અમદાવાદની સ્થાપનાની કહાણી, 'આશાવલ'થી માંડીને 'કર્ણાવતી'ના વિવાદ સુધી

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
- લેેખક, દીપક ચુડાસમા
- પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી
અવારનવાર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી પાડવા અંગેની માગ ઊઠતી રહે છે પરંતુ તેને લઈને ઐતિહાસિક તથ્યોને લઈને અસ્પષ્ટતા અને ક્યારેક વિરોધાભાસ પણ પ્રવર્તે છે.
લોકોનાં મનમાં એ સવાલ કાયમ છે કે ખરેખર અહમદ શાહે 'આશાવલ' જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે 'કર્ણાવતી'?
ખરેખર અહમદશાહે આશાવલ નજીક અહમદાબાદ સ્થાપ્યું હતું કે કર્ણાવતી નજીક?
આ અગાઉ ગુજરાતના ભૂતપૂર્વ ઉપ-મુખ્ય મંત્રી નીતિન પટેલના અમદાવાદનું નામ બદલીને 'કર્ણાવતી' કરવાના નિવેદન બાદ આ મામલે ચર્ચા શરૂ થઈ હતી.
અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થઈ શકે એવા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નિવેદન બાદ નામ બદલવાની તરફેણ કરનારા અને એનો વિરોધ કરનારા બંને લોકો એ સમયે ઇતિહાસને ટાંકીને પોતાના મુદ્દા રજૂ કરી રહ્યા હતા.
પણ ખરેખર શું છે અમદાવાદની સ્થાપનાનો એ ઇતિહાસ?

સ્થાપનાના મૂળમાં રહેલો 'બળવો'

ઇમેજ સ્રોત, Getty Images
ફારસી ભાષાના જાણકાર અને ગુજરાત યુનિવર્સિટીના ફારસી વિભાગના પૂર્વ અધ્યક્ષ છોટુભાઈ નાયકે લખેલા 'ગુજરાતમાંની ઇસ્લામી સલ્તનનો ઇતિહાસ' નામના પુસ્તકમાં મળતા ઉલ્લેખ પ્રમાણે, ગુજરાતના પહેલા સ્વતંત્ર સુલતાનમાં જેમની ગણના થાય છે તેવા મુઝફ્ફર શાહે પોતાના અન્ય પુત્રોને બદલે તેમના પૌત્ર અહમદશાહને અણહિલવાડ (પાટણ)ની ગાદી સોંપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સંક્ષિપ્તમાં અમદાવાદના મૂળ નામની કહાણી

- ભાજપની કાર્યકારિણીની બેઠક દરમિયાન હૈદરાબાદનું નામ ભાગ્યનગર રાખવાની વાત સાથે વિવાદની શરૂઆત થઈ.
- ભાજપના નેતાઓની ટિપ્પણી બાદ તેલંગણાના નેતાઓએ અમદાવાદનું નામ બદલવાની સલાહ આપી.
- અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા મુદ્દે ઘણા સમયથી માગ થતી આવી રહી છે, પરંતુ તે અંગેની માન્યતાઓની હકીકત શું છે?
- લોકોનાં મનમાં એ સવાલ કાયમ છે કે ખરેખર અહમદશાહે 'આશાવલ' જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે 'કર્ણાવતી'?
- ઘણા લોકો ઐતિહાસિક લખાણો ટાંકીને શહેરો-નગરો-વિસ્તારોનાં નામ બાબતે વાંધો વ્યક્ત કરે છે. પરંતુ ઘણી વાર ઐતિહાસિક દાવા વિરોધાભાસી હોઈ શકે.

ઐતિહાસિક સાબરમતીના કિનારે આવેલી આશાવલ નામની નગરી પાસે પહોંચ્યા બાદ સુલતાન અહમદશાહે આશા ભીલને ત્યાંથી ઉખાડી ફેંકવાનો નિર્ધાર કર્યો હતો.
મુઝફ્ફરશાહને પાંચ પુત્રો હતા, ફિરોઝ ખાન, હૈબત ખાન, સઆદત ખાન અને શેરખાન અને પાંચમાં તાતારખાન જે અહમદશાહના પિતા થતા હતા.
અહમદશાહ ગાદીએ બેસે તે પહેલાં જ તાતારખાનનું મૃત્યું થઈ ચૂક્યું હતું. અન્ય ચાર અહમદશાહના કાકા થતા હતા.
હવે પૌત્રને ગાદી મળતાં આ ચારેય કાકા નિરાશ થયા અને તેઓ શાંતિપૂર્વક પોતાની ગાદી ત્યજે એવું વાતાવરણ એ સમયે ન હતું.
'લૉકલ મોહમદ્દીયન ડાયનેસ્ટીઝ ગુજરાત' નામના પુસ્તકમાં સર ઍડવર્ડ ક્લાઇવ બેયલી લખે છે, ફિરોઝ ખાનના પુત્ર મોદૂદ એ સમયે વડોદરાના ગવર્નર હતા.
ફિરોઝશાહ સુલતાન અહમદશાહના સૌથી મોટા કાકા હતા. એ સંબંધે મોદૂદ તેમનો પિતરાઈ ભાઈ થતો હતો.
મોદૂદ અને ફિરોઝ ખાને બળવાનું કાવતરું ઘડવામાં આગળ પડતો ભાગ લીધો.
ફિરોઝશાહ અને મોદૂદ સાથે કેટલાક અમીરો પણ જોડાયા. તેમાં સૌથી આગળ પડતા બે હિંદુ સરદારો હતા એક જીવણદાસ ખત્રી અને બીજા પ્રયાગદાસ.
'ગુજરાતમાં ઇસ્લામી સલ્તનતના ઇતિહાસ' નામના પુસ્તકમાં મળતા ઉલ્લેખ પ્રમાણે, બળવામાં સાથ આપવા માળવાનો બાદશાહ હૂશંગશાહ પણ ભળ્યા.

અંદરોઅંદરની લડાઈમાં જીવણદાસ ખત્રી માર્યા ગયા અને...

ઇમેજ સ્રોત, Getty Images
ઉપરાંત ગુજરાતના જમીનદારોને ઘોડાઓ ભેટમાં આપીને આ બળવામાં લડાઈમાં સાથ આપવા માટે સંદેશા મોકલવામાં આવ્યા.
મોદૂદે આ બળવાની નેતાગીરી લીધી અને જીવણદાસને પોતાના વજીર નિમ્યા. બધાએ સાથે મળીને એક લશ્કર ભેગું કર્યું.
જીવણદાસે બધા સમક્ષ પાટણ પર હુમલો કરવાનો વિચાર રાખ્યો, કેટલાકે સુલતાન અહમદશાહનું લશ્કર મોટું હોવાથી સામનો કરવો મુશ્કેલ થશે એવું કહ્યું, કેટલાકે તત્કાલ સમાધાન કરવાની વાત કહી.
અંતે ભેગા થયેલા તમામની વચ્ચે મતભેદ થયા કેટલાક સુલતાન અહમદશાહ સાથે ભળી ગયા. અંદરો અંદર લડાઈ થઈ જેમાં જીવણદાસ ખત્રી માર્યા ગયા.
સંઘ તૂટ્યા બાદ મોદૂદ આગળ વધી ખંભાત ગયા ત્યાં તેમની સાથે સુરત અને રાંદેરના ગવર્નર શેખ મલિક ભળ્યા.
જોકે, સુલતાન અહમદને એ તરફ આવતા જોઈ તેઓ ભરૂચ તરફ આગળ વધ્યા એટલામાં અહમદશાહ ત્યાં પહોંચી ગયા અને ભરૂચના કિલ્લાને ઘેરો નાખ્યો. બાદમાં બળવાખોરો સુલતાનના શરણે આવ્યા.
સુલતાન અહમદશાહે મોદૂદ અને શેખ મલિકને માફ કર્યા અને ભરૂચ તરફથી પરત વળ્યા.

જ્યારે સુલતાન સાબરમતીના કિનારે પહોંચ્યા

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
મિરાત-એ-અહેમદીમાં અલી મોહમ્મદ ખાન લખે છે બળવાને શાંત કરીને અહમદશાહ અણહિલવાડ તરફ પરત ફરવા રવાના થયા.
ત્યારે તેઓ સાબરમતીના કિનારે આવેલી આશાવલ નામની નગરી પાસે પહોંચ્યા, જે બાદ સુલતાન અહમદશાહે આશા ભીલને ત્યાંથી ઉખાડી ફેંકવાનો નિર્ધાર કર્યો.
'ગુજરાતમાં ઇસ્લામી સલ્તનતનો ઇતિહાસ'માં મળતા ઉલ્લેખ પ્રમાણે, સુલતાન અહમદશાહે ત્યાં પહોંચીને છાવણી નાખી થોડો સમય ત્યાં રહ્યા અને સાબરમતીના કિનારે સહેલગાહ કરી.
આશાવલ અંગે મળતા જુદાજુદા ઉલ્લેખ મુજબ સુલતાન અહમદશાહે અહીં શહેર વસાવવાનું નક્કી કરી લીધું હતું.
સુલતાન ફરીથી અહીં આવતા આશા ભીલ આશાવલ છોડીને નાસી છૂટ્યા અને અહમદાબાદની સ્થાપનાનો માર્ગ મોકળો થાય છે.
પુસ્તકમાં કરવામાં આવેલા દાવા મુજબ ફેબ્રુઆરી-માર્ચમાં 1411ના રોજ અહમદાબાદ (હાલ અમદાવાદ)ની સ્થાપના કરી.
જોકે, સ્થાપનાની આ તારીખોમાં પણ ઇતિહાસકારોમાં મતભેદ જોવા મળે છે.

ચાર 'અહમદ' જેમણે અમદાવાદનો પાયો નાખ્યો

ઇમેજ સ્રોત, Getty Images
અહમદશાહે તેમના પીર હજરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષનીની સલાહ હેઠળ અહમદાબાદનો પાયો નાખ્યો.
સુલતાને નવા શહેરની સ્થાપના માટે અમીરો તથા ધર્મગુરુઓની પણ સલાહ લીધી હતી.
અહમદાબાદનો પાયો નાખનારા ચાર અહમદ હતા. જે પૈકી એક હજરત શેખ ખટ્ટુ, બીજા તેમના ઉત્તરાધિકારી કાઝી અહેમદ, ત્રીજા મુલ્લા અહેમદ અને ચોથા સુલતાન અહમદશાહ ખુદ હતા.
'હિસ્ટ્રી ઑફ ગુજરાત' નામના પુસ્તકમાં ખાન બહાદુર લખે છે કે આ ચાર અહમદ ઉપરાંત 12 ફકીરોએ પણ અહમદાબાદની સ્થાપનાની વિધિમાં સુલતાનને મદદ કરી હતી.
પુસ્તકમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ આ ચાર અહમદ અને બાર ફકીર દિલ્હીના પ્રસિદ્ધ મુસ્લિમ સંત નિઝામ-ઉદ-દીન ઓલિયાના શિષ્યો હતા.

અહમદાબાદની સ્થાપના શા માટે?

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
'હિસ્ટ્રી ઑફ ગુજરાત' મુજબ અહમદશાહે પોતાના ધર્મગુરુ, ખુદ પોતાનું નામ અને અન્ય બે સાથીઓના નામ પરથી શહેરનું નામ અહમદાબાદ રાખ્યું.
અહમદાબાદની સ્થાપનાનું મહત્ત્વ અંગે આ પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ મુજબ સુલતાનને અનુભવથી જણાયું કે પ્રદેશના કેન્દ્રમાં પાયાતખ્ત હોય તો જ તેનું સારી રીતે રક્ષણ થઈ શકે એમ છે.
આમ કરવાથી ઈડર, ચાંપાનેર અને સોરઠના રાજાઓ પર કાબૂ રાખવો સહેલો રહેશે.
આ મામલે તેમણે તે સમયના અમીરો અને પીરોની પણ સલાહ લીધી હતી હજરત શેખ ખટ્ટૂએ પણ આ સલાહનું સમર્થન કર્યું હતું.

અમદાવાદની સ્થાપના પહેલાં હતું આશાવલ

ઇમેજ સ્રોત, Getty Images
'અમદાવાદ ફ્રૉમ રૉયલ સિટી ટુ મેગાસિટી' નામના પુસ્તકમાં અચ્યુત યાજ્ઞિક અને સુચિત્રા શેઠ અહમદાબાદ, કર્ણાવતી અને આશાવલને લઈને કેટલીક બાબતો પર પ્રકાશ પાડે છે.
પુસ્તકમાં મળતા વર્ણન પ્રમાણે, પર્શિયન અને મુઘલ સમયના ઇતિહાસકારો આશાવલ સાબરમતી નદીના પૂર્વ કિનારે આવેલું હોવાનો ઉલ્લેખ કરે છે.
કેટલાક પુરાવા મુજબ આશાવલ નદીના કાંઠે હાલના જમાલપુર અને આસ્ટોડિયા દરવાજાની આસપાસ હોવું જોઈએ.
અરેબિક અને પર્શિયન ઇતિહાસકારો આને 'આશાવલ' નામે ઓળખાવે છે, જ્યારે સંસ્કૃત અને પ્રાકૃતમાંથી મળતા સ્રોત તેને 'આશાપલ્લી' તરીકે ઓળખાવે છે.
અમદાવાદની સ્થાપનાના 500 વર્ષ પહેલાં મહાન વિદ્વાન અલબેરુની એ 'આશાવલ' હોવાનો ઉલ્લેખ કર્યો છે.
જૈન આચાર્ય જિનેશ્વરસૂરી 'નિર્વાણલીલાવટીકથા'માં ઈ.સ. 1039માં આશાપલ્લી હોવાનો ઉલ્લેખ કરે છે.
આ બધા પુરાવાઓ એ સાબિતી આપે છે કે અગિયારમી અને બારમી સદીમાં આશાવલ અથવા આશાપલ્લીનું કેટલું મહત્ત્વ હતું.

કર્ણાવતી અંગે શું છે પુરાવા?

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
'મિરાત-એ-અહમદી' કે 'હિસ્ટ્રી ઑફ ગુજરાત'માં 'કર્ણાવતી' નગરી હોવાનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી.
કર્ણાવતીનો ઉલ્લેખ 1304-05માં જૈન આચાર્ય મેરુતુંડાચાર્ય રચિત 'પ્રબંધચિંતામણી'માં તેનો ઉલ્લેખ જોવા મળે છે.
તેમાં કરાયેલા વર્ણન મુજબ રાજા કર્ણદેવ આશાપલ્લી નામના ગામમાં આશા ભીલ પર ચઢાઈ કરવા ગયા.
ભૈરવ દેવીનું શુભ શકુન થયા બાદ ત્યાં કોચરબ દેવીનું મંદિર બનાવ્યું અને ત્યાં જ તંબુ તાણીને રહ્યા.
બાદ આશા ભીલને હરાવીને ત્યાં કર્ણેશ્વર મહાદેવની સ્થાપના કરી અને કર્ણસાગર તળાવ બંધાવી ત્યાં કર્ણાવતી પુરીની રચના કરી અને ખુદ જ રાજ્ય કરવા લાગ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
'અમદાવાદ ફ્રૉમ રૉયલ સિટી ટુ મેગાસિટી' પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, 13મી સદીના અંતમાં અને 14મી સદીની શરૂઆતમાં જૈન સાહિત્ય અને ધાર્મિક સ્રોતોમાંથી સાબરમતી નદીના કિનારે 'કર્ણાવતી' હોવાનો ઉલ્લેખ મળે છે.
જોકે, એ વાત સ્પષ્ટ થઈ શકતી નથી કે કર્ણાવતી એ આશાવલનું બીજું નામ હતું કે તેની બાજુમાં કર્ણાવતી નામની કોઈ લશ્કરી ચોકી હતી.
મેરુતુંડાચાર્યની સ્ટોરીને જ આગળ વધારતા ત્રણ દાયકાઓ બાદ અન્ય બે જૈન વિદ્વાન જિન્માનંદન અને ચરિત્રસુંદર તેનો ફરી ઉલ્લેખ કરતા લખે છે, કર્ણદેવે નવું શહેર વસાવવાનો નિર્ણય કર્યો હતો.
કર્ણદેવે તેમના પુત્ર સિદ્ધરાજને ગાદીએ બેસાડ્યો હોવાથી તેમને લાગ્યું કે એક શહેરમાં બે રાજા રાજ ના કરી શકે.

કર્ણાવટી નામનાં મહિલા?

ઇમેજ સ્રોત, Getty Images
જેથી આશાવલ જીત્યા બાદ કર્ણદેવે કર્ણાવતી વસાવવાનો નિર્ણય કર્યો હોવાનું આ જૈન વિદ્ધાનો કહે છે.
બીજી તરફ સિદ્ધરાજના સમયકાળમાં થઈ ગયેલા આચાર્ય હેમચંદ્રાએ લખેલી ઐતિહાસિક કવિતામાં એવો ઉલ્લેખ મળે છે કે સિદ્ધરાજને અણહિલવાડની ગાદીએ બેસાડ્યા બાદ ટૂંક સમયમાં જ કર્ણદેવનું મૃત્યુ થયું હતું.
આ કવિતામાં કર્ણાવતી નામની નગરીનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.
તો શું આશાપલ્લીને જ કર્ણાવતી નગરી કહેવામાં આવતું હતું?
કર્ણાવતી અલગથી શહેર હતું? કર્ણાવતી હતું તો શા માટે આશાવલ કે આશાપલ્લીનો 12મી કે 13મી સદી સુધી ઉલ્લેખ જોવા મળે છે?


ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ અને સિદ્ધરાજ પછી ગાદીએ આવનાર કુમારપાળે બંનેએ અનેક વર્ષો સુધી શાસન કર્યું. તેમણે કેમ ક્યારેય કર્ણાવતીનો ઉલ્લેખ ના કર્યો?
તેમના વખતમાં થઈ ગયેલા જૈન વિદ્વાનોએ પણ તેમના સાહિત્યમાં કર્ણાવતીનો ઉલ્લેખ કેમ ના કર્યો?
13મી સદીના અંતમાં જૈન સાહિત્ય અને ધાર્મિક સાહિત્યમાં કર્ણાવતીનો ઉલ્લેખ થવાનો શરૂ થયો હતો.
'અમદાવાદ ફ્રૉમ રૉયલ સિટી ટુ મેગાસિટી' મુજબ સુલતાન અહમદશાહે 1411માં અહમદાબાદની સ્થાપના કરી તે બાદનાં 150 વર્ષો સુધી પણ આશાપલ્લીનો ઉલ્લેખ જોવા મળે છે.
આ પરથી આપણે એવું કહી શકીએ કે કદાચ કર્ણદેવે આશાપલ્લીની બાજુમાં લશ્કરી ચોકી સ્થાપી હશે, જે ધીરેધીરે તે વસાહતમાં ફેરવાઈ હશે.
આગળનાં વર્ષોમાં તેનો વિકાસ થતાં તે આશાપલ્લી સાથે ભળી ગઈ હોવાની શક્યતા છે.

ભદ્રનો કિલ્લો અને માણેક બુરજ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
'હિસ્ટ્રી ઑફ ગુજરાત' મુજબ અહમદશાહે સાબરમતી નદીની પૂર્વ દિશામાં અને આશાવલની એકદમ બાજુમાં અહમદાબાદની સ્થાપના કરી હતી.
તેમણે 53 ફૂટ ઊંચો માણેક બુરજ બંધાવ્યો હતો, જે હાલના એલિસબ્રિજથી થોડો આગળ હતો. અહીં અમદાવાદનો પાયો નંખાયો હતો.
'મિરાત-એ-અહમદી'ના લેખ અલી મોહમ્મદ ખાનના વર્ણન પ્રમાણે, અહમદાબાદમાં બાંધવામાં આવેલા ભદ્રના કિલ્લાનું નામ પાટણના કિલ્લા પરથી ઊતરી આવ્યું છે.
ભદ્રના કિલ્લાની બાંધણી પણ ઘણા અંશે પાટણના કિલ્લાને મળતી આવતી હતી.
દાયકાઓ સુધી પાટણ એટલે કે અણહિલવાડ ગુજરાતના હિંદુ અને ત્યારબાદ મુસ્લિમ શાસકોની રાજધાની રહ્યું હતું.
ભદ્રનો કિલ્લો ચોરસ આકારમાં હતો અને આશરે તે 43 એકર વિસ્તારમાં ફેલાયેલો હતો.
જોકે, શહેરની ફરતે કરવામાં આવેલી દિવાલ ક્યારે પૂર્ણ થઈ તે મામલે મતમતાંતર જોવા મળે છે.
'ફિરિશ્તા'એ કરેલા વર્ણન મુજબ મહમદ બેગડાના સમયમાં અહમદાબાદ શહેરની ફરતે દિવાલનું કામ પૂર્ણ થયું હતું.

કિલ્લાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
'મિરાત-એ-અહમદી'ના લેખ અલી મોહમ્મદ ખાન ઉમેરે છે કે કિલ્લાની શરૂઆતમાં જે તિથિલેખ મૂકેલો હતો તેમાં લખેલું હતું કે 'જે પણ લોકો આની અંદર છે તે હવે સુરક્ષિત છે.'
આ તિથિલેખમાં હિજરી વર્ષ 892 લખેલું છે. એનો અર્થ એ થયો કે આ દિવાલનું કામ ઈ.સ. 1487માં પૂર્ણ થયું હોવું જોઈએ.
જોકે, કેટલીક એવી નોંધ પણ મળી આવે છે કે કિલ્લાનું કામ 1413માં પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. જોકે, 'મિરાત-એ-સિકંદરી'માં આ ઉલ્લેખ 1417નો છે.
'હિસ્ટ્રી ઑફ ગુજરાત'માં કરાયેલા વર્ણન પ્રમાણે, જ્યારે અહમદાબાદની સ્થાપના થઈ ત્યારે ત્યાં વસતિ વધારે ન હતી. બાદમાં ધીમેધીમે વસતિ વધી.
તેથી કિલ્લાનું કામ 1413માં પૂર્ણ થયું હોવું જોઈએ, પરંતુ વસતિ વધ્યા બાદ શહેરની ફરતે બનેલી દિવાલનું કામ 1487માં પૂર્ણ થયું હોય તેવું બની શકે.

કિલ્લાના એ 12 દરવાજા

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
'મિરાત-એ-અહમદી'ના ઉલ્લેખ અનુસાર, કિલ્લામાં કુલ 12 દરવાજા હતા અને કુલ 189 જેટલા નાના-મોટા ટાવર હતા. ઉપરાંત તેમાં લગભગ 6,000થી વધારે બારીઓ હતી.
આ કિલ્લાનું ચણતર કામ ઈંટો અને ચૂના વડે કરવામાં આવ્યું હતું. તેની મજબૂતાઈની સરખામણી દિલ્હી અને શાહજહાંબાદના કિલ્લાઓ સાથે થતી હતી.
'મિરાત-એ-અહમદી'માં વર્ણન પ્રમાણે, કિલ્લાના 12 દરવાજાઓમાંથી ઉત્તર તરફ ત્રણ શાહપરુ, ઇડરિયા અથવા દિલ્હી અને દરિયાપુર હતા.
દક્ષિણમાં આસ્ટોડિયા, જમાલપુર અને એક દરવાજો જે બંધ હતો તેને ઢેડિયા તરીકે ઓળખવામાં આવતો.
પશ્વિમ બાજુ સાબરમતી નદીના કિનારા તરફ ખાનજહાં, રાયખડ અને ખાનપુર નામના દરવાજા હતા. જ્યારે પૂર્વ તરફ કાલુપુર, સારંગપુર અને રાયપુર નામના દરવાજા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















