ભાજપને જ્યારે ગુજરાતમાં ચૂંટણી લડવા એક ઉમેદવાર પણ નહોતો મળતો

ખાડિયા ખાતે વસંત ગડકરની શોકસભામાં અટલજી

ઇમેજ સ્રોત, Shukdev Bhachech and Kalpit Bhachech.

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“એક જમાનો હતો જયારે ભાજપને કોઈ પૂછતું નહોતું, ત્યારે અમે ખાડીયામાં ફૂટપાથ પાર્લમેન્ટ બનાવી પ્રજાના પ્રશ્નોનો નિકાલ કેવી રીતે લાવવો એની વિચારણા કરતા હતા. ગુજરાતમાં ભાજપને કેવી રીતે જનમાનસમાં લાવવો એની કવાયત કરતા, કારણકે એ વખતે ભાજપ માટે ઉમેદવાર શોધવાનું કામ અઘરું હતું અને ચૂંટણી લડીએ તો ડિપૉઝિટ બચાવવું એ લક્ષ્ય રહેતું”

ભાજપના જૂના દિવસોને યાદ કરતાં કૉર્પોરેટરથી કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા હરીન પાઠક સામે સમય જાણે ઓગળી જાય છે અને તેઓ ભૂતકાળમાં સરી પડે છે.

સાત વાર સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા 74 વર્ષના હરીન પાઠકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ભાજપના કપરા સમયને યાદ કરતાં કહ્યું કે, “ભાજપ માટે એ દિવસો ઘણા કપરા હતા, હું 1975માં પહેલી વાર કૉર્પોરેટર બન્યો, ત્યારે ભાજપ નહીં જનસંઘ હતું, જનસંઘને કોઈ પૂછતું નહોતું અને પછી ભાજપની સ્થાપના થઈ.અલબત્ત અમારો ગઢ એ વખતે ખાડીયા અને રાજકોટ હતો .”

ભાજપની સફર વિશે આગળ વાત કરતાં હરીન પાઠક કહે છે કે, “ભાજપની સક્રિયતા ખાડીયામાં વધુ હતી. એ સમયે ભાજપને કેમ લોકો સુધી પહોંચાડવો, એ અમારા માટે પણ મોટી કસોટી હતી."

"એ સમયે અમારા સિનિયર નેતા નાથાલાલ ઝગડા અને અશોક ભટ્ટે નક્કી કર્યું કે આપણે ભલે સંસદમાં ના હોઈએ પણ ખાડીયામાં ફૂટપાથ સંસદ શરૂ કરીએ. એમાં જે કૉર્પોરેટર અને ધારાસભ્ય હોય એ ભેગા મળીને લોકોના પ્રશ્નોને વાચા આપે."

"ભલે લોકો કૉંગ્રેસને માનતા હોય પણ ભાજપનો પગ જમાવવો હતો. અમે ફૂથપાથ પાર્લમેન્ટ શરૂ કરી જેમાં દરેક હોદ્દેદાર હાજર રહેતા. અને લોકોની વીજળી, પાણી, ગટરની સમસ્યાની ઉગ્ર રજૂઆત કરતા.”

1980માં કેશુભાઈ દ્વારા ગુજરાતમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન

ઇમેજ સ્રોત, Shukdev Bhachech and Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, 1980માં કેશુભાઈ દ્વારા ગુજરાતમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન

જૂની યાદો અને પક્ષને નવી ઊંચાઈ પર પહોંચાડવાના પ્રયત્નો વિશે વાત કરતાં તેઓ આગળ કહે છે કે, “કયારેક અખબારમાં પણ અમારી વાત નહોતી આવતી, તો અમે અને અશોકભાઈ ભટ્ટે નક્કી કર્યું કે આપણે આપણું ભીંત છાપું ચાલુ કરવું."

"ખાડિયાના રાયપુરનાં ભજીયાં અને ફૂલવડી વખણાય સંખ્યાબંધ લોકો ફૂલવડી ખાવા આવતા. અમે એની સામેની ભીંત પર બ્લૅક બૉર્ડ બનાવ્યું એ સમયે અમે રાત્રે છાપું બહાર પડે એના સમાચાર લખતા અને અમે એની સાથે લોકો માટે કરેલી કામગીરી પણ લખતા હતા. ધીમેધીમે ખાડિયા ભાજપનો ગઢ બની ગયો.”

પક્ષની વધતી લોકપ્રિયતાની શરૂઆત યાદ કરતાં ભાજપના પીઢ નેતા હરીન પાઠક આગળ કહે છે કે, “હવે ખાડીયા બહારથી લોકો આવવા લાગ્યા અને સમસ્યા રજૂ કરવા લાગ્યા. એ સમયે તેલના ભાવમાં એક રૂપિયો વધ્યો, ખાંડના ભાવ વધ્યા અને દૂધના ભાવમાં પાંચ પૈસાનો વધારો થયો ત્યારે અમે રેલી કાઢી અને આંદોલન કર્યા જેના કારણે લોકો અમને સ્વીકારવા લાગ્યા.”

line

‘શરૂઆતની સક્રિયતાનો ન થયો કોઈ લાભ’

ખાડિયાામં જનસંઘની બેઠક વેળા અટલજી

ઇમેજ સ્રોત, Shukdev Bhachech and Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ખાડિયાામં જનસંઘની બેઠક વેળા અટલજીની તસવીર

ભાજપના પીઢ નેતા હરીન પાઠક કહે છે કે, “અમારા પ્રયત્નોનો 1980ની વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો ન થયો કે 1981ના મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં પણ ફાયદો ન થયો. પણ અમે હિંમત ન હાર્યા.”

સંઘર્ષની એ પળો યાદ કરતાં પાઠક આગળ જણાવે છે કે, “ગુજરાતમાં એ સમયે ગુંડારાજ ચાલતું હતું એની સામે અમે અવાજ ઉઠાવ્યો, શરૂઆતમાં લોકો બહાર આવતા નહોતા કાર્યકરો મળતા નહોતા. પણ ધીમેધીમે કૉલેજના વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા અને આમ પક્ષની તાકાત બનતી ગઈ.”

જ્યારે ભાજપનો સમય નહોતો ત્યારે પડેલી મુશ્કેલીઓ વિશે વાત કરતાં ગુજરાતના ભૂતપૂર્વ આઈ.ટી.પ્રધાન બિમલ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ગુજરાતમાં 1985માં થયેલ કોમી હિંસા પછીનો સમય અમારા માટે મહત્ત્વનો હતો."

"એ સમયે ગુજરાતમાં છ મહિના કર્ફ્યૂ રહ્યો હતો. અમે એ સમયે કૉલેજમાંથી ભણીને બહાર નીકળેલા યુવાનો હતા. લોકો કોમી હિંસાથી થાકી ગયા હતા.”

તેઓ ભૂતકાળમાં પક્ષ માટે કરેલા પરિશ્રમની યાદો વાગોળતાં કહે છે કે, “અમારા યુવા મોરચાના પ્રમુખ ભરત બારોટ હતા. અમે નક્કી કર્યું કે આપણે હિંદુત્વને લઈને આગળ વધીએ. અમે કૉલેજ અને અમદાવાદ શહેરમાં ભીંતો પર ગૌહત્યા, રામમંદિરનિર્માણ, 370ની કલમ હઠાવો વગેરે જેવા સૂત્રો લખવાનું શરૂ કર્યું.”

line

કૉંગ્રેસના ગઢમાં પહેલું ગાબડું

1975માં ખાડીયા બેઠકથી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ સ્વર્ગીય અશોક ભટ્ટ.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, 1975માં ખાડીયા બેઠકથી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ સ્વર્ગીય અશોક ભટ્ટ.

ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી અને ભાજપના નેતા બિમલ શાહે પોતાના અને પોતાના સાથીઓના પ્રયત્નો થકી મળેલી સફળતા અને તેના કારણે પડેલ મુશ્કેલીઓ વિશે વાત કરતાં કહ્યું કે, “આ બધાં કામોના કારણે લોકો અમારી સાથે જોડાતા ગયા અને અમારી સામે કોમી લાગણી ભડકાવવાના આરોપ થયા."

"વિધાનસભામાં પણ આ મુદ્દો ચગ્યો. જે કારણે અમને અમારા નેતાઓ તરફથી ઠપકો પણ મળ્યો. પણ અમે અમારૂં કામ ચાલુ રાખ્યું. ધીરેધીરે યુવાનો અમારી સાથે જોડાવવા લાગ્યા અને અમે યુનિવર્સિટીની ચૂંટણીઓમાં કૉંગ્રેસના ગઢમાં પહેલું ગાબડું પાડ્યું. ભાજપનો યુવા મોરચો મજબૂત થયો.”

તેઓ પક્ષની નેતાગીરી તરફથી થઈ જનસંપર્ક માટે કરાઈ રહેલા પ્રયત્નો વિશે વાત કરતાં આગળ કહે છે કે, “અમારા દલિત નેતા ફકીર વાઘેલા સાથે એ સમયના ભાજપના પ્રમુખ શંકરસિંહ વાઘેલા દલિતોનાં ઘરે જતા અને ભોજન કરતા. યુવા મોરચો મજબૂત થતો હતો અને અમને ગજબનો વિશ્વાસ હતો કે અમે કાઠું કાઢી શકીશું.”

line

‘ભાજપને ઉમેદવારો નહોતા મળતા’

બિમલ શાહ એ સમય દરમિયાન પક્ષની પ્રવૃત્તિઓ વિશે જણાવતાં આગળ કહે છે કે, “એ સમયે ગુજરાતમાં લતીફ ગૅંગ સક્રિય હતી એની સામે અમે કાઢેલા મોરચાને કારણે છેવટે એ જેલમાં ગયો લોકોને અમારા પર વિશ્વાસ બેસવા લાગ્યો હતો."

"સમયે અમારું લક્ષ્ય સત્તા નહોતું પણ કંઈક જૂદું કરવાનું હતું અને 1986ના અંતમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી આવી અને ભાજપે એમાં ઝંપલાવ્યું.”

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જનસંઘના ઉમેદવાર વસંત ગજેન્દ્ર ગડકર ખાડીયામાં જાહેર સભા સંબોધી રહ્યા છે

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જનસંઘના ઉમેદવાર વસંત ગજેન્દ્ર ગડકર ખાડીયામાં જાહેર સભા સંબોધી રહ્યા છે

તે સમયની વાત કરતાં ભાજપના તે સમયના યુવા મોરચાના પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ભરત બારોટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “એ સમયે અમારી પાસે ઉમેદવારો નહોતા, કોઈ માનતું નહોતું કે ભાજપ જીતી શકે છે. હું ઘણા ડૉક્ટર, ઇજનેર અને વકીલોને મળતો પણ તેઓ ભાજપ તરફથી લડવા માટે તૈયાર નહોતા.”

શરૂઆતના દિવસોમાં યુવાનોને આકર્ષવા માટે કરાયેલી મહેનતને યાદ કરતાં તેઓ કહે છે કે, “કોઈ માનવા તૈયાર નહોતું કે ભાજપ જીતી શકે છેવટે પૅનલમાં મેં મારાં માતા જશુમતીબહેનને ઊભાં રાખ્યાં અને બાકી યુવાનોને ટિકિટ આપી."

"મને ભરોસો હતો કે અમારી સાથે જોડાયેલા યુવાનો ચૂંટાઈ આવશે. કારણ કે એ સમયે મેં સવા રૂપિયામાં બેકાર યુવાનોને નામ નોંધાવી ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા."

"મેં સરકારની પેરેલલ એમ્પ્લોયમેન્ટ ઍક્સચેન્જ બનાવી હતી અને છાપાંમાં આવતી જાહેરાતો પ્રમાણે નોંધાયેલા ઉમેદવારોની અરજી કરાવતા અને ખાનગી કંપનીમાં લોકોને નોકરી મળતી. એના કારણે લોકોને સરકારી એમ્પ્લોયમેન્ટ ઍક્સચેન્જમાંથી રસ ઊઠી ગયો હતો.”

ભરત બારોટ કહે છે કે અમારા માટે બીજી મહત્ત્વની વાત એ હતી કે અમારા બે વર્ષના પ્રયાસોને કારણે પ્રદેશમાં હિંદુત્વની લહેર પણ બની હતી.

એ સમયના ગુજરાતના રાજકારણ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “આ પરિસ્થિતિમાં અમને બીજો ફાયદો એ થયો કે એ સમયનો ગુજરાતનો ડોન લતીફ પાંચ જગ્યાએથી ચૂંટણી લડી રહ્યો હતો, એ પાંચ જગ્યાએથી ચૂંટણી લડ્યો અને જીતી ગયો, પણ કૉર્પોરેશનમાં પહેલી વાર અમારી બહુમતી આવી."

"લતિફે ચાર જગ્યા પરથી રાજીનામું આપ્યું અને એ ચારેય જગ્યા પર બીજા નંબરે ભાજપના ઉમેદવાર હતા એટલે અમારું સંખ્યાબળ વધી ગયું, ત્યારે અમને લાગવા માંડ્યું કે અમારા માટે હવે ગાંધીનગરનો રસ્તો આસાન થઈ રહ્યો છે.”

line

'ગુંડાતત્ત્વો અને ભ્રષ્ટાચારમુક્ત પક્ષ તરીકે ભાજપની છાપ બની'

સ્વ. અશોક ભટ્ટ અને હરીન પાઠકે ત્રણ દાયકા સુધી ખાડીયાનું પ્રતિનિધત્વ કર્યું છે.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, સ્વ. અશોક ભટ્ટ અને હરીન પાઠકે ત્રણ દાયકા સુધી ખાડીયાનું પ્રતિનિધત્વ કર્યું છે.

લતીફના રાજીનામા પછી ચૂંટાઈને આવેલાં એ સમયનાં કૉર્પોરેટર ભામિનીબહેન પટેલ કહે છે કે, “લતીફની સામે ચૂંટણી માં ઊભા રહેવાની કોઈ પુરુષની હિંમત નહોતી હું એની સામે ચૂંટણીમાં ઊભી રહી, લોકો મને ઝાંસીની રાણી કહેતા હતા, કારણકે ડોન લતીફના નામથી લોકો ફફડતા હતા.”

અસામાજિક તત્ત્વો સામે પોતે ઊભા કરેલા પડકારોને યાદ કરતાં તે સમયનાં કૉર્પોરેટર ભામિનીબહેન પટેલ કહે છે કે, “હું પહેલેથી ભાજપમાં માનતી હતી. કોમી હિંસા અને લતીફના લોકો સામે લડવું મુશ્કેલ હતું પણ મારી હિંમતને કારણે કોઈ તકલીફ ન પડી."

"લતીફના રાજીનામા પછી હું કૉર્પોરેટર બની, લોકોને પરેશાન કરીને લઘુમતી કોમના કેટલાક લોકો ધાકધમકીથી સસ્તામાં મકાન પડાવી લેતા એની સામે મેં લડત આપી જેના કારણે ભાજપની એક અલગ પાર્ટીની છાપ ઊભી થઇ હતી. બીજાથી અલગ ગુંડા અને ભ્રષ્ટાચારથી અલગ પાર્ટીની છાપ ઊભી કરવામાં અમે સફળ રહ્યા જેની છાપ આખાય ગુજરાતમાં પડી.”

line

‘છાપ માટે મેયરનો હોદ્દો નકાર્યો’

ભાજપના નેતા અને ગુજરાતના છોટે બાજપેયી ગણાતા હરીન પાઠક કહે છે કે, “અમે અલગ છીએ એ છાપ જાળવી રાખવા માટે મેં મેયર થવાની કે કૉર્પોરેશનમાં મોટો હોદ્દો લેવાની ના પાડી દીધી. મેયર તરીકે અમે કરિયાણાની દુકાન ચલાવનાર જયેન્દ્ર પંડિતને બનાવ્યા હતા. જેથી પાર્ટી સામાન્ય માણસની છે એ છાપ ઊભી થાય.”

પક્ષની ગુજરાતમાં લોકપ્રિયતા વધારવાના હેતુસર ઉપયોગમાં લેવાયેલી વ્યૂહરચના વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “તે સમયે અમારા દિગ્ગજ નેતા પ્રફુલ બારોટ અને ડૉ. મુકુલ શાહ સહિત ઘણા લોકો સક્રિય હતા. હું AMTSનો ચૅરમૅન બન્યો, એ પછી પાર્ટીએ મને આદેશ આપ્યો અને હું લોકસભાની ચૂંટણી લડ્યો ત્યારે પણ અમે નવો નુસખો અપનાવ્યો હતો.”

પ્રથમ તસ્વીર ખાડીયા ગોલ્ડવાડમાં જનસંધની જૂની ઑફિસ જ્યારે બીજી તસ્વીરમાં નવી બંધાયલ ઓફિસ.

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, પ્રથમ તસ્વીર ખાડીયા ગોલ્ડવાડમાં જનસંધની જૂની ઑફિસ જ્યારે બીજી તસ્વીરમાં નવી બંધાયલ ઓફિસ જોઈ શકાય છે.

“40 પૈસામાં ચા મળતી, પાન-મસાલા પણ 60થી 70 પૈસામાં મળતા, સિગારેટ પણ એક રૂપિયાની અંદર મળતી , ફિલ્મની ટિકિટ પણ અઢી રૂપિયામાં મળતી, મોંઘી ટિકિટ સાડા-ત્રણ રૂપિયામાં મળતી એટલે અમે બે રૂપિયાની નોટ ભેગી કરી અને એના પર ભાજપના સ્ટૅમ્પ લગાવ્યા કારણકે બે રૂપિયાનું ચલણ વધુ હતું.”

હરીન પાઠક આગળ કહે છે કે, “અમારો આ નુસખો કારગત નીવડ્યો કારણ કે બે રૂપિયાની નોટ યુવાનોથી માંડી મહિલાઓ સુધી જતી, ગુજરાતીઓની તાસીર પ્રમાણે ચા પીવી, પાનની દુકાને કે ભજીયાંની દુકાને બેસવું, ફિલ્મ જોવી હોય, બસમાં મુસાફરી કરવી હોય ત્યારે આ નોટ ચલણમાં આવતી."

"શાકભાજીની લારીઓમાં જતી જેમાં કમળ લોકોના મગજમાં રજિસ્ટર થઈ ગયું. આવા નુસખા અમને ઘણાં કામ લાગ્યાં છે. જેના કારણે અમે ફૂટપાથ પાર્લમેન્ટથી ગુજરાતને અમારો ગઢ બનાવી શક્યા છીએ.”

જાણીતા સેફોલૉજિસ્ટ અને તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર એમ. આઈ. ખાન બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ભાજપના ઉદય વિશે વાત કરતાં કહે છે કે, “1986ની ચૂંટણી પહેલાં લોકોનું ધ્યાન ખેંચવામાં ભાજપ સફળ રહ્યો છે. એ પછી બે રૂપિયાની નોટ હોય કે ગીત હોય.”

ભાજપની પ્રસિદ્ધિ હાંસલ કરવાની રણનીતિ અંગે ચર્ચા કરતાં તેઓ આગળ જણાવે છે કે, “એમણે ભાજપનાં ગીતો બનાવ્યાં હતાં અને દરેક ધાર્મિક સ્થળોએ એ વગાડ્યાં હતાં, મફતમાં એ સમયમાં કૅસેટો વહેંચી હતી. તેઓ લોકપ્રિયતા હાંસલ કરવા માટે ટી- શર્ટ, કૅપ સહિતની વસ્તુઓ વહેંચતા હતા જેથી ભાજપ લોકોનાં મનમાં રજિસ્ટર થવા લાગે.”

“લોકો ભલે નરેન્દ્ર મોદીને માર્કેટિંગના માસ્ટર ગણતા હોય પણ માર્કેટિંગની સાચી પદ્ધતિ ભાજપની ગળથૂથીમાં છે. નરેન્દ્ર મોદીએ એનો બખૂબી ઉપયોગ કર્યો, જેના કારણે ખાડીયાથી બહાર નીકળી ગુજરાતને તેઓ ગઢ બનાવી શક્યા છે."

"અલબત્ત આ સ્ટ્રેટેજીનો ખરો ઉપયોગ મોદીએ કર્યો છે. કેશુભાઈ કે સુરેશ મહેતા અને આનંદીબહેન એ નથી કરી શક્યાં. વિજય રૂપાણીએ એવો પ્રયાસ કર્યો છે પણ એ મોદી અને ભાજપના જૂના નેતાઓના ઇમીટેટરથી વધુ નથી લગતા.”

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન