ભાજપનો ઇતિહાસ: મંચ પર ગાંધીજીનો ફોટો અને અતિથિવિશેષ તરીકે મુસ્લિમ નેતા; આ રીતે થઈ હતી ભાજપની સ્થાપના

    • લેેખક, નામદેવ કાટકર
    • પદ, બીબીસી મરાઠી

ઇમરજન્સીના કારણે ઇન્દિરા ગાંધી સામેનો લોકોનો ગુસ્સો 1977માં મતપેટીમાંથી બહાર આવ્યો હતો અને આઝાદી પછી પહેલીવાર જનતા પક્ષના રૂપમાં પહેલી બિનકૉંગ્રેસી સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી હતી.

જોકે, એ સફળતા લાંબો સમય ટકી શકી ન હતી. ત્રણ વર્ષમાં જ તે સરકાર ભાંગી પડી હતી અને જનતા પક્ષના ટુકડા થયા હતા. એ ત્રણ પૈકીનો એક ટુકડો એટલે આજનો ભારતીય જનતા પક્ષ (ભાજપ).

વાજપેયી અને લાલકૃષ્ણ આડવાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ આડવાણી ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના ગર્ભમાંથી જનસંઘનો જન્મ થયો હતો અને જનસંઘની હૂંફ તથા જનતા પક્ષની આંતરિક સાઠમારીમાંથી ભાજપનો જન્મ થયો હતો, એવું એક વાક્યમાં કહી શકાય, પરંતુ ઇતિહાસ આટલા પૂરતો મર્યાદિત નથી.

તેનું કારણ એ છે કે ભાજપની રચનામાં અનેક નેતાઓ, ઘણી ઘટનાઓ અને ઘણી રસપ્રદ ઘટનાઓએ પણ યોગદાન આપ્યું છે. ભાજપના જન્મની કથા હું તમને આ ત્રણ બાબતોના આધારે કહીશ.

line

ભાજપના જન્મદાતા બે સંગઠન

1977માં દિલ્હીના લાલ કિલ્લા મેદાનમાં આરએસએસની એક રેલીમાં લાલકૃ્ષ્ણ અડવાણી, કેદારનાથ સાહની, અટલ બિહારી વાજપેયી તથા વિજયકુમાર મલ્હોત્રા

ઇમેજ સ્રોત, Sondeep Shankar/Getty

ઇમેજ કૅપ્શન, 1977માં દિલ્હીના લાલ કિલ્લા મેદાનમાં આરએસએસની એક રેલીમાં લાલકૃ્ષ્ણ અડવાણી, કેદારનાથ સાહની, અટલ બિહારી વાજપેયી તથા વિજયકુમાર મલ્હોત્રા

ભાજપના મૂળ આરએસએસના સમર્થનથી બનેલા જનસંઘમાં મળે છે, તેથી શરૂઆત ત્યાંથી કરીએ.

આરએસએસની રચના 1925ની 27 સપ્ટેમ્બરે થઈ હતી. જોકે, 1951ની પાંચમી મેએ જનસંઘની રચના થઈ ત્યાં સુધી આરએસએસ એટલે કે સંઘની કોઈ રાજકીય પાંખ નહોતી.

કૉંગ્રેસ સેવા દળના સ્થાપકોમાંના એક નારાયણ હાર્ડીકર અને હિંદુ મહાસભાના તત્કાલીન નેતા વિનાયક દામોદર સાવરકર, બંનેએ સંઘને રાજકીય પક્ષ તરીકે ઊભરી આવવા વિનંતી કરી હતી. જોકે, પ્રથમ સરસંઘચાલક કેશવ બલીરામ હેડગેવારે રાજકીય પક્ષની રચનાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે સંઘ માત્ર સામાજિક-સાંસ્કૃતિક મુદ્દાઓ પર જ કામ કરશે.

નથુરામ ગોડસેએ 1948ની 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની હત્યા કરી એ ઘટના પછી આરએસએસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એ વખતે માધવરાવ સદાશિવરાવ ગોલવલકર સરસંઘચાલક હતા.

સંઘ પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે રાજકીય પક્ષની જરૂરિયાત વધુ સ્પષ્ટ થઈ હતી. ગોલવલકરને પોતાને પણ એવું જ લાગતું હતું. તેઓ સંઘને સંપૂર્ણપણે રાજકીય પક્ષમાં પરિવર્તિત કરવાનો જ વિરોધ કરતા હતા.

રાજકીય પક્ષની સ્થાપનાના વિચારને બહુ સ્વીકૃતિ ન મળતી હોવાનું ધ્યાનમાં લઈને ગોલવલકરે 1948ની બીજી નવેમ્બરે એક પત્રિકા બહાર પાડીને સ્વયંસેવકોને જણાવ્યું હતું કે "સંઘ કોઈ રાજકીય સંગઠન નથી, તેથી તમે કોઈ પણ રાજકીય પક્ષ માટે કામ કરવા માટે સ્વતંત્ર છો."

કેશવ બલીરામ હેડગેવાર અને માધવરાવ સદાશિવરાવ ગોલવલકર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેશવ બલીરામ હેડગેવાર અને માધવરાવ સદાશિવરાવ ગોલવલકર

આ તબક્કે એક વ્યક્તિ રાજકીય પક્ષની સ્થાપનાના પ્રયાસ માટે આગળ આવી હતી અને તે હતા ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી.

દેશને આઝાદી મળ્યા પછી રચાયેલા વચગાળાના સૌપ્રથમ કેન્દ્રીય પ્રધાનમંડળમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન હતા. તેઓ હિન્દુઓના હિત માટે લડતા નેતા તરીકે ખ્યાતિ પામેલા હતા.

જોકે, આઝાદીના થોડા સમયમાં જ વિવાદ ફાટી નીકળ્યો હતો. 1950માં એવા આક્ષેપ થયા હતા કે પાકિસ્તાનની સરકાર ત્યાંના લઘુમતી હિન્દુઓના રક્ષણ બાબતે ઉદાસીન છે. ભારતે પાકિસ્તાનમાંના હિન્દુઓની સલામતી માટે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવવું જોઈએ, એવું ડૉ. મુખરજી કહેતા હતા.

ભારત અને પાકિસ્તાને પોતપોતાના દેશોમાં લઘુમતીઓના રક્ષણની ખાતરી આપતા કરાર પર 1950ની આઠ એપ્રિલે હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર નેહરુ-લિયાકત કરાર તરીકે ઓળખવામાં આવે છે. જો કે, આ સમજૂતીથી કશું નક્કર હાંસલ થશે નહીં એવું ડૉ. મુખરજી માનતા હતા. એ કરાર પર હસ્તાક્ષર થયા તે પહેલાં જ ડૉ. મુખરજીએ 1950ની પહેલી એપ્રિલે પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.

એ પછી ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીએ નવા રાજકીય પક્ષની રચનાના પ્રયાસ શરૂ કર્યા હતા. ડૉ. મુખરજી પોતે હિન્દુ મહાસભાના નેતા હતા. તેમને હિંદુ મહાસભાનું રાજકીય પક્ષમાં રૂપાંતર કરવાનું સ્વીકાર્ય ન હતું, કારણ કે એ બાબતે મતભેદ હતા.

મતભેદના કારણોમાં હિન્દુ મહાસભાનું બ્રિટન તરફી વલણ, નબળું સંગઠન અને હિન્દુઓ સિવાયના કોઈને સંગઠનના સભ્ય બનાવવાનો ઇનકાર, જેવા મુદ્દા સામેલ હતા.

એ દરમિયાન ડૉ. મુખરજી સરસંઘચાલક ગોલવલકર પાસે જઈ પહોંચ્યા હતા. જોકે, ગોલવલકર સંઘને રાજકીય પક્ષમાં પરિવર્તિત કરવા તૈયાર ન હતા. તેમણે તત્કાલીન હિંદુતરફી સંગઠનો - હિન્દુ મહાસભા અને રામ રાજ્ય પરિષદને સમર્થન આપવાનો પણ ઇનકાર કર્યો હતો.

આખરે એક બેઠકમાં ગોલવલકર અને ડૉ. મુખરજી રાજકીય પક્ષની રચનાના મુદ્દે સહમત થયા હતા અને 1951ની પાંચમી મેએ જનસંઘની રચનાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1951ની 21 ઑક્ટોબરે દિલ્હીની રઘુમલ આર્ય કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળાના પરિસરમાં પક્ષનું પ્રથમ સંમેલન યોજાયું હતું અને તેમાં શ્યામાપ્રસાદ મુખરજીને જનસંઘના પ્રથમ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

જનસંઘની સ્થાપનાના બે વર્ષ બાદ ડૉ. મુખરજીનું અવસાન થયું હતું. જનસંઘે તેમના નેતૃત્વમાં માત્ર લોકસભાની ચૂંટણી લડ્યો હતો અને સમગ્ર દેશમાં ત્રણ બેઠકો જીતી હતી.

1951ની પાંચમી મેએ જનસંઘની રચનાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1951ની પાંચમી મેએ જનસંઘની રચનાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

1951થી 1971 સુધીમાં જનસંઘ લોકસભાની પાંચ ચૂંટણી લડ્યો હતો. તેમાં 1951માં ત્રણ બેઠકો, 1957માં ચાર બેઠકો, 1962માં 14 બેઠકો અને 1972માં 22 બેઠકો પર તેનો વિજય થયો હતો.

1971 પછીની લોકસભાની અપેક્ષિત ચૂંટણી યોજવામાં આવી ન હતી, કારણ કે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી. એ કટોકટીના વિરોધમાં 'સંપૂર્ણ ક્રાંતિ'ના નારા સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં જનસંઘના અનેક નેતાઓ સક્રિય હતા અને ઘણા જેલમાં પણ હતા.

કટોકટી હઠાવી લીધા બાદ 1977માં ઇન્દિરા ગાંધીએ ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. કટોકટી સામે લડેલા ચારેય પક્ષો એ વખતે 'જનતા પાર્ટી' નામના એક છત્ર નીચે ભેગા થયા હતા.

તેમાં મોરારજી દેસાઈની આગેવાની હેઠળની કૉંગ્રેસ (સંગઠન), જ્યોર્જ ફર્નાન્ડિસની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટી, ચરણ સિંહની આગેવાની હેઠળની ભારતીય ક્રાંતિકારી પાર્ટી અને લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળના જનસંઘનો સમાવેશ થાય છે.

ઇન્દિરા ગાંધી સામે દેશભરમાં ગુસ્સો હતો. જેનું પ્રતિબિંબ 1977ની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. 542 બેઠકો પરથી ચૂંટણી લડેલા ઇન્દિરા કૉંગ્રેસ પક્ષને માત્ર 154 બેઠકો મળી હતી. ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધી પણ હારી ગયાં હતાં.

ચાર પક્ષોના ગઠબંધનવાળી જનતા પાર્ટીએ 298 બેઠકો જીતી હતી. તેમાં માત્ર જનસંઘના 93 ઉમેદવારો જીત્યા હતા. વાસ્તવમાં જનસંઘ, જનતા પાર્ટી પાસે સૌથી વધુ સાંસદો હતા. જોકે, લોકસ્વીકૃતિના અભાવે જનસંઘના કોઈ સંસદસભ્ય વડાપ્રધાન બની શક્યા ન હતા.

વિનય સીતાપતિ તેમના પુસ્તક 'જુગલબંધી'માં જણાવ્યું છે કે જનસંઘની અસ્વીકાર્યતા અને કટોકટી દરમિયાન અટલ બિહારી વાજપેયી તથા લાલ કૃષ્ણ અડવાણીની પક્ષ પર ઢીલી પડેલી પકડને કારણે જ 1977માં જનસંઘના કોઈ નેતા વડાપ્રધાન બની શક્યા ન હતા.

તેના પરિણામે વડાપ્રધાન તરીકે જગજીવન રામ તથા મોરારજી દેસાઈના નામ ઊભર્યાં હતાં અને આખરે સર્વસમંતિથી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા.

મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પાર્ટીની બિન-કૉંગ્રેસી સરકારે કેન્દ્રમાં સત્તા સંભાળી હતી. ઇન્દિરા ગાંધીએ લાદેલા અનેક કઠોર કાયદાઓ રદ્દ કરવા સહિતના ઘણા મહત્વના નિર્ણય એ સરકારે લીધા હતા.

જોકે, મિશ્ર સરકારમાં આંતરિક સાઠમારી વધી રહી હતી. યુતિના ચારેય ભાગીદાર પક્ષોનું મોં અલગ-અલગ દિશામાં હતું. તેથી જ જનતા પાર્ટીના સ્થાપક જયપ્રકાશ નારાયણ આ પ્રયોગને 'ખિચડી' કહેતા હતા.

line

બેવડા સભ્યપદનો વિવાદ

મોરારજી દેસાઈ
ઇમેજ કૅપ્શન, મોરારજી દેસાઈ

એ દરમિયાન માર્ચ 1978માં સમાજવાદી પક્ષના નેતા મધુ લિમયેએ જનતા પાર્ટીમાં જનસંઘના નેતાઓના બેવડા સભ્યપદનો મુદ્દો ઉઠાવ્યો હતો. એ મુદ્દાને કારણે જનતા પાર્ટીમાં ફૂટ પડી હતી અને તેના પરિણામે ભાજપની સ્થાપના થઈ હતી.

બેવડા સભ્યપદનો મુદ્દો એ હતો કે જનતા પાર્ટીમાંના જનસંઘના નેતાઓ સંઘના સભ્યો પણ હતા અને જનતા પાર્ટીના સભ્યો પણ હતા. તેની સામે મધુ લિમયે જેવા પક્ષના કેટલાક નેતાઓએ વાંધો લીધો હતો અને તેમને સંઘનું સભ્યપદ છોડી દેવાનું જણાવવામાં આવ્યું હતું.

જોકે, અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓ આ મુદ્દા સાથે સહમત ન હતા. એ કારણે જનતા પાર્ટીમાં જોરદાર આંતરિક વિવાદ સર્જાયો હતો.

જનતા પાર્ટીના નેતા અને તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ આ વિવાદના નિરાકરણનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં ખાસ સફળતા મળી ન હતી.

1980ની ચોથી એપ્રિલે યોજાયેલી જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બેવડા સભ્યપદના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વાજપેયી અને અડવાણી જેવા જનસંઘના નેતાઓ પોતાના વલણ બાબતે અડગ હતા. જનતા પાર્ટી બે જૂથમાં વિભાજિત થઈ ગઈ હતી. એક જૂથ જનતા પાર્ટી(સેક્યુલર)નું અને બીજું જૂથ જનતા દળ તથા ભાજપનું.

line

ભાજપની સ્થાપના વખતે મંચ પર ગાંધીજીનો ફોટો

ગુજરાતમાં ભાજપના એક આંદોલનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ભાજપના એક આંદોલન વખતે મંચ પર બિરાજેલા પક્ષના નેતાઓ

જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ 1980ની પાંચમી અને છઠ્ઠી એપ્રિલે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં વાજપેયી તથા અડવાણીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય સંમેલન યોજવામાં આવ્યું હતું. એ સંમેલનના બીજા દિવસે એટલે કે છઠ્ઠી એપ્રિલે અડવાણીએ 'ભારતીય જનતા પક્ષ' નામના નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત કરી હતી.

રસપ્રદ વાત એ છે કે એ વખતે સભામંચ પરના મુખ્ય બૅનરમાં માત્ર ત્રણ ફોટા હતા. તેમાં દિનદયાલ ઉપાધ્યાય અને જયપ્રકાશ નારાયણ ઉપરાંત ત્રીજો ફોટો મહાત્મા ગાંધીનો હતો.

પક્ષનું નામ 'ભારતીય જનતા પાર્ટી' રાખવાનું સૂચન અટલ બિહારી વાજપેયીએ જ કર્યું હતું. એ વખતે કલ્પના એવી હતી કે નવા પક્ષને જનસંઘ કે સંઘ સાથે સીધો સંબંધ નહીં હોય અને તે જનતા પાર્ટીનો એક ભાગ હશે.

નવા રચાયેલા ભાજપમાં જનસંઘના તેમજ જનતા પાર્ટીના અન્ય ઘટકોના નેતાઓ પણ જોડાયા હતા. દાખલા તરીકે શાંતિ ભૂષણ. તેઓ મૂળ કૉંગ્રેસ(સંગઠન)ના નેતા હતા અને જનતા પક્ષની સરકારમાં કેન્દ્રીય પ્રધાન બન્યા હતા.

ભાજપને પક્ષના પ્રતીક તરીકે 'કમળ' ફાળવવામાં આવ્યું હતું. ચૂંટણીપંચે એ પ્રતીક ખરેખર તો અપક્ષ ઉમેદવારો માટે રાખ્યું હતું, પરંતુ અડવાણીના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળે કમળના પ્રતીકની ફાળવણીની માગણી કરી હતી અને ચૂંટણીપંચે તે સ્વીકારી હતી.

અટલ બિહારી વાજયેપીને પક્ષના પ્રથમ પ્રમુખ બનાવવાનો નિર્ણય રાષ્ટ્રીય સંમેલનમાં લેવામાં આવ્યો હતો.

ભાજપના સ્થાપકોમાં લાલકૃષ્ણ અડવાણી, નાનાજી દેશમુખ, મુરલી મનોહર જોશી, સુંદરસિંહ ભંડારી, કે. આર. મલકાણી, વી. કે. મલ્હોત્રા, કુશાભાઉ ઠાકરે, જના કુશવાહા કૃષ્ણમૂર્તિ, કેદારનાથ સહાની, જે. પી. માથુર, સુંદરલાલ પટવા, ભૈરવસિંહ શેખાવત, શાંતાકુમાર, રાજમાતા વિજયરાજે સિંધિયા, કૈલાશપતિ મિશ્રા, જગન્નાથરાવ જોશી જેવા નેતાઓનો સમાવેશ થાય છે.

ભાજપ જનસંઘ કરતા મોટી પાર્ટી હોવાનું એક કારણ એ છે કે સંઘ સિવાયના ઘણા લોકો પણ પાર્ટીમાં જોડાઈ શક્યા હતા. તેમાં રામ જેઠમલાણી, શાંતિ ભૂષણ અને સિકંદર બખ્ત જેવા લોકો મોખરે હતા.

line

પ્રથમ સંમેલનમાં મુસ્લિમ નેતા અતિથિવિશેષ

મોહમ્મદ કરીમ ચાગલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ કરીમ ચાગલા

ભાજપની સ્થાપના પછીનું પ્રથમ અધિવેશન મુંબઈના બાંદ્રા સ્થિત સમતાનગર ખાતે યોજાયું હતું. સમતા નગર મેદાનમાં 1980ની 28 થી 30 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા સંમેલનમાં લગભગ 50,000 લોકોએ હાજરી આપી હતી.

એ જ સંમેલનમાં અટલ બિહારી વાજપેયીને પક્ષના અધ્યક્ષ તરીકે સત્તાવાર રીતે ચૂંટવામાં આવ્યા હતા. વાજપેયીને પક્ષના અધ્યક્ષ બનાવવાની જાહેરાત અડવાણીએ કરી હતી, જ્યારે અડવાણી, સૂરજ ભાન અને સિકંદર બખ્તને પક્ષના મહાસચિવ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

ભાજપના આ પ્રથમ સંમેલનમાં અતિથિવિશેષ તરીકે મહમદ અલી કરીમ ચાગલાને આમંત્રિત કરાયા હતા.

ચાગલા ઇસ્માઈલી ખોજા પરિવારના હતા અને તેઓ મહમદ અલી ઝીણાને પોતાનો આદર્શ માનતા હતા. ચાગલાએ લગભગ સાત વર્ષ સુધી ઝીણાની સાથે કામ કર્યું હતું. હકીકતમાં તેઓ મુસ્લિમ લીગના સભ્ય હતા. બાદમાં તેમણે મુંબઈમાં મુસ્લિમ નેશનાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી હતી, પરંતુ તે પક્ષ ખાસ પ્રગતિ કરી શક્યો ન હતો.

કાયદાનો અભ્યાસ કરી ચૂકેલા ચાગલાએ મુંબઈના ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં 1927માં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. ત્યાં તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સાથી કર્મચારી હતા.

તેઓ 1941માં બૉમ્બે હાઈકોર્ટના જજ બન્યા હતા અને દેશની આઝાદી બાદ 1948માં બૉમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા.

મુરલી મનોહર જોષી, લાલકૃષ્ણ આડવાણી અને અટલ બિહારી વાજપેયી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુરલી મનોહર જોષી, લાલકૃષ્ણ આડવાણી અને અટલ બિહારી વાજપેયી

આઝાદી વખતે ચાગલાએ દ્વિરાષ્ટ્રવાદનો વિરોધ કર્યો હતો. બાદમાં તેમણે નેહરુ અને ઇન્દિરા ગાંધીની કૅબિનેટમાં પ્રધાન તરીકે સેવા આપી હતી. જોકે, તેમણે ઇમરજન્સીનો સખત વિરોધ કર્યો હતો. એ કારણે તેઓ જનસંઘના નેતાઓના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં ભાજપની નજીક પણ આવ્યા હતા.

ભાજપના સૌપ્રથમ અધિવેશનમાં અતિથિવિશેષ બનેલા ચાગલાએ ભાજપના ઉદયને 'આશાનું કિરણ' ગણાવ્યો હતો.

પ્રથમ અધિવેશનમાં પ્રવચન આપતાં ચાગલાએ કહ્યું હતું કે, " કૉંગ્રેસ પાસે કોઈ વિકલ્પ નથી, એવું કોણ કહે છે? હું ભાજપને વિકલ્પ તરીકે જોઉં છું અને અટલ બિહારી વાજપેયીને ઇન્દિરા ગાંધીના પર્યાય માનું છે."

એ જ સંમેલનમાં વાજપેયીએ અધ્યક્ષસ્થાનેથી કરેલું પ્રવચન હિન્દી ભાષાના તેમના જ્ઞાનનું પરિચાયક હતું.

વાજપેયીના તે પ્રવચન વિશે 'ભારતીય જનતા પાર્ટીઃ પાસ્ટ, પ્રેઝન્ટ ઍન્ડ ફ્યૂચર' નામના પુસ્તકમાં લેખક શાંતનુ ગુપ્તાએ લખ્યું છે કે "પક્ષના આશાસ્પદ ભાવિનો ખ્યાલ આપતું તે ભાષણ વાજપેયીની આગવી વકૃત્વશૈલીનું સર્વોત્તમ ઉદાહરણ હતું."

અનેક નેતાઓએ પોતપોતાના પક્ષની મર્યાદા ઓળંગીને વાજપેયીના તે ભાષણને વખાણ્યું હતું.

line

ગાંધીવાદી સમાજવાદ અને ભાજપનો આંતરિક વિવાદ

રાજમાતા વિજયારાજે સિંધિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજમાતા વિજયારાજે સિંધિયા

પક્ષની સ્થાપના પછી ભાજપે પોતાનું ધ્યેય તથા ધારાધોરણ જાહેર કર્યાં હતાં. તેને 'પંચ નિષ્ઠા' એવું નામ આપવામાં આવ્યું હતું.

ભૂપેન્દ્ર યાદવ અને ઈલા પટનાયક લિખિત 'રાઈઝ ઑફ બીજેપી' પુસ્તકમાં આપવામાં આવેલી માહિતી મુજબ, તે 'પંચ નિષ્ઠા'માં દીનદયાળ ઉપાધ્યાયના 'એકાત્મ સમાજવાદ', લોકશાહી તથા મૂળભૂત અધિકારો માટેની પ્રતિબદ્ધતા, સર્વધર્મ સમભાવ, ગાંધીવાદી સમાજવાદ અને મૂલ્ય પર આધારિત રાજકારણ એવા પાંચ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પાંચ પૈકીના ગાંધીવાદી સમાજવાદને ભાજપ સામ્યવાદનો પર્યાય ગણતો હતો, પરંતુ રાજમાતા વિજયારાજે સિંધિયાએ ગાંધીવાદી સમાજવાદના સ્વીકારનો આરંભે વિરોધ કર્યો હતો. બાદમાં તેમણે તેનો પક્ષની નીતિ તરીકે સ્વીકાર કર્યો હતો.

line

પહેલી ચૂંટણીમાં મળી માત્ર બે બેઠક

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પક્ષની સ્થાપના પછી ભાજપ લોકસભાની ચૂંટણી પહેલીવખત 1984માં લડ્યો હતો. તે ઇન્દિરા ગાંધીની હત્યા પછીની સૌપ્રથમ સંસદીય ચૂંટણી હતી. દેશભરમાં કૉંગ્રેસતરફી સહાનુભૂતિની લહેર હતી અને ચૂંટણીના પરિણામમાં પણ તેનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

ભાજપ એ ચૂંટણી તમામ 543 બેઠકો પરથી લડ્યો હતો, પરંતુ તેમાં તેના માત્ર બે ઉમેદવારો વિજયી થયા હતા.

એ બેમાં ગુજરાતના મહેસાણા બેઠક પરથી જીતેલા એ કે પટેલ અને તત્કાલીન આંધ્ર પ્રદેશના હનામકોંડા બેઠક પરથી જીતેલા ચેંડૂપટલા જંગા રેડ્ડીનો સમાવેશ થતો હતો.

line

જનસંઘને પુનર્જીવિત કરવાનો વિચાર

અટલ બિહારી વાજપેયી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપ એ ચૂંટણી તમામ 543 બેઠકો પરથી લડ્યો હતો, પરંતુ તેમાં તેના માત્ર બે ઉમેદવારો વિજયી થયા હતા.

1984ની સંસદીય ચૂંટણી પછી 1985માં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજવામાં આવી હતી. એ બેઠકમાં વાજપેયીએ કહ્યું હતું કે "ચૂંટણીમાં પરાજયની સંપૂર્ણ જવાબદારી હું પક્ષના અધ્યક્ષ તરીકે સ્વીકારું છું. પક્ષ નક્કી કરશે તે સજાના પાલન માટે હું તૈયાર છું."

એ બેઠકમાં બે મુદ્દે આત્મચિંતનની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. પહેલો મુદ્દો એ હતો કે જનસંઘને જનતા પાર્ટીમાં વિલીન કરવાનું યોગ્ય હતું કે કેમ? બીજો મુદ્દો એ હતો કે જનસંઘને પુનર્જીવિત કરવો જોઈએ કે કેમ?

અલબત, 'ભાજપ' નામ અને તેનું પ્રતીક 'કમળ' લોકો સુધી પહોંચી ગયું હતું. કાર્યકરોએ 'કમળ'નો પ્રચાર કર્યો હતો એટલે ત્યાં સુધી પહોંચ્યા પછી પાછા ફરવાની હિંમત પક્ષના વરિષ્ઠ નેતાઓએ દેખાડી ન હતી.

આખરે વાજપેયીના સૂચન મુજબ રાષ્ટ્રીય કારોબારીએ એક સમિતિની રચના કરી હતી. કૃષ્ણલાલ શર્મા એ સમિતિના પ્રમુખ હતા. તેમણે ભાજપની પ્રાદેશિક કારોબારીઓનો અભિપ્રાય મગાવીને તત્કાળ અહેવાલ આપ્યો હતો.

એ અહેવાલમાં પક્ષની વિચારધારાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું હતું. એ જ અહેવાલમાં 'પાર્ટી વિથ ડિફરન્સ' શબ્દનો ઉલ્લેખ સૌપ્રથમવાર કરવામાં આવ્યો હતો. એ પછી લોકોને ભાજપનો સારી રીતે પરિચય કરાવવા માટે એ શબ્દનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે.

એ અહેવાલ પછી ભાજપમાં આંતરિક ફેરફારો કરવામાં આવ્યા હતા, નવાં સૂચનો કરવામાં આવ્યાં હતાં. તેમાં મહિલા મોરચા અને યુવા મોરચા વગેરેની રચનાનો સમાવેશ થાય છે. તેના અનુસંધાને ભાજપે સમાજના વિશિષ્ટ વર્ગોને વિવિધ મોરચાના ઝંડા તળે એકત્ર કરવાની શરૂઆત કરી હતી.

એ સમયગાળામાં અનેક યુવા નેતાઓ ભાજપમાં જોડાયા હતા. તેમાં વેંકૈયા નાયડુ, પ્રમોદ મહાજન, સુષ્મા સ્વરાજ, કાલરાજ મિશ્રા, કલ્યાણ સિંહ, બ્રહ્મદત્ત તથા એન ગોવિંદાચાર્યનો સમાવેશ થતો હતો. તેમાં સમાવિષ્ટ વધુ એક યુવા નેતા એટલે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

1984ની ચૂંટણીમાં મળેલા પરાજયમાંથી પાઠ ભણીને ભાજપે લોકસભાની ચૂંટણીઓમાં આગેકૂચ ચાલુ રાખી હતી.

આંકડાઓ પર નજર કરવાથી આ વાત વધુ સારી રીતે સમજી શકાશે. 1984ની ચૂંટણીમાં ભાજપને બે બેઠકો મળી હતી, પણ 1989માં તે વધીને 85 થઈ ગઈ હતી અને 1991માં 120, 1996માં 161, 1998માં 182, 1999માં 182, 2004માં 138, 2009માં 116, 2014માં 282 અને 2019ની સંસદીય ચૂંટણીમાં ભાજપ 303 બેઠકો જીત્યો હતો.

બે બેઠકોથી શરૂ થયેલી ભાજપની યાત્રા 42 વર્ષ પછી 303ના આંકડે પહોંચી છે.

ભાજપની સ્થાપના પછી મુંબઈમાં યોજાયેલા પક્ષના સૌપ્રથમ અધિવેશનમાં અધ્યક્ષસ્થાનેથી ભાષણ આપતાં વાજપેયીએ કહેલું એક વાક્ય બહુ ગાજ્યું હતું. એ વાક્ય હતું: "અંધેરા છંટેગા, સૂરજ નિકલેગા, કમલ ખિલેગા."

છેલ્લાં 42 વર્ષમાં પક્ષે મેળવેલા યશને ધ્યાનમાં લેતાં એ વાક્ય વાજપેયીના મજબૂત આશાવાદના વાસ્તવિક પ્રતિબિંબ જેવું લાગે છે.

સંદર્ભ ગ્રંથો : ધ રાઇઝ ઑફ દ બીજેપી - ભૂપેન્દ્ર યાદવ અને ઈલા પટનાયક, ભારતીય જનતા : પાર્ટી પાસ્ટ પ્રેઝન્ટ ઍન્ડ ફ્યૂચર - શાંતનુ ગુપ્તા, જુગલબંદી દ બીજેપી બીફોર મોદી - વિનય સીતાપતી

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો