

આ વિશે વધુ વાંચો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો